મનોવૈજ્ઞાનિક સંદર્ભોથી સભર વાર્તા ‘સૂરદાસ’


ધૂમકેતુના સમકાલીન દ્વિરેફ –રા.વિ.પાઠક પાસેથી ત્રણ વાર્તાસંગ્રહોમાં કુલ ચાલીસ જેટલી વાર્તાઓ સાંપડી છે. તેમની વાર્તાઓમાં વિવિધ રસોની અનુભૂતિ થાય છે. તેમની વાર્તાઓમાં સામાજિક અભિગમ, પ્રસન્ન દાંપત્યજીવન, લગ્નજીવનની વિષમતા, દલિત-પીડિત સમાજ, રુઢિજડતા, વેરભાવના, કીર્તિલાલસા અને માનસશાસ્ત્રીય અભિગમના નિરૂપણવાળી વાર્તાઓ સાંપડી છે. તેમની મનોવૈજ્ઞાનિક ગુંચોનું આલેખન કરતી વાર્તાઓ દાદ માંગે તેવી છે. ’એકપ્રશ્ન’, ’રજનુંગજ’, જમનાનુંપૂર’, ’નવોજન્મ’, ’નવોજન્મ’, ’કપિલરાય’, ’કોદર’, ’સૌભાગ્યતી’, ’અંતરાય’, ’છેલ્લો દાંડકય ભોજ’, તથા ‘સુરદાસ’ આદિ વાર્તાઓમાં માનવમનના અંતલઉડાણની રસપ્રદ વાર્તા નિરુપાયી છે.અહીં ‘સુરદાસ’ વાર્તાના નાયક સુરદાસના મનોભાવ તપાસીએ.

‘સૂરદાસ’ વાર્તાનો નાયક ‘સૂરદાસ’ સંગીતપ્રેમી છે. ડફ વગાડવામાં તેનો જોતો જડવો મુશ્કેલ છે અને મધુર કંઠનો માલિક છે. શહેરમાં રહી માંગી ખાતા આ સુરદાસને એક પરદેશી ફૂટડા યુવાન સારંગી વાદકનો  પરિચય થાય છે. ‘પરદેશી’ સુમધુર કંઠ ધરાવે છે – આ બંને પાત્રો સિવાય વાર્તામાં ત્રીજું મહત્વનું પાત્ર છે ‘રામપ્યારી’. રામપ્યારી સુંદર છે અને સુમધુર કંઠ પણ ધરાવે છે.

ધર્મશાળામાં એકાકી જીવન જીવતા આ સુરદાસને ક્રમશઃ બંને પાત્રોનો પરિચય થતાં ત્રણે સાથે મળી સંગીત વગાડી-ગાઈને પોતાનું ગુજરાન ચલાવે છે. સમય જતા સૂરદાસ રામપ્યારી તરફ આકર્ષાય છે અને રામપ્યારી પ્રત્યે માલિકીભાવ અનુભવવા લાગે છે. રામપ્યારી પ્રત્યેના એના પ્રેમમાં ઈર્ષ્યાભાવ જન્મતા તેનામાં પરદેશી પ્રત્યે  ઈર્ષ્યા અને સંશયની ભાવના જાગે છે. તે પરદેશીને પોતાનો પ્રતિસ્પર્ધી માને છે. તેને લાગે છે કે આ બંને પોતાના અંધાપાનો લાભ લઇ સાથે ભાગી જવાનો બદઈરાદો રાખે છે. તેવી શંકામાં તે રામપ્યારીનાં માથે લાકડી ફટકારી દે છે અને રામપ્યારી મૃત્યુ પામે છે. આ દ્રશ્ય જોઈ પરદેશી પલાયન કરી જાય છે.

અહી રામપ્યારી અને પરદેશી વચ્ચેના સંબંધ નિમિત્તે વાર્તાકારે ‘સૂરદાસ’ ના મનના સંકુલ ભાવોને બરાબર પ્રગટ કાર્ય છે. પરિણામે વાર્તા મનોવૈજ્ઞાનિક સંદર્ભોથી સભર બની છે. પરદેશી અને રામપ્યારી તો વાર્તાનાં ગૌણ પાત્રો છે. સુરદાસના મનોભાવોનો સાચો તાગ લેવા આપણે ‘આલ્ફ્રેડ એડ્લર’ના ‘લઘુતા’ના ખ્યાલને સમજવો પડે.

એડ્લરના આ વ્યક્તિત્વ સિદ્ધાંતને કેટલાક મનોવૈજ્ઞાનિકો Inferiority principal- સિદ્ધાંત તરીકે ઓળખાવે છે. એડ્લરના મતે “લઘુતા એટલે અન્ય વ્યક્તિઓની સરખામણીમાં પોતાને અશક્ત, નબળી, હીન કે ઊતરતી જોવાનું વ્યક્તિનું વલણ”. એડ્લરના મતે આ લઘુતાની ક્ષતિપૂર્તિના પ્રયત્નો પ્રમાણસર રહે ત્યાં સુધી બરાબર છે, તે કહે છે, લઘુતાનો ભાવ ધરાવતી વ્યક્તિ હંમેશા બીજાની સાથે પોતાની સરખામણી કરતી રહે છે. બીજી વ્યક્તિને હરાવવા કે આગળ વધતી અટકાવવાની પ્રવૃત્તિ કરે છે. એડ્લર એમ જણાવે છે કે, વ્યક્તિ લઘુતાના ખ્યાલમાં સૌથી વધુ મહત્વ શારીરિક લઘુતાનું હોય છે. આ લઘુતાગ્રંથિથી વ્યક્તિના જીવનમાં હતાશા આવે છે અને તે ઇર્ષાભાવથી પણ પીડાય છે. આ લઘુતાગ્રંથિનાં વિકૃત પરિણામો છે.

 આ વાર્તામાં ‘સૂરદાસ’ લાઘુતાગ્રંથિના વિકૃત પરિણામનું ફળ છે.  પ્રથમવાર પરદેશી સાથે મુલાકાત થાય છે ત્યારે ગાતા પરદેશીને જોઈ સુરદાસને લાગે છે કે પરદેશીનો સૂર પોતાના કરતા વધારે સારો છે ત્યારે તે ખાશીયાણો પડી જાય છે. અહી સૂરદાસ પ્રથમ વાર લઘુતાથી પીડાતો દેખાય છે, પરંતુ પરદેશીના મુખે ઉચ્ચારેલ વિધાન.. “મેં સારે હિન્દુસ્તાનમેં ઘુમા હું લેકિન ઐસા ડફ કહીં ભી નહિ સુના હૈ, સૂરદાસ ફરીથી ઉત્સાહમાં આવ્યો.” (પૃ.૯૩ દ્વિરેફની વાર્તાઓ-૨. રા.વિ. પાઠક) અહીં સુરદાસની લઘુતા થોડી હલ થાય છે. કારણ કે તેના Ego ને પોષણ મળે છે. બંને સાથે મળી પોતાનું ગુજરાન ચલાવે છે. એક દિવસ ધર્મશાળાના ઓટલા પર ગાતા સૂરદાસ અને પરદેશીના ગીતમાં ત્રીજો મધુર સ્વર ભળે છે, તે સ્વર છે રામપ્યારીનો. રામપ્યારી સુંદર હતી. “તેનું માથું ખુલ્લું હતું, કાળા વાળની સુંદર લટો ગાળાની બંને બાજુના ખભા ઉપર થઇ છાતી પાસે લટકતી હતી. તેના કપાળમાં ભમ્મરનો ચાંદલો હતો. તેના શરીરે એક કફની જેવું પહેરણ પહેરેલું હતું…. તે સ્વભાવે સુની હતી. ગાવા સિવાય તેને કોઈ પણ ઐહિક વસ્તુમાં રસ નહોતો… રામપ્યારીમાં કોઈ અગાધ સૌજન્ય હતું અને તે હસતી ત્યારે આખા મુખ ઉપર છવાઈ તેને અદ્વિતીય સૌન્દર્ય અર્પતું… તે મોટી ઉંમરની હતી છતાં જવાન લાગતી હતી. “(૯૪,૯૫,૯૬)

રામપ્યારીનું વર્ણન વાર્તાકારે અમસ્તું નથી કર્યું. ભલે સૂરદાસ દ્રષ્ટિહીન છે, પરંતુ રામ્પ્યારીનાં સૌદર્યના પરદેશી પાસેથી સાંભળેલા વખાણ અને રામપ્યારીનો સ્પર્શ સૂરદાસના મનમાં પ્રેમ ઉત્પન્ન કરે છે. ત્રણેની મંડળી શહેરમાં ફરતી થાય છે. રામપ્યારી ગાતી, સૂરદાસ રામ્પ્યારીના ખભે એક હાથ દઈ બીજા હાથે ડફ વગાડતો અને પરદેશી સારંગી વગાડતો આગળ ચાલતો.

“દુકાનમાં બેઠેલા જુવાન છોકરાએ મશ્કરીમાં કહ્યું: “સુરદાસજી ! નસીબદાર છો બહુ સુંદર છોકરી મળી ગઈ છે….” ટોળામાંથી એક બીજો માણસ બોલ્યો: ‘નસીબદાર તે કેવો? આ ફાંકડા પરદેશીને છોડી જૂઓને આંધળાને મોહી ગઈ.’ (પૃ.૯૬)

સુરદાસને રામપ્યારીનો સ્પર્શ તેના જીવનમાં પ્રથમ સ્ત્રીનો સ્પર્શ હતો. અહી જાતીય આકર્ષણનો સંકેત રચાય છે. આમેય સૂરદાસ રામપ્યારીના અવાજથી મુગ્ધ હતો. તેના સ્પર્શથી રોમાંચ અનુભવતો. અંધાપાને બહાને તેને રામપ્યારીની સોબત સતત મળ્યા કરતી… સતત સોબત અને સતત સંસર્ગથી તેનું મન રામપ્યારીની સોબત ઉપર પોતાનું સ્વામિત્વ મળ્યું સમજતું હતું. (૯૭)

વળી રસ્તા ઉપર સાંભળેલી પેલા જુવાનની વાત તેને યાદ આવે છે અને મનમાં સંશય ઉત્પન્ન થવા લાગે છે. “રામપ્યારી રૂપાળી હતી? પરદેશી પણ ફાંકડો હતો? પોતે તો આંધળો હતો!… રામપ્યારી પોતા જેવા અપંગને ચાહે તે અશક્ય હતું. તે જરૂર પેલા પરદેશીને ચાહતી હશે. બંને ગમે તેમ કરતા પણ હશે. તેની તેને ખબર પણ ક્યાંથી પડે!…(૯૭)

     રામપ્યારી તરફ સુરાદાસનું આકર્ષણ અને પરદેશી તરફ દ્વેષભાવનો અહી પ્રારંભ થાય છે. વાસ્તવમાં પરદેશીને રામપ્યારી તરફ કોઈ આકર્ષણ નથી કે રામ્પ્યારીને બંનેમાંથી એકપણ વ્યક્તિ પ્રત્યે આકર્ષણ કે પ્રેમ નથી. રામપ્યારી બંને પુરુષો સાથે સહજ ભાવે વ્યક્ત થાય છે. એટલું જ નહિ, રામપ્યારી તો નિર્લેપ છે.તેના સંકેતો વાર્તાકારે આગળ આપ્યા છે. “સ્વભાવે સૂની, ગાવા સિવાય તેને કોઈ પણ ઐહિક વસ્તુમાં રસ નહોતો.!- સૂરદાસ જે વિચારે છે તેની ભ્રમણા માત્ર છે. ઉલટું સૂરદાસ અંધ ના હોત તો પરદેશીના ચહેરાના ભાવોને વાંચી શક્યો હોત. તે પરદેશીની નિર્લેપતાને પારખી શક્યો હોત.

 અહીંથી સૂરદામાં લઘુતાનો ભાવ પ્રબળપણે પ્રગટતો દેખાય છે. એક દિવસ રાત્રે ઓટલેથી પડતા સૂરદાસનો પગ મરડાય છે ને તેથી તે ગામમાં માગવા જઈ શકતો નથી. પરિણામે પરદેશી અને રામપ્યારીને માંગવા જવું પડે છે. પરંતુ સુરદાસના મનમાં રહેલી લઘુતા તેનામાં વિકૃત્તિ પેદા કરે છે. તેથી તે સતત રામપ્યારી અને પરદેશીના જ વિચારો કરે છે.રામપ્યારીને પોતાની પાસે રોકી રાખવાનો પણ પ્રયત્ન કરી જૂએ છે. “આજે ના જતી મારો પગ સારો નથી માટે તારું કામ પડશે. રામપ્યારી માત્ર હસી જ.” (૯૮) રામ્પ્યારીના નિર્લેપ હાસ્યને તે ગર્ભિત હાસ્ય સમજવાની સુરદાસ ભૂલ કરે છે. તેથી ધર્મશાળાના પરિચિત બાવાઓને પરદેશી વિશે પૂછે છે.

                     તુમકો યહ પરદેશી કૈસા લગતા હૈ?  હા દેખનેમે તો અચ્છા લગતા હૈ”

 અહી અચ્છા એટલે સારો માણસ, પરંતુ લઘુતાથી પીડાતો સૂરદાસ તેનો જુદો જ અર્થ કાઢે છે. તેને લાગે છે કે પરદેશી રૂપાળો છે અને પોતે?- સૂરદાસનું મન શંકા અને ઈર્ષાથી ભરાઈ જાય છે. તે પૂછે છે-

                     “અચ્છા! યહ સિર પર ક્યાં રખતા હૈ?  ‘સાફા રખતા હૈ…’

સૂરદાસે વિચાર્યું કે પોતે ટોપી જ પહેરે છે. તેણે પૂછ્યું:

             “અચ્છા પર કહીએ દેખનેમે સાફા અચ્છા લગતા હૈ યા ટોપી?…વહ તો જૈસા આદમી” (૯૯)

 આથી સૂરદાસની મૂંઝવણ વધી. સારા દેખાવાની વાત પોતાને માટે વધુ ને વધુ અશક્ય લગતી હતી. વળી તે દિવસે ટ્રેન મોડી પડતા રામપ્યારી અને પરદેશી મોડા આવ્યા. સૂરદાસના મનોભાવોને પ્રગટાવવા વાર્તાકારે આ નાના-નાના ઉદ્દીપકો મુક્યા છે.- જે સૂરદાસમાં રહેલી લઘુતાને વધુ પ્રબળ બનાવે છે. જમતી વખતે સૂરદાસ પરદેશીને પૂછે છે! અચ્છા જી, આપ કહાં કે રહને વાલે? પરદેશી ….જી મેં જૌનપૂર રહતા હું! સૂરદાસે રામપ્યારીને પૂછ્યું અચ્છા રામપ્યારી તુમ કહાં રહતી હો? ‘જૌનપૂર’ (૯૯,૧૦૦)

એક બાળકની નિર્દોષતાથી રામપ્યારી જવાબ આપે છે. પરદેશી સમજે છે કે રમ્પ્યારીનો જવાબ સાચો નથી, પરંતુ સૂરદાસનો સંચય વધુ તીવ્ર બને છે. ધીરે ધીરે તેનો સંચય ઈર્ષામાં પરિવર્તિત થતો જાય છે. આ ઈર્ષાની પરાકાષ્ઠા એટલે ઠંડી ક્રુરતા. ટીપે ટીપે સૂરદાસ સભાનતા ગુમાવતો જાય છે. પ્રથમ પોતાને એ પરદેશીથી શ્રેષ્ઠ સાબિત કરવાનો પ્રયત્ન કરે છે. પરંતુ તેમાં નિષ્ફળ જતા ક્રુરતા તરફ વળે છે. દરેક વાતના તે જુદા જ અર્થો કાઢે છે.

આજે ભરબજારે માંગવા નીકળેલી આ મંડળીમાં રામપ્યારી ગઝલ ઉપાડે છે.

                     “ હાં રી આજ આ બન થાન કે કિધર જાતે હૈ?

                     કર લે સિંગાર, ચતુર અલબેલી

                     સજન કે ઘર જાના હોગા !” (૧૧૦)

લઘુતાના ભાવથી તીવ્રપણે પીડાતો સૂરદાસ આ ગીતમાં બની-ઠનીને નાસી જવાનો જ ધ્વનિ સાંભળે છે. મનમાં શંકા-કુશંકાઓ કરતો સૂરદાસ વિચારે છે. બંને જૌનપૂરના જ છે અને નાસી જવાનું વિચારે છે. જમતી વખતે પાણીનો લોટો ઢોળાતા ફરી પાણી લેવા ઊઠેલા પરદેશીને પૂછી બેસે છે. “કયો ! પરદેશી , કિધર જાતે હો?’… એટલામાં રામપ્યારીનો પડિયો કૂતરું ઉપાડી ગયું. રામપ્યારી એ લેવા એકદમ ઊઠી અને દોડી, તે સૂરદાસે સાંભળ્યું, તેને થયું કે નક્કી રામપ્યારી પરદેશીની પાછળ નાઠી.” (૧૦૨)

મનમાં સંશય હોવાથી ઈર્ષા અને ક્રૂરતાનો ભાવ સૂરદાસમાં તીવ્રતા ધારણ કરે છે. સૂરદાસ વિચલિત થઇ જાય છે. તે રામપ્યારી, રામપ્યારી એમ બુમો પડે છે. ઊભી ઊભી હસતી રામપ્યારીનો અવાજ સાંભળી શબ્દવેધી ફટકો મારી સૂરદાસ રામપ્યારીને મરણ ને શરણ કરી દે છે.

અહી સૂરદાસની લઘુતા પ્રથમ પોતાને શ્રેષ્ઠ સાબિત કરવાનો પ્રયત્ન કરે છે પરંતુ તેમાં સફળતા ન મળતાં તે લઘુતા વિકૃત રૂપ ધારણ કરે છે. સારાસારનો વિચાર કાર્ય સિવાય ક્રુરતા તરફ ગતિ કરી જાય છે

અહી ‘દ્વીરેફે’ સૂરદાસના મનોભાવોને ખુબ જીણવટપૂર્વક ગૂંથ્યા છે. વાર્તામાં બનનારી ઘટના અપ્રતિતિકર જણાતી નથી. માનવમનની વૃત્તિઓની તીવ્રતાને તેમણે બરાબર પકડી છે. ભાવને અનુરૂપ ભાષાનો ઉપયોગ કરી વાર્તામાં પાત્રોના મનોસંચલનોને બરાબર પ્રગટ કાર્ય છે.

ડો.વિશ્વનાથ પટેલ, અધ્યક્ષ ગુજરાતી વિભાગ, શામળદાસ કોલેજ, મહારાજાકૃષ્ણકુમારજી ભાવનગર યુનિવર્સીટી, ભાવનગર. મો.૯૬૬૨૫૪૯૪૦૦