‘ખુશ રહો’: પૉલીએના


શું આપણે જીવીએ છીએ? આપણે ખુશ છીએ? સાચા સાવ સાચા જવાબને આપણે જીરવી નથી શકવાના.ત્યારે મને લાગે છે કે પૉલીએના પાસે આનો ઉકેલ ચોક્ક્સ મળશે. તમે કહેશો કે ‘પોલીએના વળી કોણ છે?’ તો ચાલો ઓળખાણ કરાવું. પોલીએના એ ‘એલીનોર પોર્ટર’ નામના અંગ્રેજ લેખિકાએ લખેલ ‘પોલીએના’ (૧૯૧૨) નામની નવલકથાની નાનકડી નાયિકા છે. આ નવલકથાનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે રશ્મિબેન ત્રિવેદીએ.(પ્ર. સાલ-૧૯૭૫)

ધનવાન પિતાએ શોધેલ મોટી વય અને મોટી મહેલાતવાળા મૂરતિયાને છોડીને એક સરળ અને સહ્રયી પાદરી યુવકને પરણી ગયેલી જેનીની દીકરી તે પોલીએના. પહેલા મા અને પછી પિતાનું મૃત્યુ થતા અગિયાર વર્ષની અનાથ પોલીએનાને મિશનરીની ભલામણ અને લોક લાજે તેની માસી મિસ.પૉલી હેરિંગ્ટન પોતાને ત્યાં રાખવા તૈયાર થાય છે. પણ‚ પિતાની મરજી વગર પરણી ગયેલી પોતાની મોટી બહેનની બગાવત ભૂલી ન શકેલી માસીને પૉલીએના પ્રત્યે પ્રેમનો ઉમળકો નથી આવતો. એ તેના અભ્યાસ સહિતની તમામ જરુરિયાતો માત્ર ફરજના ભાગ રુપે જ પૂરી કરતી રહે છે. છતાં‚ પૉલીએના ખુશ છે. કેમકે‚ એના પિતાએ એને ‘રાજી રહેવાની રમત’ શીખવી છે. આર્થિક તંગીને કારણે પૉલીએનાને રમકડાં અપાવી રાજી ન રાખી શકેલા એના પિતા ‘મન મનાવવાની કળા’ વારસામાં આપી ગયા છે. નાની હતી ત્યારે પોતાને જોઈતી હતી ‘ઢીંગલી’ અને મિશનરીમાંથી આવે છે ‘કાખ ઘોડી’! ત્યારે પિતાએ એને રાજી રાખવા કહેલું કે ‘તારે એ વાતે ખુશ થવું જોઈએ કે તારે કાખઘોડીની જરુર નથી’.[1]

બસ - ત્યારથી પોલીએના આ રમત રમતી રહે છે. બીજાના નાના મોટા કપડાં પોતાના માપના કરીને પહેરતી કે પિતાના મૃત્યુ બાદ મિશનરીના લોકો સાથે રહેતા અને પછી માસીને ત્યાં આવ્યા પછી પણ આ રમત એણે વારંવાર રમવી જ પડે છે. માસીના વૈભવી આવાસમાંથી પોતાને મળેલા કોઈપણ પ્રકારની સુવિધા વગરના રુમમાં પણ ખુશ થવાના કારણો શોધી કાઢે છે. રુમમાં અરીસો પણ નથી તો એ વિચારે છે કે ‘સારું છે ને પોતાના મોં પરના ઝીણા ઝીણા ડાઘ પોતાને જોવા નહીં પડે!’ એક પણ ફોટા વગરની દીવાલોને કોસવાને બદલે એ બારી બહારનાં સુંદર દ્રષ્યો જોઈ ખુશ થાય છે. આમ‚ અણગમતી પરિસ્થિતિમાંથી કંઈક સારું શોધી લઈ એમાંથી આનંદ મેળવી ખુશ રહે છે.

પૉલીએના એટલી સ્વાર્થી નથી કે એ પોતે એકલી એકલી એ રમત રમે! પોતાની રમતમાં ભેળવી શકાય એવા ઘણા લોકોના પરિચયમા એ આવે છે. કામવાળી નેન્સીને સોમવારની સવાર નહોતી ગમતી‚ તો એને સોમવારે એવું વિચારીને રાજી થવાનું કહે છે કે ‘બીજો સોમવાર આવવાને હજી એક અઠવાડિયું બાકી છે.[2]

ગરીબ અને વળી સદાની બિમાર મિસિસ સ્નોને ત્યાં મિસ પોલીના હુકમથી કામવાળી નેન્સી દર ગુરુવારે જેલી લઈને જતી. પોતાને પણ બિમાર સ્નોને મળવું ગમશે એમ કહી પોલીએના પોતે જેલી લઈને સ્નોને ત્યાં જવા માંડે છે. એક અંધારિયા ઓરડામાં લઘરવઘર વેશે પડી રહેલી સ્નો પૉલીએનાને પણ પોતાની ફરિયાદો કહ્યા કરે છે. ખાવા પીવાથી માંડીને નાનીનાની દરેક બાબતના વાંધા વચકા એ આ નાનકડી બાલિકા પાસે પણ કાઢવા માંડે છે. પણ‚ પૉલીએના બીજાની જેમ અકળાઈ જતી નથી. સ્નોને શાંતિથી સાંભળે છે. મિસિસ સ્નો જેવા કાળા વાળ અને સુંદર મોટી આંખો પોતાને બહુ ગમે છે એમ એની સુંદરતાના વખાણ કરતી. જે નથી તેની ઈચ્છા રાખવા કરતા પોતાની પાસે જે સારું છે એ શોધી એનાથી ખુશ રહેતા શીખવાડે છે. નાની નાની ફરિયાદોને કરવાને બદલે ભૂતકાળને ભૂલી જઈ વર્તમાનમાં જીવતા શીખવે છે. જેમકે ‘સવાર સવારમાં પડોશીની સંગીતની પ્રેક્ટિસ સાંભળી કંટાળતી સ્નોને પૉલીએના એના ઉકેલ રુપે એમ શીખવે છે કે તમારે એમ માનીને રાજી થવાનું કે‘ સારું છે આપણે સાંભળી તો શકીએ છીએ.’[3]

પોતાના કેડેથી વાકાં વળી ગયેલા માળી ટૉમનું દુ:ખ જોઈ પૉલીએના કહે છે‘ તમારે હવે ઘાસ કાપવા વધારે નીચા નહીં વળવું પડે એમ માનીને ખુશ થવાનું.’[4] રોજ બગીચામાં ફરવા જતી પૉલીએના રહસ્યમય રીતે મૌનની દીવાલ પોતાની આસપાસ ચણીને બેઠેલા જૉન પેન્ડલટન સાથે પોતાના વાતોડિયા સ્વભાવને કારણે દોસ્તી કેળવી લે છે. કુદરતને માણ્યા વગર માત્ર ચાલવા ખાતર ચાલવા નીકળતા જૉનને એ સુંદર સવારને માણતા શીખવે છે. દોમદોમ સાહ્યબી વચ્ચે પણ એકલવાઈ જિંદગી જીવતા જૉનને જ્યારે ફ્રેક્ચર થાય છે ત્યારે પૉલીએના એની સતત કાળજી લે છે. પોતે હવે કદાચ ક્યારેય પથારીમાંથી ઉભો નહીં થઈ શકે એમ માની વ્યથિત થતો જૉન કહે છે કે ‘હું અત્યારે અબઘડી અહીં પથારીમાં ચત્તોપાટ પડ્યો છું ને મને લાગે છે કે કયામતના દિવસ સુધી આમ જ અહીં પડી રહીશ’૪ તેને સાંત્વના આપતી પૉલીએના કહે છે ‘સારું છે ને તમારો તો ફક્ત એક જ પગ ભાંગ્યો છે. બે નથી ભાંગ્યા તેથી પણ રાજી થઈ શકો છો ’[5]

નાદાન પૉલીએના ક્યારેક નાના મોઢે મોટાને સલાહ પણ આપી દે છે. એકલવાયા લાગતા ડૉ. શિલ્ટનને એ’ તમારે કોઈના હાથ અને હ્રદયની જરુર છે.’[6] એમ સુચન કરતાય અચકાતી નથી. પોતાના અનુયાયીઓના વર્તનથી દુખી રહેતા પાદરી રેવરન્ટની ઉદાસી જોઈ પૉલીએના તેમને પણ કહે છે કે મારા પિતાએ એકવાર કહેલું કે ‘બાઈબલમા આઠસો વાર લખ્યું છે કે આપણે આનંદ મનાવવો‚ ખુશી થવું.’[6] પોતાની રાજી રહેવાની વાતને ભારપૂર્વક ઉદાહરણ સાથે રેવરન્ટ પાસે મૂકી પણ આપે છે.

ઉત્સાહથી ભરેલી‚ ઉછળકૂદ કરતી રહેતી‚ સદાય અન્યને મદદ કરવાને તૈયાર રહેતી પૉલિએના પોતાના મિલનસાર સ્વભાવને કારણે કેટલાયે એવા સ્ત્રી–પુરુષોના પરિચયમાં આવે છે જે કોઈને કોઈ રીતે દુ:ખી હતા. નાનકડી પૉલીએના આ બધા સાથે દોસ્તી બાંધતી રહેતી અને પોતાની ‘રાજી રહેવાની રમત’ એમને શીખવાડતી રહેતી. એમને એ વિશ્વાસ અપાવતી કે એમનું દુ:ખ બીજા કરતા ઓછું છે. ‘જે નથી એના વિચારે દુ˸ખી થવાને બદલે જે છે એમાંથી સારું શું છે એ શોધી એનો લાભ લઈ આનંદ ઉઠાવવો જોઈએ.’ શરુઆતમાં અતડી‚ અભિમાની અને કઠોર લાગતી પોતાની માસીને પણ ધીરે ધીરે પોતાના પ્રેમાળ અને પરગજુ અને વિનયી સ્વભાવથી જીતી લે છે. પોતાને મળતી નાની મદદ માટે પણ ‘તમે સારા છો’ ખૂબ દયાળુ છો’ એમ વારંવાર કહ્યા કરી તેના મનમાં બંધાઈ ગયેલી પૂર્વગ્રહોની ગાંઠો ઉકેલતી રહે છે.

એક દિવસ સ્કૂલેથી ઉતાવળે ઉતાવળે ઘેર આવી રહેલી પૉલીએનાને એક ગાડી ટક્કર મારીને જતી રહી. નાનકડી નિખાલસ‚ નિર્દંશ છોકરીના રાજીપાની જાણે હવે કસોટી શરુ થાય છે! પથારીમાં પડેલી પૉલીએના પોતે જલ્દી સાજી થઈ સ્કુલે જશે એમ વિચારી અત્યંત વેદના વચ્ચે પણ હારી જતી નથી. બીજાને જે સલાહ આપતી રહેતી એને પોતાને હવે એનો સામનો કરવાનો સમય આવે છે ત્યારે પણ એ ખુશ થવાનું કારણ તો શોધી જ લે છે. એ કહે પણ છે ‘હું ખુશ છું કે મને કાકાબળિયા નથી નીકળ્યા ‚ કેમ કે તે તો મારા મોંના ડાઘ કરતાંયે વધુ ખરાબ હોત. મને મોટી ઉધરસ નથી તે પણ સારું છે કેમકે એક વાર મને તે થઈ હતી ને એ તો બહુ ભયાનક સ્થિતિ હતી. પાછું મને એપેંડિસાઈટિસ કે ઓરી નથી નીકળ્યાં તેથી પણ ખુશ છું કેમ કે ઓરી તો ચેપી છે ને પછી તો મને અહીં ઘરમાં રહેવાનું મળત નહીં!’[7]

આમ‚ પોતે જલ્દી હરતી ફરતી થઈ જઈ બધાને ફરી મળી શકશે એ વિચારે મનને ખુશ રાખવા મથતી પૉલીએના જ્યારે ડૉક્ટર અને માસી વચ્ચેની વાત પરથી જાણે છે કે ‘પોતે હવે કોઈ દિવસ ચાલી શકશે નહીં’! ત્યારે ક્ષણભર એ અવાક થઈ ગઈ.!! પોતે હવે કદી ચાલી શકશે નહીં તો- તો પછી કોઈપણ બાબત માટે રાજી પણ કેવી રીતે રહી શકશે? એનો જવાબ કેમેય કર્યો એને મળતો નથી. ‘કાખઘોડી’ની પોતાને જરુર નથી એમ માની ખુશ થતા શીખેલી એ ખુશી પણ જાણે એની પાસેથી ખુંચવાઈ ગઈ થોડા વખત પહેલા નાચતી કૂદતી‚ હસતી‚ રમતી રહેતી અને નાની નાની બાબતમાં ‘હું બહુ રાજી થઈ‚ મને બહુ ગમ્યું એમ કહેતી રહેતી પૉલીએનાનું મન મનાવતું રહેતું રમકડું છીનવાઈ ગયું! એનું હાસ્ય વીલાઈ ગયું. ધીમે ધીમે એ જાણે નિરાશાની-હતાશાની ગર્તામાં ધકેલાતી ગઈ. કળી જાણે કરમાવા લાગી !

બીજી બાજુ હરતા ફરતા પોતે જેમને પોતાની રાજી રહેવાની રમત શીખવી હતી એ બધા પોતપોતાની રીતે રાજી થવાની રમત રમી પોતાના જીવન ઉપવનમાં ખુશીના કૂલોની મહેક લેતા થયા હતા. ‘એલ્જરનોન’‚ ‘ ફૂલોરાબેલે’‚ ‘એસ્ટેલા’ જેવા નામો પસંદ કરી પોતાના ‘નેન્સી’ નામ અને સોમવારની સવાર ધીક્કારતી નેન્સી હવે દર સોમવારે બીજા સોમવારને હજુ અઠવાડિયાની વાર છે એમ વિચારી ખૂશ રહે છે. પોતાની ભવ્ય હવેલીમાં એકલો રહેતો અને લોકોની નજરે મિજાજી‚ લોભી અને કંજૂશ જૉન પેન્ડલટન - એક વખતનો પૉલીએનાની માતાનો ચાહક - કે જેણે જેનીએ અન્યત્ર લગ્ન કરી લીધા ત્યારથી પોતાની જાતને એકલતાના પિંજરામાં કેદ કરી લીધી હતી. જે અઢળક સંપત્તિ છતા એમાથી જાત માટે પણ પૈસો ન ખરચતો‚ તે હવે મિસિસ સ્નો અને નેન્સી જેવા લોકોને મદદ કરતો થયો છે. જે પહેલા કોઈની સાથે વાત કરતા પણ કતરાતો હતો તે હવે પૉલીએનાના કહેવાથી જીમી બીન જેવા અનાથ છોકરાને પોતાને ત્યાં રાખવા તૈયાર થયો છે.

ઓળેલું માથું વિખાઈ જ જવાનું છે એમ વિચારી માથુ ન ઓળતી‚ ફૂલ અંતે કરમાઈ જ જશે એમ માની માથામાં ફૂલ ન ખોસતી મિસિસ સ્નો ‘પોતાના પગ ચલાવી નથી શકતી તે ભૂલી હાથ તો ચલાવી શકે છે ને એનો આનંદ લે છે.’ હવે પથારીમાં બેઠી બેઠી પોતાનો સમય ફરિયાદોમાં નહીં‚ અનાથ બાળકો માટેના કપડાં ગૂંથવા પાછળ ખર્ચે છે‚ અંદરો અંદર ઝગડ્યા કરતા અનુયાયીઓને પોતાના આકરા પ્રવચનથી સુધારવા મથતા મિનિસ્ટર ફ્રોડ‚ પોતે પણ બાઈબલના આનન્દિત થવાના આઠસો સૂત્રો વાંચીને ખુશ થાય છે. પોતાના મૃત સ્વજનોના શોકમાં કાયમ કાળા રંગના કપડાં જ પહેરતી અને હંમેશા દુ:ખી જ દેખાતી મિસિસ બેંટન કે જે પોતાના એક માત્ર જીવતા રહેલા દીકરા ફ્રેડીને રાજી રાખવાની ફરજ ભૂલી ગઈ હતી તે હવે પૉલીએનાના કહેવાથી પૂત્રને ગમે તેવા આછા વાદળી રંગના કપડા પહેરતા થયા છે અને ગળે બો પણ બાંધતા થયા છે. વર્ષો પહેલા મૃત્યુ પામેલી પોતાની દીકરીને યાદ કરી કરીને ઉદાસ રહેતા મિસિસ ટારબેલને પોતાની ખોવાયેલી ખુશી પૉલીએનાના હસતા ચહેરામાં મળી ગઈ છે‚ મિસિસ ટોમ પેશન ને ઉચ્ચ વર્ગે હંમેશા ઉપયોગિતાની નજરે જ મૂલવી હતી. જ્યારે પૉલીએના અમિર ઘરની બાળકી હોવ છતાં એ પોતાના ઘેર આવતી અને પોતાના નાના બાળકો સાથે રમત રમતી‚ વળી પોતાને અને પોતાના પતિને પણ રાજી રહેવાની રમત શીખવી પોતાનું ઘર ભાંગતુ અટકાવ્યુ હતું. એ ભુલી નહોતી.

મિસ.પોલી પણ નેન્સી પાસેથી પૉલીએનાની ‘રાજી રહેવાની રમત’ વિશે જાણે છે. શરુઆતમાં પોતે પૉલીએના પ્રત્યે દાખવેલી ઉદાસી‚ પૉલીએનાએ પોતાના પર વરસાવેલો પ્રેમ એને યાદ આવે છે‚ પ્રેમ અને પૈસા પૉલીએના પર ન્યોછાવર કરવા તૈયાર પેન્ડલટનની વાત ‘પોતે માસીને છોડીને તેની પાસે ન આવી શકે’ એમ કહી એને ત્યાં એક અનાથ છોકરાને રાખી લેવાની ભલામણ કરી આવેલી પોલીએના –પથારીમાં પડેલી પૉલીએના - એને વધારે વહાલી લાગે છે. હવે એ પોતે પણ પોલીએના સાથે – પોલીએના માટે આ રમત રમવા તૈયાર થાય છે.!

બધા જ જ્યારે પૉલીએનાએ શીખવેલી રમત પોતાના જીવનમાં રમીને રાજી રહેવાનો પ્રયત્ન કરતા હતા ત્યારે આ રમતની પાકી જ એની ‘રાજી રહેવાની’ રમત ભૂલી જાય એ કેમ સહ્યું જાય? એ સમજી નથી શકતા કે પોતાને – જે હમણાં સુધી ભૂતકાળમાં જ જીવતા હતા તેમને વર્તમાનમાં શ્વાસ લેતા કરનારી પોતે છેલ્લા શ્વાસ લઈ રહી છે. ત્યારે પોતે કઈ રીતે એનો પ્રાણ પાછો લાવી શકે? અંતે બધા પોતાને પોલીએનાએ શીખવેલી રમત રમતાં આવડી ગઈ છે અને પોતે એ રમત રમતા હવે કેવા રાજી રહે છે એ વાત પોલીએનાને કાને પહોંચાડવા માંડે છે કદાચ પૉલીએના ફરી રાજી થઈ જાય !.

વર્ષો પહેલા ગામે પોતાના અને જૉન વચ્ચેના સંબંધો વિશે ફેલાવેલી અફવાને કારણે પોતાની જાતને જેણે સંકોરી લીધી હતી એ માસી પણ પોતાના એક સમયના પ્રેમી ડૉ.શિલ્ટનના વચ્ચે થયેલ મનદુ:ખ ભૂલી જઈ શિલ્ટનને પોતાને ત્યાં આમંત્રે છે. શિલ્ટન સાથે લગ્ન કરતી માસી આનો જશ પૉલીએનાને આપતી કહે છે. ‘આ બધું તારે જ લીધે થયું છે. આખું શહેર હવે આ રમત રમવા માંડ્યું છે અને આને લીધે વધારે સુખી થયું છે’‚[8] પથારીમાં પડેલી પૉલીએનાના કાને માસીના આ શબ્દો પડે છે. એ પથારીમાં બેઠી થઈ ખુશ થઈ તાળીઓ પાડવા માંડી. જાણે પૉલીએનાને પોતાનું ખોવાઈ ગયેલું રમકડુ પાછુ મળી ગયું. ખુશ થવાનું કારણ જડી ગયું. અને એની માસીને કહેવા માંડી ’માસી હવે તો એવી એક ચીજની જરુર છે જેને માટે હું રાજી થઈ શકું. કંઈ નહીં તો એટલા માટે જ કે મારે એક વાર તો પગ હતા ને‚ નહીં તો આ બધું હું કેવી રીતે શકી હોત?’[9]

શિલ્ટનના ડૉ.મિત્રની સારવાર માટે બીજા શહેરની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. પૉલીએના ફરી ચાલવાની શરુઆત કરતી થાય છે ત્યારે પણ એ પોતાની માસીને પત્ર લખે છે કે ‘હું બધી જ બાબતો માટે રાજી થઈ ગઈ છું‚ એટલે સુધી કે હું થોડા દિવસ ચાલી નહોતી શકતી તે માટે પણ આનંદ પામું છું ‚કેમકે ‚ જ્યાં સુધી આપણને ખબર જ ન પડે કે પગ હોય એ કેવી મજાની વાત છે. ’[10]

આજે માનસિક રોગીઓથી દવાખાના ઉભરાય છે‚ છાશવારે હત્યા અને આત્મહત્યાના બનાવો બનવા માંડ્યા છે. ત્યારે લોભ‚ મોહ‚ ઘમંડ‚ ભૌતિક સુખ પાછળની આંધળી દોડ છોડી‚ વર્તમાનમાં જીવતા શીખો. પરિવર્તન એ સંસારનો નિયમ છે. એનો સ્વીકાર કરી જ્યારે‚ જ્યાં‚ જે રીતે‚ જેવા હોવ તેવા ખુશ રહો રાજી રહો.

સંદર્ભ -

  1. 1. પૉલીએના –એલીનોર પોર્ટર –સંવર્ધીત આવૃતિ – ૨૦૧૨ ગુજરાતી અનુવાદક – શ્રીમતી રશ્મિબેન ત્રિવેદી પૃ -૩૫
  2. 2. એજન પૃ -૨૫૨
  3. 3. એજન પૃ -૮૦
  4. 4. એજન પૃ -૧૨૬
  5. 5. એજન પૃ -૧૨૭
  6. 6. એજન પૃ - ૨૨૨
  7. 7. એજન પૃ – ૧૩૪
  8. 8. એજન પૃ – ૨૦૮
  9. 9. એજન પૃ – ૨૫૭
  10. 10. એજન પૃ – ૨૭૪

ડૉ . અર્ચના જી. પંડ્યા, એસ. એલ. યુ આર્ટસ & એચ & પી ઠાકોર કૉમર્સ કૉલેજ ફૉર વિમેન, એલિસબ્રિજ –અમદાવાદ. મો -૯૯૯૮૦૮૮૬૬૦