સર્જકની સ્વાનુભવકથાઃ ‘તરસી માટી’


(પુ.તરસી માટી, મણિલાલ હ. પટેલ, પ્ર.આ.૨૦૧૩, પ્રકા. પાશ્વ પબ્લિકેશન અમદાવાદ.)

આત્મકથા એ અર્વાચીન યુગની દેન છે. આ સ્વરૂપ નવલકથા, નવલિકા, નાટક, લધુનવલ, નિબંધ જેવા સાહિત્ય સ્વરૂપોની જેમ પશ્ર્ચિમના દેશોમાં જન્મી-વિકાસ પામીને ગુજરાતીમાં ઉતરી આવ્યું છે. આત્મકથામાં ‘સ્વ’નું કથન સચ્ચાઈની દ્રષ્ટિએ કરવાનું હોય છે. કેટલાક વિધ્ધવાનો આત્મકથા લખવાની પ્રેરણાનું મૂળ આત્મ-આવિષ્કરણની વૃત્તિ છે એમ માને છે. જો કે ગાંધીજીએ સત્યની શોધ માટે – આત્મદર્શન માટે આત્મકથા લખી છે, પરંતુ કેટલાક સર્જકો અન્યના માર્ગદર્શન અર્થે, અર્થોપાજન અર્થે, સ્વ બચાવ અર્થે કે આત્મશ્ર્લાધા અર્થે પણ આત્મકથાલેખન કર્યું છે. આત્મકથા કોઈપણ વ્યક્તિ લખી શકે પરંતુ સ્મરણયાત્રામાં કાકાસાહેબ કહે છે તેમ શરત માત્ર એટલી છે કે તેણે કંટાળો ન આપવો જોઈએ. ટૂંકમાં આત્મકથાકાર રિપોર્ટર બનવાને બદલે કલાકાર બને તે જરૂરી છે.

આત્મકથાના કોઈ ચોક્કચ લક્ષણો ન હોઈ શકે માત્ર થોડી શરતો જ નક્કી કરી શકાય. એણે સત્યનો નિભાવ કરવાનો હોય અને આત્મશ્ર્લાઘાથી બને તેટલું દૂર રહેવાનું હોય છે. આત્મકથાએ માત્ર જીવનું દસ્તાવેજી ચિત્ર આપવાનું નથી, પરંતુ વાત્વના સત્યને કલાના સત્યમાં રૂપાંતરિત કરવાનું છે. એની સાથે-સાથે જે-તે સમયના સામાજિક સંદર્ભોનો ખ્યાલ પણ રાખવાનો હોય છે. ગુજરાતીમાં આવા લક્ષણો ધરાવતી આત્મકથાઓ અત્યાર સુધી અનેક સર્જકો દ્વારા સમાયંતરે સર્જાતી રહી છે. એમાં નર્મદની ‘મારી હકીકત’, મણિલાલ નભુભાઈની ‘આત્મવૃતાંત’, ગાંધીજીની ‘સત્યના પ્રયોગો’, ચન્દ્રવદન મહેતાની ‘ગઠરિયા શ્રેણી’, ચન્દ્રકાંત બક્ષીની ‘બક્ષીનામા’ વગેરેનો સમાવેશ થાય છે. એમાં એક નવું નામ ઉમેરાય છે મણિલાલ હ. પટેલની ‘તરસી માટી’.

‘તરસી માટી’માં આત્મકથાકારે બાળપણથી (જન્મથી) શરી કરીને ઇડર રહ્યાં ત્યાં સુધીના જીવનના પ્રારંભના ૩૮ વર્ષની સ્વાનુભવકથા રજૂ કરી છે. એમાં એમણે જન્મ, બાળપણ, માતાનું મૃત્યુ, ધરની જવાબદારી, અભ્યાસ અર્થેનો સંધર્ષ, કાકીમા પ્રત્યેનો પ્રેમ, આર્થિક સંકડામણ, પિતા-પુત્ર વચ્યેનો મનોસંધર્ષ, સામાજિક સંબંધો-રીતરિવાજો, અંધશ્રધ્ધા, વહેમો, સમાજની ખોટી માન્યતાઓ સામે પોતાનો વિરોધ, સ્વપ્નદોષ, લગ્ન, ઇડરના પ્રસંગો, બહેનનું મૃત્યુ, સાહિત્ય પ્રત્યેની નિસ્બત, આવી કેટલીય ઘટનાઓનું કલાત્મત આલેખન કર્યું છે. જીવનના વાસ્તવિક સત્યને કલાના સત્યમાં રૂપાંતર કરવામાં તેમનામાં રહેલો નિબંધકાર જાગ્રત થયો છે. નિબંધકાર તરીકેનો સૌથી વધુ લાભ આ આત્મકથાને મળ્યો છે, છતાં એમાં નિબંધમાં હોય છે એવી ભરપૂર કલ્પનાઓ, અલંકાર કે પ્રતીકો તો નથી જ.

આત્મકથાકારે સત્યની ધાર પર ચાલવાનું હોય છે. ‘તરસી માટી’માં આત્મકથાકાર પણ આ ધાર પર ચાલ્યા છે. મણિલાલનો જન્મ પિતાજીના ધરે ઉનાળામાં થયેલો પણ એમની જન્મ તારીખ ૦૯-૧૧-૧૯૪૯ શિયાળો દર્શાવે છે ! આનો ભેદ ધરમાં કોઈ જાણતું ન્હોતું. કાકાના દીકરા શિક્ષક એટલે એમને દોઢ વર્ષ વહેલા ભણવા મૂકી દીધેલાં. એમના ગામની નિશાળ ‘ઓપન સ્કૂલ’ જેવી, ફરતી શાળા. તેનું સ્થાન નક્કી ન હોય. કયારેક પરસાળમાં તો કયારેક કોઈના કોઢિયામાં, ખળામાં કે નવા થયેલા ધરની ચોપાડમાં ચાલતી. ચાર ધોરણની ચાર લાઈનોમાં શાળા ગોઠવાઈ જતી. શાળાના શિક્ષક કાકાના દીકરા હોવા છતાં તેમના વિશે જણાવે છે કે,- ‘‘ શિવુભાઈ નારણભાઈ પટેલ અમારા શિક્ષક. સાત ચોપડી ભણીને- કશીય તાલીમ લીધા વિના- સીધા જ અમારા શિક્ષક થઈ ગયેલા... ભાઈ વ્યવહારુ ને ભલા માણસ હતા પણ સારા શિક્ષક તો ન્હોતા જ ! થોડું શિખવીને પછી કામ છોકરાઓને સોંપી દેતા.’’(તરસી માટી પૃ-૩૪) માના મૃત્યુ પછી જમના- માને ધરકામમાં – શાક સમારી આપવું, કચરો વાળવો, ઢોર પાવાં-બાંધવા-છોડવાં, કપડાં ધોવાં, પાણી કૂવેથી ભરી લાવવું વગેરે કામમાં મદદ કરતાં હતા. હાઈસ્કૂલમાં ભણતા ત્યારે વાંચવા માટે ગામમાં જે નવું ધર બન્યું હોય (ત્યા લોકો રહેવા ન જાય પણ વાંચવા માટે બાળકોને આપતા) ત્યાં જતાં. રાત્રે વાંચવાને બહાને ક્યારેક સર્જક અને એમના મિત્રો લુણાવાડા નાટક જોવા ચાલીને જતાં, ને રાત્રે એ જ નાટકની કે બીજીકોઈ ગોરી-ગોરી હિરોઈનના શમણા આવતા ને સ્વપ્નદોષ થઈ જતો. પિતાજી અને પોતાના સંબંધો વચ્યે કોઈ કારણસર સતત અંતર વધ્યા જ કરતું હતું. પિતાજી ઇચ્છતા કે પોતે કૉલેજમાં ‘સાયન્સ’ વિષય રાખે, પણ પોતાને ગણિત ઓછુ ફાવે એટલે એમને એક સત્ર અંધારામાં રાખીને આટ્સઁમાં પ્રવેશ લીધેલો. પિતાજીને આ વાતની જાણ થતા જ તે ખૂબ નારાજ થયેલાં. તેમની નારાજગી દર્શાવતા તેઓ નોંધે છે કે,-‘‘ કેટલાક માસ સુધી પિતાજીએ મારી સાથે વાત જ ન્હોતી કરી. એમની મારા માટેની નારાજગી હું લગ્ન કરવાનીના પાડતો હતો ત્યાંથી શરૂ થઈ ચૂકેલી... પછી તો આવાતેવા વધુનેવધુ પ્રસંગો બનતા રહ્યાં ને અમારી વચ્યેનું અંતર લાબી ઊંડી ખાઈ જેવું બનતું ગયું- છેક એમના મૃત્યુ પર્યંત- અમારી વચ્યે મન દુઃખ થતું ને વધતું રહ્યું. મારે જે કાંઈ કરવું હોય તે હું રામી માને કે દલાફૂવા/નાનીફોઈને કહી દઉં... વાત એમના સુધી પહોચી જાય. મારી ગેરહાજરીમાં એ મારા વખાણ પણ કરે, હું એમની પાસે બેસવાનું ટાળું- એ ગુસ્સો દેખાડે, હું બાને યાદ કરીને રડુ ને પિતાજીના પ્રેમ માટે તડપતો રહું ! પિતાપુત્ર વચ્યેની ‘લવહેટ રિલેશનશીપ’નું આ દુઃખદ પ્રકરણ અનેકવાર પરાકાષ્ઠાએ પહોંચીને પીડતું રહ્યું છે.’’ (એજન પૃ- ૯૯) કૉલેજમા નોકરી મેળવવા માટે બે- ત્રણ જગ્યાએ ઇન્ટર વ્યૂ આપ્યાં છતાં જ્યારે પસંદગી ન પામ્યા ત્યારે રામીમાના શબ્દો ‘વાડ વિના વેલો ન ચઢે’ યાદ આવી ગયેલાં. આવા જીવનના કેટલાય કડવાં સત્યોનું આલેખન કર્યું છે.

આત્મકથાકારે ક્યારેક આ સત્યનો બચાવ પણ કર્યો છે. લુણાવાડા કૉલ્જમાં એમને એક અધ્યાપકનો ખરાબ અનુભવ થયો હતો ને પછી એના લીધે એમણે કૉલેજ બદલી નાખેલી. તેમજ ઇડર કૉલેજમાં એમના સાથી અધ્યાપક અહમવાદી ને સ્વકેન્દ્રી હતાં-આ બન્ને અધ્યાપકોના નામોલ્લેખ કર્યો નથી.તેના કોઈ ચોક્કસ કારણો હોઈ શકે ! ખેર ! મધવાસની પ્રાથમિક શાળામાં તેમને બ્રાહ્મણની છોકરી ‘પ્રભુતા’નું, આઠમાં ધોરણમાં શરદની સવાર જેવી ઉજળી ‘કુસુમ ગોર’નું ને કૉલેજકાળમાં સહાધ્યાયી ‘સુલોચના મહેતા’ (સુલુ)નું આકર્ષણ રહેલું. આ આકર્ષણ પ્રેમમાં પરિવર્તન થયેલું કે નહિ ? તેનો ક્યાંય ઉલ્લેખ કર્યો નથી. હા. એમણે એમની સાથે ગાઢ મૈત્રી ચોક્કસ દર્શાવી છે. તેવો નોંધે છે કે,-‘‘ (આ બધા) વર્ષો યાયાવર પંખીઓની જેમ આવ્યા ને ઊડી ગયાં... જોકે પાછળ મૂકતાં ગયાં તે સમુધ્ધ જીવનયાદો વાગોળવા જેવી જરૂર છે.’’ (પૃ- ૭૨) જે યાદોનો ઉલ્લેખ મળે છે પણ આલેખન મળતું નથી. ખેર !

‘તરસી માટી’માં સત્ય પછી બીજુ સૌથી મહત્વનું પાસુ આત્મકથાકારની સહનશીલતા. એક વ્યક્તિ તરીકે,કાચી માટીના માણસ તરીકે જીવનમાં એમને કેટકેટલું વેઠવાનું-સહનકરવાનું આવ્યું છે. એ વેઠે ય ખરાં. એનો સામનો હિમંત હાર્યા સીવાય સહનશીલતાથી કર્યો છે. એમણે ભાઈ-બહેન-માતા-પિતા-સમાજ-કુંટુંબ બધા માટે પ્રેમ જ સેવ્યો છે, ને છતાય બધાય ને આત્મકથાકાર તરફ અસંતોષ છે. ખાસ તો પિતાજીને. સામાજિક પ્રસંગોની લેવડ-દેવડ હોય કે ખેતરમાં ખાતર નીમવાનું હોય કે ભાઈ-બેનના વિવાહ કરવાના હોય જેની તમામ આર્થિક જવાબદારી ઉપાડીને મદદ કરતાં. બીજા કોઈ સામાજિક પ્રસંગે પણ મદદ કરવા તત્પર રહેતાં. પોતાના પગારમાંથી મોટોભાગ ધરે જ આપી લદેતાં, પરંતુ દીકરો જ્યારે ઇડર કૉલેજમાં નોકરી કરવા માટે ગામ છોડી જતો ત્યારે ધરેથી કોઈ ગામના પાદર સુધી મૂકવા પણ ન્હોતું આવ્યું ! ભાવકને થાય કે એક માણસ પોતાનું સર્વસ્વ પોતાના ધર માટે આપી દે અને ધરની વ્યક્તિઓ આશ્ર્વાસનરૂપ બે વાક્યો પણ ન બોલી શકે. આ તે કેવો સંબંધ ! ‘દિકરી આવી નોકરી લાવી’ પ્રકરણ વાચતા જ ભાવકનું હ્દય સહેજ ભરાઈ આવવાનું. આત્મકથાકારે ધર-સમાજ-ગામ પ્રત્યે હંમેશા પ્રેમ રાખ્યો છે. ને એ જ એમની મૂડી છે. બહેનને હ્દયના વાલની બીમારી હોવાથી ડૉકટરે તેના લગ્ન ન કરવાની સલાહ આપી હતી, પરંતુ પિતાજીએ એ વાત ન માની સર્જકની જાણ બહાર (ખબર વગર) લગ્ન ગોઠવી દીધુ. એ દિવસે આત્મકથાકારને ખૂબ દુઃખ થયેલું. આજે મારી પાસે રૂપિયા હોત તો બહેનની દવા કરાવી તેને મોતના મુખમાંથી બચાવી શક્યો હોત. આવી તો કૈંક મુશ્કેલીઓ વેઠીને ઘડાયા છે. જીવનમાં ખૂબ વેઠ્યું હોવાથી એ પોતાના અનુભવો બીજાની સામે ‘તરસી માટી’ રૂપે મૂકી શક્યાં છે.

આત્મકથાકારે જીવનના અનુભવોના નિચોડની સાથે-સાથે તત્કાલીન સામાજિક-રાજકીય-સાંસ્કૃતિક-સાહિત્યિક પરિવેશનું વત્તાઓછા પ્રમાણમાં આલેખન કર્યુ છે. ‘બાવન પાટીદાર સમાજ’ના નીતિ-નિયમો,અંધશ્રધ્ધા,વહેમો,વગેરેને લીધે એના નીતિ-નિયમો સુધારવા માટે સર્જક અને એમના મિત્રોએ ભેગા મળીને ‘યુવા સમાજ’ની સ્થાપના કરેલી. લોકોમાં વ્યાપેલી અંધશ્રધ્ધાને લીધે બા અને ભાભીનું મૃત્યુ વહોરવાનું આવ્યું. લુણાવાડા અને તેની આજુબાજુનો પ્રદેશ અવકાશની ખેતી પર નિર્ભર રહેતો. જો વરસાદ ન વરસે તો ભૂખે મરવાના દિવસોય આવે ખરા એવી સ્થિતિ હતી. છતાય આ લોકો આનંદ કિલ્લોલ કરતાં પોતાનું જીવન કાઢતા. આ ઉપરાંત આ ગાળામાં રાજકીય લેવલે પણ ઘણી ઉથલપાથલ થઈ હતી. ઇ.સ. ૧૯૬૦ના ગાળામાં મહારાષ્ટ્રમાંથી અલગ થઈ ગુજરાત રાજ્યની સ્થાપના થયેલી ને ત્યાર પછી ગુજરાતમા ચિમનભાઈ પટેલની સરકાર સામે મોંઘવારી અને ભ્રષ્ટાચારના લીધે ‘નવનિર્માણ’નું આંદોલન ચાલ્યું એને પરિણામે એમની સરકારનું પતન થયું હતું. દેશમાં ઇન્દિરા ગાંઘીએ સરકારનો ત્યાગ કરવાને બદલે કટોકટી લગાવી. એને પરિણામે જાણે કે દેશનું ગળું જ દબાવી દીધુ. આવી ધણી રાજકીય અને સામાજિક બાબતોનું નિરૂપણ તટસ્થાપૂર્વક કર્યું છે.

ઇડર કૉલેજમાં અધ્યાપનકાર્યની સાથે-સાથે નવયુવાન અધ્યાપકે ઇડર અને તેની આસપાસના આખા પ્રદેશમાં ચૌદ વર્ષ સુધી સતત ભાષા-સાહિત્ય-શિક્ષણ-કવિતા-કવિસંમેલનો-પરિસંવાદો-વ્યાખ્યાનોની મદદથી સાહિત્યિક વાતાવરણ ખડું કર્યું હતું. સર્જક કૉલેજમાં પણ પ્રવાસો કરે, નાટ્યમહોત્સવ કરે, વિભાગીય નાટ્ય સ્પર્ધા કરે, સેમિનાર-સંચાલન કરે, NSDથી નાટકો બોલાવે, સાહિત્કારોને બોલાવે, સાહિત્યિક સંમેલનોમાં જાય આમ આ બધી પ્રવૃત્તિઓ દ્નારા પોતાને ઘડે અને બીજાને સાહિત્યમાં રસ લેતા કરે. આવું સુંદર સાહિત્યિક વાતાવરણ તે વર્ષોમાં તેમણે રચેલું.

આત્મકથાનું શીર્ષક ‘તરસી માટી’ પ્રતીકાત્મક છે. એનો સીધો અર્થ ‘તરસી જમીન’ એવો થાય છે. આત્મકથાકારનો એ પ્રદેશ અવકાશી ખેતી પર નિર્ભર રહેતો અને જો વરસાદ ન થાય તો ખેતી ન થતી. એટલે કે માટી (જમીન) વરસાદ માટે તરસી રહેતી. ‘તરસી માટી’ નામનું આત્મકથાનું પ્રકરણમાં આત્મકથાકારે એ પ્રદેશની-ખેતીની સ્થિતિનો ચિતાર આપ્યો છે. આ શીર્ષક આના કરતાં પણ કંઈક વિશેષ અર્થ સૂચવે છેઃ એ છે ‘જીવનની તરસ’. આ મલકના લોકો પણ જીવન તરસ્યાં. એટલે જીવનના નાના પ્રસંગોને ય ઉત્સવમાં બદલી નાખે. આત્મકથાકારને જ જુઓ તો- સંબંધની તરસ,પ્રેમની તરસ, સાહિત્યની તરસ, સમાજની તરસ- આવી ઘણી બધી તરસ ! આમ આ અર્થમાં શીર્ષક પ્રતીકાત્મક છે.

‘તરસી માટી’ આત્મકથાનું ગદ્ય રમણીય છે. આત્મકથાકારે જીવનના વાસ્તવને કલાના વાસ્તવમાં યથોચિત નિરૂપ્યું છે. પોતાના પ્રદેશની બોલીનો ક્યાંક ક્યાંક આવશ્યક પ્રયોગ પણ કર્યો છે. તો વળી વચ્યે-વચ્યે ગીતો, લોકગીતો, કહેવતો, રૂઢિપ્રયોગોનો પણ ઉપયોગ કર્યો છે. આ બધુ એમના ગદ્યમાં એકરૂપ થઈને આવ્યું છે. આ ગદ્ય વાસ્તવની ધરી પર રહીનેય સર્જનાત્મક ગદ્યનો અહેસાસ કરાવે છે જુઓ-
‘‘આ ગામની શેરીઓમાં રમ્યા તથા મોટા થયા. દિવસ રાતને અજવાળાં અંધારાને ઓળખવાનું પણ અહીંથી જ શીખ્યાં. તડકો તથા ચાંદની, અંધારી રાતોના ચહેરા જાણે સ્પર્શી સ્પર્શીને ઓળખ્યા... ને એટલે લોહીમાં ભળી ગયા છે. લોકોનો વેઠતાં ને કામ કરીને રાજી થતાં જોયાં. જીવતરનો કાચી વયે જ સામનો કરનારાઓ વચ્યે અમને ય અભાવો એ ઘડ્યા, એટલે કસી ફરિયાદો ન હતી. સીમમાં ઋતુઓ આવતી... ખેતરો તથા મોલની મોસમો અમને ઘેરી વળતાં. એટલે મારા ઘરનો તથા ગામનો આ પરિસર આજેય ભીતરમાં એવોને એવો જ છે. તમે કહો તો ચિત્ર દોરી દઉં..’’(પૃ-૧૩) આવા અનેક દ્રષ્ટાંતો પૃષ્ઠે પૃષ્ઠે જોવા મળે છે.

ટૂંકમાં ‘તરસી માટી’ આત્મકથામાં આત્મકથાકારના જીવન આરંભમાં ૩૮ વર્ષનું આલેખન સુમધુર, સુરુચિપૂર્ણ અને કલાત્મક છે. જીવનના સત્યને એમણે સાચા અર્થંમાં ઉદધાટિત કર્યુ છે. ‘તરસી માટી’ ખરાં અર્થમાં સર્જકની સ્વાનુભવકથા બની રહે છે. આશા રાખીએ આત્મકથાનો બીજો ભાગ જલદી મળે.

પ્રા.જિગ્નેશ ઠક્કર, ગુજરાતી વિભાગ, એમ. એન. કૉલેજ વિસનગર. મો.-૯૮૨૪૨ ૯૯૫૯૪