એકાંકીઓમાં પલટાતા પ્રવાહો...


‘એક અંકનું નાટક એટલે એકાંકી’ -એવી વ્યાખ્યા બાંધી બેસી પડીએ તો આ સ્વરૂપને મોટો અન્યાય થઈ રહે. બસ આટલામાં જ સમાઈ જાય એવું સરળ કે બંધિયાર થઈ ગયેલું આ સ્વરૂપ નથી. જોકે આવી સભાનતા હવે ક્રમશઃ વિકસી રહી છે. ખાસ કરીને નાટ્યરસિકોમાં.

એક સમય એવો જરૂર હતો નાટ્ય લેખકથી માંડીને પ્રેક્ષકો સુધી બધાના મનમાં એકાંકી એટલે ‘એક જ સેટ પર શરૂ થઈ પૂરું થઈ જતું એક અંકનું નાટક’. આવી માન્યતા સારો એવો સમય ચાલ્યા કરી, પરંતુ આધુનિક વિજ્ઞાનયુગની કેટલીક ટેકનિક્સને કારણે રંગમંચમાં અભૂતપૂર્વ પરિવર્તન શક્ય બન્યું તેને પરિણામે આજે એક જ અંકના નાટકમાંય જુદા જુદા ‘સેટ દર્શાવી શકવાનું શક્ય બન્યું. એટલે એકાંકીકારને મોકળાશ મળવા ઉપરાંત એની સામે નવા પડકારો ઉપાડી લેનારા અનેક એકાંકીઓથી સાહિત્ય સમૃદ્ધ બન્યું જ છે. ઉત્તમ દિગ્દર્શકોની કલાસૂઝે ‘એક જ પ્રવેશ’, ‘પડદો પાડવો’ જેવી પામ્પરિક લઢણોને વટાવી દીધી છે. લેખકના મનોનાટકને મૂર્તરૂપ આપવામાં આધુનિક ટેક્નોલોજીએ ભરપૂર સાથ આપ્યો છે. પ્રકાશ-અંધકાર, ધ્વનિ, સેટ-પરિવર્તન દ્વારા આજે આ સ્વરૂપે ઘણીએ સંકુલતા સિદ્ધ કરી માનવને અંદર-બહારથી વધુને વધુ ખુલ્લો કરી દેખાડવાના મજબૂત પ્રયત્નો સફળતાપૂર્વક સિદ્ધ કરી દેખાડ્યા છે. તો બીજી બાજુ એકાંકીને સમયા ચોકઠામાં પણ બાંધી શકીએ એવી સ્થિતિ રહી નથી. એની કોઈ ચોક્કસ સમય-મર્યાદા નથી. માર્શા નોર્મનનું ‘ગૂડ નાઈટ મધર’ (ઈ.સ.1983) દોઢ કલાકનું એકાંકી છે તો એના સામા છેડે જોઈએ તો સેમ્યુઅલ બેકેટનું ‘બ્રેધ’ (1966)નાટક, ગણતરીની સેકન્ડોનું હોવા છતાં એકાંકી ગણાયું નથી. જોકે આપણે ત્યાં આવા મજબૂત પૂરાવાઓ આપતાં નાટક/એકાંકી જન્મ્યા નથી. તેમ છતાં લાંબા-ટૂંકા સમયફલકને આધારે એકાંકી સંજ્ઞા આપી શકાય એવુંયે રહ્યું નથી. આ ઉપરાંત ત્રીજી વાત છે ક્રિયા અંગેની એકાંકીનું વસ્તુ અને પાત્રોની સંખ્યા બાબતે પણ આવી જ સંદિગ્ધતા પ્રવર્તે છે. એકથી માંડીને સેંકડો પાત્રોની શક્યતા એકાંકીમાં નકારી શકીએ નહીં. જોકે આ બધી ચર્ચા, માત્ર થયેલા પ્રયોગોને આધારે જ કરી શકીએ છીએ. બાકી એવી કોઈ સુવ્યવસ્થિત બાંધણી હજી શક્ય બની નથી. હજી પણ લેખકોનો મોટો વર્ગ ‘એક અંકનું, અમુક સમયમર્યાદાનું અને જીવનના એકાદ ખણ્ડને પાત્રો વડે અભિવ્યક્ત કરતું નાટક’ એવી રૂઢ માન્યતાથી પ્રેરાઈને લખ્યે જાય છે, એ હકીકતને અવગણી શકાય તેમ નથી.

આમ, એકાંકીઓમાં સ્થળ, કાળ અને ક્રિયા પરત્વે અનેક શક્યતાઓ ઊઘડતી રહી છે. હજી પણ રહેશે. પણ વાત એટલી છે કે, એકાંકી સ્વરૂપને કોઈ ચોક્કસ વ્યાખ્યા માળખામાં બાંધી શકીએ તેમ નથી. આધુનિકતાની હવાએ જૂનાં ચોકઠાં ફગાવી દીધાં છે. નવા વાડામાં હજી બંધાયું નથી. વળી, એક આનંદની વાત એ છે કે આજના ઝડપી યુગના ધખારાને માફક આવે એવો આ એકાંકી પ્રકાર સારો એવો ચાહકવર્ગ પણ જન્માવી શક્યો છે. આપણે ત્યાં તો છેક પૌરાણિકકાળથી નાટ્યપરંપરા છે. સંસ્કૃત ભાષાના વિશ્વપ્રસિદ્ધ નાટકો આપણે સમૃદ્ધ વારસો છે. ભાસ જેવા મહાકવિના ‘ઉરુભંગમ્’ જેવા એકાંકીને મળતા આવતા નાટકો પણ મળી રહે છે તેમ છતાં હાલનું જે સ્વરૂપ છે, એ તો પશ્ચિમની નાટ્યપરંપરાની દેણ છે. એમાંય ‘એકાંકી’ સ્વરૂપ તો તદ્દન પશ્ચિમી સ્વરૂપ જ છે. એટલે પ્રાચીનતાને મુકાબલે આધુનિકતા સંજ્ઞાને તો બાજુએ મૂકવી જ રહી. કારણ, આપણું સાહિત્ય વિશ્વસાહિત્ય સાથે કદમ મિલાવતું થયું એને જ હજી માંડ સદી દોઢ-સદીનો સમય વિત્યો છે. એટલે પરંપરાગત અને આધુનિકતાને આગળ સ્પષ્ટ કરીશું. પહેલાં તો સળંગ ઇતિહાસ પર નજર સ્થિર કરીએ તો, પહેલી જ સમસ્યા એ આવીને ઊભી રહે કે આપણું સૌથી પહેલું એકાંકી કોને ગણવું?

વિવિધ મતમતાંતરો પ્રવર્તે છે. ઉત્પલ ભાયાણી આધુનિક ગુજરાતી એકાંકઓમાં નોંધે છે તેમ 1922માં બટુભાઈ ઉમરવાડિયાએ લખેલું ‘લોહમહર્ષિણી’ ગુજરાતનું પ્રથમ એકાંકી છે. તો એની સામે કેટલાક ઈ.સ. 1925માં પ્રકાશિત થયેલા યશવંત પંડ્યાનું ‘ઝાંઝવા’ને પ્રથમ એકાંકી ગણાવતા દલીલ કરે છે કે ‘ઝાંઝવા’માં એકાંકીના લક્ષણો સ્થિર થયેલાં છે. ટૂંકમાં, ઈ.સ. 1920-30ના દાયકામાં પ્રકાશિત થયેલા બટુભાઈ ઉમરવાડિયા, યશવંત પંડ્યા અને પ્રાણજીવન પાઠકના એકાંકીઓથી આપણો એકાંકી-ઇતિહાસ આરંભાય છે. જોકે ચં. ચી. મહેતા તો દાખલા દલીલ સાથે પૂરવાર પણ કરે છે કે એકાંકીઓની શરૂઆત છેક ઈ.સ 1855ની આસપાસ પારસી મંડળીઓ દ્વારા થયેલી. પણ એને સાહિત્યિક ગણવા-ન-ગણવાનો પ્રશ્ન તો ઊભો જ રહે છે. એટલે કોઈ પણ રીતે તપાસીને છતાં આ ઇતિહાસ બહુ લાંબો નથી એ હકીકત છે. એ વિવાદમાં ઊતર્યા વિના આપણને તો એ સ્વરૂપના વિકાસ સાથે જ લેવા-દેવા છે.

આ એકાંકી સ્વરૂપને ખરો કલાઘાટ તો ચાલીસીના દાયકામાં મળે છે. ઉમાશંકર જોશીના ‘સાપના ભારા’માં કંઇક કાઠું ઘડાતું જોવા મળ્યું. એમાં ગ્રામજીવન-એ જીવનની ખરી તાસીર ઉપજાવવામાં શ્રી જોશીને સારી એવી સફળતા મળી. તો એની સામે શહેરી જીવનને કટાક્ષમય રીતે જોવાનું શરૂ કર્યું. જયંતિ દલાલે. એમણે ‘જવનિકા’નાં એકાંકીઓ દ્વારા અનેક પ્રયોગો કરી નવી શક્યતાઓ ઉઘાડી આપી. પછી તો એક પછી એક સમર્થ સર્જકો, આ સ્વરૂપ પર હાથ અજમાવતા થયા. એમાં, કૃષ્ણલાલ, શ્રીઘરાણી, ઈન્દુલાલ ગાંધી, દુર્ગેશ શુક્લ, રમણલાલ દેસાઈ, ચન્દ્રવદન મહેતા, ચુનિલાલ મડિયા, પન્નાલાલ પટેલ, પુષ્કર ચંદરવાકર, ફિરોજ આંટિયા, મનુભાઈ પંચોળી ‘દર્શક’, શિવકુમાર જોશી... જેવા લેખકોએ મુખ્યત્વે ગાંધીયુગીન વિચારરણીની આસપાસ રહીને તળપદાં તો ક્યારેક શહેરી જીવનની પોકળતા આલેખતા એકાંકીઓ રચી બતાવ્યા છે. સુન્દરમ્ અને રામનારાયણ પાઠક જેવા સાહિત્યકારોએ પણ એક-બે રચનાઓ આપી, જે નોંધવી પડે એવી અસરકારકતા ધરાવે છે.

ચોથા-પાંચમા દાયકાની, આ સમૃદ્ધિ એના એજ સ્વરૂપે આગળ ધપે એ પહેલા જ વિદ્રોહના અવાજો ફૂટી નીકળે છે. ‘રે મઠ’ કે પછીથી થનાર ‘આકંઠ સાબરમતી’ અને એને જ સમાન્તર ‘વિ-થિયેટર’ના બેનર હેઠળ મળેલા કેટલાક વિદ્રોહી કવિઓ, સાહિત્યકારો આવા સ્થાપિત થઈ રહેલા લેખકો સામે બંડ પોકારે છે. બસ, ત્યાંથી જ આધુનિકતાના મંડાણ થા છે. ગુજરાતી સાહિત્યના અન્ય સ્વરૂપોની જેમ આ એકાંકી સ્વરૂપ પણ નવા પ્રાણ સાથે ધબકી ઉઠે છે. આવી હિલચાલે બૌદ્ધિક વર્ગોમાં સારી એવી ઉત્કંઠા જગાવી દીધેલી. આવા નવાં સર્જકો જો કે સંપૂર્ણ મૌલિક તો નહોતાં જ, પશ્ચિમના કેટલાક વાદોની અસરતળે આપણાં સાહિત્યને ઉપરતળે કરી નાંખ્યું. એનાથી બધું સારું જ જન્મ્યું છે એવું નથી. તેમ છતાં ગુજરાતી સાહિત્ય ઠીક ઠીક સમૃદ્ધ થવા ઉપરાંત નવી દિશાઓ પામ્યું એ પણ હકીકત છે. અહીં મેં “પશ્ચિમની અસરતળે’ એવું વિધાન કર્યું છે. એવો અર્થ એવો નથી કે ઉઠાંતરી કે અનુવાદો જ આપ્યાં છે. ખરેખર તો કેટલાક નવ્ય સર્જકોએ એ વાદોને પચાવીને અહીંની સંસ્કૃતિ, અહીંના સમાજ અને વાતાવરણ સાથે સુમેળ સાધતી મૌલિક રચનાઓ પણ સારી માત્રામાં આપી છે. આવી પ્રવૃત્તિઓમાં કેટલાક નામો એવા છે જે કાળના વહેણમાં ટકી રહેવા સર્જાયા છે. એમાં લાભશંકર ઠાકર, મધુ, રાય, ચિનુ મોદી, સુભાષ શાહ, આદિલ મન્સુરી, ઈન્દુ પુવાર, રમેશ શાહ, શ્રીકાંત શાહ, મુકુન્દ પરીખ જેવા નામો આગળ ધરી શકીએ.

આધુનિકતા એ કશી માત્ર સમયવાચી સંજ્ઞા તો છે નહીં અને એટલે જ આજનું આધુનિક આવતીકાલે પરંપરાગત ગણાઈ જાય. પણ, અહીં એવું નથી. અહીં આધુનિક સંજ્ઞાથી ઓળખાવાયેલા મોટાભાગનાં એકાંકીઓ વર્તમાનની ક્ષણને શબ્દોમાં એવી તો થીજાવીને બેઠેલા છે કે ‘સમય’ ત્યાં થંભી જાય છે. એ કોઈ એક સમય કે વ્યક્તિપૂરતાં સીમિત ન રહેતાં- સમગ્રમાં ફેરવાઈ ગેયેલા છે. દરેક કાળે જન્મતી આધુનિકતા એક વિશિષ્ટ ઊછાળ હોય છે. પોતાનું એને રૂપ હોય છે. જે, અહીં ઊપજી આવ્યું છે. એટલે એ આધુનિક છે.

આટલી ભૂમિકા સ્પષ્ટ કર્યા પછી આજના એકાંકીઓને અંદરથી તપાસીએ તો સ્પષ્ટ એવા ત્રણ પ્રવાહો ઊડીને આંખે વળગે તેવા છે.

  1. (1) ‘એબ્સર્ડ’ થિયેટરની અસર ઝીલીને સર્જાયેલાં એકાંકીઓ.
  2. (2) આધુનિક જમાનાના વાસ્તવને નગ્ન કરતાં એકાંકીઓ, આમાં પેટાપ્રકાર તરીકે પુરાકલ્પનનો વિનિયોગ કરી લખાયેલાં એકાંકીઓ.
  3. (3) પરંપરાગત એકાંકીઓનાં લક્ષણો સાચવીને ચાલનારા એકાંકી.
આ સદીના આરંભમાં ફ્રાંસમાં જન્મેલા એબ્સર્ડવાદે ખાસ કરીને નાટ્યજગતમાં સારીએ હિલચાલ મચાવી છે. અન્ય સ્વરૂપોમાં ‘એબ્સર્ડ’નો પ્રભાવ છે ખરો, પણ નાટ્ય સ્વરૂપોમાં એનું ઘટ્ટ સ્વરૂપ જોવા મળ્યું છે. આપણાં ગુજરાતી સાહિત્યમાં સૌ પ્રથમ સુભાષ શાહ અને લાભશંકર ઠાકર ‘એક ઉદર અને જુદુનાથ’ રચના આપે છે. એમાં સારાં એવાં સફળ પણ રહ્યાં છે. પરંતુ વધુ દૃઢતા તો આદિલ મન્સુરીનું એકાંકી ‘પેન્સિલની કબર અને મીણબત્તી’થી આવી છે. તે ભજવણીમાં પણ સફળ રહેલું પ્રેક્ષકોએ આવકારેલું એકાંકી છે. મધુ રાય ‘કાગડો, કાગડી અને માણસો’, ‘ઝેરવું’, ‘તું એવું માને છે’... વગેરે કૃતિઓ દ્વારા સારું એવું ગજું દેખાડી શક્યા છે. લાભશંકર ઠાકરે ‘બાથટબમાં માછલી’, ‘કાહે કોયલ શોર મચાયે’... જેવી નોંધપાત્ર રચનાઓ આપી છે.

આમ છતાં આપણે ત્યાં ‘એબ્સર્ડ’ ગણાવાયેલાં એકાંકીઓ ખરેખર ‘એબ્સર્ડ’ને સાર્થક કરી શક્યા છે ખરાં? એવા મારા પ્રશ્નનો જવાબ આપતી વેળાએ સુભાષ શાહે નિખાલસતાપૂર્વક કબૂલ કરેલું કે, “આપણી ભારતીય જીવનપદ્ધતિ અને વિચારસરણી પ્રમાણે જેને ખરેખર એબ્સર્ડ કહી શકાય એવી લાગણી બહુ ઓછી જન્મવાની શક્યતા છે, આથી અહીં જે કંઈ રચનાઓ થઈ છે એમાં અનુભવ કરતાં એ વિચારસરણીઓ વધુ હાથ છે.” ટૂંકમાં, પશ્ચિમની અસર લઈને જન્મેલાં એકાંકીઓ આપણાં પ્રેક્ષક માટે અતડાં જરૂર રહેવાનાં, તેમ છતાં એ સમયપૂરતી અસર જન્માવનારાં તો ચોક્કસ બન્યાં જ છે. છેલ્લાં દાયકામાં આ દિશા તરફનો ઉત્સાહ પણ મંદ પડ્યો હોય એવું લાગ્યા વિના રહેતું નથી. આ માર્ગના વિકલ્પરૂપે આધુનિકોએ પસંદ કરેલ બીજો માર્ગ વધુ સમૃદ્ધ અને સફળ રહ્યો છે. આ પ્રકારના એકાંકીઓએ પ્રેક્ષકને પણ આકર્ષીને “નાટક’નું સાર્થક્ય સિદ્ધ કર્યું છે. આ વિભાગના એકાંકીઓ ઇતિહાસ-પુરાણનો આધાર લઈ નવી સંવેદનાઓને અસરકારક વાચા આપવામાં સફળ રહ્યાં છે. આપણે ત્યાં ભવ્ય સાહિત્યિક વારસો છે. લોકમાનસમાં વણાઈ ગયેલા પુરાકલ્પનોને નવા જ સ્વરૂપે રજૂ કરી આધુનિક એકાંકીઓએ રંગભૂમિને નવપલ્લવિત કરી છે. હજી પણ એ દિશામાં વધુને વધુ પ્રયાસો ચાલુ જ છે. એટલે એકાંકીઓનું ભાવિ વધુ આશાસ્પદ છે.

આ પ્રકારનાં એકાંકીઓ રચવામાં મધુ રાયે ‘અશ્વત્થામા’ દ્વારા પહેલ કરેલી. મહાભારતના પ્રસિદ્ધ પાત્ર ‘અશ્વત્થામા’ને આજના યુગની માનવ-ચેતનાના પ્રતિનિધિ તરીકે મૂકી અભૂતપૂર્વ કાર્ય કરેલ છે. ત્યાર પછી તો લાભશંકર ઠાકરનું ‘કુદરતી’, ચિનુ મોદીનું ‘રાજા મિડાસ’, “હુકમ માલિક’,‘ભસ્માસુર’, ‘કાલ પરિવર્તન’, ‘કાંટાનો મુગટ’, ‘હત્યા એક વિચારની’, સુભાષ શાહનું ‘દીવાલ’, ‘ભડલી’, ઇન્દુ પુવારનું ‘હું પશલો છું’,‘અમરફળ’. સતીશ વ્યાસનું ‘કામરું’‘અમલ’... જેવા સારા પ્રમાણમાં એકાંકીઓ સાંપડે છે.

આ પુરાકલ્પનોની વાત બાજુએ રાખી આધુનિક ચેતનાને વ્યક્ત કરનારા એકાંકીઓ પણ સારી માત્રામાં મળ્યા છે. એમાં સુભાષ શાહનાં ‘દીવાલ’, ‘સોળ વર્ષ’, ‘લોકો સાલા...’‘એક રમત’, “બસ સ્ટોપ’ જેવા એકાંકી. હસમુખ બારાડી ‘ટેલીફોન’, રઘુવીર ચૌધરી ‘ત્રીજો પુરુષ’ મનુભાઈ પંચોળી ગઈ પેઢીના હોવા છતાં સમય સાથે બદલાતા રહ્યા છે. આ બધાં સર્જકો એકાંકી સ્વરૂપ વિકસતુ ચાલ્યું છે.

આધુનિકતાના પ્રવાહમાં તણાયા વિના લખનારાં સર્જકો પણ છે. એમાં રઘુવીર ચૌધરી, મનુભાઈ પંચોળી, શિવકુમાર જોશી, ભાઈલાલ કોઠારી, રમેશ જાની, તારક મહેતા, પ્રાગજી ડોસા, જશવંત શેખડીવાલા, વજુભાઈ ટાંક, ભવાનીશંકર વ્યાસ, ઈન્દ્ર વસાવડા અને હરિપ્રસાદ જેવા સર્જકોના એકાંકી રંગભૂમિ પર સફળતા મેળવતા જણાય છે.

આ બધા આધુનિક એકાંકીઓનાં મૂળમાં તો ધબકે છે, આજના માનવીની આંતરચેતના. યંત્રના આ યુગમાં યંત્રનો જ ભાગ બની ચૂકેલો માનવ ટોળામાંય સાવ એકલો છે. પાણીમાં હોવા છતાં કમળ જેવી તેની હાલત છે. આવી રિક્તતાને વ્યક્ત કરવા આધુનિકોએ કમર કસી છે. માનવના અચેતન મનમાં ચાલતાં અવનવા અને અટપટાં સંવેદનોને પ્રતીકો, સંવાદો, ધ્વનિ, પ્રકાશ આયોજન, સંગીત, અભિનય વગેરેના સહારે સુપેરે વ્ક્ત કરવા કમર કસી છે, કસી રહ્યાં છે અને એ માટે રજૂઆતની પદ્ધતિઓમાં પણ ફેરફાર સહજપણે જ આવ્યા છે. કદાચ પ્રેક્ષક પણ હજી એ માટે સજ્જ ન હોય, નથી. પણ એનાથી એકાંકી નિષ્ફળ નથી બની જતું. અને આમ પણ દરેક યુગે ‘આધુનિક’કૃતિ થોડી મોડી જ સ્વીકારાતી હોય છે. કારણ, સર્જક ભાવક કરતાં હમેશાં થોડા ડગલાં આગળ જ હોય !

આ ગુજરાતી રંગભૂમિ પરના એકાંકીઓની આછી પાતળી ઝાંખી માત્ર છે. કેટલાય વહેણો આવ્યે રાખ્યા છે. આ પ્રવૃત્તિ આરંભાયેલી પારસી એકાંકીથી, બટુભાઈ ઉમરવાડિયા કે યશવંત પંડ્યાથી. ત્યાર પછી અનેક સર્જકો આવતા ગયા. પહેલો મુકામ ગણાવી શકીએ શ્રી ઉમાશંકર અને શ્રી જયંતિ દલાલને ત્યાર પછીનો મુકામ બને છે લાભશંકર ઠાકર, અને મધુરાય. આ બંને સર્જકોની સમાંતર રહીને આગવી પ્રતિભા દાખવનાર સુભાષ શાહ એમના બળવાન એકાંકીઓથી અલગ તરી આવ્યા છે. તેઓ હજી સક્રિય જ છે. આશા રાખીએ કે એમની પાસેથી વધુને વધુ પ્રમાણમાં મંચનક્ષમ એકાંકીઓ ગુજરાતી રંગભૂમિને મળતા રહે.

સંદર્ભ :
  1. 1. સુભાષ શાહના એકાંકીઓ- અભ્યાસ (પુસ્તકની ભૂમિકારૂપે લખાયેલ લેખ).

નરેશ શુક્લ,ગુજરાતી વિભાગ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત-8 મો. 9428049235