એક હર્યુંભર્યું અભાવનું કાવ્ય : ‘ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં..’


ઝંખનાઓથી છલકાતું મન એ તો મનુષ્ય માત્રની એક સર્વસામાન્ય લાક્ષણિકતા છે. એટલે જીવનઆનંદને ચાહવો એ કંઈ માત્ર સ્ત્રીસહજ લક્ષણ નથી, એ તો જીવ માત્રની વૃત્તિ છે. પણ અહી તો આ વલખતા મનના વિષયને કવિએ નારીસુલભ સામગ્રી અને નારીમુખને શોભે તેવી કાવ્યબાનીથી આકાર્યો છે અને મનુષ્ય માત્રના અતૃપ્ત મનની કવિતા સ્ત્રીહૃદયના ઓઠે કરી છે. માટે એ સ્ત્રીસંવેદનનાં સુત્રને જ લક્ષ્યમાં રાખીને આપણે આ કાવ્યના અંતરને ઓળખવાનો પ્રયાસ કરીએ.

ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં ને નાગલા ઓછાં પડ્યાં રે લોલ
કમ્મખે દોથો ભરીને કાંઈ ટાંક્યાં ને આભલાં ઓછાં પડ્યાં રે લોલ

કવિવર રમેશ પારેખનાં આ કાવ્યનો પ્રથમ શબ્દ ‘ગોરમા’ જ અહી વિષય, કથક અને પરિવેશને પ્રકાશિત કરી આપે છે. આપણી પરંપરામાં ‘ગૌરી’ એટલે સ્ત્રીના નવયૌવનની એષણાઓને પ્રગટ કરવાનું જ આલંબન. ગૌરીવ્રતનો ઉલ્લેખ જ આ કાવ્યને કન્યાનાં આકાંક્ષિત મન સાથે જોડી આપે છે. “ગોરમા ગોરમા રે.. કંથ દેજો કોડામણો” જેવી વ્રતગીતની કડીઓ હોય કે લોકસાહિત્યમાં પુનમતીઆઈ નામની કોઈ લોકનારીનાં નામે ગવાતી ગીતની પંક્તિઓ “પાંચ તો મુંને પુતર દેજ્યો, પાંચે પાઘાળા, એ ઉપર એક ધેડી દેજ્યો, આણાંત ઘોડાળા..” હોય. વળી, સૌરાષ્ટ્રમાં તો કિશોરીઓની રમતોમાં પણ “અવલી દેજો, પવલી દેજો, મોટા ઘરનું માણું દેજો..” જેવાં ગીતો પણ મળે. આમ, આપણી સંસ્કૃતિમાં જીવન પાસે અનેક અપેક્ષાઓ સેવનારી નાયિકાઓ અઢળક છે. પ્રસ્તુત કાવ્યમાં પણ ગોરમાને પૂજવાનો સંદર્ભ અંતે તો જીવનપ્રીતિનો જ એક ભાગ છે. વળી, અહી માત્ર પૂજવાની વાત નથી, પણ ‘પાંચે આંગળીએ પૂજવાની’ વાત છે. પાંચે આંગળી – પૂરેપૂરો યત્ન અને કર્મ. પણ ધ્યાન રહે કે આ કાવ્ય મનોરથોની ટીપયાદીનું કાવ્ય નથી. અહી તો કામનાઓની અતૃપ્તિ જ કાવ્યનો વિષય છે અને એટલે જ પંક્તિના ઉત્તરાર્ધમાં એ આશંકા સેવવામાં આવી છે કે નક્કી કર્મમાં કોઈ ચૂક રહી ગઈ હશે તો જ પરીપુર્તીમાં અપૂર્ણતા રહી હોય. વળી, અહી જીવનશ્રી સુકાઈ રહી છે તે માટે માત્ર ભાગ્યને જ દોષ આપીને બેસી રહેવાની વાત નથી. જીવનને દિપાવવા પોતે પણ ઓછો યત્ન નથી કર્યો એ વાતનું પ્રમાણ પછીની કડીમાં મળે છે.

બીજી કડીમાં ‘કમખો’ પ્રતીક પણ યૌવનના ઉલ્લાસોનું જ પ્રતિબિંબ. વળી અહી તો ‘કમ્મખો’ કહીને શબ્દને લડાવીને અરમાનો પ્રત્યે કેટલું હેત છે એ પણ છતરાયું થઈ ગયું છે. દોથો લઈને દેવાની હોશ એટલે જરાય ખોટ રાખ્યા વગર આપવું, સંકોચ વગર આપવું એમ જ સૂચવે છે. અહી કમખે આભલાં થોડાંઘણાં નહી, દોથો ભરીને ટાંકવાનો પ્રયત્ન તો કર્યો છે પણ કશુંક ‘ઓછું પડવા’ની વિવશતા છે તે અહી કાવ્યનો સ્વ-ભાવ બનીને આવે છે. એટલે સમજાય કે ઇચ્છાકાશના વિસ્તાર તો ઘણા બૃહદ હોય, તેમાં દોથા જેટલાં આભલાં કેટલુંક ટમટમવાનાં? એ તો ઓછાં જ પડે ને! આમ જોઈએ તો કાવ્યનું આખું કથયીતવ્ય પહેલી પંક્તિમાં જ આવી જ ગયું છે. બીજી પંક્તિઓ તો સહેલીઓ રૂપે સમર્થન આપવા જ જાણે સાથે આવી ને ઉભી છે.

માંડવે મ્હેક મ્હેક જૂઈની વેલ કે જૂઈના રેલા દડે રે લોલ
સૈ, મારે નેવાનું હારબંધ ટોળું કે સામટું મોભે ચડે રે લોલ

પહેલી પંક્તિએ વિષય માંડી આપ્યો છે એટલે હવે એ વિષયને અનુરૂપ સજાવટ સાથે કવિતા આગળ વધે છે. પછીના પંક્તિયુગ્મમાં જે જુઈના લતામંડપનો ઉલ્લેખ થયો છે, એ તો આપણી કેટલીય નાયિકાઓની પ્રણયક્રીડાનું સ્થાન રહ્યું છે. લતામંડપો સાથે તો આપણી સાહિત્યકૃતિઓમાં અનેક શૃંગારરાત્રીઓના અને ગંધર્વવિવાહોના સંદર્ભો રહેલા છે. પણ અહી તીવ્ર અને મદમસ્ત સુગંધોથી બહેકતા પુષ્પોને સ્થાન નથી. અહી તો પ્રણયની શુચીતા પ્રગટાવતી હોય તેવી શ્વેતવર્ણી સૌમ્યગંધા જુઈને પસંદ કરવામાં આવી છે અને જો કવિ જુઈની ચિરપરિચિત છબી આપે તો તેમાં શું કવિકર્મ! કવિએ અહી જૂઈને પ્રવાહી બનાવીને તેના રેલા રેલાવ્યા છે. તેનો શુભ્રવર્ણ, તેની હૃદયમોહન ગંધ અને તેનું નિર્વહન પ્રવાહી રૂપે રેલાવીને એક સુંદર ઇન્દ્રિયવ્યત્યય રચવામાં આવ્યો છે. જૂઈના પુષ્પની ધવલ સ્વચ્છતા અહી પ્રવાહી રૂપે દડી આવે ત્યારે પુંસક આવેગ ને સૂચિત કરવા માટેનું એક સુંદર કલ્પન સર્જાય છે. અહી કામનાનો આટલો મુક્ત તેમ છતાં પવિત્ર કહી શકાય તેવો સંદર્ભ જરાય ઔચિત્યભંગ ન થાય એ રીતે રચી શકાયો છે! તેની ગંધનું ગાત્રોમાં રેલાવું એ એક રીતે તો દેહના પ્રાકૃતિક આવેગ તરફ જ ઈશારો કરે છે અને પછીની પંક્તિમાં તેના કરતાં વિપરીત ગતિની ક્રિયા આલેખીને એક સુંવાળા અનુભવની બાજુમાં કઠોર વાસ્તવને મુકીને કવિતાની વિરોધરંગી ભાત રચી છે.

‘નેવનાં પાણી મોભે ચડવા’- જેવો રોજીંદો રૂઢીપ્રયોગ અહી કવિતામાં રસાઈને આવ્યો છે. જૂઈના રેલા દડવામાં જે સ્વપ્નસૃષ્ટિ હતી તે પછીની પંક્તિમાં તૂટી પડે છે. નેવાઓનું ટોળું સામટું મોભે ચડે તેમાં કરુણતાઓ દમી ન શકાય તેમ આવી ચડ્યાનો અનુભવ થાય છે. સુંદરતાનું દડવું અને કઠોરતાનું ચડવું વિરોધાભાસી ક્રિયાઓ પણ અહી કેવી કલાત્મકતાથી એકમેકની બાજુમાં ગોઠવાઈ ગઈ છે. વળી, કાવ્યના અંતરની વાત કેટલી અંગત છે તે ‘સૈ’ જેવાં રૂપકડાં સંબોધન પરથી જ સમજી શકાય છે. અહી ‘સૈ’ સંબોધન માત્ર ગીત સ્વરૂપની વ્યવસ્થાના ભાગ રૂપે, લયપુરક શબ્દ તરીકે જ નહિ પણ કાવ્યના અંતસ્તત્વને ઉઘાડનાર ચાવી તરીકે પણ ઉપસ્થિત છે.

“ત્રાજવે ત્રંફેલા મોરની ભેળી હું છાનકી વાતું કરું રે લોલ
લોલ મારે મોભારે કાગડો બોલે ને અમથી લાજી મરું રે લોલ”

આપણી લોકનાયિકાને મોરના ઉલ્લેખ વગરનો પ્રણય તો અધુરો જ લાગે. મોર એ તો આપણા લોક અને અભિજાત બંને સાહિત્યમાં કામ્ય પુરુષનું પ્રતીક રહ્યો છે. તેની રંગમય કલાધર આકૃતિ હંમેશા પૂર્ણ અને રસિક પુરુષની મુદ્રાને નારી હૃદયમાં અંકિત કરતી રહી છે અને એટલે જ જીવનના અભાવની વાતોને વહેચવા માટે અહી નાયિકાએ છુંદણામાં રહેલા મોરને પસંદ કર્યો છે. શરીર પર રહેલા છુંદણા તો મનુષ્યના આમરણ સાથી હોય છે. તેની સાથે તેની ઘણી સંવેદનાઓ જોડાયેલી હોય છે. અહી નાયિકાને અંગ ઉપર ત્રાજવે ત્રોફેલો મોર પણ અંગત મિત્ર લાગ્યો છે કેમ કે એ તેના દરેક હર્ષ અને આંસુનો સાક્ષી રહ્યો છે. એવાં મોરની સાથે નાયિકા ‘છાનકી’ વાતો કરે છે. ‘છાનકી’ જેવો લોકબોલીનો શબ્દ અહી મનુષ્ય જીવનનાં એકાકીપણાને કેવો સાર્થક રીતે વ્યક્ત કરે છે! એ ત્રાજવાના મોરની મિશે વાત તો અહી પંડ સાથે જ કરવાની છે. પણ એકલતાની ઘેરી છાયા ઉપર પણ કવિએ મોરના પ્રતીકનું અંકન કરીને આ કરુણ સ્થિતિને સુંદર ચિત્રમાં પરિવર્તિત કર્યું છે.

આ કાવ્યમાં એક રચના કસબ ખાસ ધ્યાન ખેચે છે કે દરેક પંક્તિયુગ્મમાં પ્રથમ પંક્તિમાં દર્શાવેલી ઘટના બીજી પંક્તિની ઘટના સાથે વિરોધી રંગનું એક ચિત્ર બનાવે છે. જુઓ, મોર જેવાં હર્યાભર્યા સ્વપનપુરુષના પ્રતીક સાથે જ કાગડાનો ઉલ્લેખ પણ કર્યો છે. મોરની સરખામણીમાં કાગડો થોડો વિરૂપ લાગે પણ અહી કાગડાની વધામણી ખાનાર તરીકે, શુભસંકેત તરીકે ઉપસ્થિતિ હોવાથી તેનો કર્કશ અવાજ પણ કર્ણાકર્ષક લાગે છે. મોરનો ટહુકો પ્રેમીજનોના હૃદયને વલોવતો હશે, પણ કાગડાનો કાકરવ બીજા કોઈને અસર કરે કે ન કરે પણ વિરહિણી નાયિકાઓ માટે તો હંમેશા આશાભર્યા આનંદનું કારણ રહ્યો છે. વળી, મોભારે બેસીને બોલતો કાગડો તો પીયુંમિલનનો વધુ સ્પષ્ટ સંકેત આપનારો માનવામાં આવ્યો છે.

અહી કાગડો બોલ્યાના જવાબમાં જે દૃશ્ય છે તે ઓછા શબ્દોમાં આલેખાયેલું હોવા છતાં લાવણ્યમય છે. કાગડો બોલવાના પ્રતિભાવમાં નાયિકા શું કરી શકે! કવિની કલ્પના સામાન્ય ભાવક કરતાં થોડી વધુ સૌંદર્યમય હોવાની જ. એટલે અહી કાગડો બોલવાનો હરખ લજ્જિત થઈને વ્યક્ત થયો છે. ‘લાજી મરવું’ એ પણ કવિને મન સર્વસાધારણ ભંગિમા હશે ને એટલે જ એમાં કવિતા ઉમેરવા કવિએ એક ક્ષુલ્લક દેખાતા ‘અમથું’ શબ્દને પ્રયોજી કવિતાનું મુલ્ય વધારી દીધું છે. ‘અમથું લાજી મરવું’ એ શબ્દો નારીહૃદયના ખુબ સુક્ષ્મભાવને વ્યાખ્યાયિત કરતું અવતરણ બની રહે છે. કલા કલાનાં ગોપનમાં રહેલી છે એ સિદ્ધાંત અહી અમથું લાજી મરવાથી ઉત્તમ રીતે સિદ્ધ થઈ જાય છે.

મેંદીએ મેલું હું મનની ભાત્ય ને હાથમાં દાઝ્યું પડે રે લોલ
આડોશ પાડોશ ઘમ્મકે વેલ્યું ને લાપસી ચૂલે ચડે રે લોલ

કોઈ કન્યા માટે હાથમાં મેંદી મુકવી એ તો ઉત્સવ સમાન છે. પણ અહી તો મેંદીમાં મનની ભાત મુકવા જતાં હાથમાં દાજ્યું પડે છે. અહી મનના દાહવિલાપ મેંદી જેવી શીતળ સામગ્રીમાં આવીને પણ ઠરતા નથી. મનના ઉકળાટ મેંદીની ભાત સ્વરૂપે પણ અંતે તો અહી દાહક જ નીવડે છે. પછીની પંક્તિમાં પાડોશ સાથેની તુલના પણ એટલી જ અર્થસભર બની રહે છે. પડોશમાં ઘમકતી વેલ્યું અને ચૂલે ચડતી લાપસીના હરખ મહેંદી મુકવાથી ઉભી થયેલી અશાંતિ સાથે બરાબર વિરુદ્ધ દિશાના ધ્રુવ બની રહે છે. ત્યાંનાં ઘમઘમતા વેલડાં અને લાપસીના આંધણની સભરતા અહી નિરર્થક મુકેલી મહેંદીથી દગ્ધ હાથોની રિક્તતાને વધુ અર્થપૂર્ણ રીતે ઉપસાવે છે. આજુબાજુની પ્રફુલ્લિત દુનિયાની પ્રગલ્લ્ભતાની સાથે નાયિકાની બંદિની અવસ્થાને વર્ણવતી તરત પછીની પંક્તિ મળે છે જુઓ..
સૈ, મારે ઉંબરાની મરજાદ કે ઓરડા ઠેસે ચડ્યા રે લોલ
લોલ મારે પથ્થરને પાણિયારે કે જીવતાં મોતી જડ્યાં રે લોલ

વળી, ‘સૈ’ ને સંબોધન, ઊંબરની મર્યાદાનું સૂચન, બહારના આકાશની મોકળાશનો અભાવ અને અંદર ગૂંગળાતી ઉડાન આ બધું મળીને એક એવું બળકટ સંવેદન બની રહી છે કે તેને રોકી રાખતા ઓરડાઓ પણ હવે એ સપનાઓની ઠેસે ચડી રહ્યા છે. ઓરડાઓને ઠેસે ચડાવનારી ઉર્જા કેવી ઉન્મુક્ત હશે તેનું ગતિશીલ ચિત્ર અહી અદભૂતરસ સાથે ભળી ને આવે છે.

પછીની જ પંક્તિમાં ‘પાણીયારું’ અપ્રતિમ પીડા વર્ણવતું પ્રતીક બનીને આવે છે. પાણીયારુંએ તૃપ્તિસ્થાન છે. જ્યાંથી સંતૃપ્તિનો અનુભવ થાય એ સ્થળને જ પથ્થર જેવું મૂઢ ઉલ્લેખીને તેના શણગારમાં જે મોતીઓ જડ્યાં છે તે જીવંત કલ્પ્યા છે! સંકુલ દેખાતી આ પંક્તિ એક ગહન અર્થ લઇને આવે છે. કોઈ જીવંત વસ્તુ માટે ક્યાંક જડાઈ જવું અને નિરર્થક શોભારૂપ બની રહેવું એ એક કરપીણ સ્થિતિ છે. આ સ્થિતિમાં રહેલી યંત્રણાનું સાવ સાદી સામગ્રીઓથી અહી ચોટપૂર્વક આલેખન થયું છે. ‘જડ્યાં’ ક્રિયાપદમાં જડવત સ્થગિતતાના બોજનો આભાસ અહી જે રીતે મુકવામાં આવ્યો છે તે સ્તુત્ય છે. પથ્થર જેવી મૂઢતા અને પાણી જેવું લાલિત્ય અને તે બંને સાથે મોતીની જીવંતતાની સહોપસ્થિતિ રસપ્રદ છે. જીવતા જડ થઈ રહેવાનો આદેશ સહી જવાનું દુઃખ તો ઈશુ, મીરાં કે સોક્રેટીસ જેવું કોઈક જ જાણે!

જડસ્થિતિની પીડા પછી તરત જ પછીની પંક્તિમાં ખંડ ખંડ થઈને વેરાઈને તૂટી જવાની વેદનાનું વર્ણન છે. જડતામાંથી મુક્ત થઈને ગતિ તો મળી. પણ એ ગતિ જીવનોન્મુખ નથી. પતનની ગતિને અહી ચૈતન્ય માનવાની જરૂર નથી. પણ કવિએ નિરાશાજનક ખંડન પણ અહી કોમળતાપૂર્વક જ આલેખ્યું છે. જૂઓ..
લોલ, ઊભી આંગણે નાગરવેલ કે પાંદડા તૂટ્યા કરે રે લોલ
ઓરડે વાની મારી કોયલ આવે ને કાંઈ ઊડ્યા કરે રે લોલ

કાવ્યાંતે આંગણે ઉભેલી નાગરવેલએ વેલ બીજું તો કોણ? પણ સ્વયં નાયિકાનું જ પ્રતિરૂપ. અહી પાંદડાં તૂટ્યા કરવાની ખોટએ જાણે સમયનું, ઉંમરનું વ્યર્થ વ્યતીત થવું એ જ સંકેત સમજવો રહ્યો. વળી, ‘તૂટવું’ નહિ પણ ‘તૂટ્યા કરવું’, આ નિરંતરતામાં કવિએ માનવ જીવનની એકવિધતાને એક જ શબ્દના લસરકે ચીતરી આપી છે. સીસીફસના પુરાકલ્પનનો આ આપણા જાનપદી પરિવેશમાં કવિએ કરેલો આવિષ્કાર છે. આ ઉપરાંત શોભાનું કોઈના ભોગવ્યા વગર જ જીર્ણ થઈ જવું એ નિ:શબ્દ કરુણતા પણ અહી અંતર્નિહિત છે.

કાવ્યાંતે સંવેદનને કોઈ શમન તરફ મોકલ્યા વગર તેને આંદોલિત જ રાખ્યું છે. મનની વૃત્તિઓને અહી કવિતાને અંતે કોઈ સમાધાન તરફ મોકલવામાં નથી આવી પણ એને અનંત સુધી અતૃપ્ત જ રાખવામાં આવી છે. બિલકુલ મનુષ્યની નિયતિની જેમ જ. ‘વાની મારી કોયલ’ જેવો શબ્દ પ્રયોગ આપણા અભિજાત અને લોકસાહિત્યમાં કૌમાર્યને કાંઠે ઉભેલી કન્યાનું જ પ્રતીક છે. પણ એ અહી ટહુકતી કોયલ નથી. અહી કોયલ સાથે વસંતની નવપલ્લવતાનો ઉન્મેષ નથી. અહી તો ઓરડાના સીમિત અવકાશમાં ઉડ્યા કરતી, અટવાયા કરતી કોયલ છે. તૂટ્યા કરવાની એકધારી ક્રિયા સાથે ઉડ્યા કરવાની અનંત પિપાસાનો પણ અહી અલગ અર્થ મળે છે. બન્નેમાં ગતિ છે પણ તૂટ્યા કરવામાં વિષાદ છે અને ઉડ્યા કરવામાં મૂક વિલાપ.

‘ઓછાં પડ્યા’, ‘રેલા દડે’, ‘મોભે ચડે’, ‘છાનકી વાતું કરું’, ‘લાજી મરું’, ‘દાઝ્યું પડે’, ‘લાપસી ચૂલે ચડે’, ‘ઠેસે ચડ્યા’, ‘મોતી જડ્યાં’, ‘પાંદડા તૂટ્યા’, ‘ઊડ્યા કરે’. આ બધા જ ક્રિયાપદો અહી કોઈ ને કોઈ રીતે વ્યથાના પ્રતીક રહ્યા છે. તેમાં ક્યાંક કોઈ પ્રકારનો સ્વર પ્રગટ થતો હશે તો એ નીરવ ક્રંદન રૂપે જ હશે. આપણા સમાજની કન્યાઓની સામાજિક ચુપકીદી સાથે આ બધા ક્રિયાપદો કેવો સુમેળ કરીને બેઠા છે? આ કાવ્યની ભાષા તો માત્ર કન્યાના મનોભાવોને જ જાણે અભિવ્યક્ત કરે છે પણ કવિતા તો મનુષ્ય માત્રના અતૃપ્ત મનનો અરીસો બનીને ઉભી હોય તેવું સુંદર શિલ્પ બનીને આવી છે.

શક્તિસિંહ પરમાર. રૂમ નંબર : ૭૫, જૂની મીલ ની ચાલી, નિર્મળનગર રોડ, બહુમાળી ભવન સામે, ભાવનગર. પીન : ૩૬૪૦૦૧ મો નં : ૯૪૨૯૩૫૨૭૫૫.