ઓલરાઉન્ડર સર્જક ચિનુ મોદી....

એમ.એ.માં આવ્યો ત્યારે અધ્યાપક બનવાનું નક્કી કરી લીધેલું.કિશોર જાદવની ‘રિક્તરાગ’ નવલકથા અમારે અભ્યાસક્રમમાં હતી. યુનિવર્સિટીના કેટલાય અધ્યાપકોએ એમાં રહેલા સંભોગના દૃષ્યો અને દુર્બોધ હોવાના કારણે કૃતિને અભ્યાસક્રમમાંથી કાઢી નાંખવા વિરોધ પ્રદર્શનો કરેલા. ચિનુ મોદી અમને એ નવલકથા ભણાવે. એમણે એ નવલકથા વાંચીને ‘એ કેવી સમજાય છે’ એ જાણવા વિદ્યાર્થીઓને તેના પર લેખ લખી લાવવાનું લેસન આપ્યું. પાંચ-છ વિદ્યાર્થીઓ લખી આવ્યા. મેં ક્લાસમાં એ લેખ વાંચ્યો. મોદીસાહેબે કશું જ કહ્યાં વિના એ લેખ મારી પાસેથીલઇ લીધો. એક મહિના પછી એક દિવસ ક્લાસમાં આવ્યા ઉત્સાહથી ને બધા વિદ્યાર્થીઓની વચ્ચે મને ઊભો કર્યો. ‘શબ્દસૃષ્ટિ’નો અંક એમના હાથમાં હતો.ને એ બોલ્યા...”નરેશ શુક્લ-આ લેખ સાથે વિવેચન જગતમાં સ્વાગત છે.” મેં પરીક્ષા માટે તૈયાર કરેલા પ્રશ્નનો જવાબ, લેખરૂપે ત્યાં છપાયેલો હતો !! મોદીસાહેબે આપેલ સરપ્રાઈઝ મને વિવેચનલેખો લખવા પ્રતિ દોરી ગઈ. સાથી વિદ્યાર્થીઓએ પરીક્ષામાં જે જવાબો લખ્યા એમાં ‘રિક્તરાગ વિશે વિવેચક નરેશ શુક્લ કહે છે કે....’કરીને મારા ક્વોટેશન લખતા હતા. એમને ફર્સ્ટ ક્લાસ આવ્યો. મારે આવ્યા માત્ર 47 ટકા એ પ્રશ્નપત્રમાં.!!

એમ. એ.ના અભ્યાસ દરમિયાન હું પ્રેમમાં પડ્યો હતો. ગળાડૂબ. મારા ચિત્તનો સંપૂર્ણ કબજો લઈ લીધેલો. ને એમ.એ.પૂરું થવા સાથે જ એ જતી રહી પરણીને એના સાસરે. મારું તંત્ર સંપૂર્ણપણે છિન્નભિન્ન. માનસિક ને પછી શારીરિક સ્વાસ્થ્ય પણ પડી ભાંગેલું. હોસ્ટેલની રૂમમાં પથારીવશ. દસ-પંદર દિવસેય સારું ન થાય. એક દિવસ મારી પાસે હોસ્ટેલ પર ચિનુ મોદી સ્વયં હાજર. નાનકડી અસ્તવ્યસ્ત રૂમમાં હું પડેલો. વધી ગયલી દાઢી, શરીરમાં અશક્તિ ને લઘર-વઘર અવસ્થામાં જ ઉપાડ્યો એમની ગાડીમાં. અમદાવાદથી બહાર, ગાંધીનગરના માર્ગે લઈ ગયા. એક વૃક્ષ નીચે ગાડી ઊભી રાખી. ત્યાં સુધી કંઈ બોલ્યા નહીં. હું પણ ચૂપ. પછી સીગારેટ સળગાવી ને પૂછ્યુઃ ‘તારે પીવી છે ...?’મેં ના પાડી. થોડી વાર એમ જ ઊભા રહ્યાં ને પછી પૂછ્યું “તમારે હોસ્ટેલમાં દર રવિવારે મેસ બંધ હોય છેને...?” મેં ‘હા’ પાડી. તો કહેઃ “તો એ દિવસે તું જમવાનું શું કરે છે...?” મેં કહ્યુઃ “બીજી જગ્યાએ જમી લઉં છું.”“બસ ચાલ બેસ ગાડીમાં. તું બધું સમજે તો છે, પછી આવું કેમ કરે છે...?” “એ છોકરીમાં તને સમજવાની તાકાત નહોતી. એટલે એ મેસ બંધ છે. એમ માની લે....જિંદગી વેડફી ન નખાય.”- ને હોસ્ટેલ પર આવીને મને મુકી ગયા.

સુમન શાહ કે ચિનુ મોદી પાસે પીએચ.ડી. કરવા વિચારેલું પણ તરત એડમિશન શક્ય બને એમ નહોતું એટલે. એ દરમિયાન મેં એમ.ફિલ.માં એડમિશન લીધું. ત્યારે અમેરિકાથી આદિલ મન્સુરી ગુજરાતના પ્રવાસે વતનમાં આવ્યા હતા. રે-મઠના એમના મિત્રોનો ઉત્સાહ ચરમઅવસ્થાએ હતો. સરકારે એમને એક લાખ રુપિયાનો પુરસ્કાર આપીને નવાજવાની જાહેરાત કરી હતી. ચિનુ મોદી રે-મઠના ઉપક્રમે ભૂતકાળમાં કરેલી ધમાલ ફરી કરવાના મૂડમાં હતા. અમે વિદ્યાર્થીઓ પણ એમના આ તોફાનો કરવાના આયોજનને લીધે ઉત્સાહિત થઈ ઊઠેલા. મનહર મોદી, સુભાષ શાહ, ઇન્દુ પુવાર ને લાભશંકર ઠાકર જેવા એમના મિત્રોએ ભેગા થઈને સાહિત્યના ઉઠમણાનો કાર્યક્રમ ઘડી કાઢ્યો. હઠિસિંહ વિઝ્યુઅલ આર્ટ સેન્ટર ખાતે આ કાર્યક્રમ રાખવામાં આવેલો. ચિનુ મોદીએ અમને વિદ્યાર્થીઓને પણ એમાં હિસ્સેદાર થવા જણાવ્યું. અમે પણ એ ટીંગલમાં ભાગીદાર થવાનું નક્કી કરી નાંખ્યું. હોસ્ટેલમાંથી પચાસ-સાઠ છોકરાઓએ માથે ફાળિયા ઓઢીને પોક મુકતાં મુકતાં આવવું- એવું મેં આયોજન કરી નાંખ્યું. યુવાનીના એ દિવસોમાં અમારું લોહી ગરમ-ગરમ થઈ ઉઠેલું. આગલા દિવસે સાંજે હું અને મિત્રો દીપક ભટ્ટ, લાભુ લાવરિયા, ભાવેશ જેઠવા અને બીજા થોડાં મિત્રો સાથે કેન્ટિનમાં ચા પીતા ઉત્સાહમાં આવીને વાતો કરતા હતા કાર્યક્રમ વિશે. ત્યાં દીપક ભટ્ટ બોલ્યા- “નરેશ, આ મને ન સમજાયું. આવતી કાલે રેમઠિયાઓ સાહિત્યનું ઉઠમણું કરવાના છે. ત્યાં એ ગુજરાતી સાહિત્ય મરી ગયું છે-નો કવિતા પાઠ કરશે. મરશિયાના ઢાળમાં ગાશે, પોક મુકશે, ઠાઠડી બાળશે ને દોણી લઇને આગળ મનહર મોદી ચાલશે.- આ બધું કંઈ ઠીક નથી લાગતું. આપણે જેનો અભ્યાસ કરીએ છીએ, જે કૃતિઓ વાંચીને આનંદાનુભવ કરીએ છીએ- એ બધું મરેલું થોડું છે...?”- બસ. મારા મગજમાં આ વાત ક્લિક થઈ ગઈ. પછી તો ત્યાં ને ત્યાં જ ખુલ્લો પત્ર લખાયો. એમાં ધારદાર પ્રશ્નો જન્મ્યાં. તરત જ થયું કે જો ગુજરાતી સાહિત્ય મરી જ ગયું હોય તો આદિલ મન્સુરી ત્રણ દિવસ પછી જલતરંગ પર લાખ રૂપિયાનો પુરસ્કાર લેવાના છે એ શા માટે...? શા માટે ચિનુ મોદી એ સાહિત્યને ભણાવે છે...?- શા માટે લાખો લોકો હજીએ ગુજરાતી સાહિત્યનું સેવન કરતા હશે...?- અને પછીના કલાકોમાં સર્જાયો સરપ્રાઈઝ કાર્યક્રમ.

પછી જે થયું એ બધું તો વિગતે પછી ક્યારેક લખીશ. પણ સાહિત્યના એ ઉઠમણાને અમે તીતર-બીતર કરી નાંખ્યું. સ્ટેજ પર બેઠેલા એ પ્રતિષ્ઠિત કવિઓ- લાભશંકર ઠાકર, આદિલ મન્સુરી, મનહર મોદી, ઇન્દુ પુવારથી માંડી બધાં જ સ્તબ્ધ હતા. એમને અપમાનીત કરી અમે સ્ટેજ નીચે ઉતાર્યા (ફેંકવા બરાબર જ) ત્યારે લગભગ બધાએ મિજાજ ગુમાવી દીધેલો. અનાપસનાપ ભાષાએ ચડી ગયેલા. ત્યારે પ્રેક્ષકગણમાં બસોએક સાહિત્યકારો, સાહિત્યપ્રેમીઓ, મિડિયા કર્મીઓથી માંડી કેટલાય હાજર હતા. હું ખુલ્લો પત્ર વાંચતા વાંચતા ધ્રુજતો હતો..દીપક ભટ્ટ બીજી બાજુના માઈક પરથી રે-મઠના કવિઓને ભાંડતા હતા. ત્યારે વચ્ચે વચ્ચે એક જ સ્વસ્થ અવાજ સંભળાતો હતો- “ક્યા બાત હૈ નરેશ. વાહ...બહોત ખૂબ...”- અને એ અવાજ હતો ચિનુ મોદીનો. એ સંપૂર્ણ સ્વસ્થ હતા.

પછીએ મુંબઈ સમાચારમાં કલમ યુદ્ધ ચાલ્યું. ખાસ્સો મહિનો. એક બાજુ મુંબઈથી લખતા હતા- અનિલ જોશી અને અમદાવાદમાં બેઠા લાભશંકર ઠાકર. એમને બરાબરના જવાબો આપતા હતા અમે – હું ને દીપક ભટ્ટ. છાપાનાં તંત્રી હતા- હરિ દેસાઈ. પણ મજાની વાત એ હતી કે –‘મુંબઈ સમાચાર’ છાપું અમને મળે નહીં. એ લાવી આપતા ચિનુ મોદી. આવીને કહેઃ “હજી આ ભાષામાં શિષ્ટતા છે. હજી આદર-સમ્માનથી અમારી સાથે ડાયલોગ કરે છે. તું ખુલીને લખ. બરાબર અમને ભાંડીશ તો જ તું ને તારી પેઢી કંઈક નવું કરી શકશો.” આ આખીએ ઘટના પછી ‘પછાડ’નો જન્મ થયો.

બહુ ઓછા એવા માણસો મળ્યા છે- જે સાવ ઓછા શબ્દોમાં રસ્તો બતાવી દે ને પાછા ઉપકાર કર્યાનો ભાવ પણ ન લાવે. ચિનુ મોદીએ અનેક કવિ, લેખકો તૈયાર કર્યા હશે. એમને નામ પણ યાદ નહીં હોય. એ દરેકમાં કંઈક શોધ્યા કરે, સંકોર્યા કરે. એની પાછળ સમય આપે. ટપારે ય તે નેએની વાહિયાત રચનાઓને સહન પણ કરે.- એ મને કવિતા લખતો કરવા બહુ મથ્યા. મને પણ શરુ શરુમાં બહુ ધખારા ઉપડે. એમની પાસે છંદ શીખવા જાઉં. પહેલા જ દિવસે પૃથ્વી છંદ આપ્યો. કહ્યુઃ “આ લયને આખો દિવસ રટણ કરીને આત્મસાત કર. એક-બે દિવસમાં જરૂર કાવ્યપંક્તિ લખાશે.” હું લાગી પડ્યો. મન પરોવીને મંડી પડ્યો. બે દિવસ પછી એમની પાસે જઈને જે સૉનેટ લખ્યું હતું તે બતાવ્યું !! એમણેઆંખો બંધ કરી. થોડી વાર અંદર ડૂબી ગયા ને પછી કહેઃ“નરેશ તું વાર્તા લખવાનું જ રાખ.”

પછીના વર્ષોમાં અનેક કવિ-લેખકો, જાહેરજીવનની વ્યક્તિઓથી માંડી મહા-ગણાતા માનવોને મળવાનું થયું. એમાંથી કંઈકને કંઈ જાણવા શીખવાનું મળ્યું. પણ ચિનુ મોદી જેવી સરળતા, સચ્ચાઈ અને ઉત્સાહ- ભાગ્યે જ બીજે અનુભવાયો. એ કંઈ છૂપાવે નહીં. વિદ્યાર્થીઓ વચ્ચે પોતાની મર્યાદાઓને ખુલ્લી કરતાં અચકાય નહીં. નીંદા કરવાનું ટાળે. મર્યાદાઓ કરતા વિશેષતાઓ તરફ વધું ધ્યાન દોરે.

એમને ઘેરાયેલા રહેવું ગમે. ઉમળકાથી મળે ને ભેટે. સ્ત્રી હોય તો સવિશેષભાવે ભેટે. પણ કોઈનેય ભૂલે નહીં. ચૂકે નહીં. કેટલા બધા મિત્રો, કેટલા બધાં અનુચરો, કેટલાબધાં વિદ્યાર્થીઓ, કેટલાબધાં શ્રેષ્ઠીઓ, કેટલા બધાં માણસો વચ્ચે સતત વિલસતા, સતત પ્રગટતા, છતાં ક્યારેક લાગે સાવ એકલા છે. માણસભૂખ્યા છે. પૈસા માટે ખાસ્સો લગાવ. એ પાછા ભાર પૂર્વક કહે – પૈસા મળતા હોય તો કોઈ પણ ક્ષણે કોઈ પણ સ્વરૂપની રચના લખી શકું. અને લખે પણ ખરા. બધાની વચ્ચે બેઠા હોય તો ભીડમાં ય જિંગલ લખી નાંખે, નાટક પણ એ જ કારણે લખે. કહેઃ “કવિતા મારા માટે. બાકી બધાં સ્વરૂપ પૈસા માટે.” પણ ખરેખર એવું નથી. એ એમની નાટ્યરચનાઓથી માંડી અનેક પ્રયોગશીલ કૃતિઓમાંથી પસાર થઈએ ત્યારે આપોઆપ સમજાઈ જાય એવું છે.

વર્તમાન સમયે એમના જેવો બીજો ઓલરાઉન્ડર સર્જક કયો છે...? એક બાજુ એ ગઝલના સમ્રાટ છે. બીજી બાજું દીર્ઘ કાવ્યો, ગીત, નાટક, નવલકથા, ટૂંકીવાર્તાઓ,આખ્યાન, પટકથાઓ, પદ્યનાટક, નિબંધ, વિવેચન, - ભાગ્યે જ કોઈ સાહિત્ય સ્વરૂપ એમણે નહીં ખેડ્યું હોય. હળવાશ પણ જન્માવી શકે, પણ ગંભીર કવિતામાં એમને આંબવું મુશ્કેલ. બધા સ્વરૂપમાં ખાલી લખવા ખાતર નથી લખ્યું- ક્યારેય એમના પ્રદાનને અવગણી શકાય એમ નથી.

ઉમાશંકર જોશીના કાવ્યો, પ્રેમાનંદના આખ્યાનો, રાજેન્દ્ર શાહની કવિતા, આદિલ મન્સુરી કે લાભશંકર ઠાકરની આધુનિક કવિતાથી માંડી સુરેશ જોષીની રચનાઓ, આધુનિક પ્રવાહો અને ખાસ તો વિવિધ સાહિત્યિક વાદ- એ ભણાવતા ત્યારે એમની સર્જનાત્મક પ્રતિભાનો એક આગવો ટચ ભળતો. એ તો જેમણે એમના ક્લાસ ભર્યા છે એ સૌના ચિત્તમાં એવા ને એવા જ છપાઈ ગયો છે.

શ્રીમંત વણિક પરિવારમાં જન્મેલા ચિનુ મોદી બધી વાતે પૂરા છે. કશાય છોછ વગર પોતાના જલસાવતારને ભરપૂર માણતા કવિ યુવાનીમાં અનુકરણીય તોફાનો કરી ચૂક્યા છે. તો વડિલ તરીકે એમના છાયામાં પરમ શાતા અનુભવતા યુવાનોની સંખ્યા બહુ મોટી છે. કેટલાયના જીવનમાં સાવ નાનકડાં આછા અમથાં આંદોલનો જગવીને દિશાઓ ફેરવી નાંખે એવા ચમત્કારીક પણ રહ્યા છે. તો પોતાના જીવનમાં બધી જ જાતની તડકી-છાંયડી ને માન-અપમાન ભોગવી ચૂકેલા ચિનુકાકા અમદાવાદની જાન અને ગુજરાતની શાન છે. એ એકમાં અનેક છે. ભાતીગળ જીવનના માલિક છે. જો એ ગુજરાતીને બદલે અંગ્રેજી કે હિન્દીમાં લખતા હોતો તો...આખાય હિન્દુસ્તાનમમાં સો ટકા ડંકો વાગતો હોત.

મારી પત્ની તન્વી પણ એમની જ વિદ્યાર્થીની. એ મારા ઘરે આવે. સાથે ભોજન કરીએ. મરચાં ખાસ તળવાના. પછી નવી તાજી ગઝલ સંભળાવે. ને સાથે કહે પણ ખરા કે ‘મુશાયરામાં આ નહીં સંભળાવવાની. એ તો પાંચ હજાર લઈને સંભળાવવાની જૂદી હોય. અંગત ગોઠડીમાં તાજી રચનાઓ સંભળાવવાની. એમાંથી આ સંભળાવું. સાંજ પછી તારા ત્યાં નહીં રહું. વધારે સાંભળવી હોય તો હું રોકાવાનો છે ત્યાં આવજો. એ મારા ત્યાં રાત ન રોકાતા. સાંજ પછી શાયર ચિનુ મોદી એમના ભવ્ય મૂડમાં હોય..ત્યાં ને ત્યારે સાંભળવાનો લ્હાવો જ કંઈ અનેરો.

વચ્ચે એમની તબિયત લથડી ગઈ. પથારીવશ થઈ ગયાના સમાચાર મળ્યા. એમને મળવા ઘરે પહોંચી ગયો...ઘણા સમયે મળતો હતો. એમને આ પહેલા આવા રૂપમાં જોયા નહોતા. પથારીમાંથી ઉભા થવામાં ય તકલીફ પડતી હતી. પણ ટેકો કર્યો ને તકીયાને અઢેલીને બેઠા. ખોખરા અવાજે વાત કરે, વચ્ચે વચ્ચે હાંફ ચડી જાય, કફ થઈ ગયેલો. ખાંસી ખાય...હું કંઈ બોલ્યા વિના રડી પડ્યો...મારા વાંસે હાથ ફેરવીને કહેઃ “ગભરાઈશ નહીં. મને કંઈ થવાનું નથી. 94 વર્ષ લઈને આવ્યો છું....” પછી બીજી વાતો કરતા રહ્યાં. ત્યાં એક ડોક્ટરનો ફોન આવ્યો. તો એ અવસ્થામાં ય કહ્યુઃ “ડૉક્ટર મારે પાયાનો સૂપ પીવાય કે નહીં...??”

હું ને એ બંને હસી પડ્યા...!!

નરેશ શુક્લ. ગુજરાતી વિભાગ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત-7