સાંઈ
(પદ)


પીડ પરાઈ જાણો સાંઈ
થૈ બેઠા છો પાણો સાંઈ

ભૂખ્યો માંગે રોટી સાંઈ
ખીરની આશા ખોટી સાંઈ

કીર્તન તારા ગાતાં સાંઈ
પેટ નથી ભરાતાં સાંઈ

દુઃખના ડુંગર માથે સાંઈ
રોજ નવું કૈં આથે સાંઈ

ધીરે ધીરે ધીરે સાંઈ
આડા ઊભા ચીરે સાંઈ

વરતે કાળો કેર સાંઈ
જીવવું જાણે ઝેર સાંઈ

ઊભા યમુના ઘાટે સાંઈ
વાલા તારી વાટે સાંઈ

આપો ચપટી ચોખા સાંઈ
નવતર ને કૈં નોખા સાંઈ

અનિરુદ્ધસિંહ ગોહિલ, "ઉપનિષદ", પ્લોટ નં. ૪૩/બી, ગૌરીશંકર સોસાયટી; વિક્ટોરિયા પાર્ક સામે, જ્વેલ્સ સર્કલ, ભાવનગર ૩૬૪ ૦૦૩ મો. નં. ૯૬૨૪૬૪૨૯૪૯