‘ન સાંભળે કોઈ’માં દલિતસંવેદના


ગુજરાતી દલિત સંવેદનાના સાહિત્યનો ઈતિહાસ ચાર દાયકાથી વધારે જૂનો નથી. ગુજરાતી સાહિત્યમાં છેલ્લા ચાર દાયકાથી ટૂંકીવાર્તા, નવલકથા અને કવિતાના સ્વરૂપમાં દલિત સંવેદના પૂરા જોરશોરથી પ્રકટ થતી રહી છે. દલિત સર્જક જ દલિત સાહિત્યનું સર્જન કરી શકે એવો કોઈ નિયમ નથી, હોય પણ નહીં. તેથી દલિત સંવેદન જ્યાં જ્યાં પ્રકટે તે બધું જ દલિત સાહિત્ય એવું કહેવામાં કશી અતિશયોક્તિ નથી.

સાંપ્રતદલિત સાહિત્યક્ષેત્રે કેટલીય કલમો સર્જનરત છે. દલપત ચૌહાણ, મોહનપરમાર, હરીશ મંગલમ,પ્રવીણ ગઢવી,નીરવ પટેલ, દાનવાઘેલા, મૌન બલોલી,મંગલરાઠોડ,સાહિલ પરમાર, પથિક પરમાર, શંકર પેન્ટર, કિસન સોસા, જીવણ ઠાકોર, મનીષ પરમાર, રાજુ સોલંકી વગેરે ...કેટલાક દલિત સર્જકોએ અનુભવના બળે દલિત સંવેદનાનું આલેખન કર્યું છે તો કેટલાક અદલિત સર્જકો પાસેથી પણ આપણને દલિત-પીડિત-શોષીતાતાના સંવેદનની કવિતાઓ મળી છે. તો અહીં આવા જ એક ‘ અ-દલિત’ પણ ‘ સવાયા દલિત ‘ એવા પ્રવીણ ગઢવીના તાજેતરમાં જ પ્રગટ થયેલા તેમના છઠા કાવ્યસંગ્રહ ‘ ન સાંભળે કોઈ’[1] માં દલિત સંવેદન કેવી રીતે પ્રગટ થયું છે, કેવી રીતે તેને કળાત્મક રૂપ મળ્યું છે તેનો અભ્યાસ અહીં રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે.

‘ ન સાંભળે કોઈ’ કાવ્યસંગ્રહનું નામાભિધાન કવિએ મહાભારતના ‘ ન કશ્વિદ શ્ર્રૂણોતિ મે’ – મને કોઈ સાંભળતું નથી ‘ તે જાણીતી ઉક્તિથી કર્યું છે. શીર્ષકથી જ ‘સત્યનો અવાજ યુગોથી દબાતો – કચડાતો રહ્યો છે’ તે સત્ય ઉજાગર કરવાનું કવિને અભિપ્રેત છે. તો વળી ‘ લ્યો સાંભળો !’ શીર્ષકથી હરીશ મંગલમ આ કાવ્યસંગ્રહની પ્રસ્તાવના લખીને કવિની હતાશા, નિરાશા ખંખેરી દીધી છે. સહૃદયી ભાવકો તો કવિની વાત સરવા કાને સાંભળવાના જ.

‘ ન સાંભળે કોઈ’ કાવ્યસંગ્રહમાં શોષણ, અત્યાચાર, અન્યાય, આક્રોશ, કટાક્ષ, રાજકારણ, મહાનવિભૂતિઓ, રેશનાલિઝમ, લોકશાહી જેવા વિવિધ વિષયના કુલ ૬૨ કાવ્યોનો સમાવેશ કર્યો હોય અહીં વિષય વૈવિધ્ય જોવા મળે છે.

આ કાવ્યસંગ્રહનો ઉઘાડ ‘પરણામ’ કાવ્યથી થયો છે. અહીં કવિ શોષિતો-વંચિતો-દલિતો જેને પોતાના ગુરુ માને છે. જેને પોતાના આદર્શ માને છે એવા ચાર્વાક,બુધ્ધ,કબીર,માર્ક્સ, જ્યોતિબા ફૂલે, મહાત્માગાંધી અને આંબેડકરને પ્રણામ કરી તેમને અંજલિ અર્પે છે. યાદ રહે અહીં ‘પરથમ પરણામ મારા માતાપિતાને કહેજો .....’ નથી. આ જ વાત કવિએ ‘જો હો એવા કો ગુરુ તો બતાવો ’કાવ્યમાં કરી છે. એટલે કે બંને કાવ્યોનો વિષય એક જ છે.

‘ ન સાંભળે કોઈ’ કાવ્યસંગ્રહમાં દલિત-પીડિત, શોષિત અને વંચિતોની વેદનાને વાચા આપતાં કાવ્યો વધારે પ્રમાણમાં જોવા મળે છે. ‘શીરરછેદ’, ‘આભડછેટ હવે રહી નથી’, ‘અશ્પૃશ્ય’, ‘ ધર્માંન્તર’, ‘પેટની ચિંતા’, ‘ગળથૂથી’, ‘ માફી’, ‘મોટા કરે તે લીલા, નાનાં કરે તે છિનાળા’, ‘ સાંજ પડી રહી છે .’ જેવા કાવ્યોમાં દલિત સંવેદન કળાત્મક રીતે કાવ્યરૂપ પામ્યું છે.

‘શિરરછેદ’ માં જયારે જયારે દલિતોએ હક, અધિકારની માંગણી કરી ત્યારે ત્યારે જુદા જુદા સ્વરૂપે તેમના ઉપર અત્યાચાર, અન્યાય કરાયો છે તે વાત કવિ શંબુક, એકલવ્ય , કર્ણ, બલિરાજા, અને આંબેડકરને કાવ્યનો વિષય બનાવીને રજૂ કર્યો છે. જૂઓ...

‘ શંબુકે જ્ઞાન વાંરછયું
ત્યારે
રાજા રામને મોકલ્યા
શિર ઉતારી લીધું
.......
આંબેડકરે અધિકાર માંગ્યા
ત્યારે
મહાત્મા ગાંધીને મોકલ્યા
કાંડા કાપી લીધા
જયારે જયારે
ઉઠાવીએ અમે શિર
ત્યારે ત્યારે
કરો છો તમે શીરરછેદ !’( પૃ .૬)

‘અશ્પૃશ્યતા એ સમાજનું કલંક છે’. તેવું ગાંધીજી કહી ને ગયા પણ તે કલંક હજી ભૂસાયું નથી. અશ્પૃશ્યતાની સામાજિક સમસ્યા હજીયે ઠેરની ઠેર જ છે હાલમાં કુલડી અને સાવરણાના સ્વરૂપે અશ્પૃશ્યતા દેખાતી નથી પણ સુક્ષ્મ રીતે અશ્પૃશ્યતા આ સમાજમાં છે જ તે સત્ય ‘આભડછેટ હવે રહી નથી’ કાવ્યમાં વ્યક્ત થયું છે. મંદિર પ્રવેશ, સમૂહભોજન, ઓફીસોમાં, મકાનભાડેલેવામાં, કે ફ્લેટ ખરીદવામાં હજીય આભડછેટ આડે આવે જ છે તેથી જ કવિ લખે છે કે

‘ફ્લેટ બુક કરવા જઈએ તો
બુકીંગ ફૂલ જોવા મળે !
આભડછેટ હવે રહી નથી.
અમારા દીકરા અને
એમની દીકરીના હૈયે હેત જાગે તો
ચોતરફ આગ સળગે !
આભડછેટ
હવે રહી નથી !’ (પૃ.૮)

‘નકાર’ માં જે ‘હકાર’ છે તે સૌથી મોટી કરુણતા છે. આભડછેટનું આ નરવું-વરવું રૂપ સાંપ્રત સમયની સૌથી મોટી સમસ્યા છે.માત્ર હરિજન, ચમાર અને વણકર જ અશ્પૃશ્ય નથી. અહીં ‘અશ્પૃશ્ય’ કાવ્યમાં ‘કાને જનોઈ ચઢાવેલો બ્રાહ્મણ’, ‘રજસ્વલા’,વિધવા, મૃતદેહ, મંદિર, ભેસ-ભૂંડ.... આ બધા જ અસ્પૃશ્ય છે તેમ કહીં કવિ દલિતોનો પક્ષ લે છે.દલિતો માટે ધર્મ કે ઈશ્વર અગત્યના નથી. પણ તેમના માટે રોજી-રોટી-રોટલાનો પ્રશ્ન અગત્યનો છે તેથી ‘ધર્માન્તર’ કાવ્યમાં કવિ તેમની વેદના ને વાચા આપતાં લખે છે કે-

‘ રેશનકાર્ડ અપાવો,
બી.પી.એલ.કાર્ડ અપાવો
ભૈસાબ, તો અમે હાલ કરીએ
ધર્માન્તર !
અમારે તો રોજી-રોટી એ જ
ધરમ !

કાવ્યાંતે કવિ પૂછે છે કે-

ધરમ તો હાલ બદલીએ
પણ અમારી નાત શી રહેશે ?
અમે જનોઈ પહેરી શકીશું? ‘ (પૃ : ૧૧)

ધર્માન્તર પછીયે નાત-જાતના વાડા દૂર થવાના નથી તે સત્ય કવિને લાધું છે તેથી કવિનો પ્રશ્ન નિરુત્તર રહેવા જ સર્જાયો છે તે કરુણતાને બેવડી કરે છે. ‘ ભૈસાબ ‘ શબ્દ પ્રયોગ દ્રારા દલિત-પીડિત લોકોની વેદના કળાત્મક રીતે પ્રગટી છે.

‘મોટા કરે તે લીલા, નાના કરે તે છિનાળા’ કાવ્યમાં શોષિતો અને માલિકો વચ્ચેની ખાઈ – અસમાનતાની સાથે સાથે દલિત-પીડિત-શોષિત વર્ગ ઉપર થઇ રહેલા અન્યાયની વાત નીચે પ્રમાણે પ્રગટે છે-

‘ અમે ફૂટપાથ પર દેશી પીએ તો સજા,
તમે ફાઈવ સ્ટારમાં ઇંગ્લિશ પીઓ તો કઈ નહિ!
અમે બે રીંગણ ઓછાં તોલીએ તો સજા ,
તમે ટુથપેસ્ટમાં હવા ભરી વેચો તો કંઈ નહિ !’(પૃ.૧૩)

આ કાવ્યસંદર્ભે એટ્લું જ કહિ શકાય કે અહીં ' ગરીબની વહુ, સૌની ભાભી ,' કે ' વાઘે માર્યું માનવી તેનો શો ઈન્સાફ ' વાળી વાત છે. કારણ બધાજ વિધિ-વિધાનો આચાર-વિચાર-નિયમો ગરીબોએ જ પાળવાના. મૂડીવાદીઓ , માલદારો માટે બધી જ છૂટ. આ અસમાનતા તે કવિની વેદનાનો વિષય છે.ભેદભાવ ,હિંસા ,અત્યાચાર અને તિરસ્કાર એ જાણે કે દલિત-પીડિત લોકોને વારસાગત મળ્યાં છે.તેથી ‘ગળથૂથી’કાવ્યમાં કવિ સંવેદે છે કે-

કાચીકૂણી વયે
વાવ્યાં,ઉછેર્યા જેણે
ભેદભાવ,હિંસા ,અત્યાચાર
તિરસ્કારનાં બીજ
તે હવે કેવી રીતે થાય
સમભાવ,સદભાવમય ?( પૃ: ૩૨)

ગળથૂથીમાં જ તિરસ્કાર,વેરઝેરનાં ઝેર પીવડાવવામાં આવ્યાં હોય ત્યાં બધુ ‘અમૃતમય’ બનવાની કોઇ શક્યતા નથી.સદીયોથી આ વર્ગ શોષાતો-પીડાતો આવ્યો છે. તિરસ્કાર કોના દ્રારા થઇ રહયો છે તે કહેવાનું રહેતું નથી. શંબુક્નો વધ,એકલવ્યનું અંગુષ્ઠછેદન,દ્રોપદી ચીરહરણ,સીતાની અગ્નિપરીક્ષા ,બલિ, હિરણ્યક્શીપુવધ, ખાંડવદહન, નાગકુળવિનાશ, મનુસ્મૃતિવિધિવિધાન, વર્ણાશ્રમવિભાજન, અશ્પુયતાઆચાર, રાષ્ટ્રવિભાજન, મહાત્માગાંધીજી હત્યા, બાબરીમસ્જિદધ્વંસ અને અત્રતત્ર સર્વત્ર ધર્મનો જે હુતાશન પ્રકટી રહ્યો છે એ ભૂલ જો દલિત વર્ગની હોય તો દલિત વર્ગ માફી માગવા તૈયાર છે પણ આ બધા કરતૂતો માટે માફી કોને માગવાની છે તે ‘માફી’ કાવ્યોમાં કળાત્મક રીતે વ્યંજિત થયું છે તેને કવિની વિશેષતા જ ગણવી રહી. આ દલિત સંવેદનાના કાવ્યોમાં આક્રોશ સંયમિત સ્વરે પ્રગટયો છે તેથી સતીશ પ્રિયદર્શી યથાર્થ જ કહે છે કે “શરૂઆતની દલિત કવિતામાં આક્રોશ હોવાને કારણે સ્થૂળતા(મુખરતા) હતી પણ હવે એમાં શુક્ષ્મતા આવી છે અને એ કવિતામાંથી કાવ્યતત્વના ઉત્તમ નમુનાઓ મળવા લાગ્યા છે.”[2]

‘છઠી ડીસેમ્બર,મુંબઈ,’ ‘ ચાણક્ય અને આંબેડકર,’ ‘પોતપોતાના આંબેડકર ‘, ‘માયાનો મેગ્નાકાટા, ‘ જેવા કાવ્યો આંબેડકરને કેન્દ્રમાં રાખીને લખાયા છે. ‘નંદવંશને જેમ ચાણક્યએ ઉખાડી નાખ્યો તેવી જ રીતે ‘વર્ણવ્યવસ્થા’ અને ‘આભછેટ’ ને આંબેડકરે મૂળસોતી ઉખાડી નાખી. આવું કહી ચાણક્ય અને આંબેડકર વચ્ચે સમાનતા સ્થાપી. ચાણક્ય અને આંબેડકર કવિ તુલના કરે છે તે રસિક છે.

‘ન સાંભળે કોઈ’ માં ગાંધીજી પણ કાવ્યનો વિષય બન્યા છે ‘ગાંધીબાપુને એક પ્રશ્ન’ ‘ ગાંધીના હત્યારાકોણ ?’ ‘ ગાંધી તો કેવળ નિમિત્ત’, ‘ ગાંધીનો પુર્નજન્મ’ , અને ‘વિષ્ણુ અવતાર’ જેવા કાવ્યોના કેન્દ્રમાં ગાંધીજી અને તેમની વિચારધારા છે ‘વિષ્ણુ અવતાર ’ કાવ્યમાં આજના સમાજે ગાંધીજીની શી દુર્દશા કરી છે જુઓ-

‘ના છૂટકે
બીજી ઓક્ટોબરે
રેં ટયો ચલાવવો પડે છે અને
ત્રીસમી જાન્યુઆરીએ
સમાધિ પર ફૂલો ચઢાવવાં પડે છે ...
બસ પછી કશું નહિ !
બુધ્ધની જેમ

ગાંધી ય મૃત અવતાર ! (પૃ : ૭૭)

એક મુક્તકને યાદ કરીને કહું તો ગાંધીજી જાણે કે ‘ખુરશી સુધી પહોંચવાનો રસ્તો બની ગયા છે .

‘ લુમ્બિની: બુધ્ધપ્રાગટય’, ‘કુશીનારા : બુધ્ધવિલય ’ અને ‘શું પામ્યાં ’, જેવા ત્રણેક કાવ્યો ભગવાન બુધ્ધને કેન્દ્રમાં રાખીને લખાયા છે. જેમાં ‘ લુમ્બિની : બુધ્ધ પ્રાગટય’ માં-

‘ વારાંગનાઓના સ્તનગિરિઓ ઓળંગી
નીકળી પડયો દીપક માનવજાતનો
શાશ્વત સત્યની શોધમાં...’(પૃ : ૨૦)

જેવી કાવ્યપંક્તિઓ કે પછી ‘શું પામ્યા’ કાવ્યમાં બુધ્ધ મહાભિનિષ્કમણથી શું પામ્યા-

‘ એ મૃત્યુ પામ્યા, તો
શું પામ્યા ?
વિચારનું
અમરત્વ ! ’(પૃ : ૨૨)

ભલે બુધ્ધની પૂજા ન થતી હોય ! પણ તેઓ અમર છે પોતાના વિચોરોથી. બુધ્ધ વિષયક આ ત્રણેત્રણ કાવ્યોમાં પ્રતિબધ્ધતા અને કળાત્મકતાને બાપે માર્યા વેર નથી તે સમજાય છે. તેથી જ હરીશ મંગલમ યોગ્ય જ કહે છે કે “ગૌતમબુધ્ધ , વીર-માયો , કબીર અને ડૉ. બાબાસાહેબ આંબેડકર જેવી વિશ્વવિભૂતિઓને સમાન વિચારધારાના માળામાં પરોવવાનું કવિકર્મ સચોટ અને યથોચિત છે ”[3]

દલિતોનું શોષણતો થઇ જ રહ્યું છે તો તેમાં સ્ત્રી પણ બાકાત નથી. ‘શણગાર ’કાવ્ય સ્ત્રીનાશોષણની વાત છે પુરુષશાષિત સમાજરચનાએ સ્ત્રીઓને માત્ર ભોગનું જ સાધન માન્યુ છે. તેથી સેંથામાં સિંદૂર, સોનાનાકંકણ, નાકમાં નથણી,કડલાં, મંગળસુત્ર, ઘૂમટા-બુરખા , એ સ્ત્રીઓનો શણગાર નથી. પણ બેડીઓ છે. તેથી તેને ‘ અભાગણી’ કહે છે અને તેને આ બધામાંથી મુક્ત થવા ચેતવે છે. કવિ લખે છે કે-

‘ શતપુત્રવતી ભવ આશીર્વચન આપનાર
શતપુત્રીવતી ભવ કેમ ભસતા નથી ?
.....
‘ ઢોલ, ગંવાર, શૂદ્ર,પશુ, નારી સકલ તાડના કે અધિકારી ...’
એ અસુંદરવાણીનો સુંદરકાંડ સાંભળવા
તું દોડી ન જા,
ઓરે અભાગિણી!’ (પૃ: ૧૭)

‘ હું મૂઈ છેતરાઈ ગઈ ’ માં લોકશાહીરૂપી સ્ત્રીનું, સર્વધર્મ સમભાવ, શાંતિ, વિકાસ અને રાષ્ટ્રગૌરવના નામે રાજકારાણીઓએ તેને કેવી રીતે છેતરી તેની વાત કરી તેમના કપટને ખુલ્લા પાડે છે.

વેધક કટાક્ષ એ આ કાવ્યસંગ્રહનું જમાપાસું છે. ‘ગરવો ગુજરાતી, ભાઈ આગવો ગુજરાતી’ માં હજીયે તે આભડછેટ ભૂલ્યો નથી અને ‘સગી માને માંદી મરતી મૂકી પગપાળો માતાજી જાય.’ જેવી બીજી અસંખ્ય કાવ્યપંક્તિ દ્રારા કવિ ગુજરાતી જણ પર કટાક્ષ કરે છે ‘ બોધપાઠ ’ કાવ્યમાં પણ આપણે ઈતિહાસ પાસેથી કોઈ બોધપાઠ લીધો નથી અને વિદેશીઓએ આપણાદેશની શી હાલત કરી છે તેનું આલેખન કરી અને ‘મેઇક ઇન ઇન્ડિયા ’ના નામે આપણે ફોરેન ગયા, તેવો કટાક્ષ કરે છે. ‘રાષ્ટ્રપિતાનો ખિતાબ ’ કાવ્યમાં આપણા દેશે ગાંધીજીને ‘રાષ્ટ્રપિતા’ નો ખિતાબ કે ઈલ્કાબ આપેલો નથી તે હકિકત ઉપર કટાક્ષ કરતાં કવિ લખે છે કે-

‘ખિતાબો ઇલ્કાબો સરકારો જ આપી શકે ,
આઝાદી ઝખતી ચીંથરેહાલ પ્રજા નહીં !
સાવ સાચી વાત તમારી .....’(પૃ: ૫૭)

જોકે પ્રજાએ આપેલો ખિતાબ જ મહાન. ‘ બાગે ફિરદૌસના બાંકડે ’ માં લેનિન, ગાંધી, સ્ટાલિન, માઓ અને હિટલરના કાલ્પનિક સંવાદમાં લેનિન કહે ,

‘ હવે ગોડસેનાં પૂતળાં
ગોઠવાઈ રહ્યાં છે ચોરે-ચૌટે !’

તો વળી આગળ કવિએ હિટલરના મુખમાં ‘ અરછે દિન ’, આવી રહ્યાં છે ! ’ તેવું કહી કવિ કટાક્ષ કરે છે. તો વળી ‘રાષ્ટ્રદ્રોહ ’ કાવ્યમાં બેવડી વિચારધારા ઉપર કવિ કટાક્ષ કરે છે. તો વળી ‘ગાંધી તો કેવળ નિમિત્ત’ કાવ્યમાં આપણને આઝાદીતો આપોઆપ પાકેલા ફળની જેમ આપણા ખોળામાં આવી પડી છે, તેમાં ગાંધીજીનું કોઈ યોગદાન નથી તેમ કહી કવિ લખે છે કે-

‘વાત તમારી સો ટચની’
આઝાદી તો મળી પાકેલા ફળની જેમ
અમથી અમથી !
ગાંધી તો કેવળ નિમિત્ત માત્ર ! ’(પૃ: ૭૩)

અહીં કવિ ગાંધીજીને હાંસિયામાં ધકેલી દેવા માગતા લોકો અને તેમની સંકૂચિત વિચારધારા ઉપર કવિ કટાક્ષ કરે છે.

આમ, ‘ ન સાંભળે કોઈ’ માં દલિત સંવેદનાના કાવ્યો, બુધ્ધ, ગાંધી, આંબેડકર, કબીર જેવી મહાનવિભૂતિને વિષય બનાવતાં કાવ્યોની સાથે સાથે સાંપ્રત રાજકીય વિચારધારા ઉપર તીવ્ર કટાક્ષ કરતાં કાવ્યો જોવા મળે છે, આ તીવ્ર કટાક્ષ એ આ કાવ્યસંગ્રહનું જમાપાસું છે, અને અહીં દલિત-શોષિત-પીડિતોની સંવેદના મુખર ન બની રહેતાં કળાત્મકરૂપ પામે છે, તથા પ્રતિબધ્ધ સર્જક પણ કળાત્મક કૃતિ આપી જ શકે તે બાબતનું જીવંત ઉદાહરણ એટલે ‘ન સાંભળે કોઈ કાવ્યસંગ્રહ’.

સંદર્ભગ્રંથ :

  1. ૧. ‘ન સાંભળે કોઈ’ – પ્રવીણ ગઢવી.પ્ર.ગુજરાતી દલિત સાહિત્ય અકાદમી પ્રથમ આવૃત્તિ : જૂન -૨૦૧૬
  2. ૨. ગુજરાતી દલિત કવિતાનો આસ્વાદ - સતીશ પ્રિયદર્શી પોતે – મુ.પો: સાથરોટા, તા. હાલોલ, જિ.પંચમહાલ. પ્ર.આ.૨૦૧૨.પૃ.૯
  3. ૩. ‘ન સાંભળે કોઈ’ – પ્રવીણ ગઢવી.પ્ર.ગુજરાતી દલિત સાહિત્ય અકાદમી પ્રથમ આવૃત્તિ : જૂન -૨૦૧૬ પૃ.૧૦(x).

ચંદ્રકાન્ત .સી. મકવાણા