વ્યથા


[1]

ઘરની દિવાલે ચિતરેલા
કોઈ ચિત્ર જેવી જિંદગી
બારસાખે લટકેલા
લાભ-શુભથી શ્વાસ લે છે.
ક્યારેક મુંજાય છે
ક્યારેક ઓરતા કરે છે -
આ તે કેવી વિચિત્રતા ?
જીવવા માટે પણ બહાનું...?
ઠાવકી વાત‚
ઠાવકું હાસ્ય‚
ઠાવકું જીવન
ખંડેર જેવા શરીરમાં રૂંધાય છે. સાવ
ભીતરમાં સબડતી
ઈચ્છાઓના ટોળેટોળા
જીવવા માટે વલખાં મારે છે –
ત્યાં...રે...
મને ખેતર વચ્ચે ઊભેલા
ચાડિયાની ‘વ્યથા’ સમજાય છે
કે -
અસ્તિત્વ છતાં અસ્તિત્વ વિહિન
જિંદગી જીવવી કેટલી અઘરી છે !!
પાંખ વિનાના પંખી જેવી લાગણીઓ
ખુલ્લા આકાશ તરફ
મીટ માંડીને શું વિચારતી હશે ?
એ ‘તું’ અને ‘હું’ બન્ને જાણીએ છીએ
છતાં ઈરાદાપૂર્વક એને ટાળી દઈએ છીએ
નિર્લજ્જ બંધનોના નામે
નપૂંસક વિચારો કોરી ખાય‚
સાવ કિનારે આવી જીવન ડુબકાં ખાય
ને આખુંય આયખું અસ્તિત્વ માંગે ત્યારે...
ત્યાં...રે...
તું લાભ-શુભ બનીને આવીશને...?

[2]

રસબસ સ્મરણો
અસંખ્ય શમણાઓ
ભેગા થઈને ચાંચ મારે છે‚
મારા મૃત હ્રદયને
સંવેદનાઓના લોચા મોઢામાં લઈને
ઉડતી સમડી
કેટલોય સંતોષ મેળવ્યાનો
ડોળ કરતી બેઠી છે -
મારી કોરી આંખની અટારીએ
ચૂસાયેલા લાગણીના હાડપિંજર
પોતાની ‘વ્યથા’ને દાટી
મનોબળને ટકાવી રાખવા
બધું સહી લે છે
ખરેખર‚ સંબંધો જાળવવા કેટલાં અઘરા છે ?
સમ્બધો...
આંગળીના ટેરવા જેવાં
ટૂંકાટચ સમ્બધો...‚
ટૂંકી-સૂકી લાગણીઓને સહારે
શક્યતાઓની પેલી પાર
ઊભા ઊભા ઓરતા કરે છે -
મારે ટકવું છે...!
મારે જીવવું છે...!
બધું જ સમેટી લેવું છે‚
ને ઊડી જવું છે –
પેલી નિષ્ઠુર સમડીની માફક
હે ઈશ્વર !
જીવન કેટલું અઘરું છે ?
કાશ !
થોડા અજવાશના સહારે
આ અંધકારને અટકાવી
જીવન ઉજાળી શકું ?
કાશ...

દિવ્યા મંડલી