ચોઘડિયું


“ એ...હવે હેંડો ! રાત પડવા આવી !”
ખેતરના શેઢે થોરની વાડમાં વીંટળાયેલા ડોડીના વેલા અને ગળો વીણતી દરિયાએ સાદ પાડ્યો:
“ આટલું ખળું પૂરું કરીને એ... હમણાં આવ્યો !” શનાએ હડોતરીના બાંગડાથી ખળું વાળતાં વાળતાં જવાબ આપ્યો !
“ આજે પૂનમ છે ... ભૂલી ગયા ?”
"ના...રે ...ના ... કાંઇ ભૂલ્યો નથ."
"તમતમારે ઘરે જઇને તિયારી કરો ... હું તમારી પાછળ પાછળ હમણાં પહોંચ્યો સમજો."
વેલા અને ઘાસનો પૂળો એકલે હાથે માથે વાળી લઈ દરિયા ઉતાવળે પગલે ઘરે આવી. પરસાળમાં ઢાળેલા ખાટલા પાસે બેસી કમુને માથે હાથ મૂકી તપાસી જોઈ. તાવ હજુ સો સો મોઢે હતો.
“દીકરો તો ના આપ્યો અને તારે હવે મારી દીકરીને પણ લઈ લેવી છે ?” બબડતી દરિયા સાડલાથી આંખો લૂછતી લૂછતી ઊભી થઈ. પાણિયારા પાસે જઇ ચાર દિ’થી પેટાવી રાખેલા દીવાની વાટ સરખી કરીને બહાર આવી. માટીના ચૂલા ઉપર નૈવેધ મૂક્યું. ત્યાં શનો આવ્યો. ખભેથી થેલી નીચી મૂકી આવતાંવેંત તેને પૂછ્યું:
“કમુને કેમ છે હવે ?”
“એ..ય ... સૂતી. આંખનું પોપચુંય ફરકાવતી નથ.”
“રસ્તામાં ભીખો મળ્યો હતો....મેં એને બધી વાત કરી છે. એ સવારે એની મોટરસાઇકલ લઈને દવાખાને આપણી હારે આવવાનો છે.”
“એ ભાડું માંગશે તો ?”
“તું એની ફિકર ન કર ?”
“આજે સોમા ભગતનું ખળું નથી વાળ્યું ?”
“હા... તે....?”
“મણ જેવા ઘઉં નીકળ્યા છે...! વેચી દઈશું !”
“પણ પછી દવા અને બીજો ખ...રચ ?”
“સરકારી દવાખાનાંમાં ભીખો લઈ જવાનું કહેતો હતો! ત્યાં પૈસા ઝાઝા નૈ થાય ! “
“ઠી...ક !” કહેતાંક દરિયાએ પાણી ભરેલી ડોલ બહાર નાવણિયા પર મૂકી.
“હાથપગ ધોઈને તમે દીવો અને નૈવેધ તિયાર કરો. હું કમુને જગાડું છું.આજે થોડાં વહેલા જાઈ…પૂનમ છે… એટલે મનખા બઉ હશે !”
શનાએ હોંકારો ભણ્યો.ઝટ ઝટ ડિલ પર પાણી નાખી ઘરમાં જઇ અભરાઇ ઉપરથી પિત્તળની થાળી ઉતારી નૈવેધ તૈયાર કર્યું. ઉપર સફેદ કપડું ઢાંકી નૈવેધની થાળી એક હાથમાં લઈ બહાર ભીંતે ટેકવેલો પરોણો લીધો.
“લ્યો... હેંડો હવે મોડું થશે...!”
દરિયાએ ત્રણ વરસની કમુને ખભે નાખી. બેઉ જણ રાતના અંધકારમાં ચાલતાં ચાલતાં સડક ઓળંગી અઘરાંમ ભૂવાને ત્યાં ગયાં !
ગૂગળ અને અગરબત્તીનાં ધુમાડામાં ચલમની ફૂંકો મારતો અઘરાંમ જમણા પગ પર ડાબો પગ ચઢાવી સામે પછેડી પાથરી એક હાથમાં દાણા લઈ કપડાં પર ફેંકતો હતો. થોડીવાર દાણા સામે નજર કરી પોતાનો જમણો ખભો હલાવતાં હલાવતાં સામે બેઠેલા લોકોને મોટો અવાજ કરી પોતાની વાત સમજાવતો હતો અને મઢની સામે બેઠેલા બીજા લોકો તેની વાતમાં સૂર પૂરાવી ખમ્મા .... ખમ્માના પોકાર કરતા હતા !
દરિયાએ અઘરાંમ સામે જઇ ખોળો પાથળ્યો. કમુને સામે ધરી.
“ખમ્મા કરો ... માં ! દયા કરો ! મારી કમુ પર મે'ર કરો!”
અઘરાંમે દરિયાને ઓળખી. તેની સામે નજર ટેકવતાં કહ્યું:
“બકરો લાવ્યા છો ?”
“માઈ બાપ બકરો નથી....ગયા મંગળવારે તમે તેને બદલે નૈવેધ લાવવાનું કહ્યું હતું ! તે લઈને આવ્યા છીએ! “
“તમે રોજ ક્યાં દીવો ભરવા આવ્યાં હતાં ? એ વખતે જ્યારે તમે તમારી દીકરીની માનતા માનવા આવ્યા હતા ત્યારે ‘માં’એ એવું કહ્યું હતું કે જો ચાર દિ’ રોજે રોજ સવાર સાંજ દીવો ભરવા આવો તો નૈવેધ ચાલે... પણ તમે તો એક દિ' પણ અહીં ફરક્યાં નથ...પછી નૈવેધ ક્યાંથી ચાલે ?”
“ ભૂલ થઈ ગઈ માં ! પણ તમે તો અંતરજામી છો! અમે રોજ અહીં ચાર દિ’ લગી આવીએ તો પછી ખાઈએ શું ?”
અઘરાંમે ભવાં ચઢાવ્યાં.તેને મૂઠી ભરી ઘઉં લઈ પછેડી પર નાખ્યા અને ગંભીર અવાજે બોલ્યો:
“બકરી... છે?”
“હા.... હા...છે !” બાજુમાં ઊભેલા શનાએ પરોણો બાજુમાં મૂકતાં કહ્યું.
“તો લઈ આવો....! શુક્લ પક્ષની મધરાત પછી જો કોઈપણ પ્રાણીનો ભોગ ચઢાવવામાં આવે તો તે અજબલિ-બકરાની બલિ સમાન છે. એટલે માનતા આજે પૂરી કરી નાખજો...પૂનમના દિવસે.નહીતર....!” હું તો તમારા ભલા માટે કહું છું….બાકી તમારી મરજી...!
દયામણી નજરે પોતાની દીકરી અને દરિયા સામું જોઈ શનો ઊભો થયો.રાતના અંધકારમાં ડગલા ભરતો તે ચાલવા માંડ્યો. રસ્તામાં કૂતરાઓનો રડવાનો અવાજ અને દૂર ખેતરોમાં શિયાળવાંઓની લાળીનો તીણો અવાજ શનાના હ્રદયમાં ભેંકાર જગવતો હતો ! બે ગાઉં ચાલી તે ઘરે આવ્યો. વાડામાંથી બકરી છોડી. બહાર ચોપાળમાંથી થોડા વેલા લઈ ચાલતો થયો.
વહેલી પરોઢના ચાર વાગે શનો અઘરાંમ ભૂવાને ત્યાં પહોંચ્યો.જોયું તો અઘરાંમે કમુને ભોંય પર સુવાડી હતી. લીમડાના પાન પાણીમાં ડબોળી મંત્રો જપી તે આજુબાજુ છાંટતો હતો.
“લ્યો ... બાપુ... આ બકરી !” કહેતાં શનાએ બકરીને બારીના સળીયા સાથે બાંધી.
“હવે કમુને લઈ જાઓ ... હું વિધિ કરી દઉં છું . સૌ સારાં વાનાં થશે !”કહી અઘરાંમ ત્યાંથી ઊભો થયો.
શનાએ કમુના શરીર પર હાથ મૂક્યો.આંખોના પોપચાં ઊંચા કરી જોયાં.ભોંય પરથી તેને લઈ દરિયાના હાથમાં મૂકી. અને નિરાશ વદને બંને ઘર તરફ ચાલવા માંડ્યા!
“ તમે સીધા જઇ ભીખાને જગાડી ઘરે લઈ આવજો ! કમુને કાંઇ સારું નથ લાગતું...મને તો !” દરિયાથી બોલતાં બોલતાં અધવચ્ચે પોક નખાઈ ગઈ !
“તું ગાંડી ચંત્યા ના કરીશ .... હું એને ઝપાટાભેર લઈ આવું છું” ક્ષણભરનો પણ વિચાર કર્યા વિના તેને દોટ મૂકી. રસ્તામાં ખેતરમાંથી પાણી વાળી ઘર તરફ પાછા ફરતા માલજી પટેલને જોતા જ તેને હાકોટો કરી ઊભા રાખ્યા અને પોતાને લઈ જવા કહ્યું.માલજીએ પોતાની સાઇકલ પર બેસાડી શનાને ગામના પાદરે ઉતાર્યો. ત્યાંથી એકી દોટે તે ભીખાની ડેલીએ પહોંચ્યો.
“ ભીખા....ઓ...ભીખા !” બહારથી ડેલીની સાંકળ જોર જોરથી ખખડાવતાં તેને સાદ પાડ્યો.
“ એ ...આવ્યો થોડો હાહ... તો ખાવ...હવાર હવારમાં...!”
" એ..હું ...છું...ભીખા.... શ...!"
ભીખાએ ખડકીની ડોકાબારીમાંથી નજર કરી જોયું તો શના કાકા હતા.
“ઓ...હો ... હો ... આવો શનાકાકા... અંદર આવો”
“અંદર આવવાનો વખત નથ.”
“તું અબઘડી તારી મોટરસાઇકલ તૈયાર કર.”
“આટલી વહેલી પરોઢે...?”
“હા .... એની તબિયત કાંઇ સુધરતી નથ.ભાડાની ચંત્યા ના કરતો.તું ઝટ તૈયાર થઈ જા.”
“તમેય કાકા શું ભાડાની વાત કરો છો ! એમ થોડાં ભાડાં લેવાતાં હશે. મને વહેલા કહ્યું હોત તો હું એને ક્યારનીય દાખલ કરી દીધી હોત....આટલા દિ’ બેસી રહેવાનો વારો ના આવ્યો હોત...! લ્યો હેંડો હવે...!”
શનાકાકાની આંખોમાં લાચારી જોઈ ઘડીનો પણ વિલંબ કર્યા વિના ભીખો ખમીસ પહેરી તૈયાર થઈ ગયો. મોટરસાઇકલ પૂર ઝડપે દોડાવી બેઉ ગામની ભાગોળે આવી પહોચ્ચા.સામે દરિયા મોઢા ઉપર સાડલાનો છેડો ઢાંકી હીબકાં ભરતી આવતી હતી.
શનો સ્થિતિ પારખી ગયો. તે મોટરસાઇકલ પરથી ઊતરી સામે દોડ્યો.
કમુને હાથમાં લઈ ચૂમી લીધી. “આંચ નૈ આવવા દઉ ...બેટા...!” કહેતાં તેનાથી ડૂસકું નખાઈ ગયું !
ભીખો મોટરસાઈકલ બાજું પર મૂકી પાસે આવ્યો.કમુને હાથમાં લઈ દરિયાને મોટરસાઇકલ પર બેસી જવા કહ્યું.થોડી જ વારમાં તે બેઉને લઈ દવાખાને પહોંચી ગયો. કેસ બારી પાસે જઇ કેસ કઢાવ્યો અને વૉર્ડમાં પલંગ પર કમુને સૂવાડી તેને દરિયાને પૂછ્યું:
“કમુ કાકી તમે હવાર .... હવારમાં ક્યાં જઇને આવો છો?”
પલંગની બાજુમાં ટેકો દઈને બેસી રહેલી દરિયાએ બધી હકીકત જણાવી. દરિયાનની વાત સાંભળતા જ તે ઊભો થઈ ગયો.
“કાકી હું શના કાકાને લેતો આવું ત્યાં લગી બેસો” કહી કશો જ વિચાર કર્યા વિના તે સીધો જ અઘરાંમને ત્યાં ગયો અને બારીના સળીયા સાથે બાંધેલી બકરી છોડી ચાલવા માંડ્યો.તેને આમ કરતો જોઈ પરસાળ આગળ લીંપેલી પેલ્લી પર બેસી દાતણ કરતાં અઘરાંમે રાડ નાખી:
"એય.....બકરી ક્યાં લઈ જાય છે... લ્યા...?"
“જેની છે... એને આપવા લઈ જાઉં છું !”
“પણ...શનિયો જાતે મૂકીને ગયો’તો..ગઈ રાતે...!”
“તેં ભરમાવ્યો તો એટલે મૂકી ગયો’તો...બાકી કોઈ થોડું આવી રીતે...!”
“પાછી લઈ જઈશ તો એની માનતા પૂરી નૈ થાય...!”
“એની પૂરી નૈ થાય કે તારી...!
“કઉં છું... પાછી મેલી દે... ભીખા...! નહીંતર મારા જેવો કોઈ ભૂંડો નથ.... !”
" અઘરાંમ....હારો તો હુંય નથ .... ઝાઝું બોલ તો નૈ ...અત્યારે ચોઘડિયું હારું નથ...!" કહેતાં તે પાછું જોયા વિના ચાલતો થયો. તેની મજબૂત પીઠ જોઈને અઘરાંમે ઠંડા પાણીથી પોતાનું મોઢું ધોઈ નાખ્યું !

કિશનસિંહ પરમાર, મુ: વક્તાપુર, તા: તલોદ, જિ: સાબરકાંઠા. પીન: ૩૮૩૨૧૫. મો: ૯૪૨૮૧૦૪૭૦૩ ઇ-મેઇલ:kishansinhp@gmail.com