મરકતા મરમી વિવેચક વિજય પંડ્યાનો ‘અનુનય’


પ્રો. વિજય પંડ્યાનું નામ માત્ર સંસ્કૃત પંડિતો કે જાણકારોમાં જ જાણીતું નથી, એમને ગુજરાતની સુજ્ઞ જનતા ઓળખે છે એમના વિદ્વતાભર્યા વ્યાખ્યાનોથી. વિજય પંડ્યાની પહેલી વિશેષતા એ છે કે એ સંસ્કૃતના પંડિત હોવા છતાં ખડખડાટ હસતા હસતા વાત કરી શકે છે ! અને એવું જ મર્માળુ છતાં સરળ એવી શૈલીમાં ગંભીર વિવેચન કરી શકે છે ! બીજી વિશેષતા છે. એમનું પાશ્ચાત્ય પરંપરા સાથેનું ઘનીષ્ઠ અનુસંધાન. ગુજરાતના ગણ્યાગાંઠ્યા પંડિતકોટિના વિદ્વાનોમાં એમની પંગત પડે. 2004માં પ્રકાશિત થયેલ ગ્રંથ ‘અનુનય’માંથી પસાર થાવ એટલે મારી વાતને પૂરતું સમર્થન મળી રહે. વિગતે વાત કરું,
‘અનુનય’- શીર્ષક પસંદ કરવામાં જ એમની આ બધી વિશેષતાઓ પ્રગટી રહે છે- પૂરા વિવેકથી વાત મુકવી છે, સાહિત્ય એમનું પ્રિયજન છે અને વારંવાર એનું પરિશિલન કરે, એ લખે છે- ‘પ્રેમી પ્રેમિકાનો અનુનય કરે, મનામણાં કરે, વિનવણીઓ કરે ત્યારે પ્રેમિકાના સાન્નિધ્યનું-સૌહાર્દ, વિલાસભંગીઓનું સુખ સાંપડે’. (નિવેદન) એ સંસ્કૃત સાહિત્યના ઊંડા જાણકાર છે, શબ્દશક્તિના ઊંડા ઉપાસક હોવાથી વ્યંજના અને લક્ષણાનો ભરપૂર ઉપયોગ કરી જાણે છે.

આ પુસ્તકમાં કુલ્લે 28 લેખો સમાવ્યા છે, એમાંથી છ સીધા જ આસ્વાદ લેખો છે. બીજા જે બાવીસ લેખો છે એમાંથી ‘ધ્વનિવિચાર અને પ્રતીકવાદ’ તથા ‘હાસ્યરસઃ સિદ્ધાંત અને સ્વરૂપ’- આ બે લેખોને બાદ કરતા બીજા લેખો પણ આસ્વાદ-સમીક્ષાની ભૂમિકાએ રહીને કરેલ હળવી મીમાંસા છે. એમાં પહેલી જ નજરે જે વાત ઉભરી આવે છે તે છે એમનો વિશિષ્ટ અભિગમ. એક તો એ કે પરંપરાગત સંસ્કૃત મીમાંસા પછી જે સંસ્કૃત સાહિત્યનું અર્વાચીન વિવેચન જે પાશ્ચાત્ય પંડિતો દ્વારા આરંભાયું – અને એનાથી દોરવાયેલા ભારતીય મીમાંસકોએ પણ જે કેટલીક ભૂલો કરી છે એ તરફ આપણું ધ્યાન દોરવું. ભાસ, બાણ, સુભટ, સુબંધુ, ભવભૂતિ, હેમચંદ્રાચાર્ય જેવા સુપ્રસિદ્ધ સર્જકોની કૃતિઓ પરની અર્વાચીન મીમાંસામાં થયેલી ઉપેક્ષા, એમ થવાના કારણોની સદૃષ્ટાંત ચર્ચા કરતા જઈને તે જાણે કે આ સર્જકોનું નવસ્થાપન કરે છે. અને એવું કરવા માટે વિજય પંડ્યા જરા પણ આકરા થતા નથી- સામાન્ય રીતે વિવેચક જ્યારે આ પ્રકારે અન્યના વિવેચનને તપાસતો હોય ત્યારે આક્રમક થતો હોય છે. પણ વિજય પંડ્યાનો સૌથી મોટો વિશેષ કહ્યો તેમ નર્મ-મર્મભરી શૈલી છે- જૂઓ ઉદાહરણ- “વધુમાં ભવભૂતિ વિશે કેટલુંક ભ્રાન્તિઓ ફેલાવનારું વિવેચન થયું છે. ‘ઉત્તરરામચરિત’માં જેમ સીતા વિશેનો પ્રવાદ ફેલાયો છે તેમ ભવભૂતિ વિશે પણ કેટલાક પ્રવાદો- વિવેચકોએ પ્રસરાવ્યા છે. એ પ્રવાદોની સવિસ્તાર વાત કરીએ તો એક નાનું સરખું પુસ્તક થઈ શકે એવું વિવેચકોનું પ્રવાદ વિશે પ્રદાન છે.” (અનુનય- પૃ.50) એમ કહીને વિશ્વભરમાં જાણીતા એવા શ્રી આર.જી.ભાડારકરના વિધાન- ‘કાલિદાસ વ્યંજનાશક્તિ ધરાવે છે, જ્યારે ભવભૂતિ અભિધામાં રાચનારો કવિ છે’-થી કેટલો મોટો અન્યાય પછીનાય વિવેચકો દ્વારા કરવામાં આવી રહ્યો છે તે ઉદાહરણ સાથે સ્થાપિત કરી આપે છે.

‘દૂતાડ્-ગદ’- નાટકને સમસ્યાપૂર્ણ ગણાવીને તેની સાથે જોડાયેલ ‘છાયાનાટક’ સંજ્ઞાની મૂલગામી ચર્ચા કરવા સાથે એ.બી.કીથ દ્વારા નગણ્ય ગણાયેલી આ રચનામાં રહેલ રસબિન્દુઓ આપણી સામે ખોલતા જઈ એનું મહાત્મય કરે છે. એ જ રીતે શ્રી દેવચંદ્રગણિના ‘ચંન્દ્રલેખા’-નાટક વિશેની વિચારણામાં તેમના નિરીક્ષણો જોવા જેવા છે- ‘જો આ સમયના, ગુજરાતના સંસ્કૃત સાહિત્ય અને સાંસ્કૃતિક જીવનનો ઈતિહાસ આલેખવામાં આવે તો આવાં નાટકો ઘણી જ મહત્ત્વની સામગ્રી પૂરી પાડે. ટૂંકમાં આ એક અત્યંત નોંધપાત્ર નાટક છે અને ગુજરાતનું પણ સંસ્કૃત નાટ્ય સાહિત્યક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન ગણાશે.’(એજન-પૃ.66)

બાણની ઉત્પ્રેક્ષાની સર્જકપ્રતિભાને તેઓ બરાબર ઉદાહરણ સાથે ઉપસાવીને કહેવા એ માગે છે કે કાલિદાસને પૂરી સ્પર્ધા આપવાનું સામર્થ્ય આ કવિમાં રહેલું છે જે પૂરું પ્રમાણવામાં આવ્યું નથી. જો કે, જ્યાં મર્યાદાઓ છે એનો ખુલ્લો સ્વીકાર પણ કરે છે- ‘જ્યારે ઉત્પ્રેક્ષા ‘હું માનું છું’ કે ‘मन्ये’ ‘હું ધારું છું કે’- એવું સ્વરૂપ ધારણ કરે છે ત્યારે એ ઉત્પ્રેક્ષાઓમાં કલ્પના કરતાં તરંગનું તત્ત્વ વધારે હોય છે. આ ઉત્પ્રેક્ષાનું બાહ્ય સ્વરૂપ કવિને તરંગને રવાડે ચઢાવી દેનારું બનતું હોય એવું જણાય છે.’ (પૃ.70)

‘કાદંબરી’ના વસ્તુગ્રથન પરનો લેખ ખાસ જોવા જેવો છે. પિતા અને પુત્ર દ્વારા સંયુક્ત પણ (અલગ સમયે) સર્જાયેલી આ રચના હમેશાં ચર્ચાના કેન્દ્રમાં રહી છે. વિજય પંડ્યા પાસેથી આ લેખમાં એ સઘળી ચર્ચાનો અર્ક તો મળી જ રહે છે, તે ઉપરાન્ત એમના મૌલિક અને તાર્કીક તારણો પણ મળે છે. એ એમની સ્વસ્થ વિચારણાને પ્રગવાનારાં છે. એમણે ‘કાદંબરી’ને સમજવા માટે જે ત્રણ બિંદુઓ વિભાજિત કરી આપ્યા છે તે આ કૃતિને પામવાની પ્રમુખ ચાવી બની રહે છે. એની પછીના લેખમાં ‘કાદંબરી’ના ‘ચંદ્રપીડ’ પર ફોકસ કરવામાં આવ્યું છે. પરંપરાગત વિવેચન, પાશ્ચાત્ય વિવેચકો દ્વારા થયેલ સમીક્ષા, ભારતીય વિદ્વાનોએ કરેલી ચર્ચા અને મનોવૈજ્ઞાનિક ધોરણોને ધ્યાનમાં રાખીને આ પાત્રને જે રીતે ઉપસાવ્યું છે- તે સમજવા આ લેખ મહત્ત્વનો થઈ પડે.

આગળ કહ્યું તેમ જેની ઉપેક્ષા થઈ છે- એની પ્રતિભાને પ્રકાશમાં લાવવાનો પ્રયાસ (આયાસ નહીં) વિજય પંડ્યા કરી રહ્યા છે. એટલે એ લેખની માંડણી એ રીતે કરતા અનુભવાય છે. સંસ્કૃત સાહિત્યના મેધાવી વિવેચક સુશીલકુમાર દેનું વાક્ય ટાંકે છે- ‘સુબંધુ ભાંખોડિયા ભરે છે અથવા ઘસડતા ચાલે છે અને બાણ ઉડ્ડયન કરે છે.’- આ જાણે એમનો પ્રમેય છે. પછી જે રીતે એ પડળો ખોલતા જાય છે એ રીત મજાની છે. ગુજરાતીમાં આ પ્રકારની શૈલી પંડિતયુગમા આછીપાતળી જોવા મળે- હમણાના સમયમાં તરોતાજાં છે. લખે છે- ‘વિવેચનના Jargonમાં કે વાર્તા તો સુબંધુને માટે, વર્ણનો ટાંગવાનો ખીલો છે તો, એના ના નહીં પાડી શકાય. સુબંધુ વાર્તા કહેવા બેઠા જ નથી. એ તો કલ્પનપ્રસૂનોનો આસવ વાસવદત્તા નામની સુરાહીમાં રેડીને વાચકને પાન કરાવવાનું સાકીકર્મ કરવા બેઠા છે. કથાપ્રસાદનું પંચામૃત પીવું હોય તો, સુબંધુ કહેશે, બૃહત્કથા પાસે જાવ અથવા બીજા કોઈ પાસે.’ (પૃ.90) કહીને ઉદાહરણો સાથે સિદ્ધ કરે છે કે-‘ફીટ્સ એડવર્ડ હોલ નામના વિદ્વાને સુબંધુને specious savage સુસંસ્કૃત જંગલી તરીકે ઓળખાવી, પોતાનાં અણગમો, રુચિભેદ અને અસહિષ્ણુતા અભદ્ર રીતે પ્રગટ કરી, સુબંધુને અન્યાય કર્યો હતો. બાણ અને દંડીની અપેક્ષાએ સુબંધુ કંઈક અંશે ઉપેક્ષિત પણ રહ્યા છે. પણ, બાણ કે દંડીએ સ્થાપેલા ધોરણોથી, વાસવદત્તાને મૂલવી ન શકાય. અને, સંસ્કૃત સાહિત્યની ઘણી કૃતિઓનું વિભાવન આગવું રહ્યું છે એટલે જે તે કૃતિના મૂલ્યાંકનમાં, આ વિભાવનાને લક્ષમાં રાખી, તેની સાહિત્યિકતા આંકવી રહી.’ (પૃ.94)

‘શ્રીમદ્ ભાગવતમાં પ્રેમતત્ત્વવિચાર’- લેખ શ્લિલ અને અશ્લિલના વર્તમાન મૂલ્યોના સંદર્ભમાંય ખાસ જોવા જેવો લેખ બની રહે. એ જ રીતે ‘સંસ્કૃત સુભાષિતોમાં નારીનું આલેખન’ – વિષય પરનો લેખ પણ આ જ સંદર્ભે વિચારણીય બની રહે. કૃષ્ણ-ગોપીના શૃંગારિક સંબંધોનું આલેખન ક્યારથી શરુ થયું -ત્યાંથી માંડી એમાં આવતા ગયેલા બદલાવોને તપાસતા જઈ વખતો વખત બદલાયેલા મુલ્યોની પણ નોંધ લીધી છે. ભાગવતકારે કરેલા ખુલાસા અને એનું તાર્કીક ખંડન વિજય પંડ્યાની નવી મુદ્રા ઉપસાવનાર નીવડે છે. આપણે આચાર્ય હેમચંદ્રાચાર્યને વ્યાકરણના કર્તા અને મહાન કોશકાર તરીકે વધારે જાણીએ છીએ પણ એમની રચના ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત’ની મીમાંસા કરે છે- જો કે, એટલા વ્યાપમાં ફેલાયેલી આ રચનાનો, એના કથાનક અને એમાં પરંપરા સાથેનું સન્ધાન તથા એમાં દાખવેલી મૌલિકતા સંબંધી નીરિક્ષણો મળે છે. એમાંથી પ્રગટતા કવિ હેમચંદ્રાચાર્યને કોઈ રીતે જૈન પરંપરાના જ કવિ નહીં પણ સંસ્કૃત અને પ્રાકૃત બંને ભાષાના સમર્થ કવિ તરીકે આપણી સામે ઉભરી આવે છે. તે જ રીતે એમની બીજી જાણીતી રચના ‘દ્વયાશ્રય’-ની પણ એમણે વિગતે વિચારણા કરીને હેમચંદ્રાચાર્યના પ્રદાનને ઉચિત અંજલિ આપી છે.

છેલ્લા ત્રણેક દાયકામાં ગુજરાતી સાહિત્ય બહુકેન્દ્રી બનતું ચાલ્યું. નારીવાદી, દલિતવાદી, દેશીવાદી કે પછી મૂળવાદી (માર્જિનલ લિટરેચર) સાહિત્યની ખેવના કરતું થયું છે. વિજય પંડ્યા આ ગ્રંથમાં સંસ્કૃત ‘સાહિત્ય અને દલિત વર્ગ’ અને ‘સુભાષિત સાહિત્યમાં નારી’- જેવા વિષયો પર કેન્દ્રીત થયા છે. બંનેમાં કરેલી મથામણ મજાની છે, આનંદ એ વાતનો છે કે એકદમ તટસ્થ રહીને સંસ્કૃત સાહિત્યમાં આ વર્તમાન વાદોના મૂળ શોધવા નથી મથ્યા- જે છે એ હકીકતનો સ્વીકાર અને સર્વકાલીન સાહિત્ય આ પ્રકારના કુંડાળામાં ન અટવાય તે સિદ્ધ કરતા નિષ્કર્ષ પર પહોંચ્યાં છે. હા, નારીના આંતરમનને આલેખવા કે એ દિશામાં ડગલુ પણ સુભાષિતોમાં નથી ભરાયું એનો સ્વીકાર એ તત્કાલીન સામાજિક ભૂમિકાએ ઊભા રહીને કરે છે.- આજના અનેક સેમિનારોમાં રજૂ થતા શોધપત્રોમાં તાણીતુસીને કરાતા આવા પ્રયાસો પર તેઓ માર્મીક આઘાત આપી રહ્યા છે.

છેલ્લે, ‘હાસ્યરસ’ કઈ રીતે અન્ય રસથી અલગ પડે છે, અને એ આપણા પંડિતો કઈ રીતે જાણતા હતા એની શાસ્ત્રીય વિચારણા અદભુત છે. ‘સ્થાયી ભાવ’ અને ‘રસ’ – વાસ્તવિક જીવનમાં અને સાહિત્યકૃતિમાં કેવી જુદી અનુભૂતિ કરાવે છે અને કેમ, તથા એનાથી અલગ પડીને ‘હાસ્ય’ કઈ રીતે બંને બાબતમાં સમાન વર્તે છે- તેની ચર્ચા મજાની છે. તો ફ્રેંચ પ્રતીકવાદીઓથી માંડી પ્રતીકવાદીઓની મૂળ વિચારણા અને એની સાથે ભારતીય ધ્વનિવિચાર- બંનેની કરાયેલી ચર્ચા વિશદ્, ઊડાણથી અને અત્યંત ઉપયોગી તથા તારણપર લાવનારી છે. છ આસ્વાદ લેખો એમની વિશિષ્ટ શૈલી અને નીરિક્ષણોના કારણે આપણી ભાવનશક્તિને પુષ્ટ કરવામાં સહાયક નીવડે એવા છે.

સંદર્ભગ્રંથ :

  1. અનુનય (સમીક્ષા લેખો)વિજય પંડ્યા, પ્ર. પાર્શ્વ પબ્લિકેશન, નિશાપોળા, ઝવેરીવાડ, રિલીફ રોડ, અમદાવાદ-380001 પ્ર.આ.2004, ડેમી)

ડૉ. નરેશ શુક્લ ગુજરાતી વિભાગ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, ઉધના-મગદલ્લા રોડ, સુરત-07 ફોન-94280 49235, Mail ID- shuklanrs@yahoo.co.in,