લઘુકથા: રી–પેર


“ પપ્પા, સાઇકલની ચેઇન પાછી ઉતરી ગઇ. સરખી કરી દો ને.” એની નાનકડી સાઇકલ ફળિયામાં લાવી યજુએ નિષાદને કહ્યું. ઝૂલતો હિંચકો બંધ કરી નિષાદે મારી સામે જોઇને કહ્યું.
“ લે, આ તારો લાડકો પાછો સાઇકલ ખરાબ કરીને આવ્યો.”
નિષાદ મને ફરિયાદ કરે ને યજુ બાકી રહે ?
“ મમ્મી, પપ્પાને કે ને જલ્દી સરખી કરી દે, મારે પાછું ગ્રાઉન્ડમાં જવું છે.”
હળવા ગુસ્સા સાથે નિષાદે યજુ પાસેથી સાઇકલ લઇ ચેઇન ચડાવવી શરૂ કરી. ચેઇન ફરતે અને આરામાં કચરો વીંટળાયેલો હતો. નિષાદને એ સરખું કરવામાં તકલીફ પડતી હતી. એ યજુ પર વધુ ચિડાયો.
“ યજુ, આ ત્રીજી સાઇકલ છે તારી. થોડા દિવસમાં બ્રેક, ચેઇન, સીટ, બાસ્કેટની કેવી હાલત કરી નાખી ! વ્હીલ અને પંખાનાય ઠેકાણા નથી.”
“ પપ્પા, સાઇકલ બગડી જાય તો હું શું કરું ?”
“ સરખી ચલાવવાની.”
“ સરખી તો ચલાવું છું.” યજુએ બચાવ કર્યો.
“ કેવી સરખી ચાલે એ મને ખબર છે. આ કામ તારા એકલાનું નથી. ગ્રાઉન્ડમાં જાય એટલે તારી કરતાં વધુ તારા ભાઇબંધો મનફાવે એમ ફેરવે. તારા માટે લીધી કે તારા ભાઇબંધો માટે ? હવે બીજા કોઇના હાથમાં ગઇ એટલે ફરીથી નથી મળવાની સમજી લેજે.”
યજુ નેણ ચડાવી નિષાદની સામે જોઇ રહ્યો. ચેન સરખી થતાં જ એ પાછો ગ્રાઉન્ડમાં ફેરવવા જતો રહ્યો. નિષાદ હિંચકા પર આવી મારી બાજુમાં બેઠા.
“ યજુ ફેરવે એના કરતાં એના ભાઇબંધો વધુ ફેરવે છે. ક્યારેક તારેય ટોકાય એને. કેટલું નુકશાન કરીને આવે છે !”
નિષાદે એની ચીડ મારા પર પણ ઉતારી.
“ નિષાદ, તમને સાઇકલ ચલાવતા આવડે છે ?” મેં પૂછ્યું.
“ આ કંઇ પૂછવા જેવી વાત છે ?”
“ ક્યારથી ?”
“ યજુ જેવડો હતો ત્યારથી વળી.”
“ તમે કહેતા હતા ને કે દસમાં ધોરણ સુધી તમારી પાસે સાઇકલ ન્હોતી.”
“ એ તો ન્હોતી જ ને.”
“ તો શીખ્યા કેવી રીતે ?”
“ ચલાવીને...”
“ કોની ?”
એ સાંજે મારા પ્રશ્નનો જવાબ નિષાદ પાસેથી ન મળ્યો. યજુની સાઇકલ એ તો યજુની જ સાઇકલ હતી. વારંવાર ખરાબ થતી રહી; ને નિષાદની મદદથી રીપેર થતી રહી. યજુને કોઇ જાતનાં ઠપકા વિના !

નસીમ મહુવાકર, ડેપ્યુટી કલેકટર, કલેકટર ઓફીસ , ખસ રોડ , જીલ્લા સેવા સદન ,, બોટાદ (સૌરાશ્ટ્ર) , 99 13 13 5028 / 9426 22 35 22 email: nasim2304@gmail.com