દલિત નારીની તીવ્ર સંવેદનાની અભિવ્યકિત ‘ ઘસરકો’


ગુજરાતી દલિત સાહિત્યમાં સ્ત્રી લેખિકાઓનો ફાળો નહિવત છે,પરંતુ તેમાં ચંદ્રાબેન શ્રીમાળી,દક્ષા દામોદરા, જસુમતી પરમાર, ઉષા મકવાણા, અને પ્રિયંકા કલ્પિતની કલમ આ દિશામાં સક્રિય છે, પ્રિયંકા કલ્પિત એ જાણીતા કવિ મધુકાન્ત કલ્પિતનાં પુત્રી હોવાથી સમ-સંવેદના સાહિત્યનાં સંસ્કારો તેમને ગળથૂથીમાંથી મળ્યા છે.પિતાના આ કવિતાનાં વારસાને તેઓ બખૂબી નિભાવણી સાથે આગળ ધપાવે છે.ગુજરાતી દલિત કવિયિત્રી તરીકે તેમનો પ્રવેશ પ્રથમ હાઇકુ કાવ્ય સંગ્રહ ‘ હાસિયા માં હું’ થી થાય છે અને જાણીતા બને છે.ત્યાર બાદ તેઓ તેમનો બીજો કાવ્યસંગ્રહ ‘ ઘસરકો’ લઇને આવે છે. પ્રિયંકા કલ્પિત આધુનિક અનુઆધુનિક નારીવાદી કવિયિત્રી છે. હાઇકુ જાપાની કાવ્ય પરંપરાને સ્નેહરશ્મિએ ગુજરાતમાં પ્રતિષ્ઠિત કર્યું છે.પ્રિયંકાની કલમને આ સ્વરૂપ વધારે માફક આવ્યું છે.ઘસરકામાં 27 જેટલી કાવ્ય રચનાઓ અને 151 જેટલા હાઇકુનો છે. અછાંદસ શૈલીમાં રચાયેલા કાવ્યોમાં નારીસંવેદના અને દલિતનારીની વ્યથા- કથાનું ચિત્રણ સાદી સરળ છતાં સચોટ રીતે અભિવ્યકત કર્યું છે.

‘ઘસરકો’ કાવ્યસંગ્રહની પ્રથમ રચના ‘પારેવું’માં નારીનાં વિચ્છિન્ન જીવનની વ્યથા કેવી અસરકારક રીતે રજૂ થઇ છે. પોતાના સ્વઅસ્તિત્વને શોધવા મથતી સ્રીની વેરણ છેરણ મન:સ્થિતિનું નિરૂપણ જૂઓ-
પારેવાની કપાયેલ પાંખો
અને
ખરેલ પીંછાને
શોધતી શોધતી
હું
આવી પહોંચી છું
મારી કને.[1]

અહીં કાવ્યનાયિકાની સંવેદના એને બેશુમાર વેદનાઓથી ઘેરી લે છે.એ જાતે જ કહી ઊઠે છે કે ‘આ જગતમાં સ્ત્રી હોવું જ એક ઘાતક ઘટના છે.સ્ત્રી હોવું અને એમાંય સજાગ સ્ત્રી હોવું એ તો હદપાર થતી આકરી પ્રસવપીડા જેવું છે.’[2] અહીં કાવ્યનાયિકા નીજની હયાતીની શોધ આદરે છે.આમ પણ માનવજીવનની ‘હું’ કોણ શું? ની ઓળખ મેળવવા તે ફાંફા મારતો જ રહયો છે.

‘પારેવું’ ,‘મંથન’ ,‘ઘરતરફ’’,સ્વપ્નવેલ’ અને ‘અસ્તિત્વ’માં સ્ત્રી માનસનાં સૂક્ષ્મ મનોસંચલનો યથાયોગ્ય રીતે અહિંયા ઝીલાયા છે.અહીં નારી તરીકેની હયાતી જ પ્રશ્ર્નોની હારમાળા સર્જે છે. જૂઓ-
‘ આજેય હૂં
ખભે મોજા નાખીને
પટકાયા કરું છું બેટ ઉપર
એક પ્રતિપ્રશ્ર થઇને:
બેટ ઉપર રાહ જોતી હતી
એ હું કયાં છું ?’ (મંથન)[3]

‘મારી આંખોમાં
ખખડે છે કોયલના ટહુકાને ઠક.....ઠક…ચાંચ મારતો
ચકમકતા ધ્વનિવલય જેવો ચિત્કાર .......
કણસાટ.........’(ઘરતરફ)[4]

એટલે
જીવ્યા કરું છું
શો રૂમની ઢીંગલી બની એક ખૂણામાં...(સ્વપ્નવેલ)[5]

‘મંથન’ કાવ્યમાં અમૂતનો નહિ પણ વિષનો કાતિલ અનુભવ થાય છે.સમુદ્રમંથન આજે પણ થઇ રહ્યું છે,તેમા અમૂતની સાથે વિષ પણ છે.સમય,સંજોગો,પરિસ્થિતિ બદલાઇ પરંતુ હજુ સંકુચિત માનસિકતા અને સ્ત્રી વિશેનાં નકારાત્મક અભિપ્રાયો બદલાયા નથી. સ્ત્રીને કોઇને કોઇ સ્વરૂપે ત્રાસ ભોગવવો જ પડે છે.આની સભાનતા કાવ્યનાયિકાને પીડા આપે છે.

કબીર સાહેબ સાચે જ કહી ગયા કે –
સંસારી સબ સુખિયા, ખાયે ઔર સોયે,
દુખિયા દાસ કબીર,જાગે ઔર રોયે.

સમાજનો બુદ્ધિશાળી વર્ગ જેમ સંવેદનહિન બનતો ગયો તેમાં સભાન માનવી જેટલો વધારે જાગ્રત એટલો વધારેઆ જોઇને દુ;ખી થાય છે.

‘લડાઇ’,’સમતાપર્વ’ અને ‘ચેપ’માં ‘આભેડછેટ’,’સતીપ્રથા’ ‘પરીક્ષા કાવ્યમાં અવિશ્ર્વાસ કેદીમાં બળાત્કાર એ લોકમાં ઊંચનીચનો ભેદભાવ હું છું એક વિધવામાં સ્રી પ્રત્યેનું લોકોનું ઉપેક્ષિત અને ઓરમાયું તથા પૂર્વગ્રહિત અને સંકુચિત વર્તન ભીખલોમાં પુરૂષપ્રધાન સમાજની જોહુકમી આમ્રપાલીમાં સ્ત્રીનું હલકું સ્થાન અને ભ્રૂણહત્યામાં બાળકીઓની હત્યા જેવા સામાજિક દૂષણો પ્રત્યે આ કવિયિત્રી લાલ આંખ કરી અને અગમચેતી માટે પણ લાલ બતી ધરે છે.અને તેના મૂળ સુધી જવા માટે આહવાન આપે છે.

સમાજમાં માનું સ્થાન મૂઠી ઉચેરું છે.જનની જોડ સખી નહિ જડે રે લોલ...આ માને ગર્ભ પનપી વિકસી રહેલ દિકરી અણિયારો પ્રશ્ર્ન કરે છે.જૂઓ-
‘મા
તું પણ એક ટાણે બાળકી જ હતી ને ?
તો પણ તને કોઇએ ના કરી ખતમ ??
મા, તે મને કેમ કરી ખતમ,કહીશ મને ???(ભ્રૂણહત્યા)પૂ.૩૨ [6]

‘હું છું એક વિધવા’ કાવ્યમાં વિધવા નારીની વ્યથાને પ્રતીકથી કેવી સચોટ રીતે અભિવ્યક્ત કરે છે.
‘ મારી હયાતી એટલે
જાણે રસ્તે આડી ઊતરેલી બિલાડી’ (‘હું છું એક વિધવા’) પૂ.૨૪ [7]

સમાજ અને સંસારમાં જીવતો માનવી માત્ર જન્મની સાથે પોતાનું આયુષ્ય કર્મ લઇને આવ્યો હોય છે. કોનું કયારે અને કેવી રીતે મૂત્યું થાય તે તેના હાથમાં નથી હોતું. તેમાં પણ જો પુરૂષનું મૂત્યું થાય તો પછી વિધવા સ્ત્રીનું જીવવું ખૂબ દોહ્યલું બની જાય છે.કારણ કે વિધવા સ્ત્રીને હવે પછી કઇ રીતે જીવવું તેના વણલખાયેલા નિયમો પુરૂષે બનાવ્યા તે પ્રમાણે જ જીવવાનું જૂની રૂઢીઓ અને પરંપરાને અનુસરવાનું વિધવાથી એકલા બહાર નિકળાય નહી,ખૂલ્લા મનથી પર પુરૂષ સાથે વાત થઇ શકે નહી, હસી પણ ન શકાય આવા સામાજિક પ્રતિબંધ લાદવામાં આવ્યા છે.તેને પોતાના અરમાનો,આશાઓને ભીતરમાં જ ભંડારી અને પોતાની નહીં, પરંતુ બીજાની મરજીથી જ જીવવાનું વિધવાની આ વ્યથા અને તેની મૂંગી વેદના આ કવિયિત્રી માટે પણ અસહ્ય બની રહે છે.

‘પાગલ સ્ત્રી’ કાવ્ય તેના વિષયવસ્તું અને તેની ધારદાર અભિવ્યકિતને કારણે આસ્વાધ બન્યું છે.પાગલખામાં પૂરાયેલી સ્ત્રીના જીવનની વરવી વાસ્તવિકતાનું ચિત્ર અને ભૂતકાળની ઘટનાનો ભોગ બનેલી સખીની કરૂણતા અહીં કથનકળાનાં વિશિષ્ટ પ્રયોગ દ્રારા નિરૂપાઇ છે.ખરાબાની જમીનનો એક ટૂકડો જીવનનિર્વાહ માટે મળતાં ગામનાં સવર્ણમુખીને સહન ન થતા તેણે સખીનાં ધણીની ભરબજારે કરપીણ હત્યા કરી નાખી.આટલા અત્યાચાર છતાં મુખીની કરડી નજર એના પર પડતા તે અમાનવીય અત્યાચારનો ભોગ બને છે.અને માનસિક આધાત લાગતા તે મેન્ટલનાં દવાખાનાં દાખલ થાય છે. તેની વેદના અહીં તાર સ્વરૂપે રજૂ થઇ છે.

પ્રિયંકા કલ્પિતને પ્રતીક,કલ્પન દ્વ્રારા વ્યંગ - કટાક્ષને ધારદાર રીતે રજૂ કરવાની સારી ફાવટ છે.’મેના’, ‘દલિત જિંદગી’, ‘ચેપ’, ‘સવર્ણ ભગવાન’, ‘રૂખી’ ‘એ લોકો’ આ બધા કાવ્યોમાં પ્રગટ વ્યંગ વાચકનાં હદયને કંપાવી દે છે.

‘સવર્ણ ભગવાન’ અછાંદસમાં સમાજમાં જોવા મળતી ભેદરેખા તેમાં પણ દલિત-સવર્ણનાં ભગવાન જુદા અમીર લોકોનાં ભગવાન અમીર અને ગરીબ જનતાનાં ભગવાન પણ તેના જેવા ગરીબ તેમાં જોવા મળતી છૂતાછૂતની ગંદકી અને વિરોધાભાસી માન્યતાઓ આ સવેદનશીલ કવિયિત્રીને ભીતરથી ઝંક્રુત કરી મૂકે છે.અહીંયા તો દલિત લેખિકાને આ ભગવાન મદદે આવતા નથી.કારણ કે ભગવાન પણ ‘સ-વર્ણ’ ભગવાન છે.અહીં ભગવાનને ‘સવર્ણ’ વિશેષણ લગાડી કવિયિત્રીનાં આક્રોશનાં દરબારમાં ગુનેગાર બનાવી કઠેડામાં ઊભા કરી દીધા હોય તેમ લાગે છે. જૂઓ-
‘મને થયું
લોક તો ઠીક
સામે મંદિરમાં બેઠેલ ભગવાને
મને કેમ ન બચાવી ?
કે એને પણ નડી હશે મારી અછૂતતા ???(‘સવર્ણ ભગવાન’ પૂ.૧૭) [8]

ઉપરોકત કાવ્યમાં નાયિકાનો આક્રોશ સમજી શકાય એવો છે.જે ભગવાન ખુદ પોતાનું રક્ષણ કરી શકતા ન હોય તો પછી તે આપણું રક્ષણ કઇ રીતે કરી શકે ?અહિયા કવિ બ્રહ્મ ચમારની કવિતા અચૂક યાદ આવે તેમની કલમની ખુદ્દારી અને ખુમારી જૂઓ-
ગઇ કાલે
મને ભગવાન પ્રસન્ન થયેલા
નામ પૂછયું
મે કહ્યું બહ્ર્મ
ભગવાન એકીટસે મને જોઇ રહયા!!!
અને પૂછયું-
કેવા શો?
મે ખુમારીથી કહયું
ચમાર...
ને ભગવાન ગાયબ થઇ ગયા
ત્યારથી
મે
મંદિરમાં જવાનું માંડી વાળ્યું ??? [9]

કહેવાતા હિન્દુઓનાં ભગવાન પણ દલિતોથી આભેટછેટ રાખે છે. જે પછાત છે તે સૌથી વધારે ભગવાનની કાળજી રાખે છે.તેમ છતાં પણ દલિતોને આજે પણ મંદિરોમાં પ્રવેશ મળતો નથી.એટલે જ પ્રવીણ ગઢવી ખૂલ્લી ચેતવણી આપે છે કે મંદિરોમાં પ્રવેશ ન કરો દોસ્તો એ કષાયખાના છે.આ કાવ્યમાં કાવ્યનાયિકાનો આક્રોશ વાજબી છે.

આઝાદી મળ્યાનાં ૬૦ વર્ષનાં વાણા વહી ગયા તેમ છતાં સમાજની માનસિકતામાં કઇ જાજો ફેર પડયો નથી.આજે પણ એક વર્ગ જે ગંદકીની સફાઇ કરે છે.તેને ચોખ્ખી કરે છે.તેમ છતા પણ તેના તરફ ઘ્રૂણાની નજરથી જૂએ છે.આ સંવેદના ‘રૂખી’ કાવ્યમાં આ રીતે વ્યકત કરી છે.- ને પછી
ધીમે ધીમે રૂખીનું હૈયું ભરાઇ આવતું
થરથરતા પગે એ બેસી પડતી
હાથલારીએ માથું ટેકવી.... (રૂખી પૂ.૩૭)[10]

અહીં રૂખીની વેદનાને સમજી શકે એવું કોઇ નથી હાથલારી જ રૂખીનું સ્વજન છે.તેથી કવિયિત્રીએ એને હાથલારીએ માથું ટેકવતી બતાવી ધારદાર કટાક્ષ કર્યો છે. ભારતમાં સદીઓથી સ્ત્રીઓનું શોષણ થઇ રહયું છે.તેમાં પણ સ્ત્રી અને પાછી દલિત સ્ત્રી એમ બેવડા શોષણનો ભોગ બનવું પડે છે.રૂખીની આ કપરી અને કફોડી હાલત ભાવકનું પણ કાળજુ કંપાવી દે છે.

આજના આધુનિક સમયમાં ટેકનોલોજીનાં જમાનામાં સમતા,સમરસતા,સમાનતાની વાતો કરવાવાળો આપણો ભણેલો-ગણેલો અને સુધરેલો સમાજ ઓફિસમાં એક સાથે કામ કરતા હોય અને ખબર પડે કે સાથી કર્મચારી દલિત છે તો એકાએક તેના વાણી વર્તન અને વ્યવહાર બદલાય જાય છે.આ ભેદરેખાનું અંતર ઘટાડવું જ રહ્યું.

‘ભીખલો’ કાવ્યમાં દારૂનું દુષણ ભર્યાભાદર્યા જીવનને કેવું તો ખેદાન-મેદાન કરી નાખે છે તેનું ચિત્રણ આ કાવ્યમાં સચોટ રીતે નિરૂપાયું છે. નારીનાં જીવનમાં આવતી અનેકવિધ સમસ્યામાં દારૂડિયા પતિનો અમાનુંષિક ત્રાસની છે.વ્યસની પતિના લીધે સંસાર ચલાવવામાં મરણિયા પ્રયત્નો કરતી અને બે છેડા ભેગા કરવા મથતી નારી ગરીબ હોવા છતાં તેની અમીરાય અને આ ભારતીય નારીની ખુમારી અને ખાનદાની અહીંયા તાદશ થાય છે.

‘આમ્રપાલી’ કાવ્યમાં વૈશાલીની નગરવધૂ આમ્રપાલીની માનસિક અશાંતિ અને નિજની વ્યથા અંતે બૌધ્ધ ધમ્મમાં પ્રવેશી શાંતિ પામે છે. ‘વનવાસી’ કાવ્યમાં આદિવાસી સ્ત્રીની ગરીબાઇ અને તેની લાચારી લવચીક રીતે આલેખાય છે.તેની આ હાલત માટે જવાબદાર કોણ એવા અણિયારા પ્રશ્ર્નનો જવાબ આજ સુધી લટકી જ રહયો છે.અહિંયા બે સ્ત્રી એવી છે કે એક નો ઉછેર ભૌતિક સુખ સુવિધા વચ્ચે થયો છે. તેમ છતાં તે ભીતરથી જાણે ખાલીખમ છે.તેના પ્રત્યે કરુણા ઉપજી આવે છે.જયારે આદિવાસી સ્ત્રી કે જેને ખાવાનાં પણ ફાંફા છે.અહિંયા બન્ને સ્ત્રી ગરીબ અને તવંગર સામસામ છેડાનાં પાત્રો દર્શાવ્યા છે.પરંતુ બન્નેનાં અંતરપટની દુનિયા જુદી છે.આ બન્ને સ્ત્રીઓની વેદના અને વ્યથા અનોખી છે.તે પુરૂષપ્રધાન સમાજમાં જીવતી કોઇને કોઇ રીતે પીડિત અને શોષિત જણાય છે.

‘કેદી’ કાવ્યમાં અછૂત સમાજની કન્યા સાથે કાળું મોઢું કરનાર ગામનાં મોટા માથાને વધેરીને જેલમાં જતા કેદીનાં કવિયિત્રી વીરત્વનાં ઓવારણા લઇ તેને બિરદાવે છે અને ભાઇનું સ્થાન આપે છે.

કવિયિત્રીની તીવ્ર સંવેદના તેમના અછાંદસ રચનામાં આબેહૂબ રીતે ઝીલાઇ છે. ‘સ્વપનવેલ’માં જીવ્યા કરું છું,શૉ રૂમની ઢીંગલી બની એક ખૂણામાં.સ્ત્રી હોવાપણું અને પોતાનું અસ્તિત્વ સામેનો અણિયારો પ્રશ્ર્ન તેને સતાવે છે.

દલિતો જે પશુ જેવું જીવન જીવતા હતા.તેમાંથી બાબાસાહેબ અનેક પ્રકારની મુશકેલી વેઠીને માનવ બનાવ્યાં. માટે જ કાવ્યનાયિકા બાબા પ્રત્યે પોતાનો અહોભાવ પૂરા આદર સાથે આ રીતે વ્યકત કરે છે.-
બાબા
તમને જાણું છું
ને થઇ જવાય છે ધન્ય......
....એક માત્ર અછૂત હોવાને કારણે
જીંદગીમાં પાછા પડવું
કેટલું વસમું લાગ્યું હશે,બાબા !
ઉપેક્ષાના-
દિલમાં પડેલા એ દાઝિયા,
એની કાળઝાળ બળતરા;
વેદનાભર્યા એ ઘાને જિરવી જતાં
કેવાં કાળજાં કોરાણા હશે ?
...... વેઠયું તમે
ને
અમને આપ્યું
પોતીકું આકાશ,
સ્વતંત્ર શ્ર્વાસો;
સ્વમાનનું પદ.
તમારાથી
લાખ લાખ ઊજળા છીએ, બાબા. [11]

આ કાવ્યમાં બાબાસાહેબે પોતાની પરવા કર્યા વિના લોહી પાણી એક કરી જે સમગ્ર સમાજને ઉચ્ચ સ્થાને લઇ આવ્યા ત્યાર પછી તેના આ કારવાને આગળ લઇ જવા માટે તેમણે જે અપેક્ષા રાખી હતી તે આ ભણેલા ગણેલા વર્ગએ સમાજ પ્રત્યે વફાદારી ન દાખવતા કેવી ખરાબ હાલત કરી નાખી છે.તેની વેદના અહીંયા તારસ્વરે રજૂ થઇ છે.

આ સંગ્રહમાં ૧૫૧ જેટલા હાઇકુઓ છે.જેમાં બાબાસાહેબ,કર્ણ, ગાંધારી, સહદેવ,ઇસુ,મંથરા,આમ્રપાલી, બુધ્ધ વગેરે જેવાં પાત્રોનાં સંદર્ભે દલિતોનાં હયાતીનાં અસ્વીકારર્ની વેદના વિવિધ પ્રતીક,કલ્પન,અને મીથ દ્રારા આલંકારિક ભાષાશૈલીથી સંવેદનાને સૂક્ષ્મ રૂપ આપ્યું છે જૂઓ-
ધસરકાઓ
રૂઝાય એ પહેલાં
વલૂરી નાખું. પૂ.૩૮ [12]

આપવીતીની
કરવત ફરતી
ઘસરકો થૈ પૂ.૩૭ [13]

સ્ત્રીનો પર્યાય
પેરોલ પર જાણે
ફરે આરોપી પૂ.૪૩[14]

બજાર વચ્ચે
હંસનું મ્હોરું પહેરી
કાગડો ફરે પૂ.૪૨[15]

ઘણાં બધાં શ્રેષ્ઠ હાઇકુ આ સંગ્રહમાં નિરૂપાયાં છે.પણ આ હાઇકુ ઉત્તમતાની સાબિતી પૂરી પાડે છે.જે બે સમાજ વચ્ચેની ક્રુર અમાનવિયતાનો પરિચય આપે છે.
‘ મરેલા ઢોર
ગીધ તાકીને બેઠાં
ફાટેલ આંખે’ પૂ.૪૯[16]

અહીં મૂત પશુનાં ભક્ષણ માટે ગીધ હંમેશા તાકીને જ બેઠા હોય છે.મૂત પશુ દ્રારા દલિત સમાજ અને ગીધ દ્રારા સવર્ણ સમાજનો આડકતરો નિર્દેશ કરી સવર્ણ સમાજની બદદાનતને ‘ફાટેલ આંખ’ દ્રારા વ્યંગ્યાત્મક શૈલીમાં ધારદાર રીતે રજૂઆત કરી છે. કેટલાંક હાઇકુઓમાં નારીની મનોવેદના અસરકારક રીતે નિરૂપાય છે.
‘ગાંધારી જેમ
મારે શીદને આંખે
બાંધવા પાટા ??’ પૂ.૪૨[17]

‘ મારું હોવું એ
કેટલું કરપીણ
ને ઘાતક છે. પૂ.૪૩[18]

પિંજર પીઠા
પંખી જ જાણે માત્ર
બીજું કોઇ ના. પૂ.૪૩[19]

કવિયિત્રીની સમસંવેદના એ રહી છે કે સ્ત્રીની જિંદગી જાણે આમ વેદનાનાં લપકારા મારતી જ પસાર થાય છે.તેને જ પોતાની યથાયોગ્ય જિંદગી માની લેવામાં આવે છે.આ ઉપરાંત સમાજમાં લોહીમાં ભળી ગયેલ જાતિવાદ,નારીશોષણ,અસ્પૂશ્યતા,મંદિર વગેરે જેવા અનેકવિધ સંદર્ભો હાઇકુમાં નિરૂપણ પામ્યા છે.જેમકે-
વીંછી ડંખથી
ખતરનાક છે આ
જાતિનું ઝેર’ પૂ. ૪૫[20]

મંદિરમાં જૈ
નમી શકાય નહિ
બાપ રે બાપ’ પૂ.૪૪[21]

સ્ત્રીને કેન્દ્રમાં રાખીને સર્જેલા હાઇકુમાં દલિતનારીની વેદનાને વાચા આ રીતે આપી છે.
‘અગ્નિ સાક્ષીએ
સાત ફેરે પછી તો
ભૈ અડફેટે પૂ.૪૪[22]
કેવો સ્ત્રી ધર્મ!
ચાંલ્લો,ચૂડીને દિલ
પણ વિધવા’ પૂ.૪૬[23]

આ છે નારી હોવાની એની હયાતી કે સ્ત્રી હોવાની વ્યાખ્યા સ્ત્રી જયારે ચાંલ્લો અને ચૂડી પહેરતી હોવા છતાં પોતાની જાતને વિધવા તરીકે અનુભવે ત્યારે આ વેદનાને કયા વિશેષણથી નવાજવી તે સમજ પડતી નથી. અનુઆધુનિકયુગમાં દલિત ચેતનામાં જે સ્થિયંતર આવેલ તેમાં બાબાસાહેબની વિચારધારા પાયામાં છે.તેમની ચેતનાને ઝીલતાં અહીં વીસ જેટલા હાઇકુઓનો સમાવેશ થયો છે.તેમાં બાબાસાહેબને શબ્દાંજલિ અર્પે છે.
‘ ઝોળીમાં ભરું
સુખનો ઢગલો હું
બાબા પ્રતાપે પૂ.૩૭[24]
બાબાની આંખે
જોઉં તો બાબા કહે
સંઘર્ષ કરો. પૂ.૩૮ [25]

‘ઘસરકો’ સંગ્રહમાં ૨૭ જેટલા અછાંદસ કાવ્યોમાં અસ્તિત્વ, બાબાસાહેબ,દલિત જીંદગી, અભણ દલિત નારી, વિધવા નારી , ભ્રુણહત્યા, વનવાસી,આદિવાસીની અસ્મિતા,એમ અનેકવિધ વિષયો આ કવિયિત્રીની કલમે આલેખન પામ્યા છે.

‘ઘસરકો’ શીર્ષક અહીં યથાયોગ્ય બની રહે છે.કારણ કે આ ઘસરકો જાત સાથે જોડાયેલો છે.તેના સ્પંદનો ભાવકનાં હદયના તારને ઝંક્રુત કરે છે.આ કવિયિત્રીની કલમમાં .લાઘવ દ્રારા થોડામાં ઘણું કહી દેવાનો કસબ છે.બાહ્ય ઘસરકા કરતા આંતરિક ઘસરકા વધારે લોહિઝાણ કરી મૂકે છે.દલિત પછાત અને છેવાડાનાં માનવીને ભોગવવા પડતા શોષણ,અન્યાય,અત્યાચાર,સ્ત્રીઓનાં જીવન સાથે જોડાયેલા સામાજિક બંધનો નારીને ભીતરથી ખોખલી કરી નાખે છે.આનાથી એના સંવદન-ચિતમાં થતા ઘસરકા વધારે પીડાદાયક બની રહે છે.આ સંગ્રહમાંથી પસાર થતા એવી પ્રતીતિ થાય છે કે દલિત ચેતના અને નારીચેતનાનું પ્રતિબિંબ દલિત સાહિત્યનાં દાયરામાં વિશેષ ધ્યાન ખેંચે છે.પ્રિયંકા કલ્પિતની દલિતનારીની વ્યથા વેદના તેના ભાવની સૂક્ષ્મતાને વાચા આપી છે.નારીનાં ગર્વ અભિમાન,સ્વમાન,સ્વાભિમાનને અહીંયા આલંકારિક ભાષાશૈલી દ્રારા વાચા આપવામાં સફળ રહ્યા છે.

સંદર્ભ :

 1. ૧. ઘસરકો કાવ્યસંગ્રહ પ્રિયંકા કલ્પિત પૂ.૧
 2. ૨. એજન પૂ.૭
 3. ૩. એજન પૂ.૨
 4. ૪. એજન પૂ.૩
 5. ૫. એજન પૂ.૪
 6. ૬. એજન પૂ.૩૨
 7. ૭. એજન પૂ.૨૪
 8. ૮. એજન પૂ.૧૭
 9. ૯. એજન પૂ.૨૫
 10. ૧૦ . એજન પૂ.૩૭
 11. ૧૧. એજન પૂ.૬-૭
 12. ૧૨. એજન પૂ.૩૮
 13. ૧૩. એજન પૂ.૩૭
 14. ૧૪. એજન પૂ.૪૩
 15. ૧૫. એજન પૂ.૪૨
 16. ૧૬. એજન પૂ.૪૯
 17. ૧૭. એજન પૂ.૪૨
 18. ૧૮. એજન પૂ.૪૩
 19. ૧૯. એજન પૂ.૪૩
 20. ૨૦. એજન પૂ.૪૫
 21. ૨૨. એજન પૂ.૪૪
 22. ૨૨ . એજન પૂ.૪૪
 23. ૨3. એજન પૂ.૪૬
 24. ૨૪. એજન પૂ.૩૭
 25. ૨૫. એજન પૂ.૩૮

મકવાણા પારૂલબેન ડાહ્યાલાલ, બી/203,ગોકુલ એનેક્ષી સત્યમેવ હોસ્પિટલની પાછળ, ચાંદખેડા, અમદાવાદ-382424. સંપર્ક : 9426278833 E-male: paruldm23@yahoo.com