સંસ્કૃત નાટક મૃચ્છકટિકમ્ અને ગુજરાતી નાટક શર્વિલકનો તુલનાત્મક અભ્યાસ


તુલનાત્મક સાહિત્ય (Comparatative Literatures) શબ્દ ઇ.સ. ૧૮૪૮માં અંગ્રેજી કવિ અને વિવેચક મેથ્યુ આર્નોલ્ડે પોતાની બહેનને લખેલ પત્રમાં પહેલીવાર કર્યો હતો. જે મેથ્યુનાં જ શબ્દોમાં જોઈએ , “ How piain it is how, though an attention to the comparative literatores for the last fifty gears might have instructed any one of it, that England is in a certain sense far behind the continent.. ( તુલનાત્મક સાહિત્ય તરફનાં છેલ્લાં પચ્ચાસ વર્ષોનાં લક્ષ્યથી કોઈને પણ કંઈક શીખવા મળ્યું હશે તો પણ એ એટલું સ્પષ્ટ છે કે ઈંગ્લેંડ અમુક ચોક્કસ અર્થમાં આખા ખંડ કરતાં કેટલું બધું પાછળ છે....)

અહીં તુલનાનો અર્થ આગળ કે પાછળ , ઊતરતું – ચડિયાતું છે એવું નક્કી કરવાનું સાધન થતો લાગે છે. આ ઉપરથી એમ ગણી શકાય કે; વિશ્વમાં જે કાંઈ ઉત્તમ જ્ઞાન અને વિચારો છે તે શીખવા ને પ્રસરાવાનો ઉપક્રમ થવો જોઈએ, ખાસ સાહિત્યનાં સંદર્ભમાં સેન્ટ બાવ ઇ.સ.૧૯૬૮માં ‘તુલનાત્મક સાહિત્ય’ શબ્દ પ્રયોજે છે. તેઓ જણાવે છે કે ; “તુલનાત્મક સાહિત્યની પાછળ એક પ્રકારની શુદ્ધ બૌદ્ધિક જીજ્ઞાસા “ કામ કરી રહેલ છે.

ડૉ. પ્રસાદ બ્રહ્મભટ્ટ જણાવે છે કે; ‘તુલનાત્મક સાહિત્ય સંજ્ઞાને અર્થ વિશેષણ- વિશેષ્ય સંબંધ છે, અર્થાત્ જે સાહિત્ય તુલનામૂલક છે અને જેમાં તુલનાઓ વ્યાપી છે એવા સાહિત્યને તુલનાત્મક સાહિત્ય કહેવાય . અહીં સાહિત્યનો અર્થ તુલનાત્મક પુરતો મર્યાદિત છે, પરંતુ ‘તુલનાત્મક સાહિત્ય દ્વારા સર્જનાત્મક સાહિત્યમાંની તુલનાત્મપરકતા અભિમુખ નથી. જો એમ હોય તો તો તુલનાત્મક સર્જનાત્મકતા સાહિત્ય સિવાયનાં અન્ય સાહિત્યનો વિચાર આવશ્યક છે એવું સમજાય.”

‘તુલનાત્મક સાહિત્ય’ નો પારિભાષિક અર્થ છે. ‘સાહિત્યનો તુલનાત્મક અભ્યાસ.’ આમ સાહિત્યનો તુલનાત્મક અભ્યાસ કરવાની પદ્ધતિ એટલે જ ‘તુલનાત્મક સાહિત્ય’. જે વિવેચનની પ્રવૃત્તિ બને છે.પાશ્ચાત્ય વિવેચક ઉલરિશ વાઈસ્ટન તુલનાત્મક સાહિત્યની વ્યાખ્યા આપતાં જણાવે છે કે; તુલનાત્મક સાહિત્યાભ્યાસ વિશેની પ્રાસ્તાવિક વાત કરનારને માટે એ આવશ્યક છે કે સંજ્ઞાઓની વ્યાખ્યા તરફ જતાં અભ્યાસક્ષેત્ર વિશેની મર્યાદાઓ સ્વેચ્છાએ સ્વીકારી લે. ઉલરીશ વાઈસ્ટનનાં મત મુજબ મોલવાન તીગ્હોમ, જીન મેરી કાર અને ગુઈયાદ જેવા પેરીસ સ્કુલ (ફ્રાંસ)નાં પ્રતિનિધિઓએ એક બાજુ તુલનાત્મક સાહિત્યની સમજ આપતી વખતે એનાં અભ્યાસક્ષેત્રને અતિશય સંકુચિત કરી દીધું ત્યારે અમેરિકન પ્રતિનિધિઓએ એકદમ વિસ્તારી દીધું છે. જ્યારે વાઈસ્ટન આ વિદ્યાશાખા માટે મધ્યમમાર્ગ પસંદ કરવાનું જણાવે છે.

હેન્રી રીમાર્ક; “તુલનાત્મક સાહિત્ય કોઈ પણ એક ચોક્કસ દેશના સીમાડાને અતિક્રમી જઈને થતો સાહિત્યનો અભ્યાસ છે તે એક તરફથી સાહિત્ય અને બીજી બાજુ કલાઓ, તત્ત્વજ્ઞાન, ઇતિહાસ, સમાજવિદ્યા, વિજ્ઞાન, ધર્મ અને જ્ઞાન અને માન્યતાનાં અન્ય ક્ષેત્રો વચ્ચેનાં સંબંધોનો અભ્યાસ છે. ટુંકમાં , એ એક સાહિત્યની અન્ય સાહિત્ય કે સાહિત્યો સાથે અને સાહિત્યની માનવીય અભિવ્યક્તિનાં અન્ય ક્ષેત્રો સાથેની તુલના છે.”

વિવિધ વ્યાખ્યાઓનો સારાંશ એ છે કે; તુલનાત્મક સાહિત્ય દેશ-કાળનાં સીમાડામાં બંધાતું નથી, તેમાં સંસ્કૃતિ, કલા, ઈતિહાસ વગેરે મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે. તેમાં એક કવિ અથવા જે તે સમયના દ્રષ્ટા પુરુષનો પ્રભાવ, બે કવિ વચ્ચેનાં સાદ્ર્શ્ય-વિષમતા વગેરેનો અભ્યાસ મહત્ત્વનો છે.

શર્વિલક ઉપર મૃચ્છકટિકમની અસર છે. પરંતુ રાજ, આઠવા જણાવે છે કે;” સૂક્ષ્મદ્રષ્ટિથી જોતાં તેનું અર્ધું અર્ધું સ્વરૂપ પણ અનુવાદરૂપ નથી. શર્વિલકની સાવ નવી કથાની દ્રષ્ટિએ ઘણા ફેરફાર કર્યા છે. આમ પરિચિત નાટક અને તેના અંદરનાં પરિચિત પાત્રો ભૂમિકા તરીકે લઇ તેનાં ઉપર નાટકકારે બહુ જ કૌશલ્યથી એક અપૂર્વ નાટકની તથા અપૂર્વ કથાવસ્તુની નિર્મિતિ કરી છે – જે અર્ધનારી નટેશ્વરની મૂર્તિની માફક ચમત્કૃતિજનક તથા મનોહર લાગે છે.

કથાવસ્તુ :

શૂદ્રકનાં મૃચ્છકટિકમમાં દરિદ્રચારુદત્ત – વસંતસેનાનું પ્રણય કથાવસ્તુ મુખ્ય છે, જેમાં પતાકા સ્થાનક તરીકે શર્વિલક મદનિકાની પ્રણયકથા અને ક્રાંતિનું કથાવસ્તુ છે. જયારે પરીખના શર્વિલકમાં ક્રાંતિનું કથાવસ્તુ મુખ્ય છે, જયારે ચારૂદત્ત – વસંતસેનાનું પ્રણયકથાવસ્તુ ગૌણ છે. એ જ પ્રમાણે ક્રાન્તિનાં વસ્તુને ઉજાગર કરવામાં જ શર્વિલક –મદનિકાનું કથાવસ્તુ આગળ વધે છે. જેઓ ક્રાંતિ અર્થે પોતાનાં નિજી પ્રણયનું –આનંદનું બલિદાન આપે છે . ભાસમાં શર્વિલક માત્ર પ્રણયનું બલિદાન આપે છે. જયારે શર્વિલકમાં મદનિકા ક્રાંતિકારી બની વારાંગનામાંથી વીરાંગના બને છે. જે આઝાદીનાં આંદોલન સમયે બનારસની ગણિકાઓ એ ભજવેલા મહ્ત્ત્વપૂર્ણ ભાગની યાદ અપાવે છે .

મૃચ્છકટિકમની શરૂઆત વસંતસેનાની પાછળ શકાર પડતાં તેનાં ચારુદતનાં ઘરમાં પ્રવેશથી થાય છે , જ્યારે શર્વિલકમાં સંગીતનાં આનંદથી થાય છે, જેમાં શર્વિલક માધવની સહાયથી “ગોપાલક પુત્ર રાજા થશે.” એમ સિદ્ધની વાણીથી ભંગ પડાવે છે. આ જ બાબતથી અત્યંત સ્પષ્ટ છે કે; મૃચ્છકટિકામમાં ચારુદત્ત –વસંતસેનાની પ્રણયકથાવસ્તુ મુખ્ય છે, જ્યારે શર્વિલકમાં રાજપરીવર્ત (રાજપલટો) મુખ્ય છે- શર્વિલકની કથા મુખ્ય છે.

રસિકલાલ છો. પરીખ પ્રસ્તાવનામાં સ્વયં લખે છે કે,”દરિદ્રચારૂદત્ત અને મૃચ્છકટિકમથી શર્વિલકનું લક્ષ્ય જુદું છે, તેથી એનો અંત પણ જુદી રીતે આવે છે; એટલે મૂળમાંથી લીધેલા પ્રસંગોમાં એવા ફેરફારો થયા છે કે તેમનું તાત્પર્ય બદલાઈ જાય અને રસ પણ, એ લક્ષ્ય સાધવા બાર જેટલાં મૂળમાં નહિ એવા પ્રસંગો પણ ઉભા કર્યા છે.”

ડૉ. કૃષ્ણકાન્ત કડકિયાનાં મતે; “ શ્રી પરીખે ક્રાન્તિનાં અંશોને હાથ પર લીધા, જે મૃચ્છકટિકમ્ કે તે પછીની ભારતવર્ષની સ્થિતિ જેવી ન હતી.; જેમાં રાજપલટો, ક્રાન્તિ વગેરે ન હોય તેથી ભાસનાં શુદ્રકના લુપ્ત થતા અંશો ને ક્રાંતિની – આઝાદીની ચળવળને કારણે ફરીથી મહત્ત્વના અને લોકભોગ્ય બન્યા. તેથી ‘મૃચ્છકટિકમ્’નો આધાર લઇ ‘શર્વિલક’ની રચના કરી છે, એ એવી કે જેમાં કોઈ આજના યુગની આધુનિકતા અને અનુરૂપતા પણ દેખાય.”

રંગમંચના દિગ્દર્શક બંસી કોલે ‘શર્વિલક’ નાટક દિલ્હીના રંગમંચ ઉપર ભજવેલ છે. તેઓની દષ્ટિ યથાર્થવાદી છે. એમ થવું એટલા માટે સ્વાભાવિક હતું કે મૃચ્છકટિકનો યથાર્થવાદ શુદ્ર્કની એક મહત્ત્વપૂર્ણ વિશેષતા છે, જેની સીધી અસર ‘ શર્વિલક’ નાટક પર પડી છે. સંસ્કૃત રંગમંચ ઉપર વિશુદ્ધ યથાર્થવાદ ભાગ્યે જ પ્રદર્શિત થયો છે જયારે શુદ્રકે સાહસિક રીતે એને હાથ ઉપર લીધો છે. જુગાર, પાસા ફેંકવા, રાજપથમાં મનુષ્યનું વેચાણ, ઝઘડા, રાજકર્મચારીઓનું સ્ત્રીઓની પાછળ પડવું જેવાં નિમ્નસ્તરીય જીવનને જ નહિ, પણ રાત્રે રાજાઓના સગા શૃંગાર – સજ્જિત વેશ્યાઓને ઘેરે છે,- સરળ બ્રાહ્મણને હેરાન કરાય છે.ચોરી, કેદીનું ભાગી જવું, ગાડે જોડાયેલાં બળદોના ચિત્કાર વગેરે જે વાસ્તવિક જીવનમાંથી નાટ્યકારને પ્રાપ્ત થયેલા અંશો છે. તેમ છતાં નિષ્ઠા, ઉદારતા અને આદર્શનું સ્વરૂપ દેખાય છે એને કારણે એ અંશો કીથે કહ્યું છે તેમ, “ જીવનની નકલ તો નથી જ; સામાજિક અને કલાત્મક પસંદગીઓનું એ નાટક છે.”

મૃચ્છકટિકમમાં ચોરીનાં દ્રશ્યનું, શર્વિલકનાં મનોમંથનનો લાભ શ્રી પરીખે લીધો છે તેમના માનસનું પૃથક્કરણ કર્યું છે, તે માત્ર પ્રેમી જ નહિ ક્રાંતિકારી સર્વપ્રથમ છે; તે સરસ રીતે નિરૂપ્યું છે મદનિકાના પ્રણય માટે ચોર્ય કર્મ કરે છે. એ સમયે તે કામ-દગ્ધ પુરુષ તરીકે દેખાય છે. મૂળમાં શર્વિલક કામી છે. પરંતુ સંમાન અને વિશ્વાસની પણ આશાવાળો છે એ તત્ત્વ એને વિલાસી તથા નિષ્ક્રિય થવા દેતું નથી, એટલું જ નહિ, એના સાહસને પણ બળ આપે છે. એ પણ શર્વિલક રાજ્ક્રાંતિનું એક સફળ નેતૃત્ત્વ પૂરું પડે એવા એનાં ઘડતરમાં તેમ નાટક સફળતા અપાવવામાં રસિકભાઈને ઉપકારક રહ્યું છે.

મૃચ્છકટિકનું પ્રશંસા પામે એવું એક તત્ત્વ છે કે શર્વિલક અદમ્ય સાહસ અને ત્યાગ કરે છે. પ્રેયસીને રેભિલને ત્યાં મોકલી ક્રાંતિ માટે ચાલ્યો જાય છે. શ્રી રસિકભાઈએ આ કથાનો ઉપયોગ કરી તેમાં વધારો કર્યો છે, જે શર્વિલક –મદનિકાને શ્રેષ્ઠતમ રીતે નિરુપે છે. મદનિકાનું ક્રાંતિમાં સામેલ થવું , આર્યકને ભાગવામાં મદદ કરવી, શ્વેતપદ્મા (પાલકની રાણી )ને ભાગવામાં મદદ કરવી, પ્રાણાર્પણ– ઉપરાંત શર્વિલકને જે લક્ષ્યો હતાં ત્યાં સુધી ઘટનાને પહોચાડવા મદનિકાએ આમ કર્યું. શર્વિલકે ચોરી કરી છે તે જાણવા છતાં તેનો નિષ્કપટ પ્રેમ તેને આમ કરવા પ્રેરે છે કવિની કસોટી મૃચ્છકટિકમ કરતાં શર્વિલકનાં જુદાં અંતની છે. વસંતસેનાને અહીં વધૂનું ગૌરવ પ્રદાન થતું નથી, પણ ચારૂદત્તનો વધ થાય છે અને વસંત સેના એક પ્રાકૃત જનની જેમ શોક કરે છે, એટલું જ નહિ, પણ એ મદનિકાના ઉત્તમ મૃત્યુની ઈર્ષા પણ કરે છે પછી એને કંઈક જડે છે, માટે એ સંસારનું સ્વરૂપ સમજવા આર્યકની સાધ્વી માતા પાસે ચાલી જાય છે. અનુરાગથી પ્રેરાયેલો શર્વિલક લોકાયતિક હોવા છતાં ચાર ભૂતો થી અધિક મદનિકા શું હતી એની શોધ માટે પોતે ચાલ્યો જશે એમ કહે છે, પણ પછી વસંતસેનાની આજ્ઞાથી આર્યકનો લોકદષ્ટા સચિવ થવાનું સ્વીકારે છે. આમ એ બંને પાત્રોમાં નહિ ધારેલાં પરિવર્તનો કરી લેખકે નાટ્યાત્મક ચમત્કાર સર્જ્યો છે .

નાટ્યરચનાને માટે સ્થળ – સમય ની અન્વતી જરૂરી છે, જે રસિકભાઈ એ સરસ રીતે જાળવી છે, કાલ અટકતો નથી, થંભતો નથી, પરિણામે ચારૂદત્તનો વધ ન અટક્યો, વસંતસેનાની ચીસ ન સંભળાય. પરિણામે જે અંત લાવવા માંગતા હતા તે લાવ્યાં. જેથી લેખકનું મૂળ પ્રયોજન સિદ્ધ થઇ શક્યું. ‘શર્વિલક’નું પ્રધાન વક્તવ્ય ‘રાજાપરીવર્ત’ છે. લેખકે પ્રારંભમાં જ શકાર અને રાજા પાલાકની દુષ્ટતાનો પરિચય કરાવ્યો છે અને સિદ્ધની વાણી તથા માધવ દ્વારા રાજમુદ્રા વિપ્લવવાદીઓના હાથમાં આવી જાય છે વગેરે ઘટનાઓ દ્વારા ‘રાજાપરીવર્ત’નાં બી રોપી દીધા છે એ લક્ષ્ય પ્રત્યે લેખકનું ધ્યાન એટલું બધું કેન્દ્રિત છે કે જટિલતાને કારણે મૃચ્છકટીકમાં નાટકીય વ્યાપારમાં સંબધની રક્ષાનો પ્રશ્ન શૂદ્ર્કને માટે જેટલો મુશ્કેલ બની ગયો છે તેવું અહીં રસીકભાઈને માટે બન્યું નથી, અહીં તો પેલું બી સહજ રીતે વિકસીને વૃક્ષ થઈ જાય છે. એમાં નિર્ધન સંકોચી એવા ચારૂદત્ત સાથે વસંતસેનાનો તથા મદનિકા સાથે શર્વિલકનો પ્રણયવ્યાપાર વિકસે છે, જે રાજપરિવર્તનની ઘટનાને અવરોધ બનતો નથી, પણ વિકસાવવામાં મદદરૂપ બને છે રાજ પરિવર્તનની યોજના લેખકે પોતાના મનમાં એવી રીતે બનાવી દે છે કે એમાં જુગારી અને બીજા બધા સંડોવાય છે. શકારને કારણે એ લક્ષ્ય સુધી પહોચવું મુશ્કેલ છે એમ લાગે છે, પણ શકારની ક્રુરતા, કાયરતા તથા કામુકતા તેમ કાપટીકતા અને દંભ એટલા બધા છે કે જેથી સમગ્ર પ્રજા શાસન થી કંટાળી ગઈ છે. પરિવર્તન માટે શર્વિલકને એ વાત પણ ઉપકારક બની છે. નાસી જવાનો માર્ગ બતાવવા વગેરેમાં આ જ નગરજનો પાલકના શત્રુઓને મદદરૂપ બન્યા છે. “મદનિકા શકારને માટે યથાર્થ કહે છે કે ‘એ ન હોત તો ઉજ્જૈનીમાં આ રાજપલટાની વાત મોડી થાત.” વિશેષ મઝાની બાબત એ છે કે; રાજાની રાણી શ્વેતપદ્મા પણ રાજપલટો ઈચ્છે છે. એને મન પાલક, શકાર અને ભરત રોહતક નરપશુ છે. એ અહીંથી છૂટવા માંગે છે તથા છૂટે પણ છે આમ વસ્તુ સંકલનમાં પર્યાપ્ત સંતુલન છે.

વિશેષ તફાવતમાં જોઈએ તો શૂદ્રકમાં વર્ધમાનક, દદૃઁરક, વિટ, ચેટ, વસંતસેના, ચારૂદત્ત, મદનિકા પ્રત્યક્ષ રીતે ક્રાંતિમાં ભાગ લેતાં નથી; જયારે અહીં આ દરેક પાત્રો ક્રાંતિમાં ભાગ લે છે, પ્રત્યક્ષ રીતે જોડાય છે , યોજના ઘડવામાં ભાગ લે છે, અમલમાં મુકે છે, તે માટે પ્રાણપર્ણની પણ તૈયારી છે.

આમ સમાનતા તેમજ નાવીન્ય પર્ણ ‘શર્વિલક’માં છે. જે મૃચ્છકટિકમમાંથી લેવામાં આવેલ છે, તેનો પ્રભાવ છે, પરંતુ કવિકર્મથી તેમાં અપૂર્વતા આવેલ છે, જે નોધનીય છે.

ડૉ. કે.એમ. ત્રિવેદી અધ્યક્ષ, સંસ્કૃત વિભાગ, તથા ડીન, વિનયન વિદ્યાશાખા, કે. એસ. કે. વી. કચ્છ યુનિવર્સિટી, ભૂજ (કચ્છ)