અને, ગુજરાતી સાહિત્ય - અનુઆધુનિકતા વિશે

Block 1

Phase 1 : બે યુવામિત્રો બાજુ બાજુમાં બેઠા છે. ઘણા સમયથી બેઠા છે ને બંને પોતપોતાના મોબાઇલમાં ટાસ્કિંગ કરવામાં વ્યસ્ત છે.
અચાનક, अ પોતાની બાજુમાં જ બેઠેલા बને તેની તરફ જોયા-ફર્યા વગર એક મૌખિક મેસેજ કન્વે કરે છે :'પેલું લૈલાવાળું સોન્ગ સેન્ડ કર'.
ખબર નથી પડતી કે बએ સાંભળ્યું કે નહીં, अને પણ એની ફિકર નથી. બંને પોતપોતાના મોબાઇલમાં ચેટિંગ-મેસિજિંગમાં મસ્ત-વ્યસ્ત છે.
અચાનક, ब अની સામે જોયા વગર વાક્ય બબડે છે, જેની એને પણ ખબર નથી કે अ સાંભળે છે કે નહીં, -'પેલું સોન્ગ મોકલ્યું, જોઈ લે.', 'હા, મળી ગયું.'

Phase 2 : સ્થળ : ગાંધીનગર એસટી ડેપોની બસસ્ટેન્ડ કે રિવર-ફ્રન્ટ અમદાવાદ
પાંચ છોકરા અને બે છોકરી વાતો કરતાં ઊભાં છે. બેમાંની એક પાંચમાંના એક સાથે રોમાન્ટિક ચેસ્ટાઓ કરે છે. હાથ પકડે, હગ કરે, કિસ કરે. છોકરી અગ્રેસિવ છે. છોકરો રિસ્પોન્સિવ અને બાકીના બેફિકર, નિર્વિકાર. અને આ બધું જાહેરમાં જ.
ઉપરનું દૃશ્ય થોડા દિવસ પછી બદલાય છે. બધાં પાત્ર એનાં એ જ છે, એ જ રીતે ઊભાં વાતો કરે છે. છોકરી ને છોકરો રોમાન્ટિક જ છે. ટ્વિસ્ટ એ છે કે, છોકરી એની એ છે, છોકરો ચેઇન્જ છે. બધા નિર્વિકાર ને છોકરી અગ્રેસિવ.

Phase 3 : જનરલ સ્ટોરમાં યુવાન સેલ્સમેનની જોબ માટે જાય છે. મેનેજર એને કસ્ટમર એટેન્ડ કરવા કહે છે. તેવામાં એક કપલ આવે છે અને સેનેટરી નેપકિનનું પેકેટ માગે છે. છોકરો કસ્ટમરને એટેન્ડ કરે છે. પેલું કપલ માછલી પકડવાનો સામાન, નાસ્તો, છત્રી, ચટાઈ, ટોપી, ગોગલ્સ અને સેનેટરી નેપકિન ખરીદીને ચાલ્યું જાય છે.
મેનેજર સેલ્સમેનને પૂછે, 'એમણે માછલી પકડવાનો સામાન કેમ ખરીદ્યો?'યુવકે કહ્યું, ‘એ જ તો મારી માર્કેટિંગ સ્ટાઇલ છે...’ મેં કસ્ટમરને પૂછ્યું કે, તો તુમયે ચાર-પાંચ દિનક્યા કરોગે? એ મૂંઝાયો, કહે, કંઈ નહીં, માખો મારીશું. તો મેં એને નદીકિનારે બેસવાની સલાહ આપી. પછી, બેસવા માટેની સાદડી જોશે કહી સાદડી વેચી. તડકો લાગશે કહી છત્રી, ટોપી ને ગોગલ્સ વેચ્યાં. મેં કહ્યું કે નદીકિનારે વધુ સમય થાય ને ભૂખ લાગે તો શું કરશો? એણે નાસ્તાનાં પેકેટ્સ લીધાં. નદીનાં પાણીથી પલળી જવાય તો?મેં એમને ઇ-બે અને એમેઝોનની સાઇટ પર ભાવ બતાવીને એના કરતાં સસ્તાં ગમ-શૂ બતાડ્યાં. પછી તેને બરમૂડો ને ટી-શર્ટ બતાવ્યાં. મેં પૂછ્યું, તમે એકલાં એકલાં કંઈ કર્યા વગર નદીકિનારે બેસી રહેશો? એ સારું નહીં. તો મેં કહ્યું,ફિશ-રોડ, માછલીનો ખોરાક ને પકડેલી ફિશને મૂકવાની બકેટ પણ લઈ જ લો, ટાઇમ-પાસ થશે. જાઓ, મછલી પકડો...
ઉપરનાં ત્રણ દશ્યોમાં, પહેલાં બે સાંપ્રત સમયનું વાસ્તવજીવન વ્યક્ત કરતા આંખેજોયાં દૃશ્યો છે. ને ત્રીજું, જોકમાં, મારી દૃષ્ટિએ અનુઆધુનિકતા દર્શાવતું ઉત્તમ ઉદાહરણ છે, જેમાં પોસ્ટ-મોડર્નનાં એકથી વધુ લક્ષણ, પ્રેરક બળ અને સમાજજીવન જોવા મળે છે.
એમાં, માર્કેટિંગ, ગ્લોબલાઇઝેશન, પ્રકૃતિ તરફ પાછા જવાનો લગાવ - બેક-ટુ-રૂટ, સ્ત્રી-પુરુષ સંબંધ, મૂડીવાદી અર્થતંત્ર કે સમાજતંત્ર, કોલોની-કલ્ચર, બદલાયેલી ભાષા (અહીં થોડા પ્રયત્નથી ઇમોઝિઝ ઉમેરી શકું) - એટલાં વાનાં મને મળ્યાં છે.

Block 2

(મારો શામળિયો) મારા શામળિયે મારી હૂંડી પૂરી – / નીકર ગગલીનું આણું શેં નેકળત? / ચાવંડાની બાધા ફળી/ ને જવાનજોધ ગરાહણી ફાટી પડી... / એની ઠાઠડીએ ઓઢાડ્યું રાતું ગવન! / રાતીચોળ ચેહ બળે / ને આકડાના છોડે રાતું ગવન લહેરાય! / ગગલીની મા તો / જે મલકાય, જે મલકાય, મારી હાહુ... / બસ, ડાઘુઓની પૂંઠ ફરે કે / ધોડું હડડ મસાણે / મારો ભંગિયાનોય બેલી ભગવાન! (બહિષ્કૃત ફૂલો, નીરવ પટેલ, પે.13)
અનુ-આધુનિક સાહિત્યના ‘દલિત કવિતા’ ‘વિભાગ’માં ઉત્તમ ગણાયેલી નીરવ પટેલની આ કવિતામાં બીજું ઘણું છે, હશે, પણ આ દલિત કવિતા તો નથી જ.
પોસ્ટ-મોડર્ન લિટરેચરનાં કેટલાંક લક્ષણો આ કાવ્યમાં પ્રગટે છે એ વાત પછી કરીએ તો યે એમાં રહેલી અ-દલિત કવિતાનું પહેલું લક્ષણ પહેલી લીટી જ છે, ને છેલ્લી લીટી એના સમર્થનમાં છે.
આ દલિત કવિતા નથી એવું કહું છું ત્યારે, ઇતિહાસમાં પાછા પગલે જવાનું છે; એ રીતે નવ્ય-ઇતિહાસવાદ જે પોસ્ટ-મોડર્ન લિટરેચરનું એક લક્ષણ ગણાયું છે, તેમાં પ્રવેશ થશે.
હિન્દુ સભ્યતા જેના પર ઊભી છે તે વેદ, સંહિતા, ઉપનિષદ્, સ્મૃતિ-ગ્રંથો, પુરાણ ઇત્યાદિ અનુસાર જ્ઞાતિવાદ નહોતો; જ્ઞાતિવાદ બ્રાહ્મણ-સભ્યતા કે સંસ્કૃતિ કે વાદની દેન છે, એમ અનેકશ: વિદ્વાનોનું કહેવું છે. એ મુજબ, શૂદ્રોને હિન્દુ ગણવામાં નહોતા આવતા, એમને મંદિર-પ્રવેશનિષેધ હતો, એમને શાસ્ત્રકથન સૂણવાનો ય અધિકાર નહોતો, ભગવાન પણ એમના નહીં… આ સામાજિક વાસ્તવ છે, એનો ન-કાર ન થઈ શકે. શામળિયો એ હિન્દુ દેવ છે. વિષ્ણુના દશાવતારમાંનો એક અવતાર. દલિતોનાં દેવ-દેવી જુદાં હતાં, આગવાં હતાં. મેલડી, ખોડિયાર, ચામુંડા, શક્તિ, વહાણવટી વગેરે, અને મામાદેવ કે ખીમડિયો કે ખીજડિયો એમના દેવ હતા, છે.
ટૂંકમાં, બ્રાહ્મણ દેવતાઓ ક્યારેય દલિતોના દેવતા નહોતા, એટલે આ કાવ્યની પહેલી પંક્તિ ‘મારા શામળિયે મારી હૂંડી પૂરી’ એ દલિતવિરોધી સંબોધન છે. અને એ રીતે જ છેલ્લી પંક્તિ ‘મારો ભંગિયાનો ય બેલી ભગવાન’ – એ પંક્તિમાંય દલિતચેતના, ભાવ કે ભાવના કશુંય પ્રકટતું નથી.
બીજો મુદ્દો, પોસ્ટ-મોડર્ન લિટરેચરમાં ગ્રાન્ડ-નેરેશન(મહા-વૃત્તાંતો)નો વિરોધ કે નકાર છે અથવા એનું મહત્ત્વ નકારાયું છે તે છે; સામે, મીની-નેરેશન(લઘુ-વૃત્તાંતો)ને મહત્ત્વ અપાયું છે. અહીં આ કવિતામાં દલિતની વ્યક્તિગત વાત છે, જે સમષ્ટિગત રહી હશે. છતાં, અહીં પેલા ગ્રાન્ડ-નેરેશનનો નકાર નથી; સ્વીકાર છે. શામળિયો કહીએ કે તરત જ વિષ્ણુપુરાણ આખું મન-મગજ પર કબજો જમાવી દે. અને છેલ્લી પંક્તિ સુધી પહોંચતાંમાં એને અધીન થઈ જવાય - ‘બેલી ભગવાન’ અર્થાત્ શામળિયો.
ગ્રાન્ડ-નેરેશનની વિરોધી કે એવા મહાવૃત્તાંતોને નકારતી બીજી કેટલીક દલિત કવિતાઓ હશે, અહીં એક ઉદાહરણ પૂરતું છે : બીજું ઉદાહરણ, ફેસબુક પર પોસ્ટ થયેલી કવિતાનું છે, જેમાં રિ-મેક અને ડિ-કન્સ્ટ્રક્શન બંને એકસાથે છે.
ઉદા.૧ - “આ ગાય / અમારે ઘેર / ક્યારેય, ચાલી નથી. / ભાંભરી નથી. / કે / દૂધ પણ દીધું નથી. / પછી / વિવાદ ને વિષાદ શો? / વૈતરણી તરવાનો / અમે / ઓવરબ્રિજ બાંધી દઈશું!” (ઓવરબ્રિજ, ભી.ન. વણકર, દુંદુભિમાંથી)
ઉ.દા.૨ - જે દિવસે ગબ્બરે હાથ કાપી નાખ્યા કવિ ઠાકુરના / કવિતાનું નખ્ખોદ વળી ગયું એ દિવસે રામગઢમાં / કવિતાના વિરહમાં ઠાકુર હવે દિવસ-રાત તડપે છે / બે કવિઓ બહારથી ભાડે લાવી ઘોસ્ટ રાઇટિંગ કરાવે છે / ઠાકુરના સંવેદનો અટુલા સાંભા જેમ ખડક પર બેસી રહે છે / સાહિત્ય પરિષદના 50 રૂપિયાના પુરસ્કારની રાહ જુવે છે / ગબ્બરની સામે બે નવોદિત કવિની રચનાઓ પેશ થાય છે / હોળીના દિવસનું એ કવિસંમેલન રામગઢ જીતી જાય છે / બાજુના ગામના મંદિરનો મહંત એવોર્ડ સમારંભમાં આવે છે / સાથે સાથે એક અંધ ચિંતક પણ હાજર રહે છે
બધાની કવિતાની પ્રેરણા એકમાત્ર બસંતી છે / અને એની ઘોડી સ્થાનિક અખબારમાં કટારલેખિકા છે / ખેલ હવે ખરાખરીનો જામ્યો છે / સ્વર્ગીય કાલીયાની યાદમાં ગબ્બરે કાવ્યસ્પર્ધા રાખી છે / નવોદિત કવિઓને સ્પર્ધામાં બોલાવી દગાથી પકડી પાડે છે / ગબ્બર હવે આ કવિઓના પણ હાથ કાપવા જાય છે / ના બસંતી ગીત ગાય છે / ના કોઈ આમને બચાવે છે / ના કોઈ સિક્કો ઊછળે છે / ના કોઈ ભાઈબંધી નિભાવે છે / ફરી વાર એજ ઘટના દોહરાય છે / બે નવા કવિઓના હાથ ફરી કપાય છે / અંતે બધું હેમનું હેમ થઈ જાય છે / પરિષદનો પચાસ રૂપિયાનો પુરસ્કાર ગબ્બર જીતી જાય છે / ફરી ચિંતક ને મહંત સમારંભમાં આવે છે / ફરીથી સાહિત્યનો ગોળ કુલડીમાં ભંગાય છે / રામગઢ આખું મીઠું મીઠું થઈ જાય છે / ઠાકુર ચારધામ યાત્રાએ નીકળી જાય છે / હવે નવોદિત કવિ અટુલા સાંભા જેમ ખડક પર બેસી રહે છે. (આશિષ વશી)
ત્રીજો મુદ્દો, ડિ-કન્સ્ટ્રક્શનનો છે. નીરવની આ કવિતા ‘ડિ’ નહીં, રિ-કન્સ્ટ્રક્ટનો નમૂનો છે, રિમેક છે. સુંદરમ્-ની મૂળ કવિતા - ગામના શેઠની સુન્દરી રે, / રૂપસુન્દરી રે, ત્યાં પોઢી અગન સાથ, / હીરની નવરંગ ચુંદડી રે, રંગ ચુંદડી રે, / ત્યાં ભંગીને આવી હાથ. / શેઠાણી પહેરે ચુંદડી રે, / રંગચુંદડી રે, જ્યારે નીકળે એના પ્રાણ, / ભંગડી પહેરે ચુંદડી રે, / રંગચુંદડી રે, જ્યારે નીકળે છૈયાની જાન. (ભંગડી, ‘કાવ્યમંગલા’, પ્રથમ આવૃત્તિ, પે.૫૧, જન્માષ્ટમી: વિક્રમ સંવત ૧૯૮૯) (કાવ્ય લખાયા તા. ૫ જૂન ૧૯૩૨) છે. સુંદરમ્ની આ કવિતાના ભાવ દલિત-પીડિત-કચડાયેલા કે ‘હાંસિયામાં ગણાયેલા’ વર્ગના જ છે. એમાં વેદના-વ્યથાકથાનું 'ડોક્યુમેન્ટેશન' થાય જ છે. રિ-કન્સ્ટ્રક્ટ (રિ-મેક) કરીને કવિએ દલિત કવિતાને ઊલટાની અ-દલિત કવિતા જ બનાવી છે.
(સ્પષ્ટતા-નોંધ : કોઈ પણ સર્જક, કોઈ પણ કૃતિનું સર્જન કરતા હોય ત્યારે, એ કોઈ વાદ કે ચેતનાને ફોલો કરીને લખતા નથી, એઓ એક વિચાર કે ભાવ-ભાવના-સંવેદનને ફોલો કરતા હોય છે. નીરવની આ કવિતા પણ સંવેદનની વાહક છે. આ કવિતા લખતી વેળા એમના મનમાં અનુઆધુનિકતાનાં લક્ષણો વાળી કવિતા લખવી છે, એવો વિચાર નહીં જ હોય… છતાં કેટલાક આસ્વાદકોને આમાં અનુઆધુનિકતાનાં અનેક લક્ષણો પ્રગટતાં જણાયાં છે.)
ડિ-કન્સ્ટ્રક્શન એ વિદેશી સાહિત્યમાંથી આવેલી સંજ્ઞા છે. પોસ્ટમોડર્ન લિટરેચરનું એક મહત્ત્વનું લક્ષણ ગણાય છે પરંતુ એ વિદેશી સાહિત્યમાં. ભારતમાં, ગુજરાતમાં રિ-મેક અને રિ-મિક્સ એ બે તત્ત્વોને પોસ્ટ-મોડર્નનાં લક્ષણો ગણવાં જોઈએ.
ડિ-કન્સ્ટ્રક્શનમાં કન્સ્ટ્રક્શન તો થાય જ છે. આકૃતિનિર્માણની આ પ્રક્રિયામાં (પ્ર)સ્થાપિત થયેલી જૂની માન્યતાઓ-ઇમ્પ્રેશનને તોડીફોડી નાખવાનો ભાવ હોય છે, બદલાવનો દૃષ્ટિકોણ હોય છે. સામા છેડાની વાત. સામા છેડાનો અર્થ એટલે વિરોધ તો ખરો; પરંતુ, નવો અર્થસંદર્ભનો દૃષ્ટિકોણ (આ અર્થસંદર્ભને પણ છેવટે છોડી જ દેવાનો હોય છે અથવા તુંડે તુંડે મતિર્ભિન્ના-ની જેમ બદલાતો રહે છે.), જે મૂળ આકૃતિ – આદર્શ સ્થિતિ પર આઘાત કરતો હોય છતાં, અને ભાષાથી વિચારોના નવા અર્થો નિષ્પન્ન થતો હોય. ટૂંકમાં, વસ્તુ-પદાર્થ એના સ્થાપિત થયેલા ભાવ-ગુણને તરછોડે, એના જડ કે રૂઢ થયેલા અર્થો બદલે ત્યારે ડિ-કન્સ્ટ્રક્શન થયું ગણાય. એક જુદા અર્થમાં, કન્ડિશનની અનકન્ડિશનલી (ઇમ્)પોસિબિલિટીને (રિ)ડેફેનેટ, (રિ)ઇન્સ્ક્રિપ્ટ અને (રિ)ઇન્ટરપ્રેટ કરવાની છે.
(ડિસ્કેલેઇમરઃ લેખક પોતે પશ્ચિમની વિચારધારાના પ્રશંસક નથી, એ માટે ભારતીય સાંસ્કૃતિક-આધ્યાત્મિક પરંપરા-પરિવેશ અને જીવન પ્રત્યેની શ્રદ્ધા-આસ્થા કારણભૂત છે. પશ્ચિમની કોઈ પણ વિચારધારાનો ભારતમાં પ્રવેશ એ ખૂબ લાંબી પ્રક્રિયા છે. ત્યાં જે ભાવ-ભાવના અનુભવાયાં કે અનુભવાય છે, તે, ભારતીય પરિપ્રેક્ષ્યમાં અહીંના નાગરિક માટે અનુભવ કે અનુભૂતિ-ક્ષમ નથી. એ ફીલિંગ નહીં જ આવે - એવું આ લેખક સ્પષ્ટ માને છે. તેથી, અનુઆધુનિકતાનાં પશ્ચિમનાં કોઈ પણ લક્ષણ અહીંના સામાજિક કે સાહિત્યિક માનદંડ ન બની શકે અથવા ઓછા બની શકે, તેમ માનવું છે. એ માટે સામાજિક માળખું ને પારસ્પરિક સંવાદિતા જવાબદાર છે.)

અજિત મકવાણા (ajitmakw@gmail.com)