દક્ષિણ ગુજરાતની આદિવાસી બોલીનો કળાત્મક વિનિયોગ-‘રાની બિલાડો’


‘રાની બિલાડો’ વાર્તાસંગ્રહના સર્જક મોના પાત્રાવાલાએ પ્રસ્તાવનામા લખ્યું છે- “ડાંગ-વાંસદાના ફાલેલાં અડાબીડ જંગલો ને એ જંગલોની કાળીભઠ્ઠ જીવતી રાતો, ચટાપટાવાળા તડકા-છાંયડાથી ભરચક દિવસો- એ બધું મનને લોભાવે એવું હતું. જંગલ મને હમેશાં રહસ્યમાય સ્વભાવનું લાગ્યું છે.”[1] મોના પાત્રાવાલા દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તાર એવા ડાંગ-વાંસદાના જંગલના પરિવેશને એ જંગલના લોકોની બોલીમાં એટલે કે ભાષામાં આલેખિત કરે છે. સ્વકીય ભાષાને આત્મસાત કરવાની પ્રક્રિયા સર્જનાત્મકતાના મૂળમા છે અને એના વિના સર્જન થઇ ન શકે એ વાત કોઈ પણ દલીલ વિના સર્વસ્વીકૃત છે. વળી આજે તો કોઈ અજાણી જગ્યાએ ભાષાને આધારે જ માણસો આપણાવાળો, ફલાણો, ઢીકણો એવા ભેદ પાડીને પોતાના સમુહમાં ગોઠવાતા હોય છે ત્યારે આ ગુજરાતી નામના ભાષા રૂપી ઓજારના કઈ કેટલાયે ચેહરા આપણી સામે આવે. શુદ્ધ ગુજરાતીને જ જાણતા કે એના માત્ર અમૂક પ્રકારને જ જાણતા લોકો માટે બોલી એ અચરજ અને એટેક બન્ને બની રહે છે. પણ એ સત્ય છે કે આ પૃથ્વી ઉપર આપણા સિવાય પણ ઘણું બધું સત્ય અને વાસ્તવિક છે, એ જાણવા સમજવામાં જ જીવન પૂરું થઇ જાય. સર્જક આ સત્ય-વાસ્તવને પોતાના સર્જન દ્વારા રજૂ કરે છે અને તેમાં ભાષા સાથે એ ખૂબ મોટો પનારો પાડતો હોય છે. એક વિસ્તારની જ માન્ય ભાષામા પણ કેટલાય પ્રકારની બોલી જીવંતતાથી રોજબરોજના જીવનવ્યવહારમાં સક્રિય રહેતી હોય ત્યારે સાચો સર્જક એના વિના તો જે તે વિસ્તારના સંવેદનજગતને કઈ રીતે રજૂ કારી શકે? આપણને ન સમજાય એ બોલીનું સાહિત્ય આપણા માટે જો અસ્પૃશ્ય બની જાય તો એ સાચા ભાવકના લક્ષણો નથી.બોલી વિશે ભાષાશાસ્ત્રીઓએ સારી એવી ચર્ચા કરેલી છે.આપણે મુખ્યત્વે માન્યભાષા એટ્લે કે standard language અને બોલી એટ્લે કે dialects એ રીતે સમજતા આવ્યા છીએ.અલગ અલગ પ્રદેશભેદે અલગ અલગ બોલી અસ્તિત્વ ધરાવતી હોય છે.અને એ બોલીનો સર્જનાત્મક સાહિત્યમાં પણ વિનિયોગ થતો હોય છે.મારે અહી વાર્તાકાર-નવલકથાકાર મોના પાત્રાવાલાની વાર્તાઓમાં પ્રયોજાયેલી દક્ષિણ ગુજરાતની આદિવાસી બોલી વિશે વાત કરવી છે.ગુજરાતી સાહિત્યમાં ગ્રામચેતનાનું એક મોટું મોજું ઊભરી આવ્યું એમાં વિવિધ સર્જકોએ કરેલા બોલીના લાક્ષણિક પ્રયોગો નોંધપાત્ર છે.આ બોલી જે તે વિસ્તારની જીવાદોરી સમાન હોય છે. આપણે ભણતા અને ભણાવતા આવ્યા છીએ કે ભાષા અને બોલી એવા ભેદ તો ભણેલા લોકોને સમજાય અને એલોકો તો એને ઉપભાષા પણ કહે પરંતુ જે તે વિસ્તારના લોકો માટે તો એ બોલી એ જ ભાષા છે પોતાના જીવનવ્યવહારનું એ સહજ અને સુગમ્ય માધ્યમ છે.ભાષાશાસ્ત્રીઓએ બોલી વિશે રજૂ કરેલા મતો ઉપર એક નજર નાંખીએ.

કે.બી વ્યાસ નોંધે છે-“બોલી એ એવા જનસમુદાયની વાણી છે,જે પરસ્પરને સહેલાઈથી અને સંપૂર્ણ રીતે સમજી શકે છે.xxxપ્રાદેશિક બોલીઓની માફક જુદી જુદી જાતિઓની પોતાની ભિન્ન ભિન્ન બોલીઓ હોય છે.”[2] જયંત કોઠારી પણ નોંધે છે-“ભાષા અને બોલી વચ્ચે તાત્વિક કે સ્વરૂપગત કશો જ ભેદ નથી.બોલી પણ ભાષાની જેમ જ અભિવ્યક્તિ-અવગમનનું માધ્યમ છે,એ રીતે કાર્ય કરે છે અને એ માટે પૂરતું કાર્યક્ષમ એવું તંત્ર ધરાવે છે.એટ્લે કે બોલીને પણ પોતાનું ‘વ્યાકરણ’ હોય છે.એ કઈ વ્યાકરણવિહીન વસ્તુ નથી.આપણાં શિષ્ટ વ્યાકરણમા આપણે એનો સમાવેશ ન કરતાં હોઈએ તેથી શું?ભાષા અને બોલી વચ્ચે ભેદ હોય તો તે માત્ર વ્યાવહારિક ભેદ છે,અથવા કહો કે વિસ્તારનો ભેદ છે.ભાષા મોટા વિસ્તારમાં કામ આપે છે,બોલી એવું જ કામ નાના વિસ્તારમાં આપે છે.”[3]

વાર્તાકાર મોના પાત્રાવાલા પાસેથી આપણને’રાની બિલાડો’ વાર્તાસંગ્રહ અને ‘ઘોર ખોદિયા’ ભાગ ૧,૨ નવલકથા મળેલ છે. ૨૦૦૨માં ‘રાની બિલાડો’ નામે પ્રગટ થયેલ વાર્તાસંગ્રહમાં ડાંગ-વાંસદાના જંગલના જનજીવનનું આલેખન છે.પરિવેશપ્રધાન તેમની વાર્તાઓમાં આદિવાસી બોલી,આદિવાસી મિશ્રિત પારસી બોલી અને આદિવાસી મિશ્રિત મુસ્લિમ બોલી એ પરિવેશનું એક મહત્વનુ ઘટકતત્વ તરીકે ઊભરી આવે છે. તત્વતઃ દેશીવાદી થીમની તેમની વાર્તાઓ દેશી લોકોના જનજીવનની રહસ્યમયતાને દેશી બોલીમાં જ પ્રકટ કરી આપે છે. આદિવાસી પાત્રોની સાથે સાથે પારસી,કોળી પટેલ ,દેસાઇ,ઘાંચી અને મુસ્લિમ જાતિના પાત્રો અહી પોતાની લાક્ષણિક બોલીમાં સંવાદો બોલે છે.વાંસદા-ડાંગના જંગલ વિસ્તારના ગામડાઓમાં બોલાતી બોલી અહી નક્કરતાથી પ્રયોજાયેલી છે. ગુજરાતી સાહિત્યમાં આ રીતે આદિવાસી બોલીનો નક્કર વિનિયોગ એ પ્રથમ ઘટના છે.તેમની વાર્તામાં બોલી સહજ રીતે વિહરે છે,વળી સ્થળની લાક્ષણિક્તા મુજબ બોલીમાં અશિષ્ટ શબ્દો અને ગાળો પણ સહ્જ્તાપૂર્વક આવતા રહે છે.વાર્તાકાર-નવલકથાકાર પોતાની નવલકથાની પ્રસ્તાવનામાં લખે છે-“બોલી/ગાળો એ જીવાતા જન્મારાનો અભિન્ન ભાગ હોવાથી એ બધુ આવવાનુ જ.કળાની પોતીકી સત્તા છે ને ક્ળાકૃતિની પોતીકી સ્વયતતા હોય છે.”[4]

અહી તેમની ‘રાની બિલાડો’ વાર્તાસંગ્રહની વાર્તાઓમાં પ્રયોજાયેલી બોલીના નમૂનારૂપ થોડાક ઉદાહરણો નોંધવાનું અભિપ્રેત છે. કુલ પંદર વાર્તાઓના આ સંગ્રહ વિશે મે એકવાર લખ્યું છે કે- “પંદર વાર્તાઓમાં ચિત્રિત થયેલા કૌટુંબિક-સામાજિક વાતાવરણ અને પાત્રોનો આંતરિક સંઘર્ષ તથા જંગલની પ્રકૃતિનું વર્ણન કાબિલેદાદ છે.આદિવાસી બોલી તથા પારસી બોલીનો કલાત્મક વિનિયોગ વાર્તાની localeને દિપાવે છે.”[5] અહી એ કલાત્મક વિનિયોગને જાણવા માટે જરૂરી એવા વાર્તાઓના આદિવાસી ,પારસી તેમજ મુસ્લીમ બોલીમા રજૂ થયેલા કેટલાક સંવાદો નીચે મુજબ છે......

(અ)આદિવાસી બોલી

“કાલે રાતનો તો બેનચોડ હેઠ મારવા આવેલો જો.સાતી પર જ ચડી બેહતે કે ની તો.xxxએય દેવલા પેલ્લા ખજુરી પર ચડ ની.હેઠ જોઈ ગીયો કે ની તો માયરા વગર મુકહે ની.xxxઉં તો ગેદલી ખાવાનો સે.હેઠ આવે તે પેલ્લા પાડી લેમ કે નીં” (વાર્તા-રાની બિલાડો)
“જાવની હેઠ એકાદ કોમડું લીયાવોની, હેકી કાઢીએ.” (વાર્તા-રાની બિલાડો)
“મરી ગ્યો, સિન્નાળ પારહો- ભોંકીયો બિલાડો- મારો કોમડો ખાઈ ગ્યો, મારો કોમડો કાપી કાયઢો” (વાર્તા-રાની બિલાડો)
“ હેઠ કફન હારૂ ફદિયાં જોતાં સે.” (વાર્તા-કાળોઘોડો)
“હોબ જોર વધી ગેલુ સે કેમ ?” (વાર્તા-કાળોઘોડો)
“કોઈ દાડો એ પારહાને હો ડાંભી દેવા ની તો કેજે” (વાર્તા-કાળોઘોડો)
“હાંભળતો ની મલે. બેરચો હારો. વાંહદે થી પેલો ભાટલો જમાદાર આવે તો કેજે કે ઉં ની મલે.....માંદો સે.... વલહાડ ગેલો સે..... એ હો હારો અંઈયા ચાઈલો આવે તે એની માયની આબદા મારું તી....” (વાર્તા-વાગળા)
“ તાં ની ફાવે... રેલના સિસોતા વાઈગ કરે ને અડ્ડાયા કરે ... તે ઉં તો તાં ની જામ....” (વાર્તા-વાગળા)
“ ભાઈ ઉં તો તને હાસ્સું કૈઉ. રમીલામાં કોઈ વાંધો ની મલે.... રાત થાતા જીરીક આંખે દેખતી ની મલે એટલું સ. એની માય હો એવી જ કેની... પણ પોયરી રૂપાળી હોબ સે. ઉં તો કેતી સું તને કે અજુ હો પન્ની જા એની હાથે.” (વાર્તા-વાગળા)
“ અરે મે હગ્ગી આંખે જોયેલું કે ઉં કામ કયરા કરટો ઓમ ને એ કીયારે પસાડી આવીને ઉભી રે ગેંલી ઓય, ખબર હો ની પરવા દેય. આ ગામવારા એને એરાન કયરા કરતા સે પણ કોઈ દાડો બાયની નજર પડહે કે ની – બધ્ધું ધુર ને ઢેફાં. અમણાં તો દિયા દાનમાં જવા દેતી સે , કોઈ દાડો પરચો બતાવહે કે ની-“(વાર્તા-વાગળા)
“ હત્તર વાર પોતે તો તાં જીયા કરે ને પૈહા ભરવાના ઓય તારે મને ધકેલે.” (વાર્તા-નોળવેલ)
“નાલ્લા હેઠ પાસળ બંદુક લેયને હુંકામ દોડતો ગેલો? પસી સિપાઈ પકડી ની જાય તો કોણ લેય જાય? હરમ લાગે કે ની! એ આપરો હેઠ સે....” (વાર્તા-સીમાડિયો)

(બ) આદિવાસી મિશ્રિત પારસી બોલી :

“ ના...ર....ન.....કાં મરી ગીયો..... જલ્દી આવ......અંઇયા આવ....જોટો, આંય સું ઠીયું....ઓ ખોડાયજી...આંય સું ઠીયું”xxx મેટ્રીકમાં ફેલ ઠેયલો ટારે તમે જ ગાન પર લાટ મારી ખદેરી મુકેલો ને? ટો જાવ અવેઠી ઉં અંઇયા જ રેવસ . નીકલી જાવ બઢઢા...” (વાર્તા-રાની બિલાડો)
“ ફડીયાં –ફડીયાં સું કરેચ? કોઈ દિવસ જોયાંચ કે ની ? લે આંય ફડીયાં ....” (વાર્તા-રાની બિલાડો)
“ કાંય નારન? ભૂખ બવ લાગીચને આંય કોણ જાણે કાં બાન્ના બંઢ કરી ચાલી ગઈચ.” (વાર્તા-રાની બિલાડો)
“સાલો જંગલી ડુક્કર વે કામ આવે એમ લાગટું નંઈ, નવો ઘોરો શોધવો પડસે...” (વાર્તા-કાળોઘોડો)
“ ટે સું મે ટમારાં બડઢાની ગધેરી બાંધીચ ? ચાલટો ઠા સુવ્વર , કંઈનો , જઈને ખારો ખોડીને દાટી આવ, ખારામાં દતાવાનું એમાં વરી કપરાં સાનાં જોઈએ ? જાને કોઈ મોટ્ટો પાદસા ગુજરી ગિયો ઓય એમ ટો બકેચ” (વાર્તા-કાળોઘોડો)
“કેમ સુવ્વર અમનાંથી ઢીંચવા બેસી ગેલો કે ? કયો ટારોબાપ ઘોરાને ડાનાં-પાની નાખસે ?ચલ જા અંડર ....ઘોરાને ચારો નાખી આવ ને કૂવેથી પાની ભરીને પીવાર...” (વાર્તા-કાળોઘોડો)
“મુઓ કેદાર થી પાછલ પરી ગ્યોચ” (વાર્તા-ઘણ)
“ મારી ડીકરી જરાક કારી છે એટલું જ, બાકી ટો અડ્ડલ પારસન જોઈ લેવની” (વાર્તા-ઘણ)
“અમારી વચમાં આવસે ટો જાનઠી મારી નાખસ સાલી બુઢઢી ડાકન.....” (વાર્તા-નાળ)
“થોરોક વખત સું આમટેમ ગીયો કે ઘેરનું ટો નખ્ખોડ જ કારી નાખીયું. પેલો રવલો બી કોન જાને કાં ઢોર જેવો ભતકતો ઓસે.” (વાર્તા-નોળવેલ)
“પન ડાચામાંઠી ફાટ ની ..કે સું કેટી ઉટી? અધ્ધરટાલ વાત સું કરેચ?” (વાર્તા-વલોપાત)
“અરેરે પોરિયા, પીલાંમાયને જટે જનમારે દોઝખમાં કાંય નાખેચ?”(વાર્તા-વલોપાત)

(ક) આદિવાસી મિશ્રિત મુસ્લીમ બોલી

“શેઠ સોદા કરને જૈસા હૈ. તમે પેલ્લા હા પાડો તો કામ આગે ચલે”xxx ભરુચ ઓય કી ભરુચ કા બાપ. ભૂલ જાઉં – પણ મેરે કલેજેમેંસી વો નદી નઈ જાતી બસ એતા જીવ રેગ્યા ઈસમેં.” (વાર્તા-સીમાડિયો)
“અલ્લા કે વાસ્તે તમે આ કાફર લો‍ગુકો જરાક સમજાવ ....ઇનુકો કવ કી ઘોડે કે મોઢેમેં આથ ઘલાય નંઈ. ચોકઠાચ ચલે.ઈ બી પિતલકા.બાકી આયચ બટકા નાખે... અલ્લાહકા વાસ્તા દેતા તમુકુ...” (વાર્તા-સીમાડિયો)
“વીલ્લાહોલ્લ વીલ્લા કુવ્વત.આ...આ... કાંસી નિકલ પડી હવારકી પોરમાં ચ. આજ દાડા ચોક્કસ જન્નમમેં ગ્યા.અલ્લા રેમ કરે.”xxx “આઈએ આઈએ તમારી ચ વાર દેખતે છે.વાર દેખને થક ગ્યે...મેરે તો ડોલે બી થક ગ્યે .” (વાર્તા-સીમાડિયો)
“ ઉં આ જંગલમેં ભટકતા ફીરતું તોય સૈયદ કાં દીકરા. ઉં ભલે નિકમ્મા ઓ ગ્યા પણ મેરા લોઈ અજીપન સાબૂત હૈ.મેરે વાલીદ પાકસાફ ને પંચગાના નમાજી.વજીફેવાલે અલ્લાકે બંદે સમજી તમે? મેરી સેઠાણીપે જો ભી નજર નાખે ઇસકે ડોલે ખેંચ લું.... ઈમાનસી કેતા....” (વાર્તા-સીમાડિયો)
“દેખો તો ખરી....એક આ વાડી-વજીફા લેકુ બેઠી એને બડી સેઠાણીકા મિજાજ ને રુબાપ. ને આ દેખો જોમત સાલી ગાલીયાં વગર તો વાતા ચ હોતી નંઈ ઇસ્સી. તૌબા....તૌબા....” (વાર્તા-સીમાડિયો)
“ઈ સાલીને બદલામ કર લાખા મીજે. કાંસી દેખ જાતી માદરબખત કી....” (વાર્તા-સીમાડિયો)
“ મેરા દારુ ઉતાર નાખા તમુને. ખટારી વીયાતી બી નઈ તી બચ્ચા ઉં રખ લઉં ને ડોહી તમુકો દે દઉં. અવે ઇત્તી ઉમરમેં બાવાજી તમે બો વલોપાત કરો મા ” (વાર્તા-વલોપાત)

ઉપરોક્ત સંવાદોમાંથી એ ખ્યાલ આવે છે કે દક્ષિણ ગુજરાતની સુરતી બોલી કેટલાક ફેરફાર સાથે કેવી બદલાય જાય છે. જે કુદરતી સૌંદર્યથી ભરેલા રાનીપરજ વિસ્તારની આ વાર્તાઓ છે તે વાંસદા-આહવા-ડાંગના આદિવાસી-પારસી અને મુસ્લીમ પાત્રો આ બોલીથી જ જીવંત થઇ ઉઠ્યા હોવાનું ભાવક અનુભવી શકશે. જે તે પાત્રની પોતાની બોલીમા જ આખી વાત રજૂ થાય છે , જે સ્તરનું પાત્ર એ જ સ્તરની ભાષા એ સિદ્ધાંત મુજબ અહી જોઈ શકાય છે કે મોના પાત્રાવાલાએ પ્રયોજેલ બોલીનું પોતાનું એક એસ્થેટીક છે. વળી તેમની વાર્તાની શૈલીમા પણ પોતીકી નવીનતા દેખાય જેના મૂળમાં પણ બોલી મહત્વનો ભાગ ભજવે છે, કારણ કે આખરે તો બોલી અને શૈલી એકમેકને ઉપકારક બનતાં હોય છે. આ બોલી વાર્તાના થીમ અને પ્લોટને અસરકારકતા બક્ષતી હોવાથી અહીં બોલી એ જ તો સર્જનાત્મકતાનો ઉન્મેષ બનીને ઊભરી આવે છે. વળી આ દેશીવાદી કથાસર્જકનો દેશી બોલીનો ડૉઝ કેટલાક લોકોને દુર્બોધ અને સંક્રમણના પ્રશ્નો ઊભો કરનારો ભલે લાગે, પણ આ ખોટી અને લૂલીદલીલથી વિશેષ કશું નથી. ગુજરાતની જ એક મહત્વની બોલી કે જે રોજીંદા જીવનની જીવાદોરી છે તેને સાહિત્યમાં કળાકીયતાપૂર્વક લાવવું એ જ મોટો પડકાર છે. જો સર્જકે આ મહત્વનું કામ કરી નાખ્યું હોય તો પછી ભાવકે તો એ બોલીને જાણવી-સમજવી જ રહી કારણ કે પાત્રના સ્તર અને સ્થળ મુજબ જ ભાષા-બોલી રજૂ થાય, અને આખરે તો ભાવયિત્રી પ્રતિભા પણ કંઈ સરળ વાત નથી. સરળ રીતે સમજાય એ જ મહત્વનું સાહિત્ય અને સરળતાથી ન સમજાય એવું બોલીપ્રધાન સાહિત્ય મહત્વનું નહીં એ ધારણા જ ખોટી છે. કળા તો પોતે કળા જ છે અને મોના પાત્રાવાલા કહે છે તેમ તેની પોતાની સ્વાયતતા છે. દક્ષિણ ગુજરાતના છેવાડા અને આમ તો ગુજરાતના છેવાડાના જંગલ વિસ્તારનું કથાસાહિત્ય સર્જીને, જીવંત વર્ણન કરીને એમાં આદિવાસી બોલીનો કલાત્મક વિનીયોગ કરીને આ સર્જક ખરા દેશીવાદી સર્જક સાબિત થાય છે.

(KCG-અમદાવાદ ખાતે ૧૬મા ‘રિસર્ચ વર્કશોપ ઓન ક્રિએટીવ રાઈટિંગ’ દરમિયાન રજૂ કરેલ સંશોધન લેખ કેટલાક સુધારા સાથે)

સંદર્ભગ્રંથ :

  1. ૧-રાની બિલાડો,મોના પાત્રાવાલા,પ્રકાશક-આર.આર શેઠની કંપની-અમદાવાદ,પ્ર.આ.-૨૦૦૨, પ્રસ્તાવનામાંથી
  2. ૨-ગુજરાતી ભાષાનો ઉદગમ,વિકાસ અને સ્વરૂપ,સ્વ.કાંતિલાલ બળદેવરામ વ્યાસ,પ્રકાશક-યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ-અમદાવાદ,બીજી આવૃત્તિ-૧૯૯૭,પૃ.૨૫
  3. ૩-ભાષાપરિચય અને ગુજરાતી ભાષાનું સ્વરૂપ,જયંત કોઠારી, પ્રકાશક-યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ-અમદાવાદ,છઠ્ઠી આવૃત્તિ-૧૯૯૯,પૃ.૨૯-૩૦
  4. ૪-ઘોર ખોદિયા,ભાગ-૧,મોના પાત્રાવાલા,પાર્શ્વ પબ્લિકેશન-અમદાવાદ,પ્ર.આ.-૨૦૦૯,નિવેદનમાથી
  5. ૫-શબ્દસર,ડિસેમ્બર-૨૦૧૧,તંત્રી-કિશોરસિંહ સોલંકી, ‘સમકાલીન મહિલા લેખિકા:મોના પાત્રાવાલા’ નામક લેખ,પૃ.૦૫
  6. -લેખમાં રજૂ કરેલ બોલીના તમામ ઉદાહરણો ‘રાનીબિલાડો’ વાર્તાસંગ્રહમાંથી (જુઓ સંદર્ભ ૧)

ડૉ. મનોજ માહ્યાવંશી, આસીસ્ટન્ટ પ્રોફેસર, ગુજરાતી વિભાગ, ડૉ.એપીજે અબ્દુલ કલામ ગવર્મેન્ટ કૉલેજ, સિલવાસા. ૯૮૯૮૬૮૪૬૦૧ mahyavanshimanoj@yahoo.co.in