જોસેફ મેકવાન કૃત ' આંગળિયાત'માં વંચિત-ઉપેક્ષિત સમાજની વ્યથા....


ગુજરાતી નવલકથાનાં ઇતિહાસમાં 'આંગળિયાત' નવલકથાથી જોસેફ મેકવાન સૌ પ્રથમ દલિત અને ઉપેક્ષિત સમાજની વ્યથાને લઈને આવે છે. ઈ.સ.૧૯૮૬માં પ્રગટ 'આંગળિયાત' નવલકથા ગુજરાતી નવલકથાનું રળિયાત પ્રકરણ બની રહી છે. પ્રાદેશિક અને રાષ્ટ્રીય સ્તરે ગુજરાતી નવલકથાનું નામ ઉજ્જવળ બનાવનાર આ કૃતિમાં તેની કલાત્મકતા સ્વયંસિદ્ધ બની છે. પ્રસ્તુત શોધપત્રમાં 'આંગળિયાત' નવલકથામાં વ્યક્ત દલિત અને ઉપેક્ષિત સમાજની સંવેદના વિશે વિચાર-વિમર્શ કરવાનો ઉપક્રમ છે.

સ્વતંત્રતા પછી ગુજરાતી સાહિત્યમાં 'આધુનિકતા' નામે નવું વલણ જન્મ્યું અને ખૂબ ઝડપથી પ્રભાવી બન્યું. કવિતા, વાર્તા, નાટક, નવલકથા જેવાં પ્રમુખ સ્વરૂપોમાં ગુજરાતી સર્જકોએ આધુનિક અભિગમ સાથે ખેડાણ કર્યું, જેના પરિપાકરૂપે ગુજરાતી સાહિત્યમાં કેટલીક મહત્વપૂર્ણ 'આધુનિક' કૃતિઓ ઉપલબ્ધ બની, પરંતુ ઈ.સ.૧૯૭૫-૮૦નાં સમયગાળાથી ગુજરાતી સાહિત્યનુ વળું બદલાવા લાગ્યું. અને 'આધુનિકતા'નો મોહ છોડીને ગુજરાતી સર્જકો પુનઃ પરમ્પરા અને પ્રયોગશીલ અભિગમ સાથે સાહિત્ય સર્જન પ્રતિ અભિમુખ બને છે. આ ગાળામાં જ ગુજરાતી સાહિત્યનાં અન્ય સ્વરૂપોની જેમ નવલકથા સ્વરૂપમાં પણ ગ્રામજીવન અને દલિત સમાજને કેન્દ્રમાં રાખતી કૃતિઓનું સર્જન થવા લાગે છે. 'આંગળિયાત' એ અભિગમ સાથે પ્રગટ થયેલી ગુજરાતી ભાષાની મહત્વપૂર્ણ નવલકથા છે.

'આંગળિયાત' નવલકથામાં ચરોત્તર પ્રદેશમાં વસતા દલિત વણકર સમાજનું વાસ્તવલક્ષી આલેખન કરવામાં આવ્યું છે. સર્જક પોતે દલિત સમાજનાં પ્રતિનિધિ હોઈ, તેમની કૃતિમાં અનુભવજન્ય સત્ય અને કલાગત સૌંદર્ય પ્રગટ્યું છે. દલિત સમાજની રહેણી-કહેણી, રીત-રિવાજ, બોલી, સંસ્કૃતિ, સમસ્યાઓ, સંવેદનાઓ વગેરેનું આ કૃતિમાં થયેલું આલેખન જોસેફ મેકવાનને ગુજરાતી ભાષાનાં સમર્થ નવલકથાકાર પૂરવાર કરે છે. આ નવલકથાનું કથાનક જેટલું રસપ્રદ છે, એટલું જ સુંદર ચરિત્ર-ચિત્રણ અને સર્જકની ભાષાશૈલી છે. હરીન્દ્ર દવે 'આંગળિયાત' નવલકથા અંગે કહે છે.."આ નવલકથા આપણી વણ ખેડાયેલી ભોમને ફલક બનાવે છે, એ માટે જ નહી, એમાં સર્જકતા છલકી રહી છે એ માટે મને ગમે છે." તો સ્વયં લેખકે 'આંગળિયાત'ને "મારી ધરતીની મહેક" તરીકે ઓળખાવી છે.

''૧૯૩૫થી માંડી ૧૯૬૦ સુધીના અઢી દાયકાની આ કથામાં સામાજિક અન્યાય અને ઉવેખાયેલી એક જાતિ પ્રત્યેનાં સંપન્ન સવર્ણોના હાડોહાડ દ્વેષનો પણ ચિતાર છે'' આ નવલકથા ચરોત્તર પ્રદેશનાં ખેડા જિલ્લાના શીલાપર, રત્નાપર અને કેડરિયા જેવાં ગામડામાં વસતા પટેલ, ઠાકોર જ્ઞાતિ દ્વારા વર્ષોથી તિરસ્કૃત એવાં વણકર સમાજનાં જીવનનાં સંઘર્ષોનું આલેખન છે. વણકર સમાજની મૂંઝવણ, ગરીબાઈ, વ્યથા, સંવેદના, સામાજિક, આર્થિક અને પારિવારીક સમસ્યાઓ તેમજ સવર્ણ જાતિનાં લોકો સાથેનાં તેમનાં સંબંધો અને સંઘર્ષોનું વાસ્તવિક નિરૂપણ થયું છે. 'આંગળિયાત' નવલકથા સવર્ણ અને વણકર જાતિ વચ્ચે થતાં સંઘર્ષની કથા તો છે જ પરંતુ તેની સાથે-સાથે વણકર સમાજનાં પ્રતિનિધિ ટીહો અને મેઠીની પ્રણયની કથા પણ બની રહે છે.

હાથસાળ પર કાપડ વણવાનો ધંધો કરતો ટીહો વણાટકામ કરતાં-કરતાં તેને વેચવા માટે આજુબાજુનાં ગામડાઓમાં તેના જાતિબંધુ વાલજી સાથે ફેરી કરવા જાય છે. એક દિવસ શીલાપર ગામમાં ટીહો અને વાલજી કાપડની હરાજી કરતાં હતાં ત્યારે તે ગામનાં મેઘજી પટેલનો દીકરો વણકર જ્ઞાતિની કુંવારી કન્યાનું માંટલું ફોડી નાખે છે. આથી ટીહો પટેલો સાથે ઝઘડો વ્હોરી બેઠે છે. આ ઘટનાથી જ નવલકથામાં પટેલ અને વણકર સમાજ વચ્ચેનાં સંઘર્ષનો આરંભ થાય છે. આ સંઘર્ષમાં બહાદુર અને સ્વાભિમાની ટીહાનાં દર્શન થાય છે. પરંતુ આ ઝઘડામાં ટીહાનું માથું ફૂટે છે. જેનાં ઉગ્ર પ્રત્યાઘાત પડે છે. લોહી-લુહાણ હાલતમાં ટીહો વણકરવાસમાં આવે છે. પરંતુ પોતાની જાતિની કન્યા મીઠીની લાજ-મર્યાદા સાચવવા પોતાની જાનનું જોખમ ખેડે છે. ત્યારે વણકર જ્ઞાતિનાં લોકો તેની ખબર-અંતર પૂછવાને બદલે બધા જ સ્ત્રી-પુરુષો પોતાનાં ઘરમાં ભરાઈ જાય છે. વણકર સમાજનાં લોકો એટલાં તો ગભરુ અને ગરીબડાં છે કે સવર્ણો દ્વારા તેમની બહેન-દીકરીની ભરબજારે મશ્કરી કરે કે લાજ લૂંટે તો પણ તેની સામે પોતાનો અવાજ ઊંચો કરી શકતા નથી. જો ટીહા જેવાં બહાદુર હિંમત કરે, પોતાના જીવનો વિચાર કર્યા વિના તેમની રક્ષા કરે તોય તેને પોતાના વાસમાં આસરો આપવાનું તો ઠીક છે, પણ 'ટીહાભાઈ! તમે અમારી લાજ રાખી!' એટલો હરખ પણ વ્યક્ત કરવાની હિંમત કરતાં નથી. આમ તો ગામમાં વણકર જ્ઞાતિનાં ઘરો કરતાં પટેલોનાં ઘરોની સંખ્યા અડધી છે. છતાં પણ તેમનો વિરોધ કરતાં ગભરાય છે. કારણ કે પટેલો પૈસે ટકે સમૃદ્ધ હોવાથી તેમની પહોંચ લાંબી છે અને પોલીસ પણ તેમનાં હાથમાં હતી. માત્ર ઠાકોરની વસ્તી વધારે હોવાથી પટેલો તેનાંથી દબાતા, છતાં પૈસાની બાબતે ઠાકોરોય એમનાં આશ્રિત બની બેઠા હતા. ટીહાને વાસમાં આસરો આપે તો પટેલો વાસમાં આવી અત્યાચાર કરશે તેવો ભય એમને હતો. ' જંગલમાં રે'વુને સિંહની દુશ્મનાવટ કરવી'. આવી મૂર્ખામી ભરી તેમની વ્યવહાર રીત હતી. આથી જે પોતાનાં જાતભાઈ એવાં ટીહા પર આવા વ્યવહાર-વર્તન બદલ ફિટકાર વરસાવે છે. તો બીજી બાજુ પરગામનો 'વહવાયો' ગામમાં આવી પટેલ સાથે આવો વ્યવહાર કરે? તેથી ગામમાં ઠાકોરની વસ્તી વધારે હોવાથી મૂખી ધૂળસંગ ઠાકોર ગામનાં ચોરે બધાને ભેગા કરી વાલજી અને ટીહાને પણ ચોરે બોલાવે છે. મૂખી ટીહાને તેના વ્યવહાર-વર્તન બદલ ૧૫૦ રૂપિયાનો દંડ અને શીલાપર ગામમાં આવવા પર પ્રતિબંધ મૂકે છે. જો કે ટીહાનું આ પરાક્રમ શીલાપરનાં હીરા ખીમજીની દીકરી મેઠીનાં મનમાં વસી જાય છે, તે વાલજી અને ટીહાને પોતાનાં ઘરે લઇ જાય છે. ત્યાં ટીહાની સેવા કરે છે. નવલકથામાં ચાલતાં વર્ગસંઘર્ષની સાથે પ્રણય સંઘર્ષની શરૂઆત થાય છે. મેઠી અને ટીહાનાં પ્રણય સંબંધની વાત જાણ્યાથી મેઘજી પટેલ અને તેનાં માણસો મેઠીને તેનાં બાળપરણેતર ચૂંથિયા પાસે મોકલવાનું ષડ્યંત્ર ઘડે છે. આ કથામાં કરુણતા ત્યારે આવે છે કે આ ષડ્યંત્રમાં મેઠીની નાતનો ખુશલો ખાંટ પણ ભાગીદાર બને છે. અત્યાર સુધી એક સમાજનો બીજા સમાજ પ્રત્યેનો બાહ્ય સંઘર્ષ આ ખુશલા ખાંટનાં પાત્ર દ્વારા સમાજનાં આંતરીક સંઘર્ષને પણ લેખકે વણી લીધો છે. આથી વણકરોની દુર્દશામાં જેટલો સવર્ણો જવાબદાર છે, એટલા વણકરો પણ છે. અહીં લેખકે પોતાના સમાજની વાત નિર્ભયતાથી કરી છે. તો બીજી એક વાત લેખક દર્શાવે છે કે, વણકરોનાં વ્યવહારમાં પટેલનો હસ્તક્ષેપ, જેનું પ્રમાણ આપણને જુગારી, દારૂડિયો અને હરામહાડકાનો બનેલ ચૂંથિયાનાં વિધાનમાં જોવા મળે છે. " શીલાપરમાં વહવાયાએ એમની છોકરીઓનાં વે'વાર તમન પટલાં ન હોપ્યાં છે?" આમ, વણકરોનાં વ્યવહારમાં પટેલોની દખલગીરી અને એનાં સારા-નરસા પરિણામોનું ઝીણવટ પૂર્વકનું નિરૂપણ થયું છે.

મેઠી સાથે પ્રણય સંબંધ બાંધવાથી ભવિષ્યમાં આવનારી મુશ્કેલીઓને જાણતો હોવા છતાં મેઠીનાં કહેવાથી ટીહો પોતાના મિત્ર વાલજી અને ધનજીની મદદથી પૂનમનાં દિવસે ગોલાની ગાડીમાં તેનું અપહરણ કરવાનું નક્કી કરે છે. પણ ગાડી વાળો ગોલો મેઘજી પટેલ અને રણછોડ ડેલાવાળાનાં કાવતરામાં ભળેલો છે.ગોલાવાળાના કપટના કારણે કેડરિયાના રસ્તે મોટર પાછળ દોડતો અને મોટરમાં ચઢી જઈ સામનો કરતાં વાલજીનાં માથે ઝાડની મોટી ડાળ વાગતાં તે મૃત્યુ પામે છે. આ યોજનામાં સામેલ બધાને સજા થાય છે. આ ઘટનાથી નવલકથાની કથામાં વળાંક આવશે પણ એવું બનતું નથી. વાલજીનાં મૃત્યુથી કંકુ વિધવા બને છે, ભવાન ભગતનાં કહેવાથી ટીહો દાનાને ભાભી કંકુ સાથે દિયરવટું કરવા સમજાવે છે. પોતાની ભાભીને અત્યંત ચાહતો દાનો આ વાતથી ટીહા પર ગુસ્સે થઇ જાય છે. તે જ વખતે કંકુ આવી કહે છે કે.."આટલું કે'તા એમના કાળજે શાં-શાં વીતક વીત્યા હશે એ તમે ના જાણ્યાં દાન, એટલે જ એમન પડ્યાનું પાપ વો'રી બેઠા. તમારા ભઈની આબરૂ અકબંધ રાખવી હોય તો મારો મનખો શણગારો, એ વના તમારો, મારો કે ટીહાભઈનો છૂટકો જ નથી." અહીં કંકુ એક સમજદાર નારી તરીકે ઉપચી આવે છે. તો બીજી બાજુ ટીહાને અનહ્દ પ્રેમ કરતી મેઠીને પણ ન ગમતું હોવા છતાં ચૂંથિયાની સાથે જીવન ગાળે છે. તેને સુધારે પણ છે. બાળકને જન્મ આપે છે. મેઠી દાયણ તરીકે કામ કરી મેઠીને ચૂંથિયા સાથે મોકલવાનાં ષડયંત્રનાં ભાગીદાર ખુશલા ખાંટનો પ્રેમ પણ મેળવે છે. પતિ ચૂંથિયો પાછો ખોટા રસ્તે વળતાં મેઠી આત્મહત્યા કરવા કુવા પાસે જાય છે. ને એ જ ક્ષણે ટીહાના ત્યાં આવી જવાથી તે બચી જાય છે! ટીહો તેને રત્નાપર લઇ જાય છે. કંકુ અને મેઠી મળીને ટીહાને વાલી સાથે પરણાવે છે. વાલી અને મેઠી વચ્ચે સંઘર્ષો થાય છે.કથાનો આ ઉત્તરાર્ધ વાલજીનાં મૃત્યુ પછી ન પરણવું-પરણાવવાની ખેંચતાણ નવલકથાનો મોટો ભાગ રોકી લે છે. કથાનાં અંતે સ્વરાજ મળતાં ડેલાવાળાને મિનિસ્ટરનું પદ મળે છે. ડેલાવાળાનો ભત્રીજો મોહન સરપંચ બને છે. આ જ સમયમાં ટીહો ગજિયા લઈને ગામમાં હરાજી કરવા જાય છે. પહેલા મોહને બે 'મોદયો' મંગાવેલી પણ ટીહાએ ઘસીને ના પાડેલી, આથી વરસોથી મનમાં પડેલી વેરની ભાવનાથી ગામનાં ચોરે હરાજી કરવા બેઠેલા ટીહાને હરાજી શરૂ થતાં વેંત મુખીએ તેને તુકાર્યો, પોતાનું અહં ઘવાતા સરપંચ તેની સાથે ઝઘડો કરે છે. ટીહો ઘવાય છે ને બેભાન થઇ જાય છે. સરપંચની પહોંચને કારણે કોઈપણ ડોક્ટર ટીહાની સારવાર માટે તૈયાર નથી, પોલીસ ફરિયાદ નોંધતી નથી! સમયસર સારવાર ન મળવાથી ટીહાનું મૃત્યુ થાય છે. ટીહાના મૃત્યુનાં બીજા જ દિવસથી મેઠી અન્ન-પાણીનો ત્યાગ કરે છે. ટીહાનાં મૃત્યુનાં અઢારમાં દિવસે મેઠીનું મૃત્યુ થાય છે, ને તેની અંતિમ ઈચ્છા મુજબ ટીહાની બાજુમાં જ મેઠીની ઘોર કરવામાં આવે છે. ટીહા-મેઠીના મૃત્યુ પછી કથાનાં અંત ભાગમાં ટીહાનાં બે દિકરા અને 'આંગળિયાત' ગોકળ સામાજિક કનડગત સહન ન થતાં ગામ છોડી શહેરમાં સ્થિર થાય છે. ત્યાં રોજીરોટી કમાય છે ને વર્ષો પછી ટીહાનો પુત્ર ગોકળ ગામમાં બનતી નિશાળમાં પિતાના નામે દસ હજાર રૂપિયાનું દાન આપે છે, ને કથાનો અંત સુખદમાં પરિણમે છે.

દલિતોની ઉપેક્ષિત સ્થિતિ લેખકે પ્રતીકાત્મક રીતે આલેખી છે. સર્જકે અનુભવેલી પોતીકી પીડાને અહીં આલેખવાનો પ્રયાસ છે. ડૉ.મોહન પરમાર નોંધે છે કે "જે સમાજમાં જન્મીને એમને અસહ્ય અપમાનો સહન કરવા પડ્યાં તે સમાજનું દસ્તાવેજી ચિત્રણ આ કૃતિમાં જે રીતે ઉપસ્યું છે તે જોતા એટલું તો ચોક્કસ કહી શકાય કે ભલે આ કૃતિ કલાનાં માપદંડોમાં ઊંણી ઉતરતી હોય પણ પોતાની ભીતરમાં સળવળતી વેદનાનું વિશ્વ ઉપસાવવામાં લેખક સફળ રહ્યા છે.

સંદર્ભ :-

  1. 1. 'આંગળિયાત' - જોસેફ મેકવાન (૨૦૧૦ની સંવર્ધિત આવૃત્તિ)

ઉમેશ એચ. બગડિયા, પીએચ.ડી. શોધછાત્ર, ગુજરાતી ભાષા-સાહિત્ય ભવન,મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સીટી, ભાવનગર.મો. : ૯૦૩૩૫૮૩૯૯૪ ઈ-મેઈલ.: umesh.bagadiya@yahoo.com