અને, ગુજરાતી સાહિત્ય - અનુઆધુનિકતા વિશે... 2


સાંપ્રત સાહત્યિક ભાષા : પરંપરિત કે સાંપ્રત? : વિચારણીય મુદ્દા : 1

Block 3

મૂર્ધન્ય સાહિત્યકારોનો યુગ હવે પૂરો થયો છે, દંત્યનો શરૂ. સાહિત્યજગત માટે યુગ સંજ્ઞા નામમાત્રની રહી ગઈ છે. એની માટેનાં ચોક્કસ કારણો પણ છે. અગાઉ યુગપ્રભાવક પરિબળો ઘણાં હતાં; જોકે ગુજરાતી સાહિત્યવિશ્વમાં સમયવર્તી સંજ્ઞા દ્વારા સાહિત્યિક સમયગાળાની ઓળખ સ્થાપિત થતી રહી છે. આવી ઓળખ મોટા ભાગે કોઈ એક યુગપ્રવર્તક સાહિત્યકારના નામે વધુ અપાઈ છે, નર્મદયુગ, ગોવર્ધનયુગ, ગાંધીયુગ. કેટલાક સમય પૂરતું અમુકતમુક પ્રકારનાં રચનાકૌશલોનું પ્રાધાન્ય રહ્યાથી પણ આવાં યુગનામ અસ્તિત્વમાં આવ્યાં, તો ‘અનુ’-ના અભિધાર્થમાં અનુ-ગાંધીયુગ, અનુ-આધુનિક એવી સંજ્ઞા પણ પ્રયોજાઈ. આ સંજ્ઞામાં અનુ-આધુનિક સંજ્ઞા કરતાં આધુનિકોત્તર સંજ્ઞા વધુ ઉચિત લાગી છે.

આ ગાળામાં લખાયેલી સાહિત્યકૃતિઓમાં આધુનિકથી જુદાં જે લક્ષણો જોવા મળ્યાં તે આંગળીના વેઢે ગણી શકાય તેટલાં જ છે. વળી, એવું ય નથી કે તેવાં લક્ષણો આજ અગાઉ નહોતાં પ્રયોજાયાં. નારીવાદી, દલિતવાદી, ગ્રામીણ ને ડાયસ્પોરા જેવાં વિશેષણો લાગેલી અનેક કૃતિઓ આજે ‘અનુ-આધુનિક’ના નામે ‘પ્રભુ’ત્વ ધરાવે છે. અભિવ્યક્તિરીતિના નામે, લોકબોલીના પ્રયોગોના નામે, હાંસિયાના લોકનું કેન્દ્રવર્તી સ્થાનના નામે આ આખી પ્રવૃત્તિ ચાલી રહી છે, ત્યારે, ‘અનુ’ કહીને આધુનિકને જોડીને ઓળખાવાતા આ સમયગાળાના સાહિત્યમાં વિશિષ્ટ કહી શકાય તેવું એવું કયું તત્ત્વ કે સત્ત્વ છે, જે અગાઉ નહોતું? એક જિજ્ઞાસુ વાચકરૂપે ગાંધીયુગનું અલ્પાતિઅલ્પ સાહિત્ય આ નિમિત્તે વંચાયું તો એમાં, જાજરૂની માખી છે, એમાં ખેમી છે, નાગરિકા ને ખોલકી, કાળુ-રાજુએ ભોગવેલો છપ્પનિયો છે, બામણા ગામની ‘ભીલડી*’ ને રુડકી યે છે --- દરિયાખેડુની ને ચોર-લૂંટારુની કથાઓ ય છે જ વળી, નારીવાદ કહો કે દલિતવાદ, ગાંધીયુગમાં એનું સ-બળ, સ-લક્ષણ આલેખન થયું જ છે. હા, કલાનાં ને ભાષાનાં આજનાં ધોરણો એને લાગુ પડે છે ત્યારે એ નબળું લાગે તો નવાઈ ન પમાય. પણ એની સામેય દલીલ તો છે જ; જે તે સમયના સાહિત્યને જે તે સમયના સામાજિક-સાંસ્કૃતિક માહૌલ સંદર્ભે જ મૂલવવું જોઈએ. એવું આજના સાહિત્ય સંદર્ભે કહી શકાય એવું નથી.

‘અનુ-આધુનિક’ સંજ્ઞા નીચે રચાતી આજની સાહિત્યકૃતિઓમાં દેખાતાં લક્ષણોનો ગાંધીયુગની કૃતિઓમાં દેખાયેલાં લક્ષણો સાથે તુલનાત્મક અભ્યાસ કરતાં આ વાત સ્વયં-સ્પષ્ટ અને સિદ્ધ પણ થશે. અને છતાં,‘અનુ-આધુનિક’ ગણાતા સમયગાળાની કૃતિઓમાં દેખાતાં લક્ષણોમાં પહેલું લક્ષણ રજૂઆતરીતિ, બીજું ભાષાકૌશલ, ત્રીજું હાંસિયામાં હતું તે કેન્દ્રમાં આવ્યું અથવા મુખ્ય ધારામાં સ્વીકૃત બન્યું – આટલાં પ્રમુખ છે.

પરિષ્કૃત નામે વહેતી થયેલી વિભાવનામાં પણ ‘આધુનિકતાના વિરોધમાં લખાતું સાહિત્ય’ એવું કોઈ લક્ષણ હતું – છે નહીં. (સાહિત્ય હમેશાં એનાં સમયપરક, વધુ તો સમાજપરક લક્ષણો જ છતાં કરે છે.). - આધુનિકો કલ્પન-પ્રતીકનો ઉપયોગ કરતા અને અમે નહીં કરીએ – એવું પરિષ્કૃત વાર્તાલેખકોનું માનવું નથી. ને પ્રતિબદ્ધ સાહિત્ય એમ તો કઈ રીતે કહીશું? પ્રતિબદ્ધની વ્યાખ્યામાં બેસે એવું શું અને ક્યાં લખાયું? કથનપદ્ધતિ પણ, પરાપૂર્વથી, માત્ર ત્રણ જ છે, ને બીજા પુરુષની કથનપદ્ધતિ-વાળી સાહિત્યકૃતિ આ લખનારે વાંચી શું, જોઈ યે નથી. એટલે, સુધારક-યુગથી શરૂ કરીને આ ક્ષણ સુધીનાં સાહિત્યસ્વરૂપોમાં માત્ર બે જ કથનપદ્ધતિ પ્રયોજાઈ છે, એ નિર્વિવાદ હકીકત છે. તો, શું નવલ-નવલિકા, નાટક-એકાંકી, કે ગીત-ગઝલ-અછાંદસ (જે ભાગ્યે જ અછાંદસ હોય છે.) -ગદ્ય કવિતા - બધાં સ્વરૂપો પ્રારંભથી આજ સુધી અકબંધ છે - આદિ-મધ્ય-અંત અને અંતે ચોટ. ફ્લેશબેક કે ફ્લેશ-ફોરવર્ડ... અને બીજી કેટલીક ટેકનિક્સ.(એટલે ક્યારેક એમ કહેવાનું મન પણ થાય કે સાહિત્ય એટલે એવું લેખન જેમાં વિધ વિધ પ્રકારની ટેકનિકથી કોઈ ઘટના કે ઘટનાઓનું શાબ્દિક માળખું બંધાયું હોય.)

દલિત વિભાવના વિશે જ્યારે જાણ્યું, ત્યારે, દમિત-શોષિત-પીડિત વર્ગની વ્યથાકથા, સમાજથી તિરસ્કૃતોની કથા એવું હું સમજ્યો હતો. પરંતુ આજે આ લખતી-વેળાએ પણ એમ જ કહેવું પડે છે કે, દલિત સાહિત્યની વિભાવનામાં જાતિગત ભાવ-ભાવના ભળેલાં છે. એટલે કે, એવું સાહિત્ય – જેમાં સામાજિક રીતે પછાતવર્ગની પીડા-દમન-જીવનકહાણી રજૂ થઈ હોય. જો આમ ન હોય તો, સમગ્ર ગાંધીયુગના સાહિત્યને દલિત સાહિત્ય કહેવામાં મને કંઈ વાંધાજનક નથી લાગતું. કારણમાં એટલું જ કે, એ સમયે સમગ્ર દેશ સ્વમાન ગુમાવ્યાની પીડા વેઠતો હતો.

ગાંધીયુગમાં જ, નારીને કેન્દ્રમાં રાખીને કે પ્રદેશને કેન્દ્રમાં રાખીને લખાયેલી અનેક કૃતિઓ ગુજરાતી સાહિત્યમાં મળે જ છે. (એ ન ભૂલવું જોઈએ કે, ગુજરાતી સાહિત્યને જ્ઞાનપીઠ અપાવનાર પન્નાલાલની ‘માનવીની ભવાઈ’ પ્રાદેશિક-ગ્રામીણ નવલકથા છે, ને પન્નાલાલનો સમય ગાંધીયુગ-વાળો ગણાય. તો, શું પન્નાલાલને ગાંધીયુગના ગણવા? કે પન્નાલાલે ગ્રામીણ(ચેતના)ની કથાઓ આપી, એમના સાહિત્યના કેન્દ્રમાં ગ્રામ-ગ્રામીણો અને તેમની તળબોલી હતી, એટલે, એમને અનુઆધુનિક ગણવા? એ રીતે પણ યુગની સંજ્ઞા મને તો સમયપરક જ લાગી છે.)(અહીં બીજાં એક-બે નામ ઉમેરો.)

આધુનિક સમયગાળાનું સાહિત્ય પૂર્ણરૂપે પશ્ચિમી સાહિત્યિક વિભાવનાઓ અનુસરતું હતું એટલે એ ગાળાનું સાહિત્ય પ્રથમ દૃષ્ટિએ જ જુદું પડી આવે, સ્વાભાવિક છે. આવું, અનુ-આધુનિક કૃતિઓ વિશે નથી કહી શકાતું એ એની મર્યાદા જ લેખાવી જોઈએ.

આટલી પૂર્વભૂમિકા પછી, આધુનિકોત્તર સાહિત્યની ભૂમિકા વિચારું તો, સર્વ પ્રથમ, ‘સાહિત્ય એ જીવન નથી હોતું’, પરંતુ એમાં જીવનનું પ્રતિબિંબ હોઈ શકે – એ વિચાર તરત સ્ફુરી આવે છે. ગમે તે રીતે, ગમે તે કાળનું સાહિત્ય જોઈએ તો, એમાં યુગ-પ્રવર્તક લક્ષણો જોવા મળ્યાં જ છે. સમાજજીવન એમાં બાદ નથી જ નથી. એ આધુનિક ગણાયેલું સાહિત્ય હોય તો પણ; મનુષ્ય અને જીવન જ એના કેન્દ્રમાં રહ્યાં છે. એટલે, ‘માનવતાવાદી સાહિત્ય એ અનુ-આધુનિક’ એવા સાંભળવા મળતા સૂરનો પણ છેદ જ ઊડે.

આજના સમયમાં અથવા થોડાં વરસો અગાઉના સમયથી હાલ-અબીની ક્ષણ સુધીના સમયમાં જે સમાજજીવન છે, તે, આજના સાહિત્યની પીઠિકા બને છે? એ પ્રશ્ન મારો પહેલો અને આખરી પણ છે.

આજના સમયનું પ્રતિબિંબ જો આજના સાહિત્યમાં ન ઝિલાતું હોય તો, એ અનુ-આધુનિક કે આધુનિકોત્તર કે અધુના કે સાંપ્રત પણ શા માટે ગણાવું જોઈએ? (મને ખબર જ છે કે, કોઈ સાહિત્યકૃતિ કે સ્વરૂપને આવાં કશાં બંધનોમાં બાંધી શકાય નહીં, સાહિત્ય આનંદભાજનનું માત્ર એક સાધનમાત્ર છે, એ ઇતિહાસ નથી કે ભવિષ્ય પણ નથી. એ ભૂતકાળ હોઈ શકે, વધુ તો વર્તમાન હોઈ શકે.) આવી વર્તમાન ક્ષણો અત્યારે કઈ છે?

મને લાગે છે, આજના – ‘અનુઆધુનિક’ ગણાતા સાહિત્યમાં સાંપ્રત સમય, સમાજનું પ્રતિબંબ ઝિલાતું નથી. છે, કારણો છે. પહેલું કારણ તો ભાષા જ છે. ‘અનુઆધુનિક’ ગુજરાતી સાહિત્યની ભાષા પણ અનુઆધુનિક છે?

એ જ પરંપરિત ભાષા, એના લય-આરોહ-અવરોહ-કાકુ-મરોડ-જોડણી-અર્થ – બધ્ધું જ, એનું એ. આગલી પેઢીથી ચાલ્યું આવતું, આગુસે ચલી આતી હૈ, વાળી ભાષા(-શૈલી-).

આધુનિકોએ ભાષાનો રચનાત્મક પ્રયોગ કર્યો. કદાચ, કલાત્મક કહેવું યોગ્ય લેખાશે, કંઈક અંશે કલાત્મકના નામે – પ્રયોગના નામે અસંબદ્ધ પદ-પદાવલિઓ, ફકરાના ફકરા પણ જોવા મળે, એની સામે વાંધો હતો, છે, અને રહેશે(ત્યાં પ્રત્યાયનના પ્રશ્નો નડ્યા એટલે આવું કહેવું પડે). પણ, પછી આવેલા ‘અનુઆધુનિક’ ગણાતા સાહિત્યમાં પ્રયોજાતી ભાષાનું પોત કેવું છે? એ સાહિત્યની ભાષા વધુ તો નિજી છે, પોતીકી. લેખકની પોતાની ભાષા - બલકે, બોલી. પોતાના લય-કાકુ. પોતાના શબ્દો. એ ભાષામાં ક્યાંક ક્યારેક આધુનિકોએ પ્રયોજેલાં પ્રતીક-કલ્પન-મિથ ઇ. વાનાં દેખા દે છે, પણ એનું વળગણ નથી. આજની ભાષાને પ્રદેશનું વળગણ છે, ગોળનું વળગણ છે, સમાજ-જ્ઞાતિનું વળગણ છે. એટલી નોંધ પૂરતી છે.

તો, શહેરી, સભ્ય ગણાતી ભાષાનો સાહિત્યમાં પ્રયોગ ઉપયોગ થયો છે, એવી કૃતિઓમાં અંગ્રેજી શબ્દો નાખી દીધા છે. નાખી દીધા છે ઇટ મિન્સ કે, વેરી દીધા છે. દેખાડો, રીતસરનો. લેખક અંગ્રેજી જાણતો હોવાનો રોફ, એક પ્રકારે. એ ભાષા પાત્રની ભાષા બનવાને બદલે વધુ તો લેખક-સર્જકની ભાષા રહે છે. એથી એક પ્રકારની ગુજરેજી ભાષાનું પોત બને છે. કદાચ આ ભાષા સાંપ્રત સમયની ભાષાની વધુ નજીકની છે. પણ એ સાંપ્રત ભાષા નથી. બોલાતી ભાષા નથી.

બીજી મહત્ત્વની વાત છે, ટેકનોલોજીની. સમૂહમાધ્યમની. આ બંને એવાં પરિબળ છે જેણે વિશ્વ-સમસ્તમાં ધાર્મિક-સામાજિક-સાંસ્કૃતિ-સભ્યતા-દાર્શિનિક-પરંપરિત (રહી ગયું એ બધું ઉમેરવું) પર એવી અસર કરી છે, કે સઘળું મૂળ-સોતું બદલાયું છે. અથવા બદલાઈ રહ્યું છે.

આજનો, સાંપ્રત સમય ટેકનોલોજીનો છે. સમૂહમાધ્યમનો છે. ગેઝેટ્સનો છે. એપ્સનો છે. સોશિયલ મીડિયાનો છે. માહિતીના આદાન-પ્રદાનનો છે. ને એટલે, ભાષામાં કેટલાંક પરિવર્તનો આવ્યાં છે. નવી પેઢીએ ઝીલ્યાં છે. એ વ્યક્ત પણ કરે છે. જે અધ્યાપકો છે, એમને આની ખબર છે, કારણ, એ નોટ્સ, પેપર્સ ચેક કરતા હોય છે. એ જુએ છે કે, સ્ટુડન્ટ્સ એની નોટ્સમાં એસએમએસિયા ભાષામાં બહુ બધું લખે છે. ફેસબુકિયા ભાષાય ખરી ને વોટ્સએપિયા ભાષા પણ એમાં હોય. ટૂંકું ટૂંકું લખવાનું. અસંબદ્ધ લખવાનું. ઉપરનું નીચે ને બે પોસ્ટ પહેલાંનો જવાબ ચાર પોસ્ટ પછી હોય, એવા અક્રમ ક્રમબદ્ધ. અને છતાં બધું સરળતાથી સમજી શકાય તેવું. સાંપ્રતકાલીન યુવાઓ એકબીજાના મેસેજિસ, કમેન્ટ્સ અને એના રિપ્લાય, ટ્વિટ્સ આસાનીથી સમજી લે છે. કઈ ટ્વિટ્સ કોના સંદર્ભમાં છે એ પણ સમજી લે છે.

આ આજની ભાષા છે, સાંપ્રત. એ શબ્દકોશમાં નથી. જોડણીકોશમાં પણ નથી. જોડણીના નિયમ પ્રમાણે આ, આવા શબ્દોની જોડણી કરી લેવાની. પણ આવા ટૂંકા, વાક્ય પણ ન બનતા હોય તેવા શબ્દો આજકાલ પ્રચલનમાં છે, ને એ ગમે કે ના ગમે, તે હાલના સમાજજીવનનું સાચું પ્રતિબિંબ છે.

(ક્રમશ: સાંપ્રત સાહત્યિક ભાષા : પરંપરિત કે સાંપ્રત? : વિચારણીય મુદ્દા : ૨માં)
(લખાણમાં પ્રગટ વિચારો કે મુદ્દા કે ઉદાહરણો લેખકનાં પોતાનાં છે, તંત્રી, સંપાદકના નથી)

અજિત મકવાણા, ajitmakw@gmail.com