કારમો છુટકારો: સ્ત્રીના સામાજિક બહિષ્કારની વાર્તા


સમય કે સમાજ કોઇપણ હો સ્ત્રીએ પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા ઝઝૂમવાનું જ રહે છે.સમાજે નક્કી કરેલા તમામ અલિખિત નીતિ-નિયમોમાં તેણે બંધ રહેવાનું હોય છે.જેમાં તેણે પોતાના સ્વતંત્ર એવા કોઈ નિર્ણયો નથી લેવાના.આ હકીકત જેટલી કડવી એટલી જ વાસ્તવિક છે. સ્ત્રીએ ક્યારેક હુકમ તો ક્યારેક પ્રેમને વશ થઈને પણ સમાજના ધારાધોરણો પ્રમાણે જીવવાનું છે. આજકાલનાં કહેવાતા શિક્ષિત ઉચ્ચ વર્ગની પણ આ જ વરવી વાસ્તવિકતા છે.જો સ્ત્રી સ્વતંત્ર થવા ઈચ્છે અથવા સ્વતંત્રપણે કોઈ નિર્ણય લે છે તો તેનો બહિષ્કાર કરવામાં આવે છે.પછી ભલે એ કોઈની ભલાઈ માટે હોય તોપણ સમાજ તેની સામે દીવાલ બનીને ઉભો રહી જાય છે.આ વાસ્તવિકતા આજે પણ અકબંધ છે.

સ્ત્રી સૌથી વધુ સંવેદનશીલ હોય છે પરંતુ,ઘણીવાર તેની આ સંવેદનશીલતા જ તેને માટે ભારરૂપ બની જાય છે અને અંતે તેને ગુનેગાર ગણી સમાજના માળખામાંથી બહિષ્કૃત કરવામાં આવે છે.આવો બહિષ્કાર પણ સ્ત્રીએ સ્વીકારવાનો હોય છે.અંતે તો લડાઈ પણ રહેતી નથી માત્ર વાસ્તવિકતાનું રડતે મુખે પણ સ્વીકરણ જ કરવાનું રહે છે.

લેખિકા આશાપૂર્ણાદેવીની 'કારમો છુટકારો' વાર્તા આ જ નારીવાદી વાસ્તવિકતા પ્રત્યે અંગુલીનિર્દેશ કરે છે.

વાર્તા નાયિકા છે માલતી.માલતી ગરીબ કુટુંબની એક સાધારણ મહિલા છે.એક શ્રીમત વર્ગના ઘરમાં કામ કરી ઘરનું ગુજરાન ચલાવે છે.પરંતુ,આ માલતી ખરા અર્થમાં એક સ્ત્રી છે તેથી સ્ત્રીની વેદનાને એ સારી પેઠે જાણે છે.ઘરના માલિકની દીકરીનાં સાસરીયાવાળા પુત્રની આશા સેવે છે અને જો એમ ન થાય તો સાસરિયામાં ન આવવા દેવાની ધમકી આપે છે.એ દીકરીને દીકરો અવતરે પણ છે પણ સંજોગોવશાત તે મૃત્યુ પામે છે આથી એ મૃત દીકરાને બદલે જીવતો દીકરો લાવી આપવાનું કામ માલતીને અનેક આજીજીઓથી સોપાય છે.માલતી સ્ત્રીસહજ સંવેદનાને કારણે તે કામ કરવા તૈયાર થાય છે.માલતીની જિંદગીનો પહેલીવારનો આ સ્વતંત્ર નિર્ણય તેની પાસેથી તેની હસતી રમતી જીંદગી જ છીનવી લે છે અહીંથી જ શરુ થાય છે માલતીના જીવનની કરુણ કથા.

ગામની કોઈ સ્ત્રી ભૂખમરાને દુર કરવા દર વર્ષે એક બાળકને જન્મ આપે છે માલતી તેની સાથે વાત કરે છે. એ બાઈ છોકરું આપવા રાજી થાય છે માલતી તરત બાળકને લઈને રીક્ષામાં બેસે છે. પરંતુ માલિકના ઘરની પાસે આવતા જ કોણ જાણે કેમ પણ ઝાડુંવાળી અને કામવાળી બાઈઓમાં જઘડો થાય છે એટલામાં પોલીસ આવી જાય છે અને માલતી બાળકને ચોરીને લઇ જતી હતી તે જાણ થતાં પોલીસ માલતીને સ્ટેશને લઇ જાય છે.બાળકની ચોરીના ગુનામાં તેને ત્રણ વર્ષની જેલ થાય છે.છતાં,એકપણ વાર તે પોતાની જાતને નિર્દોષ સાબિત કરવાની કોશિશ નથી કરતી.સહજ જ ગુનો સ્વીકારી લે છે કારણ કે માલતી એક સ્ત્રી છે તે ઉપરાંત તે એક 'મા' છે.

ત્રણ વર્ષની જેલની સજા થયાની જાણ થતાં પતિ માલતીને મળવા આવે છે.પહેલા પુત્ર ગોપાલને સાથે લાવતો પણ પછી એકલો આવવા માંડે છે ને પછી તો આવવાનુય બંધ કરી દે છે.આ સાથે જ જાણે કે અ માલતીના જીવનમાંથી પણ વિદાય લેવા માંડે છે.

જેલમાં જતા પહેલા આત્મહત્યા કરી લેશે અથવા ગળે ફાંસો ખાઈ લેશે ,દોરડું નહી મળે તો છેલ્લે આ સાડી તો અંગ પર છે જ એમ વિચારતી છતાં ભવિષ્યમાં ફરી જીવી લેવાની ઈચ્છા રાખતી તે ત્રણ વર્ષ જેલમાં જીવી ગયેલી માલતી અંતે છુટે છે.પણ તેને લેવા કોઈ નથી આવતું.એની સાથે જ છુટેલો એક અજાણ્યો કેદી તેને પૂછે છે;કેમ,માલતી છુટી થઇ ગઈ ?આ માણસ માલતીને તેના ઘર સુધી પહોચાડે છે.પણ ગામમાં તો તેના ઘરનું કોઈ નામોનિશાન નથી રહ્યું હોતું.આથી માલતી તેના દિયરના ગામમાં જાય છે એ સાથે જ તેનો પતિ અમુલ્ય મળે છે.ક્ષણવાર તો માલતી તેને ઓળખી પણ નથી શકતી.અલબત્ત,થોડી જ વારમાં તેને તેના દામ્પત્યજીવનના સ્મરણો તાઝા થાય છે.પણ અમુલ્ય હવે તેનો પતિ રહ્યો નથી. અમુલ્ય તેને ધુત્કારી કાઢે છે તે માલતીને જણાવી દે છે કે તેને માટે હવે પોતાની પાસે કોઈ જગ્યા રહી નથી.તેના પુત્રને પણ માતા મરી ગઈ છે એમ જણાવી દેવાયું છે. એ મરેલી મા ને જીવતી બતાવવા તે તૈયાર નથી.અર્થાત્ માલતીનો ત્યાંથી છુટકારો કરી દેવામાં આવે છે.માલતીને કશું બોલવાનું રહેતું જ નથી.અહી છુટકારો વિભિન્ન રીતે આવે છે.માલતીના જીવનમાં ત્રણ વાર જુદી જુદી રીતે છુટકારાની સ્થિતિ આવે છે.પરંતુ ખરા અર્થમાં તે છુટકારો છે જ નહી. એ એક એવું બંધન છે કે જેમાં માલતીને બંધ કરવામાં આવી છે અને જેમાં માલતીએ માત્ર પીડાવાનું જ છે. ૧.જયારે તે પોતાના પતિ અને બાળકો સાથે રહેતી હતી ત્યારે ઘરની કંગાળ અવસ્થા દુર કરવા બાળકની ચોરી કરી જેલમાં ગઈ તે સાથે જ સમાજમાંથી તેનો છુટકારો થાય છે.૨.જેલના ત્રણ વર્ષોની સજા પૂરી થતાં ત્યાંથી છુટકારો થાય છે.૩. જેલમાંથી છુટીને પતિ પાસે ગઈ ત્યાંથી પણ છુટકારો થાય છે.ત્રણેય છુટકારા કારમા છે અસહ્ય છે અને છતાં 'સ્ત્રી' માલતીએ જીવવાનું છે.છેલ્લો છુટકારો તો સમગ્ર અસ્તિત્વનો જાણે કે છુટકારો બની રહે છે.જે સ્ત્રીએ અન્યનું સુખ વાચ્યું તે સ્ત્રીનો ક્યાય સ્વીકાર સુધ્ધા નથી થતો.બાળકની ચોરી તેના જીવનને સુખમય બનાવી દેશે,માલિક બાઈ તેને મોં માગ્યું ઇનામ દેશે અને પતિ અને પુત્રના જીવનમાં સુખ આવશે એવો વિચાર માલતીના જીવનને ક્યાંથી ક્યાં સુધી પહોચાડી દે છે.સુખ નામના પ્રદેશને શોધવાની રઝળપાટ તેને ઘેરી નિરાશામાં ડુબાડી દે છે .એ જ આ વાર્તાનું ક્થયીત્વ્ય છે.

આ વાર્તામાં લેખિકાએ નારીસંવેદન ઘુટ્યું છે.સમાજની જડ માનસિક્તાઓમાં ઘેરાયેલી નારી પોતાના જ ઘર કુટુંબને સાચવવા માટે કોઈ કાર્ય કરે છે અને તેને જ ગુનેગાર ગણી લેવામાં આવે છે.જેના સુખ માટે માલતીએ જોખમ વહોર્યું હતું તેમનામાં પણ સત્ય બોલવાની હિમ્મત નથી.છતાં,સજા પૂરી કરીને એ જ ઘરમાં પાછી આવી ફરી ઘર સંભાળી લેવા તૈયાર થતી માલતીને તેનો પતિ પણ જાકારો આપે છે.અને તેને ગુનાની છાપ સાથે રઝળતી રખડતી છોડી મુકવામાં આવે છે.

નારીવાદને ઉચિત રીતે વાચા આપતી આ વાર્તા દર્શાવે છે કે સમગ્ર સામાજિકતા માત્ર સ્ત્રીએ જ પાળવાની છે,તેને એ ચોકઠામાં જ રહેવાનું છે.એ માત્ર એક રમકડું જ છે જેને સમાજ અને પુરુષ એમ બે ચાવીઓ રમાડે છે.તેથી રમકડાને એક ચાવી કામ ન લાગે ત્યારે બીજી લાગે એટલે કે રમકડું તૂટી જાય તોપણ ચાવીઓ તો સલામત જ રહે.

આશાપૂર્ણા દેવી પોતે જ કહે છે કે હું જે જગત જાણું છુ તેને જ વાર્તામાં ઉતારું છું અને એ હકીકત છે.બંગાળી જનજીવનમાં પતિ વિનાની પત્નીની કોઈ કિંમત નથી રહેતી.પતિ મૃત્યુ પામ્યો હોય કે પતિએ છુટી કરી હોય એવી સ્ત્રીઓએ તમામ રીતે બહિષ્કૃત થવાની તૈયારી રાખવી પડે છે. માલતીની પણ આવી જ સ્થિતિ થાય છે.નિર્દોષ હોવા છતાં ગુનેગાર થઈને જીવવું પડે છે.અને છતાં કયારેય પોતાની માલિકનું નામ પણ નથી લેતી.આ બાબતનું આલેખન કરી લેખિકા નારીગૌરવ પણ સુપેરે કરી આપે છે.

Alpa Virash, Department of Gujarati, Bhavnagar University. alpavirash@gmail.com