આત્મજ્ઞાનની ખુમારી

‘મન સહેજ ગળ્યું’
– હરિદાસ ( વિ.સં.૧૮૦૦ આસપાસ )

મન સહેજ ગળ્યું – મુક્તિ નહીં માગું રે જુક્તિ જાણી
હરિ વિના હરખ નહીં – વ્યાપક વસ્તુ તે વેદે વખાણી. મન₀
મારે નિર્ગુણ સગુણ ન રહ્યું !
જેમ બીજમાંથી વૃક્ષ થયું ,
વળી વૃક્ષમાં બીજ અનંત રહ્યું . મન₀
જેમ જળમાં લહેરી કુંડવળું :
તેમાં શું આવ્યું ને શું ટળ્યું ,
તેમ ચૈતન્યમાં આ ચિત્ત મળ્યું . મન₀
જેમ સુરજ કિરણ નહીં ન્યારા :
એમ તત્ત્વ પરમાતમ મારા ,
એક રસ ચાલે અખંડ ધારા . મન₀
એમ સમજે તો મુક્ત થાયે ,
અને સાધન કરતાં બંધાયે ,
હરિદાસ હરિમય થઈ જાયે . મન ₀
(‘અખો અને મધ્યકાલીન સંતપરંપરા’માંથી પૃ.૨૫૦) – યોગીન્દ્ર જ. ત્રિપાઠી

મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જ્ઞાનમાર્ગી કવિતાપ્રવાહમાં કેટલાંક ઉચ્ચ કોટિનાં જ્ઞાનલક્ષી પદો નરસિંહ મહેતાએ લખ્યાં છે છતાં ગગનગહન તત્વજ્ઞાનને કવિતામાં ઉતારવાની બાબતમાં પુરસ્કર્તા બનવાનું શ્રેય અખાને ફાળે જ જાય છે. અખાનું લક્ષ્ય જે જ્ઞાન છે તે તદ્દન નિર્મળ નિર્ભેળ કેવલાદ્વૈત સિદ્ધાંતને અનુસરતું જ્ઞાન છે. ब्रह्म सत्यं जगन्मिथ्या जीवो ब्रह्मैव नापर: ‌‍‍‌| એ એના વક્તવ્યનું કેન્દ્રબિંદુ છે. જ્ઞાનમાર્ગી કવિતાનો તેજોજ્જવલ પ્રકાશ પાથરનાર અખાની સંતપરંપરામાં કેટલાક સંતકવિઓએ તત્વજ્ઞાનને પોતાની કલમનો વિષય બનાવીને જ્ઞાનપરંપરા ચાલુ રાખેલી છે. અહીં કવિતાની કવિતા તરીકેની સિદ્ધિ પામવાને બદલે આત્મજ્ઞાન પ્રાપ્ત થયા પછીની અજબ ઝલક પામ્યાનો સંતર્પક અનુભવ થાય છે. આવો અનુભવ અખાની શિષ્યપરંપરાના એક સંતકવિ હરિદાસની ઉપરોક્ત રચના વાંચતા થયો.

અખાની ગુરુગાદીના શિષ્ય જિતા મુનિ નારાયણના સીધા શિષ્ય તરીકે કલ્યાણ‍દાસ અને ‍‍સંતરામ મહારાજની જેમ હરિદાસનું નામ આવે છે. વિ.સં. ૧૮૦૦ આસપાસના સમયગાળામાં તેઓ થઈ ગયા હોવાનું મનાય છે. સંતરામના પદસંગ્રહમાં હરિદાસના પાંચ પદોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

માનવજીવનનાં ચાર પુરુષાર્થો : ધર્મ, અર્થ, કામ, અને મોક્ષ. – માંથી છેલ્લા પુરુષાર્થ મોક્ષ અંગેની સરળ સમજણ આ કવિએ સરળ ભાષામા વ્યક્ત કરી છે. બંધન – મોક્ષ કેવળ મનની કલ્પનામાત્ર જ છે. જીવત્વ પણ મિથ્યા છે. બ્રહ્મ એક જ સત્ય છે. પોતાના મનની રચેલી માયામાં જ જીવાત્માં જ બંધાય છે, જીવના બંધનનું કારણ અજ્ઞાન હોઈ, જ્ઞાન એ જ મોક્ષ એ સ્પષ્ટ રીતે જ પદના આરંભની પંક્તિઓમાં તરી આવે છે –

“મન સહેજ ગળ્યું – મુક્તિ નહિ માગું રે જુક્તિ જાણી.”

આત્મજ્ઞાન પ્રાપ્ત થયા પછીની મનની સ્થિતિનું કવિ દર્શન કરાવે છે. કવિએ જે જુક્તિ જાણી લીધી તે છે સ્વરૂપ જ્ઞાનથી થતી અભેદાનુભૂતિની જુક્તિ. જ્ઞાન તો પામવું જોઈએ, કારણ કે, જ્ઞાન વિના મન ગળે નહિ ને મન ગળ્યા વિના મુક્તિ ન મળે. કવિને હવે મુક્તિ માગવાની જરૂર રહેતી નથી કારણ કે બંધન અને મોક્ષનું કારણ મનનું આત્મજ્ઞાન થતાં જ આત્મામાં શમન થાય છે. મનનું આત્મામાં શમન એ જ મોક્ષ. મનની વૃત્તિઓ સંપૂર્ણ શમી જાય એ જ સાધકને કરવાનું છે. આત્મજ્ઞાન પછીનો આનંદ વ્યક્ત કરતા કવિ કહે છે:

“હરિ વિના હરખ નહીં – વ્યાપક વસ્તુ તે વેદે વખાણી.”

વેદાંતનો મૂળભૂત સિદ્ધાંત છે કે જીવ – શિવ વસ્તુતઃ એક છે પણ જીવાત્મા અજ્ઞાન દશામાં હોય ત્યાં સુધી એને કર્મના બંધન છે જ અને સંસારના ભવચક્રમાંથી એ છૂટતો નથી, પરબ્રહ્મનો નિર્વિકલ્પ આનંદ એને પ્રાપ્ત થતો નથી. આમ, જીવાત્મા અને પરમાત્મા વચ્ચે અજ્ઞાનજન્ય ભેદ હોવા છતાં વસ્તુતઃ બંને એક જ છે. આત્મજ્ઞાન થતાં જ એ ભેદ દશા – દ્વૈતભાવ ટળી જાય છે. હરિદાસને મન નિર્ગુણ સગુણનો ભેદ છે જ નહિ. તત્વજ્ઞાનમાં હરિદાસ નિર્ગુણ પરબ્રહ્મ અને સગુણ પરમાત્મા બંનેને વસ્તુતઃ એક જ માને છે. નિર્ગુણ સગુણના ઐક્યનો નિર્દેશ કરતાં એ સચોટ ઉપમા પ્રયોજે છે:

“જેમ બીજમાંથી વૃક્ષ થયું,
વળી વૃક્ષમાં બીજ અનંત રહ્યું. મન₀”

આત્માનુભવ થતાં કવિને મૂળ અગોચરની પણ ઓળખ થઇ, બ્રહ્મરસનું પાન કર્યું. હવે સંકલ્પ બધા શમી ગયા છે. જ્ઞાન થતાં જીવાત્મા બ્રહ્મસ્વરૂપ,પોતાના શુદ્ધ, ચૈતન્ય સ્વરૂપને ઓળખે છે. જીવાત્મા એ પરમાત્માનો જ અંશ છે. એ જુદા નથી પરંતુ જીવ, શિવ, અને ઈશ્વર માયાના આવરણને લીધેજ ભિન્ન લાગે છે, પછી વસ્તુત: એક જ છે પછી માયાનું આવરણ દૂર થતાં આ ભેદો નષ્ટ થાય છે. અને સર્વબ્રહ્મરૂપે એકરૂપ અનુભવાય છે એ સમજાવતા હરિદાસ કહે છે:

“જેમ જળમાં લહેરી કુંડવળું:
તેમાં શું આવ્યું ને શું ટળ્યું,
તેમ ચૈતન્યમાં આ ચિત્ત મળ્યું .મન₀”

મન આત્મલીન થઇ ગયું છે એમ એ સ્પષ્ટ જ કહે છે. મન જયારે ઉન્મન થાય છે, પરબ્રહ્મમાં લીન થઇ જાય છે ત્યારે જળની લહરોથી રચાતું કુંડાળું ફરી પાછું જળ થઇ જાય તેમ મનની કલ્પનામાત્રનો લય થઇ જાય છે. એ સમજણ એ જ મુક્તિ. કંઈપણ સાધન કરવાથી તો બંધન આવી પડે છે. મનની સંસારાભિમુખી વૃત્તિ એ કેવળ માયા છે. એ વૃત્તિ સંસારમાંથી પાછી ફરતા વેદાંતની પરિભાષામાં ઉન્મન થતાં જગત બ્રહ્મભાવે પ્રતીત થાય છે. જગતનું શાશ્વત સનાતન સત્ય સ્વરૂપ પરબ્રહ્મ સ્વરૂપે અનુભવાય છે. અખાની પરંપરાના આ સંતકવિનું તત્વજ્ઞાન અખાની જેમ વેદાંતની અજાતવાદની કોટિનું છે. જ્યાં જગતની પ્રત્યેક વસ્તુનો પરબ્રહ્મ રૂપે અનુભવ થાય છે એવી આ ભૂમિકા – આત્મદશાનો સ્વાનુભવ આ પદમાં હરિદાસે ખુમારીથી વ્યક્ત કર્યો છે.

જીવાત્માને જ્યાં સુધી આત્મજ્ઞાન નથી થતું ત્યાં સુધી તે સુખદુઃખાદિ દ્વંદ્વો અનુભવે છે. આત્મજ્ઞાન થયા પછી જીવાત્માને નિર્વિકલ્પ આનંદનો જ અનુભવ થાય છે. પોતાના આત્માથી અભિન્ન એક પરબ્રહ્મનો સાક્ષાત્કાર થાય છે, એ દર્શાવતા એ કહે છે:

“જેમ સુરજ કિરણ નહીં ન્યારા :
એમ તત્વ પરમાતમ મારા,
એક રસ ચાલે અખંડ ધારા . મન₀”

આ ત્રિગુણાત્મક સંસારમાં પાંચ તત્વો જેમ એકસરખા છે, પૃથ્વી અને તેનાં અનેક ભિન્ન ભિન્ન પાત્રો જેમ વસ્તુતઃ એક જ છે, જળ એની લહરીઓથી જેમ ભિન્ન નથી, સૂર્ય અને એનાં કિરણો જેમ વસ્તુતઃ ભિન્ન નથી તેમ આત્મતત્વ પણ એક જ છે.

જીવ – શિવની આ એકતા આત્માનુભવ દ્વારા જ અનુભવાય છે. અન્ય જ્ઞાનમાર્ગી કવિઓની જેમ હરિદાસ પણ અનુભવના પર/સમજણ પર ભાર મૂકે છે. સમજણ વિનાનું જ્ઞાન તે તો શુષ્ક જ્ઞાન, વંધ્ય જ્ઞાન. અખંડ ધારારૂપે અવિરત વહેતો બ્રહ્મરસ સૌથી ન્યારી બાબત છે. બ્રહ્માનંદની ઝાંખી એક પરમ આશ્ચર્ય છે, એ અદભૂત અનુભૂતિનું પરમ આલંબન છે, એ શાસ્ત્રની કે પોથીની વાત નથી આ આનંદ તે અપરોક્ષાનુભૂતિજ્ન્ય આનંદ છે. એ અનુભવ પ્રાપ્ત થાય ત્યારે જ કવિ સાર્થકતા માણીને ગાય છે:-

“એમ સમજે તો મુક્ત થાયે,
અને સાધન કરતાં બંધાયે,
હરિદાસ હરિમય થઈ જાયે. મન ₀”

નિર્ગુણ સગુણથી પર એવી આત્મજ્ઞાનની અનુભવાત્મક સ્થિતિમાંથી લખાયેલ એમનું આ એક સુંદર પદ છે. આત્માનુભવ અનિર્વાચ્ય છે. શાસ્ત્રથી પર છે. અહંકારનો – જીવત્વનો લય થતાં પોતે આત્મતત્વરૂપે પરબ્રહ્મરૂપે જ વિલસી રહેલા છે અને એ વિના બીજો કશો ભાસ પણ નથી. મન શૂન્યવત્ – આત્મલીન થઈ જાય ત્યારે જ સાચું જ્ઞાન પ્રાપ્ત થયું ગણાય. મન આત્મલીન થતાં આત્મા – પરમાત્માનું અદ્વૈત – હરિદાસ હરિમય થઇ જાયે. – સિદ્ધ થાય છે.

પ્રસ્તુત રચનામાં હરિદાસે બીજ અને વૃક્ષ, જળ અને કુંડાળા તેમ જ સૂર્ય અને એના કિરણોની સાદી ઉપમા યોજીને પોતાની વાત બહુ જ સરળતાથી સામાના મનમાં ઠસી જાય એ રીતે લીલયા ચિત્રાંકિત કરી બતાવી છે. લાઘવથી યોજાયેલી ઉપમા કેટલી આકર્ષક અને સચોટ છે. અદ્વૈતના અનુભવને સાદી ભાષામાં એમણે વ્યક્ત કર્યો છે. પદમાં પ્રાસ યોજના સ્વાભાવિક છે. જાણી – વખાણી, થયું – રહ્યું, ટળ્યું – મળ્યું, ન્યારા - મારાં – ધારા, થયે – બંધાયે – જાયે વગેરે. આ પદની વિશિષ્ટ બાબત અભિવ્યક્તિમાં લાઘવની છે.

અખાની સંતપરંપરામાં હરિદાસે જે થોડાં પણ ખૂબ જ ઉચ્ચ કોટિનાં આત્મદર્શનનાં પદો આપ્યાં છે, એ જોતા હરિદાસનું સ્થાન આત્માનુભવી સંતકવિ તરીકે સુદઢ અને નિશ્ચિત છે એમ તો જરૂર કહી શકાય. વેદાંતના અનુભવદર્શનની ખુમારી હરિદાસના પદોમાં આપણને જોવા મળે છે. એમનાં પદોમાં આત્મજ્ઞાનની અજબ ઝલક સ્પષ્ટ વરતાય છે. તેમાંથી આત્મદર્શનની ઉચ્ચોચ્ચ સ્થિતિનું નિદર્શન કરતું પ્રસ્તુત પદ છે.

જીવની ભેદદષ્ટિ – અજ્ઞાનદષ્ટિ એ જ સંસારબંધનનું કારણ છે, જે ટળી જતાં જીવાત્મા વિરાટ પરબ્રહ્મ સાથે ઐક્ય અનુભવે છે. અદ્વૈતના એ અનુભવની આ સહજ અભિવ્યક્તિ છે. બ્રહ્મજ્ઞાન થતાં જીવાત્માની દ્વૈતદષ્ટિ – દ્વૈતભાવ ટળી જાય છે અને બ્રહ્મજ્ઞાની પોતાની જાતને બ્રહ્મમય અનુભવે છે. આત્મા અને પરમાત્માની એકતા સિદ્ધ કરવાનો ઉપાય માત્ર એક જ છે, હરિમય થઇ જવું. જ્ઞાન, ભક્તિ કે પ્રેમ દ્વારા મનની પ્રભુમાં સ્થિરતા. મન આત્મલીન થતાં આત્મા – પરમાત્માનું અદ્વૈત સિદ્ધ થાય છે. બ્રહ્મ સાથે પોતાની એકતાનો અનુભવ કરે છે એ હરિદાસની આ કૃતિનો નીચોડ છે. આત્માનુભવના ઉલ્લાસનો સ્પષ્ટ રણકાર હરિદાસની વાણીમાં તાદશ થાય છે. આ પદની સાદી, સરળ અને રોચક વાણીમાં વ્યક્ત થયેલું તત્વદર્શન કેટલું સ્પષ્ટ છે! કવિતા એ અમુક સંવેદનનો કલાત્મક આવિષ્કાર છે. જયારે એ સંવેદન નૈસર્ગિક હોય છે ત્યારે માત્ર એનો છંદ કે રૂપમાં અવતાર, નહિ જેવો પ્રયત્ન માંગે છે; કારણ તેનું માનસચિત્ર અતિ સુસ્પષ્ટ અને સુરેખ હોય છે. હરિદાસની આ રચનામાં આત્માનુભૂતિની પોતાની વિચારસરણી પ્રચલિત રૂઢિ અનુસાર કવિતા દ્વારા સાદી ભાષામાં સમાજ આગળ મૂકવામાં આવી છે. કવિનો એ મુખ્ય આશય સફળ રીતે ફળીભૂત થવાની સાથે એની ભાષામાં નૈસર્ગિક રીતે આવતાં કવિતાતત્વો આપણું ધ્યાન અવશ્ય ખેંચે છે. જ્ઞાન, ભક્તિ કે ઉપદેશના પદોમાં દલીલ – દષ્ટાંતોની સહાયથી પણ સીધું વિચારાત્મક બોધક કથન આવતું હોઈ તેમાં રસદષ્ટિએ ઊંચી કવિતાને બહુ અવકાશ મળતો નથી. જો કે હરિદાસને એ અભિપ્રેત પણ નથી. એમણે તો આત્મજ્ઞાનની અનુભૂતિને ખુમારી અને ઉત્સાહથી વ્યક્ત કરી છે.

પ્રા. બીના ડી. પંડ્યા, એસોસિએટ પ્રોફેસર (ગુજરાતી), ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કૉલેજ,ડૉ. યાજ્ઞિક રોડ, રાજકોટ. beenapandyaom@gmail.com