નક્ષત્ર વિજ્ઞાન સાથે સંકળાયેલ લોકોક્તિઓ અને ભડલી વાક્યો

આખા જગત નો પ્રાણ અન્ન છે અટલે કે કોઇ પણ વ્યક્તિ અન્ન વિના જીવીત રહી શકતી નથી. તેવી જ રીતે અન્ન વર્ષા ઋતૂ ને આધીન છે તો થોડું અવકાશી વિજ્ઞાન જાણીએ. માગશર મહિના ની શુક્લ પ્રતિપદા પછી જ્યારે ચંદ્ર માં પૂર્વાષાઢા નક્ષત્ર પર સ્થીત થાય છે ત્યારથી ગર્ભની શરૂઆત થાય છે તે ગર્ભ ના શુભાશુભ લક્ષણ નિચે મુજબ છે.

જે નક્ષત્ર પર ચંદ્ર માં સ્થિતિ થતાં ગર્ભ બંધાય તે ગર્ભ નો એકસો પંચાણું દિવસે એટલે કે ચંદ્ર માં પાછો એજ સ્થિતિ એ આવે એટલે પ્રસવ થાય છે. શતભિષા, આશ્લેષા, આદ્રા, સ્વાતી, અને મઘા એ પાંચ નક્ષત્રો માં ગર્ભ બંધાય એ શુભ હોય છે. દિવ્ય, ભૌમ, અને અંતરીક્ષ એ ત્રણ પ્રકાર ના ઉત્પાતો થી હળાયેલા ગર્ભો નષ્ટ થાય છે એટલેકે જેટલાં દિવસ ઉત્પાતો થી ગર્ભહત થાય તેટલાં દિવસ સુધી વૃષ્ટિ થતી નથી.

પૂર્વોક્ત પૂર્વભાદ્રપદ આદિ નક્ષત્રો માં અને માગશર આદિ મહિના ઓમાં જે ગર્ભ વૃદ્ધિ પામે છે તેના વરસવાની સંખ્યા નિચે મૂજબ છે. માગશર માં વૃદ્ધિ પામેલો ગર્ભ સાડા છ મહિના પછી આઠ દિવસ સુધી વરસે છે. પોષ મહિના નો ગર્ભ છ દિવસ વરસે છે. માઘ (મહા) મહિના નો ગર્ભ સોળ દિવસ વરસે છે. ફાગણ મહિના નો ગર્ભ ચોવીસ દિવસ વરસે છે. ચૈત્ર મહિના નો ગર્ભ વીસ દિવસ વરસે છે. અને વૈશાખ મહિના માં પૂર્વોક્ત નક્ષત્રો ની વચ્ચે જે ગર્ભ પૃષ્ઠ થયેલ હોય તે પ્રસવ ટાળે ત્રણ દિવસ પર્યન્ત વરસે છે. આ રીતે શતભિષક આદિ જે પાંચ નક્ષત્રો કહ્યાં એમાંથી ગમે તે એક નક્ષત્ર માં ગર્ભ ની વૃદ્ધિ થાય તો વરસવાના દિવસો ની સંખ્યા ઉપર મૂજબ જાણવી.

।। મેઘનાં નામો ।।

સુબુદ્ધિ નંદશાલિ કન્યદ પૃથુશ્રવા
વાસુકિ તક્ષક વિકર્તન સર્વદ
હેમશાલી જલેન્દ્ર વજ્રદંષ્ટ્ર વિષપ્રદ

(ભગવદ્ગોમંડલ પ્રમાણે)


।। વરસાદ ના પ્રકારો ।।

1 ફર ફર માત્ર રૂંવાડા ભીના કરે એવો વરસાદ
2 છાંટા પાણીના છાંટા ટપક્વા માંડે એવો વરસાદ
3 ફોરાં મોટા મોટા છાંટા તૂટી પડે એવો વરસાદ
4 કરા જ્યારે છાંટા મોટુ સ્વરૂપ લઈ આપણને મોંઢા ઉપર તડાતડ વાગવા લાગે એવો વરસાદ
5 પછેડિયો માથા ઉપર પછેડિ નુ રક્ષણ લઈને ભાગવું પડે એવો, અથવા પછેડિ પલાડે તેવો વરસાદ
6 નેવાધાર ઘર ના નળીયા સંતૃપ્ત થયા પછી નેવાની નીચે ડોલ મૂકી શકો એવી ધાર થાય એવો વરસાદ
7 મોલિયો ખેતરમા ઊભા પાક ને જીવનદાન આપે એવો વરસાદ
8 અનરાધાર છાંટા, ફોરાં, કરા બધાય ભેળા મળી રીતસર પાણીની ધારો વરસતી હોય એવો વરસાદ
9 મુશળધાર બધી ધારાઓ ભેગી મળી જાણે સૂપડે સૂપડે પાણી પડતું હોય એવો વરસાદ
10 ઢેફા ભાંગ ખેતરોની માટીઓના ઢેફા પણ ભાંગી નાખે એવો વરસાદ
11 સાંબેલાધાર ખેતરોના કયારાઓ ભરાય જાય અને કુવાની સપાટીઓ ઉપર આવી જાય એવો વરસાદ, જેમાં સાંબેલાજેવી ધારો પડતી હોય છે
12 હેલી સાંબેલાધાર વરસાદ પણ જો સતત અઠવાડિયા સુધી વરસ્યા કરે તો હેલી આવી એમ કેહવાય
અને ઉપર જણાવેલ તમામ પ્રકારના વરસાદો જ્યારે એકી સાથે તુટી પડે ત્યારે બારેય મેઘ ખાંગા થયા એમ કેહવાય.

।। ભડલી વાક્યો ।।

હુદડ જોષીની પુત્રી ભડલીએ વર્ષના વર્તારાની રચેલી સાખી; ભડલીનું ભાખેલું વાક્ય. વરસાદના વર્તારા સંબંધે આ અમૂલી ભેટ ગણાય છે. આ સાખીઓ બહુ જ લોકપ્રિય થઈ પડેલી છે. સંવત ૧૨૦૦ના સમયે રચવામાં આવ્યા છતા આ સાખીઓ હજુ જેવી ને તેવી લોકોને કંઠસ્થ છે
જેમકે -

રેવે પાણી ખળભળે, મૃગશિરે વા વાય;
જેટલું આવે પુનર્વસુ, એટલું અન્ન વેંચાય. ૧
શનિ રવિ ને મંગળા, જો પોઢે જાદુરાય;
ચાક ચડાવે મેદની, પૃથ્વી પ્રલય થાય. ૨
અષાડા ઘર બીજળી, નોમે નીરખી જોય;
રવિ તાતો બુધ શીતળો, મંગળ વૃષ્ટિ હોય.૩
સોમે શુક્રે સુર ગુરુ, જળબંબારણ હોય;
કર્મસંયોગે શનિ મળે, તો તે જીવે જવલ્લે હોય. ૪
કૃત્તિકા કરશે કરવરૂં રોહિણી કરે સુકાળ;
કર્મયોગ મૃગશર મળે, નિશ્ચય પડે દુકાળ. ૫
શ્રાવણ શુકલા સપ્તામી, સ્વાતિ ઊગે સૂર;
પર્વત કોરી ઘર કરો, પાદર વહેશે પૂર. ૬
શ્રાવણ પહેલાં પાચ દિન, મેહ ન માંડે આપ;
પિયુ પધારો માળવે, અમે જઈશું મોસાળ. ૭
પૂરવ તાણે કાચબી, જો આથમતે સૂર;
ભડલી વાક્ય એમ ભણે દૂધે જમાડું ક્રૂર. ૮
જેઠ ગયો અષાડ ગયો, શ્રાવણિયા તું જા;
ભાદરવો ભલ રેલશે, છઠ્ઠે અનુરાધા. ૯
દિવા વીતી પંચમી, જો હોય વરૂવે વાર;
ધન કણ રાખી સંઘરો, કહું છું સૌ નરનાર. ૧૦
મારવાડ મરકી થશે, દક્ષિણમાં ઉત્પાત;
પૂર્વે વિગ્રહ જાગશે, ખળભળશે ગુજરાત. ૧૧
સ્વાતિ દીવા જો બળે, વિશાખા એલે જાય;
રાણીજાયો રણ ચડે, કે પૃથ્વી પ્રલય થાય. ૧૨
કાર્તિક સુદિ એકાદશી, વાદળી વિજય હોય;
અષાડે ભડલી કહે, વરખા સારો જોય. ૧૩
કાર્તિક સુદિ પૂર્ણિમા, જો કૃત્તિકા કહી હોય;
તેમાં વાદળ વીજથી, જોગ જોગ શું જોય ? ૧૪
કાર્તિક પૂનમ કૃત્તિકા, અદકી હોવે જેમ;
પળો વધે જે વર્ષમાં, ભારે વરખા તેમ. ૧૫

।। ભડલીવાક્યો અને અર્થ ।।

સાખી -

નામ ગણાવે ગરભનું, જોયે એમ સહદેવ;
ગરભ કહે તે જાણજો, માસમાસમાં એવ.
વાદળ વાયુ વીજ વરસંત, કડકે ગાજે ઉપલ પડંત;
ધનુષ અને પરિવેશે ભાણ, હિમ પડે દશ ગરભ પ્રમાણ.

અર્થ -

કારતક-માગશરથી વરસાદનો ગર્ભ બંધાવવા લાગે છે. એ ગર્ભનાં લક્ષણો જોઈને ૧૩૫ દિવસ બાદ ક્યારે કેટલો વરસાદ ચોમાસામાં થશે કે નહિ થાય તે કહી શકાય છે. વાદળ, વાયુ, વીજળી, વરસાદ, આકાશના કાડાકા, ગર્જના, ઝાકળ પડવું, મેઘધનુષ, સૂર્ય પર મંડળ થવું અને હિમ પડવું એ દશ લક્ષણ વરસાદના ગર્ભનાં છે.

ચોપાઈ -

કાર્તક સુદ બારસે દેખ, માગશર સુદ દશમી તું પેખ,
પોષ સુદ પાંચમ વિચાર, માઘ સુદિ સાતમ નિરધાર;
તે દિન જો મેઘો ગાજંત, માસ ચાર અંબર વરસંત.
ફાગણી પાંચમ ચૈત્રી ત્રીજ, વૈશાખી પડવો ગણી લીજ;
એહ દિન જો ગાજે મેહ, લાભ સવાયો નહિ સંદેહ.

અર્થ -

કારતક સુદિ બારસ, માગશર સુદિ દશમ, પોષ સુદિ પાંચમ અને મહા સુદિ સાતમે જો મેઘ ગાજે તો ચોમાસામાં ચારે માસ વરસાદ થાય. તેવી જ રીતે ફાગણની પાંચમ, ચૈત્રની ત્રીજ અને વૈશાખના પડવાને દિવસે મેઘ-ગર્જના થાય તો વરસાદનો ગર્ભ બંધાયો એમ સમજવું. આ તિથિઓ મારવાડી મહિના પ્રમાણે કૃષ્ણપક્ષની સમજવી. જેવી રીતે વરસાદનો ગર્ભ બંધાય છે, તેવી જ રીતે અમુક કારણો પેદા થતાં તે ગળી પણ જાય છે. તે વિષેની વિગતો માસવાર ભડલીનાં વાક્યોમાં આપી છે.

।। પોષ માસ માટે ભડલી વાક્ય ।।

પોષ સુદિની સપ્તમી ને આઠમે ગાજ.
ગર્ભ હોય તે જાણજો, સરશે સઘળાં કાજ

અર્થ -

પોષ સુદિ સાતમ અને આઠમે મેઘ ગાજે તો ગર્ભ બંધાયો સમજવો અને તેનાથી સઘળાં કાર્ય સિદ્ધ થશે – ચોમાસામાં સારો વરસાદ થશે. પોષ વદિ સાતમે વાદળ હોય પણ વરસાદ ન થાય તો શ્રાવણી પૂનમે ચોક્કસ વરસાદ થાય. પોષ વદિ દશમે વાદળ અને વીજળી થાય અને પોષ વદિ તેરસે ચારે તરફ વાદળ થાય તો શ્રાવણની પૂનમ તથા અમાસે સારો વરસાદ થાય. પોષની અમાસે મૂળ નક્ષત્ર હોય અને ચારે તરફથી વાયુ વાય તો જરૂરથી છાપરાં બાંધી લેવાં; કારણ કે ખૂબ વરસાદ પડશે. પોષની અમાસે શનિ, રવિ કે મંગળ આવે તો અનાજ બમણું, ત્રમણું અને ચારગણું મોંઘું થાય. સોમ, શુક્ર અને ગુરુ હોય તો લોકો સુખી થાય. ધનનો સૂરજ હોય ત્યારે મૂળ વગેરે નવ નક્ષત્રોમાં વાદળ થાય તો ચોમાસે વરસાદ સારો થાય એમ સમજવું. પોષ માસમાં વીજળીઓ થાય, મેઘ ગાજે અને વરસે તો વરસાદનો ગર્ભ બંધાયો તેમ જાણવું. પોષની પૂનમે મેઘ ગાજે અને આકાશમાં વીજળીઓ ઝબૂકે તો ભડલી કહે છે કે, માત્ર બીજનો જ સંઘરો કરો. અર્થાત વરસ સારું પાકશે.

।। નક્ષત્રવિચાર ।।

ચોપાઈ -

અશ્વિની ગળતાં અન્નનો નાશ,
રેવતી ગળતાં નવ જળ આશ;
ભરતી નાશ તૃણનો સહી,
વરસે જો કદી કૃતિકા નહીં.

અર્થ -

અશ્વિનીમાં વરસાદ પડે તો અન્નનો નાશ થાય અને રેવતીમાં પડે તો પાણીની આશા ન રાખવી. ભરણીમાં વરસાદ પડે તો ઘાસનો નાશ થાય. પણ કૃત્તિકા નક્ષત્ર ન વરસે તો જ આ ખરાબ ફળ મળે છે. જો કૃતિકામાં વરસાદ પડે તો અગાઉનાં ત્રણે નક્ષત્રોના દોષ મટી જાય છે. કૃતિકામાં છાંટા થાય તો કલ્યાણકારી ગણાય છે. ભરણીમાં વરસાદ પડે તો તે બહુ ખરાબ ગણાય છે. કહેવત છે કે : ‘જો વરસે ભરણી તો નાર મેલે પરણી’ ભરણી વરસે તો એવો ભયંકર દૂકાળ પડે કે ખુદ સ્વામી સ્ત્રીને ત્યજીને જતો રહે. કૃત્તિકા નક્ષત્રમાં માત્ર વીજળીનો એક ઝબકારો થાય તો પણ આગલાં ત્રણ નક્ષત્રના દોષ મટી જાય છે, એવી પણ રાજસ્થાનમાં કહેવત છે.

।। હોળીના પવન વિશે ।।

ફાગણ સુદિ પૂનમે હોળીના સમયે હોળીની વચ્ચે ધજા રોપીને પવન જોવાનો રિવાજ પરાપૂર્વથી છે. તે પવન ઉપરથી સુકાળ કે દુકાળનું સૂચન ભડલી નીચે પ્રમાણે કરે છે.

ચોપાઈ -

હોળી દિનનો કરો વિચાર, શુભ અને અશુભ ફળ સાર;
પશ્ચિમનો વાયુ જો વાય, સમય એ જ સારો કહેવાય.
વાયુ જો પૂરવનો વાય, કોરો ને કંઈ ભીનો જાય;
દક્ષિણ વાયુ ધનનો નાશ, એ સમય ન ઊપજે ઘાસ.
ઉત્તરનો વાયુ બહુ હોય, પૃથ્વી પર પાણી બહુ જોય;
જો વંટોળો ચારે વાય, પ્રજા દુ:ખમાં ઝૂરે રાય.
જો વાયુ આકાશે જાય, પૃથ્વી રણસંગ્રામ બતાય;
ફાગણની પૂનમને દિન, હોલી સમયે પારખ કીન.

અર્થ -

હોળીના દિવસના પવન ઉપરથી શુભાશુભ ફળનો વિચાર કરવો. જો પશ્ચિમનો વાયુ વાતો હોય તો તે ઉત્તમ ફળ આપનારો જાણવો. જો પૂર્વનો વાયુ હોય તો વરસ કાંઈક સૂકું અને કાંઈક વરસાદવાળું નીવડે. દક્ષિણનો વાયુ હોય તો પશુધનનો નાશ થાય અને ઘાસ બરોબર ન થાય. ઉત્તરનો પવન હોય તો બહુ વરસાદ થશે એમ જાણવું. પવન ચારે તરફ ઝંકોરાય તો પ્રજા દુ:ખી થાય અને રાજા ઝૂર્યા કરે. જો પવન આકાશ તરફ જાય તો પૃથ્વી પર યુદ્ધ થાય.

।। મેઘ આવવાનાં લક્ષણો ।।

શુક્રવારી જો વાદળી, રહે શનિશ્ચર છાય,
ભડલી તો એમ જ ભણે, વિણ વરસે નવા જા

શુક્રવારનાં વાદળ શનિવાર સુધી આકાશમાં છવાયેલાં રહે તો ભડલી કહે છે વરસ્યા વગર ન રહે.

ઉત્તર ચમકે વીજળી, પૂરબ વાયુ વાય,
હું કહુ તુજને ભડલી, બરધા ભીતર લાય.

ઉત્તરમાં વીજળી સળાવા લેવા માંડે અને પૂર્વ દિશાનો વાયરો વાય તો ભડલી કહે છે બળદોને કોઢમાં બાંધો તુરત જ સારો વરસાદ થશે એની એ એંધાણી છે.

પિત્તળ કાંસા લોહને, જે દિન કાળપ હોય,
ભડલી તો તું જાણજે, જળધર આવે સોય.

પિત્તળ અને કાંસના વાસણો કાળાં પડવા માંડે, લોઢું કટાવા માંડે ત્યારે જાણવું કે હવે વરસાદ આવવાની તૈયારીમાં છે.

જળચર જળ ઉપર ભમે, ગો નભભણી જોવંત,
ભડલી તો એમ જ ભણે, જળઘર જળ મેલંત.

જળચર પક્ષીઓ જળ ઉપર ભમતાં (ઉડતા) જણાય, ગાયો ઉંચા મોઢાં કરી ને આકાશભણી જોતી જણાય તો નક્કી માનવું કે મેઘરાજા પધરામણી કરી રહ્યા છે.

હોય પાણી કળશ્યે ગરમ
ઈંડાળી કીડી દીસે તો વરષા બહુ થાય.

પાણી પીવાના કળશ્યામાં પાણી ગરમ થઈ જાય, આંગણાની ચકલીઓ પાંખો ફફડાવીને ઘૂળમાં ન્હાવા માંડે, કીડીઓ ઈંડા લઈને દોડતી જણાય એ ભારે વરસાદ આવવાનાં ચિહ્નો છે એમ ભડલી ભણે (કહે) છે.

પવન થાક્યો તેતર લવે, ગુડ રસીદે નેહ,
ભડલી તો એમ જ ભણે, એ દિન વરસે મેહ.

વહેતો પવન પડી જાય, તેતર પક્ષીઓ ટોળે મળી કળાહોળ કરી મૂકે. ઘરમાં મૂકેલા માટલાના ગોળમાં ચીકણી રસી થાય એ વરસાદ આવવાની એંધાણી ગણાય.

બોલે મોર મહાતૂરો, હોયે ખાટી છાશ,
પડે મેઘ મહી ઉપરે, રાખો રૂડા આશ.

ઝાડ માથે બેસેલા મોરલા આકાશી વાદળાં ભાળીને ડોકના ત્રણ ત્રણ કટકા કરીને મે...આવ મે...આવ મે...આવ કરતાં બોલવા માંડે. દોણાંમાં પડેલી મોળી છાશ ખાટી તૂર થઈ જાય એ એવી આશા આપે છે કે હવે મેધરાજાના મંડાણ થઈ રહ્યા છે.
સ્વ. શ્રી દુલેરાય હાકાણીએ કચ્છી બોલીનું એક ભડલી વાક્ય આ મુજબ નોંઘ્યું છે.

કારી ક્કરમેં આથમે, રતી પ્રો વિહાય,
ભડલી એ સંસારમેં પાની ન સમાય.

અર્થ –

કાળાડિબાંગ વાદળાની વચ્ચે સૂરજ મહારાજ આથમી જાય અને વહેલી સવારના રતુંબળા આભમાંથી સૂરજ કોર કાઢે તો પૂર આવે કે પ્રલય થાય એટલો ભારે વરસાદ વરસે.

રવિ આથમતે ભડ્ડલી જો જલબુંદ પડંત,
દિવસ ચોથે પંચમે, ઘન ગાજી બરસંત.

દિવસ આથમવાની વેળાએ જો છાંટા શરૂ થાય તો ચોથે કે પાંચમે દિવસે વરસાદ થાય.

।। અનાવૃષ્ટિનાં લક્ષણો ।।

ભડલી, ઉપરના લક્ષણો વૃષ્ટિ-વરસાદ થવાના જણાવે છે એમ એણે અનાવૃષ્ટિની પણ વરતારા આપ્યા છે. જેમકે -

સાવન વહે પૂરબિયા, ભાદર પશ્ચિમ જોર,
હળ-બળદ વેચીને કંથ ચલો કઈ મેર.

જો શ્રાવણ મહિનામાં પૂર્વનો વાયુ અને ભાદરવામાં પશ્ચિમનો વાયુ જોરથી વાય છે. હે કંથ! હળ-બળદ વેચીને પેટિયું રળવા દૂર દેશાવર જતાં રહીએ. અહીં આ વરસે કાળઝાળ દુકાળ પડશે.

ઊગે સૂર્ય પશ્ચિમ દિશા, ધનુષ ઊગતો જાણ,
તો દિન ચોથે પાંચમે રુંડમુંડ મહિ માન.

સૂર્ય ઊગતાં જ પશ્ચિમ દિશામાં મેઘધનુષ રચાય તો થોડા સમયમાં ધરતી રુંડમૂંડથી ભરાઈ જાય. ભયંકર દુષ્કાળ અને ભૂખમરાની આગાહી આ સાખી આપે છે.

પ્રાતઃ સમે ઠર ડબરા, રાત્રી ઊજળી હોય,
સૂર્ય તપે બે પહોરમાં, દુકાળ તો તું જોય.

સવારના પહોરમાં વાદળ ઘેરાય. રાતવરતના તારા કાઢે અને બપોર પછી સૂર્ય તપે એને દુકાળની નિશાની ગણવી.
ભડલી વાક્યોની સાખીઓ ઉપરાંત વર્ષાના વરતારા આપતી કહેવતો પણ લોકસાહિત્યમાં અને લોકકંઠેથી સાંપડે છે ઉ.ત.

દિવસે કરે વાદળાં, રાતે કાઢે તારા,
ખરા બપોરે છાંટા ને અગનોતરાના ચાળા.

સંવત ૧૮૬૯માં દુકાળ ટાણે આવા લક્ષણ જોવા મળેલા તેના પરથી આ કહેવત આવી હોવાનું મનાય છે. નક્ષત્રો સાથે વરસાદ જોડાયેલો છે તેવું અનુભવીઓ કહે છે.
આ રહી એનું પ્રમાણ આપતી કહેવતો -

જો વરસે આદ્રા (નક્ષત્ર) તો બારે માસ પાધરા.
જો વરસે ઉત્તરા તો ધાન ખાય કૂતરાં.
જો વરસે મધા તો થાય ધનનના ઢગા.
જો વરસે પૂર્વા તો લોક બેસે ઝૂરવા.
જો વરસે હસ્ત તો પાકે અઢારે વસ્ત.
હાથિયો વરસે હાર, તો આખું વરસ પાર.
જો વરસે હાથિયો તો મોતીએ પુરાય સાથિયો.

હાથિયો એટલે હસ્ત નક્ષત્ર, ગુજરાત સૌરાષ્ટ્રમાં હાથિયાની વૃષ્ટિ ખૂબ જ મહત્વની મનાય છે.

દિવસે ગરમી રાતે ઓસ,
કહે ધાધ વર્ષા સો કોસ.

આજે પૃથ્વી પરનું વાતાવરણ - પર્યાવરણ બદલાયું હોવા છતાંય આટલાં વર્ષો પછી પણ ભડલી વાક્યો પરનો લોક વિશ્વાસ જરા પણ બદલાયો નથી.
☆ ભડલી કોણ અને કયાંના હતા ? એ કોઇ નક્કર જાણ માં નથી પણ એમનાં આ વાક્યો ખેડૂતો ના હ્રદય માં વસે છે.

સંદર્ભ:

  1. 1. ભડલી વાક્યો.
  2. 2. ભગવદ્ગોમંડલ.

ડો. દેવેન્દ્રકુમાર નવનીતલાલ જોષી, મું. ઝીંઝુંવાડા તા. પાટડી, જિ. સુરેન્દ્રનગર. પીન. 382755, મો. 9879831524, ઇમેઇલ – devendrajoshi2009@gmail.com