હલ્લો, માય હાઇનેસ !


નાટક હોવા, ન હોવાની વાર્તા.

નીતિન ત્રિવેદીની ટૂંકી વાર્તા- ‘હલ્લો, માય હાઇનેસ !’ એમાં આલેખાયેલ રજવાડી ઠાઠ-માઠ અને એની પાછળ રહેલી કરુણાના કારણે વાર્તાને અનેરું પરિમાણ સાંપડે છે. ટૂંકી વાર્તામાં અનિવાર્ય એવું ઉત્કણ્ઠ રાખનારી ગતિ અને મનોસંઘર્ષ કલાત્મક રીતે આલેખાયા હોવાથી વાર્તા ચિત્ત પર છાપ છોડનારી બને છે.

આ વાર્તાનો નાયક છે- રાજદેવ. રાજદેવ આમ તો કંઈ નથી, અને આમ મળતો આવે છે નાર્સિસને. સોહામણો અને પોતાનામાં જ ડૂબી ગયેલો. વાર્તા બાહ્ય અને આંતર પટ પર, એમ સમાન્તરે બે પ્રવાહમાં ગતિ કરે છે. પણ આ રાજદેવ નાર્સિસ નથી, એ પોતાની ચેષ્ટાઓને સમજે છે, પોતાની નબળાઈને સમજયા પછી પણ છોડી ન શકે એવી સ્થિતિ એ એની નિયતી છે. જિંદગીની વધુ વિગતો ટૂંકી વાર્તામાં જરૂરી પણ નથી. છે પણ નહી, જે કંઈ વિગત મળે છે તે છે એક નાટક, ‘ના, આ નાટક નથી’માં કામ કર્યું હતું ત્યારે એમાં હિરોઈન થયેલી પન્ના એમના ચિત્તમાં વસી ગઈ છે. પણ એ એ જ નાટકમાં સાથે કામ કરતાં મિત્ર અનુપને ચાહે છે ને એની સાથે લગ્ન કરીને વિદેશ- બ્રિએટલમાં જઈ વસી. રાજદેવ એની યાદમાં લગ્ન કરતા નથી.- બસ ફલેશબેકની વિગત આટલી. વર્તમાન સાવ કંડમ હાલતનો છે- એ વાસ્તવિકતાથી ઉપર ઊઠીને આ અભિનેતા રાજદેવ કોઈ રાજવંશીના ઠાઠ સાથેનો અભિનય વાસ્તવ જીવનમાં કરીને આત્મરતિમાં સરે છે. આ જ રસ્તો કેમ સ્વીકાર્યો એના કોઈ કારણો મળતા નથી એટલે એ રીતે દોર વાર્તાકારે પોતાના હાથમાં રાખ્યો છે.

આમ હવે ત્રણ સ્થિતિ આપણી સામે આવી

  1. ૧. પોતાનો રેગ્યુલર પી.એ. રજા પર હોવાથી ધીરેનકુમારની સેવા લેતા આ રાજવી પુરુષનો ઠસ્સો, વાત કરવાની સ્ટાઈલ, રોફ અને સાથો સાથ વર્તમાન સમયે રાજવંશીઓની માનસિકતાથી પર થઈને કોમનમેન બનવા મથતો તેજસ્વી-વીચારક રાજવંશી લાગે છે.
  2. ૨. ભૂતકાળમાં નાટ્ય મંડળીમાં રહીને એક નાટ્યમાં માત્ર જીવન્ત અભિનય નહીં પણ ખરેખર નાયિકાના પ્રેમમાં પડતો યુવાન રાજદેવ.
  3. ૩. વર્તમાન સમયે નથી નોકરી, નથી જીવનમાં છોકરી, મામાના ઘરમાં રહેવા મળ્યું છે, અને જૂની નાટ્યમંડળી વખતનો સરસામાન એને રાજવંશીનો અભિનય કરવામાં સહાયરૂપ થાય છે - બાકી કડકા જેવી હાલત છે.
વાર્તાનો આરંભ જ સભાન વાચકને સાશંક કરી નાંખે જૂઓ- ‘આછા સફેદ રંગનું ચૂડીદાર, રેશમી ઝભ્ભો અને એના પર જૅકેટ લગાવી, વગે શાહી મોજડી પહેરી રાજદેવ પૂરા કદના આયના સામે ઊભા રહ્યા. ગળે વજનદાર ગોલ્ડન ચેઈન ધારણ કર્યો. મોબાઈલ ફોન જૅકેટના એક પૉકેટમાં ભરાવ્યો. બીજા પૉકેટમાં મૉબ્લા પેન ભારાવી. પછી પગથી માથા સુધી એ પોતાના પ્રતિબિંબમાં નીરખતા રહ્યા. પછી હળવેથી એમને જમણો હાથ ઊંચો થયો. હાથ સહેજ ઝાટકીને સલામી કરી. ને એ રાજદેવાના મોંમાંથી શબ્દો સર્યા- ‘હલ્લો, માય હાઇનેસ...’

આ સંકેત પાછળ જતાં વિસ્તરે છે. રિયલ રાજવંશી અને આ રાજપુરુષમાં કશુંક તો છે-ની બૂ આ વાર્તાને ગતિ આપનારી નીવડે છે. રેગ્યુલર સેક્રેટરી એસ.કુમારની ગેરહાજરીમાં રોજમદાર તરીકે આવેલ ધીરેનનું પાત્ર હાઇનેસની રેખાઓ ઉપસાવવામાં ઉપકારક નીવડે છે.

સુજાતાના આવ્યા પછી ચાલતી વાતો વાર્તાને શિથિલતા આપનારી જણાય. આ મુલાકાત છાપવાની નથી, આ મુલાકાતનો હેતુ પણ કોઈ વિશેષ નથી. કોઈ ગંભીર પ્રશ્નો નથી, નથી તો કોઈ ઉદ્દેશ- એટલે બસ એમ જ ચાલ્યા કરે છે. હા, રાજદીપના સંવાદોમાં રાજવંશીઓની અવળચંડાઈ, એમની આપવડાઈ આદિ પ્રગટ થાય છે પણ સાથો સાથે એ રાજવંશીઓની વાસ્તવિકતા જાણે છે અને સભાન પણ છે. એટલે વાર્તા ફંટાઈ જવાની શક્યતાઓ ઊભી થાય છે. કે.વી.યાદવ અને સુદામા, એમ.એ. એટલે મા, આદિ સંવાદો ઠાલા ઠાલા અને આયાસી જણાય એવા બનવા જાય છે પણ લેખક દોર સંભાળી લે છે. અમેરિકાના બ્રિએટલ સિટીમાં આવેલ ભૂકંપની વાત વાર્તાની દિશાને ફંટાવનારી નીવડે છે.

આ ત્રણેય સ્થિતિને લેખકે પોતાની વાર્તાકલા દ્વારા ટૂંકી વાર્તાના મર્યાદિત પટમાં સરસ રીતે આલેખી આપી છે- તે આ વાર્તાનો મુખ્ય વિશેષ છે. ઘણી જગ્યાઓ એવી છે જયાં વાર્તાકાર માટે લપસણી જગ્યા હતી, એવી જગ્યાએ એમની સર્જકતાએ બચાવી લીધા છે ને વાર્તાના રચનાબંધને હાનિ પહોંચવા દીધી નથી.

આખીએ વાર્તામાં જે પ્રકારના આઝાદી પછીના રાજવંશીઓની હાલત છે એ ઉપસાવવા સાથે, એને જરાં પણ ટાર્ગેટ રાખ્યા વિના એક યુવાનની માનસિકતાને બરાબરની ઉપસાવી આપી છે. ખોટી માન્યતામાં જીવવું- એ સભાન હોય તેને ન જ ગમે. પણ એ પછીએ પોતે એમ જીવ્યા વિના ન રહી શકે એવા સંજોગોની લાચારી ઉપસાવવાનો પ્રયાસ આ વાર્તામાં કર્યો છે.

વાર્તાની ભાષા પણ આગવી રીતે આલેખાઈ છે. અંગ્રેજોની અસર પછીના રજવાડાઓમાં બોલાતી મિક્સ ભાષા, માન-પાન સાથેનું એક ગરીમાપૂર્ણ વાતાવરણ સર્જી આપતી વિશિષ્ટ ભાષા અહીં વાર્તાને મજબૂત બનાવે છે. પાત્રો ત્રણ જ છે. રાજદીપ, મળવા આવી તે પત્રકાર સુજાતા અને સેક્રેટરીની અવેજીમાં રોજમદાર તરીકે આવેલો ધીરેન. ઘટનાઓ અને ઈન્ટર્વ્યુ સંદર્ભે થતાં સંવાદોમાં પણ લાઘવ ખાસ્સુ છે. નાટકમાં નાટકની ડિવાઈસનો સીધો પ્રયોગ તો લેખકે નથી કર્યો પણ આછોપાતળો ઉપયોગ એમને વાર્તાને ખુલ્લી રીતે કહેવામાં ખેંચી ગઈ છે. એમને આ વાર્તા દ્વારા જે કહેવું છે તે એમના જ શબ્દોમાં- ‘આ પન્ના...પન્નાને ન કહી શક્યો કે ના, આ નાટક નથી. ને આ સુજાતા...એને કહી શકતો નથી કે હા, નાટક છે’- બસ, આખીએ વાર્તા આ વાક્યનો વિસ્તાર છે.

વાર્તાની મર્યાદાઓ તરફ ધ્યાન દોરું તો વાર્તાના અંતે જતાં રાજદીપને ભલે પત્રકાર સુજાતામાં રસ પડ્યો હોવાનું દર્શાવાયું હોય પણ એ કશુંય તાર્કિક ભાસતું નથી. રાજદીપ જો સભાન-વિચારક અને ધુતારો નથી- એવો જ આકારિત કરવો હોય તો એ પોતે આવો માહોલ રચીને પત્રકાર સુજાતા જેવી સ્ત્રીને જૂઠના બળે ક્યાં સુધી ઠગી શકવાનો હતો... એ પ્રશ્ન થાય છે. વર્ષો પહેલા પન્ના છોડી ગઈ એ આઘાતરૂપ ઘટનાના કારણે એની આ વર્તમાન સ્થિતિ છે ! નોકરી નથી એ માટે કોઈ જવાબદાર ખરા કે પોતે જ ? પોતે રજવાડી ઠાઠમાઠ દેખાડે છે શા માટે એનું દેખીતું કોઈ કારણ પણ અહીં મળતું નથી. હાઇનેસ બની રહેવામાં એ માત્ર મન મનાવી શકે, બીજું કંઈ ન થાય- એ સમજે એટલો વિચારશીલ હોવા છતાં એની એવી કઈ મજબૂરી છે કે એણે આવી જૂઠી રીત-રસમ અપનાવીને રહેવું પડે છે ? સુજાતા કે અન્ય કોઈ સ્ત્રી મેળવવા ઈચ્છતો હોય તો પણ આ રસ્તે કઈ રીતે શક્ય બનશે ? એવી ચિન્તા ભાવક અને સૌ કોઈને થાય.

સમગ્ર રીતે જોઈએ તો સ્વરૂપ, સંવાદો, વાતાવરણ, આરંભ અને અંતની રીતે આ રચના સરસ રીતે સંઘેડાઉતાર લાગે.

ડૉ. નરેશ શુક્લ, ગુજરાતી વિભાગ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત-395007