આત્મકથામાં વિશેષ 'મારી હકીકત'

પૂર્વમાં પ્રભાત ઉગે અને તેનો ઉજાશ ચારેય દિશામાં પ્રસરી જાય, તેમ નર્મદ નામનો સૂર્ય સાહિત્ય ક્ષેત્રમાં ઉગ્યો અને તેનો ઉજાશ આજદિન સુધી પાથરી રહ્યો છે. સાહિત્ય સર્જનની મૂલવણી કરવાની હોય તો જે તે સર્જકનાં સમય સંદર્ભ ને ધ્યાનમાં લેવો પડે પરંતુ નર્મદ એવા સર્જક હતાં જે પોતાના સમય અને તેના સંદર્ભ ને ઘણે અંશે અતિક્રમી જઈ શક્યા હતાં. આવા અતિક્રમી જનાર સર્જકો વિરલ હોય છે.

મધ્યકાળના મુખ્યત્વે ધર્મપરાયણ સાહિત્યથી વેગળા જઈ નર્મદે સાહિત્યની રચના કરી. નર્મદના સાહિત્ય સર્જનથી ગુજરાતી સાહિત્યમાં રીતસરના અર્વાચીન યુગનો આરંભ થાય છે. નર્મદનો આ પુરુષાર્થ પ્રશંસાને કાબિલ છે. નર્મદે એના જીવનનાં પડકારભર્યા સમયે અનેક નવપ્રસ્થાનો આદર્યા હતા. નર્મદ અર્વાચીન ગુજરાતી સાહિત્યના પ્રથમ કવિ, ગદ્યકાર, નાટ્યકાર, નિબંધકાર, કોશકાર, વ્યાકરણવિદ, વિવેચક, ઈતિહાસવિદ, ધર્મચિંતક, પત્રકાર, પિંગળકાર, આત્મકથાકાર, મહાકાવ્યનો પ્રયોગ કરનારો તથા એને અનુરૂપ છંદની શોધ કરનારો પણ પ્રથમ નર્મદ જ હતો.

આજે આપણે ‘આત્મકથા’ ક્ષેત્રે નર્મદના પ્રદાનની વાત કરવા જઈ રહ્યાં છીએ.

અન્ય સાહિત્ય સ્વરૂપોની માફક આત્મકથા પણ પશ્ચિમમાંથી ઉત્પન્ન થઈને વિકાસ પામેલું સાહિત્ય સ્વરૂપ છે. ઈ.સ.૧૬૮૩ માં જહૉન ડ્રાયડન સૌપ્રથમવાર ‘biography’ સંજ્ઞા પ્રયોજી હતી. જેમાં એણે સમસ્ત ચરિત્રસાહિત્યનો સમાવેશ કર્યો છે. ઈ.સ.૧૮૭૩માં સ્ટુઅર્ટ મીલની ‘My Autobiography’ પ્રગટ થતાં આત્મકથા સાહિત્યની આરંભકાળની મહત્વની કૃતિ બની રહે છે.

આત્મકથા પ્રકારનાં લખાણનો પ્રયત્ન દુર્ગારામ મહેતાજી પાસેથી મળે છે. પરંતુ તે લખાણ પાછળ કોઈ સભાન ઉદ્દેશ જણાતો નથી. નર્મદે આત્મકથા લેખનની કરેલી શરૂઆત પશ્ચિમી શિક્ષણ સંસ્કારની દેન હતી. આપણને ગુજરાતી સાહિત્યનું આત્મકથા સ્વરૂપનું સાહિત્ય સહુપ્રથમવાર ‘નર્મદ’ પાસેથી મળે છે. ઈ.સ. ૧૮૬૬ માં ગુજરાતી સાહિત્યનું પ્રથમ આત્મકથાનાત્મક લખાણ મારી હકીકત રૂપે બહાર આવે છે.

‘મારી હકીકત’ નાં લખાણમાં નર્મદ સ્પષ્ટ રીતે પોતાની આત્મકથાનાં પ્રયોજન મૂકી આપે છે. આમ, લેખનની શરૂઆતમાં જ સ્પષ્ટતા જેવાં ગુણની ઝાંકી થઇ જાય છે. તેઓ પોતાના પ્રયોજન આ પ્રમાણે મૂકી આપે છે.

 1. ૧. ‘ આ હકીકત લખું છું તે કોઈને માટે નહીં પણ મારે જ માટે- મારે માટે પણ તે, ઓળખાવીને નહીં ( ઓળખાઇ ચુક્યો છે) દ્રવ્યપદિ મેળવવાને નહીં, પણ ભૂતનું જોઈ ભવિષ્યમાં ઉત્તેજન મળ્યા કરે તેનાં માટે’
 2. ૨. ‘ પોતાની હકીકત પોતે લખવી એવી ચાલ આપણામાં નથી, તે નવી દાખલ કરવી.’
 3. ૩. ‘મને પણ માલમ પડે કે આ ખરું ને તે ખોટું.’
 4. ૪. ‘મૂવા પછી કેટલીક હકીકતો મળતી નથી.’ એ સુલભ કરી આપવી.

પ્રયોજન સ્પષ્ટ કરી આપ્યા પછી નર્મદ પોતાના આ પ્રયાસને ‘ખરડા’ તરીકે ઓળખાવતા કહે છે કે ‘ આ હકીકત અધૂરી ને ખરડો છે, એમ સમજવું. અધૂરી એટલા માટે કે કેટલીક વાત મારા સંબંધમાં આવેલા એવા લોકના મન દુઃખવવાને અને મારા કુંટુંબ સંબંધીઓને નુકશાન પહોચાડવાને હાલ લખવી હું ઘટીત ધારતો નથી. (મારે માટે હું થોડી જ દરકાર રાખું છું.) ખરડો એટલા માટે કે અજાણપણું અને ઉતાવળ (તરત લખાય છ અને તરત છપાય છ) એ બે ને લીધે વેળાયે ગમે તે લખાય જે આગળ ખોટું ઠરે.’

આશયો સ્પષ્ટ કર્યા પછી નર્મદ જાણે કે લોક અદાલત સામે પ્રતિજ્ઞા લેતાં હોય એમ કહે છે કે , ‘તો પણ, આ હકીકતમાં જે લખવાનું ઘટતું નહી જ વિચારું તે તો હું નહી જ લખું, પણ જે જે હું લખીશ તે તો મારી જાણ પ્રમાણે સાચેસાચું જ લખીશ, પછી તે મારા માટે સારું સારું હોય કે નરસું હોય, લોકોને પસંદ પડે કે ન પડે.’

આત્મગૌરવ, સ્વમિજાજ અને આંતરવિવેકને નર્મદે આ સ્વરૂપ સાથે સાંકડીને આપણી ભવિષ્યની આત્મકથા લેખન પ્રવૃત્તિને કેટલાક મૂલ્યવાન ધોરણો પુરા પાડ્યાં છે.

‘મારી હકીકત’ ને નર્મદે દસ વિરામોમાં વહેંચી દિધી છે. પહેલાં વિરામમાં જન્મ, ગોત્ર અને જ્ઞાતિની વિગતો આપે છે. બીજાં વિરામમાં વડીલો અને માતાપિતા વિષેનો પરિચય મળે છે. ત્રીજા અને ચોથા વિરામમાં શૈશવ અને શાળા, કોલેજ જીવનની માહિતી છે. નર્મદે પહેલા બે વિરામોને બાદ કરતા બાકીના વિરમોમાં તુટકતુટક રૂપે નોંધો મૂકી છે. નર્મદ પોતે કરેલા ચિંતામણીપિંગળ, ‘સુંદર શૃંગાર’, ‘ભાષાભુષણ’ આદિ ગ્રંથોના અભ્યાસની વાત છે. આઠમાં વિરામમાં આવતો મહારાજ જદુનાથજી સાથેનો પ્રસંગ નર્મદજીવની સંઘર્ષની પરાકાષ્ઠા છે.

‘મારી હકીકત’ માં ચરિત્ર ચિત્રણો પણ ગુજરાતી સાહિત્યને એક ઉદાહરણ પૂરું પાડે છે. દલપતરામ, કરસનદાસ આદિ વ્યક્તિ ચરિત્રો આ આત્મકથાનું મહત્વનું અંગ બની રહે છે. આ ઉપરાંત નર્મદાના સંપર્કમાં આવેલી અનેક નાની-મોટી વ્યક્તિઓના ચરિત્રોની રેખાઓ અહીં છે.

આત્મકથા જે તે સમયનો દસ્તાવેજ બનવાની ક્ષમતા ધરાવતી હોય છે એ વાતની પ્રતિતી નર્મદની ‘મારી હકીકત’ માં સાબિત થાય છે. દસ્તાવેજી પુરાવા ક્ષેત્રે આવનાર પેઢી અને ગુજરાતી સાહિત્ય માટે પણ તેની આત્મકથા આત્મકથાક્ષેત્રે પ્રેરણાદાયી બની રહે છે. ‘મારી હકીકત’ માં તત્કાલિન, ધાર્મિક, સાંસ્કૃતિક, રાજકીય, સામાજિક પરિસ્થિતિનું બયાન મળે છે. તે સમયે સ્ત્રીઓની સ્થિતિ સામાજિક રૂઢિઓ, જોહુકમી, જ્ઞાતિભેદ આદિ માહિતીઓ મળી રહે છે. મુંબઈ-સુરતમાં શેરબઝાર પાછળ ઘેલા બનતા લોકો સુરતથી સાગરવટા મારફતે ભાવનગર પહોંચવાની, વિગતો, ડભોઈના ભૌગોલિક પરિવેશ અને હીરભાગોળ સાથે એ હીરો સલાટનને જોડીને ઈતિહાસ અને દંતકથાનો સમન્વય કરે છે. આમ, દસ્તાવેજી નિરૂપણ મળી રહેતાં મારી હકીકતનું મૂલ્ય વધી જાય છે. સાથે આવનાર ગુજરાતી સાહિત્યને દસ્તાવેજી માહિતીની નક્કરતાનાં મૂલ્યો સાથે પરિચિત કરાવે છે.

રચના પૂરી કરતાં દસમાં વિરામમાં નર્મદ લખે છે :-
"ઉપર પ્રમાણે ૩૩ વરસની મારી હકીકત છે, પ્રીતિમૈત્રી સંબંધી, દ્રવ્ય સંબંધી, ધર્મ સંબંધી, સુધારા સંબંધી કરેલા વિચારો તથા કરેલાં કૃત્યો સંબંધી અને મારા સ્વાભાવિક ગુણો વિશે મારાં જ કરેલાં વિવેચન સંબંધી હાલ લખવાથી મને થોડું પણ મારા સંબંધીઓને ઘણું જ નુકશાન થાય અને સાધારણ બુદ્ધિના બીજા લોકમાં પણ વેળાએ નઠારું પરિણામ થાય તેવી હો હા થઈ રહે તે વાતો ઘટતે પ્રસંગે ઘટતી રીતે લખાય, તેમ લખવાને મુલતવી રાખું છું - હાલ એટલું જ."

નીચે એ લખ્યા તારીખ, માસ, સાલ, તિથિ, સંવત આદિનો સ્પષ્ટ નિર્દેશ કરતાં તારીખ ૧૮ સપ્ટેમ્બર, ૧૮૬૬, ભાદરવા સુદ નોમ ને સંવત ૧૯૨૨ જણાવે છે. આત્મકથા લેખનના સભાન પ્રયાસનું એ નિર્દેશન છે.

''મારી હકીકત'' ને આસ્વાદ્ય બનાવવા માટે તેની સામગ્રી અને ભાષા મહત્વની બની રહે છે. તેમાં વૈવિધ્યસભર વાફછટા, આવેગ મિશ્રિત ઉત્સાહ, સંસ્કૃત-અંગ્રેજી વાફછટાઓથી જુદી એવી તળ ગુજરાતી ગદ્યશૈલી તથા બળકટ, સરળ અને સાદગીપૂર્ણ, નર્મભાષા દ્વારા આત્મકથા માટે ગુજરાતી સાહિત્યને ઉત્તમ નમૂનો આપ્યો છે.

અહીં તેના કેટલાંક દ્રષ્ટાંત જોઈએ ...

 1. ૧) 'નથી હું પંડિત, નથી હું જોગટો, નથી હું ધર્મગુરૂ, નથી શ્રીમંત ધોતાળ ઈત્યાદી'
 2. ૨) 'લખ લખ લખ એજ એનો ઉદ્યોગ'
 3. ૩) 'કોઈ વખત ઝાંસો સરખો પણ કીધો નથી, બેથી બાંધણીનો બોધ કર્યા કીધો છે.'
 4. ૪) 'મારી ભણણી વખાણી.'
 5. ૫) ' આહા, આગળની રીત કેવી સારી ને હમણાંની કેવી હૂસ હૂસની છીછલ્લી છે ! '
 6. ૬) ' પેલાઓએ ભાંજફોડ ઘુમખળ મચાવી મૂક્યું છે અને જાસક બુંબાણ વર્તી રહ્યું છ -ઘણાં લોકો હેબક ખાઈ ગયા છ.'
 7. ૭) ' બ્લાક્વેલ સાહેબનું મ્હોડું ચલ્લી જેવું થઇ ગયું હતું.'
 8. ૮) ' પછી જરા પાનબાન ખાઈ, આ હો કરી, લૂગડાંબુગડા પહેરી સ્હાડે દસ વાગે નિશાળે જતો.'
 9. ૯) 'મને બૈરાંની ગંધ આવવા માંડી.'
 10. ૧૦) ' વિદ્યાના ઝાડનાં ફળનો સવાદ મેં ચાખ્યો છ એનો ગળકો હજી રહી ગયો છ '

' એ વેળા તે બાઈની સુરતની કુદરત ઉપર હું મોહિત થયો હતો. પાસે મુકેલા બે દિવાની ઝાંખી જોત, પેલીનો ગોરો ચ્હેરો, છુટા બાત, સતાર ઉપર રમી રહેલી આંગળી, ડાબા પગનો તાલનો ઠેકો, મસ્તીથી કમર ઉપરના આખા શરીરના ભાગનું ઝોકવુ ને પાછું ટટ્ટાર થવું, ગોરા કપાળ ઉપર પરસેવાનાં ઝીણાં બુંદો અને આંખ ઉપર મસ્તીથી થતી લ્હેજતનો ભાર, એ સઘળાનું ચિત્ર હજી મારી આંખ આગળ રમી રહ્યું છે.

ગુજરાતી વ્યાપક ફલક પર નર્મદનું ગદ્ય તેની ભાષા સીમાચિહનરૂપ બની રહી છે.

નર્મદે સત્યકથન તેની આત્મકથામાં નિભાવ્યું છે. ડાહીગૌરી સાથેના સંવાદમાં, ડાયરીમાં બધે જ તે સત્યને વળગી રહે છે. નર્મદ આત્મકથા લખી રહ્યો હતો તે સમય સુધીમાં તે સુધારણા કડ્ખેદ તરીકે ખ્યાતનામ બની ચૂક્યો હતો. નર્મદ પોતે કેવો બીકણ હતો, વહેમી હતો તે સ્પષ્ટપણે આલેખે છે. કોઈકનું થૂંક ઊડે તો લોહી નીકળે ત્યાં લગી હોઠને અંગરખા ચાળથી ઘસતો, કાળકાના મંદિરે જઈ ગાલે તમાચા મારતો, પોતાના પ્રપિતામહ ચમત્કારની વાત પણ કહે છે. બુદ્ધિવર્ધક સભામાં એનું માન વધ્યું એ સંદર્ભે નર્મદ લખે છે:- 'બુદ્ધિવર્ધક સભાવાળાઓને મારા રાગડા પસંદ પડવા લાગ્યા ને મને ઉત્તેજન મળવા લાગ્યું. ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન તેવી રીતે' મને દલપતરામની મોટી ધાસ્તી હતી....'એવું કબૂલ કર્યું છે. અહી અને આવી ઘણી જગ્યાએ નર્મદની નિખાલસતા ઝળકી રહે છે. "મારી હકીકત" વાચકને પકડી રાખે છે. તેનું વ્યક્તિત્વ, તેનું ગદ્ય નિખાલસતા અને આત્મીયશૈલી આત્મકથાનું સબળ પાસું છે. સમગ્ર આત્મકથામાં નર્મદ ક્યાંય છેતરાતો નથી આ વાત અંતરને સ્પર્શી જાય છે.

ડૉ. જગદીશ ગુર્જર "સ્વર્ણિમ ગુજરાતનો", "નર્મદની આત્મકથા" "અધુરી અને ખરડો" હોવા છતાં કેવળ ગુજરાતીમાં જ નહિ ભારતીય અને વિશ્વસાહિત્યની આત્મકથાઓમાં ધ્યાન ખેંચે એવી બળુકી છે. યુગ પ્રવર્તક ચરિત્રનાયકનું સમગ્ર જીવન સાહિત્ય તથા સમાજસુધારણાનાં ક્ષેત્રે પરાક્રમી તથા વિરત્વભર્યા નવપ્રસ્થાનો આદરવામાં વિત્યું. આમેય એનું વ્યક્તિત્વ રંગરાગી તથા બહુરંગી મનોવલણોની ખાસ્સી બહુલતા ધરાવે છે. આવા અસાધારણ વ્યક્તિની આત્મકથામાં એ સ્વરૂપને અપેક્ષિત નિખાલસ, પ્રામાણિક, તટસ્થ, સત્યનિષ્ઠ અને દસ્તાવેજી ઉપરાંત સૂક્ષ્મ વિવેકભર્યું સમતોલ નિરૂપણ પડકારરૂપ બને છે અને નર્મદ આ પડકારને અત્યંત સાવધતાથી અતિક્રમી શક્યો છે. 'સત્યનિષ્ઠ આત્મકથાકાર' લેખમાં સતીશ વ્યાસ યુગપુરુષ તરીકેની પ્રતિભા ઉપસાવતી નર્મદની આત્મકથા 'મારી હકીકત' ને 'દાણેદાર આત્મકથા' તરીકે ઓળખાવે છે.

આમ, ગુજરાતી ભાષાને આગવી દૃષ્ટિથી ખેડનાર અને નવા સ્વરૂપોનું રોપણ કરવાનું જશ નર્મદને જાય છે ગુજરાતી ભાષામાં હરિયાળી ક્રાંતિ લાવી તેને અને તેનાં સ્વરૂપોને કાયમ માટે લીલાછમ બનાવ્યાં છે. જેના માટે દરેક ગુજરાતી તેમનો ઋણી છે.

સંદર્ભગ્રંથ :

 1. ૧. જીવન ચરિત્ર -આત્મકથા સ્વરૂપ અને વિકાસ ન્યૂ પોપ્યુલર પ્રકાશન સુરત. પૃ.૨૮
 2. ૨. 'મારી હકીકત' - કવિ નર્મદ, પ્રકાશક - કૃષ્ણકાંત મદ્રાસી, આદર્શ પ્રકાશન અમદાવાદ આવૃત્તિ -પ્રથમ જુલાઈ -૧૯૯૫ પૃ.૪૧
 3. ૩. -એજન - પૃ.૪૧
 4. ૪. -એજન - પૃ.૪૨
 5. ૫. -એજન - પૃ.૪૨
 6. ૬. 'સ્વર્ણિમ ગુજરાતનો સ્વપ્ન દૃષ્ટા' -વીર નર્મદ સંપાદન- ડૉ. જગદીશ ગુર્જર, પ્રકાશક -વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી, આવૃત્તિ -પ્રથમ, ફેબ્રુઆરી ૨૦૧૧ પૃ.૨૧૦
 7. ૭. 'મારી હકીકત' - કવિ નર્મદ, પ્રકાશક - કૃષ્ણકાંત મદ્રાસી, આદર્શ પ્રકાશન અમદાવાદ આવૃત્તિ -પ્રથમ જુલાઈ -૧૯૯૫ પૃ.૧૫૦-૧૫૧
 8. ૮. 'સ્વર્ણિમ ગુજરાતનો સ્વપ્ન દૃષ્ટા' -વીર નર્મદ સંપાદન- ડૉ. જગદીશ ગુર્જર, પ્રકાશક -વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી, આવૃત્તિ -પ્રથમ, ફેબ્રુઆરી ૨૦૧૧ પૃ.૨૧૫

સફીકા શેખ, રિસર્ચ સ્કોલર, ગુજરાતી વિભાગ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત,