રઘુવીર ચૌધરીની કલાત્મક વાર્તાઓનું નિદર્શન એટલે અતિથિગૃહ

ગુજરાતી સાહિત્યમાં શ્રી રઘુવીર ચૌધરીનું સર્જક સ્થાન ઉત્તમ નવલકથાકાર તરીકે જાણીતું છે. 'અમૃતા', 'લાવણ્ય', 'લાગણી', 'ઉપરવાસત્રયી' જેવી આધુનિક અને ગ્રામિણ પરિવેષને નિરૂપતી કૃતિઓની સાથે 'ગેરસમજ', 'આકસ્મિક સ્પર્શ' અને 'અતિથિગૃહ' જેવી વાર્તાકૃતિઓ પણ તેમની સર્જકતાનો ભાગ નીવડી છે. તેઓ નવલકથાકાર કરતાં પણ પહેલાં તો કવિ તરીકે જાણીતાં થયા. એ કવિજીવે જ નવલકથામાં લલિતગદ્યની અનોખી શબ્દલીલા ઉભી કરી. 'તમસા', 'વહેતા વૃક્ષ પવનમાં' એ તેમનાં નોંધપાત્ર કાવ્યસંગ્રહો છે. સાથે જ 'અશોકવન', 'ઝૂલતામિનારા', 'સિકંદર સાની', 'નજીક' જેવા નાટકો, 'ડિમલાઈટ', 'ત્રીજોપુરુષ' જેવાં એકાંકી, 'સહરાની ભવ્યતા' રેખાચિત્ર, 'બારીમાંથી બ્રિટન' (પ્રવાસકૃતિ), 'અદ્યતનકવિતા', 'વાર્તાવિશેષ', 'દર્શકના દેશમાં', 'જયંતિદલાલ', 'ગુજરાતી નવલકથા' (રાધેશ્યામ શર્મા સાથે) ઈત્યાદિ વિવેચનકૃતિઓની સાથે તેમણે સર્જક તરીકેની બહુવિધ પ્રતિભા દાખવી છે. ધર્મચિંતન અને સંપાદન જેવા કાર્યોમાં કૌવત દાખવ્યું. હિન્દી સાહિત્યમાં પણ તેમનું પ્રદાન મુલ્યનિષ્ઠ જોવા મળ્યું છે. 5મી ડિસેમ્બર 1938ના રોજ બાપુપુરા ગામમાં જન્મેલા આ સર્જકને સાહિત્ય જગતમાં રણજિતરામ સુવર્ણચંદ્રક (1975), સાહિત્ય અકાદમી અવોર્ડ (1977), અને પન્નાલાલ, ઉમાશંકર જોશી, રાજેન્દ્ર શાહની હરોળનો જ્ઞાનપીઠ અવોર્ડ (2015) માં પ્રાપ્ત થયો.

'લાગણી', 'લાવણ્ય', 'અમૃતા' જેવી નવલકથા કૃતિમાં પ્રગટતું રંગદર્શી ગદ્ય, એ તેમની સર્જકતાની નોંધ આપે એમાં નવાઈ નહીં. 'અતિથિગૃહ' - 1988 માં પ્રકાશિત થયેલી વાર્તાકૃતિમાં તેમની નવલકથા શૈલીના ઝબકારા મળ્યાં વિના રહેતા નથી. વાસ્તવ અને માનવ સંવેદનને ઘૂંટીને વાર્તાવસ્તુમાં લલિત ગદ્યથી વસ્તુસ્થિતિને ચાળી - ઓગાળી... દેવુ એ તેમની કલાપરક લેખનદ્રષ્ટિ છે. સામાન્ય જીવનમાંથી પસંદ કરેલાં પાત્રો શૈક્ષણિક જગત, મધ્યમવર્ગીયજીવન, રાજકીયતંત્ર, ગ્રામિણ અને આધુનિક પરિવેશની સમસ્યાઓ ઈત્યાદિ તેમની વાર્તાઓના વિષયવસ્તુનો ભાગ બન્યાં છે. પાત્ર-પાત્ર વચ્ચે ગોષ્ઠિ ઉભી કરીને પાત્રના મનના અતલ સુધી પહોંચી તેમાં જડ થઈ ગયેલા વિચારોને પ્રત્યક્ષ કરી કાઢવાની તેમની સંવાદકલા પણ એટલી જ રસકીય પ્રવૃત્તિ બની રહે છે. બહુ મોટા સંઘર્ષને બદલે માનવસંવેદન કે સામાજિક સંઘર્ષની નાજુક સ્થિતિને સાપેક્ષ કરી બતાવી ગ્રામ કે શહેરી જીવન વ્યવસ્થામાં અનુભવાતી સમસ્યા, પીડાનું આકલન એ વાર્તાના હાર્દરૂપે રજૂ કરે છે. વિષયવસ્તુમાં પડેલી, વસ્તુ સચ્ચાઈ માટે તો લેખક સ્વયં કબૂલે છે, ''આ સંગ્રહની વાર્તાઓ મુખ્યત્વે ચૈતસિક વાસ્તવ અને પ્રત્યક્ષ વાસ્તવ પર અવલંબે છે. 'વેલાની ગાયો' નવલિકા તરીકે આસ્વાદ્ય નીવડશે એમ ધારીને અહીં મુકી છે; પણ એ શબ્દશઃ મારું સંસ્મરણ છે. એમ કહું તો પણ અતિશયોક્તિ નથી. આ સંગ્રહની ઘણીબધી વાર્તાઓ પ્રત્યક્ષ અનુભવ, નિરીક્ષણ કે સંપર્કોમાંથી સાંપડેલી છે.'' (પૃ. 10 'અતિથિગૃહ', લે. રઘુવીર ચૌધરી). ચૈતસિકવાસ્તવ અને પ્રત્યક્ષ વાસ્તવ વચ્ચેનાં ભેદને જોવાની, નિરૂપવાની સૂક્ષ્મદ્રષ્ટિ લેખકની પોતીકી કલાકૈશલ શક્તિ છે. ને એટલે તો એ 'તારે પ્રેમમાં પડવું છે', 'સંવાદ નહીં, સંબોધન' ને 'એસ.એસ. મહેતા' જેવી ચૈતસિક વાસ્તવની કૃતિ આપી શકે છે. પણ એમણે કહ્યું તેમ વાસ્તવમાંથી પ્રત્યક્ષ વાસ્તવનો મોટો હિસ્સો તેમના વાર્તાપ્રદેશમાં આલેખાયો છે. સંવેદન ઘૂંટવાની સાથે મર્માળા ચિંતન પ્રગટ કરતાં જવાની આત્મસૂઝ પણ સર્જકની વિશેષતા છે. જીવન, જગત, માનવમૂલ્ય, સંસ્કૃતિ, વિશેનું તેમનું ચિંતન વાજબી છે. લેખકનું કથન યથાર્થ છે, 'મનુષ્યની સંવેદના બુઠ્ઠી થઈ રહી હોય ત્યારે એને આંચકો આપીને જગવવામાં પણ એના પ્રત્યે પક્ષપાત વ્યક્ત થાય છે. ' (પૃ. 7) એટલું જ નહીં, જીવનવિશેનો ગૂઢ ખ્યાલ પ્રગટ કરતાં લખે છે, ''હું જાણું છું, જીવન જો સંયમપૂર્વક જીવવામાં આવે તો એક જેલ છે. હું એ પણ જાણું છું કે જીવન જો સંયમપૂર્વક જીવવામાં ન આવે તો તો તે પણ એક જેલ છે.'' (પૃ. 7) આ 'જેલ' વિશેના બે જુદાં જુદાં સંદર્ભો વચ્ચે જ માણસે પસંદગી કરવાની હોય છે કે પોતે કઈ જેલ સ્વીકારવી. જીવન, નીતિ, સામાજિક મૂલ્ય, સંસ્કૃતિક મૂલ્ય વિશેની ઉંડી સમજ આ 'જેલ' નાં સંદર્ભમાં માણસ તેનાં સ્વભાવ પ્રમાણે પસંદ કરી શકે.

આમ, વાર્તાઓમાંથી લેખકનો સ્પષ્ટ દ્રષ્ટિકોણ પ્રગટે છે. એમાં ક્યાંક ચિંતન, ક્યાંક સમસ્યાની રજૂઆત, ક્યાંક આનંદ, ક્યાંક પીડા... નું આલેખન થાય ને ભાવક તરીકે આપણે તેને આસ્વાદી - પ્રમાણી શકીએ એ સર્જક અને ભાવક વચ્ચેની સૂક્ષ્મ કસોટી પણ બને. રઘુવીર ચૌધરીની વાર્તાકલાની સૂઝ દરેક વાર્તાઓમાં ભિન્નસ્વરૂપે જોવા મળે છે. વાર્તાઓના વિષય પ્રદેશ વડે તે તારવીએ.

'અતિથિગૃહ'ની પહેલી વાર્તા 'તારે પ્રેમમાં પડવું છે ?' - બહુ સ્વભાવિક વાત લાગે તેવી 'પ્રેમ થઈ જવાની' અને 'પ્રેમ કરી શકવાની' ક્ષમતાઓ વિશેની કલ્પનાનું એક વાસ્તવિક રૂપ વાર્તામાં ઉઘડતું જોવા મળે છે. પ્રેમ ઉગે છે, વિસ્તરે છે, પાંગરે છે, થઈ જાય છે, એવી અનેક શક્યતાઓ અત્યંત સાહજિક છે પણ ત્રીજી વ્યક્તિના દ્રષ્ટિકોણથી બે પાત્ર વચ્ચે નાટયાત્મક રીતે પ્રેમ ઉભી કરી શકવાની પરિસ્થિતિનું નિર્માણ કરવું એ એક સાહસ છે. કેમ કે 'પ્રેમ થઈ જાય' એમાં જેટલી સચ્ચાઈ છે એટલી જ સચ્ચાઈ 'પ્રેમમાં પડી શકવાના' પરાક્રમમાં પણ છે. 'એક છોકરો છે મારા ધ્યાનમાં' એમ નીરામાશી પાવની સમક્ષ વાત વહેતી કરી મૂકે ને પાવનીના મનોવિશ્વમાં પુરુષોત્તમનું ચૈતસિક સ્વરૂપ પ્રગટવા લાગે... તે માનસિક મનોવ્યાપાર બન્નેને એકબીજાની નજીક લઈ જાય. નળદમયંતીના હંસે આ જ કામ કરેલું. અહીં નિરામાશી કરે છે. પુરુષોત્તમને ચિઠ્ઠી આપી પાવની સુધી પહોંચાડવાનું નાટયાત્મક દશ્ય બન્ને વચ્ચેના અંતરને દૂર કરવાનો અસરકારક કિમીયો બની રહે છે. ને વાર્તાને અંતે પુરુષોત્તમ પાવનીને કહે કે 'મારા જેવાં સોગીયાને કોણ ચાહે ?' એમાં પરોક્ષ રીતે પૂછી લીધેલો પ્રેમ અંગેનો ખ્યાલ ભાવક સમજી જાય. પણ પાવનીનો ઉત્તર પણ એ જ પંક્તિની હરોળમાં બેસે તેવો 'નીરા માશીને પૂછજો... એ જાણે છે'... એમ કહીને પરોક્ષ રીતે પોતાની સંમતિ દર્શાવી દેતી પાવનીની મનહર વાણી પણ પ્રેમમાં પડી જવાની પ્રત્યક્ષતાને સિદ્ધ કરે છે. રંગદર્શી અને છતાં વાસ્તવિક ચેતનાનુ નિરૂપણ વાર્તાનું વિષયવસ્તુ બને છે.

બીજી વાર્તા 'ધન્ય તદંગરજસાઃ' વાર્તા ગરમીથી કંટાળેલો... રસ્તામાં આવતી અનેક સમસ્યાઓમાંથી પસાર થતો..., ઘરે પહોંચે ત્યારે પત્ની હાજર ન હોય, દીકરો ડીબેટની સ્પર્ધામાં ભાગ લેવા ઉત્સુક હોય, તેને માર્ગદર્શન આપવાનું હોય, એમાંય સંસ્કૃતભાષા સાથે પનારો પાડવાનો હોય, દીકરીનો ચા અંગેનો ભાવ પણ આવા ત્રાહિત પિતાને ના સૂઝે એ સ્વાભાવિક છે. એમાં પડોશીને ઘેટ આપેલા જાહેમાનનો શિશુ પણ નાયકને આનંદ આપી શકતો નથી બલ્કે ચીડ અનુભવાવે છે. પણ નિર્દોષ શિશુનો કલરવ નાયકના ચિત્તને અડયા વિના રહેતો નથી. ધીરે ધીરે આંશિક પરિવર્તન આવે છે, નાયકને એ બાળક રમાડવાની વારંવાર ઈચ્છા જાગે છે. આ લગાવ.... અનુભવતા નાયક માટે લેખકે 'ધન્યાસ્તદંગરજસા મલિની ભવન્તિ' ઉચ્ચારે છે અર્થાત્ 'એવા બાળકોને તેડતા એમના અંગોની રજથી મલિન થનારા ધન્ય છે' (પૃ. 23) આવી શુદ્ધ મલિનતાનો સ્પર્શ કોને ન ગમે... એ વાર્તાનો ધ્વન્યાર્થ છે.

'અધિકારી' વાર્તા એમ.ડી. જેવા અધિકારીની ચરિત્રવાર્તા બની છે. અધિકારી વર્ગમાં ખપત! એવાં કેટલાંય વ્યક્તિત્વ માણસની નજરમાં માત્ર ધૃણાને પાત્ર નીવડતા હોય ત્યાં... સમય અને કાર્યના સતત નિયમિત આ અધિકારી એક જુદી જ પ્રતિભાનો પરિચય કરાવે છે. 'નિગમ'માં પોતાની પસંદગી બાબતે થયેલો અન્યાય અનુભવતો વાર્તાનાયક આ અધિકારી પ્રત્યે સતત નકારાત્મક વિચાર ધરાવે છે. વાર્તાનાયકને સ્પષ્ટ ઉત્તર વાળતા એમ.ડી. કહે છે, 'જેમનામાં અને વિશ્વાસ હોય એમને જ હું અભિપ્રાય પૂછું છું તેની જાત અનુભવ ન હોય તો પણ ભૂલ થતી નથી.' (પૃ. 26) એમ.ડી. નું આ સચોટ તથ્યપૂર્ણ વિધાન વિશે ભલે વાર્તાનાયકને થોડી કડવાશ અનુભવાય પણ સચ્ચાઈ પણ એટલી જ છે. સહુથી પહેલાં આવનાર અને સૌથી છેલ્લે જનાર અધિકારી એમ.ડી. કહેવાતા અધિકારીવર્ગથી જુદી ચાલ ધરાવે છે. લેખકે અધિકારીઓ વિશેનું તારણ આપતાં નોંધ્યું છે કે, '.... એમની કાર્યક્ષમતા સાથે બીજુ ઘણી વસ્તુઓને જોડવામાં આવે છે. એક તો એ કેટલાંક નિર્ણયો અવિધિસર લે છે. ને પછી નિરાંતે વિધિસર બનાવે છે. બીજું, સામા માણસનો સહકાર મેળવવા માટે એનું માનસ ઓળખી લઈને તેની પાસે અનુકૂળ નિર્ણયો કરાવે છે. એ માટે એ 'પ્યૂન કે પ્રેસિડેન્ટ' ગમે તેને સ્મિત સાથે વિનંતી કરી શકે છે.' (પૃ. 27) એમ.ડી. ને વધારે નજીકથી ઓળખનાર એડમિનિસ્ટ્રેટિવ ઓફિસરશ્રી પરીખ વાર્તાનાયકના એમ.ડી. વિશેના ખ્યાલોને પરિવર્તન કરવામાં પરોક્ષ રીતે કારણભૂત નીવડે છે. એમ.ડી.ના પ્રેમલગ્ન, બેતાલીંસની 'હિંદ છોડો' લડતમાં પતિ-પત્નીનો સહકાર, એકનો એક દિકરો ડૉક્ટર ભણી આદિવાસી વિસ્તારમાં જોતરાયો, એવામાં પત્નીનું અવસાન, પોતાની શારીરિક અસ્વસ્થતા, ફરીથી કામ પ્રત્યે લગાવ, નિયમિતપણું,... એવા અનેક ગુણો એમ.ડી.ના વ્યક્તિત્વના પાસા છે જે જાણીને વાર્તાનાયકનું ચિત્ર એમ.ડી. પ્રત્યે આદરભાવ અનુભવે છે. આમ, 'અધિકારી' નો સાચો અર્થ સરકારી અધિકારીથી જરા જુદી રીતે પ્રગટે છે.

'સંવાદ નહીં, સંબોધન' વાર્તાને વાર્તા કહેવી કે પત્રકવિતા ... ? રીવા, કમલકાન્ત અને લલિતાના ત્રિકોણીય પાત્રસૃષ્ટિ વચ્ચે કોણ, કોને કેટલું ચાહે, તે કઠવું મુશ્કેલ છે. કમલકાન્ત અને લલિતા પતિ-પત્ની છે. જ્યારે રીવા અને કમલકાન્ત ગાઢ મિત્રો. લલિત અને કમલકાન્ત સતત એકબીજાના ગમા-અણગમાનો ખ્યાલ રાખનાર જાગૃત અને બૌદ્ધિક દંપતિ છે. રીવા... કમલકાન્તને પત્ર લખે કે કમળકાન્ત રીવાને પત્ર લખે એમાં કોઈ ગેરસમજ ન પ્રવર્તે એવી આત્મ-સભાનતા પણ રહેલી છે. લલિતા હજુ રીવાને બરાબર પામી નથી શકી એટલે પતિને કહી શકે કે, 'અમે કદી નજીક ન આવી શકી. તમારા બે છેડે રહી તમે જ અમને જાણવા ન દીધું. સ્પર્શવા ન દીધું. એક મેકના અસ્તિત્વને, આ પરોક્ષતા અમે સ્વીકારી લીધી એક શાપની જેમ.' (પૃ. 43) રીવા કમલકાન્તના કહેવાથી જ વિદેશ ચાલી ગઈ એવો લલિતાનો ખ્યાલ છે. રીવા પ્રત્યેની કમલકાન્તની લાગણી ઘણી ગહન છે. જે રીતે એ રીવાને યાદ કરે છે, એ જોતાં બેઉં વચ્ચે પ્રેમ જેવું કોઈ તત્વ કદી ઉગ્યુ હોય અને ચોક્કસ સમજણથી પાછું અદ્રશ્ય થયું હોય એવું ય લાગે. લલિતાને આ વાતનો અહેસાસ પણ હોય કે પોતે બે પાત્રો વચ્ચે આવી ગઈ ? લલિતાનું ખાલી આકાશને તાકી રહેવુ એ વાતની પ્રતીતિ કરાવે છે. એ સમયે તે પોતાની જાતથીય બહાર ઉભી રહીને બધું જોયા કરે એ સ્વાભાવિક છે. પણ લલિતાના એવા કોઈ બોઝને દૂર કરવા જ જાણે કમલકાન્ત વાતો ગોઠવીને જણાવે કે રીવા માત્ર નોકરી માટે નહી કદાચ કોઈ પ્રિય પાત્ર માટે પણ ગઈ હોય એવી શક્યતા છે. રીવાના અંતરભાવનું આલેખન કરતાં કમલકાન્ત જણાવે છે, 'લલિતા, તું માને કે ન માને પણ રીવા ચાહવા માટે જ જન્મી છે. એ તટસ્થ નથી. શી ઈઝએ જેન્યુન લવર!. આપણી જેમ એના ચહેરા પર કદી ધંધાદારી ગાંભીર્ય નથી હોતું. ચમક હોય છે. મોટે ભાગે સ્મિતની ચમક, કે આસુંની ચમક' (પૃ. 44). આમ રીવા કેવી અનુપમ સ્ત્રી છે એ દર્શાવીને તેના ચહેરા પર આસું પણ શ્રાવણના સૂરજની જેમ ચમકી ઉઠે એવી ભાવકલ્પનામાં તેને વખાણે છે. રીવાને પત્રમાં પોતાના મનની વાત કહે છે, 'ક્યારેક તું રડી પડે તો મને યાદ રાખી, દર્પણમાં જોઈ લેજે અને લખજે તારા આંસુઓના સૌંદર્ય વિશે' (પૃ. 44) આમ, રીવા માટેનો અસ્ખલિતા ભાવ કમલકાન્તે લખેલા પત્રમાં શબ્દે શબ્દે અનુભવાય છે. બન્ને પાત્રો વચ્ચેની એક ગૂફતગુ 'પ્રબળ પ્રેમ' પાસે જ નથી ખેંચી લાવતો, દૂર પણ ફેંકે છે. શરદબાલુનું આ વિધાન સતત કોઈ અદ્રશ્ય તત્વને પ્રતીત કરવા પ્રયત્ન કરે છે. કોણ કોનાથી દૂર થયું એ જાણવામાં એક જ તત્વ સારરૂપ લાગે કદાચ 'પ્રેમ'. રીવા પણ આવો લાંબો પત્ર પોતાને લખે એવી અભ્યર્થના, સેવતો કમલકાન્ત સભાનપણે કહે કે 'હવે સંવાદ નહીં, સંબોધન થી કામ ચલાવવું પડશે એ વાસ્તવિકતાનો સ્વીકાર બતાવે છે. આમ, સમગ્ર વાર્તા પાત્રોની એક Inner talk સર્જીને નવલકથાની અસર જાણે ઉભી કરવાની ક્ષમતા દર્શાવે છે.'

'ઉછેર' વાર્તા મધ્યમવર્ગીય પરિવારના સંઘર્ષનું ઉદાહરણ બનતી વાર્તા છે. પિતા પ્રેમલને કેન્સર થયું છે ને પત્ની નીતાને નોકરી માટે સંઘર્ષ કરવો પડે એવામાં પ્રિતીશનો ઉછેર પણ કરવાનો હોય. અચાનક પ્રેમલનું બદલાયેલું વર્તન નીતા માટે દુષ્કર નીવડે એમા કોઈ રહસ્ય સમાયેલું રહે. પણ પ્રેમલ જેવો દેખાતાં પ્રિતીશને જોઈ ઓળખી જનાર માણસ આર.એ. શાહ જ્યારે પ્રેમલના સાચા દ્રષ્ટિકોણનો ઉઘાડ પાડે છે ત્યારે પ્રિતિશના ચિત્તમાં પિતા માટે રહેલી ધૃણાસ્પદ છબિ ઓગળી જાય છે. કેન્સર પીડિત પ્રેમલેપોતાના વ્યક્તિગત પ્રેમની હૂંફ અવગણીને જે ત્યાગ ભાવનાથી પ્રેરાઈ વિલાસીપણું વ્યક્તિત્વ ઉભું કરી નીતાને પોતાની માયામાંથી મુક્ત કરવાનો અભિગમ સેવ્યો તે પીડાજન્ય છે. આત્મવંચના વહોરીને દીકરાનો ઉછેર સાચી રીતે થાય અને પત્ની સ્વનિર્ભર બને એવા પ્રેમલના પરમાર્થ ઉદેશને નમન કરવાનું મન થાય.

'જઈ આવ્યા' વાર્તાનું કથાવસ્તુ વધુ સામાજિક છે. ગ્રામ જીવનના પરિવેશમાં મોહન પટેલનો સુખી પરિવાર... ભર્યુભાદર્યુ ઘર, બે દીકરાઓ અને ત્રણ દિકરીઓનો મંડાયેલો ઘરસસાર... એવા સુખી જીવડા મોહન પટેલ ચાહે ત્યારે ચાર-પાંચ દિવસ દીકરીઓના ઘરે રહી આવે. લોકચર્ચાની અવગણના કરીને ય મૌજ માણી આવે. પણ વૃધ્ધત્વને આરે અનુભવાતી પીડા તેમનામાં ડોકાય એ દેખીતું સત્ય છે. વૃધ્ધત્વમાં પત્ની હોવા છતાં ખાલીપણાની પીડાથી પીડાય છે કેમ કે વહુઓ મોઢું બગાડે છે, પત્ની અવગણે છે, દીકરાઓ પાસે સમય નથી આ બધાની વચ્ચે પોતે ગમે ત્યારે કહ્યા વિના ગમે તે જગાએ ચાલ્યા જાય તોય કોઈ તેમની દરકાર લે નહી એમ વિચારીને એક દિવસ સાચે જ પોતાના મિત્ર પ્રેમજી મહારાજને આશ્રમ જઈ આશ્રિત રહેવાનું ધારીને કોઈનેય કહ્યા વિના નીકળી પડે છે. એમ પણ પ્રેમજી મહારાજ કહેતા કે, 'મોહન, ક્યાં સુધી માયામાં વીંટળાયેલો રહેવાનો તે તારી ફરજો બજાવી છે. બધા સુખી છે. એમને છોડતા તને ચિંતા થવાને કોઈ કારણ નથી... એ ખરું કે એ તને નીકળવા નદે...' (પૃ. 55) પણ મોહન પટેલનું મન જ સાક્ષી હતું કે પોતે ક્યાય જાય એની ક્યાં કોઈનેય પરવા જ છે. બધા તો રાહ જોઈને બેઠા છે જવાની. વળી, કોઈને કહીને જવાનું નક્કી કરે તો કદાચ કોઈ જવા ન દે, ઘરની ફજેત થાય. એમ તેઓ નહોતા ઈચ્છતા ને એક સવારે ચાલી નીકળ્યા. આશ્રમ પહોંચે એ પહેલાં નર્મદા મૈયા નદીમાં સ્નાન કરી મન નિર્મળ કરી ગામની ભાગોળે વાવેલાં ઝાડવા, આંબા સુકાઈ ન જાય એ ચિંતા કરનારા પટેલ વિચારવા લાગ્યા કે નર્મદાનું પાણી એ ખેતરો સુધી પહોંચે. નર્મદામૈયાના દર્શનથી અને ત્યાના અમલદારને મળ્યા પછી નર્મદાના પાણી મળી શકવાની સગવડને જાણ્યા પછી તેમનામાં જુદા પ્રકારના વિચારો વહેવા લાગ્યા. ખાલીપણામાં જાણે હવે રસ્તો જડી ગયો જીવવાનો. પોતે ઘેર જઈને નર્મદામૈયાની વાત કરશે... પરિક્રમા કરવા આવશે એમ ધારી ઘેર પાછા ફરી સૌનો ઠપકો સાંભળી રાજીયો વ્યક્ત કરે છે તે પ્રેમજી મહારાજ પણ સામેથી મળવા આવે છે એ વાત પણ મોટી, પત્નીનો ભાવ પણ પોતાના માટે બદલાય છે. ચમત્કારીક રીતે આવેલ આ પરિવર્તનમાં મોહન પટેલને નર્મદાનો અદ્રશ્ય સાક્ષાત્કારનો સ્પર્શ થયો તે છે. માણસના ખાલીપણાને પૂરવાના રસ્તા માણસ પોતે શોધી કાઢે, તો જીવન જીવી શકાય. એવો ધ્વનિ વાર્તામાંથી સિદ્ધ થાય છે.

'રુકિમણી, તે થોરના ફુલ જોયાં છે' વાર્તાનું સંબોધનાત્મક શીર્ષક ધ્વનિસૂચક છે. માણસને સમજવાની એક છૂટી ગયેલી ક્ષણ અને ફરી એની સાથે અનુસંધાન પામી ગેરસમજ દૂર થયાની પ્રતીતિનો આનંદ કેવી સુખદ અનુભૂતિ કરાવે છે. તે વાર્તાના કેન્દ્રમાં છે. કનુભાઈ અને તેમના બાપુજી વચ્ચે ઉંડો પ્રેમ. એક સગુણભક્તિમાં માને બીજો નિરાકાર સ્વરૂપને માને. પાડોશીઓએ પોતાના ખેતરના ભાગમાં થોરિયાના રોપણાં કર્યા એમાં બાપુજીએ વિરોધ કર્યો. દીકરાને પત્ર લખી આવવા જણાવ્યું. પણ કનુભાઈ આવ્યા નહી એ રીસ બાપુજીને ઘર કરી ગઈ. મોટાભાઈનો દીકરો સંતોષ કામચોર અને આળસુ. નોકરી સમયે કનુભાઈ એ તેને મદદ ન કરી એના વળતરરૂપે સંતોષે એકપણ સંદેશ બાપુજીને ના પહોંચાડ્યો. કનુભાઈએ સમજવાની તસ્દી ન લીધી. બુદ્ધિજીવીઓ ક્યારેક આવી ભૂલ કરે શહેરી સંસ્કૃતિની છાયાને લીધે, સમાજવાદની અસરને લીધે ખેડૂત પિતાની ભાવના સમજવાનું ચૂકી જાય. આખાબોલા બાપુજીએ શહેરથી આવેલા કનુભાઈનું બધા વચ્ચે અપમાન કર્યું ત્યારે સ્વમાનવશ કનુભાઈ સામાન લઈ શહેર તરફ જવા રવાના થયા પણ રસ્તામાં પેલા થોરિયાવાળી જગાએ જઈ પડોશીના દીકરા પાસેથી વાતની સચ્ચાઈ જાણ્યા પછી ભારોભાર પશ્ચાતાપ અનુભવ્યો. પોતે બાપુજી પાસે જઈ માફી માગે એ પહેલા પડોશના દીકરા પાસે સમાચાર કહેવડાવ્યા. મનની કડવાશ ધોઈ નાખી. એક નાનકડો સંશય ચિત્તમાંથી દૂર થાય તે પછીનો આનંદ અદભૂત હોય છે. છેવટે કનુભાઈ નક્કી કરે છે, 'અહીં તો વારંવાર આવવું પડશે. ઘર છોડીને કાયમ માટે દેશવટો વેઠ્યાનું પાલવે નહીં' (પૃ. 76). પોતાનું ચિત્ત હજુ બાપુજીના સંવેદનતંત્ર સાથે કેવું જડાઈ રહેલું છે તેની પ્રતીતિ કરાવતા લેખક લખે છે. 'એક આડા પડેલા, થોરિયાને ઉભો કર્યો ઘણાં વખત પહેલાં સુકાઈ ગયેલું એક ફૂલ હજી એને વળગી રહ્યું હતું. પછી તો થોરિયાના કાંટાઓની જગાએ એમને ફુલ દેખાવા લાગ્યાં' (પૃ. 76, 'રુકિમણી, તેં થોરના ફૂલ જોયા છે ?') આ સંબોધન પ્રિય રૂખીબેનને સંબોધીન નાયકે કરેલ આત્મસંવાદનું ચિહન છે. વાર્તાકારે શહેરી અને ગ્રામસંસ્કૃતિ વચ્ચે વધતું અંતર, નિરિશ્વરવાદ, સગુણ ઈશ્વર, સમાજવાદ... ક્યાંક દલિત સંવેદના ઈત્યાદિ જીવનની કેટલીક સમસ્યા... સંવેદનાને વાચા આપી છે. પિતા-પુત્ર વચ્ચેનું મતભેદથી મનભેદ સુધીનું ચિત્ર અને એ ગેરસમજ દૂર થતાં થોર પર ઉગતા ફુલ જેટલો આનંદ ઉજાશ વાર્તાનો મૂળ હાર્દ બને છે.

'સરનામાની શોધ' - રાગમાંથી સર્જાયેલાં વૈરાગ્યની આ વાર્તા છે ને એમાંય હજુ વૈરાગ્ય પૂરો ઉઘડ્યો નથી. આત્મ પરિક્ષણની કસોટીઓ ચાલતી હોય ત્યાં પૂર્ણ વૈરાગ્યની દિશામાં વર્તાતી ખોટ, શોધવા તરફ નાયકની દ્રષ્ટિ 'સરનામાની શોધ' કરે છે આ દેશ એવો છે જો તમે ધાર્મિક હોવ, બે જ્ઞાનની વાત કરી ઉપદેશ આપો તો તમને ઉપદેશી બનાવી દે. ને ચમત્કારની વાત કરો તો તમને સિદ્ધપુરુષ માની પગે લાગે. તમારા ધાર્મિક વર્તનથી કદાચ તમને ભગવાન પણ માની બેસે. ટૂંકમાં, ધાર્મિક વર્તનથી વિખુટા પડનારને ફરી માયામાં ઢસડે. જયરામપ્રભુ ગાંધીવાદી સંત પુરુષ કહી શકાય એવા ઓછામાં વધુ કહેનારા, રામધૂન કરનારા ગામની નદીકાઠે ઝૂપડીના આવાસે જીવે. લોકોએ તેમની ઉચ્ચ ધાર્મિક જીવનપદ્ધતિથી પ્રેરાઈને નવું ઘર બનાવી આપ્યું. ત્યાં જ જયરામપ્રભુને પોતાના વૈરાગ્યમાં આવતા માયાના આવરણની અનુભૂતિ વર્તાઈ. ને તે બોલી ઉઠ્યા કે, 'કોઈને કોઈ પક્ષે જરૂર ભૂલ થઈ રહી છે.' પોતે સંસારથી દૂર રહ્યા છે માટે સૌને કહેતા 'મને સંસારનો અનુભવ નથી, મારી સલાહ ઉંધી પણ પડે.' (પૃ. 79) નિરંહકારી, નિખાલસ જયરામ પ્રભુ સચોટ માનતા કે 'જયાં સુધી અજવાળું એક જ બાજુથી આવતું હશે ત્યાં સુધી તમે એનો કેડો છોડાવી નહી શકે. એ માટે તો તમારે ચોગમ પ્રકાશના પ્રદેશમાં પહોંચવું પડે. એ માટે દોડવાની જરૂર નથી. જ્યાં હોઈએ ત્યાં રહીને જ બધુ છોડવાની જરૂર છે' (પૃ 79). સાચી વાત હતી એમની. લોકો સંન્યાસી થવા હિમાલય કે ગિરનાર જાય, પણ સાચી વાત તો એ છે કે વ્યક્તિ જ્યાં હોય ત્યાંથી સ્થિર રહીને મોહથી અલિપ્ત રહી સંન્યાસી થઈ શકે. જયરામ પ્રભુ માનતા કે પોતે ય હજુ માયાથી પર નથી. જે ભૂતકાળને તે ભૂલવા માગતા એ વર્તમાનમાં સામે આવતાં ત્યારે તે છંછેડાઈ જતા. પેલી વિધવા સ્ત્રી, માતાપિતા-અન્ય સ્વજનોને જોઈ તેઓ ખુશ થવાને બદલે તેમનાથી દૂર રહેવા પ્રયત્ન કરે છે. પોતે યુવાન હતા ત્યારે ઈજનેર હતા. તેમની આંતર બાહ્ય પ્રતિભા વિશે સર્જક લખે છે. 'ઈશુ ખ્રિસ્તને હતી એવી દાઢી છે. રામકૃષ્ણને હતી એવી આંખો છે. વિવેકાનંદને હતો એવો અવાજ છે. દયાનંદને હતી એવી ચાલ છે. હાથમાં સિતાર લઈને બેઠા હોય તો કલાકાર લાગે. જાણે છે પણ ગાતા વગાડતા નથી. રામધૂન એ જ આલાપ અને મૌન એ જ અસલ રાગિણી...' (પૃ. 81). એકવાર એક યુવાને તેમની વૈરાગ્ય નીતિ પર પ્રહાર કરતાં પ્રશ્નો કરેલાં. 'સ્વામીજીએ ખેતરમાંથી પપૈયા કપાવી નાખ્યા એ હિંસા કહેવાય' આ આક્ષેપ જયરામ પ્રભુને સાચો લાગેલો ને એટલે તે ગામનું સ્થાન છોડી જયા ઈચ્છે છે પણ ભૂતિયા ગણાતી ટેકરી પર જઈને વસ્યા ત્યાં લોકો પાછળ પાછળ આવી ગયા. વાર્તાનું તથ્ય એ છે કે આપણે ધર્મ, અધ્યાત્મ, ચમત્કારની વાર્તા કરીએ ત્યારે લોકો આપણને જ ભગવાન બનાવી ધંધો બનાવી દે છે. શ્રધ્ધામાંથી અંધશ્રધ્ધાની પાતળી ભેદરેખા તોડીને જોડાઈ જાય છે. બેય એકરૂપ થઈ જાય છે. 'કોઈક પક્ષે થતી ભૂલનો ભેદ પામી' એક દિવસ બધા વચ્ચેથી ખબર ન પડે તેમ સાચા સરનામાની શોધ કરવા નીકળી પડે છે. પોતે મનોમંથન કરે છે કે 'જેની બધા ભક્તિ કરે એવો ભગવાન થવા હું ઘેરથી નીકળ્યો નહોતો. મારે મુક્તિ જોઈતી હતી. રસનો અનુભવ કરવો હતો, લૌકિક યશનો નહીં.' (પૃ 86) 'કસ્તુરી મૃગ' ની વાત સમઝાઈ જાય તો પછી ક્યાય જવાની જરૂર નથી. સાચુ જ્ઞાન પોતાની ભીતર છે. ઓળખવું પડે. આમ રાગ-ત્યાગમાં અટવાતા નાયકનું મનોમંથન વાર્તામાં આકૃત થયું છે.

'સાથે હોવાનું સુખ' - માલાબેન, કમલેશભાઈ, દીકરો પ્રણવ, દીકરી કીર્તિદા - આ બધાની વચ્ચે વૃક્ષની છાયા જેવા દાદીમા અને તેમની ચિંતા કરવાની ટેવ... એમનો અવાજ.. ઘરના હુંફાળા વાતાવરણને વધુ પ્રેમસભર બનાવે છે. આધુનિક જીવનશૈલીના ભાગરૂપે વિભક્ત કુટુંબપ્રથા વધતી ચાલી... ત્યાં આવા એકાદ સંયુક્ત પરિવારની પ્રેમ ઝલક 'સાથે હોવાનું સુખ' બની રહે. કેટલાંક લોકો જાણી જોઈને આવો હૂંફાળો આશરો ગૂમાવે છે. સમગ્ર વાર્તાના કેન્દ્રમાં 'દાદીમાની હૂંફ' કેન્દ્રભુત નીવડે છે. ડૉક્ટર જેવા ડૉક્ટર પણ દાદીમા અને તેમના ખોળામાં બેઠેલ પૌત્રને જોઈ મોમાં આંગળા નાખી જાય. સૂરજની કિરણ જેવી એ સુખની પળ માટે ડોક્ટર કમલેશભાઈ પ્રત્યે ધન્યતાનો ભાવ અનુભવે છે. વેવાઈ-વેવણની ચિંતા કરતા દાદીમા જેવા પાત્રો જે ઘરમાં હોય એ ઘરના સુખને કદી કોઈની નજર ન લાગે એવી શુભકામના છે.

'અરૂણાની મમ્મી' વાર્તામાં વિતેલા સમય અને વર્તમાન સમયની વચ્ચે વિસ્તરતા અંતર વચ્ચે જીવતી યશોદાનું રેખાચિત્ર અંકાયું છે. ચાળીસ વટાયા પછી સ્ત્રીઓમાં જોવા મળતો મેનોપોઝનો પિરિયડ સ્ત્રીને એકલતા અને ખાલીપણાનો અનુભવ કરાવે છે. પણ આ માત્ર ઉંમરનો ખાલીયો નહોતો. સત્તર વર્ષની હતી ત્યારથી આ એકધારા એકલવાયા જીવન વચ્ચે જીવતી યશોદા ચાળીસ વટાયા પછી પણ માનસિકતા તો સત્તરની જ ધરાવે છે. પતિની નોકરી એવી છે જેમાં તેને અઠવાડિયાના ચાર દિવસ બહારગામ રહેવું પડે છે. દીકરાએ પરણ્યા પછી અલગ જીવન સ્વીકારી લીધું. દીકરી અરૂણા પણ ગમે ત્યારે, પરણીને પોતાને છોડી જશે. આ સત્યની ટેવમાં જીવતી યશોદા પડોશના અપુ સાથે બે પળ વિતાવી આનંદ અનુભવી લે છે. એમાંય યશોદાનું નસીબ કામ ન કરતું હોય તેમ અપુ બિમાર પડે એમાં યશોદાબેન અપુને પણ આવતા અટકાવી દીધો. શ્વેતાંક સાથે અરૂણાના લગ્ન થવાનાં છે. પરણ્યા પહેલા તેની સાથે ત્રણ દિવસ પ્રવાસમાં મોકલવું યશોદાને યોગ્ય નથી લાગતુ. પણ પોતે એકલા જીવવાની ટેવ પાડવાની વૃત્તિથીય એને જવાની રજા આપે છે. શ્રીનંદભાઈને આ પસંદ નહોતું છતાં યશોદા ટીકા વહોરી લેવાની તૈયારી બતાવે છે. શ્રીનંદભાઈ બિમાર પડે છે ત્યારે પોતાની બિમારી ભૂલી જઈ તેની સેવામાં લાગી જાય છે. પતી જ્યારે એમ કહે કે, 'મને એસિડિટિની સહેજ તકલીફ થઈ એમાં તું ખડે પગે મારી સારવારમાં લાગી ગઈ છે અને એથીય મોટી વાત તો એ છે કે તું તારી તબિયત વિશેની ફરિયાદ જ ભૂલી ગઈ છે' (પૃ. 101) આ વિધાન સાંભળી યશોદા બોલી ઉઠે છે, 'ફરિયાદ ભૂલી નથી ગઈ છોડી દીધી છે.' ખરેખર બીજા માટે જીવવું એ જ પરમાર્થ માર્ગ કયાક યશોદામાં ટેવવશ પણ ઉતરી આવેલ ગુણ છે. એને દીકરા તરફથી મળવાપાત્ર સુખની કોઈ એંધાણી પણ નથી. કોઈકની નાની પગલી કદાચ હવે તેની એકલતાને ભરી શકશે એવી કલ્પનામાં રાચતી પળેપળ દરવાજે વાગતા ટકોરામાં થડકી ઉઠે છે. અહીં પણ માનવ સહજ એષણાનું નિરૂપણ છે.

'પ્રોફેસર પરમાર્થી' - યુનિવર્સિટીઓમાં પીએચડીની પદવી આપનારા માર્ગદર્શકો અને પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓની લોલમલોલ પ્રવૃત્તિ પર પ્રકાશ પાડતી આ પ્રતીકાત્મક વાર્તા છે. પ્રશ્નો પુછ્યા વિના, ગુણવત્તા જાણ્યા વિના, માત્ર સુંદરતા કે વાટકી વ્યવહારના માધ્યમે ડીગ્રીઓ, એનાયત કરી પોતે માણસાઈ'નું મૂલ્ય ચૂકવ્યુ છે એમ કહેનારા દંભી માર્ગદર્શકો વાસ્તવમાં ભવિષ્યના અધ્યાપકો, વિદ્યાર્થીઓ અને સંશોધનોને અન્યાય કરી રહ્યા છે એ ન ભૂલવું જોઈએ. પ્રોફેસર પરમાર્થી તેમાના એક છે. લેખકે આ વાર્તા લખવા માટે નિર્ભય શ્રમ ખેડ્યો છે કેમકે સર્જકનો હેતુ અસત્યને પ્રકાશમાન કરવાનો હોય એવું કહી શકાય. તેથી ઉદ્દેશલક્ષી વાર્તા પણ બની રહે છે.

'લે, લેતી જા!' વાર્તા સબળા સુખાના સામાજિક નબળા પરિવારની વાર્તા બને છે. દીકરી જોઈતી કોઈ જેસલ નામના નીચલી જાતિના મજૂર યુવકને ચાહે છે. પણ સબળો સુખો સમાજમાં છોકરાઓનો દુકાળ પડ્યો હોય એ સ્થિતિનો લાભ લઈ માગ્યા મૂલે દીકરીને વળાવી પૈસા પડાવવા ઈચ્છે છે. આવી હલકી વિચારધારા ધરાવતા પિતાને છોડી દીકરી પ્રેમલગ્ન કરવા ધારે એમાં ખોટુ પણ શું છે. સાસરિયા પાસેથી લાખ રૂપિયા પડાવી લેનાર પિતા જોઈતીને પોલીસની મદદથી શોધવા નીકળે અને પછી પોતે 25 હજારનો ખર્ચ ગણાવે ત્યારે જોઈતીના વ્યંગવચનો પિતાને સાંભળવા પડે એ સ્વાભાવિક છે. 'મને ઠેકાણે પાડવા અત્યાર સુધીમાં તમે લાખ રૂપિયા તો ઓકાવ્યા છે. સવા લાખ ઓકાવવા હતા ને ! તો આ પચ્ચીસ હજાર પણ એમાં આવી જાત ! હું મફતમાં પડતને તમારી આબરૂ સચવાઈ જાત...' (પૃ. 118) પિતાને હવે પસ્તાવો હતો પણ જોઈતીને ભય હતો કે, બાપ દગાથી પોતાને પતાવી દેશે. છેવટે મરવાનું તો છે જ, એમ વિચારી જેસલને હિંમતથી જીવી લેવાની સલાહ આપી પિતા જોડે ચાલી જાય છે બીજે પરણી પણ ગઈ ને પોતાની દાદી કેસરની જેમ પોતાના પતિને બંધબારણે મારતી જાય ફરક એટલો હતો કે કેસર જ્યારે પોતાના પતિને મારતી ત્યારે, માર ખાઈને પતિ બરાડા પાડતો 'લે, લેતી જા' - બીજાઓને બતાવવા કે પોતે પત્નિને મારી રહ્યો છે પણ વાસ્તવમાં સત્ય જુદુ જ હતું. અહી જોઈતીનો પતિ માર ખાઈને બૂમો નથી પાડતો નબળાઈ છૂપાવતો નથી. સહન જરૂર કરે છે, કેસર અને તેના પતિ સુખાના કડવા દામ્પત્ય જીવનના મૂળમાં હતી તેમની એક મેક પ્રત્યેની માનસિકતા. પહેલા બહુ પ્રેમ હતો પણ મેરુ નામના મિત્રએ કહ્યું કે સુખો તો ઠીંગણો છે વહુ કરતા ત્યારથી બન્ને વચ્ચે ફાંટ પડી ગઈ. એકબીજાના વિરોધી બની ગયા. સમાજના એવા કેટલાય લગ્નો આજ રીતે ત્રીજી વ્યક્તિના દ્રષ્ટિકોણથી પોતાના સંબંધો મુલવવાની ટેવને લીધે પડી ભાંગે છે. ગામમાં સાટાપદ્ધતિ, દહેજ પ્રથા, જેવા પ્રશ્નો આજે પણ પ્રસ્તુત છે. તેથી આ વાર્તા વધુ પ્રત્યક્ષ બની છે.

'મા, ડેરીમાં ફરી હડતાલ ક્યારે પડશે ? વાર્તાનો ધ્વનિ નાની વયમાં મોતીને વેઠવી પડતી મુસીબતો, જીવતમાની પૌત્ર માટેની ચિંતા, પાગલ દીકરા માધુ માટેની વ્યથાને ચિત્રિત કરે છે, હસવા, રમવાના દિવસોમાં મોતી ભણે છે, કામ કરે છે, શ્રાધ્ધમાં કાગવાસ નાખે, એક ગાય, ભેંસ ... થોડીક જમીન, ખેતી... આ બધા વચ્ચે જીવતમાની છાયામાં ઉછરે છે. મા તો મૃત્યુ પામી છે. ઘરડે ઘડપણ વહુને યાદ કરી રહી પડતા જીવતમાં મોતીને ઘડતા ઘડતાય માની કમી અનુભવાવા દેતી નથી માધુને બીજી પત્ની પણ સુવાવડમાં મૃત્યુ પામી, પોતાને કઈક નડતર છે એમ જાણી ડોક્ટર અને ભુવા ભોપા વચ્ચે અટવાતો માધુ માનસિક સમતુલા ગુમાવી બેસે છે એને સાજા થવા જીવતમાં એ ઘીની બાધા પણ લીધી. મોતીના વર્ગશિક્ષકે અંગત રસ લઈ માધુની શોધખોળ કરાવી, મનોચિકિત્સક પાસે લઈ જઈ ઈલાજ કરાવ્યો. કોઈ ખેતી-પશુપાલનના જાણકાર ને ત્યાં માધુ નોકરી કરતો. ને થોડી રજા લઈ કોઈ ન જુએ તેમ જીવતમાને મળવા આવ્યો. એકવાર ડેરીમાં હડતાલ પડતા જીવતમાએ ખીર બનાવેલી ને મોતી અને તેના મિત્રોને ખવડાવેલી. એ ખીર મોતી આજ એના પિતાને ખવડાવવા માગતો હતો. તેથી જીવતમાને તે વહેલી સવારે ઉઠીને પુછે છે 'હવે ડેરીમાં ફરી હડતાલ કયારે પડશે ?' કેમકે ફરીથી જીવતમા ખીર બનાવેને પિતાને આપી શકે. નાનકડો દીકરો ક્યારે મોટો થયો એનો ખ્યાલ ન રહ્યો. આમ, અત્યંત મધ્યમવર્ગમાં જીવતા માણસનું સંવેદન લેખકે વાર્તામાં રસપૂર્વક ગૂંથ્યું છે.

'ફાળો' વાર્તા બાળકોના ઘડતરમાં માતાપિતાનો કેવો ઉત્તમ ફાળો રહેલો છે તેનું નિદર્શન પૂરું પાડે છે. બાળકોને બાળપણથી જ અપાતાં સંસ્કારો એ સંયુક્ત કુટુંબપ્રથા કે વિભક્તકુટુંબજીવનમાં અનિવાર્ય ઘટના છે. હેમાબહેન અને મયુરભાઈના સાનિધ્યમાં તીરથ અને યાત્રામાં આ ગુણો વિકસે એ નવાઈ નહીં. કેમ કે બેઉ દંપતિની પરસ્પરની સમજશક્તિ પણ ઉત્તમ છે. યાત્રામાં હેમાબહેન અને તીરથમાં મયુરભાઈ જેવા ગુણો સીંચાયા એવું બધા કહેતા હતા. શાળાના કોઈ ચોક્કસ હેતુથી બન્ને બાળકોને ફાળો ઉઘરાવાની જવાબદારી સોંપવામાં આવી. આ એક પ્રકારની સેવાપ્રવૃત્તિ હતી. પણ, મયુરભાઈને આ પ્રવૃત્તિમાં રસ નહોતો. હેમાબહેન મહિલા મંડળના મંત્રી અને આયોજક હતાં. ફાળાની રકમ લખવાની જવાબદારી માએ તીરથને સોપેલી. યાત્રા તેના ભાઈ સાથે હરિફાઈનો ભાવ રાખતી. વહેલી ઉઠી નાહી ધોઈ ફાળામાટે ચાલી જતી. પણ, તીરથ એમ નહોતો કરતો. હિસાબ લખતી વખતે ખૂટતી રકમ એ પોતાની બચતમાંથી ઉમેરતો તેણે ઈકોતેર રૂપિયાની બચત કરી હતી. યોગ્ય કામ અયોગ્યતાના ધોરણે ન કરવામાં માનનારા મયુરભાઈને ઘણીવાર ફાળાવાળી વાત પસંદ નહોતી પડતી. એકવાર યાત્રાનો ભરાયેલો ડબ્બો થોડો ખાલી લાગ્યો. બધાને તીરથ પર શક ગયો. યાત્રાનો ડબ્બો તોડી રેણ કરી મુકી દેવાની વાત તીરથની સાચી. પણ એ વાતનો અર્થ સૌને એ લાગ્યો કે તીરથે યાત્રાના ફાળાના પૈસા કાઢી લીધા. મયુરભાઈને સૌથી વધુ દુઃખ થયું. 'મારો તીરથ આમ ન કરે' કહેનારા મયુરભાઈ ડઘાઈ ગયા. બીજે દિવસે તીરથે પોતાનો ડબ્બો યાત્રાને આપી તેનો પોતે લઈ લીધો. શાળામાં વધુ ફાળો ઉઘરાવનારમાં યાત્રાનો પ્રથમ અને તીરથનો બીજો નંબર જાહેર થયો. પોતે સમજી ગઈ કે પોતાનો ડબ્બો ઘણો ખાલી, હોવા છતાં પ્રથમ નંબર કેમ આવ્યો. પ્રાર્થના સભામાં બન્ને ભાઈ-બહેન સામસામે ખુલાસા કર્યા. તારથે પોતાની બધી બચત પણ ફાળામાં ઉમેરી ભરેલો ડબ્બો યાત્રાને આપી પ્રથમ નંબર અપાવ્યો. આમ, પ્રથમ હોવા છતાં તે પ્રથમ ક્રમ ન પામી શકયો. મમ્મીએ ઉમેરેલા પાંચ રૂપિયા અને પોતાના ઈકોતેર એમ કુલ મળીને તીરથનો ડબો ભરાયો હતો એ ડબો તેણે બહેનને આપી દીધેલો. સત્ય જાણ્યા પછી સૌને બન્ને પર ગર્વ થયો હેમાબહેન આનંદીત થઈ રડી પડ્યા. આચાર્યએ પણ મયુરભાઈને અભિનંદન આપ્યા. આમ, સાચું જીવન ઘડતર એવો બોધાત્મક ઉદ્દેશ વાર્તામાંથી ઉપસે છે.

'ચેતના' વાર્તાના નાયક ગોવિંદ પટેલે ચેતનાના માત્ર એક જ વાક્ય 'અરે આખી દુનિયા વિના ફાવશે' જવાબથી તેની ધર્મપત્ની તરીકેની પસંદગી ઉતારી હતી. બહોળા કુટુંબનો ભાર સભાનતાપૂર્વક સંભાળી જાણનાર ચેતના માટે ભારરહિત વાત હતી. ઝડપી સ્કુટર ચલાવવાની ટેવને લીધે ઘણા લોકો શુભ ચિંતક બની સલાહ આપતા. ગોવિંદ પટેલને વારંવાર પરદેશ જવું પડતું. છતાં કદી ઉદાસ ન થતી. શાળા-કોલેજમાં રમાતા ખો-ખો ના દાવની જેમ જીંદગી જીવતી. પોતાના ઘરની બારીનો કાચ તોડી નાખતા બાળકો સાથે પણ લઢી પડતી. સોસાયટીના ન ગમતા નિર્ણય સામે વિરોધ કરતી અને એ માટે બીજી સ્ત્રીઓની અવહેલના સહન કરતી. 'ગોવિંદભાઈ ઘેર આવે છે પછી તો જાણે મિંયાની મીંદડી' કહેનારા લોકોને ચેતના સંભળાવી દેતી 'આખો દિવસ કામ કરીને થાકીને આવેલા માણસને કંપની આપું છું તમારા બધાની જેમ માથું ખાતી નથી.' (પૃ. 141) ચેતના નિર્ભય પણ ઘણી. પણ લગ્નના સાત વર્ષ વિત્યા પછી સાસુસસરાની ઈચ્છાવશ ડોક્ટર પાસે જઈ સારવાર પણ કરાવી આવી. છેવટે દત્તક દીકરી લેવાનો નિર્ણય કરી સાસુસસરાનો ઠપકો સાંભળવા છતાં એક દીકરી લઈ આવીને નામ મુંદ્રા પાડ્યું. પોતે સાચી મા નહોતી જ. છતાં દીકરીની ચેતના તેની અંતરાત્માને અડી જતાં જાણે તેનામાં માતૃત્વ ફૂટી નીકલેલું. કોઈકે કહેલું કે 'આ દીકરી એની માને બહુ હેરાન કરશે' આ વાક્યથી ચેતના ખુશ થઈ ગયેલી કે પોતાની દીકરી જીવશે. હવે ચેતના બારીનો કાય તોડી નાખનાર બાળકોને વઢતી નથી તેની ઉંમર, અને મનાસ્થિતિમાં આવેલું આ પરિવર્તન સ્ત્રી સહજ જ નહી માતૃત્વ સહજ પણ સ્વીકાર્ય બને છે. કેટલાંક સંબંધો લોહીથી સંધાય છે કેટલાક નિસ્વાર્થ મમતાથી. તેની પ્રતીતિ ચેતનાનું ચરિત્ર આપે છે.

'વેલાની ગાયો' વાર્તા દુષ્કાળગ્ર્ત સ્થિતિ, સુકાતા ખેતરોમાં ઉધઈનો ભય, દુકાળમાં ભૂખથી મરી જતાં ઢોરો, ગામનો ખાલીપો, સુકી પડેલી સીમ, રોજગારીની આશામાં સ્થળાંતર કરતાં ખેતમજૂરોની સ્થિતિનો ચિતાર આપે છે. ખેતી ન થવાથી વેલાએ પોતાની ગાયો વેચી નાખી. કેટલીક પસંદગીવાળી રાખી પણ દુષ્કાળની છાયામાં એક-એક કરતા ઢોર મૃત પામવા લાગ્યા. નવપરણિત વેલાની વહુ પણ સાસરીમાં આવીને સુખના દિવસો જોવાને બદલે વાસ્તવિક પરિસ્થિતિ સ્વીકારીને જીવતી. સિંચાઈની સગવડના અભાવે છોડોને સુકાતા જોઈને નાયકની વેદના આમ શબ્દમાં ફૂટી નીકળે કે, 'તમે નજરોનજર જુઓ છો કે છોડ સુકાઈ રહ્યા છે અને છતાં તમે એની તરસ છિપાવી ન શકો તો અંદર બળતરા થાય.' (પૃ. 147) આવા છોડોને સુકાતા બચાવવા નાયકે ટ્રેક્ટરમાં પાણીના કેન ભરી ખેતરને પોષવા પ્રયત્ન પણ કરેલો પણ દુષ્કાળે ખેતરોને ભરખ્યા હતા. આમ, વાર્તાનું સંવેદન એટલું જ કે દુકાળગ્રસ્ત સ્થિતિમાંથી ફાંફા મારનાર નાયકની એક આપવિતિ આ વાર્તામાંથી પ્રગટે.

'એસ.એસ.મહેતા' આદર્શ શીલ અને કલા-પ્રતિભાને વરેલી નાયિકા અરૂણાની ચરિત્ર કેન્દ્રી વાર્તા છે, જીવનમાં સ્વતંત્રતા અને સમાનતા, કલાદ્રષ્ટિથી જોનારા પુરુષની ઝંખના સંવતી અરૂણા... પ્રેમ થવાની ઉંમરે વસંત સાથે લાગણી બંધાઈ પણ એય સ્વાર્થ અને છેતરપીંડીના સ્વભાવ ધરાવતા પુરુષની આઘાતમાંથી પસાર થઈ. બીજો એક પુરુષ એને જીવનમાં મળ્યો તેની કલાને ચાહનારો. પણ પછીથી તેનીયે ધંધાદારી નીતિનો પરિચય થતાં અરૂણાને બીજો આઘાત લાગ્યો. એ પુરુષ રૂપ, ગુણ, કળાનો ઉપર છલ્લો પ્રશંસક નીકળ્યો. છેવટે લગ્ન ન કરવાનું નક્કી કરી લીધું. ઘરવાળાઓનું દબાણ લગ્ન કરવા અથવા ઘર છોડીદેવું બેમાંથી એક વિકલ્પ માટે પસંદ કરવા પર મજબૂર થનારી અરૂણા છેવટે પ્રો. અનિરુદ્ધ મિશ્રાની સલાહ મેળવવા ઘારે છે. 'તમે કોઈ વ્યક્તિને જાણ્યા વિના જ લગ્ન માટે ના પાડો એ વલણ સ્વચ્થ નથી આ એક પ્રકારની નાસ્તિકતા છે.' (પૃ 158) પ્રોફેસરની સલાહમાં તથ્ય જણાતાં છેવટે સુનિલ મહેતા બીજવર સાથે તેણે પરણવાનું નક્કી કર્યું. લગ્ન તો કર્યા પણ પ્રથમ રાત્રિએ જ એ બીજવરની એક દીકરી પણ છે એ જાણી પોતાના સાથે છેતરપીંડી થઈ છે એમ માની એ.એ.એસ. મહેતાને એક પત્ર લખી ચાલી નીકળી. પોતાની કારકીર્દિ બનાવવા. તે વર્કીંગ વુમન્સ હોસ્ટેલમાં રહેવા લાગી. નાટક અને દૂરદર્શનની નાટયશ્રેણીમાં એને નાની નાની ભૂમિકા મળતી. શરીરના ભોગે એણ કારકિર્દી નહોતી બનાવવી, અભિનય ક્ષેત્રમાં નિર્મલકુમારની એ પ્રશંસક હતી. નિર્મલ કુમારને તે મળી તો ખરી પણ એમના પર પ્રભાવ ના પાડી શકી. વૈરાગ્યભાવથી પ્રેરાઈને કૌસાનાવાળા શ્વામીજીના સંપર્કમાં આવી આધ્યાત્મિક માર્ગ તરફ જવાનું વિચાર્યું. બીજી તરફ રાજહંસ થિયેટરના દિર્ગદર્શકનું આમંત્રણ સ્વીકારી મુંબઈ ઉપડી જવું કે નહીં તે નક્કી કરવાં મુંઝવણ અનુભવી રહી. હજુ ત્રીજો વિકલ્પ એ હતો કે પોતે એસ.એસ. મહેતા વિશે વિચારવું. છેવટે રાજહંસનું નિમંત્રણ સ્વીકારી જવાની તૈયારીમાં હતી ત્યાં જ એસ.એસ. મહેતાનો પત્ર તેને મળ્યો. રાજહંસના નિમંત્રણ માટે પરોક્ષ રીતે નિર્મલકુમારનું યોગદાન હતુ જ. ઉપકારના કોઈ ભાર નીચે તેને તેઓ દબાવી નાખવા નહોતા માગતા કે લાગણીનો અવરોધ પણ ઉભો કરવા નહોતા માગતા. એસ.એસ. મહેતાના પત્રમાં અરૂણાએ ઝડપથી કરેલ નિર્ણય, પોતાનુ એક દિવસનું લગ્નજીવન અને નિષ્ફળતા, પોતાને સ્પષ્ટતા કરવાની તક ન મળી તેનો વસવસો, પોતાની દીકરીની લાચારી, પોતાનું પ્રથમ લગ્નજીવન કેવી રીતે ખોરવાયુ એની વેદના... આ સાથે પોતે અરૂણાને અભિનંદન પાઠવે છે અને અરૂણા પોતાના નામ આગળ 'કુમારિકા' લખાવી શકે એ સહમતિ સાથે, હરખશોક ન રાખીને 'શુભેચ્છાઓ સાથે વિસ્મરણ ઈચ્છતો' એવું સંબોધન કરીને પત્ર સમાપ્ત કરી અરૂણાના ચિત્તમાં જાણ્યે - અજાણ્યે એક સ્થાન નિશ્ચિત કરી દે છે. અહીં વાર્તા પણ સમાપ્ત થાય છે તો ય જાણે અહીંથી અરૂણાના જીવનની વાર્તાની શરૂઆત પણ છે. રઘુવીર ચૌધરીની આ એક મોટી વિશેષતા કે વાર્તાનો અવકાશ પણ ઉભો કરી બતાવે.

'અતિથિગૃહ'ની અંતિમ વાર્તા 'અતિથિગૃહ' વાસ્તવ જગતમાંથી ખાસ કરીને વર્તમાન સમયના રાજકારણ, સમાજજીવન અને આધુનિકતાવાદી વિચાર તરફ ઢળેલાં માનવીની સ્વચ્છદ્દીવૃત્તિ તરફ પ્રતિકાત્મક ઉઘાડ આપનાર નોંધપાત્ર કૃતિ બની રહે છે. અહિંસાવાદી જશુભાઈ ગૂજરાત વિદ્યાપીઠમાં સ્નાતક થયેલા થોડાંક વરસ લોક-ભારતીમાં ચાલતા કૃષિ-શિક્ષણ અને ગ્રામ વિકાસની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ રહ્યાં. તાલુકાના રાજકારણમાં સક્રિય બન્યાં. જિલ્લા કક્ષાની જવાબદારી પણ નીભાવી શિક્ષણ સમિતિનાં ચેરમેન પણ થયેલાં. જિલ્લા પંચાયતના પ્રમુખપદને પણ નિભાવેલું. રાજકારણમાંય તે નીતિમાન રહી શકેલા. રાજ્યકક્ષામાં કામ કરવાની પણ તક હતી. પણ જતી કરેલી, એમણે અનાથ બાળકો માટે 'ગોકુળ' નામની સંસ્થા શરૂ કરેલી એના ઉદઘાટનમાં બાબા આમટેને બોલાવેલા. જશુભાઈનો દીકરો અમેરિકા ગયો પછી લગ્ન કરીને ત્યાં જ સેટલ થઈ ગયો. પોતે અને પત્ની ત્યાં જઈ શકે એમ નહોતા. એમને તો 'ગોકુળ' માં રહીને દાણલીલાથી ગીતાના અઢારમાં અધ્યાય વચ્ચેના અંતરને, જીવનને સમજવા યશાશક્તિ પગલાં માંડેલા, દેવાંગ લોકભારતીમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો તેને જશુભાઈના જીવન-સર્જનમાં રસ પડેલો. પછી તો... જિલ્લાંના વડામથક વનસ્થલીના ગ્રામવિદ્યાપીઠ શરૂ થયેલી અને દેવાંગ ત્યાં અધ્યાપક હતો. તેના વિચારો સ્પષ્ટ હતાં. 'વ્યાપક પ્રજાજીવન સાથે પણ પ્રત્યેક અધ્યાપકને નિસ્બત હોવી જોઈએ' (પૃ. 169) જશુભાઈને બોલવા માટે આમંત્રણ મળેલું. અતિથિગૃહમાં પ્રમુખવાળા ખંડમાં મહેમાનગતિ માણવાનું દેવાંગે જશુભાઈ માટે નક્કી કરેલું. કેમકે જશુભાઈએ જ અતિથિગૃહ બનાવડાવેલું. 'એક વૃક્ષને ઉછેરીએ એટલી મતતાથી એમણે આ અતિથિગૃહ બંધાવેલું' (પૃ. 170) એમ લેખક લખે છે. વર્તમાન સમયમાં અતિથિગૃહ એક ધંધાદારી રાજકારણીઓનું વિલાસી સ્થાન બનીને રહી ગયું છે. આ સત્ય જશુભાઈ જાણે એમ દેવાંગ ઈચ્છે છે. અતિથિગૃહમાં એક સુંદર છોકરીની અવરજવર જશુભાઈને જાણીતી લાગી, તે જશુભાઈના સાનિધ્યમાં ઉછરેલી દરિયાકાંઠેથી મળી આવેલી દીકરી, માલતી હતી. દાણચોરીના અનૈતિક ધંધામાં ફસાયેલી માલતી પોતાનું, ચરિત્ર હનનન કરવા સુધીની અવર્તણૂકમાં ઢળી ગઈ એ સૌરભને માટે આઘાતજનક વાત હતી. સૌરભના હૃદયમાં માલતી ઘણે દૂર નીકળી ગયેલી કોઈ સી.ડી. નામના અસમાજિક તત્વના પ્રભાવમાં જીવતી લાગી. એક સમયે જશુભાઈએ માલતીને જવાબદારી તરીકે સૌરભ અને દેવાંગને સોંપેલી. પણ માલતી ક્યારે બે વચ્ચેથી અદૃશ્ય થઈ ગઈ ખબર ન રહી. સૌરભ માલતીને ચાહીને પણ ભુલી શકતો નહોતો... એટલે વિચારે છે કે, 'તમે જેને સરસ્વતી માની હોય અને બજારમાં જુઓ તો કેવો આઘાત લાગે ? તમે જેને માનવ કલ્યાણની ગંગોત્રી માની હોય એનો સંગમ ગટર સાતે થતો જોઈને તમને કેવા વિચાર આવે ? નિરાશા અને મુંઝવણનો કે બીજા ?' (પૃ. 178) સૌરભ માલતીનું એ સ્વરૂપ જોઈ ટૂટી ગયો હતો. પોતે ઈચ્છતો હતો કે તે સારા રસ્તે આવી જાય. પોતે જશુભાઈને શો જવાબ આપશે માલતી વિશે. એની પણ તેને ચિંતા હતી. વિનોબા ભાવે, જયપ્રકાશ, બાબા આમટે જેવાનો પ્રભાવ સૌરભની વિચારધારામાં હતો માટે તે વિચારતો કે, 'માનવસંસ્કૃતિ આપઘાતને બિરદાવતી નથી, બલિદાનને બિરદાવે છે. માણસ પોતાના દુઃખથી મૂંઝાઈ મરે એનું નામ આપઘાત અને સમગ્ર માનવજાતિની વેદનાનો ભાગીદાર બનવા પ્રેરાય એનું નામ બલિદાન' (પૃ. 179) વાર્તાની પછીની કથાવસ્તુમાં માલતી, સીડી, નવો પ્રમુખ કનકભાઈ.. બધા ગુનેગારો જશુભાઈ, દેવાંગ અને સૌરભની સમક્ષ રાકેશ અને અનુપની મદદથી પ્રત્યક્ષ થઈ જાય છે. માલતી છોભીલી પડી ગઈ કેમ કે પોતે એવા દલદલમાં ફસાઈ જેમાંથી બહાર આવવું હવે તેને અધરું લાગે છે પણ દેવાંગે, રાકેશની મદદથી પોલીસમાં એ ગુનેગારો પકડાય છે.

જે અતિથિગૃહ જુસ્સા, હર્ષ, આદર્શની ટેક પર ઊભુ થયેલું એના બદલાયેલાં કઢંગી રૂપને જોઈ જશુભાઈને આઘાત લાગે છે. સૌરભ પણ માલતીને પોતાના મનની વાત ન કહી શક્યાનો ખેદ અનુભવે છે. અતિથિગૃહ જે ઉદ્દેશથી બંધાયું એના કરતાં જુદા સ્વરૂપમાં તેનો વિકાસ થયો એ જશુભાઈની વેદના છે. વર્તમાન સમયમાં એવી ઘણી હોટેલ, વિશ્રામગૃહો પર વ્યંગ પ્રકટ કરતી આ વાર્તા છે. જેમાં અનૈતિકતાએ બહોળા ફલક પર પ્રભાવ જમાવ્યો છે ખાસ કરીને આવા સ્થળો રાજકારણની બદીઓને સહારો આપનાર સ્થાન તરીકે પ્રસ્તુત બને છે. - કહેવાતી સુધારાવાદી સંસ્થાઓ પણ આ બદીથી દૂર નથી એ કડવી વાસ્તવિકતા છે.

'અતિથિગૃહ' ની લગભગ બધી જ વાર્તાઓ ભાષા આલેખન, વસ્તુ નિરૂપણ, પાત્ર અભિવ્યક્તિ તેમજ નિશ્ચિત ઉદેશને સાર્થક કરનારી કલાત્મક નીવડી છે. વાસ્તવિકતા અને જીવન અનુભૂતિઓનો નિચોડ વાર્તાઓનું વિષયવસ્તુ બનીને ઉભરે છે. એમાં ક્યાક વર્તમાન પરિસ્થિતિમાં સળગતા પ્રશ્નોનું આલેખન કરવાનો સર્જકીય દ્રષ્ટિકોણ જોવા મળે છે તો ક્યાંક જીવનની એક અનુભૂતિગત ક્ષણનું વર્ણન કરી કોઈ જીવનની સચ્ચાઈ પ્રગટ કરી નાખવાનો પવિત્ર અને નિર્દોષ અભિગમ પણ સેવાયો છે. આમા મહદંશે વાર્તાના નોંધપાત્ર લક્ષણો વડે ન મુલવીને વાર્તાના ચૈતસિક, અનુભૂતિગત વિષય વસ્તુને અને આલેખનરીતિને તપાસીએ તોય વાર્તામાંથી ઉભરી આવવી જોઈએ એટલી કલાત્મકતા કૃતિની મોટાભાગની વાર્તાનો વિશેષ્ય બની છે. 'અતિથિગૃહ' વાર્તા શીર્ષક પણ એટલું જ ધ્યાનાર્હ નીવડ્યું છે માણસ-માણસ વચ્ચેનું અંતર આધુનિકકાલીન સમયમાં વધતું ગયું અને એટલે કહેવાતાં અતિથિગૃહો અતિથિમંદિર બનવાને બદલે અનૈતિક વૃત્તિઓનું ઘર બનવા તરફ ઢળ્યા એ સત્ય અને કડવી વાસ્તવિકતા તરફ સર્જકો અંગુલિનિર્દોષ કર્યો છે. સર્જકની કલમથી એવી સમૃદ્ધ અને વાસ્તવિક અનુભૂતિની ક્ષણો 'વાર્તા' બનીને અવતરતી રહે એવી અભ્યર્થના.

સંદર્ભ :

  1. 1. 'અતિથિગૃહ' (વાર્તાસંગ્રહ) લે. રઘુવીર ચૌધરી

ડૉ. વર્ષા એલ. પ્રજાપતિ, ગુજરાતી વિભાગ, એસ.એલ.યુ. આટર્સ એન્ડ એચ. એન્ડ પી. ઠાકોર કોમર્સ કોલેજ ફોર વિમેન, એલિસબ્રીજ, અમદાવાદ.