Download this page in

દલિતેતર સર્જકોની ગુજરાતી દલિત નવલકથાઓ : એક અધ્યયન

કહેવાય છે કે માર ખાઈને લખનાર અને માર ખાનાર વિશે લખનાર જુદા છે એવો જ મતભેદ દલિત સાહિત્ય લખનાર વિશે પ્રવર્તે છે. પરંતુ હવે એ મત પ્રવર્તમાન થયો છે કે દલિતોની સમસ્યાઓ, પ્રશ્નો, દયનીય સ્થિતિ વિશે લખનાર તેમની ભાવનાઓ સાથે સમસંવેદન અનુભવી અને વાસ્તવિક સાહિત્ય લખનાર દલિત સિવાયના અન્ય સર્જકો પણ દલિત સાહિત્ય લખવાનો પ્રયાસ કર્યો છે. આમ, સાહિત્યમાં અનેક બિન-દલિત સર્જકોએ દલિત સાહિત્યમાં પોતાનુ આગવું યોગદાન આપ્યું છે. ખાસ કરીને દલિત નવલકથા ક્ષેત્રે અનેક દલિતેતર સર્જકોએ નવલકથાઓ લખી છે. અહીં કેટલાક દલિતેતર સર્જકોની દલિત નવલકથાઓ વિશે વાત કરીશું જેમાં પિનાકિન દવેની ‘પ્રલંબપંથ’, રામચંદ્ર પટેલની ‘વરાળ’, રઘુવીર ચૌધરીની ‘ઈચ્છાવર’, ચિનુ મોદીની ‘કાળો અંગ્રેજ’, મણિલાલ પટેલની ‘અંધારું’, દિલીપ રાણપૂરાની ‘આંસુભીનો ઊજાસ’, જયંત ગાડિતની ‘બદલાતી ક્ષિતિજ’ વગેરેનો સમાવેશ થાય છે.

• ‘પ્રલંબપંથ’ (પિનાકિન દવે)

‘પ્રલંબપંથ’ નવલકથા શિક્ષિત લોકોની માનસિકતા વ્યક્ત કરતી નવલકથા છે. ભણી-ગણીને શહેરમાં વસવાટ કરતા સુધરેલા સવર્ણ લોકોની નિમ્ન માનસિકતા આજે પણ જાતિવાદને પ્રોત્સાહન આપે છે તે અહીં જોવા મળે છે. નવલકથાનો નાયક રવિ વર્મા દલિત વર્ગમાંથી આવે છે. ગામડામાંથી ભણી-ગણી અને શહેરમાં નોકરી મેળવે છે અને સવર્ણો સમાજમાં મહોલ્લામાં ભાડે મકાન રાખી પોતાની જાતિ છુપાવી અને ત્યાં રહે છે. સવર્ણોની રહેણી-કરણી, સંસ્કારોથી પ્રભાવિત થઈ તે પોતાની જ જાતિનાં લોકો વચ્ચે રહેતો નથી સવર્ણો સાથે સવર્ણ બની અને વ્યવસ્થિત જીવન જીવવાના પ્રયત્નો કરે છે. સવર્ણ સમાજની વ્યવસ્થિત જીવનશૈલી, માનસન્માન વગેરેથી ખૂબ ખુશ થાય છે. તે પોતાની જ જાતનાં લોકો દલિતોને નફરત કરે છે. પરંતુ તેની જાતિ તેનો પીછો છોડતી નથી. એક દિવસ તેની જ જાતિનો ગોપાલ મહોલ્લામાં સાફ-સફાઈ માટે આવે છે અને તેને ઓળખી જાય છે, જેના કારણે આખા મહોલ્લામાં ખબર પડે છે કે તે દલિત જાતિનો છે. સવર્ણ સમાજની છોકરી જે માલવિકા જેની સાથે તેણે લગ્ન કર્યા હતા તે આ આઘાત સહન કરી શકતી નથી એક દલિત સાથે લગ્ન કર્યાનો પસ્તાવો કરી આત્મહત્યા કરી લે છે અને મહોલ્લાના લોકો રવિ વર્માને માર મારી તેના છોકરા સાથે કાઢી મુકે છે. રવિ વર્મા પોતાની જાતિનાં લોકો પાસે દલિત વાસમાં રહેવા આવે છે, સવર્ણ સમાજની માનસિકતાનો તેને પરિચય થાય છે અને સમાજ માટે કાર્ય કરવા લાગી જાય છે. દલિત સમાજનાં હિત માટે કેટલીક યોજનાઓ બનાવે છે. સવર્ણો સામે બદલો લેવાનું ઠાની લે છે. દલિત સમાજમાં યુવાનોને પણ તે સમજાવે છે. અને સમાજ માટે પોતાનુ જીવન સમર્પિત કરી દે છે.

આખી નવલકથામાં રવિવર્મા જેવા શિક્ષિત અને સંસ્કારી માણસને પણ શહેરમાં કેવા જાતિવાદનો સામનો કરવો પડે છે તેનો પરિચય થાય છે એટલું જ નહી તેની પત્ની ને જ્યારે ખબર પડે છે કે તેનો પતિ દલિત છે ત્યારે તે પણ આત્મહત્યા કરવા પ્રેરાય છે. જ્યારે આત્મહત્યા કરે છે ત્યારે તેની પત્ની કહે છે.

“તમે અમને સહુને છેતર્યા છે. હવે આ કલંક સાથે હું જીવી શકું એમ નથી. પણ તમે મારા પતિ છો તેથી તમારા આવવાની હું રાહ જોતી હતી. આપણો સંબંધ હવે પુરો થાય છે. હું આ દેહ વેઠી નહી શકું. તમને ભગવાન માફ કરે તો સારું”.[1]

આમ રવિની પત્ની પણ તે દલિત હોવાથી આત્મહત્યા કરે છે. સવર્ણ સમાજ સાથે ભળી એક સારું અને વ્યવસ્થિત જીવન જીવવા મથતા આ દલિત રવિવર્માને સવર્ણ સમાજમાં કડવા અનુભવોનો સામનો કરવો પડે છે તેથી જ તે પોતાની જાત સાથે વાતો કરે છે અને કહે છે કે
“અત્યાર સુધી હું ખોટી દિશાએ હતો, સ્વાર્થી હતો, કદાચ મારા એકલાનો જ વિચાર કરતો હતો. મારી જાતને ઊચ્ચ સમાજમાં ભેળવી દઈ આનંદ પામતો પણ મારી એ ભૂલ હતી. હવે હું સાચી દિશાએ આગળ વધીશ. હું અહીંથી મારા કાર્યનો આરંભ કરું છું.”[2]

આમ દલિત સમાજના લોકો સમાજમાં ભળી સારું વ્યવસ્થિત જીવન જીવવા ઈચ્છતા હોવા છતાં સવર્ણ સમાજ અને તેની જાતિ ક્યારેય ભૂલવા દેતો નથી. પછાત લોકોને હંમેશા પછાત જ બનાવી રાખવા પ્રયત્નશીલ જોવા મળે છે. નવલકથામાં સવર્ણ સમાજની આવી માનસિકતાનો પરિચય થાય છે સાથે સાથે રવિ વર્મા જેવા સુશિક્ષિત લોકોના મન પર તેની કેવી અસર થાય છે તે જોવા મળે છે. રવિ વર્માના કેટલાક કાર્યો અને વિચારોમાં આંબેડકરી વિચારધારા પણ જોવા મળે છે. અન્યાય સામે અવાજ ઊઠાવવો, પોતાનાં અધિકારો માટે લડવું સમાજને જાગૃત કરવાના કાર્યો કરવા. વગેરેમાં ડૉ.બાબાસાહેબ આંબેડકરની વિચારધારા જોવા મળે છે.

• ‘વરાળ’ (રામચંદ્ર પટેલ)

‘વરાળ’ રામચંદ્ર પટેલની નોંધપાત્ર દલિત નવલકથા છે. માનવતાવાદી દૃષ્ટિકોણ લઈને આવે છે. સમાજનાં પ્રવર્તમાન જાતિ વ્યવસ્થા અને અમાનવીય દૃષ્ટિકોણને ઊજાગર કરી અને માનવીય દૃષ્ટિકોણ સ્થાપિત કરવાનો પ્રયાસ કરે છે. કથાનાયક ગામને સુધારવા માટે પુસ્તકાલય, દવાખાનું ખોલે છે. વ્યસનમુક્તિ માટે પ્રયત્નો કરે છે. દલિતોદ્ધારના કાર્યો પણ કરે છે. આ નવલકથામાં પોતાનાં વતન સોનાસરમાં ગ્રામ સેવા કરવા માટે નાયક આવે છે, ત્યારે ગામમાં દુષ્કાળની સ્થિતિ સર્જાતા નાત-જાતનાં ભેદ દૂર કરી અને સામુહિક પરિશ્રમની ભાવના જન્માવે છે. આજની કેળવણીને તે ધિક્કારે છે. સાંકેતને સુવર્ણચંદ્રક પ્રાપ્ત થાય છે તે પણ તે ઠુકરાવી દે છે અને કહે છે કે –
“હું સુવર્ણચંદ્રકને ફેંકી દઊં છું અને આ પ્રમાણપત્રના ચૂરેચુરા કરી હવામાં ઊડાડી દઈ એક પળભર પણ તમારી સન્મુખ રહેવા માંગતો નથી.”[3]

પોતાનાં ગામ સોનાસરમાં જ્યારે દુષ્કાળનું વાતાવરણ સર્જાય છે ત્યારે તે નાત-જાતનાં, ભેદભાવો વગર સેવાના કાર્યો કરે છે. દુષ્કાળમાં ગામ છોડીને અન્ય સ્થળે જવા માગાતા ખેડૂતોને સમજાવે છે અને ઘાસ ભેગું કરી ઢોરોને બચાવવાની યોજના ગામનાં લોકો સમક્ષ મુકે છે. પોતાનાં જ પૈસે પોતાની જમીનમાં ટ્યુબવેલની વ્યવસ્થા કરી ગામ લોકોની જમીનમાં પાણી પહોંચાડે છે. તે ગામ લોકોમાં સામૂહિક પરિશ્રમની ભાવના જગાડે છે. ખેતી કરે છે. મંદિરની પડતર જમીનને ફળદ્રુપ બનાવે છે. દારૂબંધી કરે છે. ગામનાં પુસ્તકાલય અને હોસ્પિટલ પણ ખોલે છે. ગામમાં પછાત જાતિનાં લોકોની જે દયનીય સ્થિતિ છે તેનો પણ અહીં આપણને ખ્યાલ આવે છે. ગામમાં આવેલ નાગજી ચમારની નવી વહુ જ્યારે સાંકેતના ચરણ સ્પર્શ કરવા આવે છે ત્યારે તેની નોકરાણી કહે છે-
“અરેરે સાકુજી તમે આ શું કીધું? અભડાયા! શેઠજી ઈને અડાતું હશે ? ઈ ચમાર રયાં”[4]

અહી પછાત જાતિ પ્રત્યે રખાતી આભડછેટના દર્શન થાય છે. આખી નવલકથામાં દલિતોની દયનીય સ્થિતિ જોવા મળે છે. “નાયક સાંકેત આભડછેટમાં માનતો નથી તેથી તે સમજાવે છે કે અડવાથી અભડાવાતું નથી અછુત એટલે શું થઈ ગયું? એનામાં પણ આપણા જેવો જ જીવ વસે છે એ પણ માણસ જ છે. માણસને માણસ અડે એમાં શું થઈ ગયું? સાંકેત શહેરનું ઊદાહરણ આપી અને કહે છે કે –
“શહેરમાં એ લોકોનો સ્પર્શ કરી શકાય, પાસે બેસાય તો ગામડામાં કેમ છુટ ન લઈ શકાય? પૂર્વજો તાજી ચાલી આવતી શૂદ્રોને તિરસ્કારવાની રીત એ સતવૃત્તિ નથી; પણ આપણી શુદ્રતા છે એને કાઢી થોડુંક એમની સાથે હળી મળી જોડાઈએ અને જો પછી સમાજ નિંદે તરછોડે તો એ સમાજ નથી, પાંજરાપોળ છે. લોકોએ છૂત-અછૂતનો ભેદ માનવજાતમાંથી દૂર કરી પ્રેમ સંપથી જીવવું જોઈએ”[5]

અહીં સંકેતે ગામડાના સવર્ણોની ભેદભાવ ભરેલી સડેલી માનસિકતા પર પ્રહાર કર્યો છે. દલિતો સાથે તિરસ્કાર ભર્યો વ્યવહાર કરવો એ તેમના માટે સતવૃત્તિ નહી પણ શુદ્રતા છે. તે સવર્ણ અને દલિત વર્ગના લોકો વચ્ચે સમાનતા ભાઈચારો અને સંપની ભાવના જન્માવવા માટે રેટિયા બારસના દિવસે ‘સત્યનારાયણ’ ની કથાનું આયોજન કરે છે. કથામાં માત્ર દલિતો અને થોડાક જ સવર્ણો આવે છે. દેવશંકર પુરોહિત, પરાગકાકા, સેવકરામ, ઈશ્વર વગેરે લાકડીઓ ધારિયા લઈને આ કથાનો વિરોધ કરવા આવી પહોંચે છે પણ સાંકેત તેની પરવાહ કર્યા વગર કામ કરે છે, એકવાર નાગરાજ ચમારની પત્નીને જ્યારે ધનુર્વા ઊપડેલો ત્યારે સાંકેત તેને હોસ્પિટલ લઈ જાય છે એ પણ સાંકેતની મહાનતા દર્શાવે છે. જ્યારે ગામમાં દુષ્કાળ પડે છે ત્યારે પણ દરેક જ્ઞાતિનાં લોકોને સહયોગ આપવા તૈયાર થઈ જાય છે. કથામાં સાંકેતનું પાત્ર આદર્શ, માનવતાવાદી ચરિત્ર ઊપસતું જોઈ શકાય છે. આ નવલકથામાં નિરૂપાયેલ દલિત સમાજ પરંપરાગત રિવાજો, માન્યતાઓ, રૂઢિઓથી ગ્રસ્ત છે. દલિતોની અજ્ઞાનતાને કારણે તેમજ તેમનામાં શિક્ષણના અભાવને કારણે તેઓ અનેક કુરીતિઓનો ભોગ બનેલા જોવા મળે છે. આખી નવલકથામાં દલિત-સંવેદના પ્રગટ થાય છે. એકવાર નાયક એક વાઘરી સમાજના માણસને બાળકોના સ્મશાનમાં હાડકા ખોદતો જુએ છે ત્યારે તેને પૂછે છે કે તું શું કરે છે ? આ સાંભળી વાઘરી ગભરાતો ગભરાતો જવાબ આપે છે કે –
“નેના છોકરાના હાડકા વેણુ સુ.
શું કરવા ?
ખાવા
ખવાતા હશે?
ખવાય, ખાંડી ભૂક્કો કરી ઈમાં તેલ નાંસી ખવાશે.”[6]

અહીં પણ ગરીબ વાઘરીની દયનીય સ્થિતિ જોવા મળે છે. ગામમાં દલિતોને કુવામાંથી પાણી પણ માંગીમાંગીને ભરવું પડે છે. સવર્ણોના કુવામાંથી દલિતોને પાણી ભરવાની મનાઈ છે જેના કારણે દલિતો દયનીય સ્થિતિમાં મુકાઈ જાય છે.

આમ આખી નવલકથામાં કથાનાયક દ્વારા સમાજસુધારકના કાર્યો થતા જોવા મળે છે. સાથે સાથે દલિતોની સ્થિતિ, દુષ્કાળનું વાતાવરણ, સવર્ણ લોકોની માનસિકતા, ગામડાની બોલી, વગેરેનો પરિચય આપણને અહીં થાય છે.

• ‘કાળો અંગ્રેજ’ (ચિનુ મોદી)

‘કાળો અંગ્રેજ’ એ ચિનુ મોદીની જાણીતી નવલકથા છે. લેખક પોતાની આ નવલકથાને ‘ગયા જનમની કલંક કથા’ તરીકે ઓળખાવે છે. આઝાદી પછી પણ દેશમાં દલિતોની સ્થિતિ કેવી છે તેનો ચિતાર આપતી આ નવલકથા આપણી સામે એક પ્રશ્ન ઊભો કરી દે છે કે આઝાદી કોને મળી ? શું ખરેખર દેશ આઝાદ થયો છે ? અહીં સવર્ણ અને દલિત સમાજ વચ્ચેના આંતર સંઘર્ષની વાત કરવામાં આવી છે.

કથાનાયક મનસુખ એક ગાંધીવાદી કાર્યકર છે તે દલિત વાસમાં ભલા ભગતનાં ઘેર રહી દલિતોના નાના-મોટા પ્રશ્નો, સમસ્યાઓ સરકાર સુધી લઈ જઈ તેના નિરાકરણ માટે પ્રયાસ કરે છે. તે વાંસના લોકોને ગાંધીવાદી વિચારધારાની વાત કરી તે મુજબ આચરણ કરવા પ્રેરે છે. નાયક શિક્ષણનો પ્રચાર અને પ્રસાર કરે છે. શારદા જેવી દલિત છોકરીને ભણાવી અને સ્ત્રી શિક્ષણ પર પણ ભાટ મુકે છે. દેશમાં બનતી રોજ-બરોજની ઘટનાઓને છાપાઓ દ્વારા ગામલોકો સુધી પહોંચાડે છે. આવી રીતે ગ્રામોદ્ધાર અને સમાજ સુધારાના કાર્યો કરે છે. ગામનાં સવર્ણ લોકોને આ ગમતું નથી. વજેસંગ ઠાકોર, ગામના મુખી વગેરે મનસુખને ગામમાંથી કાઢવાનાં પ્રયત્નો કરે છે. મનસુખ દલિતો સાથે રહે છે તે પણ તેમને ખટકે છે. ગામમાં ગાંધીવાદી કાર્યકર દયાભૈનાં કહેવાથી કાળો, ભલિયો, ઢોલી રવલો, મનોરિયો વગેરે મંદિરમાં પ્રવેશ કરવા જાય છે ત્યારે તેને જોઈને વજેસંગ ઠાકોર ઊકળી ઊઠે છે અને ત્રાડ પાડીને કહે છે કે-
“ખબરદાર! ન્યાના ન્યા ઊભા રેજો. તસું આગળ ખસ્યા છો તો ફૂંકી કાઢીશ. આ પવિતર જગામાં તમને આવવા કોણે દીધાં ? રાંડનાઓ, ભગવાનનાં થાનકમાં તમારાથી અવાય? આ જલમે તો મેલું ઊંચકો છો, આવતે જલમે કીડા પડશે કીડા! જાઓ ગાયનું છાણ લૈ આવો ને તમારા પંછાયા પડ્યા છે ઈ લીંપી-ગૂંપી નાંખો જોયા શું કરો છો ?”[7]

આમ અહી આ નવલકથામાં ઠાકોરને મોઢે બોલાતા આ શબ્દો દ્વારા આપણને ખ્યાલ આવે છે કે ગામમાં કેટલી આભડછેટ હશે અને દલિત લોકોને કેટલા અત્યાચારો સહન કરવા પડતા હશે. દલિતોને મંદિરમાં પણ પ્રવેશવા દેવામાં આવતા નથી. ઊપરાંત ગામનાં સવર્ણ લોકો તો દલિતોને ગુલામ બનાવીને રાખે છે. મનસુખ જ્યારે પહેલીવાર ભલા ભગતને ત્યાં રહેવા આવે છે ત્યારે પણ ભલાની પત્ની અંબી તેને જોઈને કહે છે કે તમે સવર્ણ લાગો છો અમારા ઘરનું પાણી તમે પીશો ? અમે તો દલિત છીએ, સવર્ણોએ જે જાતિ વાદી માનસિકતા ફેલાવી છે તેની કેટલી અસર દલિતોના માનસ પર પણ પડી છે તે અહીં જોવા મળે છે. વજેસંગ ઠાકોર સવર્ણ છે અને જ્યારે એમનો જ પુત્ર ઇન્દ્રસિંહ દલિત છોકરી શારદીના પ્રેમમાં પડે છે ત્યારે તેના પિતા કહે છે કે હવે આ ભણવાનું જલદી પુરુ કરી અને રાજ સંભાળો. ઇન્દ્રસિંહ જ્યારે રાજ સંભાળવાની ના પાડે છે અને શારદા જોડે લગ્ન કરવાનું કહે છે ત્યારે તે શારદાનું અપહરણ કરાવે છે. શારદાના વિરહમાં ઇન્દ્રસિંહ આત્મહત્યા કરી લે છે. રોષે ભરાયેલા વજેસંગ ઠાકોર ભંગી વાસમાં જઈ અને અનેક દલિત લોકોની હત્યા કરી નાંખે છે, દલિતો પર અત્યાચારો કરે છે.

‘કાળો અંગ્રેજ’ એ આઝાદી મળ્યા પછીના સમયમાં ગામડામાં વસતા સવર્ણ-દલિત સમાજમાં આંતર-સંબંધ વિગ્રહની કથા છે. નવલકથામાં શરૂઆતથી છેક અંત સુધી સંઘર્ષ નિરુપાયો છે. સંઘર્ષથી જન્મતાં દર્દનું નિરુપણ સહાનુભૂતિ પૂર્વકનું છે. ગુજરાતી સાહિત્યમાં દલિત જીવનને ધ્યાનમાં રાખી આ શોષિત પીડિત પ્રજાનાં પ્રશ્નોને, સમસ્યાઓને વાચા આપતી નવલકથાઓ જે બિનદલિત લેખકોએ લખી છે એમાં ચિનુ મોદીની આ નવલકથા નોંધપાત્ર બની રહે છે.

આઝાદી મળ્યા પછી પણ દલિતો એજ શોષણખોર વ્યવસ્થામાં પિસાઈને જ રહી ગયેલા છે. પોતાના જન્મજાત સંસ્કાર, રૂઢિઓ, અજ્ઞાનતા, અંધવિશ્વાસ વગેરેમાં જ રહેલા આ લોકોની સ્થિતિ દયનીય જોવા મળે છે અને લેખક કહે પણ છે કે ગાંધી બાપુ એ ગોરા અંગ્રેજોને તો દેશમાંથી ભગાડી મૂક્યા પરંતુ આ કાળા અંગ્રેજને ક્યાં ભગાડ્યા? આમ લેખક સવર્ણોને કાળા અંગ્રેજ કહી અને દલિતો આજે પણ કાળા અંગ્રેજના ગુલામ છે તે વાસ્તવિકતાને અહીં ઊજાગર કરી આપી છે.

• ‘આંસુભીનો ઊજાસ’ (દિલીપ રાણપૂરા)

‘આંસુ ભીનો ઊજાસ’ દિલીપ રાણપૂરાની જાણીતી નવલકથા છે. આ નવલકથા પહેલા ‘જન્મભૂમિ- પ્રવાસી’માં ધારાવાહિક રૂપે ‘ઓતરાદા વાયરા ઊઠો’ શીર્ષક હેઠળ પ્રગટ થઈ હતી. આ નવલકથામાં ગાંધીવાદી વિચારધારા, મૂલ્યો, આદર્શોને વરેલા કોળી સમાજના દેવરાજ પોતાનાં નપાણિયા પ્રદેશમાં આવેલા મેરુપર ગામમાં કેવી કેવી યાતનાઓ, વિરોધો, વિષમ પરિસ્થિતિ વચ્ચે રહી શિક્ષણની જ્યોત જલાવી, પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડી, લોક જાગૃતિ લાવીને ગ્રામોદ્ધાર કરે છે,

આ નવલકથામાં પણ દલિતોની દયનીય સ્થિતિ જોવા મળે છે. આખા ગામમાં દલિતોના ફક્ત ચાર ઘર છે અને ચારેય ઘર ગામથી અલગ છે. તેમને ગામનાં કોઈપણ કાર્યમાં ભાગ લેવાનો અધિકાર જોવા મળતો નથી ઊપરથી આભડછેટ પણ જોવા મળે છે. દલિતો લાચાર બનીને આ ગામમાં પોતાનું જીવન ગુજારે છે. સવર્ણ લોકોની દલિતો પ્રત્યેની માનસિકતા આપા રાણીંગના વાક્યમાં જોવા મળે છે.

“એલા આ દેવલેને પરભુડાએ તો ગામને ઢેઢિયો ધંધો કરતા કરી મેલ્યા. એકને એક દી ખેડ ભૂલવાડી દેશે.”[8]

આપા રાણીંગના આ વાક્યમાં ચોખ્ખો જાતિભેદ જોવા મળે છે. દલિત લોકો જ સાફ સફાઈ અને મેલું ઉપાડવાનો ધંધો કરે સવર્ણો નહિ એવી માનસિકતા અહીં છતી થાય છે. ગામમાં ગરીબીનું પ્રમાણ ખૂબ છે. જો સવર્ણોની હાલત ખરાબ હોય તો દલિતોની હાલતનું પૂછવું જ શું ? દેવરાજ સાથેની વાત-ચીતમાં અમરત નામની સ્ત્રી પોતાની વ્યથા વ્યક્ત કરતા કહે છે કે –
“કંઈક કામ આલો... મારા માટે નઈ તો આ છોકરા માટે. છ મહિનાનો આ છોકરો છે, ધાવણ સુકાઈ ગયું છે, એમાં હાલ્યા એટલે તો સાવ ગયું. થાને લે ચોટયો છે પણ હોઠ ભીના થાય એટલુંય ધાવણ નથી !”[9]

અહીં આ દલિત સ્ત્રીની દયનીય સ્થિતિ જોવા મળે છે. આખી નવલકથામાં ગામલોકોની તેમજ દલિત લોકોની સ્થિતિ ખૂબજ કંગાળ, ગરીબ અને દયનીય જોવા મળે છે. ગામમાં દુષ્કાળ પડે છે. એક નહિ પણ બીજો દુષ્કાળ પણ પડે છે અને આ દુષ્કાળને કારણે લોકો પાસે કામ નથી, પાણી નથી, ખાવા માટે ધાન પણ નથી આવી સ્થિતિમાં લોકોના પંડ્ય ઉપર મેલ જામી જાય છે. માથામાં ટોલા પડી રહ્યા છે. ખસ, ધાધર જેવા રોગ પણ ગંદગીને કારણે થાય છે. લોકો ગરીબીને કારણે પોતાનાં છોકરાઓને પણ મારી નાંખતા જોવા મળે છે. જે અહીં જોવા મળે છે. “છોકરાનું ભૂખનું દુઃખ ન જોવાતા-જીરવાતા માં-બાપે અઢી વર્ષથી દીકરી અને છ મહિનાના દિકરાને ભોં સાથે પછાડી પછાડીને મારી નાંખ્યાં!”[10]

આનાથી વધારે કરુણતા બીજી કઈ હોઈ શકે. નાયક દેવરાજ જ્યારે ગામમાં શાળાનું મકાન બાંધવાનું કામ આદરે છે ત્યારે ગામનાં દરેક લોકો આ કામમાં જોડાય છે પરંતુ દલિત લોકો દૂર ઊભા રહીને જ આ જોયા કરે છે. કારણ કે આ લોકોથી ગામનાં અન્ય સવર્ણો અને બધાં આભડછેટ રાખે છે. શાળાનું મકાન બંધાય છે એટલા માટે બિચારા મજૂરી કે મહેનત કરી શકતા નથી તે દેવરાજને જુએ છે ત્યારે તેઓ પોતાની વ્યથા દેવરાજને જણાવતાં કહે છે કે અમારે પણ આ પૂણ્યના કાર્યમાં ભાગરૂપ બનવું છે પણ અમે તો દલિત, ભંગી છીએ એટલે અમારા ભાગ્યમાં એ નથી એમ કહે છે. ટાભાભાઈ કહે છે કે –
“અરે ભાઈ દેવા, તું આવ્યો છે તે દી થી તો અમારા બત્રીસે કોઠે દીવા થ્યા છે અને પછી અફસોસ થતો હોય એમ બોલ્યો: ‘અમે રિયા ઢેઢ તે આવા સારા કામમાં પડખું દેવું હોય તોય ન આપી શકીએ.”[11]

આમ અહીં શાળાનું મકાન બંધાય છે તેમાં પણ જો દલિતો મહેનત મજૂરી કરે તો શાળાનું મકાન અભડાઈ જાય તેવી સવર્ણોની માનસિકતા જોવા મળે છે. દલિતોને કામ પણ મળતું નથી તો બિચારા પોતાના પેટનો ખાડો કઈ રીતે પુરે. આખી નવલકથામાં દલિતોની દયનીય સ્થિતિ જોવા મળે છે. કથાનાયક સામાજિક કાર્યકર છે તે દલિતોને ન્યાય અપાવવાનો પૂરો પ્રયત્ન કરે છે. પરંતુ વર્ષો પુરાણી ગામ લોકોની માનસિકતા બદલવામાં તે અસમર્થ રહે છે.

• ‘અંધારું’ (મણિલાલ હ. પટેલ)

‘અંધારું’ મણિલાલ હ. પટેલની લઘુનવલ છે. આ નવલકથામાં લેખકે સમગ્ર પંચમહાલના ગ્રામીણ સમાજને નહિ પણ તેમના વતન- ગામ મોટા પલ્લા અને તેની આજુ-બાજુના વિસ્તારમાં વસતા ‘નાયકા’ જાતિનાં લોકોની જીવનકથાને આલેખી છે. આ જાતિનાં લોકો ગરીબી, નિરીક્ષરતા, સામાજિક, આર્થિક, જાતિય શોષણ, અત્યાચારો અને અભાવોની વચ્ચે જીવે છે. પંચમહાલના પલ્લા ગામનાં ને તેની આજુ-બાજુના ગ્રામ્ય વિસ્તારમાં વસતા પટેલોના ઘર-ખેતરોમાં મજૂરી કરીને જીવતર જીવતા નાયકાઓના જીવનમાં વ્યાપેલા અંધારપટને લેખકે વાચા આપી છે. આ નાયકા જાતિનાં લોકોને કોઈ પોતાનુ ગામ કે ઘર નથી જ્યાં પણ મજુરી કરવા જાય છે ત્યાં છાપરા બનાવીને રહે છે અને સવર્ણ લોકોના ગુલામ બનીને રહે છે. તેમને ‘વહવાયા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. પોતાનુ પેટ ભરવા માટે તેઓ એક ગામથી બીજા ગામ એમ સ્થળાંતર કરતા રહે છે. આ દલિત લોકો સવર્ણોને જ પોતાનાં ભગવાન બનાવીને (માનીને) જીવન ગુજારે છે તેમનો જીવન આધાર માત્ર સવર્ણ લોકો જ છે એટલા માટે જે તેઓ સવર્ણો દ્વારા થતા અન્યાય, અત્યાચાર, શોષણ વગેરેને ભગવાનનો પ્રસાદ સમજી અને મૂંગા મોઢે સહન કરતા જોવા મળે છે. આ ઊપરાંત ગરીબી, અંધશ્રદ્ધા, અજ્ઞાનતા, રીતિ-રિવાજો, વચ્ચે આ જ્ઞાતિના લોકો જીવતા જોવા મળે છે. સવર્ણ પાટીદારો તેમનું શારીરિક, માનસિક, સામાજિક અને નૈતિક શોષણ કરતા જોવા મળે છે. તેઓ અનેક સંઘર્ષો વચ્ચે પોતાનુ જીવન વિતાવે છે. જે જ્ઞાતિમાં જન્મ્યા છે અને અન્યાય સહન કરે છે તે તો તેમનું ભાગ્ય છે એવું માનીને તેઓ જીવન વિતાવે છે. દલિત જ્ઞાતિનાં લોકો કુરૂપ, કદરૂપા જ હોવા જોઈએ એવી માન્યતા પણ અહીં જોવા મળે છે નાયક રૂમાલની પત્ની રેશમ ખૂબ સુંદર છે લોકો કહે છે કે જાણે કણબણ હોય એવું લાગે છે ત્યારે ગામની અન્ય સ્ત્રીઓને તેની ઈર્ષ્યા થાય છે અને ડોશીઓ તેને કહે છે –
“શો કળજગ આયો સે ! બાવળિયાઓમાં બામણી! ઊગી ધૂળમાં મોતી પાચ્યું. ઊકેડે રતન. વગડે વેમાન ઊતર્યું. તળસી ડોહાનું તો કરમ કાઠું. આવીએ નઈ તો હખે જીવશે નઈ તો હખે જીવતા દેશે... મરદોની જાતને એમાં મજૂરિયો વે’વાર. મન વટલાય પંસે દેઈનું ગજું તે ટકી શકે ?[12]

સવર્ણ લોકોની સ્ત્રીઓની આવી વાતો પરથી ખ્યાલ આવે છે કે દલિતોને સુંદર પણ ન હોવું જોઈએ. આવી માનસિકતા આ લોકો ધરાવે છે અને વાત પણ એમની સાચી છે. સવર્ણ લોકો દલિતોની સ્ત્રીઓનું શારીરિક શોષણ કરતા જોવા મળે છે. એમાયે રેશમ જેવી સુંદર સ્ત્રી જો આ જ્ઞાતિમાં હોય તો સવર્ણ પુરુષો એને મુકે નહિ. ગામનાં દરેક પુરુષની નજર રેશમ પર છે. દલિતોને જે લોકો માણસ ગણતા નથી પશુની જેમ મજૂરી કરાવે છે. એ જ લોકો તેમની સ્ત્રીઓને અડકતા અભડાતા નથી. તેમની સાથે શારીરિક સંબંધો રાખી અને પોતાનાં શરીરની હવસ પુરી કરતા જોવા મળે છે. રેશમને જ્યારે યુવાની ફુટી ત્યારે સવર્ણ લોકોની ગંદી નજર તેના પર જ હતી અને રેશમને કારણે જ તેના માતા-પિતા તળસી અને મશૂરીનું ગામમાં માન વધવા લાગેલું. તેમને કામ મળવા લાગેલું. એની પાછળ પણ સવર્ણ લોકોનો સ્વાર્થ જ જોવા મળે છે. તો રેશમની મા મશૂરી જે સવર્ણ મુખીને ત્યાં ઘરકામ કરવા જાય છે તે મુખી પણ મશૂરી સાથે શારીરિક સંબંધ બાંધે છે અને મશૂરીનું શારીરિક શોષણ કરે છે. મશૂરીનો પતિ આ બધું જાણે છે પણ મૂંગે મોઢે આ વેદના સહન કરતો રહે છે લેખક લખે છે કે –
“એનું ચાલ્યું હોત તો એણે મશૂરી પાસે મજૂરી ના કરાવી હોત. કણબીઓની કુડી નજરનો એને ખ્યાલ હતો. છૂટી કાછડીના મુખીને ત્યાં મશૂરી વાસીદા વાળે... તળસીનો જીવ કપાઈ જતો પણ જો ના પાડે તો ગામ ગોવાળી પણ જાય”[13]

આમ સવર્ણો દલિત સ્ત્રીઓનું શારીરિક તેમજ માનસિક શોષણ કરતા જોવા મળે છે. સવર્ણો દલિત સ્ત્રીઓને પોતાની માલિકીની મિલકત જોવા માને છે. રૂમાલના ઘરની વાત કરતા લેખક લખે છે કે-
“રૂમાલે સાંભળેલું કે એના બાપા-બધું નાયકાને બાપુએ નેતરની સોટીએ સોટીએ મારેલો એમની લાત પેઢુમાં વાગતાં બુધો નાયકો મરી ગયેલો. બુઢા નાયકાનો વાંક શો હતો ? બાપુ દરબારે બુધાને કહેલું કે “આજે સાંજે તારી વહુ પુનીને અહી મોકલજે ને બુધો પુનીને મોકલી શક્યો નહોતો. બસ આટલી વાત”[14]

આમ આખી નવલકથામાં સ્ત્રીઓનું શારીરિક શોષણ કરતા અને દલિતોને ગુલામ બનાવીને અત્યાચારો કરતા સવર્ણો જોવા મળે છે. આ ઊપરાંત દલિતોના છોકરાઓ ને શાળાએ ન આવવા દેવા માટે સવર્ણોની શિક્ષકને સલાહ, મધ્યાહ્ન ભોજન યોજનાનો ગેરલાભ લેવો વગેરે પ્રસંગોમાં જાતિવાદી માનસિકતાના દર્શન થાય છે. લેખકે નવલકથાનું શીર્ષક યોગ્ય જ રાખુ છે. દલિતોના જીવનમાં કાયમ અંધારું જ જોવા મળે છે. અંધારું તેમના જીવનનું પ્રતિક બનીને આવે છે. ગામમાં જ્યારે લાઈટો આવવાની વાત થાય છે ત્યારે તળસી કહે છે કે –
“હાળા અમથા બાજ્યા સે, બાહ્ય અજવાળું આબ્બાથી છાપરામાયનું અંધારું થોડું જતું રેવાનું સે ? એ માંયનું અંધારું તો ભાયેગમાં લખાઈને આયા સિયે પસે અમથા અમથા મલકઈ જવાનો હું અરથ?”[15]

આમ તળસીના મુખે આ વાક્યો મૂકી દલિતના જીવનમાં વ્યાપેલ અંધકારની વાત લેખકે અહી કરી છે. જેઓ સંપૂર્ણપણે સવર્ણ લોકો પર જ આધારિત છે એમની જ મરજીથી જીવે છે. તેમણે ગામમાં લાઈટો આવે તોયે શો ફાયદો? રૂમાલ સાચુ જ કહે છે કે આટ આટલાં અંધારામાં સો સવર્ણો ફોલી ખાતા હોય તો. અજવાળું આવ્યા પછી વધારે ફોલી ખાશે. અને તેમના જીવનમાં વધારે ગાઢ અંધકાર છવાઈ જશે.

• ‘ઈચ્છાવર’ (રઘુવીર ચૌધરી)

‘ઈચ્છાવર’ રઘુવીર ચૌધરીની નોંધપાત્ર નવલકથા છે. અહીં સવર્ણો અને દલિતોના આંતરસંઘર્ષો, સંબંધોની વાત કરવામાં આવી છે. કથાનાયક મંગળ છે જે શહેરમાંથી ભણી-ગણીને પોતાનાં ગામમાં પાછો આવે છે. તે ઈજનેર છે. સાથે સાથે વિશાળ અને સ્વતંત્ર વિચારો ધરાવતો ઉત્સાહી યુવાન છે. ગામમાં તે સુધારાવાદી વિચારો ફેલાવે છે. જાતિપ્રથામાં તે માનતો નથી. ગામમાંથી આભડછેટ કાઢવા તે સતત પ્રયત્નશીલ જોવા મળે છે. આખી કથા પૂજારી ચતુર ગોસાઈ, મંગળ અને દલિત સમાજની પૂનમની આસપાસ ફરે છે. દલિત સ્ત્રી પૂનમ જે અન્યાયનો વિશ્વાસઘાતનો ભોગ બને છે. તેની પીડા આ નવલકથામાં રજૂ થાય છે. પૂનમ ચતુર ગોસાઇને માન-સન્માનની દૃષ્ટિએ જુએ છે. તેના પ્રત્યે પૂજ્યભાવ ધરાવે છે. મંદિરના એક પૂજારી અને મહાન સંત માને છે પરંતુ પૂનમની સાથે તેઓ ગેરકૃત્ય આદરી અને તેના એ વિશ્વાસને ગોંસાઈ તોડી નાખે છે. પૂનમ જેવી ભોલી, ગરીબ દલિત સ્ત્રી સાથે ગેરકૃત્ય કરે છે અને એ જ પૂનમ સાથે જાહેરમાં આભડછેટ રાખે છે. કમુના પિયરિયાની વચ્ચે તીકમ જ્યારે પાણી લઈને આવે છે ત્યારે જાહેરમાં ગોસાઈ ચાલાકીથી એના હાથનું પાણી પીવાની ના પાડી દે છે. જેમાં એની આભડછેટ અને સાચા સ્વરૂપની ઓળખ થાય છે. જેમકે લેખક લખે છે-
“મંગળે મોરિયો લઈને ઊંબરા પાસે મૂક્યો. મા પાસે પ્યાલું મંગાવીને ભરીને બાપજી સામે ધર્યું. ચતુર ગોંસાઈ પળવાર તાકી રહ્યા. જવાબ ઊપજાવી કાઢ્યો : ‘મને તરસ નથી લાગી.’ ‘આવી ગરમીમાં તરસ ન લાગે એવું બને ? લો થોડું પીઓ મંગળે કહ્યું. રામભાઈ મલકાયા”[16]

અહીં સ્પષ્ટ આભડછેટ દેખાઈ આવે છે. આવા આડંબર કરતો ગોસાઈ દલિત વર્ગની એ જ પૂનમ સાથે સહવાસ કરતા અચકાતો નથી ! સમાજમાં પ્રવર્તી રહેલી અસ્પૃશ્યતાની માન્યતા આજે પણ આટલું ભણ્યા પછી પણ ‘કમુ’ના મનમાં ઘર કરી ગયેલી હોવાથી જતી નથી તેને મળેલી સફળતાની ખુશીમાં આખા ગામમાં પેંડા વહેંચવામાં આવે છે એ સમય દરમિયાન પૂનમનો વર બાબુ હરખમાં ને હરખમાં કમુને ઘેર પેંડા લેવા પહોંચી જાય છે ત્યારે પણ કમુ તેણે અડક્યા વગર ઊંચેથી પેંડા આપે છે તેમાં ચોખ્ખી તેની દલિત વિરોધી માનસિકતા દેખાઈ આવે છે. મંગળ આ વાતનો વિરોધ કરે છે અને કહે પણ છે કે તું હજી પણ તારી આવી માનસિકતા સાથે જીવતી હોય તો તારું શિક્ષણ શું કામનું? અને કમુથી નારાજ થઈ જાય છે.

કથાના આદિ-અંત મનુષ્યનું શોષણ કરતા વૈભવી ધર્મના પ્રતીકરૂપ મંદિરનાં વિધ્વંસની પ્રક્રિયા સાથે જોડાયેલા છે. નિરૂપણ આ રીતે સંકેતાત્મક બનીને પણ એનું વાર્તાત્મક સ્વરૂપ સંપૂર્ણતયા સાચવી રાખે છે પણ એમાં ઘટના નહિ પાત્ર જ વિશેષ સક્રિય છે. કશુંક બનતું લાગે એ રીતે પાત્રોની ક્રિયા-પ્રતિક્રિયા વર્ણવાતી રહે છે. દલિતોની અહીં દયનીય સ્થિતિ જોવા મળે છે. લેખક પૂનમ વિશે અને દલિતના જીવન વિશે લખે છે કે –
“પૂનમ ફાનસ હોલવીને એક તૂટેલી પાંજઠવાળા ખાટલામાં ગોદડીનો ગાભો નાખીને સૂઈ ગઈ. એ ભૂલી ગઈ હતી કે પોતે ભૂખી છે. થોડીવાર સુધી બાબુની હાજરીનો ખ્યાલ રહ્યો પછી સૂનકાર નિંદ્રામાં ભળી ગયો”[17]

અહી દલિતોના જીવનની એક ઝાંખી જોવા મળે છે તેમના ઘરની સ્થિતિ તેમજ મનની સ્થિતિ કેવી દયનીય છે તેનો પરિચય થાય છે. ઘરમાં ખાવા માટે પુરતું ધાન નથી અને ઘરવખરીના સાધનોમાં પણ સુવા માટે એક ગોદડીનો ગાભો છે જેનાથી તેઓ કામ ચલાવી લે છે અને આવી સ્થિતિમાં પણ તેઓ જીવી લે છે. આમ નવલકથામાં દલિતોની દયનીય સ્થિતિનો પરિચય થાય છે.

• ‘બદલાતી ક્ષિતિજ’ (જયંત ગાંડિત)

‘બદલાતી ક્ષિતિજ’ જયંત ગાંડિતની ખૂબજ ચર્ચિત નવલકથા છે. આ નવલકથામાં કેન્દ્રસ્થાને વાઘરી સમાજ છે ગુજરાતના વર્તમાન રાજકારણ અને રાજકારણના પ્રવાહોને નિરૂપવાનો લેખકે પ્રયત્ન કરેલ છે. આ નવલકથાને લેખકે ચાર ખંડમાં વિભાજિત કરી છે. કથાનાયક જીવાભાઈ વાઘરી ભણી-ગણીને શિક્ષક બને છે. શિક્ષિત જીવાભાઈને પોતાની જ જાતિ પ્રત્યે ધૃણા ઉત્પન્ન થાય છે. તે સવર્ણ સમાજનાં જીવન, રહેણી-કરણી સંસ્કારોથી પ્રભાવિત થાય છે અને સવર્ણો સાથે રહેવા માંડે છે. પરંતુ સવર્ણ સમાજ તેને સ્વીકારતો નથી. બીજી બાજુ જીવો પોતાનાં સમાજથી પણ દૂર જતો જાય છે. ધીરે ધીરે જીવાને સવર્ણ સમાજની નીચી માનસિકતાનો પરિચય થાય છે. શાળામાં પડોશમાં, સમાજમાં તેને અનેક અપમાનોનો સામનો કરવો પડે છે. જીવના પાત્ર દ્વારા વાઘરી (દલિત) જ્ઞાતિની દયનીય કરુણ સ્થિતિનો પરિચય થાય છે. વાઘરી સમાજ પણ એક ઊપેક્ષિત અને હલકી વરણ ગણાતો સમાજ છે તેમનો વ્યવસાય દારૂ બનાવવો, વહેંચવો અને દારૂ પીવો, ચોરી કરવી, વગેરે છે જીવાને નોકરી મળતા તે શહેરમાં આવે છે સવર્ણ ગણાતાં લોકોના વિસ્તારમાં એક મકાન ભાડે રાખે છે. ત્યારે આજુ-બાજુના સવર્ણ લોકોને તે ખૂબ ખટકે છે એક હલકી વર્ણનો માણસ એની બાજુમાં રહેવા આવે એ એમને બિલકુલ ગમતું નથી. તેમની પડોશમાં રશ્મિભાઈ દેસાઈ અને ચંદ્રિકાબેન બે સવર્ણ પતિ-પત્ની રહે છે જેઓ સંસ્કારી અને ઊચ્ચ ગણાય છે જ્યારે જીવો અને તેની પત્ની શની ત્યાં રહેવા જાય છે ત્યારે તેઓ કહે છે-
“નિશાળમાં શાહભાઈની જગ્યાએ આવ્યો છે. આજે ઘર જોવા આવ્યો હતો. ગોવિંદકાકા પાસે દોડો તમે. વાઘરીના પડોશમાં કેમ રહેવાય ? રશ્મિ?”[18]

અહીં સવર્ણ સમાજની વાઘરી જ્ઞાતિ (નીચીવર્ણ) પ્રત્યેની માનસિકતા જોવા મળે છે જીવો ભલે વાઘરી સમાજમાં જન્મ્યો હોય પરંતુ તેણે શિક્ષણ મેળવી અને સવર્ણો જેવા સંસ્કાર મેળવ્યા છે. તે પોતાની આવડત, સંસ્કાર, બોલી, વ્યક્તિત્વથી પોતાનાં સમાજથી સાવ જુદો તરી આવે છે. એટલું જ નહિ તે એક હોશિયાર શિક્ષક પણ છે તેની ભાષા શુદ્ધ ગુજરાતી છે. શાળામાં અન્ય સવર્ણ શિક્ષકો છે તેના કરતા પણ તે વધારે મહેનતુ અને ઊત્સાહી છે. આમ છતાં સવર્ણ લોકો તેને વારે વારે શાળામાં અપમાનિત કરતા રહે છે. નીચ વર્ણનો માણસ ગમે તેટલો આગળ આવે, શિક્ષણ મેળવે તેમ છતાં સવર્ણોની બરાબરી તો ક્યારેય ન કરી શકે એવી હલકી માનસિકતા ધરાવતા અન્ય સવર્ણ ગણાતાં શિક્ષકો જીવા સાથે શાળામાં પણ ભેદભાવ રાખે છે. જીવો કહે છે-
“શાળાની અંદર પહેલા દિવસથી જ બધા શિક્ષકો સાથે ભળવા માટે પ્રયત્ન કરું છું. પરંતુ ભળી શકતો નથી. બે ત્રણ વખત કોઈ શિક્ષક સાથે નિરાંતે કંઈક વાત કરવાનું શરૂ કરું ને એ શિક્ષક મને અછડતો કંઈક જવાબ આપી બીજા શિક્ષકો સાથે વાત કરવા લાગી જાય છે.”[19]

અહીં સવર્ણ શિક્ષિત લોકોનો પછાત જાતિનાં જીવા પ્રત્યેનો અણગમો વ્યક્ત થાય છે. જીવો પોતાનાં કાર્યસ્થળે વારંવાર અપમાનિત થતો રહે છે. જેના કારણે મનોભાર લઈને નોકરી કરવી પડે છે. એ મોટી કરુણતા અને પીડા અહી જોવા મળે છે. બ્રાહ્મણના પડોશમાં રહેતો જીવો ત્યાં પણ ડરી ડરીને રહે છે,. તેમના જેવા સંસ્કારી બની રહી અને તેમના જેવો જ બની તેમની સાથે ભળી જવા માંગે છે. પરંતુ સવર્ણો તેને સ્વીકારતા નથી.

આખી નવલકથામાં સમાજની વર્ણવ્યવસ્થા અને ભેદભાવને કારણે નીચ વર્ગના લોકોને થતો અન્યાય જોવા મળે છે. તેઓ ભણીને આગળ તો આવે છે પરંતુ સવર્ણ સમાજ હંમેશા તેણે પાછળ રાખવા પ્રયત્નશીલ રહે છે. અહીં લેખકે સમાજની વાસ્તવિકતાને ઊજાગર કરી છે જીવો આખરે પોતાની નોકરી છોડી અને રાજકારણમાં ઝંપલાવે છે. પરંતુ ત્યાં પણ રાજકીય રીતે સવર્ણોના ઊપયોગ માટે આગળ આવે છે ! આ સમાજ આજે પણ એટલો જ પછાત અને પાછળ રહી ગયેલો સમાજ છે.

આમ દલિતેતર સર્જકોની ‘દલિત’ નવલકથાઓમાં દલિતોની દયનીય સ્થિતિનું વાસ્તવિક નિરુપણ જોવા મળે છે. મોટા ભાગની નવલકથાઓમાં ગાંધીવાદી વિચારસરણી લઈને આવતા લેખકો નાયક દ્વારા સમાજોદ્ધારની પ્રવૃત્તિઓ કરાવતા જોવા મળે છે. વર્ણવ્યવસ્થામાં ન માનનારા નાયકો આભડછેટને દૂર કરવા માટે શરૂઆત પોતાનાથી જ કરે છે. તો ક્યાંક દલિતોને શિક્ષિત બનાવતા તેમનામાં જાગૃતિ લાવવા પ્રયત્નો કરતા નાયક પણ જોવા મળે છે. પ્રસ્તુત નવલકથાઓ ભલે બિન-દલિત સર્જકોએ લખી હોય પરંતુ દલિતોની સ્થિતિને વાસ્તવિક રીતે આલેખી આપી છે.

|| સંદર્ભસૂચી ||

1. ‘પ્રલંબપંથ’, પિનાકિન દવે, અમદાવાદ: આર.આર.શેઠની કંપની, ડીસેમ્બર ૧૯૭૯ પૃ.૧૮,૧૯
2. એજન, પૃ. ૨૩
3. ‘વરાળ’, રામચંદ્ર પટેલ, મુંબઈ: લોકપ્રિય પ્રકાશન, જૂન ૧૯૭૯, પૃ.૨
4. એજન, પૃ.૧૧
5. એજન, પૃ. ૬૧-૬૨
6. એજન, પૃ.૪૮
7. ‘કાળો અંગ્રેજ’, ચિનુ મોદી, અમદાવાદ: પાર્શ્વ પબ્લિકેશન, ૨૦૧૬,પૃ.૪૪
8. ‘આંસુભીનો ઉજાસ’, દિલીપ રાણપુરા, અમદાવાદ: ગુર્જરગ્રંથરત્ન કાર્યાલય, ૧૯૯૬, પૃ. ૧૩૭
9. એજન, પૃ. ૨૩૪
10 એજન, પૃ. ૨૩૭
11. એજન, પૃ. ૧૨૭
12. ‘અંધારું’, મણિલાલ હ. પટેલ, અમદાવાદ: પાર્શ્વ પ્રકાશન, એપ્રિલ ૧૯૯૦, પૃ. ૩
13. એજન, પૃ. ૨૪
14. એજન, પૃ. ૩૫-૩૬
15. એજન, પૃ. ૧૦૭
16. ‘ઇચ્છાવર’, રઘુવીર ચૌધરી, અમદાવાદ: રંગદ્વાર પ્રકાશન, ૨૦૧૩, પૃ. ૩૩
17. એજન, પૃ. ૧૭૦
18. ‘બદલાતી ક્ષિતિજ’, જયંત ગાડીત, અમદાવાદ: પાર્શ્વ પબ્લિકેશન, ૨૦૧૫, પૃ. ૨૫
19. એજન, પૃ. ૧૪૨