Download this page in

ગદ્યકાવ્ય:અસ્તિત્વલક્ષી વિચાર

“The distinction between poetry and prose must be a technical distinction; and furtherrefinement of both poetry and prose can only draw thedistinction more clearly.”
- T. S. Eliot, ‘The Borderline of Prose’

સૂક્ષ્મ કે સ્થૂળ કોઈ પણ પદાર્થ હોય તે દરેકનો ચોક્કસ-અચોક્કસ, નિશ્ચિત-અનિશ્ચિત, બોધિત-અબોધિત, દૃશ્ય-અદૃશ્ય, સ્પર્શ-અસ્પર્શ એવું રૂપ તો હોય છે જ. ભેદ બસ એટલો જહોય છે કે, ધણીવાર તે રૂપ વ્યાખ્યાયિત હોય છે, બોધિત હોય છે, તો ઘણીવાર અવ્યાખ્યાયિત કે અબોધિત હોય છે;તો ઘણીવાર અંધગજન્યાય પણ બનતુંહોય છે. ગદ્યકાવ્ય સ્વપરૂપ માટે પણ કંઈક એવી જ સ્થિતિ પ્રવર્તેલી છે.વિવિધ કોશમાં આપાયેલી સંજ્ઞા અને અભ્યાસુ દ્વારા અપાયેલા મંતવ્યોથી ગદ્યકાવ્યની સંજ્ઞા અનેવિભાવનાનોપરિચય મળે છે.

રવીન્દ્રનાથ ઠાકુરના મત પ્રમાણે “કદાચ તેમાં શણગાર નહીં પણ રૂપ છે.”1તો નિરંજન ભગત પણ ગદ્યકાવ્યના સ્વરૂપ અંગે નોંધે છે કે, “ગદ્યકાવ્યની વ્યાખ્યા ન હોય, સ્વરૂપ હોય છે.”2 માટે ગદ્યકાવ્યને જોણવું હોય, તેના સ્વરૂપથી પરિચિત થવું આવશ્યક છે. કોઈપણ સાહિત્ય સ્વરૂપ જાણવું હોય તો તેના અસ્તિત્વ અંગે પરિચય જાણવો આવશ્યક છે. ગદ્યકાવ્ય સ્વરૂપની સ્વતંત્ર ચર્ચા નિરંજન ભગતે કરી છે. જેમાં ગદ્યકાવ્યના અસ્તિત્વના પરિચય અંગે કેટલાક ગ્રંથો તરફ આંગળી ચીંધે છે. જે આ પ્રમાણે છે:“V. Claytonના ૧૯૩૬માં પ્રકાશિત વિવેચન ગ્રંથ‘The Prose Poem in French Literature of the XVIII th Century’ માં ૧૮મી સદીના ફ્રેન્ચ ગદ્યકાવ્યનું અસ્તિત્વ છે.M. Chapelanના ૧૯૪૬માં પ્રકાશિત સંચય ‘Anthology du poeme en prose’માં ફ્રેંચ ગદ્યકાવ્યનું અસ્તિત્વ છે. Gillermo Diaz Plazaના ૧૯૬૫માં પ્રકાશિત વિવેચન ગ્રંથ ‘El Poema en prosa en Espagna, Estudio Critico y antologia’માં સ્પેઇનના ગદ્યકાવ્યનું અસ્તિત્વ છે.Suzanne Bernardના ૧૯૫૯માં પ્રકાશિત મહાનિબંધ ‘Le poeme an prose de Baudelaire jusqua nos jours’માંબૉદલેરથી આજદિન લગીના ફ્રેન્ચ ગદ્યકાવ્યનું અસ્તિત્વ છે.Pierre Moreauના ૧૯૬૯માં પ્રકાશિત વિવેચન ગ્રંથ ‘La tradition du poeme en prose avant Baudelaire’માં બૉદલેર પૂર્વેના ફ્રેન્ચ ગદ્યકાવ્યનું અસ્તિત્વ છે. અને અંતે Michael Benedictના ૧૯૭૬માં પ્રકાશિત સંચય ‘The prose poem: An International anthology’માં દસેક ભાષાના ગદ્યકાવ્યનું અસ્તિત્વ છે.”3 નિરંજન ભગતે ફ્રેન્ચ સાહિત્યના વિવેચન ગ્રંથોમાં જ્યાં ગદ્યકાવ્યનું અસ્તિત્વ વિશે વાત થઈ છે, તેના સંદર્ભ આપ્યા છે. આ ઉપરાંત૨૦૦૯માં Febienne Mooreનો સંશાધન ગ્રંથ ‘Prose Poem of the French Enlightenment’માં ફ્રેન્ચ ગદ્યકાવ્ય વિશે વિસ્તૃત અભ્યાસ મળે છે.Michel Devilleના વિવેચન ગ્રંથ ‘The American prose poem’માં ગદ્યકાવ્ય સ્વરૂપ અને અમેરિકન ગદ્યકાવ્ય અંગેનો ખ્યાલ મળે છે, તો AAWP (Australasian Association of Writing Programs)ની ૧૪મી વાર્ષિક પરિષદ ‘The Margins and Mainstreams papers’માં DominiqueHecq દ્વારા ‘The borderlines of poetry’ અભ્યાસ લેખમાં ઓસ્ટ્રેલિયન ગદ્યકાવ્યના અસ્તિત્વનો પાયાનો પરિચય મળી રહે છે.

અર્વાચીન ભારતીય સાહિત્યમાં ગદ્યકાવ્યનો ખ્યાલ રવીન્દ્રનાથ ઠાકુરના વિશ્વખ્યાત કાવ્યસંગ્રહ ‘ગીતાંજલિ’થી ખીલે છે. ભારતીય સાહિત્યમાં રવીન્દ્રનાથ ઠાકુરે ગદ્યકાવ્યનો પ્રારંભિક ખ્યાલ આપ્યો છે. એમના ‘કાવ્યમાં ગદ્યરીતિ’ (અનુ. નગીનદાસ પારેખ) લેખમાં ગદ્યકાવ્યના આંતરિક ઉદ્ભવનો ખ્યાલ મળે છે. આ લેખમાં ગદ્યકાવ્યના રૂપ અંગેની, કવિચિત્તમાં ગદ્યકાવ્યના ઉદ્ભવ અંગેની, ગદ્યકાવ્યના ગદ્ય અંગેની સુગ્રથિત વાત થઈ છે. તેમજ ‘પુનશ્ચ’ના પ્રાકકથનમાં પણ ગદ્યકાવ્ય વિશે ચર્ચા કરી છે.

ભારતીયસાહિત્યમાં ગદ્યકાવ્યના અસ્તિત્વ અંગેના કેટલાક ગ્રંથો પ્રાપ્ય છે, જેમાં ઈ.સ.૧૮૯૫માં અંબિકાદત્ત વ્યાસ કૃત ‘ગદ્યકાવ્યમીમાંસા’ ગ્રંથ મળે છે. આ ગ્રંથમાં પ્રાચીન ભારતીય ગદ્યકાવ્યનો અભ્યાસ છે. ઈ.સ.૧૯૫૮માં પદ્મસિંહ શર્મા ‘હિન્દી ગદ્યકાવ્ય’ નામે વિવેચન ગ્રંથઆપે છે, જેમાં તેઓ હિન્દી ગદ્યકાવ્યનો વિસ્તૃત પરિચય આપે છે. ઈ.સ.૧૯૫૮માં અષ્ટભૂજાપ્રસાદ પાંડે પાસેથી ‘હિન્દી ગદ્યકાવ્ય ઉદ્ભવ ઔર વિકાસ’ અભ્યાસગ્રંથ મળે છે. જેમાં હિન્દી ગદ્યકાવ્યના અસ્તિત્વ વિશે સવિશેષ ખ્યાલ સાંપડે છે. આ ઉપરાંત ઈ.સ. ૧૯૮૯‘ગદ્યકાવ્યસમીક્ષા’ ગ્રંથ હરિનારાયણ દીક્ષિત પાસેથી મળે છે. આ ગંથનું શીર્ષક અભ્યાસુઓને લોભાવનારું છે, અલબત્ત આ ગ્રંથમાં ગદ્યકાવ્ય અંગેની કોઈ ખાસ ચર્ચા થયેલી નથી.

ગુજરાતી સાહિત્યમાં ગદ્યકાવ્યના અસ્તિત્વ અંગેની સભાનતા ઈ.સ. ૧૯૮૫માં પ્રગટ થયેલા કવિલોક સામયિકના વિશેષાંક ‘ગદ્યકાવ્ય’ (સં.ધીરૂ પરીખ)માં જોવા મળે છે. આ અંકમાં ગદ્યકાવ્ય સ્વરૂપની તો ચર્ચા થઈ છે, તેની સાથે સાથે અન્ય ભારતીય ભાષામાં ગદ્યકાવ્યના વિકાસનો આલેખ પણ આપેલો છે.

ગદ્યકાવ્યના અસ્તિત્વ અંગે સુરેશ જોષી ‘ચિન્તયામિ મનસા’ વિવેચન સંગ્રહમાં નોંધે છે કે, “વચ્ચે એવો ગાળો આવ્યો જ્યારે ગદ્ય અને પદ્યને નિકટ લાવીને એમની વચ્ચે સંવાદ યોજવાનો પ્રયત્ન થયો. એ રીતે કાવ્યને રોજબરોજની ભાષામાં નિમજ્જિત કરીને એનામાં નવો પ્રાણ પૂરવાનું પ્રયત્ન થયો. તર્કની વ્યવસ્થાને બદલે કલ્પનોની યોજના કરીને ગદ્યનો પણ ઉત્કર્ષ સાધવામાં આવ્યો. ગદ્ય અને પદ્ય પણ એકબીજાની સરહદોમાં ઊંડે સુધી પ્રવેશી ગયા. તેને પરિણામે ઓગણીસમી અને વીસમી સદી દરમિયાન ગદ્યકાવ્યનો પ્રકાર અસ્તિત્વમાં આવ્યો, કાવ્યની ભાષામાં બોલચાલની ભાષાના અંશોને આત્મસાત્ કરવાનું નવું કૌવત આવ્યું.”4 (પૃ. 94-95) સત્તરમી સદીના પ્રારંભકાળમાં Charles Sorel (c.1602-March 7, 1674)એ પ્રાચીનો અને અર્વાચીનો વચ્ચે યુદ્ધના સમયકાળ નિમિત્તે નવલકથાના સંદર્ભમાં પ્રથમવાર ‘Poem ed Prose-Poem in Prose, Prose Poem- ગદ્યકાવ્ય શબ્દપ્રયોગ કર્યો હતો.

Francois Fenelon (6 August, 1651 - 7 January, 1715) કૃત‘Les aventures de Telemaque’ (1699) નવલકથાને બ્લાવો આદિ વિવેચકોએ ગદ્યકાવ્ય તરીકે ઓળખાવી છે. તો બૉદલેર પણ ઈ.સ. ૧૮૬૦માં ગદ્યગ્રંથ ‘Les Paradise Artificiels’ ઉપરથી Edgal Allan Poe ની ટૂંકીવાર્તા ‘Eureka’(૧૮૪૮)નો ગદ્યકાવ્ય તરીકે ઉલ્લેખ કર્યો હતો.

પ્રારંભિક તબક્કે ‘ગદ્યકાવ્ય’ શબ્દનો શિથિલ પ્રયોગથયેલો જોવા મળે છે. શરૂઆતના બે સૈકા દરમિયાન તો અનેક ફ્રેન્ચ કવિઓ, વિવેચકોએ (બૉદલેર સહિત) નવલકથા અને ટૂંકીવાર્તા માટે જ ‘ગદ્યકાવ્ય’ સંજ્ઞાનો ઉપયોગ કર્યો હતો. પરંતુ વિશિષ્ટ વાત તો એ હતી કે, જે કૃતિમાં ‘ગદ્યકાવ્ય’ શબ્દ પ્રયોજ્યો એની ભાષા કાવ્યત્મક હતી.

એલાઈસ બસ્ટ્રાન્ડે ૧૮૪૨માં ગદ્યકાવ્યનો પ્રથમ સંગ્રહ આપ્યો હતો. બસ્ટ્રાન્ડની પ્રેરણાથી બૉદલેરે કાવ્ય માધ્યમ તરીકે ગદ્યને પ્રયોજ્યું. ત્યાર પછી ગદ્યકાવ્યનું આંતર અને બાહ્ય સ્વરૂપ બૉદલેરના હાથે ઘડાયું. ૧૮૫૫માં તેમણે ‘Les Fleurs du mal’પ્રગટ કર્યો. ૧૮૬૦માં ૫૦કાવ્યો સમાવતો ‘Petit Poemes en Prose’ પ્રગટ થાય છે. આ ઉપરાંત કવિમિત્ર આર્સેન હુસાયને પત્ર રૂપ પ્રય્તાવનામાં બૉદલેરે ગદ્યકાવ્યનું Aesthetics અને Metaphysics - રસશાસ્ત્ર અને તત્ત્વશાસ્ત્ર પણ રચ્યું. આમ, ગદ્યકાવ્યને સ્વાયત્ત અને સ્વતંત્ર કાવ્ય સ્વરૂપ તરીકે પ્રસ્થાપિત અને પ્રતિષ્ઠિત કર્યું. એ રીતે બૉદલેર દ્વારા ગદ્યકાવ્યનો પ્રારંભ થયો એમ કહી શકાય.બૉદલેરપછી નજીકના સમયગાળામાં રિમ્બો, માલાર્મે, વાલેરી જેવા મહાન કવિઓના હાથે આ સાહિત્યપ્રકાર ખેડાયો અને પરિવર્તનો સાથે એનો સ્વરૂપ વિકાસ વિસ્તાર થયો. સમયાન્તરે પ્રતીકવાદ અને પરાવાસ્તવવાદનાં આંદોલનોએ એના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવી. પ્રવર્તમાન સમયમાં ગદ્યકાવ્યનું સ્વરૂપ ફ્રેન્ચ સાહિત્યની સીમાઓ ઓળંગીને વિશ્વસાહિત્યમાં ખેડાવા લાગ્યું છે.

આમ, ગદ્યકાવ્યના અસ્તિત્વનો પાયો ફ્રેન્ચ સાહિત્યમાં નંખાયો અને આજે હવે ગદ્યકાવ્ય એક આંતરરાષ્ટ્રીય કાવ્યસ્વરૂપ તરીકે પ્રતિષ્ઠિત થયું છે.

સંદર્ભ:

1. કાવ્યમાં ગદ્યરીતિ, રવીન્દ્રનાથ ટાગોર, અનુ. નગીનદાસ પારેખ, સંસ્કૃતિ અંક – 202, ઓક્ટો. 1962, પૃ.517
2. ગદ્યકાવ્ય, સં ધીરૂ પરીખ,પ્ર. કવિલોક ટ્રસ્ટ-અમદાવાદ, પ્ર.આ. 1985, પૃ.3
3. એજન પૃ.7
4. ચિંતયામિ મનસા, સુરેશ જોષી, પૃ. 94-95