Download this page in

આલ્લે લે ! બાળગીતોની મ....જા !

બાળપણ કોને ન ગમે ! વ્યક્તિ ગમે તેટલો મહાન બને પણ પોતાના બાળપણને કદી ય ભૂલી શકતો નથી. કહો કે ઇશ્વર મળે અને વિકલ્પ આપે તો બાળપણ, બાળવયને અગ્રતા આપશે. બાળકની નિર્દોષતા અને વિસ્મય સૌ કોઇને લોભાવે છે. આવી પ્રતીતિ શ્રી મનોહર ત્રિવેદીના કાવ્ય સંગ્રહ ‘‘ આલ્લે લે ! ’’ (પ્રથમ આવૃત્તિ ૨૦૦૩) માં મળે છે.

ક્યાં ગાડા કેડે ચાલી મોકળા મને ગીતો લલકારતો કૃષિ-ગ્રામ ગીતકાર ને ક્યાં ‘ભગલો ઉંદર’, ‘દાદાજીની છીંક’, ‘ભટજી ને બકરીબાઇ’ની બાળ મિજલસ જમાવતા આપણા બાલગીત કવિ મનોહર ! બેમાંથી ચડિયાતું કોણ કહેવું મુશ્કેલ છે. પણ ગીતકારની ખરી કસોટી ‘આલ્લે લે!’ મા થઈ છે. ઢળતી વયે બાળભાવને પોષણ આપવું જરા અઘરું કામ છે, પણ એય સિદ્ધ કરે એ જ સાચો કલાકાર કહેવાય છે. ‘આલ્લે લે!’માં બત્રીસ જેટલી બાળગીત રચનાઓ જોઈ શકાય છે.

બાળમાનસ જોવાથી વિસ્મય પામે અને સાંભળવાથી આશ્વર્ય. આ બંને ક્રિયાનો સમન્‍વય થાય ત્યારે કંઈક ઔર અનુભવાય છે. આથી જ બાળવાર્તા બાળકોને વધુ પ્રિય છે. જે આ બાળગીતકાર અનુભવાવે છે. ‘ભગલાભાઇ ઉંદર બેઠા’, ‘દાદાજીની છીક સાંભળી’, ‘ભૂરિયો પાડો’, ‘ભટજી ને બકરીબાઇ’ જેવા બાલગીતમાં બાળવાર્તા ઉદ્દીપ્ત થાય છે. તેમાં આવતી પ્રાણી સૃષ્ટિ બાળકને ખૂબ જ વ્હાલી-વિસ્મય થાય તેવી છે. ઉંદર ફોન કરે, હાથી, ઊંટ, સિંહ, વરુ તેમના હુકમને તાબે થાય. પરોપજીવી પ્રાણીસૃષ્ટિ પરસ્પર પ્રેમથી રહે-જીવે, બોલે તેવી બાળકની લાગણી ફૂલે ફાલે અને બૌદ્ધિક વિકાસ થાય. આ બધાની સાક્ષી ‘પંચતંત્ર’ સૃષ્ટિ પૂરે છે.

ફરરર ફરરર હવા ફેંકતો ઊંચે સીલીગ ફેન
કોલ બેલ ‘ટિંગ ટોંગ’ થતો આવ્યા ખિસકોલી બેન
ખુરસીમાંથી છલાંગ મારી: ‘આ તો માસી કેટ !
ભફાંગ દઈને પડ્યાં અને માથેથી ઉછળી હેટ
(‘ભગલાભાઇ ઉંદર બેઠા’)

આવી સરળ રીતે બાળમાનસ ચિજવસ્તું, પદાર્થ જગતથી પરિચીત કરાવી-વ્યવહાર જ્ઞાન બિલાડી-ઉંદર વિષેનું પ્રાપ્ત કરે છે. આવી જ ગમ્મત ‘ભટજી ને બકરીબાઇ’ માં સૌ કોઇને આવે છે. બાળગીતમાં વાર્તા ‘વારતા રે વારતા, ભાભા ઢોર ચારતા’ – જેવી ક્રિયા ગૂંથાઈ છે. તેમાં ભટ્ટજીનાં કેવા વટ હતાં. બકરીબાઈ ભટજીનાં એ વટ-સાનને ઠેકાણે લાવે છે.

બકરી બેને સાંભળી આ ભટ્ટજીની આ ડિંગ
બે ડગલા પાછાં હટી તરત સજાવ્યા શિંગ
(‘ભટજીને બકરીબાઇ’)

બાળકનો આખો દિવસ રમત-ગમત આનંદથી પસાર થાય છે. કેવી કેવી રમતથી જીવનનો આનંદ લૂટતા હોય છે, કે તુચ્છ વસ્તું એમને મન મહામૂલી હોય છે. ભમરડો, લખોટી, રમકડા અને ગેલ પમાડે તેવું ‘ફરફરીયું’ તો હાથવગું જ હોય છે.
વિમાન પેઠે ઘરરર કરતાં સરરર સરરર સરે
મજાના ફરફરિયાં આ ફરે
(‘ફરફરિયાં’)

બિલાડી, કૂતરો, વાછરડાં તો ઠીક પણ આ ભટજીનો ‘ભૂરિયો પાડો’ ભાઇબંધ છે. સવારી કરે, પાણી પીવડાવે અને તેની સાથે વાતો કરી આનંદથી દહાડો વિતાવે છે.

શેરી વચ્ચે ફરે મોજથી શિંગ કદી ના મારે
પાણી પીતો – ફરતો – જમતો, છુટ્ટો સાંજ સવાર
ક્યારેક કોઈના ભાજીમૂળા, ક્યારેક ખાતો ગાજર
ઠેબે લે ભસતા કુત્તાને, એવો એ ભડભાદર
(‘ભૂરિયો પાડો’)

તો વળી ક્યારેક બાળક મોટાની ક્રિયા જોઈને એમનું અનુકરણ કરે છે તો ક્યારેક તેમની સાથે ગમ્મત કરવા, મુક્ત મને રમવા મમ્મી-પપ્પાને નિમંત્રે, હઠ કરે છે. ‘છોડો પપ્પા, કાગળ પેન’ બાલગીતમાં જુઓ:

આ શું ખાધું? હફડક હફડક
કપડા પહેર્યા-લફરક લફરક
ચોકલેટ ને બિસ્કિટ ખાવ
સાહેબ-બાહેબ ભૂલી જવ
ઓફિસ-બોફિસ, ટાઇમ-બાઇમ પડે-બડે શું તમને ચેન?
ચશ્માં-બશ્માં, ટેબલ-બેબલ, છોડો પપ્પા ! કાગળ પેન

ગીત સાથે સૂરતાલ ભળે છે ત્યારે બાળક તા તા થૈ કરતાં નાચવા લાગે છે. પછી અભિનિત બની જાય છે. પરંપરિત લય ઢાળમાં રચાયેલ બાળગીતમાં આ કમાલ થઈ છે.

સાંભળી તારી બોલી, કાબરબેન, સાંભળી તારી બોલી રે લોલ
જાગું છું આંખડી ચોળી, કાબરબેન, જાગું છું આંખડી ચોળી રે લોલ

*

બાનો હું દીકરો ડાહ્યો, કાબરબેન બાનો હું દીકરો ડાહ્યો રે લોલ
નળ નીચે બેસીને નાહ્યો કાબરબેન, ‘નળ નીચે બેસીને નાહ્યો રે લોલ
(‘સાંભળી તારી બોલી, કાબરબેન’)

પાટલે બેસી નાહ્યો જોડકણાની યાદ અપાવે છે.
‘ઝીક ઝિયાં-ઝી-ઝક’ બાલગીતની અવાજ સૃષ્ટિ સાંભળવા જેવી છે.

વહેલી સવારનાં
પંખી ‘અજાણ્યાં બે ગાય અહી ક્યારનાં
ઝીક ઝિયાં-ઝી-ઝૂક
વંડીએ પેલા બેઠા કાબરબાઇ
ઊડીને આવ્યાં હેઠાં કાબરબાઇ
ચાળા પાડીને બોલ્યા તોફાનમાં-તીંક-તિયાં-તી-તક

*

ક્વિક્‍ ક્વિક્‍ ક્વિક્‍ ક્વિક્‍ બોલે છે બુલબુલ
હળવેથી હોલાએ કીધું હ કારમાં ઘૂક્‍-ઘૂઘૂઘૂ-ઘૂક

*

ઝાડવાના કાનમાં ખિસકોલીબેન કહે: ટિક્‍ ટિક્‍
ટી-ટિક ટિક્‍-ટિ-ટ્‍ક

બાલગીતોમાં પણ ગીતકાર ડોકાસિયું મારી જાય છે. તેવાં ય બાલગીતો છે. ‘જલપરીનું ઝાંઝર તૂટ્‍યું’, ‘બગાસું’, ‘પંખી આવ્યા’, ‘કે છોકરી’, ‘હું તો બસ, મન ફાવે ત્યાં ફરું’ વગેરે બાલગીતોમાં ગીતકાર મનોહર ત્રિવેદી જણાઇ આવે છે. ભારેખમ કલ્પના બાળમાનસ ઝડપથી સમજી વિચારી શકતું નથી. કહો કે કલ્પના બાળકની સમજ બહારની વાત છે. આ બાલગીતો પુરતી ....

જળપરીનું ઝાંઝર તૂટ્‍યું; આલ્લે લે આલ્લે લે !
જંગલમાંથી ઝરણું છૂટયું; આલ્લે લે આલ્લે લે !
પાંખ ઝબોળી પંખી સરતાં
ઝાડ ઉપરથી ફૂલો ઝરતાં
(‘જળપરીનું ઝાંઝર તુટયું’)

બગાસું હળુહળુ ચડે હવે ઝોલે
બગાસુ સપનાનાં દરવાજા ખોલે
(‘બગાસું’)

પાંખોમાં આકાશ ભરીને પંખી આવ્યા
સૂરજનો ઉજાસ ભરીને પંખી આવ્યા
(‘પંખી આવ્યાં’)

તો વળી ‘કે છોકરી’ માં બાલગીતકારનાં દર્શન ન થતાં નર્યા ગીતકારની ઝાંખી થાય છે.

કે છોકરીને જોઇ જોઇ ઊઘડે ગુલાબ
કે છોકરી ચાલે ત્યાં છાંટે રૂઆબ
(‘કે છોકરી’)

બાળકને વૃક્ષો-ફૂલ-છોડ-વેલાઓ સાથે પર્યાવરણીય સમજ આપવામાં બાલગીતકાર સફળ થયાં છે. જેમાં બાળકની વૃક્ષ બનવાની ઇચ્છા અને નિશાળ, લેસન, ન્હાવું, વહેલાં ઊઠવું વગેરે જંજટમાંથી દૂર રહી મજા માણવી વધું ગમે છે.

ચીકુડી રે એક ચીકુડી મારે ઘેર ચીકુડી ઝૂલે છે.
ચીકુડી બીજી ચીકુડી ભાઇ, બીજી ચીકુડી સ્કૂલે છે.
(‘બે ચીકુડી’)

રસ્તા ઉપર મળે લીમડો, મારો ડિયર ફ્રેન્‍ડ!
ડાળ નમાવી મારી સાથે રોજ કરે શેકહેન્‍ડ !
છજા ઉપરથી મને સવારે સાદ કરે છે કાગ
બોલે: મારો કોયલથી પણ છે મધમીઠો રાગ
(‘રોજ સવારે’)

આમ, શાળાએ જતા બાળકની ક્રિયાને વણી લઈને તેમને વધુ આનંદદાયી રીતે રજુ કરી શક્યાં છે.

બાળકને પોઢાડવા માટે તેમજ સંસ્કાર સિંચન કરવા માટે પરંપરાથી આજ સુધી હાલરડું સહાયક નીવડ્યું છે. ‘આલ્લે લે !’ માં માતા-પુત્રના પ્રેમને નિરૂપતું હાલરડું પણ આસ્વાદ્ય રહ્યું છે.

આમ, ગીતકારે પોતાની બાળવયને સંભારી પુન: બાળક બની ભાવકને વધારે કેતકૃતાર્થ કર્યો છે. બાળકની સમજ પેઠેની ભાષા અને ઉપકરણો સહજ રીતે અભિવ્યક્તિ પામ્યા છે. અંતે એટલું જ કહેવાનું મન થાય કે ‘આલ્લે લે !’ ગીતકવિ અને બાળગીત કવિ બંનેમાં શ્રી મનોહર ત્રિવેદી ભાવકને તરબોળ કરે છે.

સંદર્ભ સૂચિ

‘આલ્લે લે !’ - શ્રી મનોહર ત્રિવેદી વિક્રેતા ગૂર્જર એજન્સી , અમદાવાદ. પ્ર. આ. ૨૦૦૩