Download this page in

વૃદ્ધાશ્રમનાં પ્રશ્નને તાકતું બાળનાટક : ‘હું તો આવું નહીં કરું’

મુંબઈમાં ચાલતી સાહિત્યિક સંસ્થા લેખિનીના ઉપપ્રમુખ તરીકે કાર્યરત પ્રીતિ જરીવાળા બાળનાટ્યકાર છે. તેઓએ ‘ત્રેમાસિક’ સામયિકના સહસંપાદન તરીકે પણ કામ કરેલું છે. ‘ગુણસુંદરીનો ઘરસંસાર’ નામે ગુજરાતી ફિલ્મમાં ૫ વર્ષની નાનકડી વયે નાની ગુણસુંદરીનો અભિનય કરનાર આ લેખિકા બાળપણથી જ અભિનય સાથે પ્રત્યક્ષ સંકળાયેલા છે. જેના નિચોડ રૂપ તેમની પાસેથી ‘હું તો આવું નહીં કરું’ બાળનાટક મળે છે. આ બાળનાટકને ગુજરાતી સાહિત્ય અકાદમીનું શ્રેષ્ઠ બાળનાટક પ્રથમ પુરસ્કાર, મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી પ્રાગજી ડોસા દ્વિતીય પારિતોષિક અને બાળસાહિત્ય અકાદમી તરફથી કંચન રશ્મિન શ્રેષ્ઠ પુસ્તક પુરસ્કાર મળેલ છે. આ બાળનાટક ઉપરાંત ‘એ લોકોની દુનિયા’ નામે કિશોરકથા પણ તેમને આપી છે.

‘હું તો આવું નહીં કરું’-૨૦૧૧

આ એકાંકી ચાર દૃશ્યમાં વિભાજિત છે. ઉચ્ચ મધ્યમ વર્ગના કુટુંબનાં પાત્રોના પ્રવેશથી આ નાટકનો ઉઘાડ થાય છે. જેમાં, પહેલા દૃશ્યમાં કેતકી-સંદીપના ઘરે સંદીપના ભાઈના સંતાનો ઓમ અમેરિકાથી અને શિવાની ધરમપુરથી વેકેશન કરવા આવે છે. કેતકી-સંદીપના પરિવારમાં એ બે સિવાય પુત્ર રોહન અને દાદાજી છે. અહી રોહન અને શિવાનીની મોજ-મસ્તી ,તોફાનો ,ટીખળો નાટકને સતત ધબકતું રાખે છે :
રોહન : હા, પણ તું એવી ને એવી જ બટાકી રહી.
શિવાની : તને કોઈએ વચમાં ટપકું મુકવા કીધું ? આન્ટી, રોહનને કહોને મને બટાકી ના કહે.
રોહન : (શિવાનીને ચીડવતાં) બટાકી ,બટાકી.
શિવાની : (રોહનને) તો હું તને ઠીંગુજી કહીશ. ઠીંગુજી, રોહન ઠીંગુજી.(પૃ.૮,૯)

ઓમના પાત્ર રૂપે અમેરિકાની રેહણી-કહેણીની તુલનામાં ભારતની સંસ્કૃતિ અને ખાણી-પીણીની વાત નાટકીય રીતે વણી લેવામાં આવી છે. અહી બાળકોની મોજ-મસ્તી સાથે કેતકી-સંદીપના વ્યસ્તતાભર્યા જીવનનો નિર્દેશ સૂચક બનીને આવે છે. આ દૃશ્યમાં આવતું મહારાજનું પાત્ર હાસ્યરસની લ્હાણી અબાલવૃદ્ધ સૌને કરાવે છે. તો સાથે સાથે આજના રસોયા પણ પોતાની રસોઈગીરીમાં કેટલા પાવરધા બની ગયા છે એની ઝાંખી પણ અહી જોવા મળે છે એ સાથે દેશી બોલીની છાંટ એમના સંવાદોને અસરકારક બનાવે છે:
મહારાજ : એ તો એમ સે ને સીવાનીબોન કે ઓહીંની ફાઈવસ્ટાર હોટેલમોં મેં બે વરહ નોકરી કઇરી. તે હંધાય દેસવિદેશના એ હુ કેહવાય......અ હા....હા....સ..સેફ.
ઓમ : સેફ નહીં. શેફ,શેફ.
મહારાજ : હવે તમે હમજી ગ્યાને. એ હંધાય સેફ હારે ઓપણે ભોઈબંધી. હું એમને ઓપણી હંધીય દેસી આઈટમ મગની દાળનો સીરો, ગુલાબજાંબુ, કોપરાપાક, ઢોકળાં, ખમણ, ખોંડવી, ગુલાબજાંબુ, કોપરાપાક, અને એ લોકો મને હંધીય વિદેસી આઈટમ એન્ચીલાડાઝ, લઝાનિયા, ટાકોઝ, મંચુરીયમ, સ્પ્રીંગ રોલ્સ, મૂઝ, બ્રાઉની હંધુય હીખવાડે.ઓમ કરતાં કરતાં મને હંધુય રોંધતા ઓવડી ગ્યું.(પૃ.૧૮,૧૯)

પેલા દૃશ્યના અંત તરફ જતાં દાદાજી સાથેનો બાળકોનો લગાવ ,દાદાજીનો બાળકો માટેનો પ્રેમ આલેખાયો છે. તો ઓમનું સતત દાદાજીને યાદ કરવા કે દાદાજી કેમ હજુ મોર્નીગ વોક પરથી ન આવ્યા વગેરેમાં ગુઢ સંકેતો લેખિકાએ મુકેલા જોઈ શકાય છે. રોહન અને શિવાનીના માધ્યમે ઓમને દાદાજી ‘ઓલ્ડ એઈજ હોમ’ ઘરડાઘરમાં રહે છે એની જાણ થાય છે. પરિણામે ઓમની દાદાજીને મળવાની ઈચ્છાને ધ્યાનમાં રાખીને ત્રણેય દાદાજીને મળવા જવાનું નક્કી કરે છે ત્યાં નાટકમાં વળાંક સાથે પ્રથમ દૃશ્ય પૂર્ણ થાય છે. બીજા દૃશ્યમાં નાટકનું સ્થળ દાદાજીનો ઘરડાઘરનો ઓરડો બને છે. ત્રણેય બાળકોને અચાનક આવેલા જોઈને દાદાજીને ઘણો આનંદ થાય છે. રોહનને દાદા વગર ઘરમાં ગમતું નથી એનો એ વારંવાર દાદાજી આગળ ઉલ્લેખ કરે છે પરંતુ દાદાજી ચેહરા પરના ભાવ અને વાત બદલી નાખે છે. દાદાજી સાથે વિતાવેલા સમયને યાદ કરી રમેલી રમતો અને ગાયેલા ગીતોને યાદ કરી ફરી ગીતો અને રમતોની રમઝટ જામે છે. જેમાં ‘પતંગનું ગીત’ અને ફળના છેલ્લા અક્ષર પરથી બીજા ફળનું નામ બોલવાની રમત રમાય છે. જે બાળભોગ્ય બની રહે છે. એ સાથે ઓમની ભાષાનું રમત રમતમાં અંગ્રેજી-ગુજરાતી ભાષાનું મિશ્રરૂપ આજના યુગની ભાષાની વાસ્તવિકતાને તાકે છે :
ફળોના ગુજરાતી નામની રમત સાથે ઓમે કરેલું અંગ્રેજીનું મિશ્રણ જોઈએ-
ઓમ : રોજએપલ.
રોહન : આ ચીટિંગ કેહવાય. ઓમ ફૂલ અને ફળનું નામ મિક્સ કરે છે. આવું કોઈ ફળ છે જ નહીં.
ઓમ : ના.... છે. રોઝએપલ બેલ આકારનું, વ્હાઇટ કલરનું ફ્રૂટ છે.(પૃ.૪૦,૪૧)

ફળોની રમતમાં ઓમ જીતે છે અને રમતના નિયમ પ્રમાણે સૌથી પ્રથમ આઉટ થનારને જીતનાર સજા કરી શકે છે. અહી પ્રથમ આઉટ દાદાજી થાય છે એટલે ઓમ પોતાની સાથે ઘરે આવવાની દાદાને સજા કરે છે. પરંતુ મજબુર દાદાજી બાળકોને ફોસલાવી વાત ટાળી દે છે. આ દૃશ્યમાં દાદાજીને ઘરડાઘરના નિયમ પ્રમાણે ખાવાનું, જમવાનું ,સુવાનું,ઊઠવાનું વગેરે બાબતોમાંથી વૃદ્ધાશ્રમમાં રેહતા વૃદ્ધોની દયનીય અને લાચારીનું ચિત્ર લેખિકા બખૂબી આલેખી શક્યા છે. તેમજ બાળકોની સમજ -અણસમજમાંથી પોતાના માતા-પિતાને એમના માતા-પિતા વ્હાલા હોઈ જ છે તેમ છતાં એમને શા માટે પોતાનાથી દુર કરે છે એવા બાળવિસ્મય સહજ પ્રશ્નો કરતાં બતાવ્યા છે જે કરુણ અને વેધક છે :
ઓમ : વ્હાય ? ડોન્ટ ધે લાઇક હિમ ?
રોહન : વોટ નોન્સેન્સ. આપણને કેવા આપણા ડેડી ગમે છે તેમ આપણા ડેડીઓને પણ એમના ડેડી ગમતાં જ હોય ને !
શિવાની : તો પછી એમને અહીં એકલા શું કામ રેહવા દે છે ? એમને પોતાની સાથે કેમ નથી રાખતા ? (પૃ.૪૩)

આ દૃશ્યના અંતમાં રોહનની શાળામાં વકતૃત્વ સ્પર્ધા હોય છે અને તેમાં રોહને ભાગ લીધો છે ત્યાં આ દૃશ્ય પૂરું થાય છે. ત્રીજા દૃશ્યમાં રોહન વકતૃત્વ સ્પર્ધામાં ભાગ લેવાનો હતો એ વાત અહી આગળ વધે છે. જેમાં રોહનને ભાગે ‘મારી પ્રિય વ્યક્તિ’ એ વિષય પર બોલવાનું થાય છે. તેનો એ સંવાદ અંત્યત કરુણ અને આ નાટકના હાર્દને સ્પષ્ટ કરનારો બનીને આવે છે :
રોહન : ‘....... આજે મારે મારી સૌથી પ્રિય વ્યક્તિ વિશે બોલવાનું છે જે મારા માટે એક જ હોય શકે છે મારા વહાલા, પ્યારા દાદાજી. એમનું મારા હ્રદયમાં જે સ્થાન છે એની તોલે તો કોઈ ન આવે. મમ્મીથી ક્યારેક મારા પર ગુસ્સો થઇ જાય, પપ્પાને ક્યારેક કંઈક પૂછતાં કે કેહતાં ડર લાગે પણ દાદાજી પાસે તો આઝાદી જ આઝાદી. કોઈ ડર કે સંકોચ નહીં. દાદાજીને મારા પર ક્યારેય ગુસ્સો ન આવે. મારી ભૂલ પણ મને પ્રેમથી સમજાવીને બતાવે. એમની પાસે વાર્તાઓ અને ગીતાનો તો જાણે ખજાનો. દાદાજી મને રામાયણ- મહાભારતની, ઈસપની, પંચતંત્રની એમ કેટકેટલી વાર્તાઓ કહે .સૌથી મોટી વાત એમની પાસે મારા માટે સમય છે.દાદાજીના પ્રેમ વિશે હું ત્રણ મિનિટમાં ક્યાંથી બોલી શકું ! આજે મને એક વાતનું દુઃખ છે કે છેલ્લા કેટલાક વખતથી મારા દાદાજી અમારી સાથે નથી રેહતા-ઘરડાઘરમાં રહે છે.(રોહન એકદમ ગળગળો થઈ જાય છે.) આજે અહીં મારા મમ્મી-પપ્પા પણ હાજર છે.એમને કદાચ અંદાજ જ નહીં હોય કે મને મારા દાદાજીની કેટલી ખોટ લાગે છે. હું એમને બહુ યાદ કરું છું. અંતમાં હું એટલું જ કહીશ કે તમારા બધાંની જેમ આજે હું એક વાતની ખાતરી આપું છું કે મારા મમ્મી-પપ્પા જયારે મારા દાદાજીના ઉંમરના થશે ત્યારે હું એમને ઘરડાઘરમાં નહીં જ રેહવા દઉં.
‘હું તો આવું નહીં કરું’ (પૃ.૪૬,૪૭,૪૮)

આ સંવાદ સમગ્ર નાટકનાં મૂળ હેતુને ચરિતાર્થ કરે છે. તેમજ ‘હું તો આવું નહીં કરું’ શીષર્કમાં શુરુઆતથી જે કૂતુહલ હતું તેનો અહી ઘટસ્ફોટ થાય છે. ખરેખર અહી નાટક પૂર્ણ થઈ જવું જોઈએ. પરંતુ બાળનાટક હોવાને કારણે બાળકોની સમજને ધ્યાનમાં રાખીને આ નાટક દૃશ્ય ચાર સુધી આગળ વિસ્તરે છે. જેમાં બાળકો સહીત કેતકી-સંદીપ ઘરડાઘરે જઈ દાદાજીને પોતાના ઘરે લઇ આવે છે. કેતકી-સંદીપનું હૃદયપરિવર્તન અનેક પુત્ર-પુત્રવધુઓ માટે પ્રેરક બની રહે છે. ત્યાં નાટક સુખાંત પામે છે.

બાળનાટકમાં આગવી ભાત પાડતું આ નાટક સાંપ્રત સમયનું અને આવનારા સમયનું નાટક કહી શકાય તેમ છે. વનલતા મેહતા નોંધે છે તે પ્રમાણે ‘હું તો આવું નહીં કરું’ બાળનાટકમાં ક્યાંય નકારાત્મકતાનો સૂર નથી.’ નાટકની ખૂબી એ છે કે એ સાંપ્રત સમયના પ્રશ્નને બાળકો સામે મુકીને આવનારી પેઢી જે બાળકો જ છે તેના થકી વૃદ્ધાશ્રમના પ્રશ્નને ધરમૂળથી કેમ નાબુદ કરી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. બીજુ જમાપાસું આ નાટકનું એ છે કે મા-બાપને ઘરડાઘરમાં મોકલવા ન જોઈએ એવો સીધો ઉપદેશ પ્રગટપણે ક્યાંય આપવામાં આવેલો નથી. ત્રીજી વિશેષતા એ છે કે શુરુઆતમાં નાટક જેટલું ખડખડાટ હસાવે છે એટલું જ અંતમાં બધાની આંખ ભીની કરાવનારુ કરુણ બને છે.

બાળકો સાથેના દાદાજીના સંવાદો હ્રદયદ્રાવક અને કરુણ બન્યા છે તો ઓમ અને મહારાજની ભાષા ગોટાળા સાથે હાસ્ય જન્માવે છે. ભાષાનું પોત બાળભોગ્ય છે. રંગસૂચનોનું યોગ્ય નિરુપણ નાટકને સમજવામાં અને ભજવવામાં સહાયક બનીને આવે છે. સંવાદો ટૂકાં અને ચોટદાર બનવા પામ્યા છે. ખુબ ઓછા સાધન સામગ્રીની મદદથી સરળતાથી ભજવી શકાય તેવું સરળ આ નાટક છે. આમ, બાળનાટક હોવા છતાં બાળકોથી માંડી મોટેરાંઓની આંખ ઉઘાડનારું આ નાટક બની રહે છે.

સંદર્ભ :
‘હું તો આવું નહીં કરું’-પ્રીતિ જરીવાળા

(પ્રસ્તુત સંશોધન લેખ શામળદાસ આર્ટસ કોલેજ,ભાવનગરમાં યોજાયેલ એક દિવસીય રાષ્ટ્રીય સેમીનાર ‘ગુજરાતી એકાંકી સાહિત્ય : વર્તમાન પરીપ્રેક્ષ્યમાં’ માં રજૂ થયેલ છે.)