Download this page in

“યાદગાર કાવ્યો”ના કેટલાક મહત્વના કાવ્યો"- એક આસ્વાદ

મહેન્દ્ર મેઘાણી સંપાદિત “યાદગાર કાવ્યો” એ ગુજરાતી ભાષા-સાહિત્યના સામાન્ય વાચકને વાંચવા ગમે એવા કુલ સો કાવ્યોનો સંગ્રહ છે. તેમાંથી કુલ પચ્ચીસ કાવ્યોને અહીં અભ્યાસમાં નિયત કરવામાં આવ્યા છે.આ પચ્ચીસ કાવ્યોના સંદર્ભે જોઈએ તો તેમાં વિષયગત અને સ્વરૂપગત ઘણું નાવીન્ય રહેલું છે. સ્વરૂપની દ્રષ્ટિએ જોતા એમાં ગીત, ગઝલ, સોનેટ અને ઊર્મિકાવ્ય જેવું વૈવિધ્ય છે તો વિષયગત જોતા તેમાં પ્રણય, પ્રકૃતિ, ચિંતન, અધ્યાત્મ, વીર કાવ્ય, પ્રતીક કાવ્ય, પ્રસંગ કાવ્ય, સંદેહ કાવ્ય જેવું વિષય વૈવિધ્ય તેમાં જોવા મળે છે. અભ્યાસમાં નિયત કરેલા આ પચ્ચીસ કાવ્યોને વિગતે જોઈએ.

“રસ્તો” એ રતિલાલ“અનીલ”ની ગઝલ છે. અહીં રસ્તા-નો પ્રતીક તરીકે ઉપયોગ કરીને ક્યારેક રસ્તા પ્રત્યે સહાનુભુતિ, સંવેદના દાખવી છે તો ક્યારેક રસ્તાની મર્યાદાને પણ આ ગઝલમાં આંકી બતાવી છે. સાદ્યંત ગઝલનું સ્વરૂપ જાળવતી આ રચનામાં બે મત્લા કવિએ પ્રયોજ્ય છે અને ગઝલનો મુખ્ય ભાવાર્થ આ અંતના મક્તામાં જ રજુ થયો છે. જેમકે;
“નથી એક માનવી પાસે બીજો માનવ હજી પહોચ્યો,
“અનિલ”, મેં સાંભળ્યું છે, ક્યારનો બંધાય છે રસ્તો.”

મત્લાથી લઈને મક્તા સુધી ગઝલમાં “જાય”, ”થાય”, ”વંકાય”, ”નિંદાય”, ”લહેરાય”, ”ખાય”, ”જાય”, ”અટવાય”, ”દેખાય”, ”બંધાય” વગેરે કાફિયા છે. “છે રસ્તો”- એ રદીફ છે. આમ આ ગઝલ સમસંવેદના પ્રગટાવતી એક અનુભૂતિક્ષમ ગઝલ બની રહી છે.

“એ જિંદગી” એ કવિ ઉશનસનું ચિંતનાત્મક ગીત છે. આ ગીતમાં કવિએ “ઉન્મત ધ્વજ”, “ગમગીન ડાઘુજન“, “હાડ પીન્જરની પાંસળીઓ”, “ફૂલ જેવું વસંતલ સ્મિત” અને “અષાઢી મેઘ જેવી આંખડી”- જેવા રૂપક દ્રષ્ટાંતો આપીને જિંદગીની વ્યાખ્યા અને વિભાવના બાંધવાનો પ્રયાસ કર્યો છે પણ તે દરેક રૂપકનો વિરોધ કરીને કવિ એ અંતે “હર આહ કૈ મલકી જતી, હર સ્મિત ભરતું ડૂસકું – તે સંધિક્ષણ છે જિંદગી ! ” – એવો જીવનનો સાચો ભાવાર્થ પ્રગટ કર્યો છે.

“આપની યાદી” એ કવિ કલાપીનું ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર સ્થાન ધરાવતું ગઝલ સ્વરૂપનું કાવ્ય છે. આ ગઝલમાં પ્રણય છે પણ તે ઈશ્કે મિજાજી નહિ પણ ઈશ્કે હકીકી છે. એટલે કે અહીં માનવીય પ્રેમની વાત નથી. માણસના ઈશ્વર પ્રત્યેના પ્રણયની વાત યાદી સ્વરૂપે કવિએ કરી છે. પરંપરિત હરિગીત છંદમાં લખાયેલી આ ગઝલનો પ્રત્યેક શેર રોમાંચક અને આહ્લાદક છે. ગઝલના સ્વરૂપને અનુકુળ કેટલીક જગ્યાએ કવિએ “માશુક”, “ગુલ” , “નિશાની”, “લહર”, “સવારી”, “દમ-બ-દમ”, “ખંજર”, “ઢાલ”, “બુરાઈ”, “સિતમ”, “પ્યાર”, “દિલ”, “અહેસાન”, “શરાબી”, “રાહદારી”, “આશકો”, “કિતાબ”, “કિસ્મત” – જેવી અરબી, ફારસી, ઉર્દુ મિશ્રિત શબ્દવલીઓનો પ્રયોગ પ્રચુર માત્રામાં કર્યો છે. ગુજરાતી સાહિત્યમાં કવિ કલાપીનું સૌથી શ્રેષ્ઠ યોગદાન હોય તો એક “ગ્રામ્ય માતા” ખંડકાવ્ય અને બીજું “આપની યાદી” ગઝલ છે.

“ગુજારે જે શિરે તારે” એ ગુજરાતી સાહિત્યની પ્રથમ ગઝલ છે. બાલ કવિ, મસ્ત કવિ અને કલાન્ત કવિ એવા ત્રણ ઉપનામ ધરાવતા બાલાશંકર કંથારિયાની આ ગઝલ પણ વિશેષ નોંધપાત્ર રચના છે.કેમકે, ગુજરાતી સાહિત્યમાં ગઝલ સ્વરૂપના પગરણ કરાવતી આ રચના છે, સાથે-સાથે કલાપીના “ આપની યાદી”ની જેમ આ ગઝલ પણ પરંપરિત હરિગીત છંદમાં લખાયેલ ચિંતનાત્મક સ્વરૂપ ધરાવતી રચના છે.આ ઉપદેશ પ્રધાન રચના છે. અહીં કવિ માણસને ઉપદેશ આપવા કહે છે કે, ઈશ્વરે જે સ્થિતિ, જે સમય, જે ક્ષણ આપી છે પછી ભલે તે સુખની હોય કે દુખ ની હોય તેને નિંદા કે ટીકા કર્યા વિના સ્વીકારી લેજે. મત્લાથી મક્તા સુધીના દરેક શેરમાં જુદા- જુદા દ્રષ્ટાંતો આપીને કવિએ ઉપદેશ પ્રધાન રચના સર્જી છે. જેમાં કવિ સામાન્ય મનુષ્ય જાતિને “ દુનિયાની જૂઠી વાણી વિશેના દુઃખને હૃદયમાં ન લેવાની, જગતના કાચના યંત્રને છોડવાની, સારા કે નઠારાની સંગત ના કરવાની, સદાય શાંતિ, સંતોષ અને નિર્મળ ચિત્તમાં રહેવાની, ક્રોધ અને વેર ત્યજવાની, પ્રારબ્ધના વિશ્વાસમાં ના રહેવાની, નિર્મોહી રહેવાની, હંમેશા નિજાનંદમાં રહેવાની સલાહ, સુચના અને ઉપદેશ આપે છે. આમ આ ગઝલ પણ ઈશ્કે હકીકીના સ્વરૂપમાં લખાઈ છે.

“સાગર અને શશી” એ કવિ કાન્તનું પ્રકૃતિ કાવ્ય, ઊર્મિકાવ્ય છે. આ કવિતામાં કવિ કાન્ત સમુદ્ર કિનારે અનુભવાતી ચંદ્રોદય સમયની મનોહર સ્થિતિનું વર્ણન કર્યું છે, રમ્ય ચંદ્રોદયના દર્શનને લીધે હૃદયમાં જે હર્ષોલ્લાસ જાગે છે, મનને અને હૃદયને હારી લેનાર એ ક્ષણ કેટલી બધી આનંદપ્રદ હોય છે, તેનું વર્ણન કવિએ વર્ણ સગાઇ અને શબ્દ ચમત્કૃતિના માધ્યમથી કવિતાના વિષયમાં રજૂઆત કરી છે જેમકે,

વળી, ઊર્મિકાવ્ય તરીકે આ રચના નોંધપાત્ર છે જ વળી એ ઉપરાંત ૩૭ માત્રના માત્રામેળ છંદ ઝૂલણામાં તેનું બંધારણ થયેલું છે. એ પણ તેની વિશેષતા કહી શકાય.

“રસ્તા વસંતના” એ જુનાગઢ ઘરાનાના ગઝલકારોમાં જેમનું નામ નોંધપાત્ર રહ્યું છે અને જેમની પાસેથી “અચાનક”, “અટકળ” અને “હસ્તપ્રત” જેવા ત્રણ મહત્વના સંગ્રહો પ્રાપ્ત થયા છે એવા કવિ મનોજ ખંડેરિયાની પ્રકૃતિ વિષયક ગઝલ રચના છે. કુલ છ શેરમાં રજુ થયેલી ગઝલને દીર્ઘલયમાં સાંભળવી ગમે એવી આ રચના છે, જેમકે,
“આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના;
ફૂલોએ બીજું કઈ નથી, પગલાં વસંતના !”

સમગ્ર ગઝલમાંથી એકાધિક ઇન્દ્રીયગ્રાહ્ય અનુભૂતિ થયા વિના રહેતી નથી એ આ ગઝલની વિશેષતા છે.

“કન્યાવિદાય” એ અનીલ જોશીનું મહત્વનું માનવીય જીવનરીતિના એક એવા કન્યાવિદાયના પ્રસંગને કેન્દ્રમાં લઈને દીકરીના પિતાના હૃદયની ભાવનાઓને, ઊર્મિઓને કેન્દ્રમાં લઈને લખાયેલું કાવ્ય છે.કવિ કાલિદાસના “અભિજ્ઞાન શાકુન્તલમ” નાટકમાં ચોથા અંકમાં શકુન્તલા વિદાયને આ કાવ્ય તાદૃશ કરાવી જાય છે. આ પ્રસંગ કાવ્ય હોઈ, ઘટનાઓની નાની- નાની ક્ષણોને ક્રમશઃ ઉજાગર કરવામાં કવિ અહીં સફળ રહ્યા છે જેમકે, “સમી સાંજનો ઢોલ ઢબુકતો”, “પાદર બેસી ફફડી ઉઠતી”, “પૈડું સીંચતા”, “શૈશવથી ચીતરેલી શેરી”, “જાન વળાવી – પાછો વળતો” – વગેરે ક્રમશઃ લગ્ન પૂર્વે, લગ્ન દરમ્યાન અને લગ્ન પછીની સ્થિતિનું બાહ્ય વર્ણન અને આંતરિક સંચલનને એક સાથે ગતિ કરાવે છે.

“એક હતી સર્વકાલીન વારતા” એ કવિ જગદીશજોષીનું ગીત સ્વરૂપનું ચિંતનાત્મક કાવ્ય છે. આ કવિતા વિષે સુરેશ દલાલ નોંધે છે કે
“જગદીશનું આ ગીત માત્ર જગદીશની કવિતાનું નહિ પણ ગુજરાતી કવિતાનું એક ઉત્તમ કાવ્ય છે.” “એકાન્તની સભા” – પૃષ્ઠ – ૫૨૨ ઉપરથી

આ કવિતામાં કેટલાંક કલ્પનો રચાયા છે જેમાં “છાતીમાં મેઘધનુષ્ય ફોરી ઉઠવા”, “આકાશનું ઝૂકી જવું અને ફૂલોને કેમ છો ? – પૂછી લેવું” – વગેરે પણ કવિતાને ઉપકારક થયા છે. કવિ જગદીશ જોષી પાસેથી કુલ ત્રણ કાવ્ય સંગ્રહો (૦૧) આકાશ (૦૨) વમળના વન (૦૩) મોન્ટા કોલાજ – પ્રાપ્ત થયા છે. તેમાંથી આ કાવ્ય “વમળના વન” નામના સંગ્રહમાં સૌ પ્રથમ મુકાયું છે. “વમળના વન” સંગ્રહના ઘણા બધા કાવ્યો વિષાદ અને પ્રણયની વિફળતાના કાવ્યો છે. એ રીતે જોતા આ કવિતામાં પણ એ પ્રણયની નિષ્ફળતા અને તેમાંથી પ્રગટતી વેદનાને જ કવિ એ શબ્દોના માધ્યમે મુખરિત કરી છે જેમકે,
“ધારો કે રાણી ! તમે જીતી ગયા
અને ધારો કે વાયરા વીતી ગયા,
પણ આ માંડેલી વારતાનું શું ?”

“જુનું પિયેરઘર” એ ગુજરાતી સાહિત્યમાં સોનેટ સ્વરૂપની શરૂઆત કરનાર કવિ બ.ક. ઠાકોરની એક ગણનાપાત્ર સોનેટ રચના છે. આ સોનેટ મંદાક્રાન્તા છંદમાં લખાયેલું છે. મનસુખલાલ ઝવેરી, સુરેશ જોષી અને હેમંત દેસાઈ જેવા પ્રખર વિદ્વાનોએ આ કાવ્યને પોતાની રીતે મૂલવવાનો અને સમજાવવાનો નોંધપાત્ર પ્રયાસ કર્યો છે. કાવ્યના વિષયવસ્તુ સંદર્ભે જોઈએ તો, સાસરેથી પોતાના પિયરમાં આવેલી પરિણીતાના સંવેદનો આલેખ્યા છે. પિયરમાં આવીને, ખાટે બેસીને પોતાના સ્મૃતિપટ દ્વારા જુના સંસ્મરણોને સંકોરે છે. પોતાના માતાપિતાની સ્મૃતિઓ, દાદી, બાળકો, નાના ભાઈ-બહેનો, મિત્રો, શૈશવની પોતે ભોગવેલી તમામ યાદો આજે તાજી થાય છે, પણ ત્યાં તો હૃદયમાં પોતાના પતિની ગતિ સંચરે છે. પતિપત્નીનો અદ્વૈત ભાવ કવીએ સોનેટની અંતિમ પંક્તિઓમાં ઉજાગર કર્યો છે. કવિતામાં છેલ્લે સધાતો ભાવ પલટો જ કાવ્યને આગવી વિશેષતા બક્ષી જાય છે.

“વિરહિણી” એ કવિ બાલમુકુન્દ દવેનું ગીત સ્વરૂપનું વિપ્રલંભ શૃંગારને પ્રગટાવતું પ્રણય કાવ્ય છે. કાવ્યનાયિકાને કેન્દ્રમાં લઈને તેની રચના થઇ છે.કાવ્યનાયકના વિરહમાં ઝૂરતી વિરહિણી નાયિકાની વેદના છે. કાવ્યના વિષય વસ્તુને જોઈએ તો, ચૈત્ર મહિનામાં ચંપો, આંબો અને મોગરો મહોરી ઉઠ્યા છે, જૂઈના પુષ્પો ઝળુંબી ઉઠ્યા છે, ચૈત્ર મહિનાની ચાંદની માણ્યા જેવી છે, કુંજ્વનમાં કોયલનો પંચમસૂર ગુંજે છે, વનમાં વાન્સળીઓ વાગે છે, - આ બધું જોઈ- સંભાળીને વિરહિણી નાયિકાનું ઉર વીંધાઈ રહ્યું છે. મન રોમાંચિત થઇ ઉઠ્યું છે, પણ પોતાનો વાલમ જાણે વેરી થયો હોય એમ એકમાત્ર તેની જ અનુપસ્થિતિ છે, એ અનુપસ્થિતિને લીધે જ નાયિકાને પોતાનો કંથ નિર્દય લાગે છે, રળિયામણી ઋતુમાં નાયિકાને પોતાની પ્રીત યોવનના ધૂપ અને લોબાનના તાપ જેવી ભાસે છે, છેલ્લે નાયિકા વિનવે છે કે,
“હોય ઈશારા હેતના, એના ના કઈ વાગે ઢોલ ! ” – આમ આ એક વિપ્રલંભ શૃંગારનું કાવ્ય બની રહે છે.

“જ્યાં લગની છે” – કાવ્ય કવિ મકરંદ દવેનું અછાંદસ મુક્તકનું સ્વરૂપ ધરાવતું ચિંતનાત્મક અધ્યાત્મ કાવ્ય છે. કુલ મળીને ચાર ચતુષ્કના છ ખંડકોમાં આલેખાયેલ આ કાવ્ય જગતમાં સંચારિત ઈશ્વરીય તત્વનો ખ્યાલ આપે છે. જેમકે,
“આ નૂર વિહોણી દુનિયામાં
મે એક જ નૂર સદા દીઠું
એક પંખી ટહુકી ઊઠ્યું તો
લાગ્યું કે ટી નારાજ નથી.”

કવિ મકરંદ દવેનું સાહિત્ય અધ્યાત્મ કે ઈશ્વરીય ભાવનાઓ સાથે જોડાયેલું હોય છે, આ કાવ્યનું શિર્ષક અધ્યાહાર શૈલીમાં ઘણું સૂચવી જાય છે. જેમકે,
“ઓ દેખ નમાજી ! નેણ ભરી,
જ્યાં લગની છે ત્યાં લાજ નથી.”

“–ને તમે યાદ આવ્યા” – કાવ્ય કૃષ્ણભક્તિના કવિશ્રી હરીન્દ્ર દવેના “હયાતી” સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે. આ કવું પ્રભુ પ્રણયની ભક્તિને ઉજાગર કરી જાય છે. પ્રકૃતિના દરેક તત્વમાં વ્યાપ્ત ઈશ્વરની ઓળખ કવિ જુદા જુદા દ્રષ્ટાંતો જેવા કે, પણ લીલું જોયું- મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો-પંખી ટહુક્યું-શ્રાવણના આભમાં ઉઘાડ થયો-તારો ટમક્યો-ગાગર ઝલકી-કાંઠો તોડે મહેરામણ-ચાંદની છલકી-ઠાલું મલક્યું-આંખે વળગ્યું-આંગણ અટક્યું-પગરવની દુનિયામાં શોર થયો-પગલું ઉપડ્યું- આમ, સામાન્ય લાગતી દરેક ક્રિયા-પ્રક્રિયામાં “રામ” યાદ આવી જાય છે. ઉત્પ્રેક્ષા અલંકારથી ખચિત આ ગીત કર્ણપ્રિય રહ્યું છે.

“ખોટ વર્તાયા કરે”- એ “ગની” દહીંવાળાની તત્વજ્ઞાન અને ચિંતનથી ભરેલી ગઝલ રચના છે. મુક્તકની માફક રજુ થયેલી આ ગઝલના પ્રત્યેક શેરમાં એક મિજાજી વ્યક્તિત્વનો પરિચય મળે છે. કુલ નવ શેરમાં આલેખાયેલ ગઝલનો અનુક્રમે બીજો અને નવમો મક્તાનો શેર અહ્લાદક છે, તે જોઈએ,
“માફ કર નિષ્ક્રિયતા, મારાથી એ બનશે નહિ !
જીવતા મારી જગતને ખોટ વર્તાયા કરે.”
* * *
“જિંદગીનો એ જ સાચે સાચ પડઘો છે “ગની”,
હોય ના, વ્યક્તિ, ને એનું નામ બોલાયા કરે.”

આ ગઝલના મક્તાને લઈને ગઝલકાર “ગની” દહીંવાળાની સમગ્ર ગઝલના બૃહદ સંગ્રહનું નામાભિધાન પણ “હોય ના વ્યક્તિ ને નામ બોલાયા કરે” એવું રખાયું છે, આમ એ સંગ્રહનું શીર્ષક જ આ વ્ગઝાલની પ્રબળતાનો પરિચય આપી જાય છે.

“બોલ વાલમના” એ મણીલાલ દેસાઈનું પ્રણય-પ્રકૃતિને સાથે લઈને ચાલતું ગીત કાવ્ય છે.સમગ્ર કાવ્ય નાયિકાના મુખે એકોક્તિના રૂપમાં રજુ થયું છે. આજ અને આવતી કાલ વચ્ચેના તફાવત, આજનો વિરહ અને આવતી કાલે જે મિલન થવાનું છે ત્યારની સ્થિતિની કલ્પના કવીએ કાવ્યનાયિકાના ચિત્તથી ઉજાગર કરી છે. આમ, વિયોગ અને સંયોગ વછે હિલ્લોળે ચડેલી કાવ્યનાયિકાની મધુર સ્મૃતિઓ આ ગીતનો મુખ્ય ભાવ છે. ગુજરાતી ભાષા સાહિત્ય ક્ષેત્રે આ કવિતાને સંગીતબધ્ધ કરવાના પણ યશસ્વી પ્રયાસો થયા છે – એ જ આ ગીતની મહત્તા સિદ્ધ કરી આપે છે.

રાવજી પટેલના “આભાસી મૃત્યુનું ગીત”માં મૃત્યુંની વેદના અને નિકટતાનો આભાસ કરાવતું નીજી વેદના-સંવેદના પ્રગટાવે છે. એક અલ્પ જીવી કવિની આ એક દીર્ઘ જીવી કવિતા છે.”આંખે કંકુના સુરજ આથમવા”,”શગને સંકોરવા”,”પીળા પાંદે લીલા ઘોડા ડૂબવા”, “હણહણતી સુવાસ સાંભળવી”-વગેરે શબ્દપ્રયોગો મૃત્યુના આભાસને નજર સમક્ષ ખડો કરી દે છે.

“દુનિયા અમારી” કવિ ભાનુપ્રસાદ પંડ્યાનું ઊર્મિગીત છે, અહીં આ ગીતના માધ્યમથી કવિએ પ્રજ્ઞાચક્ષુઓની વેદનાને વાચા આપી છે. કુદરતે પ્રજ્ઞાચક્ષુ પાસેથી દેખ્યાનો દેશ લઇ લીધો, રખડ્યાની મોજ છીનવી લીધી, ફૂલોના રંગો રિસાઈ ગયા – પણ, કલરવની, પગરવની,સુગંધની દુનિયા તેમની પાસેથી કોઈ છીનવી શકે તેમ નથી. આમ, એક જ્ઞાનેન્દ્રીયનો અભાવ એ બીજી જ્ઞાનેન્દ્રીયનો પ્રભાવ બની જાય છે.કુદરતે જે આપ્યું છે તેમાં જ સંતોષ અને રાજીપો બતાવતાં લોકોની – પ્રજ્ઞાચક્ષુની દરિયાવદિલી અહીં જોઈ શકાય છે.

“પ્રભુ ! જીવન દે” – ગીત રા.વિ.પાઠક “શેષ”નું ચાર ખંડમાં રજુ થયેલું ચિંતનપ્રેરક કાવ્ય છે. કવિ પ્રભુ પાસે આત્મબળથી ભરેલું, નવચેતન યુક્ત પ્રેરણાદાયી,પુણ્યજાપ જીવનની અપેક્ષા રાખે છે, જો કે, આ કાવ્ય પ્રાર્થના સ્વરૂપનું હોય એવું લાગ્યા વિના રહેતું નથી . શરૂઆતના બે ખંડકોમાં અપેક્ષાઓ છે, જયારે એના પછીના બે ખંડકોમાં એ અપેક્ષાઓના વિકલ્પ આપ્યા છે, છેલ્લે જતા તો વિકલ્પનો પણ અનુવિકલ્પ આપીને કવિતાને વધુ ઊંડાણમાં લઇ જવાનો જે પ્રયાસ કવિએ કર્યો છે તે પ્રશંસનીય છે, જેમકે,
“જીવવા નહિ તો
મરવા કોઈ ભવ્ય પ્રસંગ તું દે !
ઘડીયે બસ એટલું યૌવન તું દે !
પ્રભુ, યૌવન દે, નવયૌવન દે !”

“તમને ફૂલ દીધાનું યાદ” એ રમેશા પરેખનું ગીત સ્વરૂપનું પ્રણય કાવ્ય છે. આ કવિતા સંદર્ભ ડો.નીતિન વડગામા નોંધે છે કે, “પ્રલંબ લયયોજનાને પરિણામે કવિ કાવ્યભાવને દ્રષ્ટિ અને શ્રુતિ પ્રત્યક્ષ કરાવવામાં અહીં કામયાબ નીવડે છે”(“અપઠિત લેખન-કૌશલ અને પરિશીલન” પાના-૦૪ ઉપરથી). પ્રલંબ લયયોજનાનું એ દ્રષ્ટાંત જોઈએ તો;
“ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ,
સળવળ વહેતી કેડ સમાણી લીલોતરીમાં તરતાં ખેતર શેઢે, સોનલ,
અમે તમારી ટગર ફૂલ-શી આંખે ઝૂલ્યા ટગર-ટગર તે યાદ.”

આ ક્વ્યમાં “સોનલ” એ કવિની કાલ્પનિક પ્રેયસી છે. એના અતીતના સ્મરણોને ઝીલીને કવિ ને જે યાદ છે તે ઘટનાને ગીતના ઢાળમાં વર્ણવાઈ છે.

“મરજીવિયા” એ પૂજાલાલનું સોનેટ છે. ઉત્સાહ અને વીરરસથી ભરપુર આ રચનામાં કવિએ પૃથ્વી છંદનો વિનિયોગ કર્યો છે. દરિયો ખેડનારા,દરિયામાંથી મણી-મોતી કાઢનારા, મૃત્યુને બાથમાં ભીડીને સ્વજનોના રોકવાના પ્રયાસોને નિરર્થક કરીને, તેમની શિખામણને અવગણીને સમુદ્રની આંધીને અવગણીને ગરજતાં અફાળ સમુદ્રમાં સાહસ કરીને કુદી પડે અને દરિયાના તળિયે જઈ મણી-મોતી કોષ બહાર કાઢી લાવે એવા વિષય-વસ્તુ સાથે લખાયેલું આ સોનેટ હિંમત,ઉત્સાહ,પુરુષાર્થના મહત્વ તરફ અંગુલી નિર્દેશ કરે છે. હાથ જોડીને બેસી રહેવાવાળાને સાચા મણી-મોતી પ્રાપ્ત થતાં નથી એવો આ કાવ્યનો ગર્ભિત ભાવ રહ્યો છે.

“મરણ” ચુનીલાલ મડિયાનું વીરરસયુક્ત સોનેટ છે.કવિએ અહીં પૃથ્વી છંદ પ્રયોજ્યો છે. સોનેટના માધ્યમે અહીં શાનદાર મરણની ઝંખના વ્યક્ત થઇ છે. એક રીતે તો મુમુર્ષા વૃત્તિ જ કહી શકાય, પણ એનાથી ય આગળ નોંધી શકાય કે, મરણનો ભાર લઈને જીવવા કરતા અને જીવતી લાશ બનીને જીવવા કરતા એક ઝાટકે મરી જવું સારું; એટલે તો કવિ કહે છે કે, “કરજમાં ન કાંધા ખપે”. કવિના નીજી જીવનને અનુલક્ષીને જોઈએ તો આ રચના એક આર્ષદ્રષ્ટા સર્જકની કૃતિ બની છે.

“કૃષ્ણ-રાધા” એ કવિ પ્રિયકાન્ત મણિયારનું સરળ શૈલીમાં લખાયેલું ગીત સ્વરૂપનું પ્રતીક કાવ્ય છે. આ કવિની સમગ્ર કાવ્ય રચનાઓના બૃહદ સંગ્રહનું નામ પણ આ કવિતાની પ્રથમ પંક્તિ “આ નભ ઝૂક્યું તે કાનજી” – પરથી રખાયું છે. એ જ આ કાવ્યની સિદ્ધિ બતાવે છે. સમગ્ર કાવ્યમાં કૃષ્ણ અને રાધાના અલગ અલગ રૂપકો દ્વારા પરિચય આપ્યો છે. જેમકે, કૃષ્ણના રૂપક તરીકે ઝુકેલું નભ, સરોવરનું જલ, ખીલેલો બાગ, પરવત-શિખર, ચાલતાં ચરણ, ગુંથેલા કેશ, જલતો દીપ અને કવિના લોચન છે, તો તેને અનુક્રમે રાધાના રૂપક તરીકે ચાંદની, પોયણી,લ્હેરી, કેડી, પગલી, સેંથી, આરતી અને નજરને રાખવામાં આવ્યા છે. એકંદરે હળવી શૈલીમાં કાવ્યનો પ્રવાહ વહ્યો છે.

“નદીની રેતમાં” કે “મળે ન મળે” – ગઝલ આદીલ મન્સૂરીની કઈક છૂટી જવાની, ગુમાવી બેસવાની વેદનાને વાચા આપતી અને છૂટી જાય એ પૂર્વે જાણી-માણી-અનુભવી લેવાની તાલાવેલી દર્શાવતી ગઝલ રચના છે.ગઝલનો રદીફ જ ગઝલનું શીર્ષક બનીને આવે છે. વતનની માટીની મહેક અત્તરની સુગંધ કરતા પણ વધુ આકર્ષક અને આહ્લાદક હોય છે – એનો અનુભવ તો દરેકને હોવાનો જ; પણ એ અનુભૂતિને કવીએ અહીં શબ્દદેહ આપ્યો છે;
“ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ન મળે.”
* * *
“વતનની ધૂળથી માથું ભરી લઉં “આદીલ”
અરે ! આ ધૂળ પાછી ઉમ્રભર મળે ના મળે.”

ગઝલનો મક્તા તો ગઝલકારના નીજી જીવન સાથે હુબહુ સાર્થક થયો છે. કેમકે, ભારત અને પાકિસ્તાન બન્ને દેશ વચ્ચે નાગરિકત્વના અધિકાર માટે ઝઝુમતાં આદીલ મન્સૂરી જાણે નીજી સંવેદનને આર્ષદ્રષ્ટા બનીને શબ્દોમાં કંડાર્યા હોય એવું અનુભવાય છે.

“પગલાં કુંકુમ ઝરતાં”- રાજેન્દ્ર શુક્લનું ગીત સ્વરૂપ ધરાવતું પ્રણય કાવ્ય-ઋતુ કાવ્ય છે. કારતક માસથી લઈને આસો માસ સુધી- દરેક માસમાં, દરેક ઋતુમાં ઋતુઓની વિશેષતાઓની સાથે સાથે મનુષ્યની જીવનરીતિ, રીતિ-રિવાજોને સાંકળી લઈને એક અલાયદા એવા ઋતુ કાવ્ય તરીકે આ કવિતા ઉભરાઈ આવે છે.

“- તો આવ્યા કને” એ ચંદ્રકાન્ત શેઠનું ગીત સ્વરૂપ ધરાવતું અને પ્રણય-પ્રકૃતિને સાથે લઈને ચાલતું દસ પંક્તિનું ઊર્મિકાવ્ય છે.અભિધાની દ્રષ્ટિએ જોતા એવું લાગે કે, અહીં માનવીય પ્રણયની વાત કરેલી છે પરંતુ, એનાથી આગળ વિચારીએ ત્યારે “આંબો ટહુક્યો”,”વનમાં મહેકી વાત”,”ખીલતો દિવસ” – વગેરે શબ્દપ્રયોગો જોતા એવું લાગે કે આ દૈહિક નહિ, બલ્કે આધ્યામિક પ્રણયની વાત છે.”મને-કને”,”વાત-રાત”,”ઝાકળ-ફૂલ”,”કિરણ-ઝૂલ” – જેવા અંત્યાનુપ્રાસને લીધે અને ખાસ તો “કને” – “નજીક”ના અર્થનો લાક્ષણિક પર્યાય શબ્દ પ્રયોજાયેલ હોવાથી સમગ્ર કાવ્ય અને શીર્ષક વધારે અહ્લાદક અને આકર્ષક બની રહે છે.

કવિ સુન્દરમે “કોણ ?” કાવ્યમાં ચિંતન,ઊર્મિ,અધ્યાત્મ, અલૌકિક સૃષ્ટિ,ઈશ્વરીય સંચાર વગેરે વિષયોને કેન્દ્રમાં લઇને લખેલું ગીત છે. કુલ બાર પંક્તિઓમાં લખાયેલ આ કાવ્ય તેના શીર્ષકની જેમજ પંક્તિએ પંક્તિએ પ્રશ્નાર્થ સર્જે છે. ઈશ્વરની ચેતના, તેનો સંચાર,તેમનું સુક્ષ્માતિસુક્ષ્મ સ્વરૂપ સમગ્ર બ્રહ્માંડમાં કેવું વ્યાપ્ત છે તેનું નિદર્શન આ કવિતા પ્રશ્નાર્થના માધ્યમે કરાવે છે. વળી, સાથે સાથે પ્રાસાનુપ્રાસ પણ એટલો જ જળવાયો છે. “સુરભિત-પુલકિત-મુખરિત” – જેવા શબ્દોનો નાદધ્વનિ સાંભળતા રહીએ ત્યાં સુધી ગુંજતો રહે છે. “હાસ-શ્વાસ”, “ચીર-તીર”, “માળ-રસાળ”, “ઘટ-વાટ”, “ઝાળ-ફાળ”, “રૂપ-કુપ”નો અંત્યાનુપ્રાસ પણ એટલો જ કાળજીથી સાધ્યો છે.કવિતા સાદ્યંત અલૌકિક આહ્લાદ કરાવી જાય છે. માત્રામેળ સવૈયા એકત્રીસા છંદમાં આ રચના લખાઈ છે.

આમ, મહેન્દ્ર મેઘાણી સંપાદિત “યાદગાર કાવ્યો”માંથી પસંદ કરેલા કાવ્યોનો વિગતે અભ્યાસ કરીને તેની વિશેષતાઓ અને વ્યવર્તકતાઓને જોઈ શકાય છે.