Download this page in

‘નારી શક્તિના દર્શન કરાવતી કૃતિ- ‘કૂવો’

સ્વાતંત્ર્યોત્તર યુગની પ્રથમ હરોળમાં સ્થાન પામતી ‘કૂવો’ અશોકપુરી ગોસ્વામીની જાનપદી નવલકથા છે. ઈશ્વર પેટલીકરની ‘જનમટીપ’ નવલકથાની ચંદાની જેમ ગામના માથાભારે અસામાજિક તત્વો સામે દ્રઢતાપૂર્વક તેમજ અન્યાય, અસત્ય સામે છેવટ સુધી ઝઝુમતી અને પોતાના સંકલ્પને પાર પાડીને જ જંપતી દરિયાનું ચરિત્ર આ નવલકથાનું મુખ્ય પાત્ર છે.

મુખી ડુંગરના જ ખેતરમાં કૂવો બનાવરાવે છે. એટલે બે ભાગ ડુંગરના અને ત્રીજો ભાગ સવજી મુખીનો હોય છે. તેથી નિયમ પ્રમાણે મહિનામાં વીસ દિવસ ડુંગરને અને દસ દિવસ જ મુખીને કૂવે કોસ ફેરવવાનો હોય છે. તેમ છતાં, મુખી મન ફાવે તેમ- તેટલા દિવસ દાદાગીરી કરીને ડુંગરને દબાવ્યા-દબડાવ્યા કરીને કોસ ફેરવ્યા કરે છે. આ કારણે ડુંગરની વાડીમાં વાવેલ પપૈયા પાણી વીના સુકાઈ જાય છે. “ચીમળાયેલું બપૈયું ડાળી હલાવીને ના પાડે એમ ડુંગર ડોકું ધુણાવ્યું.” પણ મુખી સામે એક હરફ ઉચ્ચારતાં કે પોતાના વારાની વાત કરતાં તે ડરે છે. મનોમન તે અકળાય છે. અને બોલી ઉઠે છે : “ભૂંડો સે અવતાર અમારો, આ બળધ્યા કરતાંય. જબાન હોય તોય મૂંગું રે’વું પડે એવો અવતાર.” એવું બોલી ગુસ્સામાં ભેંસને પરોણાનો ગોદો મારતાં ભેંસ કૂદીને લાત મારે છે, અને પવાલીમાંનું દૂધ ઢોળાઈ જાય છે, એ પ્રસંગે ‘ડુંગર મુખીના પડછાયાને મારતો હોય તેમ’ ભેંસને ઝૂડવા માંડે છે. તેને વારતાં દરિયા કડવું સત્ય સંભળાવે છે. “બઉ જોર હોય તો મુખીનો કોસ બંધ કરાઈ અનં આપડો જોડાં તાર ખરા જોણું. આ બચારા ઢોરનો શું વાંક ?” દરિયાએ બોલેલા આ શબ્દો તેનામાં આગ પ્રગટાવે છે, અને ડુંગર તે જ દિવસે કૂવે ફરતો મુખીનો કોસ બંધ કરાવીને પોતાનો કોસ જોડવાની હામ ભીડે છે. મૂખીના ભાગિયા વસ્તાને ભગાડી મૂકે છે.

‘કૂવો’ ડુંગર-દરિયાના જીવનનો, અસ્તિત્વનો એક અનિવાર્ય અંશ છે. જ્યારે એ ‘કૂવો’ મુખી માટે મૂખીપણાના જોરે ચરી ખાવાનું સાધન છે. બીજા શબ્દોમાં કહીએ તો મૂખીનો કૂવા સાથેનો સંબંધ લોહીનો નથી જ્યારે દરિયા-ડુંગરનો-કૂવા સાથેનો સંબંધ લોહીનો છે.

ત્યારે કુટુંબના વડીલ દાજી ડુંગરને વાળતાં સમજાવે છે કે, “આપડે ઘર-ખેતરાંવાળા, દબઈ-ચંપઈન રે’વામાં મજા. નોના બાપના નાં થઇ જવાય એમાં.” પરંતુ દરિયા દાજીની વાત માનતી નથી “જે હમજાય નૈ, જર જીવતરમાં આચરી નાં હકાય એવાં શાસ્તર, એવાં ગનાંન શા કોંમનાં ? જે હૌનાં જીવતરને ઉજળાં ના કરે, હમજનો હાચો રસ્તો ના હુઝાડે એવા ગનાંનનો કોઈ અરથ ? ચ્યો હુધી ઓમ દબાયા-ચંપાયા જીવવાનું, વહવાયા જેવું જીવવાનો કંઈ અરથ ?” આમ અન્યાય-અસત્ય-અત્યાચાર વેઠી લેવાને બદલે તેનો વિરોધ કરવાની દરિયાની આ વિદ્રોહભાવના તેના ચરિત્રનું મુખ્ય ચાલક બળ છે. મુખીનો સંઘર્ષ સ્વાર્થ, સત્તા, દાદાગીરી, ભ્રષ્ટાચાર જેવાં અવમૂલ્યોથી રસાયેલો છે. સામે પક્ષે ડુંગર-દરિયાનો સંઘર્ષ સત્ય, ન્યાય, અને ખાસ તો પોતાના અસ્તિત્વ માટેનો છે.

વસ્તાને ડુંગરે કોસ ન જોડવા દેવાની વાત સાંભળી મુખી ધુઅપૂઆ થઈને આવતાંની સાથે ભીખાને ‘ભૂંડ’ કહી ગાળ સંભળાવતાં ડુંગર મૂખીને કૂવામાં લબડાવે છે. હોલાની જેમ ફફડી રહેલા મૂખીને ઘા ભેગો ઘસરકો કરવાનું ડુંગર ચૂકતો નથી : “તમને એમ કે અમે તમારાં ગોલાં સીએ ? બધાંને એક લાકડીએ હોંકવા નેકળ્યા સો તે ખબર ના રઇ કે થોરિયામાં હાથ નાં નખાય ?” અને કૂવાના સમારકામના બાકી નીકળતા પૈસા તત્કાળ મુખી પાસે કઢાવે છે. પછી દરિયા મૂખીને મોટા ભા બનાવી કહે છે : “ખોનદોન ઘરનાં માંણહ તો હૌની હંભાળ લે. તમારા ઘરની તો અમને બઉ મોટી ઓથ મોટા.” આમ દરિયાનું અહીં જુદું જ વ્યક્તિત્વ ખીલે છે.

પરંતુ ઘરે આવીને મુખી ડુંગર સાથે વેર લેવાની ફીરાતમાં છે. અને મનોમન બબડે છે : “ડુંગરિયા ! વખત આયે તન લોઈ ના મૂતરાવું તો હું સવજી મુખી નંઈ !”

મુખી અને દરિયા-ડુંગર વચ્ચે દુશ્મના વટ વધે છે. તેથી ડુંગર-દરિયાને પાઠ ભણાવવા મુખી-શેઠ-પગી અને ભાવસંગ ડાભીની આ ચંડાળ ચોકડી કારસ્તાન રચે છે. ત્યારે ડુંગર અને દરિયા પોતાના ખેતરમાં બપૈયાના ખટારા ભરાવા બેઠા છે અને મોડી રાતે વસ્તો અને તેના સાગરીતોની ટોળકી ત્રાટકે છે. ડુંગરને કેડે દોરડું બાંધે છે અને તેના પર પાશવી ત્રાસ ગુજારે છે. વસ્તો તેના ગળે ગુગરા બાંધે છે અને પશુની જેમ વર્તવાનું કહે છે. આમ કરતાં માનસિક સમતુલા ખોઈ બેસે છે. આમ પતિને પશુની જેમ વર્તતો જોઈ દરિયાનું હૈયું કકળી ઊઠે છે.

મોડી રાતે ખેતરમાં આવી પહોંચેલા ભીખાની ત્રાડથી ગભરાયેલી ટોળકી ત્યાંથી ભાગી છૂટે છે. ડુંગર અને દરિયાની હાલત જોઈ જવાં મર્દ ભીખો પણ રડી પડે છે. “એના છૂટા અને ભીના વાળમાંથી હજીયે પાણી નીતરતું હતું. જાણે બે આંખોને બદલે સેંકડો વાળ રડતા હતા. જગત જન્મ્યું ત્યાંરથી જુલમ વેઠ્યા કરતી સ્ત્રી જેવી દરિયા હજીય ચૂપ હતી.”

‘હું બળધ્યો હું બળધ્યો’ એમ બબડતો ડુંગર દોડાદોડી કરી મૂકે છે. દાજી અને ભગત જેવા પીઢ વડીલો પણ આ કૃત્ય જોઈ નિસાસો નાખી બોલી ઉઠે છે : “નખ્ખેદ જજો આ કૂડું કોંમ કરનારનું” અને પછી આખી સીમ ઉજાડવા તલપાપડ ભીખો છેવટે ડુંગર-દરિયાને બેઠાં કરવાની, તેમની સારસંભાળ લેવાની પળોજણમાં પડે છે. અને ડુંગર બીમાર પડી જાય છે. બીજી બાજુ દરિયા પણ હવે મક્કમ બની છે અને કહે છે કે : “કાકા આ કૂવાનું પોંણી અમારે અગરાજ....મલક માથે કાળઝાળ દુકાળ પડે, વાવ તલાવ ખાલી થઇ જાય, નદીઓ હુકાઈ જાય ને, તોય જો આ કૂવામાં પોંણી હોય તો તરસે મરી જવું મંજૂર પણ ઓનું પોંણી એ ગાયના લોઈ બરોબર....” દરિયા પોતાના સંકલ્પ માટે અડગ છે : “હું આ કૂવાની જોડે નવો કૂવો ખોદેશ અને એની માટીથી ઓને પૂરીશ. આ ઝેરિયા કૂવાને મારે નથી રે,વા દેવો મારા ખેતરમાં.” અહીં કૂવો તો માત્ર નિમિત્ત છે. મૂળ મુદ્દો દરિયા કહે છે, “આ પજવણી રોજ રોજ ચાલુ રે’વાની હોય તો એને અટકાવવી તો પડશેને ?.....વાત એકલા કૂવાની નથ્ય. આ તો હાચ ખાતર લડવાની વાત સે. હાચ જોણી બેહી ર’નાર ગનાંની કરતાં હાચ ખાતર વઢનારુ, ખરા માટે ખપી જનારનું મૂલ વધારે.....કાશી, ટેક વગરનું જીવતર તો બળ્યું થાળા વગરના કૂવા જેવું, ટેક પાછળ તો ફનાફાતિયા થવાતું.”

આમ નવો કૂવો ખોદવો અને જૂના કૂવાને એજ માટીથી પૂરવો અને ખર્ચના ઊંડા ખાડામાં ઉતરવું તેમજ પતિની માનસિક રોગોની હોસ્પિટલમાં સારવાર અંગેની જોગવાઈ પણ કરવી. એ માટે જરૂરી ઢોર ઢાંખર અને ઘરેણાં વેંચવા પડે તો તેમ કરીને પણ, પૈસે-ટકે ખુંવાર થઈને પણ, કરેલ સંકલ્પ પાર ઉતારવા જીવતરને હોડમાં મૂકવું અને ‘હાચને ખાતર’ છેવટ સુધી ઝઝૂમવું એવા પડકારને દરિયા ઉપાડી લે છે.

ત્યારે સામાવાળાની સંમતી વિના કૂવો પૂરશો તો કૂવો પૂરવાના ગુનામાં કોર્ટ-કચેરીના ધક્કા ખાવા પડશે અને તેમાં ફસાઈ જશો. આમ મૂખીના મળતીયાઓની વાત સાંભળી દરિયાએ પીતાંબર જોશીના. આંબાવાડિયા ખેતરનો કોર્ટે આપેલા ચૂકાદાનો દાખલો આપી કાનૂની પુરાવા આપીને તેમના પંચાતીયાઓને ચૂપ કરી દીધા. “આ તો બૈરી સે કે બારિસ્ટર ! બઉ જબરી બઈ ! કાઠીય બઉ.” દરિયાનું આ બૌધિક વ્યક્તિત્વ કરતાં તેના આંતરવ્યક્તિત્વનું રૂપ અનેકઘણું અટપટું ભેજાબાજોનેય ન સમજાય એવું છે.

આમ નવો કૂવો ખોદવાની શરૂઆત કરતા ડુંગરને દીકરા મફાને મોટા સાહેબ જોવાની ઈચ્છા હતી. પરંતુ તે માટીનાં ટોપલાં ઉપાડવા લાગે છે. વડીલ દાજી પણ ટોપલાં ઉપાડવા લાગે છે. ત્યારે દરિયા તેમને પગે લાગીને ટોપલા ઉપાડવાની ના પાડે છે. અને કહે છે : “દાજી ! તમે ટોપલું માથે લો તો મનં મરેલી ભાળો...શેર માટીય તમને મોંથે નૈ ઊંચકવા દઉં....અજ હું જીવું સું. મોત આવસે તોય એનં કઈસ, જા ભઈ પાછું, આ કૂવો ખોદઇ રે’ અને પેલો પૂરઈ રે’ તારે આવજી. હું અતાર નવરી નથ્ય......”

ડુંગરની સારવાર થતાં તેને સારું થઈ જાય છે. તો બીજી તરફ નવો કૂવો ખોદાવ્યો તો તમાં પણ પાણીની સરવાણી વહેંતી થઈ જાય છે.

આમ ‘બે આંબાની વચ્ચે દરિયાનો મીઠો કૂવો’ અહીં આંબાના અને કૂવાના પ્રતીકાત્મક પરિવેશના નિર્માણ દ્વારા લેખકની કલાગત સજ્જતાનો પરચો મળે છે.

આમ, સ્થૂળ દુરીતને મારી હઠાવાવ પણ છેવટે કોઈક સુક્ષ્મ તપસ્યામૂલક રીતિનો આશ્રય લેવો પડે છે. બાહ્ય સ્તરે ગામડા ગામમાં આવાં જાણીતાં કમઠાણોની રમ્ય કથા બની રહેતી ‘કૂવો’ કૃતિમાં દરિયાના પાત્ર દ્વારા નારી શક્તિના દર્શન થાય છે. તેમજ આ કૃતિ સંસ્કારયુક્ત મૂલ્યનીષ્ઠ સંઘર્ષકથા બની રહેતી હોવાથી વાચકોનો આદર પણ પામી છે.