Download this page in

‘કાદંબરીની મા’ – કૃતિલક્ષી આસ્વાદ

કુદરતે મનુષ્યનું સર્જન કર્યું છે. દરેક મનુષ્ય જુદી જુદી વિલક્ષણતાઓ સાથે જન્મે છે. તેથી દરેકનાં સુખ-દુઃખ, વ્યથા-વેદના જુદા જુદા રહેવાના સામાન્ય મનુષ્યનાં જીવનમાં શું વિશેષ હોય છે. એ જાણવા માટે એક સાહિત્યકારનો પરિચય મેળવવો જરૂરી બને છે. પ્રતિભાને ‘Third Eye’ કહેવામાં આવે છે. રોજિંદી ઘટમાળમાં આવી પડતી અનેક મુશ્કેલીઓ, વેદના, સંવેદનાઓ જુદા – જુદા અનુભવોને એક સામાન્યમાણસ કરતા સાહિત્યનો મર્મ જરા જુદી રીતે નિહાળે છે. કરાણ એની પાસે પેલી પ્રતિભા છે. જીવનનાં ખાટા-મીઠાં અનુભવોમાંથી પસાર થતો સર્જક માત્ર એ અનુભવને સ્પર્શતો જ નથી. પણ એમાં પોતાનાં તરફથી કશુંક નવું ઉમેરો એટલે કે એ અનુભૂતિને કલ્પનાનો વરખ ચઢાવી તેને શબ્દદેહ આપી અભિવ્યક્ત પણ થતો હોય છે અને આ અભિવ્યક્તિને સાહિત્યની ભાષામાં આપણે આકાર તરીકે ઓળખીએ છીએ. એ જ રીતે ધીરુબહેન પટેલ એ પોતાની અનુભૂતિને જે આકાર આપ્યો છે તે છે નિબંધ, નવલકથા, નવલિકા, કાવ્ય વગેરે સ્વરૂપો છે. પોતાના આ ઉત્તમ સાહિત્યસર્જન થકી ધીરુબહેન પટેલ આધુનિક ગુજરાતી સાહિત્યનાં અગ્રણી સાહિત્યકારોમાંના એક ગણાય છે.

એક સ્ત્રી લેખિકા તરીકે ધીરુબહેન પટેલનું ગુજરાતી સાહિત્યમાં નામ છે. મોટે ભાગે એમણે નવલકથા અને લઘુનવલમાં મહત્વનું પ્રદાન કર્યું છે. એમણે સ્ત્રીસંવેદનને કેન્દ્રમાં રાખીને ઘણી કૃતિઓ રચી છે. એમનું સાહિત્ય સ્ત્રીસંવેદનાથી ભરપૂર છે. આ ધીરુબહેન પટેલનો જન્મ 29મી મે, 1926ના રોજ વડોદરા મુકામે થયેલો. એમણે શાળાનું શિક્ષણ સાન્તાક્રૂઝ(મુંબઈ)ની પ્રસિદ્ધ પોદ્દાર હાઇસ્કૂલમાં લીધું. નાનપણથી જ સાહિત્ય પ્રત્યેની રુચિ કેળવી હતી. મુંબઈની વિખ્યાત ઍલ્ફિસ્ટન કૉલેજમાં મેટ્રિક પછી પ્રવેશ મેળવ્યો હતો અને અંગ્રેજી ભાષાસાહિત્યનાં મુખ્ય વિષય સાથે મુંબઈ યુનિવર્સિટીની બી.એ.ની ડિગ્રી મેળવી હતી. અંગ્રેજી ભાષાસાહિત્યના પ્રાધ્યાપિકા તરીકે ઉચ્ચ શિક્ષણનાં ક્ષેત્રે સેવાપ્રવૃત્ત થવાનો પ્રારંભ કર્યો હતો.

ધીરુબહેનને નાટક, રેડિયોનાટક, એકાંકી, હાસ્યકથા, અનુવાદ, ઇત્યાદી સાહિત્યનાં અન્ય પ્રકારોમાં પણ પોતાની કલમને વિહરવાની અનેકવાર તક આપીછે. ને નોંધપાત્ર સફળતા પણ મેળવી છે. આકાશવાણી, દૂરદર્શન જેવા સમૂહ માધ્યમો પરથી અવારનવાર રજૂ થયેલી એમની નાટ્યકૃતિઓ લોકપ્રિય પણ થઈ છે.

પુરુષપ્રધાન સમાજમાં શોષણગ્રસ્ત, ત્રસ્ત, દીનહીન નારીનાં જીવનને, પડકારને નારીનો તે સામેનો પ્રતિકાર, વિદ્રોહને નારીજીવનની અસ્મિતા – એ ધીરુબહેનની નવલકથાઓ લઘુનવલો કે સર્વસામાન્ય ‘મૉટિફ’ હોય એમ લાગે છે. ‘વડવાનલ’, ‘વા વંટોળ’, ‘વમળ’, ‘શીમળાનાં ફૂલ’ની જેમ ‘કાંદબરીની મા’ લઘુનવલનો સારાંશ જો બે – ચાર લીટીમાં આપવો હોય તો એમ કહી શકાય કે પતિ અનિલનાં અમાનુષ જુલ્મ, અત્યાચાર, ત્રાસથી દબાયેલ, કચડાયેલી, રિબાતી કાંદબરીની માં એની સાસુ વિજયાના પ્રેરણા અને ઉત્તેજનાથી અસ્મિતા જાગે છે. સગી મા નહિ, પણ સાસુ અહીં ખરેખરા અર્થમાં કાંદબરીની ખરી મા બની રહે છે.

કાંદબરી દીનતા, કાયરતા, લાચારીનાં એક ધ્રુવ ઉપરથી સામા છેડાના મુક્તિનાં, અસ્મિતાના, આધુનિક નારીજીવનનાં અભિનવ આદર્શને સિદ્ધ કરતા સ્વતંત્ર વ્યક્તિત્વ – અસ્તિત્વની સ્થાપનાના ધ્રુવ સુધી પહોંચીને જીવનનાં નકરા વાસ્તવનાં કળણમાંથી બહાર નીકળીને નારીત્વનું ગૌરવ પ્રગટ કરે છે. એક ધ્રુવ ઉપરથી સામા છેડાના બીજા ધ્રુવ સુધી કાંદબરીને પહોંચાડવામાં ધીરુબહેનને સફળતા મળી છે. કાદંબરીની આ પુનરુત્થાનયાત્રાને યથાર્થ દૃષ્ટિકોણથી નિરૂપવામાં તેને એક છેડેથી સામેને છેડે સુધી પ્રતીતિકર રીતે પહોંચાડવામાં જ લેખિકાનું કૌશલ પ્રગટ થાય છે. અહીં કથાવસ્તુની નવીનતા ઝાઝી નથી, પણ લેખિકા કાંદબરીને એક માનસિક અવસ્થાના વાસ્તવમાંથી બીજા અંતિમ સુધીની વિલક્ષણ માનસિક અવસ્થા સુધી કેવી રીતે પહોંચાડે છે. તે જ ભાવકો માટે ખરા રસનો વિષય છે. કથાવસ્તુની કોઈ નવીનતા નોંધવી હોય, તો તે અહીં એ છે કે સામાન્ય રીતે ભારતીય સમાજમાં સાસુ-વહુને પરાપૂર્વથી સ્નેહનો નહિ, પણ આડવેરનો, દ્વેષનો, શોષક અને શોષિતનો સંબંધ ચાલ્યો આવે છે. પણ આ લઘુનવમાં સાસુ વિજયાબહેન પુત્રવધૂ કાંદબરીની ખરી મા બનીને એને પક્ષે રહે છે. પુત્રવધૂને પોતાનાં જ પુત્ર સામે વિદ્રોહ કરવા ઉત્તેજે છે.

પુત્રનાં જુલ્મ અત્યાચારનો પ્રતિકાર કરવા તેને પ્રેરીને તેનાં નારીત્વની અભિનવ અસ્મિતા જગાડે છે. ભારતીય સમાજમાં આવી સાસુ અતિ વિરલ અને અપવાદરૂપ જ માનવી પડે. એ વાસ્તવિક સાસુ કરતા આદર્શ સાસુનાં સદચરિત્રને જ અહીં પ્રગટ કરે છે. બાકી સામાન્ય રીતે આપણા સમાજમાં પુત્રવધૂ માટે સાસુઓ તો ખલનાયિકાની ગરજ સારતી હોય છે. પુત્રવધૂ ઉપરનાં જુલ્મ, અત્યાચારમાં સાસુઓ તો ઉદ્દીપન વિભાવ બનતી હોય છે.

પુત્રને ઉત્તેજતી, ઉશ્કેરતી હોય છે. પુત્રવધુને મારી નાખવામાંય ઘણીવાર સાસુ પોતાનાં પુત્રની મદદગાર બનતી હોય છે. ભારતીય નારીજીવનનાં એ યથાર્થથી વિરુદ્ધ અહી સાસુ વિજયાનાં ચરિત્રને લેખિકાએ અવનવો ઉઘાડ આપ્યો છે.

સાંપ્રત સમાજમાં નવી પેઢીની ભણેલી ગણેલી પશ્ચિમની સંસ્કૃતિની અસર નીચે આવેલી વહુ જુલ્મી, અત્યાચારી સાસુ અને પતિનો દૃઢતાથી પ્રતિકાર કરતી જોવા મળે છે. રૂઢિચુસ્ત સાસુ પુત્રને ઉત્તેજી – ઉશ્કેરીને પુત્રવધૂનો દ્વેષ કરે, જુલ્મ કરે ને કરાવે ને વહુની મા પિયરિયાની મર્યાદમાં રહીને જુલ્મ, અત્યાચાર નો ભોગ બનતી દીકરીને ઉગારવા મિથ્યા મથતી રહે અહીં નવી પેઢીની કાદંબરી જૂના જમાનાની દબાયેલી, કચડાયેલી, ત્રસ્ત-ગ્રસ્ત, વ્યથિત, લાચાર, શોષિત, પુત્રવધૂની જેમ અતિ દીનહીન શંક બની રહે છે. એને પોતાનું કોઈ જ સ્વતંત્ર વ્યક્તિત્વ – અસ્તિત્વ નથી. પતિ, સાસુ કે મા- સૌનુ કહ્યું જ એ કરે છે. એનો પોતીકો કોઈ અવાજ નથી. વ્યક્તિત્વ નથી. જ્યારે એનાથી વિરુદ્ધ જૂની પેઢીની એની સાસુને પોતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ છે. એક સ્વતંત્ર આધુનિક નારીની જેમ પુત્રવધૂની યાતના સમજે છે. પ્રમાણે છે.

સહૃદયતા અને સમભાવથી કાંદબરીને પુત્રીવત ગણીને પોતાનાં દીકરા સામે વિદ્રોહ કરવા એને તે પ્રેરે છે. એનામાં અસ્મિતા જગાડવા મથે છે. આમ, લેખિકાએ અહીં સમાજ જીવનનાં સાસુ-વહુનાં વાસ્તવને ઉલટાવી નાખીને ધાર્યો લક્ષ્યવેધ કરવામાં સફળતા મેળવી છે. અહીં સાસુ, નવી પેઢીની ને વહુ જૂની, પેઢીની રૂઢિ જડ, દીનહીન, રાંકડી, લાચાર નારી જેવી જણાય છે. જૂની – નવી પેઢીનાં સાસુ-વહુ અહીં સમાજનો વાસ્તવિક ચરિત્રોથી ઊલટું ચરિત્ર, વ્યક્ત કરે છે. સાસુ – વહુને જ કૃતિનાં નાયક – નાયિકાને સ્થાને સ્થાપીને રચાયેલી નવલકથા પણ સાહિત્યમાં ભાગ્યે જ જોવા મળે છે.

કથાનો આરંભ જ એકબીજાને નજરથી માપતી બે સ્ત્રીઓથી થયો છે. ખરેખર જન્મદાત્રી માતા અને કાયદેસર મા એ બે જ આ કથામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. જો કે બંને માતાઓને માટે સેતુરૂપ છે. કથાનાયિકા કાદંબરી. બંને ફરજ પરસ્ત નારીઓ છે. એક સંપૂર્ણ ભૌતિકવાદી છે. બીજી વિધેયાત્મક દૃષ્ટિકોણ ધરાવતી ભાવનાશીલ નારી છે. બંને પોતપોતાનો હક બજાવી કાદંબરીને સુઃખી રાખવા ચાહે છે. એકને પોતાની દૃષ્ટિ મુજબ પુત્રી કાદંબરીને સુખી જોવી છે. બીજીને કરમાતી જતી દુર્દશાગ્રસ્ત પુત્રવધૂને યાતનામુક્તિ અપાવી સુખી જોવી છે. બંનેના સમગ્ર કથા દરમિયાન પ્રયત્નો ચાલુ રહે છે. એક જમાઈને સાધન બનાવી પોતાનાં ગજે દીકરીને માપી રહી છે. બીજી પુત્રને ગુનેગાર માની પુત્રવધૂને તેનાં સકંજામાંથી છોડાવવા પોતે જ પ્રયત્નશીલ રહે છે. પણ તેને અથાક પ્રયત્નો પછી સમજાય છે કે મોક્ષ માટે આત્મનિર્ભરતા જ આવશ્યક છે. સુખની ચાવી માનવીનાં પોતાનાં હાથમાં છે. તેને બીજું કોઈ સુઃખી બનાવી શકતું નથી. પણ આવી આત્મનિર્ભરતા સંપૂર્ણ પરાવલંબી કાદંબરીમાં ઊભી કરવાનું શ્રેય કાયદેસર માતા વિજયાને ફાળે જાય છે. તેથી કથાનું શીર્ષક ‘કાદંબરીની મા’ સાસુ વિજયા સાર્થક કરી શકે છે.

કાદંબરીનો નવો જન્મ કેવી રીતે થાય છે. તેની આ કથા છે. અહીં વિદ્રોહનો પ્રગટ સૂર નથી. છતા મક્કમ રીતે પુરુષ તથા પુરુષની જેમ સત્તા ચલાવતી અન્ય નારી એટલે કે કાદંબરીની જન્મદાત્રી માની સત્તાની સામે કાદંબરીની ખરી મા બની રહેનારી કાંદબરીની સાસુ જ મૂક વિદ્રોહ કરે છે. તેણે જ કાદંબરીમાં સ્વત્વનું અસ્મિતાનું સ્વરૂપ જગાડ્યું છે. સાસુ જ કાદંબરીની ખરી મા બની રહે છે. ભોગવાદી સંસ્કૃતિએ આપેલું સુખ કે સ્વત્વનાં પ્રકાશમાંથી જન્મતું સુખ એ બેમાંથી કઈ પસંદગી કાદંબરી કરે છે. એ દર્શાવતી પોતાની અસ્મિતા સુધી પહોંચતી કાદંબરીની આ કથા છે.

આ કૃતિમાં કાદંબરી, વિજયા, અરુણા, અનિલ, ગિરધરલાલ, સુનીલ, પન્ના, અભેચંદ, માણેક, ત્રણ દીકરીઓ, સદાશિવ, ડૉક્ટર બધા જ પાત્રો પોતપોતાની ગતિથી ચાલે છે. બધાનું પોતાનું અસ્તિત્વ છે. કાદંબરીનું મન એટલી હદ સુધી મરી ગયું હતું કે તેના તનને થાક લાગે ત્યારે આરામની જરૂર પડતી હતી. પણ મનને તો થાકેલું જ રહેવાની ટેવ પડી ગઈ હતી. તેથી જ પન્નાની જીવનકથની સાંભળ્યા પછી તે વધુ દુઃખી થઈ ત્યારે તેને પન્ના જ આશ્વાસન આપે છે. કાદંબરી તો વિચારે છે. કદાચ તેને મન જ નથી. નહીંતર તેની જિંદગી આવી ન હોય, તેવી તેને અંતમાં ભાન થાય છે, અનિલની દેવાળિયા થવાની નવી ચાલ આગળ પણ કાદંબરી ફસાઈ જાય છે.

અંતે નારીએ જ નારીમાં ચેતના જગાડી ચૈતન્યસભર નારીમાં જ કદંબમાંથી કાદંબરીનો જન્મ થયો. તે જ જન્મદાત્રી માતાને ખમીરવંતો જવાબ આપવા સક્ષમ થઈ ત્યાં જ અંત બતાવી સર્જકે દુર્બળ નારીમાં તેજકિરણ દાખવી નારીસત્વનું સર્જન કર્યું છે. કહેવાતા કથાના અંતને કાદંબરીનાં ખરા જીવનનો આરંભ બતાવી સર્જકની કલાસૂઝમાં વાચક સફળતા જુએ છે. આ કૃતિમાં સર્જકે ભાવકને ભાવવિશ્વમાં એવો ઓતપ્રોત કરી નાખ્યો છે કે ભાવક ક્ષણભર લૌકિક વિશ્વને વિસરી જાય છે.

સંદર્ભગ્રંથો

1. કાદંબરીની મા – પ્રથમ આવૃત્તિ, ઑક્ટોબર, 1988, પ્રકાશક – ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ
2. નવલકથા સ્વરૂપ – પ્રવીણ દરજી
3. કથા વિમર્શ – નરેશ વેદ
4. નવલકથા : શિલ્પ અને સર્જન – નરેશ વેદ
5. સાહિત્યકાર પરિચય કોશ – ગુજરાતી સાહિત્ય પરિષદ