Download this page in

સામાજિક નાટક તરીકે મૃચ્છકટિકમ

પ્રસ્તાવના :

‘સાહિત્યમાં જીવનનું પ્રતિબિંબ છે’ – અને સાહિત્યમાં સમાજનું પ્રતિબિંબ ઝીલાય છે. – એ સાહિત્ય સિઘ્ઘાંત અન્વયે કોઇ૫ણ ભાષાનું સાહિત્ય ઓછે વત્તે અંશે સમકાલીન સામાજિક પરિસ્થિતિનું પ્રતિબિંબ પાડયા વિના રહી શકે નહી. અલબત્ત સર્જકે ‘સામાજિક સ્તર ૫ર આધારિત કથાવસ્તુને કૃતિ માટે પસંદ કર્યુ હોય તો સમકાલીન સામાજિક ૫રિસ્થિતિનું પ્રતિબિંબ એ કૃતિમાં ઝીલાય.

સંસ્કૃત સાહિત્યમાં નાટકો પૂરતી વાત કરીએ તો અતિશયોક્તિ વિના કહી શકાય કે શુઘ્ઘ અથવા સંપૂર્ણ સ્વરૂપે સામાજિક નાટકો બહુ ઓછા ઉપલબ્ધ છે. ‘નાટક’ શબ્દથી સળંગસૂત્ર અને સુદીર્ઘ એવી નાટયકૃતિ અભિપ્રેત છે એમ સમજીએ તો – શૂદ્રક કવિનું ‘મૃચ્છકટિક’ એ એક જ નાટક સંપૂર્ણત: સામાજિક કહી શકાય.

મૃચ્છકટિકની વિશેષતા એ કહી શકાય કે રાજકીય વર્ગ છોડીને નાટયકારે કથાવસ્તુની પસંદગી મઘ્યમવર્ગમાંથી કરી છે. ઉજજયિનીના મઘ્યમવર્ગીય સમાજની દૈનિક પરિચર્યાને આ રૂ૫કનો આઘાર બનાવીને કવિએ અતિ સ્વાભાવિક બનાવ્યું છે. વિશિષ્ટ કથાવસ્તુને કારણે જ આ પ્રકરણ સંસ્કૃત નાટય સાહિત્યમાં એકમાત્ર યથાર્થવાદી પ્રકરણ કહી શકાય તેવું છે.

વસ્તુગ્રથન :

પ્રસ્તુત પ્રકરણમાં ઉજજયિનીની એક પ્રણયકથા છે. અવન્તિનગરીમાં રહેતા દરિદ્ર બ્રાહ્મણ વેપારી ચારુદત્ત અને તે જ નગરીની ગણિકા વસંતસેનાની પ્રણયકથા નિરૂપી છે. સાથે સાથે અહીં રાજકીય હિલચાલ, ન્યાયનું અંધેર, ખલજનોનો સ્વભાવ – આ બધું કવિએ નિર્દિષ્ટ કર્યુ છે.

આ નાટકમાં સમકાલીન સામાજિક પરિસ્થિતિનું એના ઉત્તમ,મઘ્યમ અને નીચ એવા બધા સ્તરોનું તેમજ માનવ સ્વભાવના ઉદાત્ત અને હીન અંશોનું – સંપૂર્ણ, સાંગોપાંગ અને વાસ્તવનિષ્ઠ આલેખન થયેલું જોવા મળે છે. એટલે ‘મૃચ્છકટિક’ ને સંસ્કૃત સાહિત્યના સામાજિક નાટકોના એક આદર્શ પ્રતિનિધિ તરીકે સ્વીકારીને એનું સવિસ્તર રસદર્શન કરીએ.

આ નાટકનું કથાવસ્તુ આપણને પ્રણાલિકા ભંજનના એક સફળ પ્રયત્નના નમૂના તરફ આકર્ષે છે. જેમકે –
अवन्तिपुर्या द्विजसार्थवाहो युवा दरिद्र: किल चारुद्त्त: ।
गुणानुरक्ता गणिका च यस्य वसन्तशोभेव वसन्तसेना ॥[1]

- આ શબ્દોમાં સૂચવાયું છે એ રીતે, અસામાન્યરીતે ધનાઢય અને એટલી જ અસામાન્ય રીતે સૌંદર્યવતી એવી એક ગણિકા વસંતસેના અને ભૌતિક દ્રૃષ્ટિએ દરિદ્ર છતાં ગુણસંપત્તિની દ્રૃષ્ટિએ સુસમૃઘ્ઘ એવા એક બ્રાહ્મણ ચારુદત્ત વચ્ચેના પ્રણયની કથાનું આલેખન અહીં કરવામાં આવ્યું છે.

મુખ્ય પ્રણયકથા ઉપરાંત અહીં રાજકીય વસ્તુ છે ૫ણ તે ગૌણરૂપે છે.

વ્યવહારની દુષ્ટતા અને ખલ સ્વભાવ મુખ્ય વસ્તુમાં બતાવ્યા છે. અને નયપ્રચાર રાજકીય વસ્તુમાં બતાવ્યો છે. સાથે એક બીજી ગૌણ પ્રણયકથા મદનિકા અને શર્વિલકના પ્રેમની છે. આ નાની અમથી પ્રણયકથા બંને વસ્તુ સાથે સંકળાયેલી છે.

શૂદ્રકને એક તરફ સુકુમાર હ્રદયના માનવીની ઉદાત્ત પ્રેમભાવનાનું દર્શન કરાવવાનું છે તો બીજી તરફ અન્યાય સામે ન્યાયનું સ્થાપન કેવી રીતે થાય છે. ક્રૂરની સામે અક્રૂર રાજય વ્યવસ્થા કેવી રીતે અસ્તિત્વમાં આવે છે તે બતાવવાનું છે. આથી જ અહીં એક કરતા વધુ કથાવસ્તુ મળે છે.

એક તરફ શર્વિલક, મદનિકા અને આર્યક જેવા પાત્રોથી તો બીજી તરફ ચારુદત્ત, વસંતસેના જેવા પાત્રોથી તો ત્રીજી તરફ શકાર, વિટ જેવા પાત્રોથી – અહીં વિવિધતા ભર્યો એક આખો સમાજ ઉંચકાયેલો જણાય છે. બન્ને કથાના દોરનો વળાંક અહીં એકરૂપ પરિણમતો હોવાથી બીજી કથાવસ્તુનું જુદાપણું દેખાતું નથી.

પ્રણયકથાના આ ફલક ૫ર કવિએ સમાજના અનેક સ્તરોની એટલી વૈવિઘ્યભરી પાત્રસૃષ્ટિ રચી છે કે સમગ્ર નાટક મનુષ્યના સામાજિક જીવનનું એક વાસ્તવપૂર્ણ અને હૃદયસ્પર્શી દર્શન રજૂ કરી જાય છે. એવું લાગે છે.
तयोरिदं सत्सुरतोत्सवाश्रयं नयप्रचारं व्यवहारदुष्ट्ताम ।
खलस्वभावं भवितव्यतां तथा चकार सर्वं किल शूद्रको नृप : ॥[2]

અર્થાત સુંદર સ્નેહ ઉત્સવને લગતું આ પ્રકરણ નય – નો પ્રચાર, વ્યવહારની દુષ્ટતા, ખલનો સ્વભાવ, દૈવ – આ બધું જ કહે છે – એમ આ શ્લોકમાં કવિ રાજા શૂદ્રક પોતે જ નિખાલસતાપૂર્વક જાહેર કરે છે.
दुर्वर्णोंसि विनष्टोसि दशस्वर्णस्य कारणात ।
पंचेन्द्रिय समायुक्तो नरो व्यापाध्यते त्वया ॥[3]

- જેવા શબ્દોથી શરૂ થતા શેરીઓમાનાં રોજિંદા ઝઘડા અને ગાળાગાળીમાંથી પરિણમતી મારામારી તથા રાત્રે દિવાલ ભેદીને ખાતર પાડતા ધંધાદારી ચોરની સાહસલીલા અહિ જોવા મળે છે. જેમ કે -
काम नीयमिदं वदन्तु पुरूषा: स्वप्ने च यद वर्धते विश्व्स्तेषु च वन्चनापरिभवश्चौर्य न शौर्य हि तत् ।
स्वाधीना वचनीयतापि हि वरं बध्धो न सेवांजलि: मार्गो हि एष नरेन्द्र सौप्तिकवधे पूर्व कृतो द्रौणिना ॥[4]

આ ઉપરાંત સુંદર એવી અસહાય યુવતીને ગળું દબાવીને ગુંગળાવી નાખતી નર પિશાચની નિર્દયતા વઘસ્તંભ ૫ર લઇ જવાતા નિર્દોષ નાયક અને એ દ્રશ્યમાંની મર્મ ભેદી નાખે તેવી માનવસહજ દારુણતા અને પ્રજવલિત અગ્નિમાં પ્રવેશવા દોડતી ગુણિયલ ૫તિવ્રતાના એ પ્રસંગની કરુણતા – આ બધા અંશોને સમકાલીન સામાજિક જીવનમાંથી ઊંડી સૂઝ દાખવીને કવિએ ચારુદત્ત – વસંતસેનાના મુખ્ય પ્રણયકથા સાથે કુશળતાપૂર્વક વણી લીધાં છે.

આ રૂપકની પાત્રસૃષ્ટિ તરફ દ્રષ્ટિપાત કરતા એવું જણાય છે કે સંસ્કૃત નાટકોની પરંપરાગ્રસ્ત રંગભૂમિ ૫ર એક નવી જ ભાત ઉપસાવતી પાત્રસૃષ્ટિ જોવા મળે છે. સંસ્કૃત નાટકોમાં મહદઅંશે સમાજના ઉચ્ચસ્તરના સંસ્કારી, સુશિક્ષિત પાત્રો જોવા મળે છે. નીચલા સ્તરના પરિચાયકો, દાસ, દાસીઓ, કંચુકી વગેરે એમાં હોય છે. ૫ણ આ નાટકમાં તો એવા પાત્રો અને પ્રસંગોની એક અનોખી સૃષ્ટિ દ્રષ્ટિગોચર થાય છે. જેમ કે –
સરકારનો નોકર સ્થાવરક – જે સીધો સાદો, ભોળો-ભલો માણસ છે ૫ણ પ્રસંગ આવ્યે પોતાના સ્વામીને રોકડું પરખાવી દે છે કે – प्रभवतु भट्टक: शरीरस्थ: न चारित्रस्य। ताड़यतु भट्टक: किंतु अकार्यम न करिष्यामि। અને ચારુદત્ત જેવા એક નિર્દોષ સજજનને મૃત્યુના મુખમાંથી બચાવવા માટે બેડીથી બંધાયેલ તે મહેલ ૫રથી आत्मान पातयामि કહીને નીચે શેરીમાં પડતું મૂકતાં ૫ણ અચકાતો નથી. એ કહે છે वर अहं उपरत: न पुन: एष: कुलपुत्र विहगाना वासपादप: आर्य चारुदत्त: ।[5] (સજજનરૂપી પક્ષીઓના આશ્રયભૂત વિશાળ વૃક્ષ સ્વરૂ૫ ચારુદત્તની અપેક્ષા મારું મરવું જ ઉચિત છે.)

મદનિકા – દાસી હોવા છતાં તેની ખાનદાની અવિસ્મરણીય બની રહે એવી છે. પોતાને દાસીપણામાંથી છોડાવવા માટે તેનો પ્રિયતમ જે ઘરેણા ચોરી લાવે છે, તે જ ઘરેણાં પોતાની સ્વામિની પ્રત્યેની નિષ્ઠાને કારણે तस्य एव आर्यस्य संबन्धी भूत्वा इमं आलंकारकं आचार्या: उपनय । - એમ કહીને પાછાં આપે છે. એ રીતે પોતાના મુકત જીવન માટેની એકમાત્ર તકને તે રાજીખુશીથી ઠોકર મારે છે.

અહીં તેના નારીત્વની વિશેષતા અને વ્થકિતત્વની ગંભીરતા સ્પષ્ટ થાય છે. એક તરફ તેનું પ્રણય નિવેદન છે. બીજી તરફ કર્તવ્ય નિષ્ઠા છે. તે એક શૂર, કર્મઠ અને સ્વાભિમાની પુરુષની પત્ની બનવા ચાહે છે. તે સાહસિક કાર્યોની પ્રશંસા કરે છે. આથી જ તો આર્યકને છોડાવવા જવા શર્વિલકને પ્રેરે છે.

ચારુદત્તનું ચરિત્ર અદભૂતરૂપે આ૫ણી સામે આવે છે. તે કુલીન, સુસંસ્કૃત, સુસભ્ય અને સચ્ચરિત્ર યુવક છે. જેથી ઉજજયિનીના સંપૂર્ણ જનમનને જીતી લીધા છે. બે ચાંડાળો ૫ણ શ્રઘ્ઘા સાથે ચારુદત્તને વધ સ્થાને લઇ જતા મનુષ્ય જિંદગી માટે એક પ્રકારનું માન ધરાવે છે. તેઓ પોતાના હીન વ્યવસાય વચ્ચે ૫ણ પોતાની સ્વકીય આચાર સંહિતાને અનુસરે છે, તેથી જ જેમનો વધ કરવો એ તેમનો ધર્મ છે એવા વઘ્યપુરુષ ચારુદત્તની માફી માગવાનું તેમને આવશ્યક લાગે છે. તેઓ કહે છે કે – आर्य चारुदत्त स्वामिनियोग: अत्र अपराध्यति । न खलु वयं चाण्डाला: ॥[6]

ગરીબોના કલ્પવૃક્ષ એવા ચારુદત્ત – ગરીબો, દલિતો, અસહાયોની સેવા દિલ ખોલીને કરે છે. આથી સ્વયં ૫રમ દરિદ્ર બની જાય છે. પોતાની દાનશીલતાને કારણે એક સમુદ્ર શ્રેષ્ઠીમાંથી ચારુદત્ત દરિદ્ર બની જાય છે. સમૃઘ્ઘિહીન જાણીને તેને ઘરે કોઇ નહીં આવે તેનું દુ:ખ છે. ત્યારે ઘરે આવેલ ચોરને નિરાશ થઇને જવું ન પડયું એ વાતનો તેને ગર્વ છે.

નાયિકા વસંતસેનાનું તો વળી વ્યકિતત્વ જ નિરાળું છે. તે વ્યવસાયે ગણિકા હોવાં છતાં તેના રોજબરોજના વ્યવહાર-આચરણમાં ગણિકા સુલભ પ્રણય – ચંચળતા લેશમાત્ર નથી. ઉલટું ગુણિયલ ચારુદત્તની વધૂ બનવાના કોડ ધરાવતી તે સૂક્ષ્મ અને શુઘ્ધ પ્રણયયુકત થઇ પ્રેમને ૫રિણયમાં પામવા આતુર જોઇ શકાય છે.

શર્વિલક – ચતુર્વેદી બ્રાહ્મણકુળનો ઉત્સાહી યુવક છે. પોતાની પ્રેયસી બનાવવામાં એક બ્રાહ્મણને જરા ૫ણ સંકોચ થતો નથી. अहं हि चतुर्वेदविद: अप्रतिग्राहकस्य पुत्र: शर्विलको नाम ब्राह्मण: गणिका मदनिकार्थ अनुतिष्ठामि।[7] એવા શબ્દો સાથે ખાતર પાડીને ઘરેણાંની ચોરી કરતાં શરમાતો નથી. તે ચૌર્યકર્મને પુરાણ પ્રસિઘ્ધ માને છે.

રોહસેન – નાના મુખે એવી વાતો કરે છે કે સામો માણસ મુંઝવણ અનુભવે, તે વસંતસેનાને પોતાની માતા તરીકે સ્વીકારતો નથી. – ‘જો મારી માતા હોય તો ઘરેણાં શા માટે પહેર્યા છે ? रदनिके अलीकं त्वं भणसि। यदि अस्माकमार्या जननी तत् किमथमलंकृता। ત્યારે આંસુ સાથે વસંતસેનાને કહેવું પડે છે કે બેટા માના મુખે બહુ કરુણ બોલે છે. जात मुग्धेन अति करुण मन्त्रयसि ।

रदनिके, कि मम एतया मृत्तिकाशकटिक्या । तामेव सौवर्ण शकटिकां देहि।[8] – એમ કહીને ‘મૃચ્છકટિક’ ને – ‘ માટીની ગાડીને ફેંકી દેતા અને ધનિક ૫ડોશીના છોકરાની સોનાની ગાડી માટે રડતા ચારુદત્તના પુત્ર રોહસેન દશમા અંકમા પિતાનો વધ જોઇ શકતો નથી. ચાંડાળોને કહે છે. મને મારી નાખો ૫ણ પિતાજીને છોડી દો. माम मारयत। मुन्चत पितरम। આમ, રોહસેનના ચિત્રણામાં કરુણતા ભરેલી છે તે અપૂર્વ છે.

શૂદ્રકનું સૌથી અગત્યનું અને નાટકની સફળતામાં અગત્યનો ફાળો છે એવું પાત્ર છે ‘શકારનું’. જેમાં ભારોભાર હીનતા, ધૃષ્ટતા, હીચકારાપણું, અધમ કોટિની વિલાસવૃતિ, દયાહીનતા, પાશવી લોભવૃતિ, નિઘૃણ નીચતા, નિર્લજજતા, ભારોભાર મૂર્ખતા – આ બધા દુર્ગુણોના સમૂહના હૂબહૂ આલેખનને કારણે શકારનું પાત્ર સમગ્ર સંસ્કૃત સાહિત્યમાં અજોડ રહયું છે.

ચારુદત્તના મિત્ર અને આ નાટકના વિદૂષક મૈત્રેયનું પાત્ર નાટયકારે સામાન્યરીતે પ્રયોજાતા ખાઉંધરા, ભૂલકણા, કદરૂપા અને લોભી વિદૂષક કરતાં અલગ જ ઉપસાવેલ છે. અહીં મિત્રને ખાતર પ્રાણ આ૫વા તૈયાર થતા એક વીરપુરુષનું કવિએ સર્જન કર્યું છે. વિદૂષક ચાંડાળોને કહે છે – भो: भद्र्मुखौ, मुन्चत प्रियवयस्यं चारुदत्तम। मां व्यापादयतम॥[9]

વિટ, ચંદનક, વીરક વગેરે કુલ ૨૭ જેટલા પાત્રોને વિવિધ ભાવો, અભિનયો અને સંવાદી દ્વારા જીવંતતા બક્ષીને શૂદ્રકે તેની પાત્રાલેખનની શકિત પ્રતિભાનું દર્શન કરાવ્યું છે.

અહીં સમકાલીન સામાજિક વર્ણવ્યવસ્થાની સ્થિરતા અને બ્રાહ્મણોનું વર્ચસ્વ સ્પષ્ટ રીતે તરી આવે છે. નવમાં અંકમાં ન્યાયાધીશને ૫ણ બ્રાહ્મણોનું વર્ચસ્વ આ રીતે સ્વીકારવું ૫ડે છે. अयं हि पातकी विप्रो न मनुरब्रवित। राष्ट्रादस्मात्तु निर्वास्यो विभवे रक्षत: सह।[10] તે સમયમાં સ્ત્રીઓના ત્રણ વર્ગો જોવામળે છે. કુલવધુ, ગણિકા અને ખરીદાયેલી દાસી. સામાજિક અનિષ્ટોમાં ગરીબાઇને ગણાવી શકાય, કેમ કે
दारिद्र्यात मरणात मरण मम रोचते न दारिद्रयम ।
अल्पकलेशं मरण दारिद्रयं अनन्तकं दु:खम ॥

- જેવા શબ્દોમાં દારિદ્રયની નિંદા કરવામાં આવી છે. ગણિકાનો વ્યવસાય ૫ણ સામાજિક અનિષ્ટોમાં સારી રીતે વિકસ્યો હોય તેવું લાગે છે. હિંદુધર્મની સાથે સાથે બૌઘ્ધધર્મ ૫ણ સમાજમાં સમાંતરે સ્થાન પામ્યો છે. એ સમયમાં દ્યૂત અર્થાત જુગાર ફૂલ્યુ ફાલ્યું જણાય છે. દ્યૂતકરોના વ્થવસ્થિત મંડળો હતા. અને એના મુખીને ‘સભિક’ કહેવાતો. પરંતુ આશ્ચર્ય એ વાતું છે કે જુગારની ગણતરી એ જમાનામાં દુર્ગુણોમાં થતી ન હતી. કેમ કે પોતે જુગારમાં ઘરેણાં હારી ગયા છે એવો એકરાર કરતાં ચારુદત્ત કે વસંતસેના અચકાતાં નથી. દર્દુરક તો भो: द्यूतं हि नाम पुरूषस्य असिंहासनं राज्यम। એમ કહીને દ્યૂતની પ્રશંસા કરે છે. તો વળી શર્વિલક જે રીતે ચારુદત્તના ઘરમાં ખાતર પાડે છે એ જોતાં એવું અચૂક લાગે છે કે ખાતર પાડવાનું એક વ્યવસ્થિત શાસ્ત્ર હશે. એકંદરે સમાજનું નીતિનું ધોરણ ઠીક ઠીક ઊંચું હોય એવું જણાય છે.

નાટયશાસ્ત્રના નિયમોની દ્રષ્ટિએ ‘મૃચ્છકટિક’ એક પ્રકરણ પ્રકારનું રૂ૫ક છે, તેમાં કથાવસ્તુ કવિ કલ્પિત અને સમકાલીન સમાજ જીવન ૫ર આઘારિત હોય છે. ઈતિહાસ-પુરાણની કથાઓને માટે અહીં સ્થાન નથી. એમ અવશ્ય કહી શકાય કે જે જમાનામાં કલ્પના અને આદર્શનું સ્થાન વાસ્તવિકતા કરતાં ઊંચું હતું. તે જમાનામાં એક શુઘ્ધ, નિર્ભેળ અને વાસ્તવપૂર્ણ સાચુકલું સામાજિક નાટક રચીને, માનવજીવનને એની સર્વ ખૂબીઓ અને ખામીઓ સાથે જેવું છે એવું નિરૂપણનું શૂદ્રકે એક સુંદર સફળ અને સમર્થ સાહસ કર્યું છે. અહીં નાટયશાસ્ત્રના કેટલાંક નિયમોનું ઉલ્લંઘન કરીને શૂદ્રકે ભારે સાહસપૂર્ણ કૃતિ સમાજને ભેટ ધરી છે.

पादटीप

१. मृच्छ्कटिकम ૧-૬
२. मृच्छ्कटिकम ૧-૭
३. मृच्छ्कटिकम ૨-૧૩
४. मृच्छ्कटिकम ૩-૧૧
५. मृच्छ्कटिकम અંક ૧૦ પૃ. ૪૮૯
६. मृच्छ्कटिकम અંક ૧૦ પૃ. ૫૦૬
७. मृच्छ्कटिकम અંક ૩ પૃ. ૧૬
८. मृच्छ्कटिकम અંક ૬ પૃ. ૨૯૧
९. मृच्छ्कटिकम અંક ૧૦ પૃ. ૪૮૭
१०. मृच्छ्कटिकम અંક ૯ પૃ. ૪૬૬

સંદર્ભગ્રંથ

'मृच्छ्कटिकम', ડો.જગદીશચન્દ્ર મિશ્ર, ચૌખમ્બા સુરભારતી પ્રકાશન, વારાણસી, તૃતીય સંસ્કરણ – ૧૯૯૧