Download this page in

‘ઠેર ના ઠેર’ વાર્તાનો આસ્વાદ

‘ઠેર ના ઠેર’ વાર્તા દીપક રાવલના વાર્તા સંગ્રહ ‘બારી’ માંથી લેવામાં આવી છે. વાર્તા વાંચતા જ ઉમાંશકર જોષીનું ‘સાપના ભારા’ નાટક તેમજ મણિલાલ હ. પટેલની ‘પડતર’ વાર્તા યાદ આવી! ત્રણેયમાં સસરા તેમજ પુત્રવધુ મુખ્ય પાત્ર છે,. ‘સાપના ભારા’ નો રચનાકાળ ગાંધીયુગ છે જ્યારે ‘પડતર’ અને ‘ઠેરના ઠેર’ વાર્તાનો રચનાકાળ અનુઆધુનિક્યુગ છે. આથી જે તે યુગની કેટલીક સામાજિક, સાંસ્કૃતિક અસર વાર્તામાં જોવા મળે છે. ગાંધીયુગનું નાટક અને અનુઆધુનિકયુગની આ બંને વાર્તાઓ સ્ત્રીની અલગ અલગ છબીઓ ઉપસાવે છે. ત્રણેયમાં પરિવેશ સરખો છે-ગામડું.

ટૂંકીવાર્તાની મુખ્ય લાક્ષાણિકતા એ છે કે, તેમાં કુતૂહલતાનું તત્વ હોવું જોઈએ. વાર્તાની ગૂંથણી એવી હોવી જોઈએ કે તેમાં પ્રવેશતા ભાવકનાં મનમાં પશ્નનો ઉદ્ર્ભવ અને તે પ્રશ્રોના ઉકેલ માટે ભાવકે વાર્તામાં ઊંડા ઉતરી વાર્તાનાં તલે તલને તપાસવા પડે. તેમજ વસ્તુસંકનાની વાત કરીએ તો તે એવી હોવી જોઈએ કે જે ભાવકને જકડી રાખે. કુતૂહલતા વાર્તાનું મહત્વનું પાસું છે. તેમજ વાર્તાનો અંત અણધાર્યો કે અકલ્પિત હોવો જોઇએ.

ટૂકમાં ‘ઠેર ના ઠેર’ વાર્તાની કથા વિશે કહીએ તો અહી˙ કેન્દ્રમાં છે સસરા અને પુત્રવધુ વચ્ચેના જતિયસબંધ અને એ સબંધોનુ પરિણામ. વાર્તાની શરૂઆત કુતૂહલનાં તત્વથી થાય છે. નાયિકા રૂખી પતિ પાંચાને ચોથી પાંચમી વખત જગાડવા આવી તો પણ તે જાગતો નથી. આમ જોતા તો તે સામાન્ય ઘટના લાગે પરંતુ તેના અંકોડા પાછળ બનનાર ઘટના સાથે જોડાયેલ છે. રૂખીએ કેટલીક વાર કહ્યું કે,- ‘‘જાગો ખેતર ચ્યારે જાશો?રોજ તો પાંચો રૂખીનો અવાજ સાંભળતા જ પથારીમાં બેઠો થઈ જાય. દાતણ-પાણી કરી દીશાએ જઈ આવીને ખંખોળીયું ખાય લે. કટકું- બટકું પેટમાં નાખીને ગાડું જોડીને ઉપડે કે વહેલા આવે ખેતર. પણ આજે તો હલતોય નથી.નાનજીનો ખોખારો સંભળાતો હતો.રૂખીને અકળામણ થતી હતી. થોડીક વાર આઘીપાછી થઈને વળી પાછી પાંચાને જગાડવા આવી.’’ આ વર્ણન પરથી ભાવક તરીકે આપણાં મનમાં એક પ્રશ્ન ઉદભવે જ કે કામગરા પાચાંને એવું તે શું થયું છે કે તે રૂખી દ્વારા ચાર-પાંચ વાર ઉઠાડવા છતાં ઉઠવાનું નામ લેતો નથી? ઈશારાને પણ પોતાની આગવી ભાષા હોય છે. આપણા ભારતીય સમાજમાં એક સમય એવો હતો કે વહુનાં ઝાંઝર અને સસરાનો ખોંખારો સુચક હતા? સસરા ખોખારો ખાતા ઘરમાં પ્રવેશે એટલે આડીઆવળી ફરતી પુત્રવધુઓ સાવધ થઈ જાય. શું આ વર્તામાં પણ નાનજીભાનો ખોંખારો આ વાતનો નિર્દેશ કરે છે.? નાનજીભાએ ખોંખારો ખાવો, રૂખીનુ અકળાવું, ફરીથી પાંચાને ઉઠાડવા જવું, પાંચાનું રૂખી પર અકળાવું, રૂખીનું બબડતા બબડતા ચાલ્યું જવું, આ નાની નાની ક્રિયાઓ વાર્તાનાં રહસ્યને ગુંથવામાં સહાભાગી બને છે.વાર્તાની શરૂઆતનું આ વર્ણન માત્ર અભિધાનાં સ્તરે નહી વ્યંજનાનાં સ્તરે તપાસતા ભાવકનાં મનને ઘણા પ્રશ્નો કરવા ઉત્સુક કરે! જેના જવાબો મેળવવા ભાવકે વાર્તામાં આગળ વધવું પડે.

આ પ્રથમ પરિચ્છેદનું રહસ્ય વાર્તાનાં અંતિમ પરિચ્છેદ સાથે જોડાયેલ છે અને આ બંનેની મધ્યમાં સમગ્ર ઘટનાની માંડણી થઈ છે. વાર્તાનાં વાક્યે વાક્યે ઘટનાનાં તાંતણા ઉકેલાતા જાય છે. સંદર્ભોની માવજતમાં પણ સર્જકે બરાબર ધ્યાન આપ્યું છે. પાંચાનાં આંતરિક મનોભાવનાં વર્ણનોમાંથી એ તો સ્પષ્ટ છે કે, ગઈ કાલે કઈક તો બન્યું જ છે, ”આજે તો ખેતર જવું જ નથી, જોઇએ શું થાય છે? હવે શું થાય ધુળ! ધોકો ભલભલાને સીધા કાઈ નાંખે છે... પાંચો મનોમન ઉદાસ થઈ જાય. આ તો હાથબાળીને તાપણું કર્યુ કે બિજું કંઈ? મનની દાઝ કાઢી... પાંચાને થયું માણસો કેવા આંધળા થાય છે! એમને સારાનર્સાનો વિવેક પણ રહેતો નથી. કોઇ પોતાના ઘરમાં છીંડું પાડે એ તો કેવું કહેવાય? લાજ પણ ન આવે. માણસમાં અને ઢોરમાં કંઈફેર જ નહી? ઘણાં ઘરમાં આવું બને છે એ સાંભળ્યું હતું ત્યારે મન ખાટું થઈ ગયેલું. આ તો નજરે ભાળ્યું એટલે જ હાથ ઉપડી ગયો,"ટુંકા ટુંકા વાક્યોમાં વેધકતા રહેલી છે. ‘‘આ તો હાથબાળીને તાપણું કર્યું કે બીજું કંઈ?’’ તેમજ ‘‘કોઈ પોતાનાં ઘરમાં છિડું પાડે એ તો કેવું કહેવાય?’’ આ બંને કહેવતો તેમજ ‘‘માણસમાં અને ઢોરમાં કંઈ ફેર જ નહી?’’ આ કથનમાં રહેલ પ્રશ્નો એ વાતનો નિર્દેશ કરે છે કે જે કંઈ પણ બન્યું છે તે પાંચાનાં ઘરના સભ્યો વચ્ચે જ બન્યું છે. ઉપરોક્ત તમામ સંદર્ભ તપાસતા સમગ્ર ઘટનાનો તાગ મળી જાય છે અને પરાક્રમીઓ કોણ એ પણ અંદાજ આવી જ જાય છે. ઉપરોકત તમામ સંદર્ભો તપાસતા આ કથનનાં અંતનું વાક્ય, ‘‘ઘણાં ઘરમાં આવું બને છે એ સાંભળ્યું હતું ત્યારે મન ખાટું થઈ ગયેલું. આ તો નજરે ભાળ્યું એટલે જ હાથ ઉપાડી ગયો’’ બોલકું લાગે છે!

ત્યાર બાદ વાર્તા વર્તમાનમાંથી ભૂતકાળમાં આગળ વધે છે. ગામનો પંચાતીયો ભિખલો(વાળંદ) પાંચાને પાણી ચાડાવે છે અને જે વાતથી પાંચો વિદિત નથો તે જણાવે છે. પાંચાની દાઢી કરતાં કરતાં ભીખો પાંચા આગળ તેના જ ઘરની વાત રજૂ કરવાની સરસ ભુમિક રચે છે. ભીખાનું પાત્ર આમ તો વાર્તામાં ગૌણ છે પરંતુ તે વાર્તાનાં મુખ્ય પાત્રોને ઉપસાવવામાં સહભાગી બને છે. ભીખાના કથનનાં કેન્દ્રમાં ચાર પાત્રો છે. મા (સાસુ- જમનાબા), દિકરો(પાંચો), વહુ(રૂખી) અને બાપ(સસરા-નાનજીભા). વાર્તામાં જે કોઈ પણ ઘટના બને છે તે કાર્યકારણના ભાવે જોડાયેલી હોવી જોઈએ. આ વાર્તામાં સસરા અને વહુ વચ્ચે બંધાય રહેલા જાતિયસંબંધ પાછળનાં કેટલાંક કારણો ભીખાનાં આ કથનમાં છૂપાયેલાં છે.

જેમકે- ‘‘જમનાબા વેલા ઉઠે તાણ થી ઠેઠ રાતે ઉંઘે ન્યા લગણ રામનું નામ બીજી વાત જ નઈ.’’ જેના જવાબમાં પાંચો પણ કહે છે,- ‘‘મારી બાએ તો હું સાજો નો થાઉં ન્યા લગણ અન્ન-જળની બાધા લીધી અને પણ લીધું કે જો મારો સોકરો ભગવાન સાજો-તાજો રાખે તો આખું આયખું ભગવાનની સેવા કરીશ. સંસારનાં સુખ મારે ગારમાટી બરાબર. અને હું સાજો થઈ ગયો. તે દિ ને આજ ની ઘડી. ઈ ભલા ને એમની પુજા ભલી’ આ સંદર્ભો તપાસતા ભરી જુવાનીમાં જમનાબાને સંસાર પ્રત્યે આવેલી નિરસતાનો અંદાજ આવી જાય છે. જ્યારે સામે છેડે નાનજીભા(જમનાબાના પતિ), ‘‘અને તમાર બાપા કેવા? ઈમના રૂઆબની તો વાત જ ના કરશો.ફળિયામાં ખાટલો ઢાળીને બેઠા હોય ને અકખે પડખે પાંચ-સાત જણા ભાળું સું. જરાય ઉંમર વરતાતી નથી. ને બળકા ચેવા સે! માર માર ઘોડો આવતો હોય તો ચોકડું પકડીને ઊભો રાખે. ખોટું કવ સું?’’

તેવી જ રીત્તે પાંચા વિશે ભીખો કહે છે, ‘‘તમારું ય એવું જ સે ને. આખો દિ તમે ભલા તમારું કામ ભલું. આ ખેતર ઈ જ તમારો ભગવાન.ખેતર મુકીને ચ્યાંય ઝ્યા સો કોઇ દિ? ખેતરના શેઢાની બાર્ય સું હાલે સે ઈની કોઈ દિ ખબર રાખી સે?’’ આ વાક્ય બોલતી વખતે ભીખાનાં વાંકા થતા અને રમતી આંખોવાલા મોંઢાની કલ્પના ભાવક તરીકે આપણને ચોક્કસ થાય. ભીખાનાં પ્રશ્નો પાછળ રહેલા હળવા કટાક્ષના ભાવને પાંચો ભલે પોતાના વખાણ સમજે પણ ભાવકે તેને વખાણ સમજવાની ભૂલ ન કરવી જોઈએ. તેમાંથી માતા અને પુત્રની સંસાર પ્રત્યેની નિરસતા નથી અનુભવાતી? આમ ખરેખર એક યુવનમાં જે ગુણ હોવો જોઇએ તે ગુણ પાંચામા નહી તેના બાપામાં છે. અને બીજી તરફ ભીખો પાંચાની પત્ની રૂખી વિશે કહે કે, - ‘‘પાંચાભઈ ખરું કવ? અપસરા ભૂલી પડી સે અપસરા. આપડાં પંથકમાં ઈમના જેવું રૂપાળું કોઈ નથ. ઓંસરીમાં ઊભા હોય તો ઘર આખું ઝળાંહળાં!’’ સમગ્ર વાર્તામાં આવતા ભીખાનાં આ કથનો ખુબ મહત્વનાં છે.પછી ધીરે ધીરે લાગ જોઈને ભીખો મૂળ વાત પર આવે છે.

સર્જકે ભીખાનાં કથનોમાં નાનજીભા અને રૂખીના બાહ્ય દેખાવનું વર્ણન કારાવ્યું છે તેવું અન્ય પાત્રોનું કરાવ્યું નથી. વાર્તાનાં અન્ય ગૌણ પાત્રો જમના બા અને તેમના દીકરા પાંચાના જ મુખે, એક જ કથનમાં કરાવ્યું છે. પાંચો પોતાની માતાના દેખાવ સાથે પોતાની રખામણી કરતા કહે છે, ‘‘જીણી આંખો, જરાક દબાયેલું નાક, થોડાક ઉપસેલા મોટા દાંત અને જાડા કાળા હોઠ,બરાબર જમનાબા જેવો ચહેરો.” આ વર્ણનોમાંથી પણ ભાવક તરીકે આપણને પ્રશ્ન થાય કે વાર્તાકારે રૂખીનાં અને પાંચાનાં નહી પરંતુ નાનજીભા તેમજ રૂખીનાં જ શા માટે આકર્ષક વર્ણનો આપ્યા હશે !

દાઢી પુરી થતા વાતનાં બીજ રોપાઈ ગયેલ જોઈ ભીખો પાંચાને કહે છે,- ‘‘ઈ તો ગામવાળા વાતું કરે સે કે તમારા બાપાને.’’ આમ અધ્યાહાર મૂકી વાર્તાકાર તેનો સંદર્ભ ઉકેલવાનું ભાવક પર છોડી દે છે. અધ્યાહારની ભાષાની આગવી લાક્ષણિકતા છે ન બોલ્યા વિના ઘણું બધું કહી દેવું. પન્નાલાલ પટેલની મોટાભાગની વાર્તાઓ અને નવલકથામાં આ લાક્ષણિક ભાષાના અનેક સફળ પ્રયોગો અનુભવી શકાય! પાંચો ભીખાની વાત પર વિશ્વાસ કરવો કે નહી તે વિચારે છે. અને અંતે સાચા ખોટાની ખાતરી કરવાની મનમાં ગાંઠ વાળી ઘરે જઈને સૂઈ જાય છે.

બીજા દિવસે નિત્યક્રમ મુજબ ખેતરે જવા નીકળી તો ગયો પરંતુ ગામનાં પાદરે જઈને ગાડામાંથી ઉતરી બળદોને ખેતરે ચાલતા કરી દીધા. પોતે ઘરે પાછો આવી છાનોમાનો ઘરમાં પેસી છુપાઈ જાય છે. અને તે જોવે છે કે,- ‘‘જમનામાં એમની ધુનમાં રામધુન ગાતાં હતા. થોડીવારે રૂખી દબાતે પગલે નાનજીભાના ઓરડામાં ગઈ અને બારણા બંધ કરી દીધાં.’’ જમનામાંનુ રામધુન માં જ વ્યસ્ત રહેવું અને પાંચાનું ખેતરે જ મન હોવું એ પણ આ સમગ્ર પરિસ્થિતિ પછળનું કારણ ગણાવી શકાય. પાંચો મનમાં મૂંઝાતો મૂંઝાતો ખેતરે પાછો જાય છે. કાંમમાં મન લગતુ નથી. મનમાં ને મનમાં કઈક ગોઠવે છે. અને અજાણ બનીને ઘરે જાય છે. બીજા દિવસે સવારે વહેલા ઉઠીને આગલા દિવસની યોજના અમલમાં મૂકે છે. પાદરે ગાડું છુટૂ મુકી, લાકડી લઈ; ગામનાં પાદરે રહેલા વડલા પર બેસી, મોંઢે ફાળિયું બાંધી નાનજીભાની રાહ જોવા લગ્યો. જેવા નાનજીભા હાથમાં ડબલું લઈ વડલા નીચે આવ્યા કે તરત પાંચાએ ઉપરથી છલાંગ મારી લાકડી વડે નાનજીભાને આડા આવળા સોરી નાખ્યા. નાનજીભા બુમો પાડતા રહ્યા અને પાંચો મારીને પલાયન થઈ ગયો. ખેતરે પાછો પહોંચ્યો ત્યારે તેના હૈયામાં ટાઢક વળી. ગામનો એક છોકરો તેને આવીને કોઈકે નાંનજીભાને માર માર્યા વિષે કહ્યું ત્યારે અજાણ બનતા આઘાત લાગ્યો હોય તેમ છોકરાને વિદાય કરી ધીમે ધીમે ઘરે પહોંચ્યોં. ત્યાં આખું આંગણ ગામલોકથી ભરેલ હતું અને મામા શકુની જેવો ભીખો નાનજીભાના શરીરે હળદર ચોપડતો હતો. ગામના ઘણા લોકો આવ્યા છે પરંતુ ભીખાનું હળદર લગાવવું આ આખી ઘટના સૂચક છે. પહેલા ઘા આપનારો ભીખો જ હળદર વડે ઘા રુઝવવાનું કામ કરે છે.

ગામના ઘણા લોકો નાનજીભાની આ દશા જોઈને તેમનાં આંગાણામાં આવ્યા હતા. પાંચા દ્વારા પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા નાનજીભા કહે છે, “ અંધારૂ હતું એટલે ભાળ્યો નઈ મોંઢે પાછું ફાળિયું બાંધ્યું હતું. તારા જેવડો જ લાગતો’તો. કાયરે વાંહેથી ઘા કર્યો. સામે મોઢે આયવો હોત તો જોઈ લેત. પણ વાંધો નઈ. ગોતી કાઢશું. જશે ક્યાં દીકરો મારો?...” નાંજીભાનો ધીમો પણ સ્પષ્ટ અવાજ એ વાતને પૂરવાર કરે છે કે હળદર લગાવનાર ભીખો જ આગ લગાવનાર પણ હતો અને આગને વધુ ભડકવનાર પણ હતો॰

એક બાજુ પાંચો બાપને મારનાર વિશે પૂછે છે અને બીજી બાજુ જમાનાબા માળા ફેરવતા હતા અને રૂખી રડતી રડતી સસરાંને મારનારને ગાળો ભાંડે છે, ‘‘જેણે મારા દેવ જેવા હાહારાને માર્યા હશે ઈના હાથમાં કાંટા. રોયાને કોગળિયું થાય. ઈનું નખ્ખોદ જાય.’’અને જમનાબા તેને શાંત પાડે છે. રડનાર એને શાંત પાડનાર પાત્રોની ફેરબદલીમાં પણ હળવા વ્યંગનો ભાવ રહેલો છે.

સમગ્ર ઘટનાનાં અંતે એ રાતે રૂખીનામાં થોડું પરિવર્તન જોઈ પાંચાંને તો એમ જ છે કે, મારના લીધે બાપા અને પત્ની રૂખીના મગજ ઠેકાણે આવી ગયા હશે.પરંતુ વાર્તાનો અંત ચોટાદાર છે. વહેલી સવારે ઉઠીને મનમાં ને મનમાં ખેતર ન જવાનો નિશ્વય કરીને બેઠેલા પાંચો મનમાં જ બની ગયેલી ઘટના વિશે વિચાર છે. જમનાબાની રામધુન હજીય ચાલુ જ છે. પાંચાનો કામગરો જીવ પણ કામ વગર માનતો નથી. તે મૂછોએ વળ દેતો દેતો ઓસરીમાં આવી નાનજીભાના ઓરડા તરફ જોવે છે ત્યાં તો, ‘‘ફટાક કરતું બારણું ખુલ્યું અને લુગડાં સરખાં કરતી કરતી રૂખી નીકળી અને સડસડાત રસોડામાં જતી રહી.’’ આ હતો વાર્તાનો અંત જે વાર્તાના શીર્ષકને યથાર્થ પૂરવાર કરે છે. વાર્તાની શરૂઆતમાં જેવા ચારેય પાત્રો હતા તેવા જ વાર્તાનાં અંતે પણ રહે છે, ચારેયમાં કોઈ ફરક પડતો નથી. આથી જ વાર્તાનું શીર્ષક ‘ઠેર ના ઠેર’ રાખવામા આવ્યું હશે. જે કોઈ એક પાત્રને નહીં તમામ પાત્રોને લાગુ પડે છે.

સમગ્ર વાર્તામાં સર્જકની કલા શબ્દપસંદગીમાં રહેલી છે. ના કોઈ ભાષાનો આડંબર કે પ્રતીકોનું ભારણ માત્ર અને માત્ર દ્વીસ્તરીય ભાષા. માત્ર અભિધાનાં સ્તરે વાર્તાને તપાસતા ભાવક રસાસ્વાદ વગર પાછો ફરે. અહી સર્જકની કળા સાદી, સરળ ભાષામાં અભિવ્યક્તિ થઈ છે. ટૂંકા અને સૂચક વર્ણનો તેમજ કથનો, ક્રિયાની કરામત જેમકે- જમાનબાનું રામધૂનમાં કે માળામાં વ્યસત રહેવું, નાંનજીભાનું ખોંખારો ખાવું, રૂખીનું સસરાને મારનારને ગાળો બોલવું, માલીશ કરતાં કરતાં ભીખાનું પાંચાને તેના જ ઘરની વાત જણાવાવવી વગેરે વાર્તાનાં જમા પાસા છે. ગામડાની બોલી વડે વાર્તામાં લિજ્જત આવે છે. જો આ વાર્તાને નીતિ, અનીતિ, પાપ,પુણ્ય જેવા સમાજિક સાંસ્કૃતિક સંદર્ભો વડે તપાસતા નિરાસા સાંપડે અને આમ કરતાં તેનું તટસ્થ અવલોકન પણ ન થઈ શકે.