Download this page in

ગુજરાતી બાળકાવ્યમાં નવોન્મેષ પ્રગટાવતો કીર્તિદા બ્રહ્મભટ્ટનો બાળકાવ્યસંગ્રહ : ‘અજવાળાં લ્યો’

શિક્ષિકા માતા જયભારતીબેન અને પ્રમાણિક સરકારી અધિકારી વ્રજલાલ બ્રહ્મભટ્ટની પુત્રી કીર્તિદા બ્રહ્મભટ્ટને સાહિત્ય, વાંચન, અને લેખનનો વારસો માતાપિતાપાસેથી મળ્યો છે. માતાનો ફાળો તેમને ઘડવામાં સવિશેષ રહ્યો છે અને કીર્તિદા બ્રહ્મભટ્ટે પણ પોતાની વિધવિધ કળાઓ અને શક્તિઓને ખીલવવામાં જેહમત લીધી છે. ‘ઝરણું ઝાંઝરિયું’ નામે તેમની પાસેથી કાવ્યસંગ્રહ મળે છે. ત્યારબાદ ‘ટમકે તારા’(૨૦૦૭-ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કૃત), 'પર્વતની ટોચે’(૨૦૦૯-ગુજરાતી સાહિત્ય પરિષદ પુરસ્કૃત), ‘તારલીયાની ટોળી’(૨૦૧૧-ગુજરાતી સાહિત્ય અકાદમી પુરસ્કૃત),‘અજવાળા લ્યો’(૨૦૧૭નો બાળકાવ્ય માટેનો બાળસાહિત્ય પુરસ્કાર)(૨૦૧૩), ‘પાંચીકડા’(૨૦૧૫) અને ‘રંગોની લા’ણી’(૨૦૧૭) એમ કુલ છ બાળકાવ્યસંગ્રહો તેમની પાસેથી મળે છે.એમના કાવ્યોમાં ગેય તત્વ, બાળકોના વિસ્મય-કૂતુહલને પોષતા વિષયો-પાત્રોની સાથે બાળપણની મધુર ચેષ્ટાઓ જોવા મળે છે. જેમાં ‘અજવાળાં લ્યો’ અનેક રીતે વિશિષ્ટ બનીને આવે છે.

‘અજવાળાં લ્યો’ (૨૦૧૩) બાળકાવ્યસંગ્રહમાં કુલ ૭૦ ગીતો છે. પ્રથમ રચના ‘હાલરડું’ ગેય અને કલ્પનાથી ભરપુર છે. તારલિયાંના તેજથી આંખ આંજી દેવાની અને ધરણી(ધરતી) જોઈ શકે તે માટે આકાશે અટારી મુકવવાની ઊંચેરી કલ્પના છે. ‘સૂરજને સંતાડી દેવો’ની કલ્પના અપૂર્વ બની છે:
‘સૂરજને સંતાડી દેવો કાળી ચાદર ઓથે’
દિવસ આખો પછી ખેલવું, છો ને મમ્મી ગોતે’(પૃ.૦૨)

સૂરજમુખી બેસી રેહશે,ડોક નીચી થશે,રાત લાંબી થશે વગેરે રોચક અને રમ્ય કલ્પનાઓ છે. ‘પંખી બનીને’, ‘પલપલિયાં’ અને ‘મારો ભાઈ’ કાવ્યોમાં ભાઈ-બેહનનાં ગીતો છે. તો ‘બેની,આપણ વડલે જાતાં’ માં ભાઈ-બહેનની પ્રીત જ છે પણ એ અતીત રૂપે આવે છે:
‘ઝરણાં જોડે ઝરણાં થઈને પહોંચી જાતાં,
રેતના ટીંબે ચડી ચડીને ગૂલાંટિયાં બહુ ખાતાં.’(પૃ.૬૫)

‘ચોકલેટનો પર્વત’ ની કલ્પના રમુજી છે. સાથે મોજ પણ કરાવે છે. ‘શીખવને’, ‘સુરજદાદા’ જેવા કાવ્યો આનંદ-મોજ સાથે જ્ઞાન પીરસનારાં ગીતો છે. જેમાં નવું-નવું શીખવાની કલા,મુસીબતમાં ટકી રેહવું , વૃક્ષોનું જતન વગેરે બોધ પણ અપ્રત્યક્ષ રીતે વણાયને આવે છે.

‘અજવાળાં લ્યો’, ‘સૂરજદાદા’, ‘સૂરજ’ કાવ્યોમાં પ્રકાશ-અજવાળાંની વાત છે. જેમાં ‘અજવાળાં લ્યો’ ની ભાષાની સરળતા બાળભોગ્ય બની છે. ‘ચાંદો સૂરજ’, ‘વર્ષારાણી’, ‘ફૂલપરી’, ‘મેઘસવારી આવે છે’, ‘રમત રમતમાં’, ‘દાદાજી મોટાભાગના કાવ્યો પ્રણાલીગત રીતે લખાયેલા છે. જેમાં કેટલીક કલ્પનાઓ નૂતન બની છે :
‘મેઘધનુષની કરી લપસણી લો લપસે છે પાણી,
વાદળની ભઈ, પોઠ ભરીને જો વરસે છે પાણી.’(પૃ.૨૦)

‘કીડીનો ઉદ્ધાર’ બાળગીત એક વાર્તાગીત છે. એની શરુઆત પણ વાર્તાની માફફ થાય છે:
‘એક હતી કીડી ને સપનામાં ભૈ આવ્યો મોટો હાથી,
સવારમાં ઊઠી વિચારે આંખમાં માયો ક્યાંથી.’(પૃ.૨૬)

તો ખાંડનો કોઠાર બતાવનાર પોપટ અને જ્યોતિષ રમઝું રીંછના પાત્રો બાળપ્રિય બન્યા છે. ‘પુસ્તકમેળો’, ‘ફરતું પુસ્તકાલય’ માં પુસ્તકનો સંગ બાળક માટે ઉપકારક અને મહત્વનો છે તે સ્પષ્ટ કરાયેલું છે. ‘ચાડીયા માથે’ કાવ્યમાં ચકલાઓ ચાડીયાના નિર્જિવપણાને ઓળખી દાણા ચૂગી જાય છે. પરંતુ, કાળિયો કૂતરો તેમને ભગાડે છે. ‘મોજાં’ કાવ્યમાં દરિયાના મોજાને આ લેખિકા થપ્પાની રમત રમતા બતાવે છે. ‘લવ યુ ઝીંદગી’ ફિલ્મમાં મોજા સાથે કબડ્ડી રમવાની વાતને કીર્તિદાબેન પ્રથમથી જ થપ્પાની રમત સાથે જોડી એક ડગલું સિનેમાંથી આગળ છે એમ ચોક્કસ કહી શકાય. મોજાની આ થ્પ્પાની રમત બાળકોને મોજ કરાવે છે:
‘થપ્પો રમતાં-રમતાં મોજાં
દરિયાને ઘમરોળે છે,
એકમેકની પાછળ દોડી,
એકમેકને ખોલે છે.’(પૃ.૪૦)

‘પંખીઓની નિશાળ’, ‘પતંગિયાંની નિશાળ’ અને ‘પોપટની નિશાળ’ કાવ્યોમાં પંખીઓને ભણતાં બતાવવાની જૂની પરંપરા છે. ‘વેકેશન’માં રજાની મજાની સાથે વપરાયેલા ક્રિયાપદ, ભાષાની સરળતા વગેરે બાળભોગ્ય બનીને આવે છે. ‘ક્રિકેટમેચ’ ની કલ્પના રમ્ય છે. ‘પરીક્ષાનો ભાર’ માં પરીક્ષા પહેલાનો બાળકો સાથેનાં વડીલો કે માતા-પિતાના કારણે બાળકોને અનુભવાતા ત્રાસનું વાસ્તવિક ચિત્ર છે :
‘વાતો નહિ,નાં કામ બીજું કંઈ, રમવાનું તો નહિ લગાર,
દાદાદાદી ચૂપચાપ ને ઘર આખા માંહે સૂનકાર.’

‘પરીક્ષાથી પણ અઘરું છે, એમાંથી થવું પસાર,
વીનવું રોજ પ્રભુજીને ઝટ લાવે પરીક્ષાનો પાર.’(પૃ.૪૯)

‘શેહર’ કાવ્યમાં શેહરી ભીડની સાથે આર્થિક-સામાજિક અસમાનતા પણ હળવેકથી કાવ્યામાં ઓતપ્રોત થઈને આવી છે :
‘મોટા જોયા બંગલા ને ઊંચી કૈક ઈમારત,
અને ઉંચેરા આભને આંબતા મજલા દીઠા શતશત
સૂટબૂટમાં લોક મહાલતાં હોટેલની જ્યાં હાર,
ખુલ્લાં તન ને થરથર ધ્રુજતા લોક ફરે ત્યાં બહાર.’
***********************
‘આ તે કેહવું શેહર છે પપ્પા કેવા અહીના લોકો,
કોઈ કોઈને નાં બોલાવે છો ને મળતા વારંવાર.’ (પૃ.૫૨)

સૂટબૂટમાં સજ્જ ધનવાનો હોટેલોમાં લાઈન લગાવે છે ત્યાં જ બીજી બાજુ ઉઘાડા શરીર વાળા લોકો ઠંડીથી ધ્રુજતા ફરે છે. એ જ રીતે શેહરોમાં થતાં વૃક્ષોનો વિનાશપંખીઓના ટહુકા,પાદર, ખુલ્લા બારણાનો અભાવ પણ સૂચક બને છે. સાથે સાથે હેલ્મેટ પેહરી નાગરિક ની ફરજ બજવવાની વાત પણ બાળક પામી શકે છે. ‘સહિયર ભણવા જાશું’ બાળકીને કેન્દ્રમાં રાખીને રચાયેલી એકમાત્ર કાવ્યરચના છે.‘દાદા મુજને જવાબ આપો’ અને ‘આમ કેમ થાય’ માં બાળકના કૂતુહલને સમૃધ્દ્ધ કરનારાં ગીતો છે. ‘વાનરનો ખેલ’ અંતિમ રચનામાં જીવદયાની વાત છે. જે વાનર પર મદારીનો જીવનનિર્વાહ ટકેલો છે તે જ મદારી વાનરને ભૂખ્યો રાખી ખેલ કરાવે છે. બાળકોથી આ અન્યાય સહન થતો નથી આથી તે મદારીને ઠપકો આપી તેની ભૂલ સમજાવ છે.

‘વાદળ’, ‘કાબરબહેનનો કકળાટ’, ‘તપેલીનું ઢોલ’ , ‘અપ્પુભાઈ’ વગેરે કાવ્યોમાં વિવધ બાળલીલાઓ નિરુપાયેલી છે.

કીર્તિદા બ્રહ્મભટ્ટનો આ બાળકાવ્યસંગ્રહ અનેક રીતે પરંપરાના ઢાંચામાંથી જુદો પડે છે. વિષયોમાં નાવીન્ય છે, એટલું જ નહિ બાળકોની આસપાસના જગતના જ વિષય અહી બાળકોને ગમે તે રીતે નિરૂપણ પામ્યા છે.ક્યાંક પરંપરાના વિષયો આવ્યા છે તો તેમાં નુતન કલ્પનાઓ- વિસ્મયને કારણે તે કૃતિઓ આગવી બનીને ઉપસી છે. ભાષાની વિવિધ પ્રવિધિઓ લયાત્મક્તા ,પ્રાસાનુપ્રાસ,દ્રશ્યાત્મકતા ,કલ્પનાઓના અવનવાં રમ્યરૂપો તેમજ ગડડડ ગડડડ ગડડડ,કડડડ જેવાં શબ્દપ્રયોગો રચનાને વધુ પ્રભાવશાળી બનાવે છે.કાવ્યાના ભાવને અનુરૂપ ચિત્રો પણ અહી છે.આમ, એક સાથે ૭૦ કાવ્યરચનાઓ ગુજરાતી બાળકાવ્યોમાં અજવાળાં પાડતી જોવા મળે છે.