Download this page in

‘વિદાય વેળાએ’ કૃતિ આસ્વાદ

સારાંશઃ પૂરો ઈતબાર છે. જીવનન જીવવાના સ્પર્શતા પરિબળો છે. ગુજરાતી સાહિત્યમાં પણ કેટલીક ગુજરાતી સાહિત્યમાં પશ્ચિમી સાહિત્યની કૃતિઓ અનુવાદિત થયેલ છે. એમાં શ્રેષ્ઠ કૃતિઓમાં ખલીલ જિબ્રાનની કૃતિ જેની વિશ્વસાહિત્યમાં ગણના થાય છે એવી કૃતિ ‘ધ પ્રોફેટ’ નો શ્રી કિશોરલાલ મશરૂવાળાએ ગુજરાતીમાં ‘વિદાય વેળાએ’ નામે અનુવાદ કર્યો છે. તત્વચિંતન છે. જીવન જીવવાની ફિલોસોફી રજૂ થઈ છે. જીવનમાં મહત્વના પાસા જેના સહારે માનવી એકબીજા સાથે સંબંધોના તાંતણે બંધાયેલો છે. પ્રેમ, હર્ષ, શોક, મૃત્યુ, મિત્રો, જીવન નથી તો જન્મથી શરૂ થતું કે નથી મૃત્યુથી પૂરું થતું. જન્મ પહેલાં પણ હતું અને મૃત્યુ પછી પણ એ છે. આવી જીવનની અખંડતામાં, સાતત્યમાં રહેલી છે.

વિશ્વસાહિત્યમાં જેની ગણના થાય છે. એવા ખલીલ જિબ્રાન સાહિત્યકાર, તત્વચિંતક, ચિત્રકાર, સિરિયામાં જન્મેલા, અમેરિકામાં ઉછરેલા, પહેલાં અરબી અને પછી અંગ્રેજીમાં સાહિત્યનું સર્જન કરનારા લેખક 48 વર્ષની વયે તો કુદરતના લાડકવાયા થયેલા ખલીલ જિબ્રાનને ગુજરાતીમાં લાવનાર કિશોરલાલ મશરૂવાળાએ ‘વિદાય વેળાએ’ નામથી અનુવાદ કરી એક અદ્દભૂત અનુભવ કરાવ્યો છે.

‘ધ પ્રોફેટ’ કૃતિનો આસ્વાદ કરીએ કે એક છે ઓલિયો. એનું નામ અલ-મુસ્તફા. જીવનના સંધ્યાકાળે એના વતનનું વહાણ એને લેવા આવે છે. બાર બાર વર્ષથી એ જ્યાં રહે છે. ત્યાંના લોકો આ ‘વિદાય વેળાએ’ એને મળવા આવે છે. અને વારાફરતી પૂછે છે.

મિત્રોએ કહ્યું અમને પ્રેમ વિશે કહો.

ઓલિયો કહે છેઃ જ્યારે પ્રેમ તમને ઈશારો કરે ત્યારે તેની પાછળ જજો. તેને વશ થજો. તેમાં શ્રદ્ધા મૂકજો. પ્રેમ પોતા સિવાય બીજું કશું આપતો નથી અને પોતા સિવાય બીજા કશામાંથી લેતોય નથી. પ્રેમ તાબેદાર કરતો નથી અને કોઈનો તાબેદાર બનતો નથી. કારણ પ્રેમ પ્રેમથી જ સંપૂર્ણ છે. માત્ર પોતે કૃતાર્થ થવુ તે સિવાય પ્રેમને કશી કામના હોતી નથી. માલિકીભાવ અને અનેક અનેક અપેક્ષાઓથી પીડાતા આપણે આ પ્રેમની ઊંચાઈને ભલા કેમ કરીને પામી શકીએ ?

મિત્રો ફરી પૂછે છે, લગ્ન વિશે કહોને ?

તમારા સહવાસમાં કાંઈક ગાળા પાડજો. સાથે ગાજો અને નાચજો તથા હર્ષથી ઊભરજો પણ બેય રહેજો તો એકાકી જ. જેવા વીણાના તાર. લગ્ન એટલે એકબીજામાં ઓગળી જવું એમ નહીં સ્વનું સ્વાતંત્ર્ય સાચવી, સાથીને સ્વાતંત્ર્ય આપી બંનેએ સહજીવન જીવવું.

બાળકને છાતીએ વળગાડી ઊભેલી એક મા બોલી, અમને બાળકો વિશે કહો.

બાળકો તમારી દ્વારા આવે છે પણ તેથી કાંઈ તે તમારાં બાળકો નથી. એમને કલ્પનાઓ છે. તમે તેમના જેવાં થવા ભલે પ્રયત્ન કરો પણ તેમને તમારા જેવાં કરવા ફાંફાં મારશો નહી. આપણી અધૂરી આકાંક્ષાઓ આપણાં બાળકો ઉપર આપણે ઘણી વાર થોપીએ છીએ ત્યારે જિબ્રાનની આ ચેતવણી આપણને આકરી લાગે તોય સ્વીકારવા જેવી નથી ? આપણી મમતા એની રીતે ઊગતા એ અંકુરને ચીમળાવી તો નથી દેતી ને ? એવો વિચાર આપણે મા-બાપ તરીકે કરીએ છીએ ખરા ?

પછી ધનવાન પૂછે છે દાનનો મર્મ સમજાવો.

કોઈક માગે ત્યારે આપવું એ સારું છે પણ વગર માગ્યે , મનથી જાણી લઈને આપવું એ વધારે સારું. જે ઉદાર છે તેને તો આપવા કરતાં લેનારો મળ્યો એનો જ એનો ખરો આનંદ હોય છે. પાત્ર જોયા વિના દાન કેમ અપાય એમ પૂછો છો ? અરે પ્રભુએ જેને જીવન આપ્યું એની પાત્રતા તોળનાર ભલા તમે કોણ ? સત્ય તો એ છે કે ચેતન-ચેતનને આપે છે, તમે તો કેવળ નિમિત્ત છો. દેતાં એમ થાય છે કે ખૂટી જશે તો ? અરે ભલા, ધરતી સમી મા અને ઈશ્વર સમો બાપ હોવા છતાં તમારી ઉદારતા કેમ ટૂંપાય છે ? આપવું એટલે અનેકગણું મેળવવું, એ રહસ્ય સમજાઈ જાય તો ભલા આપવામાં કોણ કંજૂસાઈ કરશે ? વસ્તુ કે ધનરૂપે મળે એ જ વળતર ? અંદર સભરતા અને આનંદ ઊભરાય તો એ મળતરનું મૂલ્ય ભલા શું આંકશો ?

પછી એક ખેડૂતે પૂછયું અમને શ્રમ વિશે સમજાવો.

જ્યારે તમે કામ કરો છો ત્યારે તમે બંસી બનો છો. કામને ગાન ગણીને ગાનારો આ કવિ આપણને શ્રમને સમજવાની એક નવી આંખ આપે છે. હિબ્રુ ભાષામાં શ્રમ અને પ્રાર્થના માટે એક જ શબ્દ છે. જીવનના ગૂઢતમ રહસ્યને આળખવાની ચાવી છે, શ્રમ દ્વારા જીવનને ચાહવું. ટૉલ્સટૉયે કહ્યું છે, ગામડામાં રહેવું, મજૂરી કરવી અને ગાઢ નિદ્રા આવવી એ ખરા સુખની ચાવી છે.

જિબ્રાન કહે છે, તમને સમજાવવામાં આવ્યું છે કે જીવન અંધકારમય છે અને હુંય કહું છું કે સાચે જ જીવન અંધકારમય છે, જો એ પ્રેરણારહિત હોય તો. અને પ્રેરણાયે આંધળી છે જો એ જ્ઞાનયુકત ન હોય તો. અને જ્ઞાન પણ મિથ્યા છે જો એની પાછળ મહેમત ન હોય તો અને એ મહેનત પણ નકામી જો એમાં પ્રેમ ન હોય તો.

આપણી મોટા ભાગની વસ્તી શ્રમજીવી છે અને છતાં દુઃખી છે કેમ ? એમનો શ્રમ નથી જ્ઞાનયુકત કે નથી પ્રેમયુકત. એ તો છે કેવળ પેટ ભરવા માટેનું વૈતરું.

જિબ્રાન કહે છે તમે જ્યારે પ્રેમથી મહેનત કરો છો ત્યારે ત્રિવિધ યોગ સધાય છે. તમારો પોતા સાથે, તમારો બીજા સાથે અને તમારો ઈશ્વર સાથે. અને પેમભરી મહેનત એટલે શું ? એટલે તમારા હૃદયમાંથી કાંતીને કાઢેલા સૂતરની જાતે વણેલી ખાદી-તમારા પ્રિયતમને પહેરાવવા માટે તમે બનાવેલ વસ્ત્ર.

છેલ્લે કહે છે પ્રેમનું સાકાર સ્વરુપ એટલે શ્રમ.

કોણ ચડે ? હર્ષ કે શોક ? કોઈ કહેશે શોક. ભલા, એ બેને એકબીજાથી જુદા કેમ પાડશો ? તમે હંમેશ હર્ષ અને શોકના ત્રાજવાં વચ્ચે લટકી રહ્યા નથી શું ? પણ યાદ રાખો તમે જ્યારે તદ્દન ખાલી હો છો ત્યારે જ તમે સ્થિર હો છો, સમ હો છો. કપડાં-લત્તાથી લદાયેલાઓને કવિ શું કહે છે ? યાદ રાખો કે ધરતીમાતાને તમારા ખુલ્લા તળિયાંનો સ્પર્શ ગમે છે અને વાયુને તમારા અંગ અને વાળ સાથે રમવાનું મન હોય છે. પૃથ્વી અન્નપૂર્ણા છે. પછી તંગી કેવી ? હા, તમને ખોબો ભરતાં આવડવું જોઈએ. આંતકવાદના આ યુગમાં સાંભળો આપણા આ કવિની વાણી.

મારાં વેણ તમને આકરાં લાગે તોય આજે સાંભળો. મરનાર પોતાના ખૂન માટે બેજવાબદાર નથી અને લૂંટનાર લૂંટાવા માટે નિર્દોષ નથી. સદ્દગુણી દુષ્ટોનાં દુષ્કૃત્યો માટે નિરપરાધી નથી, અને સાફ હાથવાળો પાપીનાં કર્મો માટે નિષ્કંલક નથી. ગુનેગાર તમારી ગુપ્ત સંમતિ વિના ગુનો કરી શકતો નથી. ઘણી વાર ગુનેગાર તો આપણી વ્યવસ્થાનો શિકાર થયેલો હોય છે. ભ્રષ્ટાચાર અને આંતકવાદના આ યુગમાં આપણાં વ્યકિતગત જીવન અને આર્થિક, સામાજિક તથા રાજકીય વ્યવસ્થા આ દૂષણો માટે કેટલાં જવાબદાર છે એનું ચિંતન-શોધન ન કરતાં કાયદાને વધુ કડક કરવાના અને ગુનેગારને સખત નિશ્ચિત કરવાના ઉપરછલ્લા ઉપાયો રોગને ઓર વકરાવી નથી મૂકતા ? કાયદા ઘડવામાં તમને મજા પડે છે ખરી તેથીયે વધારે મજા તમને કાયદા તોડવામાં નથી પડતી ? રેતીનાં ઘર કરી પછી તેને તોડી નાખતાં બાળકો જેવો જ આપણો આ ખેલ નથી શું ?

‘ધ પ્રોફેટ’માં જિબ્રાને વિદાયનું રૂપક લઈ મૃત્યુની વાત એવી સુંદર રીતે કરી છે કે એ આપણને જરાયે નથી લાગતું બલકે એના વડે જીવન નિત્યનૂતન તાજું અને જીવવા જેવું રમણીય લાગે છે.

વિદાયને નિમિત્તે જીવનભરની સાધનાના નિચોડરૂપે પ્રાપ્ત થયેલ ડહાપણ-વિઝડમ-પવનની લહેરખીમાં હળવે હળવે ઊડતી પુષ્પની પાંદડીઓની જેમ સૌંદર્યમઢયા, શબ્દોમાં ઉપદેશ ભાર વિના, ખળખળ વહેતા ઝરણાંના મધુર રવની જેમ જીવનને સ્પર્શતા આપણા ઘણા બધા પ્રશ્નો સાથે કેમ કરીને કામ લેવું એનું હૃદયંગમ કવિત્વભર્યુ આ બ્યાન છે, જેનું વિશ્વસાહિત્યમાં અમર એવું સ્થાન છે.

સંદર્ભ:

(1) ભાવોર્મિ સંપા. ગોવિંદ રાવળ, પ્રકાશન. રચના પ્રતિષ્ઠાન, વિશ્વનંગલમ્ અનેરા