Download this page in

‘મહાકવિ ભાસવિરચિત ‘મધ્યમવ્યાયોગ’ની શીર્ષકની દૃષ્ટિએ સમાલોચના’

સંસ્કૃત સાહિત્યમાં કૃતિઓનાં નામકરણમાં કેટલુંક વૈવિધ્ય જોવા મળે છે. નાયકના નામ ઉપરથી, નાયિકના નામ ઉપરથી, નાયક-નાયિકાના સંયુક્તનામ ઉપરથી અથવા તો કૃતિની કોઇ મહત્ત્વની ઘટના કે પ્રસંગને આધારે કવિઓ કે નાટ્યકારો પોતાની કૃતિનું શીર્ષક આપે છે. કોઇપણ કૃતિના શીર્ષકમાં કવિની ક્રાન્તદૃષ્ટિ અનિવાર્ય પણે રહેલી હોય છે. કાવ્ય કે મહાકવ્યમાં જો મુખ, પ્રતિમુખ, ગર્ભ, અવમર્શ અને નિર્વહણ એવી પાંચ નાટ્યસન્ધિઓ જળવાતી હોય તો; નાટક કે રૂપક જેવી સમયબદ્ધકળામાં તો કશું પણ બીન જરૂરી હોતું નથી, એમ કહેવું જરાપણ ખોટું નથી. વળી, નાટ્યકારનું અતિસૂક્ષ્મ સમાજદર્શન અને તત્કાલિક પ્રવાહપ્રાપ્ત રૂઢિઓ, રીવાજો, પરમ્પરાઓ અને સમાજિક સન્દર્ભોનું વિષયવસ્તુરૂપે પ્રવહણ તેની કૃતિમાં અનિવાર્ય પણે હોય જ છે. મહાકવિ ભાસ આવા જ સમાજદર્શી નાટ્યકાર છે. તેમણે પોતાની કૃતિઓનાં નામકરણ વખતે પારંપરિક પ્રણાલિ જાળવવા ઉપરાન્ત સામાજિક સન્દર્ભ અને માનવીય લાગણીઓને પણ વિશેષ ધ્યાનમાં રાખી છે. આવી જ કોઇક સામાજિક અને માનવીય સંવેદનાઓને સ્પર્શે એવી વાત તેમણે પોતાના ‘મધ્યમવ્યાયોગ’ નામના રૂપકમાં શીર્ષક દ્વારા કરી છે. પરંતુ વિદ્વદ્વર્યોએ તેમની આ ગૂઢ અને સંવેદનાપૂર્ણ શીર્ષકની આલોચનાને બદલે પારંપરિક અર્થો જ પ્રસ્તુત કરેલા જોવા મળે છે.

મધ્યમવ્યાયોગના શીર્ષકની સમાલોચના કરતા પહેલાં તેના કથાવસ્તુને જોઇ જવું જોઇએ. મહાભારતમાંથી ભીમ, હિડિમ્બા અને ઘટોત્કચની કથાનું ખ્યાતવૃત્ત તેમજ કેશવદાસ અને તેના પરિવારની મૌલિક કથા દ્વારા ભાસે પોતાનું ઉત્કૃષ્ટ કવિકર્મ પ્રસ્તુત કર્યું છે. વિષ્ણુના વામન અવતારની સ્તુતિ દ્વારા રૂપકનો પ્રારમ્ભ થાય છે. સૂત્રધાર ભીમ અને હિડિમ્બાથી જન્મેલો ઘટોત્કચ કોઇક બ્રાહ્મણ કુંટુંબને ત્રાસ આપી રહ્યો છે, એમ જણાવી કેશવદાસના પરિવાર અને ઘટોત્કચને પ્રવેશ કરાવે છે. માતાએ ઉપવાસના પારણાં કરવા કોઇક મનુષ્યને શોધી લાવવા ઘટોત્કચને કહ્યું છે. એ જ વખતે પરિવાર સાથે પોતાના મામાના ઘરે ઉપનયન સંસ્કારમાં જતા કેશવદાસ અને તેના પરિવારને ઘટોત્કચ પકડે છે. આ પાંચેયમાંથી કોઇ એકને પોતાની સાથે આવવા કહે છે. ત્યારે પરિવારમાં ક્રમશઃ સ્વાપર્ણની ભાવના પ્રગટે છે. પરંતુ બ્રાહ્મણ જરઠ હોવાથી અને બ્રાહ્મણી સ્ત્રી હોવાથી ઘટોત્કચ તમને પસંદ કરતો નથી. જ્યેષ્ઠપુત્રને પિતાએ વ્હાલો કર્યો, જ્યારે કનિષ્ઠને માતાએ લઇ લીધો. છેવટે મધ્યમપુત્ર ઘટોત્કચ સાથે જવા મજબૂર થયો. મૃત્યુમુખે રહેલો મધ્યમ તૃષાબાધિત થયો. નજીકના સરોવરે પાણી પીવા ગયેલા તેને આવતાં વાર લાગી. ઘટોત્કચે મધ્યમ... મધ્યમ... ની બૂમો પાડી. એટલામાં પાંડવ મધ્યમ ભીમ ત્યાં આવે ચડ્યો. ભીમે બ્રાહ્મણ પરિવારનો પક્ષ લઇને ઘટોત્કચની સાથે જવાની તૈયારી બતાવી. પણ એ પોતાનો જ પુત્ર છે એમ જાણી તેની પરીક્ષાર્થે ક્રમશઃ વાક્યુદ્ધ, પાષાણયુદ્ધ, દ્વન્દ્વયુદ્ધ અને માયાવી મંત્રપ્રયોગો કરી ઘટોત્કચને તપાસ્યો અને છેવટે પરાસ્ત પણ કરી દીધો. એ બધા છેવટે હિડિમ્બા પાસે જાય છે. ત્યાં બન્ને પરીવારોનું મિલન થાય છે અને રૂપકના શીર્ષકની વ્યાયોગ એટલે ‘છૂટા પડવું’ અને પુનઃ ‘ભેગા થવું’ એવી પારંપરિક યથાર્થતા પરિપૂર્ણ થાય છે. પરંતુ મહાકવિ ભાસને જોઇતા મનોવૈજ્ઞાનિક અને સંવેદનાસભર મિલનવાળા શીર્ષકને યથાર્થ થતું જોવાનો પ્રયત્ન કરીશું, તો જ એના શીર્ષકની સાચી યથાર્થતા અને આલોચના કરી કહેવાશે. વિદ્વદ્વર્યોનું એ તરફ બહું ઓછું ધ્યાન ગયું હોય એવું જણાય છે.

ભાસનાં રૂપકોના શોધક, સંશોધક અને પ્રકાશક એવા પંડિતવર્ય અને વિદ્વદ્વર્ય ટી.ગણપતિ શાસ્ત્રી સહિતના બધા જ વિદ્વાનો એમ માને છે કે આ રૂપકમાં બે મધ્યમ પાત્રો છે. (1) પાંડવ-મધ્યમ ભીમસેન અને (2) કેશવદાસના પુત્રોમાંથી મધ્યમપુત્ર. પરંતુ મહાકવિ ભાસના માનવીય મનમાં અહીં એક ત્રીજો મધ્યમ પણ છે. આ ત્રીજો મધ્યમ એટલે ‘ઘટોત્કચ’. આ વાત સિદ્ધ કરતાં પહેલાં પરંપરાગત ત્રણ રીતે યથાર્થ થતા શીર્ષકને જોઇ લેવું જોઇએ:
(1) मध्यमम् अधिकृत्य कृतः व्यायोगः इति मध्यमव्यायोगः ।
મધ્યમ પાત્રને અનુલક્ષીને રચવામાં આવેલા વ્યાયોગ પ્રકારના રૂપકને ‘મધ્યમ્વ્યાયોગ’ કહે છે. અહીં મધ્યમ એટલે પાંડવ-મધ્યમ ભીમસેન અને કેશવદાસના પુત્રોમં મધ્યમ પુત્ર એમ બન્ને મધ્યમને ધ્યાનમાં લેવાના છે.

(2) मध्यमस्य(भीमस्य) (पत्नीपुत्राभ्यां हिडिम्बाघटोत्कचाभ्यां सह)व्यायोगः इति मध्यमव्यायोगः ।
પાંડવોમાં મધ્યમ ભીમનો પત્ની હિડિમ્બા અને પુત્ર ઘટોત્કચ સાથેનો વિશિષ્ટ સંયોગ જેમાં રજૂ થયો છે તે એટલે ‘મધ્યમવ્યાયોગ.’

આવી જ રીતે,
मध्यमस्य मातृ-पितृभ्यां च सह व्यायोगः इति मध्यमव्यायोगः ।
મધ્યમ બ્રાહ્મણપુત્રનો માતા-પિતા અને ભાઇઓ સાથેનો પુનઃ સંયોગ જેમાં પ્રસ્તુત થયો છે તેવું રૂપક એટલે મધ્યમવ્યાયોગ. આમ, આ બે રીતે રૂપકનું શીર્ષક યથાર્થ ઠરે છે.

(3) मध्यमौ (भीमः ब्राह्मणकुमारः च ) व्यायुजेते इति मध्यमव्यायोगः ।
જેમાં બે મધ્યમો (1) પાંડવ-મધ્યમ ભીમ અને (2) કેશવદાસના પુત્રોમાં મધ્યમનો વિશેષ સંયોગ-મિલન જેમાં ગોઠવાયું છે તેવું રૂપક એટલે મધ્યમવ્યાયોગ.(આ ત્રીજી અર્થચ્છાયા શ્રી પુસાળકરે પોતાના ‘Bhasa a Study’ માં પૃષ્ઠ - 201 ઉપર આપી છે.)

આમ, ઉપર્યુક્ત ત્રણ રીતે મધ્યમવ્યાયોગ એવું શીર્ષક ચરિતાર્થ થાય છે. પરંતુ એક ચોથી રીતે પણ આ શીર્ષકને યથાર્થ ઠેરવવાનો માનવીય મનસૂબો મહાકવિ ભાસનો છે. અને તે છે,
(4) अवस्थानुसारं मध्यमम् अधिकृत्य कृतः व्यायोगः इति मध्यमव्यायोगः ।
જે અવસ્થા અનુસાર મધ્યમ છે તેવા પાત્ર(ઘટોત્કચ)ને અનુલક્ષીને રચવામાં આવેલા વ્યાયોગ પ્રકારના રૂપકને મધ્યમવ્યાયોગ કહે છે.

અહીં ઘટોત્કચ અવસ્થાને કારણે ‘મધ્યમ’ છે. પિતૃપક્ષે તે ક્ષત્રિય અને માનવીય(માનુષી)છે. જ્યારે માતાપક્ષે તે રાક્ષસ અને અતિમાનુષી છે. ભલે તેનો કોઇ અગ્રજ કે અનુજ ના હોય, પરંતુ આ ઉભય-અવસ્થાને લીધે તે ‘મધ્યમ’ છે. આવી ઉભય અવસ્થાએ ઉભેલો બાળક શું ? પોતાનાં માતા પિતાને મળવા ન ઇચ્છતો હોય ?! ઉત્તર છે અવશ્ય ઇચ્છતો હોય. જે પિતા જેવો દર્શનીય છે. ક્ષાત્રતેજ યુક્ત છે. શરીરે ખડતલ છે. ગો-બ્રાહ્મણ પ્રતિપાળ છે. સ્ત્રીઓ પ્રત્યે દયાળુ અને લાગણીશીલ છે. મનુષ્ય જેવો ઉમદા વિચારશીલ વ્યવહાર કરનારો છે. વડિલો પ્રત્યે સમ્માન કે આદર કરનારો છે. એટલે કે, બધી રીતે ઉમદા ગુણોથી સમ્પન્ન એવો આ અડધો-અડધ માનવીય છે.

તેવી જ રીતે, જે માતા જેવો બીહામણો છે. પીળચટ્ટી આંખોવાળો અને સોનેરી કેશવાળો છે. જે પરાક્રમી અને ખડતલ છે. તથા માયાવી વિદ્યાવાળો પણ છે. આવો વનવાસી બાળક શું પોતાના માતા-પિતાને મળવા ન માંગતો હોય?! પિતૃપક્ષે મનુષ્ય હોવા છતાં તે નથી ભીમ સાથે વસી શકતો અને માયાવી હોવા છતાં માતૃપક્ષે તેને સૌ માનવીય તરીકે જોયા કરતા હશે. આમ, તે નથી જંગલમાં જીવી શકતો કે નથી નગરમાં વસી શકતો. આ દ્વિવિધ અવસ્થાને પામેલા ઘટોત્કચને તેના પિતા ભીમ અને માતા હિડિમ્બા સાથે મળાવવાનું એક ત્રીજું અને અતિ અગત્યનું પ્રયોજન મહાકવિ ભાસે અહીં સિદ્ધ કર્યું છે. એક સાથે બે પરિવારોનું કેવળ સ્થૂળમિલન જ યોજાય એટલો જ આશય નાટક જેવી સમયબદ્ધકળામાં મહાકવિ ભાસનો કદાપિ હોઇ શકે નહીં. તે મિલનની પાછળ કોઇક ગૂઢ આશય અને સમાજલક્ષી ઇંગિત અવશ્ય હોય જ. આ આશય એટલે જ ઉભય અવસ્થાએ ઉભેલા એક બાળકનું તેના માતા-પિતા સાથે માનવીય મિલન કરવવાનું છે. ‘મધ્યમ’ એવું શીર્ષક ત્યારે જ સાર્થક કે ચરિતાર્થ થાય કે જ્યારે આવી સૂક્ષ્મભેદરેખાએ ઉભેલો કોઇક બાળક સાચા અર્થમાં તેના માતા-પિતાને મળે. વળી, નાટ્યકાર ભાસનો આવો માનવીય અભિગમ કેવળ, આ રૂપક પુરતો જ સિમિત નથી. કેમ કે, જે દુર્યોધનને સુયોધન બનાવે, જે કૈકેયીનું અપરમાતા તરીકેનું કલંક ધોઇને જનેતાનો જશ અપાવે, સીતાની સુવણમૃગ માગવાની ઘેલછા મીટાવે, જે લક્ષ્મણને લક્ષ્મણરેખા દોરવાથી મુક્ત કરે અને રાવણમાં પણ ક્ષાત્રતેજ ભરી શકે, તે મહાકવિ શું ઘટોત્કચને તેનાં માતા-પિતા સાથે ન મળાવી શકે?! ઉત્તર આપોઆપ મળી જાય છે.

આ બાબતને દૃઢ અને સિદ્ધ કરતું એક જ અંતરંગ પ્રમાણ આ ઉમદા કવિકર્મની સત્યતાસિદ્ધ કરે છે. જેમ કે, ઘટોત્કચની પાછળ ગયેલા ભીમ અને કેશવદાસનો પરિવાર જ્યારે હિડિમ્બાને મળે છે. ત્યારે ભીમ તેને કરુણાપૂર્ણ અને સંતાપ દૂર કરનારી કહે છે. પરંતુ તરત જ એક નાનકડો ઉદ્ગાર તેના મુખમાંથી નીકળી જાય છે. તે કહે છે, हिडिम्बे ! किमिदम् ?! અરે હિડિમ્બા! આ શું છે?! તેના જવાબમાં હિડિમ્બા પણ તેના કાનમાં એક નાનકડો ઉત્તર આપે છે. आर्यपुत्र ! ईदृशमिव । ‘આર્યપુત્ર ! (આ બધું) એવું જ છે.' હવે આ બે નાનકડા ઉદ્ગારોનો માર્મિક અને સંવેદનાપૂર્ણ અર્થ સમજીએ તો, હિડિમ્બા જવાબ આપતાં એમ કહે છે કે, મારા અને તમારા મિલનની સાથે ઉભય અવસ્થાએ ઉભેલા આપણા આ પુત્ર ઘટોત્કચનું પણ આપણી સાથે મિલન થાય અને તેને પુત્ર તરીકેનો સામાજિક દરજ્જો મળે એ આશય છે. વળી, આ વાત કાનમાં કહેવા પાછળનો આશય પણ આ જ છે કે, યુવાવસ્થાએ ઉભેલા અને ઉભયજાતિવાળા પુત્રને મોટેથી બોલીને સૌની હાજરીમાં લજ્જિત કરવો, એ તેના મનોજગતને હાનીકારક નીવડે. આમ, નાટ્યકાર ભાસે માતા-પિતા અને યુવા પુત્રના માનવીય સંવેદનાસભર મિલનને માત્ર બે જ ઉદ્ગારોથી પરિપૂર્ણ કરી દીધું છે. કેવળ આ બે જ સંવાદો સમજી લેવામાં આવે તો પણ આ રૂપકના શીર્ષકની સમાલોચના સર્વથા સિદ્ધ થઇ જાય છે. આ દૃષ્ટિએ મહાકવિ ભાસ નાટ્યકાર કરતાં મનોવૈજ્ઞાનિક વધારે લાગે છે.

આમ,ઘટોત્કચને ત્રીજા ‘મધ્યમ’ તરીકે જોવાનો અને આખીયે કૃતિને સામાજિક બનાવવાનો નાટ્યકારનો માનવીય અભિગમ તેમની આંતરચેતનાને સર્વથા સાકારિત કરે છે.

*****

।। परेतोડपि स्थितो भासःशरीरैरिव नाटकैः ।।