Download this page in

‘તત્વમસિ’ નવલકથાનો આસ્વાદ

‘નર્મદે હર !’
“મેં નમાજી બનું યા શરાબી બનું
બંદગી મેરે ઘર સે કહાં જાયેગી ?”
ધર્મમાં શ્રદ્ધા હોવી જરૂરી નથી પણ શ્રદ્ધા હોવી જરૂરી છે.

ઘણા દિવસોથી ‘રેવા’ ફિલ્મના જુદા જુદા રીવ્યુસ આવ્યા કરતા હતા. પણ વાંચ્યા નહિ કેમકે પછી એક સારી ફિલ્મ જોવાની મજા જતી રહે. વળી વર્ષો પહેલાં વાંચેલી મારા ગમતા લેખકની નવલકથા ‘તત્વમસિ’ પરથી બનેલી આ ફિલ્મ હતી એટલે ફિલ્મ જોતા પહેલાં પુન: નવલકથામાંથી પસાર થવું હતું. એટલે આજે સવારે જ નવલકથા પૂરી કરી, સંતોષનો, તૃપ્તિનો, અમૃતનો ઓડકાર લીધો અને સાંજે ફિલ્મ જોઇને વળી આ સંતોષત્વ પ્રાપ્ત કર્યું. સમગ્ર ફિલ્મ જોઇને થયું કે નવલકથાને પૂરતો ન્યાય મળ્યો છે.

एतदात्म्यमिद सर्वं तत्सत्य आत्मा तत्वमसि........... ‘છાન્દોગ્ય ઉપનિષદ’માંથી લેવાયેલ આ વાક્યનો સાર એટલે ધ્રુવ ભટ્ટની ‘તત્વમસિ’ નવલકથા. અહમ બ્રહ્માસ્મિ સમજવા સાથે જ સમજાય છે કે ખરેખર તો ‘અહં’ જેવું કાંઇ અસ્તિત્વમાં જ નથી. જે છે તે બધું જ ‘તત્વમસિ’ છે. કહેવાય છે કે સમય બળવાન છે. કથાનાયક જ્યારે નર્મદા તટે કાબાઓથી લુંટાય છે, સમગ્ર (વસ્ત્રો સહીત) તેમને હસ્તક કરી દે છે ત્યારે અર્જુન જયારે આ જ કાબાઓના વડવાઓથી કદાચ લુંટાયો હતો (કાબે અર્જુન લુંટીયો, વહી ધનુષ, વહી બાણ) હજારો વર્ષ પૂર્વે મહારથી અર્જુન નતમસ્તક ઉભો હશે. રથરહિત, ગાંડિવરહિત, વસ્ત્રોરહિત, મહાભારત વિજયના ગર્વરહિત – શ્રી કૃષ્ણનો પરમમિત્ર, મહાન વિજેતા જયારે અહીંથી આગળ ગયો હશે ત્યારે કુરુક્ષેત્ર પર મેળવવાનું બાકી રહી ગયેલું જ્ઞાન પ્રાપ્ત કરતો ગયો હશે. એમજ નર્મદાની પરિકમ્મા કરનાર જ્યારે નગરમાં પહોંચશે ત્યારે તેના અહંના ચૂરા કરવા, જીવન શું છે ? જ્ઞાન શું છે? સંન્યાસ શું છે ? આ બધા પ્રશ્નોના ઉત્તરોની પ્રાપ્તિ કરવા જ કદાચ નર્મદાના મહાજળપ્રવાહે આ કાબાઓને ‘હુકમ’ કર્યો હશે.

પુરિયાને ડાકણ ગણાવીને જીવતી સળગાવી દેનાર ગામલોકોથી બચાવીને સુપ્રિયા કેવી ચપળતાથી તેને કાલેવાલી મા સુધી પહોંચાડે છે અને એને નવું જીવન બક્ષે છે. કાલેવાલી મા જે સુપ્રિયાની જન્મદાત્રી છે એ તો અંત સુધી પહોંચતા જઈએ તેમ તેમ ખ્યાલ આવે છે !

બીત્તુબંગા નામ દેખાય એક છે પણ છે બે જુદી જુદી વ્યક્તિઓનાં. પણ બે શરીર અને એક જીવન જેવા. આ જ બિત્તુને નરભક્ષી વાઘ મૃત્યુને દ્વાર પહોંચાડે છે અને બંગા તેનો બદલો વાઘને મારીને લેવાનો હોય છે. ગલસંટા (તળાવનો દરવાજો)માં વાઘ ફસાઈ જાય છે ત્યારે વન્ય અધિકારી તેને સવારે પકડી લેવાનું કહે છે. પણ બદલો લેવા તત્પર બંગા તેને છોડી મૂકે છે કેમ ? કેમકે તે વાઘણ હોય છે ને એનાં પણ બચુળીયાં હોય ને !

વળી આ પણ એક પ્રસંગ ભરૂચ પાસે ટ્રેનમાં નર્મદા મૈયા ઉપરથી પસાર થતા નાયકની સામેની સીટ પર બેઠેલા માજી તેમાં સિક્કો નાખે છે અને આ જ નાયક જાણે આ પરંપરાની ઠેકડી ઉડાડતો બિસ્કિટના પેકેટનું કાગળિયું નદીમાં નાખે છે અને બોલે છે – ‘નર્મદે હર’. અને નર્મદાની પરકમ્માએ નીકળેલા નિર્ભેળ આદિવાસીઓની વચ્ચે મહિનાઓ સુધી રહીને ‘તત્વમસિ’ સુધી પહોંચેલા આ નાયકને જાણે અંતમાં પોતાની ખરી ઓળખાણ તરફ વધારે ને વધારે લઇ જતું હોય એમ નર્મદામાં જાણે પેલું પોતે ફેંકેલું કાગળિયું જ તરતું દેખાય છે અને નાયક તે લઇ લે છે.

અહીં આદિવાસીઓની શ્રદ્ધાના પ્રતીક, જિંદાસાગબાન, વૃક્ષાધિરાજ છે. જેનાં પાન ક્યારેય સુકાતાં નથી. જેના આશ્રયે જવાથી માનવી અને પશુપક્ષી નિર્ભય બને છે. જે સદાકાળ જીવંત છે. તો ‘ઇનરા’ નામની સ્વર્ગની સીડી પણ અહીં છે. તો દાવાનળ પોતાના ગામ સુધી તો નહિ જ પહોચે એવી શ્રદ્ધા ધરાવનારા ગામવાસીઓ છે. અને આ શ્રદ્ધા સાચી પણ પડે જ છે. એક સીધો નિયમ કદાચ લેખક આપણને બતાવવા માંગે છે કે જો આપણે કુદરતને કનડતા નથી, કુદરતનું સન્માન કરીએ છીએ તો કુદરત પણ આપણને કનડતા નથી.

લેખક અહીં માત્ર પરંપરા અને સંસ્કૃતિમાં શ્રદ્ધાની વાત સુધી સિમિત નથી રહેતા પણ મધમાખી ઉછેર કેન્દ્ર દ્વારા રોજગારીની તક ઊભી કરવાનો કે પછી નિશાળ ખોલીને સંસ્કૃતિ અને શિક્ષણનો સંગમ કરવાનો વિચાર પણ તરતો મૂકે છે.

‘શ્રદ્ધાનો હો વિષય ત્યાં પુરાવાની શી જરૂર?’ પણ આપણા નાયકને પુરાવો જોઈએ છે કે નર્મદાની પરકમ્મા કરનારને રેવા જીવનધારિણી બનીને કેવી રીતે મળે છે ? પેલો મહંત કહે છે ને કે ... કાબા લૂંટે તો લૂંટે. સંન્યાસીને બીક શાની ? હું તો એક વાત જાણું : અહીં જે લઇ જાય છે એ પોતે જ આગળ આવીને આપી જાય છે. માએ તમારું તમારા માટે રાખેલું જ છે. આપણને પરખ હોવી જોઈએ. કંઈ ન મળે તો પણ મારી માં તો સદાય સાથે જ છે. એ તો સદા જાગતી ને જાગતી જ છે.” અને પરચો મળે છે. કાબાઓથી લુંટાઈ ગયેલા, વસ્ત્રહીન, અહંહીન અને શક્તિહીન, સુષુપ્ત થઇ ગયેલા નાયકને સાદ સંભળાય છે, “લે, લે ખાઈ લે...’ તાજો મકાઈનો ડોડો એના હાથમાં અપાયો. ઝાંખા દ્રશ્યો વચ્ચે દેખાઈ ઘાઘરી-પોલકું પહેરેલી નાનકડી બાળા. ‘ તું કોણ છે મા ?’

પોતાના મનમાં ઊઠેલા કેટલાક પ્રશ્નોના ઉત્તર માનવીને શ્રદ્ધા કે પ્રજ્ઞા થકી જ શોધવાના હોય છે. બ્રહ્માંડને બીજે છેડેથી આવતા હોય તેવા ઝાંખા પણ દિશાઓને ભરી દેતા નાદ સમા શબ્દો સમગ્ર વાતાવરણમાં પડઘાયા : ‘રે....વા’.

પુસ્તક પૂર્ણ કરીએ ત્યાં સુધીમાં ‘રે..વા’ના અનંતનાદ જેવા પડઘા અને ‘નર્મદે હર’નો સાદ આપણા સમગ્ર વ્યક્તિત્વમાં વ્યાપી જાય છે. અહીં ચંદ્રકાંત બક્ષી જે કહે છે, ‘ગંગાને નદી કહીને તેનું અપમાન ના કરાય... ગંગા તો ગંગા જ છે’ કે પછી સુંદરમની ‘માને ખોળે’ વાર્તામાંની મહીસાગર યાદ આવ્યા વિના રહે ?

ફિલ્મમાં એક સંવાદ મૂકાયો છે કે આ નવલકથા ધીમે ધીમે વાંચવાની અને ધીમે ધીમે ગળે ઉતારવાની... આ હકીકત છે. ધ્રુવ ભટ્ટ કલ્પનાવેતાની સાથે સાથે અહીં દાર્શનિક પણ બન્યા છે. એમની નવલકથાઓની મને ગમતી ખાસિયત જે-તે પ્રદેશની એ વાત કરે છે ત્યાંની બોલીની મીઠાશ એ લઈને આવે છે. કથાવસ્તુ સરળ છતાં ગહન. સમજવા માટે અંતર અને આત્મા બંનેના દ્વાર ખોલીએ તો જ ‘અહં બ્રહ્માસ્મિ’ અને ‘તત્વમસિ’ વચ્ચેનો ભેદ પારખી શકીએ !
‘નર્મદે હર !’

તા.ક. : કેટલાક અનુભવો અનુભવીએ તો જ સમજાય એનું શબ્દમાં વર્ણન શક્ય નથી હોતું. – ધ્રુવ ભટ્ટ. (આ જ વિચાર હું આ નવલકથા અને ફિલ્મ બંને માટે પણ સ્વીકારીશ.)