Download this page in

હૃદયને પૂછવા જેવા પ્રશ્નોનું કાવ્ય -પ્રશ્નપત્ર

૧.હાથ પરોવો હાથોમાં ને આંગળીઓની વચ્ચે રહેલી ખાલી જગ્યા પૂરો.

૨.અને આમ, તો તમેય મારી વાટ જુઓ છો ,કેમ,ખરુંને...
‘હા’ કે ‘ના’માં જવાબ આપો.

૩.(આવ,હવે તો આષાઢી વરસાદ થઈને આવ,મને પલળાવ!)
કૌંસમાં લખ્યા પ્રમાણે કરો.

૪.નાની પ્યાલી ગટગટ પીને ટાઢા પેટે હાથ ફેરવી હું તો જાણે બેઠો’તો,
ત્યા તમને જોયાં.તમને જોઈ તરસ્યો તરસ્યો તરસ્યો થ્યો છું:
રસ આસ્વાદ કરાવો.

૫.શ્વાસોચ્છવાસ કોને માટે ?કારણ પૂરાં પાડો.

૬.છેકાછેકી બને તેટલી ઓછી કરવી.
(સાફસૂતરો કોરોકટ બસ તને મળ્યો છું.)

૭. ‘તમને હું ચાહું છું,ચાહીશ.’
કોણે,ક્યારે ,કોને ,આવી પંક્તિ (નથી) કહી?

૮.હવે ખુલાસો.આ લો મારું નામ લખ્યું કાગળ પર,તેને ચૂમો.નહિતર
કેન્સલ વ્હોટ ઈઝ નોટ ઍપ્લીકેબલ.

-ઉદયન ઠક્કર (ઉદયન ઠક્કરનાં ચૂંટેલાં કાવ્યો,પૃષ્ઠ.૩)

ગુજરાતી સાહિત્યના પ્રવાહમાં યુગે યુગે નાવિન્ય પ્રગટ્યું છે.દરેક યુગમાં અમુક ખાસ યુગપુરુષ દ્વારા સાહિત્યનુ વહેણ બદલાયું છે. મધ્યકાળ, સુધારકયુગ, પંડિતયુગ, ગાંધીયુગ, અનુગાંધીયુગ, આધુનિકયુગ દરેક તબક્કે સાહિત્યના બદલાતાં વહેણ સાથે નવાં સાહિત્ય સ્વરૂપો પણ અસ્તિત્વમાં આવ્યા.મધ્યકાળની ભક્તિભાવથી નીતરતી કૃતિઓ પછી સુધારકયુગમાં ચુસ્ત વ્રજભાષાની પરમ્પરામાં ઉછરેલા દલપતરામ સહેજ અમથી પ્રાસની કે અન્ય છૂટ પણ ન ચલાવી લેવાના આગ્રહી હતા. પંડિતયુગના ન્હાનાલાલને આ ખૂંચ્યું. એમને કાન્તની ચુસ્તબદ્ધ કવિતાનો આગ્રહ પણ ગળે ઉતરતો ન હતો.માટે જ આ બળવાખોર કવિ તેની આસપાસના આ વાતાવરણની અસરથી છંદમુક્તિ તરફ વળે છે.એમના ડોલનશૈલીના પ્રયોગથી પણ આપણે જ્ઞાત જ છીએ. પછી ધીરે ધીરે આપણે ત્યાં અછાંદસ,ગદ્યકાવ્ય,મુક્તદીર્ઘ કવિતા વગરે કાવ્યધારા અસ્તિત્વમાં આવી.આ દરેક સ્વરૂપ વચ્ચે પાતળી ભેદરેખા છે.આના મૂળ તો ફ્રેન્ચના પ્રતીક્વાદી સાહિત્યકારો પાસે પડેલા છે.રેમ્બો,બોદલેર,વગેરે પાસેથી આપણને ગદ્યકાવ્યના ઉત્તમ નમુના પ્રાપ્ત થાય છે. આધુનીકયુગમાં સુરેશ જોષી પછી આધુનિકતાવાદી કવિતાઓ લખાઈ એમાં આ ધારા ખુબ વિસ્તરી.આજ ધારાનું એક નામ એટલે ઉદયન ઠક્કર(૨૮/૧૦/૧૯૫૫).

મુબઈમાં વસવાટ કરતા કવિ, બાળસાહિત્યકાર,સંપાદક અને અનુવાદક એવા ઉદયન ઠક્કર સાહિત્યક્ષેત્રે ખૂબ જાણીતું નામ છે.આ સર્જકને જયંત પાઠક પારિતોષિક,ગુ.સા.અકાદમી એવોર્ડ,શ્રી ઉશનસ પારિતોષિક,હરીન્દ્ર દવે મેમોરીયલ એવોર્ડ,NCERTનો શ્રેષ્ઠ બાળસાહિત્યનો રાષ્ટ્રીય પુરસ્કાર અને રમેશ પારેખ સન્માન જેવા અનેક પારિતોષિક પ્રાપ્ત થયા છે. ‘એકાવન’(૧૯૮૭), ‘સેલ્લારા’(૨૦૦૩), ‘ઉદયન ઠક્કરનાં ચૂંટેલાં કાવ્યો’(૨૦૧૨)માં એમનો કવિ તરીકેનો આપણને પરિચય પ્રાપ્ત થાય છે.

અહીં આપણે ઉદયન ઠક્કરના ‘પ્રશ્નપત્ર’ કાવ્યનો આસ્વાદ કરીશું.આ કાવ્યને આપણે પ્રયોગશીલ અછાંદસ ગદ્યકાવ્ય કહીશું, કારણકે આ કાવ્યમાં પ્રયોગશીલતા પણ છે,અછાંદસનું લયમાધુર્ય પણ છે,અને સાથે ગદ્યકાવ્યની લાંબા ગદ્યખંડો સહિતની છટા પણ છે. ‘પ્રશ્નપત્ર’કાવ્યનું કલેવર શાળા,મહાશાળાઓમાં વિદ્યાર્થીઓને પરીક્ષા વખતે પૂછાતા પેપર જેવું છે.સાવ અલગ જ રીતે લખાયેલાં આ કાવ્યમાં ગાગરમાં સાગર સમાવાયો છે.એકચિત્તે આ કાવ્યનું ભાવન કરવામાં આવે તો આપણા હૃદયના તાર ઝણઝણી ઉઠશે.કાવ્યનો ઉઘાડ જ જુઓ કેવો અદભૂત છે. આજે આપણે એકબીજાથી નિકટ હોવા છતાં ખૂબ દૂર છીએ.સોશિયલ મીડિયાના સમયમાં દૂરના મિત્રોને પોતાના બનાવવામાં આપણે નજીકના સ્નેહી-મિત્રોને અન્યાય કરી બેસીએ છીએ કે ખોઈ બેસીએ છીએ .આપણી વચ્ચે ખૂબ ખાલી જગ્યા વધી ગઈ છે.આપણે આપણા મનની વાત ખુલીને કોઈને કહી પણ શકતા નથી.માટે જ આ ખાલી જગ્યાને પૂરવા સર્જક લયાત્મક રીતે કઇક આવું કહે છે:
‘૧. હાથ પરોવો હાથોમાં ને આંગળીઓની વચ્ચે રહેલી ખાલી જગ્યા પૂરો.’

પ્રિય પાત્રનું સ્મરણ તો કોને ન હોય ?દરેક વ્યક્તિ પોતાના પ્રિયજનની આતુરતાથી રાહ જોતી હોય છે.પરંતુ ક્યારેક એને વ્યક્ત કરવાના અવસર પ્રાપ્ત નથી થતા હોતા કે મળેલા અવસર આપણે ચુકી જતા હોઈએ છીએ.માટે જ તો સર્જક પોતાના પ્રિય પાત્રને પૂછી જ લે છે.અને સાથે ‘હા’ અને ‘ના’ એમ બન્ને વિકલ્પ પણ આપે છે, સર્જક ભલે વિકલ્પ આપે પરંતુ જવાબ ‘હા’ જ હશે એનો પૂરો વિશ્વાસ છે.માટે જ સવાલના અંતમાં ‘ખરું ને ...’ લખે છે,ક્યારેક સંબંધોમાં તાજગી લાવવા માટે આવા સવાલો પણ જરુરી છે.અહી ગીતના અંતરા જેવો લયાત્મકતા પણ ઊડીને આંખે વળગે છે ,જુઓ :
‘૨.અને આમ, તો તમેય મારી વાટ જુઓ છો ,કેમ,ખરુંને...
‘હા’ કે ‘ના’માં જવાબ આપો.’


પ્રિયપાત્રની યાદ સર્જકને ઘેરી વળે છે.કોઈ વ્યક્ત કરે છે તો કોઈ વ્યક્ત કરી નથી શકતું.સર્જક પ્રિયપાત્રને મળવા આતુર થઇ ગયા છે.જાણે સર્જક પોતાની જાતને જ પૂછી જાણી લે છે કે પોતાને પ્રિયપાત્રની કેવી તાલાવેલી લાગી છે? ભીતરથી જાણે કે જવાબ આવે છે કે અષાઢી વરસાદ બનીને પ્રિયપાત્ર આવે તો પલળવાની ખુબ મજા પડે.આ આખી વાત કૌસમાં મૂકીને કૌસમાં લખ્યા પ્રમાણે કરવાનું કહે છે.
‘૩.(આવ,હવે તો આષાઢી વરસાદ થઈને આવ,મને પલળાવ!)
કૌંસમાં લખ્યા પ્રમાણે કરો.’


જાણે સર્જક પોતાની જાત સાથે સંવાદ કરતા હોય એ રીતે પોતાના મનોભાવ પ્રિયપાત્રને વર્ણવે છે અને ખે છે કે હું નાની પ્યાલી પીને ટાઢા હાથ ફેરવી બેઠો તો અને તમને જોયા .અને વળી પાછો તરસ્યો તરસ્યો થયો છું.આ વાતનો આસ્વાદ કરવાનું સર્જક પ્રિયપાત્રને કહે છે.અહી બે વાર તરસ્યો તરસ્યો શબ્દ વાપરી સર્જક પોતાની નાયિકા પ્રત્યેની તલાપના દર્શન કરાવે છે.પોતે તો પોતાની જાત સાથે વાત કરી ખુદને સમજાવે છે કે નાયિકાની ખુબ જ તલપ છે,પણ આ જ સમ સંવેદના નાયિકા અનુભવે છે કે કેમ?એ જાણવા રસ આસ્વાદ કરાવાનું કહે છે,જુઓ:
‘૪.નાની પ્યાલી ગટગટ પીને ટાઢા પેટે હાથ ફેરવી હું તો જાણે બેઠો’તો,
ત્યા તમને જોયાં.તમને જોઈ તરસ્યો તરસ્યો તરસ્યો થ્યો છું:
રસ આસ્વાદ કરાવો.’


આપણે કોના માટે જીવીએ છીએ?આપણા શ્વાસોમાં કોણ વસે છે?આપણા હૈયાની ધડકન કોણ છે ?આ સવાલો આપણે આપણી જાતને પૂછવા જોઈએ.અને એના માટેના કારણ પણ પૂછવા જોઈએ.તો આપણને આપણા જીવનની સાર્થકતા જણાશે.માટે જ સર્જક લખે છે:
‘૫.શ્વાસોચ્છવાસ કોને માટે ?કારણ પૂરાં પાડો.’

ક્યારેક આપણને જે પ્રિયપાત્ર મળ્યું હોય છે એના પર જ વિશ્વાસ હોતો નથી.શંકાકુશંકા ક્યારેક જીવનને વિષમય બનાવી દે છે .મને મારો એક શેર આ સંદર્ભે યાદ આવે છે;
‘ખૂબ નાની છે છતાં –શંકા તણી દીવાસળી
એક પળમાં આગ થઇ આખુય ઘર સળગાવતી’


દરેકે પોતાની જાતને પૂછવું જોઈએ કે મને મારા પાત્ર પર કેટલો વિશ્વાસ છે?અહી સર્જક પ્રિયપાત્રને ખૂલસો આપતા કહે છે કે હું સાફસૂતરો તને મળ્યો છે.અહી આ આખી વાત કૌસમાં મુકીને મનની અંદર ચાલતી પીડાની દશાને અસરકારક રીતે વર્ણવી છે.અને છેકાછેકી બને એટલી ઓછી કરવાનું કહી આડકતરી રીતે પોતાના પર વિશ્વાસ રાખવાનું કહે છે જુઓ:
‘૬.છેકાછેકી બને તેટલી ઓછી કરવી.
(સાફસૂતરો કોરોકટ બસ તને મળ્યો છું.)’


આપણે કોઈને ચાહતા હોય તો એને જણાવવું જ જોઈએ એ પાત્ર કોઈ પણ હોઈ શકે છે.પરંતુ યોગ્ય સમયે આપણે કોઈને આપણો પ્રેમ વ્યક્ત કરી નથી કરતા માટે એનાથી ક્યારેક સંબંધોમાં ઘણા પ્રશ્નો ઉભા થતાં હોય છે.માટે સંબંધોમાં લીલપ રાખવા યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિ સામે ભીતરનો પ્રેમ વ્યક્ત કરવો જ રહ્યો.આ વાતને સર્જક સુદર રીતે અભિવ્યક્ત કરે છે:
‘૭. ‘તમને હું ચાહું છું,ચાહીશ.’
કોણે,ક્યારે ,કોને ,આવી પંક્તિ (નથી) કહી?’


ક્યારેક જીવનમાં ખુલાસા પણ જરૂરી છે,આખી જિંદગી ન ગમતા પાત્ર સાથે વિતાવવી એના કરતા યોગ્ય સમયે અલગ થઇ જવું વધુ સારું.સર્જક કાવ્યના અંતમાં સરેઆમ કહી દે છે કે મારુ નામ મે કાગળ પર લખ્યું છે એને ચૂમો અર્થાત મારી હયાતી ગમતી હોય તો એને આવકારો અન્યથા એને કેન્સલ કરો અર્થાત જણાવી દો.માણસને અનિશ્ચિતતા મારી નાખતી હોય છે, માટે ક્યારેક ભારે મને પણ યોગ્ય ખુલાસા કરી દેવા જોઈએ.એનાથી ઘણી જિંદગી તબાહ થતી બચી જતી હોય છે.આ વાત સર્જકે ખુબ અસરકારક રીતે કાવ્યના અંતમાં કાવ્યાત્મક રીતે આ રીતે દર્શાવી છે:
‘ ૮.હવે ખુલાસો.આ લો મારું નામ લખ્યું કાગળ પર,તેને ચૂમો.નહિતર
કેન્સલ વ્હોટ ઈઝ નોટ ઍપ્લીકેબલ.’


આમ, આ આખુ કાવ્ય ભાવસભર અને વ્યંજનાસભર છે.સમગ્ર કાવ્યના દરેક પ્રશ્ન આપને આપણી જાતને પૂછવા રહ્યા. આ કાવ્યનું પ્રશ્નપત્રનું કલેવર,લયાત્મ્કતા,ચોટ,ભાવવાહીતા એનું ગદ્ય વગેરે આપણા ચિત્ત પર કબજો જમાવી લે છે.ખરેખર આવા સુંદર કાવ્ય લખવા બદલ સર્જક અભિનંદનના અધિકારી છે.

(ઉદયન ઠક્કરનાં ચૂંટેલાં કાવ્યો,લે.ઉદયન ઠક્કર,નવભારત સાહિત્ય મંદિર,મુંબઈ,પ્ર.આ.૨૦૧૨,મૂલ્ય.૨૦૦)