Download this page in

ચિનુ મોદી કૃત 'બાહુક' ખંડકાવ્યનો આસ્વાદ

ગઝલકાર અને ગીતકાર તરીકે પ્રસિદ્ઘ થયેલા શ્રી ચિનુ મોદી આધુનિક ગુજરાતી કવિતાના એ સક્ષમ કવિ છે. એમણે સોનેટમાળા પણ લખી છે અને અન્ય ગદ્યકાવ્યો પણ લખ્યાં છે. એમના સોનેટ એક પ્રૌઢ કલમનો પરિચય આપે છે. આપણે ત્યાં અવારનવાર એવું બને છે કે ગઝલ માફક આવે છે એને બીજા સ્વરૂપોમાં મુશ્કેલી પડે. ચિનુની કલમ કાચીડા જેવી છે. ગઝલ, અછાંદસ, સોનેટ, ગીત, દીર્ઘકાવ્ય આ બધામાં આસાનીથી એ ધાર્યા પરિણામ લાવી શકે છે. અથવા આપણે એમ કહી શકીએ કે એમની કલમને રોલ ચેન્જ કરતાં મુશ્કેલી પડતી નથી. કવિ ચિનુ મોદીને અર્ધી સફળતા તો 'બાહુક' માં એમણે જે ક્ષણની પસંદગી કરી છે એને કારણે મળી જાય છે. 'બાહુક' કવિ ચીનુ મોદીનું એક આગવું નોંધપાત્ર સર્જન બને છે.

'બાહુક' એના વિલક્ષણ વૃત્તાંતને કારણે એની સંરચના અને વિલક્ષણ કાવ્યભાષાને કારણે ધ્યાનપાત્ર કૃતિ બની છે. ચિનુ મોદી પણ આ કાવ્યને એમનું મહત્વકાંક્ષી સર્જન ગણાવે છે. મહાભારતના પ્રસિદ્ઘ 'નલોપાખ્યાન' માંથી એક ક્ષમતાવાળો પ્રસંગ લઈ તેઓ આ રચના કરવા પ્રેરાયા છે. મૂળ કથાના વિકાસમાં કે વસ્તુવિધાનમાં તેમને એટલો રસ નથી. તેમનો મુખ્ય ઉદેશ વિષમ પરિસ્થિતિમાં મુકાયેલા નળની મનોદશા આલેખવાનો છે. દુર્ભાગ્યની ક્ષણોમાં નળ રાજા પુષ્કરના હાથે દ્યુતમાં પરાજિત થયા અને એકાએક રાજપાટ, સત્તા, વૈભવ સર્વ ખોઈ બેઠા. અરણ્ય પ્રદેશ પહેલા નળ-વૈદર્ભી નિષધ નગરની સરહદ પર એકલાં ત્રણ રાત્રિઓ ગાળે છે. બધું જ ખોઈ બેઠેલા નળની નિષધવાસીઓ દ્બારા ઘોર ઉપેક્ષા થતાં તેના અંતરમાં હતાશા, એકલતા અને જડતાની લાગણી જન્મી પડે છે. આ કાવ્યમાં ચિનુ મોદી નળની આ ભાવદશાને જ દ્રષ્ટિકેન્દ્રમાં રાખીને ચાલ્યા છે. મૂળ કૃતિ ત્રણ સર્ગમાં વહેંચાયેલી છે.

'બાહુક' કાવ્યનું વસ્તુ નાટયાત્મક અંશોથી યુકત છે. પુષ્કર સાથે દ્યુતમાં હાર્યા પછી નળ ત્રણ્ રાત્રિઓ નિષધનગરની બહાર પસાર કરે છે. એ આ કાવ્યની ભોંય છે. આ ત્રણ દિવસ-રાત્રિ દરમિયાન નળ માનસિક રીતે ખૂબ જ માઠા પરિણામ ભોગવે છે. બહારની ભીડથી વિમુખ એવો અંતરમાં તિવ્રપણે એકાંત ભીસનો અનુભવ કરે છે. આ ભેંકારતા એને ભીતરથી ભાંગી નાખે છે અને તે બહિરંતર-બાહુક-વિકૃત બને છે. આ બહિરંતર ભાંગી પડવાની પ્રક્રિયા પ્રસ્તુત કાવ્યમાં નિરૂપાઈ છે. નળ-બાહુકની અકોકિત રૂપે વસ્તુ અહીં અભિવ્યકત થાય છે. જેણે કયારેય ધરતી ઉપર પગ નથી મૂકયો નળ-દમયંતી નિષધનગરની બહાર એકલાં છે, પાસે કોઈ ખાવાનું નથી... ક્ષુધાએ પજવવાનું શરૂ કર્યુ છે ત્યારે જેણે કયારેય નિર્દોષ પક્ષીઓનો શિકાર નથી કર્યો એવા નળને ક્ષુધાતૃપ્તી માટે પક્ષીઓનો શિકાર કરવો પડશે એ નળની મનોવેદનાથી કાવ્ય આરંભાય છે. પોતાની ક્ષુધાને માટે નળ કહે છે -
ક્ષુધા આ
કોપાયમાન વરસે નહિ મેઘ
ત્યારે,
જેવી ધરા -
ઉતરતપ્ત
તણાય એવું......

અને એટલે જેને કયારેય હણવા ન ગમે એવા ચારૂ વર્ણ અને સુવર્ણ પાંખોથી યુકત વિહંગને હણવા પડશે એ વાતની વ્યથા એને આમ પજવી જાય છે કે -
મરૂત થાય સદેહ જેથી
એવા વિહંગ.....
એવાં વિહંગ હણવાં પડશે અમારે ?
એવા વિહંગ હણવાં પડશે અમારે.....

અને એટલે જ નળને થાય છે.
ધિક્, જીવવું આ
પણ વનમાં પ્રદીપ્ત એવા હરિત-શુષ્કના ભેદને ભૂંસીને ક્ષુધા જયારે નળની સ્વસ્થતા, તાટસ્થ્યને અને વિવેકને કરે છે ત્યારે નીચે ઊતરી આવેલા વિહંગને હણવા માટે પ્રેરાતા નળની સ્થિતિ વર્ણવે છે. કાવ્યનો બીજો ખંડ નળ બહાવરો બનીને પંખીને પકડવા દોડે છે પણ -
કિંતુ, પાંખાળાં તો પાંખ વીંઝતા
ઊડયાં...... ઊડયાં

અને એ ઊડતા પંખીને વસ્ત્રનો નાશ બનાવી પકડવા જતા નળને પક્ષી તો નથી મળતા પણ ગુમાવવું પડે છે ત્યારે તેને થતી મનોદશા -
એકમાત્ર જે વસ્ત્ર
વસ્ત્ર પણ
મને ત્યજી ગયું
ઓ ગયું

પંખી જયારે એક વસ્ત્ર પણ લઈ જાય છે ત્યારે પોતાની જીવન વ્યર્થતાથી હતાશ બનેલા નળની મનોવેદના તીવ્ર રૂપે, નિરૂપે છે કાવ્યનો ત્રીજો ખંડ,
જન્મક્ષણે હતો
એવો જ હું
વિવસ્ત્ર
થઈ ગયો છું
પાછો.
કયારે ય નહોતો
એવો અશસ્ત્ર
થઈ ગયો છું
કરૂણાદ્ર્રમાતનું
સઘસ્મરણ
મને કેમ થઈ આવે છે ?

નળને બીજી વેદના એ થાય છે કે જેનો કોઈ વાંક નથી એવી ભીમકતનયા દમયંતી જે પોતાનું 'હ્રદયદ્બીતમ' છે એને પણ પોતાની સાથે જ આવી વેદનાઓ સહન કરવી પડશે ? ભીમકતનયા દમયંતીનું ચિત્ર તેના હ્રદયમાં આવું કરૂણા પ્રેરક ઊપસે છે -
કુરરી પક્ષિાણી જેમ ચિત્કાર કરતી,
બાણથી વિંધાવાના ભયથી
વ્યાકુલ હરિણી જેમ દોડતી :
અશોક વૃક્ષ પાસે થોભતી :
આમ છતાં શોકરહિત અવસ્થા
ન પ્રાપ્ત થતાં, ખિન્ન બનતી :
અંગ પર અર્ધવસ્ત્ર હોવાથી
લજજા અનુભવતી
આ....
આ તો ભીમકતનયા
હ્રદયદ્બીતિ....
જોઈ શકાશે વિજનવન મધ્યે
ભિયવ્યાકુલને આમ તેમ અટવાતી ?

અને ત્યારે નળને થાય છે કે -
કયારેય નહોતો એવો
હું અશસ્ત્ર થઈ ગયો છું

જેના ખોળામાં શિશુવત્ ઉછેરીને મોટો થયો, યૌવનમાં જેનો સ્વામી થતો તે નિષધનગરી પણ રણભૂમિ ઉપર પતિ અને પુત્રના શબ જોઈને જડવત્ બનતી નારીની જેમ મૂઢ બની છે ત્યારે નળને થાય છે કે - દિશાનાં કાવ્યોમાં પરિચિત હતું એ ય ગૂઢ છે. એ ક્ષણે જેને અત્યાર સુધી જાણતો હતો, સમજતો હતો એ સબંધોની વ્યર્થતા નળને સમજાય છે. અરણ્યમાં સળગાવાયેલા એક વૃક્ષાની કેવળ નિકટતા જેમ અન્ય વૃક્ષાથી અકારણે સળગાવે એવા આ અલ્પશ્રદ્ઘાવાળા અને અંધ સબંધો પોતાને ભસ્મીભૂત કરે છે એ પહેલાં દાંત ભીડી, મૂઠી વાળી નાસી છૂટવા નળનું મન વ્યાકૂળ બને છે. તે નકકી કરે છે કે -
ત્યજું મ્હોરેલી આ નગરી, કમળી વેલ, બળતી
ત્વચાથી બાળું એ પ્રથમ, સઘળાંને ત્યજી દઉં
સ્વીકારું શાપેલું બૃહદ-ગુરૂ એકાંત અચલ,
ભલે એના ડંખે અનલવિષથી - ના રહું નલ

આમ આખુંય કાવ્ય એકાંત ભીસના અનુભવથી અંદર ભાંગી પડતા વિકૃત બનતા નળના બાહુક રૂપને વર્ણવે છે.

શ્રી મનસુખલાલ ઝવેરી કહે છે તેમ ' ખંડકાવ્યો'માં જીવનની નિર્ણાયક પળનું જ આલેખન હોય છે. પળની પસંદગીમાં જ કવિનું કૌશલ રહેલું હોય છે. શ્રી સુરેશ દલાલ કહે છે તેમ ચિનુ મોદીની અર્ધી સફળતા તો 'બાહુક' માં એમણે જ ક્ષણની પસંદગી કરી છે, એમાં છે. નળે નગર છોડયું નથી અને અરણ્યમાં હજી ગયો નથી. આમ નગર અને વનની વચ્ચે પરિચિત પ્રદેશની વચ્ચે એ રહયો છે. આ એની સંઘર્ષની, મથામણની અને કટોકટીની ક્ષણ છે અને આપણે ઉપર જોયું તેમ આ કટોકટીની ક્ષણની નળની મનોવ્યથા કવિએ હ્રદ્ય રીતે ઉપસાવી છે.

'બાહુક' કાવ્યમાં કવિએક પરંપરાથી નોખા પાડીને બાહુકની ગહન પીડાનું ભાવાત્મક નિરૂપણ કર્યુ છે. પુષ્કર સાથે દ્યુતમાં હાર્યા પછી નળ ત્રણ રાત્રિઓ નિષધ જગતની બહાર પસાર કરે છે. આ દરમ્યાન ભીડાભીત નળ ભીષણ એકાંત ભીંસનો અનુભવ કરે છે. ક્ષુધાની પીડાથી આર્ત બનીને જેનાથી મરૂત પણ સંદેહ થાય એવા વિહંગને હણવાની વેદના એને હચમચાવી મૂકે છે. એને આવું જીવવું 'ધિક્' લાગે છે. ક્ષુધાથી તત્પ બનીને ઊડતા પક્ષીને વસ્ત્ર જાળમાં ફસાવવાનાં લોભે જયારે પોતાનું એક માત્ર વસ્ત્ર પણ ગુમાવી જન્મ ક્ષણે હતો એવો જ નિવસ્ત્ર બને છે ત્યારે એને કરૂણાર્દ્ર માતાનું સ્મરણ થાય છે. અગ્નિ જેવા વિરહથી દગ્ધ એવી પોતાનું 'હ્રદય દ્બિતીય' એવી ભીમકતનયાને વિજનવન મધ્યે ભય વ્યાકુલ આમતેમ અટવાતા જોવાની મનોવેદના એને માનસિક રીતે પરેશાન કરી મૂકે છે અને એને થાય છે કે
કયારેય નહોતો એવો
હું અશસ્ત્ર થઈ ગયો છું.

જેના ખોળે શિશુવત રમીને પોતે ઉછર્યો.. 'યૌવન વિષ થયો સ્વામી' એવી આ નિષધનગરી અત્યારે યુદ્ઘમાં પુત્ર-પતિના શબોને પામીને જેવી જડવત્ બને એવી નારી જેવી બની છે ત્યારે એને નિરખીને હૈયુ પરિતત્પ બને છે. નળની આ વેદનાને એ વેદનાથી ભાંગી પડતા એના બહિરંતરને ચિનુ મોદી સરસ રીતે નિરૂપે છે.અરણ્યમાં પડનારા દુઃખની ભીતિથી દમયંતીને ત્યજીને એકલા ચાલી નીકળ્યા. અરણ્યમાં એક નાગને અગ્નિથી પિડાતો જોઇને બચાવવા અગ્નિ પ્રવેશ કર્યો જે નાગને બચાવ્યો એણે જ ડંખ દઇને નળના રુ૫ને વિરુપ બનાવ્યું. એનું બાહુક રુપ બાહ્ય નથી, આંતરિક છે. ચિનુમોદી નળની આ ભાવદશાને જ દ્રષ્ટિ સમક્ષ રાખીને ચાલ્યા છે.