Download this page in

જનપદ કાવ્યસંગ્રહમાં પ્રગટ થતી સામાજિક પ્રતિબદ્ધતા

કાનજી પટેલ સર્જકના નાતે ગદ્ય અને પદ્ય એમ બંનેમાં ઓછુ પણ માતબર પ્રદાન કરે છે. અનુઆધુનિક સમયના મહત્વના અને મોખરેના સર્જક તરીકે એમની લઘુનવલો અને કાવ્યસંગ્રહોને આધારે આગવી ભાત પાડે છે. મુખ્યત્વે એઓ સામાજિક કાર્યકર છે, કર્મશીલ છે. એમની વિવિધ સામાજિક પ્રવૃત્તિઓને કારણે એમના સર્જક તરીકે એમના શબ્દોમાં સામાજિક પ્રતિબદ્ધતા જોવા મળે છે. આપણો અનુઆધુનિક સમય કૃતિલક્ષી સીમાઓમાંથી બહાર આવી સમાજના દરેક પાસાઓને સ્પર્શે છે. સમાજના વિકાસ, વિનાશ અને એને લગતી તમામ સમસ્યાઓને અનુઆધુનિક સર્જકોએ પોતાના સર્જનના શબ્દમાં ઉતારી છે. આ યુગના મોખરેના સર્જક તરીકે કાનજી પટેલ સમાજના તળજીવનના અનુભવોને અને અનુભૂતિઓને પોતાની કૃતિઓમાં વ્યક્ત કરે છે. એમનો પ્રથમ કાવ્યસંગ્રહ 'જનપદ' મે, ૧૯૯૧માં પ્રગટ થયો. આ પૂર્વે એમની કવિતાઓ 'એતદ્', 'પરબ', 'વિ', 'ખેવના', 'કંકાવટી', 'વિશ્વમાનવ', 'દશમો દાયકો' વગેરે સામયિકોમાં પ્રગટ થઈ હતી. એમની પ્રગટ થયેલ કૃતિઓને એ સમયના વિવેચકો અને ભાવકોએ ઉમળકાભેર વધાવી હતી. અંતે એઓને આ કાવ્યસંગ્રહ પ્રગટ કરવાનું પ્રેરણબળ મળ્યું. આ કાવ્યસંગ્રહમાં કુલ એકાવન કાવ્યોનો સમાવેશ થયેલો છે. એક તરફ જોઈએ તો આ યુગ ગીત અને ગઝલનો યુગ હતો. ઢગલાબંધ ગીતો અને ગઝલો સામયિકોના પાને પાને ઠલવાઈ રહ્યાં હતા, ત્યારે આ સર્જક ગીત-ગઝલને બાજુ પર રાખી અછાંદસ કવિતાઓ તરફ વળ્યા. કોઈને એમ લાગશે કે આ કોઈ આધુનિકતાના પ્રવાહ હેઠળ લખી રહ્યા છે, પરંતુ એમની રચનાઓમાં પાને પાને પ્રગટ થતી લોકજીવનની, સામાજિક જીવનની શબ્દાવલી, તળપદા શબ્દો વગેરેને જોતા આ કવિ અનુઆધુનિક યુગના હોવાનું થાય છે.

કાનજી પટેલની સામાજિક પ્રતિબદ્ધતા એમની સામાજિક પ્રવૃત્તિઓ પર આધારિત છે. તેઓએ ૧૯૯૮ થી કલેશ્વરીની નાળમાં વિચરતી વિમુક્ત જનજાતિઓના પ્રશ્નોને વાચા આપતો, એમની કલા-સાહિત્ય અને સંસ્કૃતિને રજૂ કરવા 'કલેશ્વરીના મેળા'ની શરુઆત કરી. દેશ વિદેશના વિચરતી વિમુક્ત જાતિના કવિઓ-કલાકારો, લેખકો, ચિંતકો, સામાજિક કાર્યકરો, વાહકો, સંશોધકો, વિશ્લેષકો, ચિત્રકારો, આ ક્ષેત્રના અભ્યાસુઓ, પત્રકારો, તસવિરકારો સહિત અનેક લોકોને આવતા કર્યા. જ્યાં તેઓ પોતાની રજૂઆત કરી મહદંશે ન્યાય મેળવી શકે. જે મેળો આજે ય વરસો બાદ સ્વયંભૂ ચાલી રહ્યો છે. આ મેળો શરૂ કરવા પાછળ તેમની સામાજિક પ્રતિબદ્ધતા દેખાય આવે છે. તેઓ ગામેગામ ફરી ડુંગરે ડુંગરા ખેડ્યા - ખૂંદ્યા છે. સીધા લોક સંપર્કમાં રહી તેમની વેદનાને પોતાના સાહિત્યમાં વાચા આપી છે. લોકોના વાર-તહેવારમાં સહભાગી થયા છે. લોકોની અંધશ્રદ્ધાઓને વૈજ્ઞાનિક રીતે સમજ્યા છે, તેમાંથી આવતી કવિતાને કાગળ પર ઉતારી છે.

તેમના કાવ્યસંગ્રહોમાં પાનેપાને લોકોની શ્રદ્ધા-અંધશ્રદ્ધા, સમસ્યા, રીત-રિવાજો, મેળાઓ, તહેવારો, માન્યતાઓ, રૂઢિઓ, પરંપરાઓ, પહેરવેષ, બોલી, ભાષા-વ્યવહારો, લગ્ન અને છૂટાછેડાની પરંપરાઓ, બાળકોના ઉછેર, જન્મ-મરણના વિધિવિધાનો, એ સંબંધી પરંપરાઓ, ભૂત-પ્રેત, ડાકણો, વંતરી, સિકોતર, સ્મશાનની વિધિઓ, આ બધાની સાથે જોડાયેલા તથ્યો અને સત્યો - આ તમામ વસ્તુને સમજીને સર્જકે પોતાની કવિતામાં એને સ્થાન આપ્યું છે. લોકોના લયને, લોકમુખે બોલાતા શબ્દો, કહેવતો, ગીતો, રૂઢિપ્રયોગો, મરશિયા સુદ્ધાને તેમણે કવિતાના સ્વરૂપમાં મુકી આપ્યા છે. એ જ દર્શાવે છે કે તેમનૉ કવિતામાં સમાજ સાથેનો નાળબંધ છે. આ કવિતાઓ કોઈ કવિઓના પ્રભાવમાંથી નથી આવી કે સાહિત્યના વાચનમાંથી નથી આવી, પરંતુ લોકોના જીવાતા જીવનમાંથી આવી છે. એટલે આ કવિતાઓને આપણે સામાજિક પ્રતિબદ્ધતાની કવિતા કહી શકીએ.

કાનજી પટેલનો પ્રથમ કાવ્યસંગ્રહ 'જનપદ' મે, ૧૯૯૧માં આપણને મળે છે, જેમાં એકાવન જેટલી રચનાઓ સંગ્રહિત છે. મુખ્યત્વે 'મળસ્કુ', 'સંપુટ', 'એક ન ઓગળે', 'દવ', 'ઢાળમાં', 'સોપો', 'કોઈ કહેતા કોઈ નહિ', 'ઢંકાયો ડુંગર', 'અમર બની ગયા છીએ!', 'માછીમાર' વગેરે રચનાઓ સામાજિક પ્રતિબદ્ધતાને બળકટ રીતે રજૂ કરતી રચનાઓ છે.

જનપદ કાવ્યસંગ્રહના પ્રથમ કાવ્યનું શિર્ષક છે 'મળસ્કુ'.

કોઈ પણ શિષ્ટ સાહિત્યનો વાચક એના શિર્ષક આગળ જ અટકી જાય. આ સમજવા માટે લોકજીવનમાં જવું જ પડે. મળસ્કુ એટલે સવાર, ફક્ત સવાર નહિં પરંતુ સૂર્ય ઉગવાની લગભગ તૈયારી હોય એવો સમય. ગામડાગામમાં આ સમયે આખું જનપદ જાગી ઉઠે. એમની દૈનિક ક્રિયાઓની શરુઆત થાય. ઢોર-ઢાંખર રાડારાડ કરે, કૂકડાઓ બાંગ પોકારે, સ્ત્રીઓ બેડા લઈને કૂવે જતી જોવા મળે. ગોવાળ ઢોર છોડવાની શરુઆત કરે, બળદને નિરણ પૂરાય, ઘરઘંટીઓનો અવાજ ઘેરઘેર સંભળાય, દૂધ દોહવા માટે ઘરની સ્ત્રીઓ બોઘરણું લઈ કામે વળગે મા-ઘેલાં છોકરા રાડારાડ કરતાં હોય, મા કામમાં હોય, બાપ બળદની સેવા-ચાકરી કરતો હોય, નાના છોકરા ઉંઘતા હોય. આ સમયની વાત કરવા સર્જકે આ સમયમાં જીવન જીવેલું હોવું જોઈએ, આ સમયની દરેકે દરેક ક્ષણમાં જીવતા માણસ, પશુ, પંખી, બાળક, વૃદ્ધો બધાના સંવેદનને સમજતો હોવો જોઈએ. ત્યારે મળસ્કુ જેવી કવિતા સર્જકની કલમે ઉતરી શકે. સર્જક લખે છે કે:
“મળસ્કુ
માછલી પકડવા અત્પર સૂરજ
તળાવમાં ઝાંખાં પ્રતિબિંબ
ચન્દ્ર ખાબક્યો તળાવ-દર્પણમાં
માંકડા જેવું પાણી
પડદા પાછળ ઊડતી સંભળાય
કૂકડાના અવાજની સોનામહોરો.” (જનપદ, પૃ. ૧)

સંગ્રહની આરંભની પંક્તિમાં જ સર્જકે લોકજીવનમાં ધબકતી આ પળોને શબ્દસ્થ કરી દીધી છે. જેમાં પ્રતિબિંબિત થતા ઉગતો સૂરજ જાણે કે માછલીઓ પકડવા તત્પર હોય તેવું દર્શાવીને કાવ્યક્ષણ સિદ્ધ કરી છે. સવાર છે એટલે તળાવરૂપી દર્પણમાં ચન્દ્ર દેખાય છે. એ જાણે કે સવાર સવારમાં તળાવમાં નાહવા પડેલા કોઈ ગ્રામીણ જન હોય તેવું દ્રશ્ય ઉપજાવે છે. પાણીમાં માંકડા જેવી ચંચળતા દેખાય છે, ને તળાવની પાછળ એટલે કે પાળરૂપી પડદાની પાછળ ઉઠતી કૂકડાની બાંગ સર્જક માટે તો સોનામહોર બની જાય છે. કારણ કે જનપદના માણસને માટે આ સવાર સોના જેવી છે. આપણા મૂર્ધન્ય સર્જક પ્રિયકાંત મણિયારે પણ સવારને સોના જેવી કીધી છે એ વાતનું અહિં અનુસંધાન જોડાય છે. એ જ સમયે દૂધ દોહવાનું હોય, એ જ સમયે ખેતીની તૈયારી કરવાની હોય, એ જ સમયે દૈનિક જીવનનો ઉમંગ ભર્યો આરંભ કરવાનો હોય, એટલે સર્જક એને 'કૂકડાના અવાજની સોનામહોરો' કહે છે. આ જ કવિતામાં સર્જક આગળ લખે છે કે:
"ગુલાબગોટા જેવા બેડાની પાંખડી
પતંગિયા થઈ ચાલી.
ઓગળી આછપની પનિહારી
કૂવો ભોંયથી બહાર આવી
વહેંચાઈ ગયો." (જનપદ, પૃ. ૨)

પાળ પરથી ઉતરતી પનિહારીઓનું દ્રશ્ય સર્જકને ગુલાબની પાંદડીઓ જેવું લાગે છે. પાળના વર્તુળ આકરની સાથે સર્જકે ગુલાબના ગોટાની ઉપમા આપીને કવિતા સિદ્ધ કરી છે. સાથે સાથે એ સ્ત્રીઓમાં રહેલી ચંચળતાને પતંગિયા સાથે મૂકી આપીને નારીહ્રદયના ભાવોને સુપેરે કવિતામાં વ્યક્ત કર્યા છે. તળાવમાં પણ કૂવા ખોદાય છે, એ વાત ન જાણનાર આગળની પંક્તિને સમજી નહિ શકે. તળાવમાંથી શુદ્ધ પાણી લેવા માટે અલગથી કૂવો ખોદવામાં આવે છે અને તે કૂવામાંથી પાણી ખેંચતી પનિહારી પોતાના મુખનું પ્રતિબિંબ કૂવામાં જોઈને એકદમ શરમાઈ જાય છે. કદાચ પનિહારીને રાત્રીની સ્મૃતિઓ તાજી થાય છે, એટલે આજુબાજુનું દ્રશ્ય બધું જ સમેટાઈ જાય છે. માત્ર પનિહારીના ચહેરાનું કૂવામાં પડતું પ્રતિબિંબ પનિહારી જોઈ રહી છે, એટલે સર્જક એમ કહે છે કે,
"કૂવો ભોંયથી બહાર આવી
વહેંચાઈ ગયો."

કાવ્યના અંતે કવિ કહે છે કે,
"સૂરજ દરિયામાં રોપાઈ ઊતર્યો
જઈ મળ્યો માછલીઓને." (જનપદ, પૃ. ૨)

કાવ્યના અંતે સર્જકે મનોમન પેલા પિયુમિલનને પનિહારીના મનમાં પાછુ અનુભવાતું દર્શાવ્યું છે.

આ સંગ્રહની બીજી રચના 'સંપૂટમાં' છે. આખી કવિતા વતનવિરહ કે ગામઝૂરાપાની છે. એનો આરંભ જુઓ, જેમાં સર્જક કેવી રિતે મનોમન ગામ તરફ વળી જાય છે.
"મેઘ અને અંધારાની ગારથી
દિશાની ભીંતો લીંપાઈ ગઈ
ખેંચાઈ મેઘધારાઓની રાશ
ગામમાં મન પાછુ વળ્યું
હું ઘરના સંપૂટમાં." (જનપદ, પૃ. ૩)

આ કવિતાની ક્ષણે સર્જક નગરમાં છે. દૂરથી એને ક્ષિતિજમાં વરસાદ ઘેરાયો હોય એવું લાગે છે. આ વાતને સર્જક ગામડાગામમાં માનવસમાજમાં કેવી રીતે લીંપણ કરે છે તે સાથે જોડી આપે છે. લીંપણ કરતી વખતે છાણ માટીનું મિશ્રણ કરી દિવાલો, આંગણુ, ઓસરી, ગમાણ વગેરેનું લીંપણ કરવામાં આવે છે, તેમ મેઘ અને અંધારાની ગારથી દિશાઓ ને ક્ષિતિજોને લીંપી દિશી હોય તેવું લાગે છે. એક તરફ વરસતી વરસાદની ધાર સર્જકને રાસ જેવી લાગે છે. અને તેથી આ દ્રશ્ય જોઈને સર્જકનું મન પોતાના ગામમાં પહોંચી જાય છે. સર્જક આગળ લખે છે કે, 'હું ઘરના સંપૂટમાં' એટલે કે પોતાના ઘરમાં પહોંચી ગયો છે.

ત્યારવાદ કવિ વતનના ઘરમાં રહેલા મનથી અંધારામાં વરસાદને માને છે. વતનનું ઘર નળિયા વાળુ છે. નળિયામાંથી નેવા નીતરે છે. નેવા જાણે કે તોરણ બની ગયા છે. નેવા નીતરીને નીચે જે પાણી વહે છે એને સર્જક તોરણ પડીને ઢગલો થાય એવુ રૂપક આપે છે. વરસાદ છે અને અંધારુ છે, એટલે સર્જક કહે છે કે અંધારુ રેલાઈ રહ્યું છે. અંધારુ રેડાવા જેવું એક અદભૂત રૂપક પ્રયોજીને સર્જકે અહિં કવિકર્મ કર્યુ છે. પરંતુ 'પલળે પોત' શબ્દમાં માનવમનના ભાવને વરસાદ સાથે વણી લે છે. જીવાતા જીવનની સચોટ અનુભૂતિ અહીં વ્યકત થાય છે, જે ગ્રામચેતનાને ઉજાગર કરે છે. 'અડધા છોડ હળક ડળક પાણીમાં' સીધુસાદું લાગતું પ્રક્ર્તિનું વર્ણન અહિં માનવમનની ભિનાશને વ્યક્ત કરે છે. તેઓ પોતે શરિરથી શહેરમાં રહે છે, પણ મનથી ગામ-વતનના ઘેર પહોંચી ગયા છે, તેથી આ પ્રકારના કલ્પનો કવિએ પ્રયોજ્યા છે કે, 'ગોકળગાયનું શિંગડું પાછું માથામાં પેસે' અને કાવ્યના અંતે દાબડીના પ્રતિક દ્વારા વ્યક્ત કરે છે. હ્રદયના ફાટી જતા ભાવોને વ્યક્ત કરે છે. આમ, આ કવિતા માનવમન દ્વારા સમાજના તંતુઓને જોડે છે.

'એક ન ઓગળે' કવિતામાં મહુડા નીચે બેઠેલો ખેડૂત દૂર દૂરની પેલી ટેકરીઓ ઉપર પોતાના પુર્વજને જોઈ રહ્યો છે. પૂર્વજ જાણે કે તેને હાક મારી હોકારો કરી બોલાવે છે. મહુડો, ટેકરી, પૂર્વજ વગેરે ગ્રામ્યજીવનની ધબકતિ વાસ્તવિકતાઓ છે. વાત સાંજની છે. સૂર્ય આથમી રહ્યો છે. ચિતા બળી રહી છે. અંગેઅંગ ઓગળી રહ્યા છે. ઉપર સૂડા આભભરીને ઊડી રહ્યાં છે. એ સૂડા નથી પણ મનોવ્યાપાર છે. મન જાણે હજુયે ચગડોળે ચઢી રહ્યું છે. 'અંગોનાં રોડાં ઢોળાય' એવા કલ્પન દ્વારા કવિ ઓગળતા માટીના ઢેફાની જેમ ઓગળતા શરિરની વાત કરે છે. પણ કાવ્યના અંતે આંખની કિકિ ઓગળતી નથી એમ કહી કશાકની પ્રતિક્ષા, મૃત્યુ પછીની પણ પ્રતિક્ષા વ્યક્ત કરે છે. કવિની આસપાસનો સમાજ પિડીત-શોષિત છે. જીવનભર એ આશાઓ, અરમાનો, પ્રતિક્ષાઓ, એષણાઓ કર્યા કરે છે. જીવનના અંતે સંતોષ નથી હોતો. કોઈને કોઈ ઈચ્છા અધૂરી રહી જાય છે. એ સર્જકે આ કવિતામાં વ્યક્ત કર્યુ છે.

'દવ' કવિતા એ પ્રકૃતિના નિકંદનનુ આબેહૂબ વર્ણન કરતી કવિતા છે. આ પ્રકૃતિ આપણી અંદરની પ્રકૃતિની વાત પણ હોઈ શકે. કવિતાનો આરંભ કવિ આ રીતે કરે છે:
"પહેલાં હથેળી જેટલી ભોંયમાં
ભૂકો સળગે
પછી તંગલા ઊંઘતા મજ્જામાં દીવો ચાંપે
ફૂંક અગ્નિ અને ભડભડ
ભેગા વહે ઘાસ પર
ટીમરું થડમાં તતડાટ
ખાખરાનો રસ છાલ પર આવે
ચરુંણ ચરુંણ
રસ બળ્યાં કાળાં ટપકાં" (જનપદ, પૃ. ૫)

આ કવિતામાં આદિવાસોમાં પરાપૂર્વથી ચાલી આવતી પરંપરાનો નિર્દેશ જોવા મળે છે. ડુંગરા પર આગ લગાડી દવ સળગાવવાની વિધિનો નિર્દેશ કરેલ છે. આદિવાસિ પ્રજા પ્રકૃતિ પ્રેમી હોય છે. પ્રકૃતિ તેમનુ અભિન્ન અંગ હોય છે. સહેજ પણ પ્રકૃતિથી દૂર થવું એમના માટે અસહ્ય હિય છે. આદિવાસી ઘનઘોર જંગલો અને ઘટાદાર જંગલોમાં જીવતા હોય છે. આ જંગલોમાં ક્યારેક્ દવ લાગે છે. દવ અનેક પ્રકારે લાગતા હોય છે. સૂકા વૃક્ષોની ડાળીઓન ઘર્સણથી લાગતો દવ, વ્યક્તિ દ્વારા પીધેલી બીડીનું ઠુંઠુ નાખી દેવાથી લાગતો દવ, સૂરજની પ્રખર ગરમીથી ઉત્પન્ન થતો દવ. કેટલીક વાર સ્થાનિક આદિવાસી પ્રજાએ રાખેલી બાધા-આખડી વગેરે પૂરી કરવા પણ દવ લગાડવામાં આવે છે, જેને 'ડુંગર નવરાવ્યો' કહેવાય છે. વ્યક્તિની માનતા પૂરી થાય એટલે તે આખા ડુંગરને આગ લગાડી નવરાવી દે છે. જોકે આ પ્રથા ધીરે ધીરે લુપ્ત થતી જાય છે, જેથી આદિવાસીમાં જંગલોનું મહત્વ વધી રહેલું જણાય છે. જંગલમાં દાવનળનો આરંભ થાય છે જેમાં સર્જક લખે છે કે હથેળી કેટલી નાની અમથી જગ્યામાં આ આગ શરુ થાય છે. હથેળી જેટલી જગ્યા એટલે માનવનું મન, કે શરિરનું કોઈ અંગ પણ હોઇ શકે. જંગલ ઊંઘી રહ્યું છે, એટલે સૂચવાય છે કે રાત છે. એક ફુંકથી આગ ફેલાય છે, જે જંગલને ભડભડ બાળે છે. ઘાસ પર અગ્નિ જાણે કે વહી રહ્યા છે. ટીમરુના ઝાડ પર આગ લાગવાથી તડતડાટી બોલી રહી છે. ખાખરાના લીલા ઝાડના બળવાથી એમાંથી રસ બહાર આવે છે. આ વાત તળપ્રદેશની પ્રકૃતિને જે ઓળખી શકે, એ જ બરાબર કવિતામાં લાવી શકે. વેલાઓ બળી રહ્યા છે, કેટલાક પાંદડાઓ, જંગલી ફળો બળવાના કારણે ફાટી રહ્યાં છે. ગરમ થયેલા પત્થરો પર ફરતી કિડીઓ ધાણી શેકાતી હોય એમ શેકાય છે. કાળા, પીળા, લીલા રંગના સાપ લબકારા મારતા ભાગી રહ્યાં છે. અગ્નિની જાળાઓ ઉપર ઊડી રહી છે અને પછી આવી રહી છે. અંધારુ વધી રહ્યું છે અને ઘટી રહ્યું છે. એક તરફ પવન છૂટ્ટો મૂકાયો છે. કોતરમાં ડુંગરમાં હોંકારા-પડકારા થઈ રહ્યા છે અને આખું વન આગમાં લપેટાયુ છે. મનુષ્ય માત્રમાં રહેલી વિવિધ પ્રકારની આગ કદાચ આ રિતે અંગેઅંગને દઝાડતી, બાળતી ફરી વળતી હશે.

‘ઢાળમાં’ કવિતા કૃષિજીવન પર આધારિત છે. દરેક મનુષ્યનું જીવન અનાજ પર નભે છે. એ જગતના તાત પર આભારી છે. ખેડૂત ખેતી જ ના કરે તો જગત ભૂખમરામાં હોમાઈ જાય, પણ આ ખાઉધરા જગતે ખેડૂતની શી દશા કરી નાખી છે એ વિચારતાં જ કંપારી છૂટી જાય.

ખેડૂત ખેતી કરે એ શિવાય બીજા વિકલ્પો કેટલા? આખુ વરસ કાળી મજૂરી કરે. વરસના ચાર માસ ધાન પકવવા માટે બીજા છ માસ રાહ જોવી પડે! ચોમાસુ આવતા પહેલા આખું ખેતર વાળી-ઝૂડી સાફસૂફ કરી શેઢા-વાડ સમુસૂથરુ કરે. વરસાદ વરસ સારુ હોય તો વરસે. તનતોડ મહેનત ખેડૂત કરે ત્યારે -
"ઝૂલ્યો મોલ
કૂદી કૂદીને માળે ગાયાં ગીત.
માથાનો દાણો ભરાયો દૂધથી" (જનપદ, પૃ. ૧૨)

એમ ખેડૂતે કરેલૉ આકરી મહેનતના ફળ રૂપે ખેતી ખેતરમાં લહેરાય. આખો મોલ લચી પડે, પવન આવે એમ ઝૂલે ત્યારે સુંદર લીલેરુ ચિત્ર આંખ સામે હિલોળાય. ખેડૂત ખેતરમાં માળો બાંધીને એમાં બેસે, ટગર ટગર જોયા કરે અને પોતાના હર્ષ અને પીડાના ગીત લલકારે. પંખીઓ પણ ડૂંડા પર બેસીને ચણતા જાય ને કલરવ કરતા જાય. આમ, 'માળે ગાયા ગીત' અનેક અર્થછાયાઓ પ્રગટાવે છે ઉપરાંત મનુષ્ય અને બીજા જીવોની સુખની ક્ષણોને પણ સંવેદનમય બનાવે છે. આ કવિતામાં ખેડૂતની પરિસ્થિતિનું બયાન થતું જોવા મળે છે. પંખી, માળો, ખેડૂત, ખેતર, સૂડા વગેરે દ્વારા પરિસ્થિતિનો ચિતાર મળે છે. કમરતોડ મહેનત કર્યા પછી પાકેલા ધાનને ખળામાં ભેગું કરવામાં આવે છે. પણ તેને ઘરનાં કોઠાળ સુધી લઈ જવું અઘરું અને કપરું હોય છે, આખું અનાજ ભરેલું ગાડુ જ્યારે નેળીયાની વચોવચ ફસકી પડે, બળદોની કાંઢ બટકી પડે, કામઠામાંથી તીર છૂટે, લૂંટારાઓ લૂંટી જાય, હળુ અને ગાડામાં મૂકેલું ધાન બધું જ તહસનહસ થઈ જાય તો ખેડૂતને શું મળે? વર્ષ આખાની મહેનતનું પરીણામ, છતાંય કોઠાર ખાલીના ખાલી! ખેતી કરતાં કરતાં સેવેલા સ્વપ્નો, ગાયેલા હૂડા, જીવેલું જીવન, બધુંય ક્ષણોમાં કડડભૂસ, પાવાની હલક અને ભીંતે ચિતરેલા ચિત્રો પણ નાસ પામે. એમ થાય કે આખું માથું ગાડાની ધરીમાં ખૂંપી જાય. અને બધુ સ્વાહા થઈ જાય. ખેતી એટલે દેતી અથવા લેતી. પાકેલું ધાન પાકે ત્યારે ખરુ! અને પાક્યા પછી કોઠાર સુધી પહોંચે ત્યારે ખરું! નહિં તો રાતા પાણીએ નાહવાનું જ ખેડૂતના નસીબમાં લખેલું હોય છે. બારેમાસ પાણી ક્યાથી હોય, ખેતી તો આકાશી હોય. આકાશ વરસે તો ખેતી થાય નહિં તો ખાલી હાથે જીવવાનું! આકાશી ખેતી પર નભી નભીને કેટલું નભવાનું! આમ, આ કવિતામાં કવિ ખેડૂતની કથા, વ્યથા અને જીવનની વિભિષિકાનું વરવા દ્રશ્યનું દર્શન કરાવે છે. વાવણી પ્રમાણે ગંજના ઢગલા થાય તો ખરુ, નહિંતો આખું વરસ હડહડતું કાઢવુ પડે. આખા જગતનું પેટ ઠારતો ખેડૂત પોતાનું જ પેટ ન ઠારી શકે. એ આ કવિતામાં દર્શાવવામાં આવ્યું છે.

‘સોપો’ કવિતામાં કવિએ પ્રકૃતિ, પર્યાવરણ, જંગલ, વન, વનોની વનસ્પતિ, વન પેદાશો, તેના પર નભતુ જીવનની વાત કરી છે. સોપો પડી જવો, સન્નાટો છવાઈ જવો, એક પ્રકારનો શૂન્યાવકાશ પથરાઈ જવો, જ્યાં કશુ જ ન હોય માત્ર ને માત્ર અચકાશ હોય, ખાલીપણું હોય. કવિ કહે છે:
"હશે ઝાડ
જશે દિવસ." (જનપદ, પૃ. ૨૧)

માનવીના દિવસો કેમ વિતે, કેમ પસાર થાય, કેમના જાય ? તો હર્યુભર્યુ વન હોય, વૃક્ષો હોય, વનરાજી હોય યો વાતાવરણ આપણને જીવન જીવવાનુ બળ પુરું પાડે, આપણને આનંદ પમાડે. વન આપનને શું નથી આપતું ? આપણા આદિમાનવ અને આજનો આદિવાસી વનો ઉપર જ નિર્ભર હતાં અને છે. વન જે આપે તે ખાઈ-પીને જીવન વિતાવે, પણ વન જ નહિં હોય તો આખો દિવસ કેમનો જશે ? અને રાત પણ કેવી રીતે પસાર થશે, વૃઝ નહિ હોય તો વાયુઓ પણ નહિ હોય અને આપણે શ્વાસ પણ કેવી રિતે લઈશું? શ્વાસ જ નહિ લેવાય તો જીવતા રહીશું કે કેમ ? અને વન જ નહિ હોય તો કઠિયારો આપણી આસપાસ દેખ્યો નહિ જડે.

કવિની અહિ પર્યાવરણ પ્રત્યેની નિષ્ઠા અને નિસ્બત રજૂ થવા પામી છે. આજે વનો એક પછી એક નાશ થવા લાગ્યા છે. ક્રોંક્રીટના જંગલો કૂદકે ને ભૂસકે વધી રહ્યાં છે. ઔદ્યોગીકરણે માઝા મૂકી છે. આડેધડ કપાતા વૃક્ષોથી જંગલોનો દાટ વળી ગયો છે, વૃક્ષો જ નથી રહ્યાં તો આપણી કથામાં આવતો કઠિયારો જ નહિ રહે. વૃક્ષની કપાઈ જવાની કથા પણ નહિ રહે. અને કશું જ નહિ રહે તો સોપો જ પડી જશે ને! ચારેતરફ સન્નાટો છવાઈ જશે. મનુષ્ય જ પ્રકૃતિ માટે ઘાતક બની બેઠો છે. પોતાના સ્વાર્થ માટે એ પર્યાવરણનુ નિકંદન કાઢી નાખતા પણ અચકાતો નથી. લોભ-લાલચ અને પૈસા માટે મનુષ્ય શું નથી કરતો? એ વિચારતો નથી કે જ્યારે વન જ ખલાસ થઈ જશે તો છાયડો, વરસાદ, ફળ ક્યાંથી મેળવશે? માણસે વનોને સ્મશાનમાં ફેરવી નાખ્યા છે.

જે પ્રકૃતિએ આપણને જીવન આપ્યું, ફળ આપ્યા, રસ આપ્યા, પેટ ઠારવા માટે બધું જ આપ્યું, એ જ પર્યાવરણ-પ્રકૃતિને મનુષ્ય દિન-પ્રતિદિન હણી રહ્યો છે. જંગલોના જંગલો મેદાનમા ફેરવાઈ રહ્યાં છે. જેનાથી પશુ-પક્ષી વિનાશના કિનારે છે. ગીધ, વાઘ અને ચકલીઓ હવે ગણીગાંથી જ જોવા મળે છે. બીજા જનાવરો વનપ્રદેશ ખાલી થતા છેક રસ્તે અને છેક શહેર સુધી આવી જાય છે. વનમાં મળતો આહાર ખૂટી પડતા માણસોનો ભોગ લેવા માંડે છે. વનો ખૂટતાં જળ સૂકાઈ ગયા છે, જમીનના તળ ઊંડે ખૂંપી ગયા છે. જળ નથી એટલે જીવન પણ નથી. ટૂંકમાં આપણી દિશા બદલાઈ રહી છે. વનોનો નાશ કરતાં કરતાં એક દિવસ ખુદનો નાશ થવાની પૂરી સંભાવના દેખાઈ રહી છે. એટલે કવિ વ્યથિત થઈને કહે છે:
"પડશે કદી નહિ ઊલનારો સોપો"

ક્યારેય નાશ નહિ થાય, ક્યારેય લુપ્ત નહિ થાય એવો ઘોર સનાટો આપણી સમક્ષ છવાઈ રહ્યો છે. પછી આપણને કોણ તારશે અને કોણ ઉગારશે? વૃક્ષમાં આપણે ઈશ્વરના દર્શન કરનારા, વૃક્ષોનો વધ કરતા ખચકાતા નથી, તેનું ઘોર પાપ ભોગવ્યે જ છૂટકો.

'કોઈ કહેતા કોઈ નહિ' આવું જ પ્રકૃતિ વિષયક કાવ્ય છે. જગતમાં વિનાશના એંઢાણ વર્તાય એવી ઘટનાઓ બનતી રહેતી હોય છે. ઘટનાઓ સારી પણ હોય અને ખરાબ પણ હોય. સારીના ફળ સારા અને ખરાબના ફળ ખરાબ હોય છે. 'કોઈ કહેતા કોઈ નહિ' કવિતામાં એવી ઘટનાનું નીરૂપણ છે કે જેમાં બધુયે બળીને ખાક થઈ જાય છે.
"રાત આખી
એમાં કોઈ નહિ
રૂમાં સળી ચંપાઈ
જ્વાળા
પંખી, વૃક્ષ, જન અબે જનપદ છબીમાં બંધ" (જનપદ, પૃ. ૨૨)

એક એવી હિમથી ગળી જતા ગાત્રો, ઠરીને ઠિકરું થઈ જવાય એવી એક રાતે રૂના ઢગલામાં કોઈ એક અજાણ્યું માણસ ઈર્ષા-દ્વેષ કે વેરભાવે રૂમાં સળી ચાંપી દે છે અને બધું રૂ ભડભડ ભડકે બળે છે. જ્વાળા ચારેબાજું ભયાનક રૂપ ધરે છે. પંખી, વૃક્ષ અને આખું જનપદ બળીને સ્વાહા થઈ જાય છે, જાણે બધું હતુ ન હતુ થઈ જાય છે. જે હયાત હતુ તે ભરડામાં ભસ્મ થઈ જતા છબી બની જાય છે. વિનાશ પછી ભડકાથી આખુ આભ કાળુમેષ જેવું થઈ જાય છે. અંધારી ઠંડી હેમ જેવી રાતમાં "અંધ હિમાળી રાતમાં કોઈ કહેતા કોઈ નહિ" એવાં વરવા દ્રશ્ય સર્જાય છે. કવિ જીવાતા જીવનને અનુભવે છે, આશ્લેષે અને સંવેદન અનુભવે છે. જગતમાં અને પોતાની આસપાસ બનતી ઘટનાઓથી ધ્રૂજી ઉઠે છે અને તેથી આ કવિતામાં સામજિક ચેતના, સામાજિક નિસ્બત વ્યક્ત થાય છે.

દરેક સમાજ જાતમહેનત કરી આગળ આવવા મથે છે. દિવસ રાત મજૂરી ખેતી કરી જીવતો સમાજ જ્યારે અંતિમ પડાવે બધું ખોઈ બેસે ત્યારે એની પાસે કશું જ રહેતું નથી, માત્ર ને માત્ર નિરાશા જ વધે છે. એ નિરાશાને જીરવી, એ સમયને પસાર કરવો કેવો કપરો હોય છે! એ દુ:ખ કેટલુ ભયાનક હોય એનું ચિત્ર રાત, રૂ, સળી, જ્વાળા, પંખી, વૃક્ષ, છબી, ભડકા, ભેંસ, સૂર્ય. નિહારિકા, ડાબલા, વલૂર, રજ વગેરે કલ્પનો પ્રતિકો દ્વારા આસ્વાદ્ય બને છે.

'ઢંકાયો ડુંગર' કવિતામાં ડુંગર અને તેના પરિવેશની વાત કરી છે. આ ધરતી ડુંગરોથી રળીયામણી છે. ડુંગરો એટલે વન, ઉપવન, વનરાજી. ડુંગરો માણસને જીવાડે છે. આદિમાનવ તો ડુંગરોમાં જ વસવાટ કરતો અને સુખેથી જીવતો. પશુ-પક્ષીઓ પણ ડુંગરો પર નાચે. ડુંગરા હોય એટલે ઝરણા હોય, નદિઓ હોય, તળાવ હોય, તળેટીમાં માનવ વસાહતો હોય. વસાહતોમાં નાનામોટાં ખેલ થાય, ભાવાઈ થાય, આનંદ પ્રમોદ થાય, લોકો લાકડા લાવે, બાળે એમાંથી તડતડ તણખા ઝરે. જાણે આકાશ સુવર્ણરેખાઓથી અંકાઈ ગયું હોય. જુઓ,
"પાતાળમાં
એક સુવર્ણરેખ
ટીમરુલાકડા પેઠે તતડ્યા કરે.
ખનીજવાટ પરથી એ વહી આવે." (જનપદ, પૃ. ૨૩)

અહિ ખનીજ ઉત્પાદનની આખી પ્રક્રિયા વર્ણવવામાં આવી છે. ખનીજ મેળવવા માટે પાતાળ સુધી ખોદકામ કરવું પડે. બહું ખોદકામ કર્યા પછી એમાંથી હીરા, માણેક, મોતી, રત્નો મળે. પાતાળમાંથી લાવારુપે નીકળતી ખનીજ સુવર્ણ જેવું લાગે. જાણે ટિમરુનાં લાકડાને સળગાવવાથી તડતડીયા સોનેરી રંગના ઊડે ને તંગલા ગરે. એવું દ્રશ્ય જોવા મળે, જે ખનીજની વાટથી બહાર આવતી દેખાય. કવિ આગળ કહે છે,
"કડવા લીમડાનો ઢોલ
નખથી શિખ એનો ગોરંભ"

અહિં કડવાવખ પણ આરોગ્યપ્રદ લીમડાના થડમાંથી બનાવેલા ઢોલની વાત છે. એ ઢોલ વાગે એટલે જાણે આકાશમાં ગોરંભો ચઢ્યો હોય અને જે ધ્વનિ ઉત્પન્ન થાય તેવો અવાજ ઉત્પન્ન થાય છે. ઢોલ એ માણસની અંદરની વેદનાને વ્યક્ત કરવાનું માધ્યમ છે, પછાત આદિવાસી જનપદના માણસ આવા વાદ્યો દ્વારા આનંદ મેળવતા હોય છે. છેલ્લે કવિ કહે છે,
"તડકાનો લેપ
ડુંગર પર મંડરાય ગીધ
પાંખે પાંખ દોઢવાય
હવે પાંખો છત્ર થઈ
ઢંકાયો ડુંગર." (જનપદ, પૃ. ૨૩)

કવિ અહિં નવા દ્રશ્યો લઈને આવે છે. જીવનની વિભિષિકા અહિં છતી થઈ છે. સુખસાહ્યબી, ભોગ ઉપભોગનું જીવન ક્યાંથી ક્યાં પહોંચી જાય છે. ડુંગર પર જાણે કે તડકાનો લેપ કરવામાં આવે છે. એ ડુંગર પર ગીધના ટોળેટોળા મંડરાય છે. જોતજોતામાં બધા ગીધ દોઢગણા થઈ જાય છે. જાણે કે, આખા ડુંગર પર ગીધોનું છત્તર ઢોળાઈ રહ્યું હોય અને એમ ગીધોના ટોળા ઝૂંડ દ્વારા આખો ડુંગર ઢંકાઈ જાય.

કવિ અહિં સુવર્ણરેખ, ટિમરુ, ખનીજ, લીમડો, ઢોલ, ત્રાજવો, પડીકું, હથેળી, લેપ, તડકો, ગીધ, છત્ર, પાંખો વગેરે દ્વારા ભાવક સમક્ષ આખું ચિત્ર ખડુ કરે છે. જેનાથી ભાવક એ સ્થિતિને અનુભવે છે અને જીવાતા જીવનો સાર પામે છે.

'અમર બની ગયા છીએ!' કવિતામાં માણસની અમર થઈ જવાની વાત છે. ભોગવાદી સંસ્કૃતિ માણસને મર્યા પછી પણ અમર કરી દેશે એવો કટાક્ષ રજૂ કરે છે. જ્યારથી પૃથ્વિ પર જીવનની તક ઊભી થઈ, ત્યારથી વનસ્પતિ, જળ, ડુંગરો વગેરે અસ્તિત્વમાં હોવાથી માણસ પણ તેમાં પરોવાયો. જેમ જેમ માણસ વિકાસ કરતો ગયો, એમ એની તૃષ્ણાઓ વધતી ગઈ, અપેક્ષાઓ વધતી ગઈ, સુખ મેળવવા તે કોઈને કોઈ તરકિબો શોધવા લાગ્યો. આદિમ સુખોને ભૂલી નવાનવા સુખોની શોધ થવા લાગી. એમ યંત્રજીવન પણ ધોમધખોર ચાલવા લાગ્યું. જીવન યંત્રવત બની ગયું. એક પછી એક શોધ પાછળ માણસ ખર્ચાતો ગયો. સંસ્કૃતિ, કલા, ઉત્સવ, પરંપરા વગેરે ભૂલાવા લાગ્યો. કવિ કહે છે કે,
"એરુ થઈને આભડ્યું
અજવાળું અંધારું.
આંખ આંધળો ડુંગરો
ઊડ ઊડ ઢળનારો" (જનપદ, પૃ. ૩૦)

માણસના જીવનમાં અંધારું અને અજવાળું એટલે કે દિવસ અને રાત, દિવસો, મહિનાઓ, વર્ષો એરું થઈને ડંખવા લાગ્યા છે. દિવસ ઊગે, રાત પડે એમ ભોગવાદી સંસ્કૃતિ હરણફાળ ભરવા લાગી. નવી શોધો અને નવા માર્ગોએ જીવનનું નખ્ખોદ વાળી દિધું. છતાં માણસ ધરાતો નથી. આજે માણસ જાણે કે મરીને અમર થઈ જવા લાગ્યો છે. એટલી બધી હદે માણસ આગળ વધી ગયો છે કે જીવનના વર્ષો પણ ખૂટી જવા લાગ્યા. સો-દોઢસો વર્ષ જીવતો માણસ આજે પચાસ-સાહિઠ વર્ષમાં મરી જાય છે, એમ છતાં એને એ મરણ પણ ગમે છે. એને હાથે કરેલા હૈયે વાગે છે. પ્રકૃતિનું નીકંદન એને ઓછા આયુષ્યનો દાસ બનાવી દિધો છે.

"આઠ પ્રહર આરોગતા
ઝનૂન ડળકતાં ધાન
તાંતર વાંતર માંકડા
ઊલ્યાં ભાન ને સાન." (જનપદ, પૃ. ૩૦)

આજે માણસ પોતાની સાન અને ભાન ભૂલી ગયો છે. હક્નું ખાતો નથી અને અણહકનું ખાય છે. ધાન પણ માણસ જન્મથી ખાય છે અને એમ એ પ્રજોત્પત્તિ કરી માણસનો વેલો વધારે છે. માણસ પોતે જ વખના ઝાડ ઉછેરી રહ્યો છે. વૃક્ષના ફળ-ફૂલમાંથી બનતો સોમરસ ખોબે ખોબે પીવા લાગ્યો છે. પી-પીને ખલાસ થવું એને ગમે છે, અને એમ થતા મરણ-ને શરણ થવાય તો એને એ અમરતા સમજે છે, વરદાન સમજે છે. માણસે મરણને વરદાન પોતાના હાથે, પોતાના કર્મે જ પ્રાપ્ત કરી લીધુ છે. એમ જીવનની મૂળ વાતોથી કેટલોયે દૂર નીકળી ગયો છે. આદિવાસી, દલીત, વંચિત વગેરે સમૂહો પર એને પોતાનો પંજો બિછાવ્યો છે. યેનકેન પ્રકારે એમનું શોષણ કરી ફૂલ્યોફાલ્યો છે.

મનુષ્યની આ ખરેખર નિયતી નથી, મનુષ્યે પોતે ઊભી કરેલી માયાજાળ છે. જેમાં તે સલવાઈ ગયો છે. એને ખબર નથી કે કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય જેને તે સ્વર્ગ સમજે છે, જે ખરેખર નર્ક કરતાં પણ ભયંકર છે, પીડાદાયક છે, કષ્ટદાયક છે છતાં એને ગમે છે. કવિએ એરું, અજવાળું, આંખ, ડુંગરો, ઝનૂન, ધાન, માંકડા, પ્રથમી, પેટાળ, વખ, ઝાડ, ઘેન, સોમ વગેરે શબ્દો દ્વારા અહિ કાવ્યમાં સામાજિક-આર્થિક દારુણ વાતને પણ સુંદર રીતે ચિત્રીત કરી છે. નિહિત્ કલ્પનો સામજિક જીવનને ઘેરું બનાવે છે.

સંગ્રહની ‘માછીમાર’ કવિતા જરાક જુદા પરિવેશની છે, પણ મૂળ વાત તો તળની જ છે અને તળના લોકોની છે. આ કવિતાનો અંગ્રેજી અનુવાદ રૂમી નકવીએ 'THE FISHERMAN' નામે કરેલો છે, કે જે ' Indian Literature' ના Sept.-Oct. 1997ના અંકમાં પ્રગટ થયેલ છે. એ અનુવાદ જોઈએ,
"The night and the day become one.
Bright darkness stares at the waters.
The darkness radiates in them.
Sharp, blue flames becoming clothes
flicker in the wind.
The darkness comes out
throws in the waters, a net,
in the net, the waters are caught.
The darkness situates the waters on the wooden plank
cuts with a knife
arranges the pieces
shreds the dark rains into a powder
sprinkles it over those pieces
adorns them with flowers." (Indian Literature, પૃ. ૩૯)

વન, ઉપવન અને ડુંગરની બીજી બાજુની કવિતા એટલે કે દરિયાઈ પ્રદેશની કવિતા છે. પૃથ્વિ પર જ્યારથી માણસે જીવવાનું શરું કર્યુ ત્યારે કોઈ કામધંધો ન્હોતો. જેને જેમાં ફાવટ આવી એમાં એ કામ કરવા લાગ્યાં. ભોગવાદી સંકૃતિનો વિકાસ થયા પછી માણસ વિચાર કરતો થયો, કરતબ કરતો થયો અને એમ નાની નાની શોધ કરતો થયો. કામધંધા વિકસ્યા અને એમ પેટગુજારો થવા લાગ્યો.

"રાતદિવસનો એકાકાર.
અજવાળા અંધારા તાકે જળને." (જનપદ, પૃ. ૬૪)

અહિં માછીમારનું ચિત્ર આપણને જોવા મળે છે. રાત-દિવસ એકાકાર થાય છે. એક ક્ષણ સંધીની ક્ષણ છે. માછીમાર દિવસ-રાત માછીમારી કરે છે, એ ક્ષણો પણ બીજી ક્ષણોમાં ઓગળી જાય છે. માછીમાર જીવતી માછલી પકડવા માટે જળમાં જાળ લઈને જાય છે. અહર્નિશ માછલી પકડવાનું કામ પેટનો ખાડો પૂરવા માટે હોય છે. એને એ પણ ખબર નથી કે રાત અને દિવસ કેવી રીતે વિતી રહ્યા જાય છે. અહિં અંધારુ અજવાળાને કે અજવાળુ અંધારાને તાકે છે. દિવસ અને રાત વચ્ચે પાતળી ભેદરેખા ઊભી થાય છે. ત્યા કોઈ નથી માત્ર માછલી અને માછીમાર શિવાય. અંધારું પણ જળના ઘરમાં ઝળહળે છે. રાત્રીના પ્રકાશમય વાતાવરણમાં એવું લાગે છે. તીખી નીલ જ્વાળા વસ્ત્ર થઈને વાયરામાં ફરકે છે અને અંધારું બહાર નીકળે છે. આખી રાત વિતાવ્યા પછી સવારનો અણસારો અહિં વર્તાય છે, એવા સમયે માછીમાર જાળ ફેંકે છે અને એ જાળમાં પાણી ભરાય છે. જીવતી જાગતી માછલી પણ પાણીદાર હોય છે. અંધારુ જળને પાટીયા પર ગોઠવે છે, કવિ આગળ કહે છે,
"ચૂરો કરે કાળા વરસાદનો
કટકા પર ભભરાવે
શણાગારે ફૂલોથી." (જનપદ, પૃ. ૬૪)

માછીમાર પોતાની જાળમાં આવેલી માછલીઓને અવેરે છે. તેના ખોરાક તરીકે ઉપયોગ કરવા આખી રાત માછીમારી કરીને થાકેલો માછીમાર હાશકારો અનુભવે છે. પેટનો ખાડો પુરાય એટલી માછલી પર્યાપ્ત છે. વરસાદી વાતવરણમાં ચૂરો થતો હોય, શ્યામવર્ણી માછલી જાણે કે કાળા વરસાદ જેવી ભાષે છે અને એમ વિવિધ રીતે માછલીના પ્રતિક દ્વારા જીવનના શણગારની વાત પણ મૂકી આપે છે. માછીમારની પરિસ્થિતિ અહિં તેના બયાન દ્વારા હ્રદયસ્પર્શી બનવા પામી છે.

સંદર્ભ સૂચિ:

● મહેતા, ભરત (ડિસેમ્બર ૨૦૧૩). 'કાનજી પટેલ: પ્રતિબદ્ધ સર્જક". વોરા, કમલ (સંપા.) 'એતદ્'. મુંબઈ:ક્ષિતિજ સંશોધન કેન્દ્ર. pp. ૫૨-૬૧
● પટેલ, મણિલાલ હ. (ફેબ્રુઆરી ૨૦૧૩). 'કવિતાનો આનંદ મળવો બાકી છે', 'પરબ'. જોશી, યોગેશ (સંપા.), અમદાવાદ:ગુજરાતી સાહિત્ય પરિષદ.
● ભાવસાર, દક્ષા (જૂન ૨૦૧૭). 'ધરતીનાં વચન'. 'તાદર્થ્ય' ઓઝા, સવિતાબેન મફતભાઈ (સંપા.), અમદાવાદ. ISSN 2278-4640
● વણકર, રાજેશ (૨૦૧૩) 'વિચરતી - વિમુક્ત જાતિની ટૂંકી વાર્તાઓનો અભ્યાસ', મુંબઈ:મુંબઈ વિદ્યાપીઠ.
● Patel, Kanji, and Roomy Naqvy. “THE FISHERMAN.” Indian Literature, vol. 40, no. 5 (181), 1997, pp. 39–39., via JSTOR, www.jstor.org/stable/23338650.
● પટેલ, કાનજી (મે ૧૧૯૧). 'જનપદ'. મુંબઈ:સાહચર્ય પ્રકાશન.