Download this page in

ગદ્યકાવ્ય : સ્વરૂપલક્ષી વિચાર

ગત્ અંકમાં ‘ગદ્યકાવ્ય: અસ્તિત્વલક્ષી વિચાર’ અભ્યાસલેખમાં ગદ્યકાવ્યનો ઉદ્ભવ અને ગદ્યકાવ્યના પૂર્વવર્તી અભ્યાસ અંગેની નોંધ મેળવી. આ અભ્યાસલેખમાં ગદ્યકાવ્યનો સ્વરૂપગત ખ્યાલ આપવાનો ઉપક્રમ છે.

ગદ્યકાવ્યનો સ્વરૂપગત વિચાર કરતાં પૂર્વે ‘ગદ્યકાવ્ય’સ્વરૂપ નામ વિશે વિચાર કરવો જરૂરી છે. પરંપરાથી કાવ્ય પદ્યમાં નિબદ્ધ થતું જોવા મળે છે. કાવ્ય ગદ્યની તરેહોમાં સિદ્ધ થાય ત્યારે એ એની વિશિષ્ટ ઉપલબ્ધિ ગણાવી શકાય. આ વિશિષ્ટ તરેહના કાવ્ય સ્વરૂપ એવા ‘ગદ્યકાવ્ય’ના નામાભિધાનની ચર્ચા કરતા નિરંજન ભગત નોંધે છે કે,“હવે કાવ્ય ગદ્યમાં સિદ્ધ થયું ત્યારે કવિતા નહીં, પણ ગદ્યકાવ્ય ફ્રેન્ચ પ્રજા દેકાર્તની વંશજ છે, દેકાર્તની વારસ છે. ફ્રેન્ચ પ્રજા ફ્રેન્ચ પ્રજા દેકાર્તવાદી છે અને જન્મજાત પ્રશિષ્ટતાવાદી પણ છે. ફ્રેન્ચ માનસ તર્કપ્રિય અને પ્રશિષ્ટતાપ્રિય માનસ છે. ‘A Frenchman is a born Cartesian and a born classicist. And a classicist must categorize and classicist must classify.’ એથી કાવ્ય પદ્યમાં હોય ત્યારે કવિતા, પણ કાવ્ય ગદ્યમાં હોય ત્યારે? પદ્ય = કવિતા, ગદ્ય = આ શૂન્યાવકાશ સભર કરવો રહ્યો. ત્યારે ગદ્યકાવ્ય વર્ગીકરણનો એવો તર્ક કરવો જ રહ્યો, કે એવો શિષ્ટાચાર, પ્રશિષ્ટાચાર કરવો જ રહ્યો!”[૧] આમ, ગદ્યકાવ્ય નામાભિધાન થવા પાછળ આવા કેટલાક તર્ક-વિતર્ક પડેલાં જણાય છે.

ગદ્યકાવ્ય સ્વરૂપ અંગેની ચર્ચા કરતા ઘણા વિદ્વાનોએ પોતાનો મત રજૂ કર્યો છે. બૉદલેર ‘Petits Poemes en Prose’ની આર્સન હુસાયને લખેલ પત્રરૂપ પ્રસ્તાવનામાં ‘ગદ્યકાવ્ય એ ચમત્કાર છે.’ એવું વિધાન કર્યું છે. આ વિધાનને કેન્દ્રમાં રાખી નિરંજન ભગત નોંધે છે કે, “ગદ્યકાવ્ય એ સાચ્ચે જ એક ચમત્કાર છે. સૈકાથી પદ્યમાં જ કાવ્ય સિદ્ધ થતું હતું. સૈકાઓ પછી ગદ્યમાં કાવ્ય સિદ્ધ થયું છે. ગદ્યકાવ્ય એ અપૂર્વ કાવ્ય સ્વરૂપ છે. એક અભૂતપૂર્વ કાવ્યપ્રકાર છે. ગદ્યકાવ્ય એ કાવ્યાત્મક ગદ્ય (Poetic Prose), લયયુક્ત ગદ્ય (Prose rhythm),રાગમુક્ત ગદ્ય (Lyrical Prose અથવા Prose Poetry)ની જેમ ગદ્યનો એક વધુ અન્વય અથવા પરંપરિત પદ્ય (Verse impair), મુક્ત પદ્ય (Verse libere), વિમુક્ત પદ્ય (Verse libre Free Verse) આદિની જેમ પદ્ય કાવ્યનો એક વધુ પર્યાય નથી, પણ એક સંપૂર્ણ સ્વતંત્ર, સ્વાયત્ત કાવ્ય સ્વરૂપ છે. એક સર્વથા સ્વાશ્રયી સંપૂર્ણ મુક્તિ છે, નિ:શેષ નિવૃત્તિ છે. ગદ્યકાવ્ય એ કાવ્ય સ્વરૂપની ક્રાંતિ છે, કાવ્ય પ્રકારની ઉત્ક્રાંતિ છે.”[૨] નિરંજન ભગતના આ વિધાન પરથી એ સ્પષ્ટ સમજાય છે કે, ગદ્યકાવ્યનું સ્વરૂપ એ કાવ્યાત્મક ગદ્ય, લયયુક્ત ગદ્ય, રાગમુક્ત ગદ્ય અથવા પરંપરિત પદ્ય, મુક્ત પદ્ય, વિમુક્ત પદ્ય ઇત્યાદિથી સંપૂર્ણ રીતે અલગ અને સ્વાયત્ત છે.

ગદ્યકાવ્યનું વિશિષ્ટ લક્ષણ એ છે કે, એ ગદ્ય અને પદ્યના સ્વરૂપથી અલગ સ્વતંત્ર સાહિત્ય સ્વરૂપ છે. એનું ગદ્ય એ એની સ્વરૂપગત શરતો પ્રમાણે આવે છે. એ અન્ય સ્વરૂપોનાં ગદ્યથી જૂદું તરી આવે છે. હરિવલ્લભ ભાયાણી નોંધે છે કે, “નવલકથા-નવલિકાનું ચાલુ ગદ્ય અને કાવ્યમય ગદ્યખંડોનું ગદ્યકાવ્યમાંનું ગદ્ય એક જ કક્ષાનું નથી.”[૩] આમ, ગદ્યકાવ્યનું જે ગદ્ય છે, તેનું એક આગવું અસ્તિત્વ છે.

નલિન રાવળના મત મુજબ ‘ગદ્યકાવ્યનું સ્વરૂપ કદાચ યાદૃચ્છિક (Carbitrary) છે એટલે સર્વાંશે તેની સ્વરૂપગત વિશેષતાઓ તારવવી સરળ નથી.’Lyrical Balladsની પ્રસ્તાવનામાં કાવ્ય ગદ્યમાં પણ સંભવી શકે એમ કહેનારા વર્ડ્ઝવર્થે આ સ્વરૂપ અંગે જોગાનુજોગ ખૂબ ઉન્નત વિચરો આપ્યા છે. વર્ડ્ઝવર્થે ‘The real language of man’ (મનુષ્યની યથાર્થ ભાષા)ને આત્મસાત્ કરવી એ કવિકર્મ છે એમ માને છે. તેમણે ઉત્તમ છંદોબદ્ધ રચનાનું એક રહસ્ય તેમાંની પંક્તિઓમાં રહેલ ઉત્તમ ગદ્યતત્ત્વને પ્રમાણ્યું અને તે સમયનાં ઉત્તમ કાવ્યોમાં સારા ગદ્યના લક્ષણો પારખ્યાં છે. વર્ડ્ઝવર્થે આપેલી કવિ અને કવિતાની વ્યાખ્યામાં પણ મનુષ્યની યથાર્થ ભાષા (The real language of man) આવરી લીધી. તેમણે કહ્યું કે, ‘મનુષ્યો સાથે વાત કરતો મનુષ્ય તે કવિ’, (Poet is a man speaking to man), એવી જ રીતે કવિતાની વ્યાખ્યા આપતા કહ્યું કે, ‘કવિતા પુરુષ અને પ્રકૃતિની પ્રતિમા છે.’ (Poetry is the image of man and nature.) આમ, મનુષ્ય મનુષ્ય વચ્ચેના સંવાદિત લયને સાહજિકપણે કાવ્યમાં ધ્વનિત થતું વર્ડ્ઝવર્થે કાવ્યમાં પ્રમાણ્યું, તેમજ છંદોલય ઉત્તમ ગદ્યલયનો અણસાર આપી રહે છે તેવું તપાસ્યું. તેમણે મિલ્ટન સમેત અનેક ઉત્તમ કવિઓની કવિતામાં ગદ્યતત્ત્વનું સૌંદર્ય નિહાળ્યું. વર્ડ્ઝવર્થ કાવ્યમાં ગદ્યવિનિયોગની નહીં બલકે કહેવું જોઈએ કે, ગદ્યમાં કાવ્ય વિનિયોગની ચર્ચા કરે છે. તેઓ માને છે કે, ‘કાવ્યની છંદબદ્ધ રચના અને કાવ્યની ગદ્યભાષા વચ્ચે તત્ત્વત: કોઈ તફાવત નથી.’ નલિન રાવળ નોંધે છે કે, “વર્ડ્ઝવર્થનો ઉદ્દેશ સમકાલીન કાવ્ય ભાષાની વ્યર્થતા દર્શાવી તે કારણે જર્જરિત થયેલી કવિતાની પરિપાટીના ઉન્મૂલનનો હતો. સામાન્ય ભૂમિકાએ, પણ તેમનો મહત્ત્વનો ઉદ્દેશ સૈદ્ધાન્તિક ભૂમિકાએ નવસર્જિત કાવ્યભાષાને, બલકે તેની પાછળ રહેલા કાવ્ય વિચારને વિશ્લેષવાનો હતો.”[૪] આથી જ વર્ડ્ઝવર્થે અંતે સ્વસિદ્ધાન્તને સ્ફુટ કરતા સૂત્રાત્મક રીતે એમ કહ્યું છે કે, ‘‘કલ્પના અને સંવેદનમૂલક સર્જનો ગદ્યમાં હોય કે પદ્યમાં પણ વિનિયોગ અર્થે પ્રયોજાતી ભાષા એક સરખી યથાતથ હોય છે.’’[૫] આમ મૂળે વાત તો બસ એટલી જ છે કે, કાવ્ય પદ્યમાં હોય કે ગદ્યમાં હોય કાવ્યતત્ત્વ કે કાવ્યરસ મુખ્ય છે એ જે માધ્યમે રજૂ થાય છે એ ગૌણ બાબત છે.

નિરંજન ભગત ‘ગદ્યકાવ્ય’ સ્વરૂપને ‘આધુનિકતાનું મંગલાચરણ અને આધુનિકતાની નાન્દી’ કહીને ઓળખાવે છે, પણ એની સાથે એ પણ સ્પષ્ટ કરે છે કે, ‘‘ગદ્યકાવ્યમાં પદ્યકાવ્ય સાથે કોઈ સ્પર્ધા કે સંઘર્ષ નથી. એમાં પદ્યકાવ્ય પ્રત્યે વિરોધ કે વિદ્રોહ નથી, પદ્યકાવ્યના વિધ્વંશ કે વિનાશ અર્થે ગદ્યકાવ્યનું અસ્તિત્વ નથી. ગદ્યકાવ્ય એ કવિની સર્જકતાન આંતરિક અનિવાર્યતા છે. એથી જ જે કવિએ ગદ્યકાવ્યનું સર્જન કર્યું છે. બલકે પદ્યકાવ્યની દીર્ઘકાળ ઉપાસના-સાધના પછી જ એને પરિણામે જ એમણે ગદ્યકાવ્યનું સર્જન કર્યું છે. ગદ્યકાવ્ય એ કવિનો કોઈ નાસ્તિવાદ નથી. ગદ્યકાવ્ય એ કવિનો અસ્તિવાદ છે.’’[૬] આમ ગદ્યકાવ્ય અને પદ્યકાવ્ય વચ્ચેનો અલગ તફાવત તેઓ દર્શાવી આપે છે. પરંતુ આ વિધાનમાં ગદ્યકાવ્યના લખનાર કવિ વિશેની મહત્ત્વની વાત એ છે કે, ગદ્યકાવ્ય એ કવિની સર્જકતાની આંતરિક અનિવાર્યતા છે. સર્જક જ્યારે ગદ્યકાવ્યના સ્વરૂપ સાથે કામ લે છે ત્યારે એના જે આંતરિક ભાવો છે એ પદ્યમાં ન આવરી શકાય એવા તો એટલી અસરકારકતા ન ઉપજાવે જેટલી ગદ્યકાવ્યમાં ઉપજાવે એવા હોય છે.

ગદ્યકાવ્યના સ્વરૂપ અંગે પશ્ચિમમાં ઘણી ચર્ચા વિવેચકો દ્વારા થઈ છે અને થોડા ઘણા સમયથી આપણે ત્યાં આ સ્વરૂપ અંગે ચર્ચાનો દોર શરૂ થવા પામ્યો છે. ગદ્યકાવ્ય એ ગદ્ય અને કાવ્યનો સમાસ છે. કેટલાંક વિવેચકોના મતે ગદ્યકાવ્ય એ કવિતાનું વર્ણશંકર ( Hybrid) સ્વરૂપ છે, તો કેટલાંક વિવેચકો માને છે કે, ગદ્યકાવ્ય એ ગદ્ય અને કાવ્યની સંતતિ હોવાના કારણે એ કવિતાનો એક ખચ્ચર (Mule) પ્રકાર છે.

અહીં એટલું સ્પષ્ટ થાય છે કે, ગદ્ય અનેપદ્ય બન્ને વસ્તુવાચક સંજ્ઞા છે. બન્નેમાં લય તો છે જ પરંતું પદ્યમાં લય એ એના નિયત કરેલા પ્રમાણમાં આવે છો, જ્યારે ગદ્યનો લય અનિયંત્રિત છે; માટે આ બન્ને સંજ્ઞા એકબીજાથી અલગ છે. બન્નેમાં કાવ્ય એ સમાન ગુણ છે. ગદ્ય અને પદ્ય બન્ને કાવ્યને પ્રગટ કરનારા માધ્યમ છે. બન્નેનું સ્વાયત્ત અસ્તિત્વ છે.કાવ્યતત્ત્વ અને છંદ અંગે વાત કરતા રવીન્દ્રનાથ ઠાકુર કહે છે કે, “કાવ્યનું લક્ષ્ય એ હૃદયને જીતવાનું છે. પછી પદ્યને ઘોડે ચડીને હોય કે પદ્યના પગે ચાલીને હોય, એ ઉચ્ચ સિદ્ધતા સામર્થ્ય દ્વારા જ તેનો વિચાર કરવાનો રહે છે. હાર થઈ એટલે હાર, પછી ઘોડે ચડીને હોય કે પદ્યના પગે ચાલીને હોય. છંદમાં લખેલી રચના કાવ્ય નથી હોતી. એના હજાર પ્રમાણો છે, ગદ્યરચના પણ કાવ્ય નામ ધારણ કરે તો યે બની જતી નથી... ગદ્ય હોય કે પદ્ય હોય રસરચના માત્રામાં એક સ્વાભાવિક છંદ હોય છે.”[૭] ગદ્ય અને પદ્ય બન્નેમાં કાવ્ય સંભવી શકે છે, પરંતુ શરત એ છે કે કાવ્યરસ એ કેન્દ્રસ્થાને હોવો જોઈએ.

પદ્યમાં જ્યારે કાવ્ય રચાય છે, ત્યારે તેનું આંતરિક સ્વરૂપ (Internal Form) અને બાહ્ય સ્વરૂપ (External Form) બન્ને હોય છે. જેનું બાહ્ય સ્વરૂપ પૂર્વ નિશ્ચિત હોય છે. આ બાહ્ય સ્વરૂપ લય અને પ્રાસ દ્વારા સિદ્ધ થાય છે, જેને આપણે છંદથી ઓળખીએ છીએ. નિશ્ચિત લય એકમોનું આવર્તન સતત એમાં થતું જોવા મળે છે. સમાન ગણના આવર્તનોની પંક્તિ હોય અને પ્રાસ ન હોય તો પ્રવાહી પદ્ય (Blank Verse) અને અસમાન સંખ્યાના આવર્તનોની પંક્તિ હોય અને પ્રાસ હોય કે ના હોય તો મુક્ત પદ્ય (Free Verse) રચાય છે. પદ્યકાવ્યમાં બંધનમાંથી મુક્તિ તરફની ગતિ જોવા મળે છે, તેની સાથે તર્કબદ્ધ અને રેખાકાર ગતિ જોવા મળે છે. પદ્યકાવ્યમાં અર્થ અને ભાવને, વિષયવસ્તુને આ બાહ્ય સ્વરૂપનો આધાર મળે છે. પદ્યકાવ્યમાં સાદ્યંત પદાવલિ અને ઈન્દ્રિયરાગી શબ્દસંગીત વડે અને બાહ્ય સ્વરૂપ દ્વારા પણ કૃતિની આકાર અને એકતા રજૂ થાય છે. ઘણે અંશે પઠન-રીતિ દ્વારા અને લેખન મુદ્રણ વડે પણ એનું સ્વરૂપ ચાક્ષુષ ગ્રાહ્ય બને છે.

ગદ્યકાવ્યનું સ્વરૂપ સાહિત્યના અન્ય સ્વરૂપથી ઘણે અંશે જૂદું પડે છે. એના બાહ્ય સ્વરૂપ અંગે હજી આપણે ચોક્કસ માળખું બાંધી શક્યા નથી. નિરંજન ભગતના મત મુજબ “ગદ્યકાવ્યનું બાહ્ય સ્વરૂપ નથી. એથી એનાં ગદ્યકાવ્યમાં માત્ર આંતર સ્વરૂપ છે અને આ સ્વરૂપનો જ આધાર અને આકાર છે.”[૮] પદ્યકાવ્ય અને ગદ્યકાવ્યના છંદ-લયના સંબંધે રવીન્દ્રનાથ ઠાકુર એક ઉત્તમ દૃષ્ટાંત આપતા કહે છે કે, “કાવ્યની ભાષામાં એક માપ હોય છે, સંયમ હોય છે. તેને છંદ કહે છે. ગદ્યમાં કોઈ વિવેક હોતો નથી તે છાતી કાઢીને ચાલે છે... ગદ્યને કાવ્યની પ્રેરણાથી કલામય બનાવી શકાય છે. ત્યારે એ કાવ્યની ગતિમાં એવું કંઈક પ્રગટ થાય છે, જે ગદ્યના રોજિંદા ઉપયોગની પહોંચની બહારનું હોય છે. એ ગદ્ય છે એ જ કારણે એમાં અતિ માધુર્ય - અતિ લાલિત્યની માદકતા હોઈ શકતી નથી. કોમળ અને કઠણ મળીને એક સંયમભરી રીતિ આપોઆપ ઉત્પન્ન થાય છે. નટીના નાચમાં શિક્ષણથી મેળવેલ કૌશલથી અલંકૃત પગલાં હોય છે. બીજી બાજુ સારું ચાલતી હોય એવી કોઈ તરુણીની ચાલમાં વજન સાચવવાનો એક સ્વાભાવિક નિયમ હોય છે. એ સહજ સુંદર ચાલવાની ભંગિમા એક પ્રકારનો અશિક્ષિત છંદ તેના લોહીમાં હોય છે, તેના દેહમાં હોય છે. ગદ્યકાવ્યની ચાલ એના જેવી જ છે. એ નિયમિત ઉચ્છૃંખલ ગતિ નથી હોતી, સંલત પદપેક્ષ હોય છે.”[૯] ગદ્યકાવ્ય એ સાહજિક છે, એનો લય સાહજિક છે. એમાં પદ્યકાવ્યના બાહ્યસ્વરૂપના છંદ અને પ્રાસ સિવાયના કવિતાના રસતત્ત્વ પ્રગટ કરનારા તમામ સાધનો તો છે જ. લય, અનુપ્રાસ, અર્ધપ્રાસ, પુનરાવર્તન, અન્વય, અલંકાર, પ્રતીક, કલ્પન ઇત્યાદિનો ઉપયોગ-વિનિયોગ તો થાય જ છે. ગદ્યકાવ્યમાં છંદ અને પ્રાસનું તત્ત્વ નથી માટે એ પૂર્વનિશ્ચિત, પૂર્વયોજિત એવું કોઈ તત્ત્વ નથી. ગદ્યકાવ્યમાં પરિચ્છેદ એકમ છે. એથી ગદ્યકાવ્યકારે એના શબ્દેશબ્દ, શબ્દગુચ્છ, વાકયખંડ, વાક્ય, પરિચ્છેદ પર સતત સભાનતાપૂર્વક, એકાગ્રતા સાથે સાવધ રહીને પૂર્વક યોજવાના હોય છે. ગદ્યકાવ્યના ક્ષણે ક્ષણે નાવીન્ય છે અને પદે પદે વિકલ્પ છે, સતત આકસ્મિકતા અને સાહસિકતા છે. તેમાં લયને કોઈ આધાર કે આકાર નથી, પરંતુ ગદ્યકાવ્ય જેમ જેમ વિસ્તરતું અને વિકસતું જોય છે તેમ તેમ તત્કાલ તત્ક્ષણ એનો આધાર અને આકાર રચતું જાય છે. પરિણામે ગદ્યકાવ્યમાં સ્વૈચ્છિકતા અને સ્વાયત્તતાનો ગુણ જોવા મળે છે. ગદ્યકાવ્યમાં લવચિકતા અને મુક્તિ હોવાને કારણે ગદ્યકાવ્યમાં મુક્તિમાંથી બંધન તરફની ગતિ હોય છે. કલ્પનાબદ્ધ અને વર્તુળાકાર ગતિ હોય છે. આ બધાથી તેનું આંતરિક સ્વરૂપ ઘડાય છે. ગદ્યકાવ્યમાં સાદ્યંત સૂર વડે, કાકુ વડે, ત્વરિત કલ્પનો અને પ્રતીકો વડે, આંતર સ્વરૂપ વડે, ગદ્યકાવ્યનો આકાર અને એકતા સિદ્ધ થાય છે. આમ, ગદ્યકાવ્યનું આંતર સ્વરૂપ ઘડાય છે. એના બાહ્ય સ્વરૂપ અંગે સ્પષ્ટ માહિતી મળતી નથી અને એનું જે આંતર સ્વરૂપ છે તે ખૂબ સંકુલ ભાવવિશ્વથી ઘડાયેલું હોય છે. જે કવિની આંતરચેતનામાંથી ઘડાઈને આવે છે. તેનો આકાર અને વિસ્તાર કવિની આંતરસૂઝ, આંતરભાવો અને કવિની આંતર સંવેદનાનું પરિણામ છે.

સંદર્ભ :

1. ગદ્યકાવ્ય, સં ધીરૂ પરીખ,પ્ર. કવિલોક ટ્રસ્ટ-અમદાવાદ, પ્ર.આ. 1985, પૃ.3
2. એજન
3. કાવ્યમાં શબ્દ, હરિવલ્લભ ભાયાણી, આર. આર. શેઠની કંપની, પ્ર.આ.1968. પૃ.75
4. ગદ્યકાવ્ય, સં ધીરૂ પરીખ,પ્ર. કવિલોક ટ્રસ્ટ-અમદાવાદ, પ્ર.આ. 1985, પૃ.8-9
5. એજન પૃ.9
6. એજન પૃ.3-4
7. કાવ્યમાં ગદ્યરીતિ, રવીન્દ્રનાથ ટાગોર, અનુ. નગીનદાસ પારેખ, સંસ્કૃતિ અંક – 202, ઓક્ટો. 1962, પૃ.515-516
8. ગદ્યકાવ્ય, સં ધીરૂ પરીખ,પ્ર. કવિલોક ટ્રસ્ટ-અમદાવાદ, પ્ર.આ. 1985, પૃ.5
9. કાવ્યમાં ગદ્યરીતિ, રવીન્દ્રનાથ ટાગોર, અનુ. નગીનદાસ પારેખ, સંસ્કૃતિ અંક – 202, ઓક્ટો. 1962, પૃ.517-518