Download this page in

સાંપ્રત સમસ્યાઓને દર્શાવતી વાર્તાઓ
(‘પોલિટેકનિક’– મહેન્દ્રસિંહ પરમાર, લટૂર પ્રકાશન, ભાવનગર,પ્રથમ આવૃત્તિ- ૨૦૧૬)

એકવીસમી સદીના આરંભે ૨૦૦૨માં પ્રથમ વાર્તાનાં પ્રાગટ્ય સાથે ગુજરાતી ટૂંકી વાર્તા ક્ષેત્રે પોતાનું નામ પ્રસ્થાપિત કરનારા મહેન્દ્રસિંહ પરમાર ૨૦૧૬માં ‘પોલિટેકનિક’ વાર્તાસંગ્રહ લઈને પ્રવેશે છે. વૈવિધ્ય અને નાવિન્યસભર એમની આ સંગ્રહની દસ વાર્તાઓથી બળકટ વાર્તાકારની ઓળખ મળે છે. આ વાર્તાઓ ‘શબ્દસૃષ્ટિ’, ‘ખેવના’, ‘જલારામ દીપ’, ‘નવનીત સમર્પણ’, ‘તથાપિ’ વગેરે સામયિકોમાં પ્રકાશિત થઈ ચુકી છે. આધુનિકોત્તર ગાળાનાં હિમાંશી શેલત, મોહન પરમાર, સુમન શાહ, અજીત ઠાકોર, શિરીષ પંચાલ, ટેકનિકના અવનવા પ્રયોગોથી ટૂંકી વાર્તા સ્વરૂપને સુપેરે ખેડી રહ્યાં છે.

‘પોલિટેકનિક થી પોસ્ટકાર્ડ સુધી...’ કેફિયત દ્વારા વાર્તાકાર વાર્તાઓના સર્જન સંદર્ભે કહે છે :
“પહોંચતા વરસોના વરસ લાગ્યા. ૨૦૦૨માં પહેલી વારતા પોલિટેકનિક થઇ ત્યારે વાર્તા લખવાની ટેકનિક વિશે કશી સભાનતા નહોતી (‘હવે છે’ કહેવાની સ્થિતિમાં પણ નથી જ !)” અહીં વાર્તાકારનાં ચંચળ રમૂજી સ્વભાવ ધરાવતા વ્યક્તિત્વનો પરિચય મળે છે.

૧૯૯૭માં હિમાંશી શેલતે ‘એ લોકો’ સંગ્રહમાં ‘બારણું’ વાર્તા લખી જેમાં શૌચ માટે બહાર ખુલ્લામાં જતાં સવલી ભારે સંકોચ સાથે ભયગ્રંથિ અનુભવતી એ સંવેદનાને વાર્તાકારે બખૂબી આલેખી છે. સ્ત્રીઓની આ સમસ્યા પ્રતિ ભાગ્યે જ કોઈનું ધ્યાન ગયું હોય. હિન્દી નવલકથાકાર અલકા સરાવગીની નવલકથા ‘કલકથા વાયા બાયપાસ’માં લેખિકાની સ્ત્રીઓની શૌચ સમસ્યાની ચિંતા સ્વાભાવિક છે. જેમણે નાયકના મનમાં આવો વિચાર આરોપિત કર્યો. ‘કે પુરુષો તો શૌચ માટે ગમે ત્યાં જઈ શકે” પરંતુ, સ્ત્રીઓ શું કરતી હશે ? સ્ત્રીઓની આ સમસ્યા પ્રતિ ધ્યાન કેન્દ્રિત કરનાર વાર્તાકાર મહેન્દ્રસિંહ પરમાર ‘પોલિટેકનિક’ સંગ્રહમાં એક નહિ, ત્રણ વાર્તાઓ આપે જે એમની મહિલા પ્રત્યેની લાગણી-સંવેદનાને દર્શાવે છે. આ સંદર્ભે તેઓ લખે છે :
“ હાથ લાધી ગયેલા વિષયને ફરી ફરી ‘વાપરી’ લેવાના વ્યામોહમાં નહીં, પરંતુ એ પ્રશ્ન હજુ યે આપણા સામાજિક ઢાંચામાં અકબંધ ઊભો જોઈ એક જ વિષયની આ વાર્તાઓ થઈ. હજી, વધુ થાય તો થવા દઈશું !”

એમ આ વાર્તાઓના મૂળ કથાબીજ સંદર્ભે તેમની સંવેદના પણ અહીં અભિવ્યક્ત થઈ છે. “પોલિટેકનિક કોલેજની સામેની દીવાલમાં પડેલું બાકોરું અને અવારનવાર ‘કામ પતાવવા’ નીકળતી ડબલાંબધ્ધ બહેનોને જોઈને ઘણીવાર હૃદયમાં બાકોરાં પડતાં ! ભાવનગરની ભૂગોળનાં જુદાં જુદાં ‘ઠેકાણાં’ અંતરની રીતે એકબીજાથી ખાસ્સાં દૂર એવા સ્થળો (સમૂહ) શૌચનાં પ્રશ્ને ‘એક’ થઈ ગયા. દસ વરસ પછી એ ધારાની બીજી વાર્તા ‘હવે કઈ પોલિટેકનિક ?’ લખાઈ ત્યારે જિલ્લાની મેજિસ્ટ્રેટની કચેરી પોલિટેકનિકની સામે ખડી થઇ ગયેલી !”(પૃ.૪.)

‘ જહાં સોચ વહી શૌચાલયની જાહેરખબરમાં ‘અબ યે ઘૂંઘટ તુમ હટા હી દો’ એવી નવવધૂને અપાતી શિખામણ હોય કે ‘ટોઇલેટ એક પ્રેમકથા’ ફિલ્મ હોય જેમાં પણ લેખકની આ વાર્તાઓનું વસ્તુ છે એમ ઘણાં લોકોનું માનવું છે. આ સંગ્રહની આ ત્રણ વાર્તાઓનાં વિષય એક પણ તે સમસ્યાને નોખા-અનોખા પરિમાણોને દર્શાવે છે. સાંપ્રત સમયની રાજકીય, ધાર્મિક, શૈક્ષણિક અને સામજિક સમસ્યા-અભાવગ્રસ્ત પ્રશ્નોને આલેખતી આ વાર્તાઓનું પોત વણાતું જાય છે. સ્ત્રીઓને શૌચાલયની આવશ્યકતા છે એ વાસ્તવિકતાને સમાજે મોડેથી પણ સ્વીકારી. પરંતુ ઘણાં શહેરો એવા છે કે જ્યાં ‘કામ પતાવવા’ ક્યાં જવું ? સ્ત્રીઓની આ મૂંઝવણ હજી યથાવત છે. વળી ગામડાઓમાં આ સમસ્યા એટલી વિકટ નથી. જેટલી શહેરોમાં હોય છે. આ વાર્તાઓમાં સ્ત્રીઓનાં જોમદાર-મિજાજી સ્વભાવનો પરિચય પણ મળે છતાં ભીતરથીતો પેલી સમસ્યાના કારુણ્યને દર્શાવે છે.

અન્ય વાર્તાઓ ‘ઈન્ટેલેક્ચ્યુઅલ ઈન્દુભાઈ’માં કોમવાદી રમખાણ ફાટી નીકળતા સંવેદનશીલ માણસ કેવી અવદશાને પામે છે. ‘ઈસ કી મા કા સુંદરજી’ ફૌજમાં ભરતી થવાના સપના જોતો હેરકટિંગ સલૂનનો વાળંદ ભરત ત્યાંની ભ્રષ્ટ નીતિરીતિ જોઈ હતાશ થાય છે. ‘આઈ.એસ.આઈ.નો હાથ’ માં ધર્મસંપ્રદાયો સામાન્ય જનસમુદાયની આજીવિકા છીનવીને પોતાની અર્થસત્તા મજબૂત કરી રહ્યા છે. એ વાત વ્યંગના સૂરે કહેવાય છે. ‘સાહેબની શોકસભા’માં પોતાની ત્રેવડ નહોતી છતાં સાહેબે અન્યાય કર્યાની પીડા અનુભવતો અખિલેશ સાહેબની હયાતીમાં તેમના મૃત્યુ, અગ્નિદાહ અને શોકસભા સુધીના દીવાસ્વપ્નોમાં રાચે છે. ‘એમ.પી. અજમેરા’માં શિક્ષકોને સરકારી તંત્રની જોહુકમીથી ચૂંટણી કે અન્ય કામમાં જોતરી દે તે વાત હાસ્ય રમૂજ સાથે વ્યંગ્યાત્મક રીતિએ કહી છે. ‘શીર્ષક : હજી નક્કી નથી’માં વાર્તાશિબિરોમાં નવોદિત વાર્તાલેખકોની વાર્તા લખવાની મથામણ અને નિષ્ણાંતો દ્વારા થતી તેની ટીકાટીપ્પણીને રમૂજી શૈલીમાં આલેખી છે. ‘પોસ્ટકાર્ડ જેટલી (જ) વાર્તા’માં Fb, બ્લોગ, ટ્વીટર, વોટ્સેપનો ઉપયોગ મોબાઈલના ઉપકરણથી પોસ્ટકાર્ડની જે અવગતિ થઇ છે તે વાત નોખી પ્રયોગશીલ રીતિ વડે કહેવાય છે.

‘પોલિટેકનિક’, ‘હવે કઈ પોલિટેકનિક ?’, ‘ઊડણ ચરકલડી’ એક કથાબીજમાંથી વિસ્તરતી એકમેક સાથે અનુસંધિત વાર્તાઓ છે. પ્રથમ વાર્તામાં નગરમાં ડેલામાં વસતી બાયું શૌચની વ્યવસ્થા માટે ખેતરના ખોળે, એ.વી. સ્કુલનું મેદાન, ભીખાની ચાલી, રેલ્વે સ્ટેશને ઇન્ટરસીટી ટ્રેન, દુકાળિયા તળાવ જેવા સ્થળો ખુંદી વળેલી. કોર્પોરેશનની ચૂંટણીવેળા નેતાઓને કહી આવેલી કે ‘પેલા વેવસ્થા પછી મત’. વ્યવસ્થા તો થઇ પણ ‘બેયની હાલત વસ્તીથી ઊભરતા ભારત દેશ જેવી થઈ !’ રમણની વહુ નવી સવી પરણીને આવેલી એણે બળવો કરેલો : ‘દિવસે જવું હોય તો શું કરવાનું ? ત્યારે સાસુએ કહી દીધેલું : અમદાવાદ જતા રે’વાનું !’ વાર્તાના આરંભે આવતું વિધાન : ‘માંડ સમુસૂતરું ચાલતું’તું ત્યાં પોલિટેકનિકનું ય બંધ થયું.’ સમસ્ત સમાજની આ ગંભીર સમસ્યા છે. વળી સ્ત્રીઓના એક પછી એક સ્થળ કઈ રીતે છીનવાય ગયા તે કરમ કઠણાઈ વાર્તામાં વર્ણવી છે. ચોથા દિવસે બાયુંનું લશ્કર રાતે પોલિટેકનિક પર કૂચ કરી તેની દીવાલમાં પાંચ ફૂટનું બાકોરું પાડી દે છે. બાયુંનો આક્રોશ : ‘હમજે છ શું પિટ્યાવ ! મુઆંવ ! હવે ચણો વંડીયું !’ કાઠિયાવાડી લય લહેકાવાળી બોલીમાં આખો સંવાદ અભિવ્યક્ત થયો છે. વાર્તાન્તે : ‘દિવસનાં પોલિટેકનિકનાં છોકરા-છોકરી આવી જાય, પાણીપૂરી વાળાને તડાકો તો બીજી તરફ રાતના સમયે સ્વર્ગની બારી જેવા બાકોરામાં ડેલાની બાયું એક પછી એક વટ્ટથી જતી હોય છે. એટલે હમણાં તો પોલિટેકનિક રાત દિવસ ધમધોકાર ચાલે છે.

અભાવગ્રસ્ત દશા વેઠતી બાયુંની સમસ્યાને અનુસંધિત વાર્તા ‘હવે કઈ પોલિટેકનિક ?’ માં પાંચ વરસ સુધી તો બાયુંનો ‘પ્રોગ્રામ’ ‘વ્યવસ્થિક’ ચાલ્યો. પછી ધણીનો ધણી કોણ ? તો કે કલેકટર જે પેલી પોલિટેકનિકનાં બાકોરાવાળી જગ્યાને તારની ફેન્સિંગ કરાવી બંધ કરે છે ત્યાં હવે કલેકટર કચેરીનું મકાન બનશે. ડેલામાં ટી.વી. આવી ગયેલાં ત્યારે બાયુંએ ટીખળ કરેલી કે : ‘ટીવી આવ્યા – જોવાનાં ડાબલા આવ્યા પણ ‘જાવા’ના તો આ પોલિટેકનિકનાં જ !’ વિટંબણા જ એ છે કે સ્ત્રીઓ માટે શૌચાલય બનાવડાવાનું કોઈને ના સૂઝે ના સમાજ કે ના સરકારને. બધા ઉપાયો અજમાવી હારેલી સ્ત્રીઓ કલેકટરને મળવા પહોંચી. જેને માત્ર કચેરીનું મકાન બનાવી મુખ્યમંત્રીનાં હાથે ઉદઘાટન કરાવવામાં જ રસ છે. પણ ડબલાપલટણથી ગભરાયેલા કલેકટરે ડેલા સામે “શૌચાલયરથ” મૂકાવી હાલ પૂરતી વ્યવસ્થા કરાવી. પરંતુ આ સુખે ઝાઝુ ના ટક્યું. “શૌચાલયરથ” અન્ય શેરીમાં ફેરવી દેવાયો. જે દર્શાવે છે કે આ ગંભીર સમસ્યા માત્ર એક ડેલાની બાયુંની નહિ, સમગ્ર સમાજની છે. વાર્તામાં રમણની વહુ તો ત્યાં સુધી વિચારે છે કે : “મૂઓ ધણી, મૂઈ મારી સાસુ, મૂઈ બાયુંને મૂઓ આ ડેલો. છૂટાછેડા જ કરાવી લઉં,” પરંતુ વાસ્તવમાં આવી કૌટુંબિક પરંપરાને તોડી વિસંવાદિતા દર્શાવવાના પક્ષમાં વાર્તાકાર નથી. ઘીના ઠામમાં ઘી ઠલવાય રહે તેમ સમાધાનપૂર્વક બધું ચાલે છે.

‘ઊડણ ચરકલડી’માં પરણીને સાસરે ગયેલી જીવી પિયરમાં કોઈ સુવિધા ન હોવાથી સગાભાઈનાં લગ્નમાં પંદર દિવસ આગળ જવાનું હતું છતાં બહાના બતાવીને મંડપમૂહુર્તમાં પહોંચે અને તે આવતાં –જતાં દૈનિક ક્રિયા રેલ્વે ટ્રેનમાં જ પૂર્ણ થાય એવી ગોઠવણ કરે છે. પિયર છોડી સાસરે જતી કન્યા માટે આ ઊડણ ચરકલડી શબ્દ વપરાય છે. પણ જીવી તો સુવિધાવાળું સાસરું છોડી મા-બાપ –ભાઈને મલવાયે જતી નથી.એ તો પિયરની પેલી ‘રામસભા’ને જ ભૂલી જવા માંગે છે. ભૂતકાળની એ કડવી સ્મૃતિ અહીં ઉજાગર થાય છે. એકવાર રામસભા માટે ટ્રેનમાં ગયેલાને અચાનક ટ્રેન ચાલુ થઇ જતાં છેક પાંચ કિ.મી. ચાલતા આવવું પડેલું. વર્તમાનમાં તો વર અને સાસુ એ જ જીવીની દુનિયા. વાર્તામાં અન્ય સ્ત્રીઓ દ્વારા બોલાતા વાક્યો-ચાટુક્તિ વાર્તાકારની શૈલીને દર્શાવે છે. જેમ કે : ‘આવડી આ ઊડણ ચરકલડી તો નવી નવાઈની પણી છે.’ – અંદાદ ગઈ સે ને સનેલત્તા થઈ ગઈ સે !’ ડોશીનુંય ગણગણ – “લ્યો મડમડી મંડપ મૂરતમાં આવે સે !’ સ્ત્રીની સ્વભાવગત લાક્ષણિકતાને માણવાની એક અલગ મઝા છે.

‘ઇન્ટેલેક્ચ્યુઅલ ઈન્દુભાઈ’માં કોમવાદી રમખાણથી સંવેદનશીલ માણસ કેવો તીવ્ર આઘાત પામે તે આલેખાયું છે. ઈન્દુભાઈ અધ્યાપક છે. કોલેજનાં માથાભારે છોકરાઓ પરીક્ષામાં હથિયાર લઈ બેસતા ચોરી કરતાં જેમને અટકાવનાર માત્ર આ ઈન્દુભાઈ છે. એમનું વિસ્તૃત વાંચન-અધ્યયન તેમની વિદ્વતાનું પ્રમાણ ડ્રોઈંગરૂમ પુસ્તકોથી ભર્યો ભર્યો છે. મુંબઈ વ્યાખ્યાન આપવા ગયા ત્યારે કોમવાદી રમખાણ થયા. ઈન્દુભાઈ જે ભાડાના મકાનમાં રહેતા તે ‘સામાવાળાનું’ એટલે લોકો એ સળગાવી દીધું જેમાં ઈન્દુભાઈનાં બધા પુસ્તકો બળીને ભસ્મીભૂત થયા. જે વિદ્યાર્થીઓને એમણે ભણાવેલા તેમના હાથમાં નોટપેન હોય ત્યાં આજે ખંજર-એસિડ બોટલ જોઈ તેઓ હચમચી ગયા. તેઓને સમજાવવા ગયા તો અપમાનિત થયા. ચારે તરફ આતંક, લૂંટફાટ, માણસોને જીવતાં સળગાવી દીધાના અહેવાલથી ઈન્દુભાઈ માનસિક સંતુલન ગુમાવી બેસે છે. ‘સામેવાળા’ ને ‘આપણાવાળા’માં વહેંચાયેલા લોકો તદ્દન લાગણીજડ થઈ ગયા છે. સાંપ્રત સમય ઘણો કટોકટી પૂર્ણ છે. જેમાં ઈન્દુભાઈ જેવાનું કોઈ ન સાંભળે. તેમની સંવેદના પર કુઠારાઘાત થાય એ વાસ્તવને વાર્તાકાર દર્શાવે છે. આ સમસ્યાને દર્શાવતી અન્ય વાર્તાકારોની વાર્તાઓ સુમન શાહની ‘ઈ.ઈ.ડબલ્યુ યાને સંકટ સમયની બારી’, હિમાંશી શેલતની ‘આજે રાતે-’, દલપત ચૌહાણની ‘ટ્રક ન ઉપડે તો’, વર્ષા અડલજાની ‘ચાંદલો’, મીનળ દવેની ‘ઓથાર’ વગેરેનું સ્મરણ થાય.

‘ઇસકી મા કા સુંદરજી’માં હેરકટિંગ સલૂનમાં કામ કરતો ભરત ફૌજી બનવાના સપના જુએ છે. તેનું માનવું છે કે સરહદ પર જે તંગદીલી સર્જાય તે નેતાઓ કે પોલીસથી કાબુમાં ના આવે એ માટે તો ફૌજીની જ જરૂર પડે. વાળંદનું કામ કરતો ભરત એક તકિયાકલામ બોલતો એ આ વાર્તાનું શીર્ષક છે. વાર્તાનાયકના સૂચનથી ભરત ફૌજીની ભરતી માટે ટેસ્ટ આપવા ગયો. ભરતી મેળો જોઈ એ વિચારે છે કે : “ભરતીમાં જાવા કરતાં ભરતી હોય ન્યા કેળાની લારી લઈને ઊભા રહી જાય તો કમાણી થાય.” વળી પચાસ હજાર આપો તો લઈલે બારોબાર. વાર્તાકારે અહીં બેકારીની તો બીજી તરફ લારી લઈને ઊભા રહો તો ફૌજી બન્યા કરતાં વધુ કમાણી થાય એ વાત વક્રતાપૂર્ણ રીતિમાં કહી છે. દેશભક્તિથી પ્રેરિત ભરત ત્યાંની વાસ્તવિકતા જોઈ નિષ્ફળ થઈ પાછો હેરકટિંગ સલૂનનાં કામમાં જોતરાય જાય. ભરતની વાતો સાંભળી હવે વાર્તા કથકની મનોસ્થિતિ પણ કાબુ હેઠળ નથી. જેથી એ નિર્ણય કરે છે કે : ‘હવે માથું કાશ્મીરનું જંગલ થઇ જાય કે ગિરનારી બાવાની જટા થઇ જાય.... ને ઘરવાળી ધમકાવે તો ય ક્યાંય જવું જ નથી ને ! ઇસકી મા કા સુંદરજી !!’ હળવાશ પૂર્ણ શૈલીમાં કહેવાતી આ વાર્તામાં ભરતના સપના અધૂરા રહેતા હતાશા-નિરાશા એને ઘેરી વળે, એવી જ તાણ અનુભવતો વાર્તાકથક પણ અંતે નિર્ણય કરે આમ, બંનેની સંવેદના અહીં એકરૂપ બને છે.

‘આઈ.એસ.આઈ.નો હાથ’માં ગામમાં બંધાતા મંદિરમાં બોમ્બ વિસ્ફોટ થયો જેની પાછળ હંમેશા જવાબદાર ગણાતા આઈ.એસ.આઈ.નો હાથ હોવાની શંકા છે. તપાસ કરતાં પોલીસ જે ગુનેગારને પકડ્યા તે પાકિસ્તાની આઈ.એસ.આઈ.ના નહોતા પરંતુ ધાર્મિક સંપ્રદાયો પોતાની અર્થસત્તાને મજબૂત કરવા સામાન્ય જન સમુદાયની રોજીરોટી છીનવી જે ઘોર ખોદી રહ્યા છે. એ પ્રવૃત્તિ આઈ.એસ.આઈ.ની પ્રવૃત્તિ કરતાં કંઈ ઓછી નથી. તપાસના અંતે એસ.પી.એ. આરોપીના નામ આપ્યા. તેમાં ભંગારીયો ડાભી, કેટરિંગ પેઈંગગેસ્ટનો ધંધો કરતો શરદ, પ્રોફેસર ધોળકીયા સામેલ છે. આ વાડી(ધર્મ સંપ્રદાય) એ આ બધાંને ધંધા વિનાના કર્યા તેનો રોષ હતો. પૂણ્ય કમાવા લોકો પસ્તીને ધર્મસંસ્થામાં આપતાં તેથી ભંગારવાળો બેકાર બન્યો. શરદના કેટરિંગનો ધંધો ભાંગી પડ્યો. જેની વાત સાંભળી એસ.પી. અતીતની સ્મૃતિમાં રાચે છે. એસ.પી.નો પુત્ર અનિકેત પિતાથી ઉપરવટ જઈને એન્જિનિયરીંગનું ભણવાનું અધૂરું મૂકી મહાત્માનો દોરવાયો અમેરિકા ગયો. ત્યાં સેટલ થવા માંગતો હતો. એમ ના થતાં પાછાં ફરી નોકરી માટે વલખા મારતો રહ્યો.

આ ધાર્મિક સંપ્રદાયો (વાડી) દવા વેચવાનો, જમીનનો, હેલ્મેટ વેચવાનો, શિક્ષણનો, જમાડવાનો બધો જ ધંધો ફેલાવી રહ્યાં છે. આ વાળીને જડમૂળથી જ ઉખાડવા કાવતરું રચ્યું પણ નિષ્ફળ ગયા. વાર્તાન્તે વાડીના મહાત્માઓ આ ત્રણે દોષિતોને માફ કરી ધર્મ સંપ્રદાયના જુદા જુદા હોદ્દા પર નિયુક્ત કરી પ્રશંસા મેળવે. આવી વક્રતાપૂર્ણ નીતિરીતિ જોઈ આઘાત પામી એસ.પી. ક્યાંક ચાલ્યા ગયા. એસ.પી.નું અતીતમાં સરી જવું કે વક્ર નીતિ રીતિ જોઈ ચાલ્યા જવું એવી સંવેદનાની એકાત્મકતા રચાતી નથી. જે વાર્તાકારની મર્યાદાને દર્શાવે છે. વાર્તામાં એક ઘટના નિમિત્તે બોલાતા વિધાનો વાર્તાકારની કલાત્મકતા ને દર્શાવે જેમ કે : ‘અરે... રામ શું કળજગ બેઠો છે ! મારા હાળા હવે મંદિરનેય નથી મૂકતા...’, ‘ચૂંટણી આવે છે તે કંઇક મોરલાવ અંદરખાને કળા કરતાં હોય એમાં આઈ.એસ.આઈ.ની ક્યાં કર છ ?’

‘સાહેબની શોકસભા’ વાર્તામાં અખિલેશકુમાર કોલેજમાં મધ્યમકક્ષાના વિદ્યાર્થી ભણવામાં કંઈ ઉકાળી ન શક્યા. સાહેબનાં માનસપુત્ર ગણાતા જેમની અન્ય વિદ્યાર્થીઓની સરખામણીમાં અધ્યાપક બનવાની લાયકાત ઓછી પડતા સાહેબના કહેવાથી પોસ્ટ ઓફિસની નોકરી સ્વીકારી. પોતાને અન્યાય થયો એમ લાગતા અખિલેશ સાહેબની હયાતીમાં જ તેમના મૃત્યુ, અગ્નિદાહ અને શોકસભા સુધીના દીવાસ્વપ્નમાં રાચે છે. બીજા પુરુષ કથન કેન્દ્રમાં વાર્તા કહેવાય છે. વાર્તાન્તે જ્યારે અખિલેશની પત્ની તેમને સાહેબનાં ઘરેથી સાહેબનો ટેલિફોન આવ્યાની જાણ કરે ત્યારે જ વાચકને ખ્યાલ આવે છે કે સમગ્ર વાર્તા અખિલેશનાં દીવાસ્વપ્નમાં જ ચાલે છે. સાહેબનું શબ્દચિત્ર તો વાર્તાના આરંભે જ સ્પષ્ટ થઇ જાય છે. એટલે વાર્તામાં એનો પ્રસ્તાર કઠે એવો છે.

‘એમ.પી. અજમેરા' વાર્તામાં નરેન્દ્રકુમાર અજમેરા એ (એમ.એ..સંસ્કૃત વિશેષ યોગ્યતા) નિષ્ઠાવાન શિક્ષક છે. જેઓ વાર્તામાં મુખ્ય કેન્દ્રબિંદુ છે. નિવાસી કલેકટરનાં ધર્મપત્નીને નિશાળના બાગમાંથી ફૂલ તોડતા જોઇને અજાણતાં આચાર્યએ તેમને ખખડાવ્યા. આટલી ભૂલ એમને મોંઘી પડી. પછી તો વિધાનસભાની ચૂંટણીમાં એકે એક કર્મચારીને બહારવટિયાની ભૂમિ કુંડલામાં કામગીરી સોંપી દીધી. અજમેરાને તો પ્રિસાઈડીંગની જવાબદારી સોંપી. સરકારની જોહુકમીથી શિક્ષકોએ પોલિયો અભિયાન, વસતી ગણતરી અને હવે ચૂંટણીની માથાભારે કામગીરી કરવી પડતી હોય છે. વાર્તાકારે અજમેરાની દયનીય અવદશાનું રમૂજી ચિત્રણ કર્યું છે :
“ભારતની લોકશાહી વિશે ચિંતા કરતાં આખી રાત ફફડતા જીવે ઊભડક પસાર કરેલી. સવારમાં ચાર વાગ્યામાં પ્રાતઃકર્મ પતાવી લેવાના દબાણમાં નિશાળની ટાંકીથી જલપાત્ર ભરી જતાં હતા ત્યાં મતપત્રકોની ચિંતા પેઠી. એક થેલીમાં લીધા સાથે. એક હાથમાં જલપાત્રને બીજા હાથમાં મતપત્રો !”

આ બધી લમણાઝીંકમાંથી છૂટવા અજમેરા લોકસભાની ચૂંટણીમાં નામાંકનપત્ર ભરી ચૂંટણી લડી કુલ બાવીસ મત મેળવે છે. હવે બધાં જ તેમને એમ.પી. અજમેરા કરીને બોલાવે છે. હાસ્યરસ સાથે શિક્ષકોની અવદશાનું સંવેદન આલેખાયું છે. અજમેરા ચૂંટણીમાં નામાંકનપત્ર ભરી આવી કામગીરીથી છૂટી જાય છે. પરંતુ વાસ્તવમાં આવી શક્યતા નહિવત છે. આવો વાર્તાનો અંત થોડો ફીક્કો લાગે છે.

‘શીર્ષક : હજી નક્કી નથી’ વાર્તામાં સુ.જો.સા.ફો.ની વાર્તાશિબિરોમાં નવોદિત વાર્તા લેખકોની વાર્તા લખવાની મથામણ અને સામે બેઠેલા માસ્ટર્સ દ્વારા થતી ટીકા ટીપ્પણીને રમૂજી શૈલીમાં આલેખી છે. નવોદિત દ્વારા લખેલી વાર્તાનું થીમ દ્વિરેફની ‘મુકુન્દરાય’ જેમાં બાપ-દીકરાના તણાવભર્યા સંબંધોનું આલેખન હતું. તેવી છે. એમ નિષ્ણાંતો માને છે. વળી વાર્તાની ક્ષણ પણ નવોદિતે બરાબર પકડી છે. જેમ કે પિતા-પુત્ર વચ્ચે અણબનાવ, ડોક્ટરનું ભણતો પુત્ર, પુત્રના હાથે અગ્નિસંસ્કાર ન ખમવો પડે એટલે વીલ લખી મેડિકલમાં દેહદાન કર્યું, એમ.બી.બી.એસ.ના બોમન ઈરાની જેવા ડીન, ફર્સ્ટ ઈયરનાં વિદ્યાર્થીઓ પિતાનું શબ જોઈ કશ્યપ (પુત્ર)નું લાગણીશીલ થવું, ડેડની ડેથબોડીને કારણે જ કોલેજની બહેનપણી સાથે અણબનાવ વગેરે ઘટનાઓ છે. પરંતુ અમુક માસ્ટર્સનું મંતવ્ય છે કે આ નવોદિત વાર્તાકારને નૈતિકમૂલ્યોની કોઈ પરવા નથી. અશ્લીલ લખે છે. તો કોઈને આમાં કંઈ વાંધાજનક લાગતું નથી. આવા વાર્તાશિબિરોમાં પશ્ચિમપૂર્વનાં વિવેચનાત્મક અભિગમની એકવિધતા તથા પરિભાષાનું મૂલ્ય-અવમૂલ્યનનું સુંદર ચિત્રણ અહીં છે.

‘પોસ્ટકાર્ડ જેટલી (જ) વાર્તા’માં પ્રયોગશીલતા તેની કથનશૈલી અને લખાયેલા પોસ્ટકાર્ડને યથાવત છાપીને વાર્તાકારે નોખી ભાત રચી છે. અંગ્રેજી શબ્દનો વધુ ઉપયોગ કર્યો છે. વળી આજે આપણી માતૃભાષા અને સંસ્કૃતિ-સંસ્કારોનું અવમૂલ્યન થઇ રહ્યું તે દર્શાવવા વાર્તાકારનું આ વિધાન જુઓ : ગૂગલમાં જઈને આજની પેઢી શક્કરખોર Search કરે એવી છે.’ વર્તમાનમાં તો Fb, Wapp-બ્લોગની જે વાહવાહી થાય છે. વાર્તાનાયક ચિત્રાંગ 40 વર્ષથી બેંગ્લોરમાં રહે છે. જેને મિત્ર દ્વારા લખાયેલ પોસ્ટકાર્ડ મળે છે. ને ચિત્રાંગ મિત્રના ગામ આવે છે. જે મિત્રને તે disordered Personality ગણાવે છે. મિત્રએ પોસ્ટકાર્ડમાં જે વાતો લખી છે તેમાં ટપાલપેટીનું મરણ, ટપાલખાતાની હડતાલ, કુરિયરવાળા પણ વધારાનો ગ્રહ બન્યા, મોબાઈલ પર વાતો કરતી આજની યુવાપેઢી, ભડકે બળતું સુંદર ગામ વગેરેનો ઉલ્લેખ થયો છે. પોસ્ટકાર્ડ્સ અને બ્લોગમાં ભાષાનું કોમ્યુનિકેશન આમ વિવિધ પરિમાણો આ વાર્તાના કથાનક વડે વાર્તાકારે નિપજાવ્યા છે. ટપાલપેટીનાં પતનમાં આજે Fb, બ્લોગ, Wapp, ટ્વીટરના આગમને જે ભરડો લીધો છે. મોબાઈલ પર વાંકી ડોકે વાત કરતાં આજના જનરેશનને પણ વાર્તાકાર નથી ભૂલ્યા. એક કથન કેન્દ્રમાં નહિ બહુ પરિમાણી કથન કેન્દ્રથી ભાષાનું પોત વણાયું છે. શ અને સ નો ઉચ્ચાર હોય કે માતૃભાષાનું પણ જાણે મૂલ્ય નથી રહ્યું. વાર્તાન્તે ચિત્રાંગ મિત્રનું પોસ્ટકાર્ડ બ્લોગ પર મૂકી બ્લોગ ડિલીટ કરી મિત્રની જેમ પોસ્ટકાર્ડ લખવાનું નક્કી કરે કારણ એને ખાતરી છે કે ખોવાયેલ મિત્ર દુનિયાનાં કોઈ ખૂણેથી તો જવાબ આપશે. પ્રવર્તમાન સમયમાં આપણે પણ મોબાઈલ જેવા ઉપકરણમાં બ્લોગ-Fb-Wapp-ટ્વીટરમાં વપરાતી ભાષાને ગ્રાહ્ય કરતાં શીખી ગયા છીએ.

પરંતુ વાર્તા સંગ્રહની કેફિયતમાં વાર્તાકાર નોંધે છે કે : ‘ફેસબુક’ કે અન્ય માધ્યમોમાં નવલેખકોને મળતા તત્કાળ પ્રતિભાવને જોઇને ઈર્ષ્યા થાય-પણ એમાં કૃતિ તરતી કરવાનું મન ન થાય !”(પૃ.4) વાર્તાકારની આ ચિંતા પણ યોગ્યજ છે.

વળી, સંગ્રહની આ વાર્તા ટેકનિકની રીતે કે પોસ્ટકાર્ડ અને બ્લોગનાં Jaxtapose અને કથન રીતિએ પણ વૈવિધ્ય દાખવે છે. જે સંદર્ભે અનુઆધુનિક કાળમાં વાર્તાકાર નોંધે છે તેમ : “પોસ્ટકાર્ડ નામની વિલુપ્ત થતી પ્રજાતિ અને પ્રત્યાયન વિહીન ‘સંચાર’ની કરુણતા એમાં અભિપ્રેત છે. સ્થળ સમયને ઓળંગી જઇ સ્થળ-સમયમાં રહેવાની મથામણ પણ ખરી.”(પૃ.5)

‘પોલિટેકનિક’ની આ વાર્તાઓ દ્વારા વાર્તાકાર મહેન્દ્રસિંહ પરમારની કાબેલિયત, નાટ્યક્ષણના પરખંદા, સંવાદો વડે ચરિત્રોને ખીલવતાં જઈ, ભાષા કર્મની સુંદર સજાવટ અને કાઠિયાવાડી બોલીના આરોહ-અવરોહ સાથેની રજૂઆતમાં તાજગી અને નાવીન્યતા વર્તાય છે. પોસ્ટમોર્ડન યુગમાં ‘પોલિટેકનિક’ સંગ્રહનું શીર્ષક પણ યથાર્થ છે. રમૂજ પ્રેરે તેવી શૈલી જાણે એમના વ્યક્તિત્વની ઓળખ પણ બને છે. શબ્દ દ્વારા રમત કરતાં સંવેદનાને ધારદાર રીતે અભિવ્યક્ત કઈ રીતે કરી શકાય તેવી રમૂજ વાર્તાકારમાં સવિશેષ છે. જેમાં વ્યંગ, કટાક્ષ, લાઘવ, રમૂજ, હાસ્ય, વ્યક્તિવિશેષ, સમસ્યા, જુસ્સો, નાગરીપરિવેશના વિવિધ ભાવોને પામી શકાય એવા અનેક દ્રષ્ટાંતો એમની વાર્તાઓમાં પડેલાં છે. જેના કેટલાક દ્રષ્ટાંતો જોઈએ :
• ‘ભગવાનને ય આંયા બેહણાં કરવાનું હૂઝ્યું’(પૃ. ૩)
• એમાં ગાવસ્કરનાં ગગલાવને સચિનના સગલાવને ‘નાઈટક્રિકેટ’નાં ચહરકા ઉપડ્યા ! (પૃ. ૨) (પ્રાસયુક્ત ગદ્ય)
• બાયુંને તો વગર અડ્યે જ કરંટ લાગ્યો. એક તો ઓલો ‘રાતની ટેવ’ વાળો કરંટ ને બીજો બાકી હતો તે આ બાર’નો. તારનો (પૃ. ૮)
• બાયું અચંબિત. કલેકટર ભયમુક્ત (લાઘવ)
• ‘દેશભક્તિ કાંઈ કોઈના ફાધરનો ઈજારોનથી’ (પૃ. ૨૯)
• આ કયા સુતાર આગળ વેતરાવ્યા. (રમૂજ-હાસ્ય) પૃ. ૨૫.
• કોલેજમાં ઈન્દુભાઈના નામનો ટપ્પાકો ! – ધત ! સટ્ટાકો ! (પૃ. ૨૨)
• વાર્તાનું તળ ભેદાશે કે એનું શિર છેદાશે – એવી અવઢવમાં (પૃ. ૫૬)
• મૂંડો કરી નાખું આતંકવાદીઓનો (પૃ. ૨૯) (જુસ્સો)
• વૈદર્ભી વનમાં વલવલે !’
• કહાઁ સે હાલી નીકળતા હૈ લબાડ ? ચલા હૈ ફૌજી બનને (પૃ.૩૭)
• ‘શહેર હજી આફરીને ઢમઢોલ નહોતું થયું’(પૃ. ૧) (નગરજીવન)

એક કરતાં વધુ વ્યક્તિ દ્વારા બોલાતાં- વિધાનો ચાટુક્તિ એક જ ઘટના સંદર્ભે ‘આઈ.એસ.આઈ.નો હાથ’ વાર્તામાં આવે છે.જેના ઉદા.
• ‘આપણા ગામમાં હવે કોતક થાવા માંડ્યા !’
‘અયોધ્યામાં થાય, અક્ષરધામમાં થાય, પણ આપડા ગામમાં ય તે ?
‘ના, ના, આપડું ગામ પાછું બવ સોનાનું ! યાદ કરો ગોધરા વખતે શું થ્યું’તું.’
હું તો કઉ છું આઈ.એસ.આઈ. વાળનો હાથ નીકળવાનો જો જો...’
‘તને શું ખબર પડે ? ચૂંટણી આવે છે તે કંઈક મોરલાવ અંદરખાને કળા કરતાં હોય ! એમાં આઈ.એસ.આઈ.ની ક્યાં કર છ ?
• ‘અદના કલેકટરને ગધના નેતાઓને સરસ્વતી સંભળાવતી બાયુંએ માંડ પતાવ્યું.’(પૃ.૮)
• હાળાંવ, અમારો મેળ વિખાઈ ગ્યોસ ને તમને ન્યાં જ જગ્યા મળી !’ (પૃ. ૧૨)
• હેટ્સ ઓફ તું ધી યંગ રાઈટર, સજેસ્ટિવલી હેન્ડલ કરી છે એ ઇવેન્ટ. (પૃ. ૬૨)
• ‘એ ઠોઠડી તમારી નોટ્સ વાંચીને પ્રોફેસરણી થઈ ગઈ.’(પૃ. ૫૧)
• ‘અપશોચ’, ‘જસ્ટીફાય’, ‘ડેપુટેશન’, ‘પમ્મર’, ‘બેટરહાફ’, ‘આલહ વિલહ’, ‘જેન્યુઈન’ જેવા શબ્દ પ્રયોગોનું વૈવિધ્ય છે.

સંગ્રહની આ વાર્તાઓના નોખા કથાનક અને કથનકેન્દ્રની વિવિધ તરેહોથી વાર્તાકાર પૂર્ણપણે પરિચિત છે. સામાજિક અને રાજકીય, ધાર્મિક કે શૈક્ષણિક સ્તરે જે ગંભીર સમસ્યાઓ વકરી ગઈ છે. જે વાર્તાઓની કલાત્મકતા જળવાઈ એમ વાર્તાકાર સભાનપણે વ્યક્ત કરવાની ક્ષમતા ધરાવે છે. ‘પોલિટેકનિક’ની વાર્તાઓ સાંપ્રત સમસ્યાઓને દર્શાવતી હોય એવી વૈવિધ્ય અને નાવીન્ય દાખવતી શૈલીને લીધે લાંબા સમય સુધી ચોક્કસપણે લોકોનાં સ્મરણપટ પર વિસ્તરતી રહેશે એમ કહી શકાય. તાજેતરમાં આ સંગ્રહને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક વર્ષ ૨૦૧૬ માટે દ્વિતીય પારિતોષિક પ્રાપ્ત થયેલ છે. મહેન્દ્રસિંહ પરમારને અભિનંદન.