Download this page in

ભક્તિએ બેઠો મ્હોર : ભજન

આર્ષદૃષ્ટા ઋષિમુનિઓ સુપેરે જાણતા હતા કે માનવીને કોઈપણ પ્રકારનો બોધ ગદ્ય કરતા ગેય સ્વરૂપ ધરાવતા પદ્યના માધ્યમ દ્વારા વધુ અસરકારક પદ્ધતિથી આપી શકાય છે. આવી અધ્યાત્મભાવસભર રચનાઓનું સર્જન ઈશ્વરને જ કરવામાં આવ્યું હોય તેનું નામ ભજન. “ભજ્” ધાતુમાંથી આવેલો ભજન શબ્દ એટલે ઈશ્વર માટે કરવામાં આવેલી સ્તુતિ કે ભક્તિપૂર્વક ઈશ્વરનું યશોગાન. ભક્તના ભક્તિ સાથે હૃદયના તાર જોડાતા અનુભૂતિઓ પ્રગટે છે ત્યારે તેના હૃદયમાં ઉદ્ભવતા ભાવસ્પંદનોની અભિવ્યક્તિ એટલે જ ભજન.

ભજન-સાહિત્યનો 14મી સદીથી થયેલો વિકાસ દરમ્યાન મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સંતકવિઓએ અનુભૂતિજન્ય ભક્તિરસથી સભર કાવ્યરચનાઓ કરી હતી. તેમાં જ્ઞાન-વૈરાગ્ય-ભક્તિની કવિતામાં પોતાનો અમૂલ્ય ફાળો આપનાર નરસિંહ મહેતા (ઈ.સ. 1410-1480 આશરે) છે. “નરસિંહ મધ્યકાલીન ગુજરાતનો શ્રેષ્ઠ ઊર્મિકવિ અને ગુજરાતી ભાષાનો આદિકવિ ગણવામાં આવે છે અને આજે પાંચસો વર્ષ પછી પણ તેના આ પદ હસ્તપ્રતોરૂપે સચવાઈને લોકમુખેળા ગવાતાં ગવાતાં આપણી પાસે આવી શક્યા છે.[1]” મીરાંબાઈની ભક્તિસભર કાવ્ય રચનાઓ કૃષ્ણ ભક્તિના અનુભૂતિમાંથી જન્મી હતી, ભગવાન સાથે સીધો સંપર્ક સ્થાપિત થયો હોવાથી તે ગિરિધર સિવાય કોઈને ગુરુ તરીકે સ્વીકારી શકે નહીં. “મેરે તો ગિરિધર દોપાલ દૂસરો ન કોઈ [2] ।” વળી વિક્રમના સત્તરમાં સૈકા પછીના સવાસો વર્ષ દરમ્યાન અખો, પ્રેમાનંદ, શામળ જેવા પરસ્પર ભિન્ન પ્રતિભા વાળા ત્રણ કવિઓ પોતાના ગાનથી ભરી દે છે, તે પછી ઈ.સ. 1846માં સૌરાષ્ટ્રમાં ગંગાસતીનો જન્મ થયો એવું અનુમાન છે. ગંગાસતીન ભજનોમાં ભક્તિ યોગ અને જ્ઞાનનો ત્રિવેણીસંગમ જોવા મળે છે, જે અનુભૂતિના સ્તર પર છે.[3] વર્તમાનકાળમાં સ્વામી રાજર્ષિ મુનિ જેવા સિદ્ધિઅભિમુખ યોગીની “સુધાબિંદુ” ભજનાવલિમાં જ્ઞાન-ભક્તિ-યોગના અનુભૂતિના સ્તરે રચાયેલાં ભજનો જોવા મળે છે. “અરે, માનવ કદીક તારા શરીરમાં ખોજ કરી લે.”[4]

ઉચ્ચતમ ગરીમાએ પહોંચતાં આ ભજનોમાંથી ઉત્પન્ન થતા શબ્દ, સૂર અને સંગીત વડે શ્રોતાજનનું હૃદય આર્દ્ર બને છે, પ્રેમસભર આર્દ્રતાના સંસ્કારથી સંચિત થયેલ હૃદયમાં જ ભક્તિ પ્રગટ થવાની ઘટના બને છે. આ ભક્તકવિઓએ પોતાનાં પદો-ભજનો લોકબોલીમાં રચ્યા હોવાથી વૈવિધ્યસભર સાંસ્કૃતિક અને નૈતિક મૂલ્યોની જાળવણીનું કાર્ય અવિરત ચાલુ જ રહ્યું છે.

“ગુજરાતી સંગીતમય ભજનોના વિવિધ પ્રકારો આ મુજબ છે.”[5] (1) આરતી – સગુણ ઈશ્વરની ઉપાસનામાં ષોડશોપચાર પૂજા નિમિત્તે ઉત્પન્ન થયેલો આ પદ પ્રકાર મંદિરોમાં પ્રચલિત બન્યો. (2) થાળ – ભગવાનને પ્રેમપૂર્વક ભોજન સ્વીકારવાની વિનંતી કરતા પદો રચાય છે. જેમાં રસોઈની વાનગીઓનું વર્ણન કરી તેને ભાવપૂર્વક ભગવાનનો અર્પણ કરાય છે. (3) ધોળ તેમાં દેવ-દેવી, સાધુ, તીર્થંકરો, તીર્થ કે રાજાના ગુણગાન કે પ્રશસ્તિનો ભાવ હોય છે. શ્રી વલ્લભાચાર્યથી આરંભી પુષ્ટિમાર્ગના આચાર્ય તથા દયારામ જેવા પુષ્ટિમાર્ગી ગુજરાતી કવિઓએ કૃષ્ણ, બળરામ, યમુનાજી વગેરે સંબંધી ધોળ-પદોની રચનાઓ કરી. (4) હાલરડું – સંગીતમ સૂરોથી શિશુના મનને સંમોહિત કરનારા હાલરડામાં ભાવ, સ્વર, પ્રાસ, લય વગેરેને મહત્ત્વ આપવામાં આવ્યું છે. લોકસાહિત્યમાં શિવાજીનું પારણું ઝુલાવતાં માતા જીજાબાઈનું હાલરડું પ્રસિદ્ધ છે. (5) હોરી અને ફાગ – યૌવનની તાજગી અને તરવરાટના સમયે ઉત્સવની ઉજવણી સાથે સંકળાયેલા પદોને હોરી કે ફાગ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં પ્રકૃતિના સૌંદર્યનું નિરૂપણ યૌવનસુભવ સંવેદનાઓ, મિલન અને વિરહની ભાવોત્કટ સ્થિતિ, રંગોત્સવની મસ્તી વગેરે પ્રતિબિંબિત થાય છે. ગુજરાતી સાહિત્યમાં ઈશ્વરની ઉપાસનાના એક ભાગરૂપે આ ઉત્સવપદોનું સર્જન થયું છે. (6) કાફી – ગુજરાતી પદ્ય કવિતામાં ભજનના વર્ગમાં આવતો એક વિશિષ્ટ પ્રકાર તે કાફી. કાફી પ્રકારની રચનાઓને સૌથી પ્રસિદ્ધ કરનાર તરીકે ધીરા ભગતનું નામ જાણીતું છે. (7) ચાબખા – સંસારના ભોગવિલાસમાં ફસાયેલા અને ઇન્દ્રિયોના વિષયસુખો પાછળ આંધળી દોટ મૂકતા લોકોને તીખી પ્રહારાત્મક અને ચોટદાર, તળપદી ભાષામાં ભોજા ભગતે ચાબખા માર્યા છે.(8) કટારી – આ વિરહવ્યથાનું આલેખન કરતો અલગ અલગ પદબંધ, ઢાળ, તાલ, રાગમાં ગવાતો ભજન પ્રકાર છે. એમાંના “કટારી” અંતર્ગત વર્ણવાયેલા વિષયને કારણે તેનું નામ કટારી પડ્યું છે. (9) પ્યાલો – આ પણ કોઈ ચોક્કસ બંધારણ ધરાવતો ભજન પ્રકાર નથી, પરંતુ જુદા જુદા પ્રકારના રાગ-તાલ કે છંદમાં પ્યાલાનું રૂપક કલ્પીને પોતાની આત્માનુભૂતિમાં રહેલી મસ્તી કે મોજની ખુમારીને પ્રગટ કરતી ભિન્ન ભિન્ન ભજન કૃતિઓને એમના રૂપકના કારણે જ પ્યાલો એવું નામાભિધાન પ્રાપ્ત થયું છે. (10) આરાધ – નિર્ગુણ, નિરાકાર પરબ્રહ્મની ઉપાસના કરવા માટે સમગ્ર સૃષ્ટિની ઉત્પત્તિ કરનાર શક્તિ કે જેના આદિ, મધ્યમ કે અંત નથી તેવી અત્યંત વિરાટ પરમશક્તિની વંદના કરવા માટેના ભાવ સાથે રાત્રિના બાર વાગ્યા બાદ ગવાતા ભજનો આરાધી ભજનો કે આરાધ કહેવાતા. (11) આગમ – ભવિષ્યમાં આવનારા સમય વિશેની આગાહીઓ કરનારા ભજનોમાં સમગ્ર સૃષ્ટિ, માનવી, પશુ-પક્ષી, પ્રકૃતિ વગેરેમાં કેવા ફેરફારો થશે તેનું ભવિષ્યકથન કરવામાં આવે છે.(12) પરજ – રાત્રિના બાર પછી નિઃશબ્દ એવી શાંત રાત્રિ ધીરે ધીરે આગળ સરતી જાય પછી બરાબર રાત્રિના ત્રણ-સાડા ત્રણ કલાકે જે ઢાળ-રાગના ભજનો ગવાય તે ભજનો કહેવાય છે. પરજ શાસ્ત્રીય રાગ તો છે જ પણ તેના મૂળ લોકસંગીતમાં જ રહેલા જણાય છે. પરજ એ મુખ્યત્વે પ્રેમલક્ષણા ભક્તિની વિરહની સંવેદના વ્યક્ત કરતો ઢાળ ગણાય છે. તેના સ્વરથી વિરહ ભાવમાં તીવ્રતા અને વેધકતા આવે છે. (13) રામગરી – આ પ્રકારના ભજનો વહેલી સવારે ચાર વાગ્યા પછી ગવાય છે. ભક્ત કવિ નરસિંહ મહેતાએ કવિતાઓનું સર્જન કર્યું તે સમયથી રામગરી પદો વધુ જાણીતા બન્યા. તેઓ પરોઢિયે દામોદર કુંડમાં સ્નાન કરવા જતા ત્યારે રામગરી ભજનો ગાઈ ઊઠતા. “હે જી વ્હાલા પઢોરે પોપટ રાજારામના...” (14) પ્રભાતી – સવારે બ્રાહ્મમુહૂર્તમાં સાડા ચાર-પાંચ વાગ્યે જે ભજનો ગવાય છે તે પ્રભાતી રાગમાં હોય છે. “જાગોને જશોદાના જાયા વાણલાં રે વાયાં...” [6] અને “વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે....” [7] (15) પ્રભાતિયા-ઝૂલણાં – પ્રભાતે ગવાતાં બલાવલ રાગને કારણે ઝૂલણામાં રચાયેલા અધ્યાત્મ પદોને પ્રભાતિયાં નામ અપાયું છે. “જળકમળ છાંડી જા ને બાળા, સ્વામી અમારો જાગશે” [8] કે “જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેનમાં કોણ જાશે” [9]

જુદા જુદા ઢાળ-રાગ-તાલમાં રામસાગર, મંજીરા, તબલા, ઢોલ કે કરતાલ વડે ઢળતી રાતના સૂમસામ અંધકારમાં આ ભજનો ગવાય ત્યારે તેના સંગીતમય સૂર વડે ભાવકોનાં હૃદય આર્દ્ર બની જાય તથા તેના સ્વરાંદોલનોથી પરમનાં દર્શન કરવાથી એક અદીઠ ઝંખનાના બીજ હૃદયમાં રોપાય અને ભક્તિ લૂંબેઝૂંબે મ્હોરી ઊઠે ભજ મન રામચરણ સુખદાઈ ભજન !

પાદટીપ :
(1) ડો. શિવલાલ જેસલપુરા – નરસિંહ મહેતાનાં શ્રેષ્ઠ પદ, 6, નવભારત સા મંદિર પ્રકાશન, અમદાવાદ-2007
(2) ભાણદેવ – મીરાંનું અધ્યાત્મ દર્શન, 289, પ્રવીણ પ્રકાશન પ્રા.લિ. રાજકોટ-2007
(3) ઉમાશંકર જોષી – અખો એક અધ્યયન, 3, ગુજરાત વિધાનસભા પ્રકાશન, અમદાવાદ, 2011
(4) સ્વામી રાજર્ષિ મુનિ – સુધાબિંદુ, 17 લાઇફ મિશન પ્રકાશન, વડોદરા, 2011
(5) ભાણદેવ – ગંગાસતીનું અધ્યાત્મ દર્શન, 33, પ્રવીણ પ્રકાશન પ્રા.લિ. રાજકોટ, 2014
(6) અજીતસિંહ ગઢવી – ભજન-કીર્તન, 111, લાઇફ મિશન પ્રકાશન, વડોદરા. 2015
(7) ઉમાશંકર જોશી – ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ, 75, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ – 1976
(8) (9) અનંતરાય રાવળ – નરસિંહ મહેતાનાં પદો, 29, આદર્શ પ્રકાશન, અમદાવાદ, 2014

યોગેશ ભટ્ટ. 26-જે, ચંદ્રાવલિ સોસાયટી, આશુતોષ નગર પાસે, ઓમ શાન્તિ માર્ગ, વી.આઈ.પી. રોડ પાસે, કારેલીબાગ, વડોદરા 390018