Download this page in

અપ્રતિમ નારીના હ્રદયવૈભવથી છલકાતું ‘નિમંત્રણ’

અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં ઉમાશંકર જોષી ગાંધીયુગના બહુમુખી પ્રતિભા સંપન્ન સર્જક છે. કવિતા, વાર્તા, એકાંકી, નિબંધ, વિવેચન, અનુવાદ, નવલકથા, પદ્યનાટક વગેરે વિવિધ સાહિત્ય સ્વરૂપોમાં એમનું નોંધપાત્ર પ્રદાન રહ્યું છે. ‘પ્રાચીના’ અને ‘મહાપ્રસ્થાન’ ના પદ્યનાટકો કે પદ્યસંવાદો ઉમાશંકર જોષીની કવિપ્રતિભાના વિશિષ્ટ આવિર્ભાવરૂપ છે. બંને સંગ્રહમાં સાત-સાત કૃતિઓનો સમાવેશ થયો છે. રામાયણ, મહાભારત, શ્રીમદ્ ભાગવત, શિવપુરાણ અને જાતકકથાઓ જેવા પ્રાચીન સાહિત્યમાંથી ખ્યાત વસ્તુ કે પાત્રોની પસંદગીમાં અને તેના પદ્યનાટકની દષ્ટિએ નૂતન સમાયોજનમાં કવિની તેજસ્વી પ્રતિભાનો એકંદરે હ્રદ્ય પરિચય મળે છે. અહીં તેમનાં ઈ.સ. ૧૯૫૧માં રચાયેલા ‘નિમંત્રણ’ પદ્યનાટક વિશે વાત કરવાનો ઉપક્ર્મ છે.

ઉમાશંકર જોષીના ‘મહાપ્રસ્થાન’ સંગ્રહનું પાંચમું કાવ્ય ‘નિમંત્રણ’ છે. આ કાવ્યનું મૂળ ‘મહાપરિનિબ્બાન સુતાન્ત’ ( ૨.૯૬ ) ના વૃતાંતમાં છે. બુદ્ધના જીવનના અંતિમ વર્ષ ( ઈ.સ. પૂ. ૪૮૩ ) નું સંપૂર્ણ વૃતાંત ‘મહાપરિનિબ્બાનસુત્ત’ માં મળે છે.

બુદ્ધ ફરતાં ફરતાં વૈશાલી નગરમાં આવે છે. ત્યાં ગણિકા આમ્રપાલીના આમ્રઉપવનમાં ભિક્ષુઓ સાથે થોડો સમય રોકાય છે. આમ્રપાલીને આ સમાચાર મળે છે. તે સુંદર રથ જોડીને, એમાં બેસીને ભગવાન બુદ્ધ જ્યાં નિવાસ કરે છે ત્યાં પહોંચે છે. ત્યાં પહોંચી, ભગવાનને પ્રણામ કરીને આમ્રપાલી એક બાજુ બેસીને ભગવાન બુદ્ધનો ઉપદેશ સાંભળે છે. ધાર્મિક કથા સાંભળીને સંદર્શિતા થયેલી આમ્રપાલીએ બીજે દિવસે ભગવાન તથાગત અને ભિક્ષુઓને ભોજન માટે પોતાને ત્યાં આવવાનું નિમંત્રણ આપ્યું. ભગવાન તથાગતે મૌનથી જ તેના આમંત્રણનો સ્વીકાર કર્યો.

જયારે લિચ્છવી યુવકોને એની જાણ થાય છે ત્યારે તેઓ એ નિમંત્રણની તક પોતાને મળે એ માટે આમ્રપાલીને સમજાવવા અનેક રીતે પ્રયત્નો કરે છે. આમ્રપાલી તે કોઈ લોભલાલચને વશ થતી નથી. તે મક્કમ રહે છે. બુદ્ધને આપેલા નિમંત્રણનો પ્રસંગ જતો ન કરવામાં એનો આશય, ઉમાશંકર જોષી જણાવે છે તેમ, વર્તમાન અને ભવિષ્યને એ વસ્તુ પ્રતીત કરાવવાનો છે કે માણસ ગમે તેટલો પતિત હોય પણ ભગવાનને એને ત્યાં જવામાં બાધ નથી અને આ પરમ આશાભર્યું આશ્વાસક સત્ય સ્થાપવા, નહિ કે કોઈ અભિમાનથી, પોતે એ નિમંત્રણને વળગી રહેવા માંગે છે.

કવિએ આ બીજરૂપ કથાને દશ્યકાવ્ય - નાટ્યરૂપે અહીં પ્રત્યક્ષ કરવા ઠીક ઠીક જહેમત ઉઠાવી છે. બુદ્ધના અંતિમ જીવનના પ્રસંગોમાંથી કવિએ ‘નિમંત્રણ’ માં ઉપરોક્ત પ્રસંગ લીધો છે. આ પદ્યનાટકમાં બુદ્ધ પ્રત્યક્ષ રીતે ઉપસ્થિત થતાં નથી. નારીકેન્દ્રી આ સમગ્ર પદ્યનાટકના કેન્દ્રમાં વૈશાલીની નગરવધૂ આમ્રપાલી છે. તથાગતને નિમંત્રણ આપીને નગરમાં પાછી ફરતી આમ્રપાલી અને બુદ્ધને નિમંત્રણ આપવા જઈ રહેલા લિચ્છવીઓના રથ સામસામે અથડાય છે અને કૃતિનો આરંભ થાય છે. આરંભ અત્યંત નાટ્યાત્મક છે. વૈશાલીના પાદરે પધારેલા ભગવાન બુદ્ધને આમ્રપાલી પોતાને ત્યાં ભિક્ષા લેવા નિમંત્રણ આપી પાછી આવી રહી છે. ત્યારે તેને ભગવાન બુદ્ધને નિમંત્રણ આપવા જતા વૈશાલીના લિચ્છવીઓ સામે મળે છે. રથારૂઢ લિચ્છવીઓ અને રથારૂઢ આમ્રપાલી વચ્ચેના સંઘર્ષનું - વિવાદનું દશ્ય કવિએ આપ્યું છે. આમ્રપાલી અને લિચ્છવી યુવાનો વચ્ચેના સંવાદોમાં બોલચાલની ભંગિમા પ્રગટે છે. ટૂંકી ટૂંકી નિર્દેશાત્મક ઉક્તિઓમાં પૂરી નાટકીયતા છે. યુવાનોની ઉક્તિઓ તેમની અધીરાઈ, ઉદંડતા, તેમનો રથવેગ સૂચવનારી છે તો સામે પક્ષે આમ્રપાલીનો ઉત્સાહવેગ - રથવેગ પણ સૂચવી દે છે. આમ્રપાલી સાથે તોછડાઈથી વાત કરતાં લિચ્છવી યુવાનોને આમ્રપાલી ક્યારેક કટાક્ષથી તો ક્યારેક મજાકથી ભદ્રજનો કરતાંય પોતાનું ઊંચેરું સ્થાન સૂચવી દે છે. યુવાનોની ધાકધમકીથી ડર્યા વિના અને તેમના તથા ભદ્રના વાગ્બાણ સહીનેય નમ્રતાથી ને છતાં મક્કમતાથી એ કહે છે :
‘‘ન જાણું એ કાંઈ હું
તથાગત પધારશે મુજ ગૃહે બસ એ જાણું હું ...’’

એ હું કાંઈ ન જાણું, બસ હું મારા ગૃહે તથાગત પધારશે એટલું જ જાણું છું. આમ્રપાલીને પોતાની જાત પર શ્રદ્ધા છે જ, પણ કદાચ તેથીય વધારે શ્રદ્ધા ભગવાન તથાગતમાં છે ને એ કારણે જ એ આમ કહી શકે છે :
“સુભાગી મુજ ઘેર કાલ પ્રભુ કેરી ભિક્ષા હશે,
હશે જ અથવા બીજે સુભગ કોઈ ગ્રામે.”

શેખર આમ્રપાલીને નગરના મહાશ્રેષ્ઠીઓ અને પ્રબળ લિચ્છવીગણ સામેની આવી હઠ છોડી દેવા કહે છે. એ પછી શ્રેષ્ઠીઓ આમ્રપાલીને પોતાને નિમંત્રણ આપી દેવાના બદલામાં એક પછી એક પ્રલોભનો આપવા તૈયાર થાય છે. આમ્રપાલીની અડગતા જોઈ રોષે ભરાતા પણ ચાલે છે. પદ્યનાટ્યનું અનુકૂળ વાહન બની શકે તેટલી ક્ષમતા ‘પૃથ્વી’ છંદમાં રહેલી છે. તેના ઉદાહરણ તરીકે પણ આ કૃતિના સંવાદો ધ્યાનાર્હ છે –
“ એક શ્રેષ્ઠી : અમે અહીં છતાં, અફાટ અમ સ્વર્ણરાશિ છતાં,
જવું શું પ્રભુને પડે અરર ક્યાંક ભિક્ષાર્થ ? જો,
નિમંત્રણનું મૂલ્ય લે ગણી સહસ્ત્ર કાર્ષાપણ.
આમ્રપાલી : અરે નહિ નહીં ! ન વાત મુકથી વદો એહવી ! ”

સત્તા અને શુદ્ધહૃદયી નારી વચ્ચેનો આ સંઘર્ષ તીવ્ર થતો આવે છે. શ્રેષ્ઠીઓનું ધન આમ્રપાલીને મન તૃણવત - તુચ્છ છે. આમ્રપાલી કહે છે :
“તૃણ સમું જગત જેહના
શુચિ ચરણની સમક્ષ, બસ એમની અર્ચના
ગુમાવું કટકા લઈ કનકના મૂકી એક - બે ? ”

ને શેખર ત્યારે આમ્રપાલીની કૃતઘ્નતા બતાવવા મથતો જણાય છે. લિચ્છવીઓના અનુગ્રહે એક અનાથ રઝળતી બાળકી, આંબાની રખેવાળ, પુરને ઉરે રસમાલિકા થઈને ઝૂલી શકી. હવે લિચ્છવીઓને માટે ‘મહાસર્પિણી’ રૂપ લઈ બેઠેલી આમ્રપાલીને તેનું મનપસંદ આપવા શ્રેષ્ઠીઓ તૈયાર છે. શ્રેષ્ઠીઓ દ્વારા અપાતા, એક પછી એક પ્રલોભનો આમ્રપાલીના જીવનની કરૂણતાને ક્રમશઃ પ્રગટ કરે છે. અને તેના પ્રણયવૈફલ્યની વેદનાને પણ વ્યક્ત કરે છે. રથની અથડામણ અંદરોઅંદર અથડામણ ઊભી કરે છે, અને કુતૂહલ પણ જગવે છે.

આ બાહ્ય સંઘર્ષ આંતરસંઘર્ષમાં અને પછી આમ્રપાલીના જીવનસંઘર્ષમાં પરિવર્તન પામે છે. વસ્તુનું આ પ્રકારનું સંયોજન અને વિકાસ નાટ્યાત્મક અનુભવ કરાવે છે. શરૂઆતની રથની ટક્કર પછીથી થનારી આ ટક્કરનો સંકેત બની રહે છે. આમ્રપાલીનું દઢ વ્યક્તિત્વ એમાં બરોબર ઊપસી આવે છે. શેખરના આવા કડવાં વચનો સાંભળીને પણ અજબ સ્વસ્થતા ધારણ કરતી તે કહે છે :
“હતી રઝળતી અનાથ શિશુ આમ્રની પાલિકા,
શું એહ મુજનુંય શૈશવ હતું સુનિર્દોષ !”

અર્હંતની ચરણધૂલિ - પ્રતાપે ફરીથી પેલી આમ્રપાલિકાની નિર્દોષતા પોતાના કલંકિત જીવનમાં સ્ફુરી રહેવા વિશે પોતે શ્રદ્ધાવાન છે. લિચ્છવીઓની નિંદા કે પ્રશંસાથી તે થાકી છે એટલે પ્રભુ પોતાને ઘરે પધારશે જ અને પેલી શૈશવની નિર્દોષતા જ એથી વધે તેવી તેની ઝંખના છે. પાંચમો લિચ્છવી યુવાન આમ્રપાલીના રૂપનો દોષ નથી જ એવું કહી તેના પ્રત્યે કંઇક ક્ષમાભાવ દર્શાવે છે. એને નગરવધૂ તરીકે જે જીવન જીવવું પડ્યું તેના માટે દોષ પોતાના સૌનો છે એમ કહી ભદ્ર આમ્રપાલીને ગણિકાજીવનમાંથી મુક્ત કરવાનો પ્રસ્તાવ સૌ સમક્ષ રજૂ કરી બુદ્ધ માટેનું નિમંત્રણ બદલામાં શ્રેષ્ઠીઓને સોંપી દેવાનું કહે છે. અહીં ભદ્રનો આ પ્રસ્તાવ સાંભળીને પલવાર તો બધા સ્તબ્ધ બની ઊભા રહે છે, પણ પછી એક - અવાજે નિમંત્રણના મૂલ્ય તરીકે આમ્રપાલીને ફરી ‘સુશીલ આર્યા’ બની પ્રથમ પ્રેમી પદ્મ સાથે વિવાહ કરી સુખી દામ્પત્યજીવનનું સ્વપ્ન સિદ્ધ કરવાની આ તક ઝડપી લેવા વિનંતી કરે છે. આખીય પરિસ્થિતિમાં આ કટોકટીની પળ છે. આત્મગૌરવ એ શી વસ્તુ છે તે આ ગણિકા ગણશ્રેષ્ઠીઓને હવે સમજાવે છે, અને તે પણ કંઈક મર્મસ્પર્શી, વક્રવાણીમાં –
‘હવે મળતી મુક્તિ ! મુક્ત છું જ, બદ્ધ છો સૌ તમે.
સુશીલ ! ગણ - ના જરીક બસ એક પ્રસ્તાવથી
થઈ શું પતિતા જતી ક્ષણ મહીં જ આર્યા, અહો ?
તમે શું સમજો, શું ચીજ અહ શીલ નારી તણું ?
હુંયે ન સમજું, હવે ન સમજીશ વા આ ભવે.’

ભૂતકાળનો એ આખોય પ્રસંગ આમ્રપાલીના મુખે એવો શીઘ્ર ગતિએ વર્ણવાયો છે કે એ વખતની આખી પરિસ્થિતિ - આખું વાતાવરણ ક્ષણવારમાં સજીવ થઈ ઊઠે છે. પૃથ્વી છંદનો લયપ્રભાવ પણ અસરકારક નીવડ્યો છે.

આમ્રપાલી જે પરિસ્થિતિમાં પોતાને ગૃહિણી થવાને બદલે નગરવધૂ - ગણવધૂ - ગણિકા થવાનું થયું તેનું વેદનાસિક્ત વાણીમાં બયાન આપે છે. આમ્રપાલી માટે લિચ્છવી યુવાન અને વૃદ્ધો પણ - પુરુષમાત્ર - અંદરોઅંદર લડી ન મરે એ માટે આમ્રપાલી પદ્મને પરણી તેની ગૃહિણી નહિ થઈ શકે એવો નિર્ણય લઈ સૌ વિખરાય છે. આ પ્રણયવૈફલ્યની વેદનાને વ્યક્ત કરતાં તે જરાક વક્ર - તીખી પણ બને છે. તે કહે છે :
“અતૂટ રહ્યું લિચ્છવીગણનું સ્વાસ્થ્ય, વિદ્વેષથી
મહીં મહીં ન ફૂટ કૈં પડી, બચી ગયો હા ગણ !
ગણ્યું ન તહીં, - શીલ કો તરુણી કેરું રોળાયું છો !”

એક સ્ત્રી તરીકે આમ્રપાલી આ અનુભવ આજે જ પ્રભાતે બન્યો હોય એ રીતે પળમાત્ર પણ ભૂલી નથી. એક કૂટ સમસ્યા, ગંભીર ફરિયાદ એના આ ઉદગારોમાં છે. અપ્રતિમ ગૌરવ પ્રાપ્ત કરતું આમ્રપાલીનું સ્ત્રીત્વ એના શુદ્ધતમ સ્વરૂપે વિલસે છે. નગરજનો એક કોડીલી કન્યાને નગરવધૂ બનાવી શકયા, ને આમ્રપાલી નગરવધૂ બની પણ, પરંતુ હવે આમ્રપાલીને એ જ નગરજનો બુદ્ધની યજમાન થતી અટકાવી શકતા નથી. ધાકધમકી, પ્રલોભનો કે ક્ષમાથી પણ આમ્રપાલી બુદ્ધને આપેલું નિમંત્રણ નગરશ્રેષ્ઠીઓની તરફેણમાં જતું કરવા તૈયાર નથી.

એક વૃદ્ધ ભૂતકાળ ભૂલી હાથમાં રહેલી બાજી સુધારી લેવા ‘સુલક્ષણે’ આમ્રપાલીને કહે છે.

આમ્રપાલી તો હજુ પેલી કરુણકથાનો દોર ઝાલીને આગળ ચલાવે છે. પોતાની પ્રિયતમાનું સ્વમાન પ્રણય ખાતર પણ જાળવી નહી શકનાર પદ્મ લિચ્છવી યુવાનોનો સામનો કરવાને બદલે પોતાના જીવનને વહાલું કરી બેસી રહ્યો. આમ્રપાલીને પદ્મ પોતાને માટે લડતાં લડતાં મરણ પામે તો તેની પાછળ મરવાના જે કોડ હતા તેય પદ્મની કાયરતાને કારણે વણપૂર્યા રહ્યા. એટલે તો એ કહે છે –
‘હવે શું કરું પદ્મને ?’

જો કે હવે તે પદ્મને બદલે પોતાના રૂપનો દોષ જુએ છે. પોતે આમ્રની પાલિકા તરીકે નિરર્થક હતી, તે રૂપજીવિની થઈ સાર્થક બની ! એનાથી ગણને યશ પણ મળ્યો. વિદેશના મહાજનો આમ્રપાલીગૃહે રસપ્રમત્ત થઈ અતિથિ બની રહ્યા. લિચ્છવીગણ સુરક્ષિત રહ્યો. એટલું જ નહિ –
‘કુમારીના સકળ કોડ રગદોળીને
અડોલ નિરમ્યું તમે ગણનું સ્વાસ્થ્યમંડાણ આ.’

એમ એ કહે છે ત્યારે પેલો વૃદ્ધ પૂછે છે :
‘હવે લઈશ વેર તું બધુંય આજ સંભારીને ?
ન છેક હઠ આવી ઠીક, ન ઘટે જ ગાંડા થવું.’

વળી કહે છે :
‘અમે દઈ દીધું તને બધું જ દેવું જે શક્ય કૈં
નિમંત્રણનું મૂલ્ય લૈ નગરલક્ષ્મી - શી શોભ તું.’

ભારે વિવાદની વચ્ચે - વચ્ચે આમ્રપાલીના જીવનની અનેક ઘટનાઓ ઉલ્લેખિત થાય છે. આમ્રપાલીના હૃદયની પારાવાર વ્યથા એની પાસે તીક્ષ્ણતાથી કહેવરાવે છે :
‘તમે લઈ લીધું જ જે, દઈ શકો શું પાછું કદી ?
નથી કંઈ જ એવું જે દઈ મને, પ્રભુને દીધું
નિમંત્રણ હવે શકો મુજ કનેથી પામી, બધી
સમૃદ્ધિ ગણરાજ્ય - શ્રીભર વિશાલ વૈશાલીની
સમર્પણ કરો, ન તેય ઉર સ્પર્શશે !’

આ અને આવી પંક્તિઓ પૃથ્વી છંદનો લય ગર્ભિત છતાં અસરકારક રાખીનેય નાટ્યોચિત રીતે બોલી શકાશે, અને ભાવાર્દ્ર વાણી પ્રગટાવી શકાશે !

સમગ્ર વૈશાલીની શ્રી - સમૃદ્ધિને, શ્રેષ્ઠીઓ તરફની મોટી લાલચોને વશ ન થતાં તે બુદ્ધને પોતાને ત્યાં આવકારવાનો જે મોકો સાંપડ્યો છે તે જવા દેવા માંગતી નથી. ‘નિમંત્રણ’ માં નગરવધૂ આમ્રપાલીનો ઉત્કૃષ્ટ ત્યાગ જોઈ શકાય છે.

વૃદ્ધ હવે અંત્યત નમ્ર બની આમ્રપાલીની સૌના વતી ક્ષમા માગે છે. વૃદ્ધના મુખે આમ્રપાલીને થતાં સંબોધનો - ‘સુલક્ષણે ’, ‘નગરલક્ષ્મી - શી’, ‘સુજ્ઞે’ - પણ સૂચક છે. તે આમ્રપાલીને કઠોર ન થવા વિનવે છે. ત્યારે આમ્રપાલી -
‘ક્ષમા તથાગત તણી જ પ્રાર્થવી ઘટે !’

એમ જણાવે છે. એ ક્ષમાવારિધિના કરુણાળુ નેત્ર જ આપણા બધાં દુરિત ધોઈ રહેશે એમ શ્રદ્ધાપૂર્વક તે જણાવે છે.

આમ્રપાલીને સમજાવનારાઓમાં - લિચ્છવીઓમાં - ભદ્ર, શેખર, શ્રેષ્ઠીઓ, વૃદ્ધ એમ સહુ છે. અનેક પ્રચંડ મોજા એક અડગ ખડક સાથે જોરજોરથી અફળાઈને વેરવિખેર થઈ જાય છે. આમ્રપાલીના અવિચલ ઉદાત્ત ભાવનાશીલ વ્યક્તિત્વનો પ્રભાવ જ પડે છે. આ અનુભવ પૂરો કાવ્યાત્મક છે. પોતાના વલણનો આમ્રપાલી ઘટસ્ફોટ કરી દેતાં જણાવે છે :
“સુભટે હે, સુણો શ્રેષ્ઠિ હે,
નિમંત્રણ ન સોંપું, ઓછું મન એનું આણો રખે !
ન કે હું ઉપકાર સર્વ ગઈ છું ભૂલી રાજ્યના,
ન કે ગણું છું મૂક્તિમૂલ્ય અતિ તુચ્છ હું, પદ્મને
ન કે હજી ન ચાહુ હું હૃદયથી, ન કે સ્ત્રીહઠે
ભરાઈ અનુકૂળ ના થઈ હું પૂજ્ય વૃદ્ધોયને,
ન વા હું તમને દઈ દઉં નિમંત્રણ સ્થાપવા
અહમ મુજ તમો સહુ ઉપર; કિંતુ રે આજ આ
કરું ન અધિકાર હું મુજ જતો,”

આમ, જે જે પ્રસ્તાવો શ્રેષ્ઠીઓ તરફથી પોતાની સમક્ષ મુકાયા છે તેનું મૂલ્ય પોતે નથી સમજતી એમ નહિ, રાજ્યના ઉપકાર પણ પોતે ભૂલી નથી, એમ આમ્રપાલી કહે છે. એની આ ઉક્તિઓમાં નકારની પરંપરા છે તે અભિવ્યક્તિને બલિષ્ઠ બનાવે છે; અને અંતે પ્રભુને નિમંત્રણનો પોતાનો અધિકાર પોતે શા માટે જતો નથી કરતી તેનું રહસ્ય છતું કરે છે :-
‘ઉરે એટલી
મને ઊલટ કે ન માત્ર અહીં વર્તમાને જ - હા
ભવિષ્ય મહીંયે પરંતુ - સહુને થશે જ્ઞાત આ
પ્રસંગ થકી કે ભલે મનુજ હો ગમે તેટલો
પડેલ, કરુણાની છાલક પ્રભુની પ્હોંચી જશે.
અને ભીંજવશે જ એ પતિતને અને તારશે.’

આમ્રપાલીની આ અંતિમ ઉક્તિમાં પદ્યચ્છટા, વાકછટા ખાસ ધ્યાનપાત્ર છે. વાગ્મિતાનો લાભેય કવિએ અહીં લીધો જણાય. આમ્રપાલીની ભાવોત્કટતા ને આ પ્રસંગની એને મન ઉદાત્તતા એટલી છે કે એનો ઉક્તિપ્રભાવ આવી ઉન્ન્ત વાકસપાટીએ પહોંચીને રહે છે.

‘નિમંત્રણ’ માં ઉમાશંકર જોષીની માનવમૂલ્યો માટેની, સમષ્ટિહિત માટેની ચિંતા - ગાંધીબોધિત મૂલ્યવાણી - અહીં પણ ડોકાય છે. અને તે આમ્રપાલીના પાત્રવિધાનમાં સક્રિયપણે કામ કરી ગઈ છે. નગરવધૂ લેખાતી આમ્રપાલીની આત્મશુદ્ધિ અને આત્મગરિમા વૈશાલીના શ્રેષ્ઠીઓ કરતાં ઘણી વધારે છે. આમ્રપાલીના આત્મગૌરવના સંદર્ભમાં એક વ્યાપક અર્થસંકેત એ છે કે ‘આત્મા’ એટલે ‘સ્વ’ નહિ પરંતુ ‘સ્વ’ ને નિમિત્તે ‘સર્વ.’ આ વાત વિશેષ ધ્યાનપાત્ર એ રીતે બને છે કે એ કવિના મુખે કહેવાઈ નથી પરંતુ નગરવધૂ આમ્રપાલીના મુખે કહેવાઈ છે. આમ્રપાલીને નગરશ્રેષ્ઠીઓને પડકાર ફેંકતી સાંભળીએ છીએ ત્યારે એ સહુ વતી બોલતી સંભળાય છે અને છતાં તેને ત્યાં આવવાનું નિમંત્રણ ભગવાન સ્વીકારે છે તો ભવિષ્યમાંય એવા પતિત ગણાતા મનુજની પાસે ભગવાનની કરુણાની છાલક પહોંચી જશે, એ આ વખતે ભગવાન બુદ્ધના તેના ત્યાં આવવાથી સિદ્ધ થશે. ‘પ્રાચીના’ ના કર્ણની જેમ આમ્રપાલી પણ પોતાના જેવાં પીડિત માટે આશ્વાસક મૂલ્ય સ્થાપી જવા મથે છે. એમાં આડંબર નથી. સદભાગીપણાનો અહમ પ્રસ્તાર પણ નથી. પ્રભુના કરુણાજલનો સ્પર્શ પોતાના જેવા પામર જીવને થયો તેની ધન્યતા છે એ પ્રસંગમાં જગતનાં સ્થૂલ આકર્ષણોને તુચ્છ ગણનારી, અપ્રતિમ નારીનો હૃદયવૈભવ છે. ડૉ. રાજેશ પંડ્યા ‘નિમંત્રણ’ ના સંદર્ભમાં નોંધપાત્ર બાબત જણાવે છે :
“જયારે ગુજરાતી સાહિત્યમાં નારીવાદના કોઈ બુલંદ નારા આઘે આઘે ય સંભળાતા નહોતા ત્યારે ઉમાશંકર જોશી નારીની છબીને અહીં ઉજાગર કરે છે. આજના વર્તમાન સાંસ્કૃતિક સંદર્ભમાં આ કૃતિનું પુનર્વાચન ઘણું પ્રસ્તુત બની રહે છે.” (‘ઉમાશંકર જોશીના પદ્યનાટકો’ - ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, પુસ્તક - ૭૮ : અંક ૧ : વિમુક્તિપ્રદ વાચના જાન્યુઆરીથી માર્ચ ૨૦૧૩, પૃ. - ૪૯)

‘નિમંત્રણ’ પૃથ્વી છંદમાં આલેખાયું છે. ક્યાંક છંદાનુસારી થવા જતાં થતાં પદવ્યુત્ક્ર્મો ધ્યાન પર આવી જાય છતાં વાકપ્રવાહ ઉચિત આરોહ - અવરોહ અને અર્થચ્છટાઓને વજન - વિરામ વગેરેથી અભિનિત’ વાણીની વાકછટા પ્રગટાવતાં તેમાં બધું ઓગળી જઈ શકે છે. પૃથ્વી જેવા અક્ષરમેળ વૃત્તની પણ પદ્યનાટ્યનું અનુકૂળ વાહન બની શકે તેટલી ક્ષમતા નોંધપાત્ર રીતે ‘ઊર્વશી’ માં દુર્ગેશ શુકલે ને તે પછી ‘નિમંત્રણ’ માં ઉમાશંકર જોષીએ પ્રયોગપૂર્વક સિદ્ધ કરી બતાવી છે.

‘નિમંત્રણ’ માં વૈશાલીને પાદરે પધારેલા ભગવાનને નિમંત્રણ આપીને પાછી ફરતી આમ્રપાલી અને અંતે બુદ્ધનો તેનાં નિમંત્રણનો સ્વીકાર શ્રેષ્ઠીઓને નહી આપવા પાછળનો પોતાનો આશય - આ બે બિંદુઓ વચ્ચે આમ્રપાલીના વ્યક્તિત્વનો વિકાસ સધાય છે. પરંતુ તેનો આરંભ અત્યંત આકર્ષક ક્રિયાયુક્ત હોવા છતાં ક્રમશઃ મંદ પડીને પ્રભુની કરુણાની છાલક પતિત સુધી પહોંચશે અને તેને ભીંજવશે તેવી શ્રદ્ધારૂપે ઠરે છે. પદ્યનાટક થવા માટે સંવાદમાં જે બળ, લવચીકતા પ્રગટ થવાં જોઈએ એ સર્વત્ર દેખાતાં નથી.

કવિને અહીં જીવનદર્શન પ્રગટાવવું છે તેની પ્રતીતિ આપણને કાવ્યના મધ્યભાગમાંથી જ થવી શરૂ થાય છે. અહીં સંઘર્ષનું બીજ છે. એક બાજુ સમગ્ર ગણની ગણિકાના પદેથી મુક્તિ અને બીજી બાજુ નિમંત્રણ - એ બેમાંથી પસંદગી કરવાનો કપરો પ્રશ્ન આમ્રપાલી સામે હતો, પરંતુ આમ્રપાલીની પસંદગી કરવાની વાતમાં કોઈ આંતરદ્વંદ્વ કવિ લાવી શક્યા નથી એ સ્પષ્ટ છે.

આમ્રપાલીની બુદ્ધિમતા, નિષ્ઠા, ભાવના અને પ્રભુ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા તેમજ પ્રભુદર્શનની તીવ્ર અભિલાષા અને ભક્તિભાવને કારણે એનું વ્યક્તિત્વ અનેકગણું ચડિયાતું અને પ્રભાવક બન્યું છે. નગરવધૂ થવું પડ્યું એમાં પોતાની અધમતા બિલકુલ નથી એવી એની ખુમારી બુદ્ધને આપેલા નિમંત્રણ પાછળનું બળ છે. એની કટુ જણાતી ઉક્તિઓમાં પણ એના વ્યક્તિત્વની મર્યાદા જોવા કરતાં એના વ્યક્તિગત જીવનની વેદના જોવી એ જ બરોબર છે. એનો આત્મવિકાસ ખરેખર ન થયો હોત તો લાખો કાર્ષાપણ તો ઠીક, પણ ગણિકાજીવનની મુક્તિને તો તુરત વધાવી લેવા તે લલચાત, પણ એમ તે કરતી નથી. એના જીવનની સમીક્ષામાં પ્રગટ થતાં એનાં વ્યક્તિત્વથી રસમય બનેલી આ કૃતિ પતિતને તારવાનાં મૂલ્યના વળગણથી ભારેખમ બની ભાવકને એના કાવ્યત્વથી આડી દિશાએ લઈ જાય છે. નાટ્યવિધાનમાં કંઈક નબળાઈ આમાં હજુ લાગે છે ને તેથી ‘નિમંત્રણ’ ની ચોટ અંતે જેટલી સઘન અને તીક્ષ્ણ હોવી ઘટે તેટલી નથી.

‘નિમંત્રણ’ માં બુદ્ધને પોતે આપેલા નિમંત્રણનો અધિકાર જતો નહીં કરવા પાછળની આમ્રપાલીની મનોભૂમિકા આખીય કૃતિના રહસ્યને નવું જ પરિણામ બક્ષે છે.

સંદર્ભ ગ્રંથો ::
1. મહાપ્રસ્થાન : ઉમાશંકર જોષી
2. ઉમાશંકરનો વાગ્વૈભવ - ખંડ : ૧ : ચંદ્રકાન્ત શેઠ
3. અધુના : ભોળાભાઈ પટેલ
4. ઉપસર્ગ : ઉશનસ્

ડૉ. બીના ડી. પંડ્યા, આસીસ્ટન્ટ પ્રોફેસર – ગુજરાતી, ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, ડૉ. યાજ્ઞિક રોડ, રાજકોટ.