Download this page in

સાહેબ તમે તો બાવળ જ વાવ્યા
( બાવળ વાવનાર અને બીજી વાર્તાઓ, પ્ર.આ.૧૯૯પ , જનક ત્રિવેદી )

જનક ત્રિવેદી પાસે બાવળ વાવનાર અને બીજી વાર્તાઓ વાર્તાસંગ્રહ મળે છે. આ સંગ્રહમાં ૧૮ જેટલી વાર્તાઓ છે. લેખક રેલવેની અંદર નોકરી કરી છે . નોકરી દરમ્યાન એમને જે અનુભવો થયા એ બધા વાર્તાસ્વરૂપે આપણને મળે છે. એક આખો સરકારી વિભાગ આપણને આ સંગ્રહની વાર્તાઓની અંદર જોવા મળે છે. માણસ કેવું જીવન જીવે છે, ઉપલા અધિકારી પાછળ કેવું ઘસાવું પડે છે, કેવી-કેવી વેઠો કરવી પડે છે વગેરે જેવી બાબતો લેખકે વણી લીધી છે.ઉપરી અધિકારી હોય, ગેટકીપર હોય કે પછી સામાન્ય પસાતિયો દરેકની વાત કરી છે. તો સાથે સાથે ગરીબાઈ શું છે તેની વાત પણ સર્જક કરી છે. આ બધી જ વાત સાવ સ્વાભાવિક રીતે જ વણી લીધી છે. કયાંય પણ બોલકા બન્યા વગર લેખકને જે કહેવું છે એ કહ્યું છે.

‘ઓગાન’, ‘ચક્કર’, ‘સાંધાવાળા જેઠાલા ગોરધનની નોકરીનો છેલ્લો દિવસ’, ‘બાવળ વાવનાર’, ‘થાગડ થીગડ’, ‘કૃષ્ણ કહે ઉદ્ધવને’, ‘ખ્વાહિશે’ જેવી વાર્તા જુદાં જ પરિપ્રેક્ષમાં રચાઈ છે. ‘ચક્કર’ વાર્તામાં કડવો મૂળજી પટેલની દુકાને કામ શોધવાને બહાને બીડી લેવા આવે, મૂળજી પટેલ એને બેસાડે, મફતમાં બીડી પાય અને પછી કોઈનાં લગ્નમાં ગીતની કેસેટ વગાડવાનો ઓર્ડર મળ્યો હોય ત્યાં કોઈપણ હિસાબે કડવાને મોકલવાની પ્રયુક્તિ મૂળજી કરે અને સફળ પણ થાય. કેસેટવગાળી કડવો પાછો આવે એટલે રોકડા પૈસા ન આપવા પડે એટલે મૂળજી એને ધમકાવે અને કહે તે રોકર્ડ ખરાબ કરી નાખ્યું છે. કડવાને રીસ ચડે અને ચાલ્યો જાય. થોડા દિવસ એ બાજુ આંટો પણ ના મારે. ફરી પાછુ પેટ એને બળતરા કરાવે, કડવાના પગ મૂળજી પટેલની દુકાન બાજુ ઉપડે અને ફરી પાછો એ જ સંવાદ. અને એ જ કામ. આ વાર્તામાં ગરીબાઈ માણસને કેવો લાચાર બનાવી મૂકે છે તેની વાત સહજ રજૂ થઈ છે.

‘સાધાવાળા જેઠલાલ ગોરધનની નોકરીનો છેલ્લો દિવસ’ વાર્તા અત્યંત સાહજિક રીતે રજૂ થઈ છે. રેલવેના ચોથા વર્ગનો એક કર્મચારીની નોકરીનો આજે છેલ્લો દિવસ છે. એને હાશ થાય છે. એની સર્વિસ બુકમાં કોઈ અકસ્માત કે અનિચ્છનીય ઘટના તેના દ્વારા બની હોય તેવો એકપણ ઉલ્લેખ નથી એનો હાશકારો જેઠાલાલને છે.

ઉપરી અધિકારી જો નોકરીમાંથી રીટાર્યડ થવાનો હોય તો એમનો વિદાયનો કાર્યક્રમ ગોઠવવામાં આવે. તેમને કશુંક ભેટ આપવામાં આવે , પણ આતો છેલ્લા વર્ગનો કર્મચારી એને શું હોય ? અંતે ખૂબ જ આગ્રહથી ચા પીવડાવવાનો એક કાર્યક્રમ રાખવામાં આવે છે. પરંતુ સાંધાવાળો કહે સખેદ હું કયાં હોટલની ચા પીવું શું. પોતાના ઘેર જઈ સાહેબ માટે ચા લાવે છે અને પીવડાવે છે. હોટલની ચા નહીં પીવું એવું કહેવામાં ઉપરી અધિકારીઓની પોલ પણ દર્શાવાય છે. આ ઉપરાંત નોકરીમાં આગલા દિવસે એક બળવો કરવાનો વિચાર પણ સાંધાવાળાને આવે છે. પરંતુ સવાર પડે છે અને નિયમ મુજબ એ જ સમયે નોકરીએ જાય છે અને રોજબરોજની જેમ પોતાનું કામ કરવામાં વ્યસ્ત થઈ જાય છે. છેલ્લા વર્ગના કર્મચારીનો નોકરીનો છેલ્લો દિવસ આવોજ હોયને ? એમાં થોડું કઈ માં સન્માનનો કાર્યક્રમ ગોઠવવાનો હોય . નોકરીએ લાગે , કામ કરે અને રીટાયર્ડ થાય .

જેના ઉપરથી સંગ્રહનું નામ રાખવામાં આવ્યું છે એ વાર્તા ‘બાવળ વાવનાર’ ઉત્તમ વાર્તા છે. સૌરાષ્ટ્રમાં ‘બાવળ વાવનાર’ શબ્દપ્રયોગ વિશિષ્ટ રીતે કરવામાં આવે છે. કોઈ વ્યક્તિ ખરાબ કામ કરીને ગઈ હોય તેના સંદર્ભમાં આ વાક્યપ્રયોગ કરવામાં આવતો હોય છે. પરંતુ અહીં આ પ્રયોગ વ્યંગ્યાત્મક રીતે કરવામાં આવ્યો છે.

રેલવેનો એક અધિકારી નિષ્ઠાપૂર્વક પોતાની નોકરી કરે. તેનાં ઉપરીને ન નમે, સત્યને વળગી રહે, યુનિયન માટે લડે, બીજાને એમનાં હક્કો અપાવે. પોતાનું ગોપીચંદ ઘસીને બીજાને ઉજળા કરે એવા એક વ્યક્તિનું વ્યક્તિચિત્ર આ વાર્તામાં રજૂ કર્યું છે. આ અધિકારીએ જો ધાર્યું હોત તો આજે તેનાં ઘરની દિવાલ બહાર રહેલું કમ્પાઉન્ડ બધું જ શોભાયમાન હોત. પરંતુ સત્યને વળગી રહેલો માણસ કેવો હોય તેનું સાચું દર્શન આ વાર્તામાં આપણને લેખક કરાવે છે. વાર્તામાં વારંવાર પ્રયોજાતિ પંક્તિ સાહેબ તમે તો બધે બાવળ જ વાવ્યા. રહીને રહીને એવું લાગ્યા કરે કે સાહેબે બાવળ નહીં પરંતુ આંબાવાડી ઉભી કરી છે.

‘ખ્વાહિશે’ વાર્તામાં એક ધૂની એકાંકી માણસનું મધ્યમવર્ગીય ગૃહિણીનાં પરિપ્રેક્ષ્યમાં થયેલું અંકન કલાત્મક છે.

‘કૃષ્ણ કહે ઉદ્ધવને’ વાર્તામાં ભીખાભગત જીવનની કથા નિરૂપાઈ છે. ખખડધજ ચાનો સ્ટોલ, ઘરાકી આવે નહી અને મહિનો થાય અને ચાની દુકાનનું ભાડું આપવું પડે. ભાડા આપવા જેટલા પૈસાની તો ચા પણ ન વેચાઈ હોય. થોડાદિવસ ચાની કીટલી ચાલે અને પછી લાગેતાળા. વળી કયાંકથી પૈસાની ગોઠવણ કરે, પૈસા ભરે અને ફરી એ જ રોજની રામાયણ અને તેમ છતાં નિયતી સામે કોઈ જ પ્રશ્ન નહીં.

‘થાગડથીગડ’ વાર્તા ગ્રામ્યપ્રદેશની સાદી-સીધી શૈલીમાં કહેવાઈ હોવાથી રસપ્રદ બની છે.

શ્રી કિરીટદૂધાત આ વાર્તાઓ વિશે કહે છે શ્રીજનક ત્રિવેદી એકસરખી કુશળતા રેલવેના હરિજન સફાઈ કામદાર, તળપદા કોળી કે ગામડાના સાધારણ પટેલ અને ગોરપદું કરીને જીવનનિર્વાહ ચલાવતા બ્રાહ્મણની ગરીબી વિશે લખી શકે છે અને તેમાં પણ કલાપક્ષ જોખમાય નહીં તે રીતે લખી શકે છે તે બાબત તેમનામાં રહેલા સર્જક કલાકારનો પરીચય કરાવે છે.

છેલ્લા વર્ગનો કર્મચારી હોય કે ઉપલા વર્ગનો કોઈ અધિકારી , રોજેરોજ કમાઈ કરે તો જ સાંજે ઘરનો ચૂલો સળગે અને આવા લોકોનું શોષણ કરતા માનવીના વ્યક્તિ ચિત્રો પણ આપણને અ વાર્તાઓમાંથી મળ્યા છે. ક્યાય કશાય આક્રોશ કે વ્યથા નથી. પડ્યું પાન સુધારી લેવું અને જે છેજ એમાજ ખુસ રહેવું એં ઉદાત્ત ભાવના વાળા પાત્રો આપણને જનકભાઈની વાર્તાઓમાંથી મળે છે .

ડૉ. દેવજી સોલંકી, શ્રી આર્ટ્સ કૉલેજ ઝીંઝુવાડા, જિ સુરેન્દ્રનગર મો . ૯૪૨૯૫૧૧૫૬૪