Download this page in

"છ અક્ષરનું નામ" કવિતા સંગ્રહમાં પ્રયોજાયેલ "લોકતત્વો"

રમેશ પારેખ સોરઠી ધરતીની મ્હેંક ધરાવતો લોકકવિ છે. એવો લોકકવિ જેનાં જન્મથી આ ધરતી સતનાંવાને ઉજળી બની છે. રમેશ પારેખ એક લોકકવિ તરીકે સૌરાષ્ટ્રના લોકવનને, લોકજીવનને, સંસ્કૃતિને, અને માન્યતાઓને પોતાના કાવ્યમાં વિચિત્ર કરે છે. જયારે સૌરાષ્ટ્રની ધીંગી ધરા ધખધખતી હોય ત્યારે તેની બળતરાને લોકકવિએ પોતાના હૈયામાં અનુભવીને કાવ્યમાં ઉતારી છે. તો પ્રણય અને શૃંગારના કાવ્યોમાં તે ફુલાઈ ફુલાઈને એવા ટહુકા કરે છે, જાણે ભોમકા પર કોઈ કળા કરીને મોર ગહેંકતો ન હોય!

લોકકવિએ પોતાની રચનામાં લોકવિદ્યાનાં દરેક તત્વોને આલેખ્યાં છે. તેમની કવિતામાં લોકવન, તેમના રીત–રિવાજો, લોકસાહિત્ય છાંટ વગેરે ઉભરાઈ–ઉભરાઈને વ્યકત થયાં છે.

રમેશ પારેખની સિધ્ધિ તો સામાજિક વનદર્શન કરાવવામાં વિશેષ જોઈ શકાય છે. કવિએ સમાજનું દર્શન ખૂબ ઝીણવટપૂર્વક કર્યું છે. આથી જ એમનાં રાજનૈતિક વિચારો ધરાવતાં કાવ્યોમાં પણ સમાજનાં તત્કાલીન સમયને ધ્યાનમાં રાખીને જ આલેખન થયું છે. જોઈએ, તેમના કાવ્યની કેટલીક પંક્તિમાં
“બાપુ લ્યે ત્રણ ચાર વાર ગઢમાં આંખ્યું બધે ફેરવી,
એનો એ ગઢ, એ જ ભીંત, ફળિયું, જાળા અને જાળિયાં,
એનું એ તલવારનું લટકવું, વર્ષો જુની ખીંટીએ,
એની એ જ સવારનું ઊઘડવું અને એ જ પાછી તથા”[૧]

આમ, રજવાડી અને દંભી વાતો આજના ઘણાં '' આલા ખાચરો'' પર કવિએ સામાજિક અભિગમથી પ્રહાર કર્યો છે. '' આલા ખાચર '' નું પાત્ર અહીં દરેક દંભી, આળસું, સ્વપ્નોમાં જ રહેતાં અને અહંકારી વ્યકિતનાં પ્રતીક તરીકે આલેખ્યુ છે.

'' મીરાં'' અને '' રાધા'' કૃષ્ણની સૌથી નજીકનાં બે પાત્રોને પોતાના કાવ્યમાં લોકદષ્ટિને ધ્યાનમાં રાખીને નિરૂપ્યાં છે. જો આંગણે પ્રભુ આવવાના હોય અને માણસને ખબર પડી જાય તો શું કરશે ? ખડકી સુધી આવેલો પ્રભુ પાછો ન જાય એ ધ્યાન તો લોક કવિએ જ રાખવાનું ને ? આથી જ તે લખે છે,
" ડેલીએથી પાછો ન વળજા શ્યામ ,
મેં તો ઠાલાં દીધાં છે, મારા બારણાં."[૨]

બારણાં તો ઠાલા દીધાં છે, પણ હદયના કમાડ તો હંમેશા હરિ માટે ખુલ્લાં જ છે. લોકકવિનાં શબ્દો જ એની અભિવ્યકિતની તાકાત બને છે.

'' મીરાં'' ના પાત્ર દ્વારા નિર્મળ પ્રભુ ભકિત અને નિર્મળ પ્રભુ પ્રેમ લોકકવિએ આપણી સમક્ષ દર્શાવ્યો છે. આથી જ હરિની દાસી તરીકે એક આશા મીરાં રાખીને કહે છે.
'' કે કાગળ હરિ લખે તો બને,
અવર લખે તે એકે અક્ષર નથી ઉકલતા મને. ''[૩]

'' મીરાં '' પાસે આપણો લોકકવિ અરજ કરાવે છે કે, ઈશ્વર મને કાગળ લખે. વનમાં ધર્મ અને પ્રેમનું મિશ્ર નિરૂપણ લોકકવિની કલમે અહીં આલેખ્યું છે. આપણી સામાજિક માન્યતાઓ મુજબ ઈશ્વરને સાચા ભાવથી બોલાવવામાં આવે તો જરૂર આપણી પ્રાર્થના સાંભળે છે.

રમેશ પારેખે '' મીરાં'' બનીને જે અરજ કરી તે ઈશ્વરે સાંભળી છે. આથી જ તો તે લખે છે,
'' મારા સપનામાં આવ્યા હરિ ,
મને બોલાવી, ઝુલાવી, વ્હાલી કરી ''.[૪]

સપનામાં ઈશ્વર આવીને મીરાંની મનીષા પુર્ણ કરે છે. હરિને મળવાની તેની ઈચ્છા પ્રભુ ખુદ આવીને પૂર્ણ કરે છે. ખરુ પુછો તો અહીં મીરાં કોણ છે ? એક ભાવ છે. દરેક મનુષ્યમાં એક મીરાં છુપાયેલી છે. બસ એ મીરાંને બહાર લાવવા માટે લોકકવિ જેવો ભાવ જરૂરી છે. અને ઈશ્વરનાં પ્રેમમાં પડવું પડે છે.

કવિ પોતાની કવિતામાં સૌરાષ્ટ્રનાં દર્શન કરાવી જાય છે. એમની કવિતામાં બ્રાહમણ, વણિક, ક્ષત્રિય, હજામ, સોની, ગઢવી, તરગાળા, બજાણિયા, પટેલ, કણબી, લુહાર વગેરે સામાજિક પાત્રોને પણ ઉલ્લેખ કરી જાય છે. જોઈએ, તેમના કાવ્યની પંક્તિમાં
"અમરેલીમાં અરજણ આલીશાન આદમી છે.
ઘેર ઘેર ચર્ચામાં કાનોકાન આદમી છે.
ધંધો : ખેતી, જાતે : કણબી, મુકામ શ્રી બ્રહમાંડ,
ખેતરમાં હળ ફરે ફરે ને ઉગે અરજણકાંડ,
તલ જેવા પણ તતડે તો તોફાન આદમી છે."[૫]

કવિએ અહિં 'કણબી' જ્ઞાતિના પાત્રનનો પરિચય આપીને ધંધો ખેતી કરે છે. તેમ જણાવ્યું છે. એક ખેડૂતનો પરિચય લોકકવિએ આપ્યો છે.

આ ઉપરાંત કવિએ લોકો સવારે ખેતી કરવા જાય આખો દિવસ મહેનત કરી સાંજે ઘેર પાછા ફરે છે. તે સવારનું દશ્ય કવિ આલેખે છે. અને કહે છે કે,
"ફરતી ટેકરીઓ વચ્ચોવચ આપણું ખેતર, સોનલ
ખેતર ઉપર કંકુવરણું આભ ઉગે,
ને કેટકેટલાં હંસ સમાં ચાંદાના ટોળા ઉડે,
ફરફરતી કૈ પવનકેરી લયની ઝાલર બાંધે."[૬]

અહીં મનોરમ્ય સવારનું દશ્ય કવિ પ્રગટ કરે છે. તો વળી કવિએ પોતાના કાવ્યોમાં જે–જે લોકાભિમુખ વાતો રજુ કરી છે. તે લોકતત્વોની જન્મદાત્રી બની છે. કવિએ સમાજમાં હજામ, લુહાર, મદારી વગેરેની સંવેદનાને વાચા આપી છે. ''આલા બાપુ'' ના કાવ્યો તો આ બધાં પાત્રોને આલેખવાનું માધ્યમ બન્યાં છે.
'' રામલો લુવાર ઉભો છે.
કે છે ઘરાક આવ્યું છે બાપુ......
બાર તેરમાં સાટુ સુધરી જાશે
વેચી દેવી છે ને તલવાર ?
આમેય તમારે પડી પડી કાટ ખાય છે.”[૭]

અહીં કવિએ કટાક્ષશૈલીમાં આ પંકિત આપી છે. પહેલાં જયારે રજવાડું હતું ત્યારે આલા બાપુને તલવારની જરૂર પડતી. આજે તો રજવાડું પણ નથી અને તલવારનો ઉપયોગ પણ નથી. તેને કાટ ખાય જાય છે માટે રામલો લુહાર ગ્રાહકને શોધી આપે છે.

લોકકવિ સ્ત્રીને કેન્દ્રમાં રાખી કાવ્યમાં ઘણાં લોકતત્વો પ્રયોજે છે. જેમકે, ગોરમાને પાંચે આંગળીએ પુજયાં એમ આપણો કવિ કહે છે. ગોરમાનું વ્રત આપણા સમાજની બાળાઓ, કુંવારિકાઓ પોતાનાં માટે યોગ્ય પતિ મળે એ હેતુથી એ શ્રધ્ધાથી કરે છે.
'' ગોરમાને પાંચે આંગળીએ પુજયા ને નાગલાં ઓછાં પડયાં રે લોલ,
કમ્મખે દોથો ભરીને કાંઈ ટાંકયા કે આભલાં ઓછાં પડયાં રે લોલ.''[૮]

અહીં નાગલા, આભલાં દ્વારા કવિ કવિતાની ચમક વધારે છે. તો વળી, રમેશ પારેખે ચાકડા સંદર્ભે ઘણી પંકિત આલેખી છે.
'' કે બાઈ, મારે હાલવું તે કઈ પેર પિંડિયું તુટી પડે રે લોલ,
ઝાંખે પાંખે દીવડાને અજવાસ કે ચાકળો બૂડી જશે રે લોલ,''[૯]

'' હાલર હિંસકે ખાલી ચડશે,
તોરણ ચાકળે ખાલી ચડશે,
રમણ દીવડે ખાલી ચડશે,
મારે આભલે ખાલી ચડશે,''[૧૦]

'ચાકળાને રમેશ પારેખ અહિં વિવિધ રીતે પ્રયોજે છે. 'કે બાઈ' થી આરંભાયેલી પ્રથમ પંકિત ભજન અને લોકગીતની શૈલીને અનુસરે છે. 'કે બાઈ અને 'રે લોલ' ના અંત્યાનુંપ્રાસ દ્વારા કવિએ લોકગીતનો ભાવ દર્શાવ્યો છે.

તો વળી નારીના વનમાં આ વિવિધ વિધિઓ અને પ્રસંગો ખુબ મહાત્મ્ય ધરાવે છે. નાની છોકરીમાંથી કિશોરી અને કિશોરીમાંથી એક યૌવના બનવા સુધીમાં તે અનેક ઘટનાઓ અનુભવે છે.
'' બાઈ, માથાબોળ પ્હેલવ્હેલી નાહી,
વાળ જાંબુડી હેઠ હું કોરા કરવા બેઠી ''

કવિએ જાંબુડી હેઠ કાવ્યમાં ''માથાબોળ'' શબ્દ કવિની લૌકિક સુઝ દર્શાવે છે. બાળપણનાં દોરમાંથી નીકળી અને યુવાની તરફની વયગતિ રમેશ પારેખે અવારનવાર પોતાના કાવ્યોમાં સુચિત કરી છે. અહિં પણ પ્રથમ વખત માસિક ધર્મમાં રજસ્વાલા સ્થિતિમાં આવનાર નાયિકાનાં મનોભાવો કવિ ચિત્રિત કરે છે. યૌવનની પાંખ ફુટયાંની શરૂઆત કવિ નાયિકાનાં મુખે કબુલ કરાવીને અંતિમ પંકિતમાં ચમત્કૃતિ સર્જે છે.
'' હું જ ભોળી ભટ્ટાક ને મારો વાંક કે,
કોરા કમખા માથે મોરનું ભરત ભરવા બેઠી.''

અહિં લોકકવિ કરવા બેઠી, ચાતરવા બેઠી, ઠરવા બેઠી, ભરવા બેઠી વગેરે જેવા પ્રાસને જાળવીને લોકગીતની ઝલક આપી શકયા છે. તો કોરા કમખાને '' કૌમાર્ય'' ના પ્રતીક તરીકે જાણે આલેખિત ન કર્યું હોય તેમ દર્શાવીને તેના પર મોરનું ભરત ભરવા બેઠી એમ કવિ જણાવે છે.

તો વળી યુવાવસ્થામાં પ્રવેશેલી નાયિકાની હંમેશા એક તડપ – એક ઝંખના હોય, અને એ ઝંખના લોકકવિ સિવાય કોઇ સમજી ન શકે. આથી જ તો કવિ કહે છે કે,
"હું તો પહેલા વરસાદથી ભીંજેલી હો રાજ,
મારે જાવું ક્યાં જાવું રે લોલ?"[૧૧]

આમ, કવિ રમેશ પારેખની કવિતા જેના કારણે લોકાભિમુખ અને લોકપ્રિય બની શકી છે. એવા લોકતત્વો વિશેષ ધ્યાનાકર્ષક બને છે. કવિની કવિતાઓમાંની વિશિષ્ટતા ચાર પ્રકારના લોકતત્વોમાંથી જન્મે છે. અને આ ચારે ચાર પ્રકારોમાં વનલક્ષી એટલે કે લોકવનને સ્પર્શતા તત્વો, લોકસંસ્કૃતિ અને લોકમાન્યતાઓને લગતાં તત્વો , લોકકલાને નિરૂપતાં લોકતત્વો અને લોકવાડમય કે લોકબોલીમાં પ્રગટતાં લોકતત્વો સાહિત્યમાં પોતાની કેટલીક અંગત સંવેદનાઓ અને કલ્પનાઓને કારણે લોકકવિનું પ્રયોજન એ કવિની અભિવ્યકિતની વિશેષતા છે. જે તેમની કવિતામાં રહેલાં લોકતત્વોને વિશિષ્ટ સ્વરૂપ દ્વારા પ્રગટ કરે છે.

સંદર્ભ : :
1. છ અક્ષરનું નામ, રમેશ પારેખ, પ્રવીણ પ્રકાશન, રાજકોટ. પ્રકાશન વર્ષ– ૧૯૯૧, પૃ- ૩૩૪
2. ભાતીગળ સૌરાષ્ટ્ર, સૌરાષ્ટ્ર સંસ્કૃતિ ફાઉન્ડેશન, રાજકોટ. અંક- ૩૪, પૃ- ૩૮
3. છ અક્ષરનું નામ, રમેશ પારેખ, પ્રવીણ પ્રકાશન, રાજકોટ. પ્રકાશન વર્ષ– ૧૯૯૧, પૃ- ૩૭૩
4. એજન્ પૃ- ૩૬૯
5. એજન્ પૃ- ૨૭૬
6. એજન્ પૃ- ૪૪-૪૫
7. એજન્ પૃ- ૩૫૫
8. એજન્ પૃ- ૩
9. એજન્ પૃ- ૬
10. એજન્ પૃ- ૭૭
11. એજન્ પૃ- ૧૫૫

ડો. રામસિંગ એલ. ઝાલા, તા- ઉના, જિ-ગીર સોમનાથ zalaramsing@gmail.com મો.- ૯૭૩૭૬૨૫૩૨૫