संसकृतविश्वविहार

શ્રદ્ધેય વાચકો, રાજર્ષિ અને કવિવર ભર્તૃહરિકૃત ત્રણ શતકકાવ્યો અને એક વિજ્ઞાનશતક એમ ચાર શતકકાવ્યો લોકપ્રસિદ્ધ છે. હવેથી સાહિત્યસેતુ નામક આ માન્ય રાષ્ટ્રિય સામયિક (ઇ-જર્નલ) દ્વારા સાતત્યપૂર્ણ રીતે આ ત્રણેય શતક કાવ્યો ક્રમશઃ પ્રકાશિત કરવામાં આવશે. ત્રણેય શતકકાવ્યોમાં લગભગ 107, 108 કે 109 શ્લોકો અત્યારે હાલ પ્રાપ્ત થાય છે. તેમાં કેટલાક પાઠભેદો પણ છે. તેમ છતાં સર્વમાન્ય અને સુપ્રચલિત એવા પાઠને પ્રાધ્યાન્ય આપવામાં આવશે.

સૌપ્રથમ અત્રે નીતિશતકને તેના મૂળ સંસ્કૃતપાઠ, સમછન્દી અનુવાદ, ગુજરાતી અનુવાદ અને કઠિન શબ્દોના અર્થ સહિત પ્રસ્તુત કરવામાં આવેલ છે. કૃતિનો સંસ્કૃતપાઠ વિદ્વદ્વર્ય એવા ન્યાયમૂર્તિ શ્રી તૈલંગે મુંબઇ ખાતે કોઇક પ્રાચીન હસ્તપ્રતના આધારે પ્રગટ કરેલી પ્રતના આધારે આપેલો છે. જેને ઇ.સ. ૧૮૯૨માં ગુજરાતી પ્રેસ, મુંબઇ દ્વારા મણિલાલ ઈચ્છારામ દેસાઇએ છાપ્યો હતો. તે સંસ્કૃતપાઠ અત્રે પ્રતુત છે. સમછન્દી અનુવાદ શ્રી ગિરિશભાઇ ભચેચ દ્વારા ઇ.સ. 1989માં નવપ્રભાત પ્રેસ, અમદાવાદ દ્વારા પ્રગટ કરવામાં આવેલો હતો. તેમણે પણ નીતિશતકના પ્રસિદ્ધ ટીકાકાર અને જૈનાચાર્ય દામોદર ધર્માનંદ કૌશામ્બીના મૂળ સંસ્કૃત પાઠનું અનુસરણ કરીને જ સમછન્દી અનુવાદ કરેલો છે. (હાલ યુનિવર્સિટીઓમાં પણ આ જ વાચના અભ્યાસક્રમમાં છે.) તેનો ગુજરાતી અનુવાદ અને કઠિન શબ્દોની સમજૂતી આપવાનો નમ્ર પ્રયાસ મારા દ્વારા કરવામાં આવ્યો છે. આશા છે કે આપ સૌ સુજ્ઞજનો માટે એ મનભાવન અને સહાયક બનશે.

ભાગ-1 નીતિશતક-૦૧ થી ૨૫ શ્લોક

ડૉ. મહેશ એ. પટેલ, ગુજરાત આર્ટ્સ અને કૉમર્સ કૉલેજ, એલિસબ્રીજ, અમદાવાદ