Download this page in

ટકોરા

ટક ટક ટક ટક…
ધીમા ચોખ્ખા અવાજે દરવાજે કોઈએ દસ્તક આપી.
‘ફરી એ જ! રોજની જેમ ટપકી પડ્યા!’
“આજે તો ગમે એટલું બોલાવે, હું બારણું ખોલવાની જ નથી ને!” જરા મોટા સાદે કહ્યું મેં. ધીમું હાસ્ય સંભળાયું જવાબમાં.
મારી વાતને કાને ન ધરતાં એણે પોતાની ખટ ખટ ચાલુ જ રાખી.
રોજ આમ જ બનતું. શરૂઆતમાં તો મને એનો અવાજ જ નહોતો સંભળાયો; કેટલાય દિવસો એણે એમ જ બારણું ઠોક્યાં કર્યું હશે!
હવે તો આદત થઈ ગઈ છે એની. ને છતાંય મારી ટેવવશ હું ભાગ્યા કરું છું એનાથી. શું કરું? હું ય ક્યાં એકલી છું કે ચાલી નીકળું એ બોલાવે ત્યારે? કેટલીય જવાબદારીઓ કરોળિયાના જાળની માફક વીંટળાઈને બેઠી છે. એ પણ ક્યાં અજાણ છે મારી સ્થિતિથી? ને છતાંય રોજ આવી જ જાય છે ટકોરા મારવા!
‘આજે તો નથી જ ખોલવું!’ થોડી વાર પહેલાનો મક્કમ નિશ્ચય ઢીલો પડવા લાગ્યો. એના એ લયબદ્ધ ટકોરાએ મારા બધા જ બંધનો તોડી નાખ્યા. મને ખબર હતી કે એની પાસે જઈને મારી બધી જ અતૃપ્ત ઈચ્છાઓની તરસ છીપાઈ જવાની હતી, મારા બધા જ સપનાઓ એની મેળે જ સાકાર થઈ જવાના હતા.
કોણ જાણે કેમ પણ આજના એના પોકારનું ખેંચાણ જ અલગ હતું. રોજની જેમ થોડા સમય માટે નહિ, સદાય માટે એની પાસે જવા વિવશ થઇ ગઈ હું.
મારા મનના ટકોરા મારતા એ બારણાને ધીરેથી ખોલીને હું અંદર પ્રવેશી. મારું ‘એકાંત’ મારામાં ને હું એનામાં ઓગળી ગઈ.
હવે કોઈ જ દરવાજાની જરૂર જ ક્યાં હતી?

શ્રદ્ધા ભટ્ટ