Download this page in

‘તુણ્ડિલ-તુણ્ડિકા’ અનુઆધુનિક પદ્યવાર્તા કે કાવ્યવાર્તા!

વિનોદ જોશી સાંમ્પ્રત ગુજરાતી સાહિત્યક્ષેત્રે પ્રવૃત્ત કવિઓમાં મોટા ગજાના કવિ છે. તેમની પાસેથી ‘પરંતુ’, ‘શિખંડી’, ‘તુંડીલ તુંડિકા’, ‘ઝાલર વાગે જૂઠડી’ જેવા કાવ્ય સંગ્રહો ગુજરાતી સાહિત્યને મળ્યા છે. ‘તુણ્ડિલ-તુણ્ડિકા’ વિનોદ જોશીની અનુઆધુનિકયુગમાં રચાયેલી પદ્યવાર્તા છે. ‘તુણ્ડિલ-તુણ્ડિકા’માં કવિએ પરંપરા અને આધુનિકતાનો સમન્વય કર્યો છે. આ પદ્યવાર્તામાં સર્જકે મધ્યકાલીન સાહિત્યસ્વરૂપને નવીન વાઘાઓ પહેરાવી નાવીન્ય અર્પ્યુ છે. સર્જકે પદ્યવાર્તાના બાહ્યક્લેવરને ક્યાંય હાનિ-પહોચાડી નથી તે મધ્યકાળમાં જે પદ્યવાર્તા સ્વરૂપે હતી તેવી જ નિરૂપી છે. પણ તેની અભિવ્યક્તિ, શ્રોતાગણ, અને ભાષાસિદ્ધિ વગેરે બાબતોમાં તેમણે કરેલા ફેરફાર કૃતિને નાવિન્ય અર્પે છે. મધ્યકાળમાં પદ્યવાર્તાકાર સમક્ષ પ્રત્યક્ષ વાર્તાકથન અનિવાર્ય હતું અહીં વિનોદ જોશીએ નવ્યકવિના મુખે પદ્યવાર્તાકથન કરાવી સર્જક તરીકે તેઓ અળગા રહ્યા છે જે પદ્યવાર્તાને નવીન રીતે રજૂ કરતી અનુઆધુનિક કૃતિ તરીકેની નામના અપાવે છે. સરસ્વતીની કૃપાથી નવ્યકવિ શૃગારરસમાં આ પદ્યવાર્તા રજૂ કરી રહ્યા છે એવો એકરાર પણ કાવ્યાભિવ્યક્તિની નવીન તરેહો દર્શાવે છે.

વિનોદ જોશીએ ‘તુણ્ડિલ-તુણ્ડિકા’ની રચનામાં વિષયવસ્તુ તરીકે લોકખ્યાત કથાનો આધાર લીધો છે જે પરંપરાનાં ઉપયોગને સૂચવે છે. તુણ્ડિલપુર નામે એક રાજ્ય હતું. આ રાજ્યના રાજાનું નામ તુણ્ડિલ હતું. તેના પ્રધાનનું નામ કાફર હતું. આ રાજ્યમાં વરસાદ ખૂબ ઓછો પડતો હતો આથી તાપ અને ગરમી ખૂબ જ પડતાં હતાં. એકવાર ઘણાં વર્ષો સુધી વરસાદ ન પડ્યો. રાજ્ય ઉપર દુષ્કાળ જેવી આફત આવી પડી. દુષ્કાળનું વર્ણન કરતાં કવિ લખે છે;
“થૂંક બધું ઊડી ગયું
જિહવા બની અબોલ,
બન્ને બગલબખોલ
સૂક્કી સબકી દીસતી.”

તુણ્ડિલપુરનો રાજા જોહુકમી હતો. તેના અધિકારીઓ પણ તેના જેવા સ્વભાવના હતા. તેઓ એકબીજા સાથેની વાત-ચીતમાં પણ માન-સન્માન જાળવતા ન હતા. અધિકારીઓ રાજાની સામે વિવશ હતા અને રાજાના બધા જ આદેશોનું લોકોને ફરમાન કરતા હતા. દુષ્કાળની સ્થિતિમાં ધકેલાયેલા રાજ્યમાં ગરમી અને તાપનો ત્રાસ ખૂબ વધી ગયો. એક દિવસ રાજાને લૂ લાગી. રાજાએ ફરમાન કર્યુ કે રાજ્યમાં ઢંઢેરો પીટાવીને કહો કે બધાએ મોઢા વડે ફૂંક મારીને પણ રાજાને પવન નાખવો. આવા હુંકમને લઇને પ્રધાનો તથા અધિકારીઓ રાજાને પીઠપાછળ ગાળો બોલતા હતા પણ ફરમાનનો અમલ કર્યા સિવાય ચાલે એમ ન હતું. અહીં રાજા- પ્રધાન- અધિકારી ભલે લોકકથાના વસ્તુના હોય પણ અનુઆધુનિક નવ્યકવિનો ઇશારો આજના પદાધિકારી-અધિકારીઓ તરફનો હોય તે સહજ છે. આવી બેનમૂન કથાની ગૂંથણી વ્યંજનાસભર હોઇ પદ્યવાર્તાને કાવ્યવાર્તા સવિશેષ બનાવે છે. વળી, આટલી વાર્તાને અંતે સર્જકે દર્શાવ્યું છે કે આ વાત ચાલતી હતી ત્યાં મજા ન આવતાં ઓડિયન્સમાંથી બે-ચાર ડોસા ચાલવા માંડ્યા. અહીં પદ્યવાર્તાના કથનની સીધી શ્રોતાગણ પર થતી અસર સ્પષ્ટ થાય છે. પદ્યવાર્તાને રસપ્રદ બનાવતા નવ્યકવિ આગળ જણાવે છે કે
“સોળ વરસની સુંદરી
રુમઝુમ કરતું રૂપ,
મારે મખમલ ફૂંક
પડખે જઇને પ્રેમથી.”

એક સોળ વરસની યુવતિ રાજાને પડખે ઊભી રહીને મુખ વડે પવન નાખતી હતી. રાજાની નજર તેના પર પડતાં જ તેના મોહમાં પડે છે. મોહમાં પડેલો રાજા તેનો હાથ પકડી લે છે. પદ્યવાર્તાના આવા મોહક વળાંકથી શ્રોતાઓમાં પણ કૂતુહલ જાગે છે. પદ્યવાર્તા પ્રત્યક્ષકથન સૂચવતું સાહિત્યસ્વરૂપ છે. આથી નારીદેહના વર્ણનના ઓડિયાન્સ વન્સમોર કરતા બતાવ્યા છે જે લેખકની કથાગૂંથણીની આગવી હથોટી દર્શાવે છે. યુવતિના કામણથી ઘેલો થયેલો રાજા અન્ય લોકોને કાઢી મૂકી યુવતિને બંદી બનાવે છે. આ યુવતિને તુણ્ડિલ રાજાની પત્નિ તુણ્ડિકા એવું નામાભિધાન કરી રાણી બનાવે છે. રાણી તુણ્ડિકા રાજાને તમારા દેશમાં ગરમી અને લૂ વધારે છે એમ જણાવતાં રાજા-રાણી ઘોડા ઉપર બેસી તુણ્ડિલપુર છોડી બીજા દેશ જવા નીકળી પડે છે. તુણ્ડિલપુરથી નીકળેલ રાજારાણી બીજા દેશ જોઇ આશ્ર્વર્ય અનુભવે છે. તે વર્ણન કેવું કાવ્યત્વમય રીતે દર્શાવ્યું છે જુઓ.
“કૂવા કેરો દેડકો
સાત સમુંદર ન્હાય,
ભેળી તરતી જાય
મટકી કેરી માછલી”

અહીં બિનઅનુભવી રાજા માટે ‘કૂવાનો દેડકો’અને રાણી માટે ‘માટલીની માછલી’જેવા શબ્દપ્રયોગો કવિની કથનમાં આકર્ષક ગૂંથણી દર્શાવે છે. તેઓ ફરી-ફરીને થાકી જાય છે. એક દિવસ તુણ્ડિકા આંબાના ઝાડ નીચે એકલી બેઠી હતી ત્યાં શિકારે નિકળેલા સૂબાના હાથે સપડાય છે. સૂબો તેને બળજબરી પૂર્વક પોતાના રંગમહેલમાં લઇ આવે છે. રાણી તુણ્ડિકાતુણ્ડિલથી વિખૂટા પડવાથી કકળાટ કરે છે. આઘાત લાગવાથી તેનું શરીર નિસ્તેજ થઇ જાય છે અને શબવત થઇ ઢળી પડે છે. આથી પોતે પ્રેમનું પાતક વહોર્યાનો અફસોસ વ્યક્ત કરે છે અને શબવત તુણ્ડિકાને રાજા પાસે પરત મૂકવા આવે છે. પણ તુણ્ડિલરાજા પણ રાણીને ન જોતાં પોતાના શરીરને કષ્ટ આપીને મૃત્યુને વ્હોરે છે. રાજા રાણી બંનેના મોત માટે પોતે જવાબદાર છે એમ ગણી સૂબો બંનેને જીવિત કરવા અલ્લાહને બંદગી કરે છે. અહીં બંનેને પુનર્જીવિત થતાં બતાવી અદભૂત રસનું આસ્વાદ્યપૂર્ણ નિરૂપણ કર્યુ છે જુઓ;
“અધવચ્ચે પહોંચ્યા હતા
પ્રેમીજનના પ્રાણ,
આપ્યું ત્યાં વરદાન
બેઉ જણાં બેઠાં થિયાં.
સૂબો કહેતો રહી ગયો
હરૈત સે હૈરાન;
આજ હુઇ પહેચાન
અલા! તેરી રહમ કી”

અહીં પદ્યવાર્તાના પ્રત્યક્ષ કથનસ્વરૂપને અનુરૂપ કથાગૂંથણી અને રસનિરૂપણ કર્યું છે. જીવિત થયેલ રાજા તુણ્ડિકા ઉપર પોતાની સાથે અવિશ્વાસ કર્યાંનું આળ મૂકી ચાબૂક ફટકારે છે. રાત દરમ્યાન તુણ્ડિકાને ત્યજીને તે ચાલ્યો જાય છે. એકલી તુણ્ડિકા રાતભર ખૂબ વરસાદ પડવાથી નદીમાં તણાઇ જાય છે તે ઉત્સવદેશના રાજકુમાર નરયુંગવને મળે છે. નરયુંગવ તેને પોતાના મહેલમાં લઇ જાય છે. તુણ્ડિલનો વિચાર કરતી તુણ્ડિકા નરયુંગવ પાસે ખચકાતા મને જાય છે. ઉત્સવપુરમાં તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે. અહીં મહેલનું વર્ણન પણ કવિએ સુંદર રીતે કર્યું છે. તુણ્ડિકા મનોમન તુણ્ડિલને યાદ કરી નરયુંગવથી દૂર થતી જાય છે. આથી નરયુંગવ તેને એક આડવાર્તા કહે કહે છે.અહીં પદ્યવાર્તાના સ્વરૂપ નો સર્જકે આડવાર્તા રજૂ કરી મહિમા કર્યો છે.

એક ગરીબ પરીવાર હતો. તેમાં એક બિમાર પતિ અને પત્ની તેના નવજન્મિત પુત્ર સાથે રહેતાં હતાં. થોડા સમયમાં પતિનું મૃત્યુ થયું આથી પુત્ર જ મા માટે સર્વસ્વ હતો. તેણીએ તેને ખૂબ લાડપ્યારથી ઉછેર્યો. પુત્ર યુવાન થઇ ગયો ત્યાં સુધી બંને મા-પુત્ર એક જ પથારીમાં સૂતાં હતાં. એક દિવસ માતાનો હાથ પુત્ર ઉપર પડતાં કામ ઉદિપ્ત થાય છે અને બંને અણજાણતાં જ રતિક્રિડા કરવા માંડે છે. પછી બંનેની સ્થિતિ સર્જકે સુંદર રીતે રજૂ કરી છે.
“બહુત બહુત મન અપના કોસા
તન સે તબ ઉઠ ગયા ભરોસા,
કિયા ખૂબ દિલ મેં પછતાવા
લગે નૈન આંસુ ઉભરવા.”

અહીં પુત્ર-મા વચ્ચે જાતિયસંબંધ બંધાવાથી સર્જકે તુણ્ડિકાના મનમાં પ્રેમ ઉપસાવવા શરીરભૂખ સામે સંસ્કૃતિ હારે છે તેવા સનાતન સત્યનું ગૂંફન આડકથા દ્વારા કર્યુ છે. સ્ત્રી પશ્વાતાપ પછી સ્વસ્થ થઇને કેશ ગૂંથવા લાગે છે અને પુત્રની સાથે જ પત્નીના રૂપમાં જીવન વિતાવવા તૈયાર થાય છે. અહીં આડકથા પૂરી થાય છે અને તુણ્ડિકા પણ નરયુંગવની સાથે જીવન વિતાવવા તૈયાર થાય છે.

આ બાજુ રાજા તુણ્ડિલ પત્ની વિરહથી ભટકતો ફરે છે. ભૂખ-તરસથી ત્રસ્ત તેને ઠેશ વાગતાં પડી જાય છે તેથી બેભાન બને છે. તે મરણવશ થવા જેવો થઈ જાય છે. તેને મોંઢામાંથી ફીણ પણ આવી જાય છે. ત્યાં સ્વર્ગની કિન્નરી(સુંદરી)ના શીતળ હાથે શાતા પામે છે અને ભાનમાં આવે છે. રાજા પોતાની વાત તે અપ્સરાને જણાવે છે. અપ્સરા તેને પવનપાવડીમાં બેસાડી સ્વર્ગમાં લઇ જાય છે. ત્યાં પ્રતિહાર અને રાજા વચ્ચે સ્વર્ગપ્રવેશ અર્થે પ્રશ્નોત્તરી થાય છે. રાજાના ઉત્તરથી સંતોષ માની તેનો સ્વર્ગપ્રવેશ કરવામાં આવે છે. સ્વર્ગના દર્શનથીરાજા ખુશખુશાલ થઇ જાય છે. અહીં વચ્ચે વિવેચકો કે જે શ્રોતારૂપે ઉપસ્થિત છે તેઓની ચર્ચાની ગૂંથણી સર્જકે કરી અનુઆધુનિક સમયની કૃતિની યાદ અપાવી છે.

થોડા દિવસ વિત્યા પછી રાજાને તુણ્ડિકા સાથે વિતાવેલા દિવસોની યાદ આવતાં તે અપ્સરાને પૃથ્વી ઉપર પરત લઇ જવા વિનવણી કરે છે તે અપ્સરાને વિરહ વિશે જણાવતાં કહે છે:
“મનુજલોકના માનવી
તુંથી ના પરખાય,
પરપોટા થઇ જાય
છોડી જળની જાતને.”

અહીં પૃથ્વીલોકના મનુષ્ય માટે પ્રમના મહત્વની રજૂઆત પ્રણયપ્રિય કવિએ આકર્ષક રીતે કરેલી જોવા મળે છે. પ્રેમીઓના વિરહને વધુ પ્રગાઢ રીતે રજૂ કરવા એક યુવતિની વાત કહે છે. કહેતાં એક યુવતિ ચોરી-ચોરી પોતાના પિયુની રાહ જોતી હતી. તે હવા, ઝાકળ, સૂર્યને પોતાના પ્રિયતમ વિશે પૂછતી હતી. તે સોળ વર્ષની થતાં જ તેની વિરહવેદના વધવા લાગી. આ યુવતીની વાત પૂરી થતાં પ્રેમીઓના પ્રેમ, વિરહ, જેવાં ગીતોની ગૂંથણી કથાને અનુરૂપ વળાંક આપવામાં મહત્વના સાબિત થયાં છે. અપ્સરાનું મન પીગળતાં તે રાજાને પવનપાવડીના સહારે પૃથ્વી પર લઇ આવે છે ત્યાં ઉત્સવપુરમાં તુણ્ડિલ-તુણ્ડિકાનું મિલન કરાવી સુખદ અંત આણ્યો છે. આ કથાવસ્તુની સાથે સાંપ્રત સમયના શ્રોતાઓ, તેમની મન:સ્થિતિ, સાંપ્રત સાહિત્યકારો અને તેમની સ્થિતિ તથા વિવેચકોની માનસિકતા વગેરેનો શુભગસંયોગ કૃતિને મધ્યકાલીન પદ્યવાર્તા ન રહેવા દેતા અનુઆધુનિક કાવ્યવાર્તા બનાવી દે છે.

આ મધ્યકાલીન સાહિત્ય સ્વરૂપને અનુરૂપ ભાષા કર્મ કવિએ અહીં દાખવ્યું છે. ‘તુણ્ડિલ-તુણ્ડિકા’ની ભાષા દ્વારા ક્યાંક હિન્દી ગુજરાતીનું મિશ્રણ, તો ક્યાંક અંપભ્રશીય શબ્દોનો ઉપયોગ કરી મધ્યકાળનું વાતાવરણ સર્જવાનો સર્જકે પ્રયત્ન કર્યો છે. પદ્યવાર્તામાં આવતા ગીતોમાં સોરઠી–ગ્રામીણ ભાષાનો ઉપયોગ થયો છે. પદ્યવાર્તાના સ્વરૂપને અનુરૂપ મધ્યકાલીન ગુર્જર ભાષાનો વિનિયોગ પણ સર્જકે કર્યો છે. શરૂઆતનુ મંગલાચરણ જુઓ;
“જય હો માત સરસ્વતી
કિરપા કરી અનેક ,
લેખણ દિજો એક
ખોલી ખડિયાખોડનું” (પૃ -૧ )

અહીં સર્જકે દાખવેલ ભાષાકર્મ મધ્યકાલીન પદ્યવાર્તાઓની ઝાંખી કરાવે તેવું છે. ‘માત સરસ્વતી’, ‘કિરપા’, ‘લેખણ’, ‘ખડિયા ઢાકણું’ વગેરે શબ્દો મધ્યકાલીન ગુજરાતી સ્વરૂપને સૂચવે છે. પદ્યવાર્તામાં વપરાયેલ ‘ક્યાં’, ‘ગોતું’, ‘પાસળિયું’ વગેરે શબ્દો સોરઠી પરિવેશને સૂચવે છે. એ જ રીતે આખા કાવ્યમાં ઘાંઘો, સમુંદર, જુવાન, પોખણો, કમજાત, ભરથાર, મુલક જેવા શબ્દપ્રયોગો કાવ્યની પ્રવાહિતા માટે અસરકારક સાબિત થયા છે.

પદ્યવાર્તાને અનુરૂપ દોહરો છંદનો વિનિયોગ પદ્યવાર્તાને વધારે લોકભોગ્ય બનાવે તે રીતે વિનિયોગ કર્યો છે. વળી તેમાં દોહરાની આવતી રચનાભાત ૧૩-૧૧, ૧૩-૧૧ છે તેમાં ફેરફાર કરીને ૧૩-૧૧, ૧૧-૧૩ ની નોખી અભિવ્યક્તિ સર્જકે દાખવી છે જે અનુઆધુનિકકૃતિને દર્શાવે છે.
“ડળક ડળક મોતી ખર્યા
અખિયન સે લાચાર
ધગધગતા અંગાર
ઝીલ્યા તરત જુવાનડે.” (પૃ-૨૭)

અહીં દોહરોની રચનાભાત ૧૩-૧૧-૧૧-૧૩ ની છે જે કથનને વધારે પ્રવાહિત અને ધારદાર સીધી લીટીમાં રજૂઆત કરવામાં મદદરૂપ થાય છે. આવો ભાષાનો રૂપલક્ષી ફેરફાર અનુઆધુનિક નવ્યકવિની કઈક નવું કરવાની તલાવેલી દર્શાવે છે. આવી દોહરોની રચનાભાત સમગ્ર કાવ્યમાં જોવા મળે છે.

કાવ્યમાં રવાનુકારી શબ્દોનો વિનિયોગ કવિની સ્થળવર્ણન-પરિસ્થિતી નિર્માણ કરવાની અદ્વિતીય સૂઝને સૂચવે છે. ‘ફેરફાર ઊંડે કેશ’, છલછલ બાદલ છાટકા’, ‘ખલકફલક ખોગું કરી’, ‘હડહડતો આરોપ’, ‘થરથર કાંપે સુંદરી’, ‘ઝટઝટ આવી જોવાના’, ધકધક છાતીએ’, ‘મરકમરકહસતી રહી’, ‘અગડંબગડં આળખી’ જેવા દ્વિરુક્ત અને રવાનુકારી શબ્દો થકી પદ્યવાર્તાને વધુ રસપ્રદ અને ભાવવાહી બનાવી શક્યા છે જે અનુઆધુનિક કવિના ભાષાકીય પ્રાવિણ્યને સૂચવે છે. વર્ણાનુપ્રાસ અને શ્બ્દાનુપ્રાસ ના ઉપયોગ દ્વારા પદ્યવાર્તાના કથનને વધારે રસપ્રદ અને કર્ણપ્રિય બનાવ્યું છે. જુઓ :
“દેહ બ્રસી છે દેહ જ દુનિયા
દેહ થકી સબ સોચાસુનીયા,
દેહ કામનો દેહ નકામો
દેહ એક સંદેહ નાનામો.”(પૃ-૩૮)

આવું અનુપમ ભાષાકર્મ કવિની અનુઆધુનિક પ્રતિભા દર્શાવે છે જેઓ ભાષા પ્રત્યે સભાનતા સૂચવે છે. સર્જકે સાંપ્રત શ્રોતાવર્ગ દર્શાવવા માટે વચ્ચે વચ્ચે સૂચવેલ પદાવલિ શ્રોતાઓની સ્થિતિ દર્શાવે છે. ‘એક ડોશીએ દૂઠવો મૂક્યો’, ‘બે-ચાર બૂઢીયા ઊઠીને ચાલવા માંડ્યા’, ‘એક-બે જુવાનડાએ સીટીઓ વગાડી’, ‘કવિરાજ ! પાત્રો જીવંત કરો, નહીં તો ડોશીનું મોત તમારે શીરે’, ‘ડોશીએ છીંકણીનો સડાકો લીધો’, ‘ટોપી પહેરેલાએ કાનમાં કહ્યું: ‘હેલ્મેટની અસર વરતાય છે.’ ‘એક વિવેચકે ‘ઈંડિપસ કામ્પ્લેક્સ’ નો હવાલો આપી બાજુમાં બેઠેલા ટોપી પહેરેલા વિવેચકને ખોવાઈ ગયો હતો તેમાંથી બહાર કાઢયો’, ‘એક દારૂડિયો ‘હાય! મર જાઉં’, ‘વિવેચકોએ અંદરઅંદર મસલત કરી’ વગેરે જેવા વાકયપ્રયોગો પદ્યવાર્તાના શ્રોતાઓના વર્ણનને સૂચવે છે. જે શ્રોતાઓની સ્થિતિને પણ કવિએ સુંદર રીતે ઉપયોગમાં લીધી છે તેમની ચીવટતા દર્શાવે છે. આમ , વિનોદ જોશીએ ‘તુંન્ડિલ તુંડીકા’માં અદ્વિતીય ભાષકર્મ દાખવ્યું છે. આથી જ સુમનશાહ કહે છે. “હું ‘તુંડીલ તુંડીલકા’ ને પદ્યવાર્તા નથી કહેતો, કાવ્યવાર્તા કહું છું.”

‘તુણ્ડિલ-તુણ્ડિકા’ની ભાષા સંદર્ભે કવિએ ક્યાંક તેમની સંસ્કૃત પંડિતાઈ દર્શાવી છે જે તેમની પદ્યવાર્તા સ્વરૂપને ધ્યાનમાં લેતાં તેમની મર્યાદા જ ગણાય જુઓ.
“સદન નિરખતાં દિન ગયો
વદન મુદિત પરિતૃપ્ત ,
વિષમ વિષાદ વિલુપ્ત
અવિદિત યામા ઊતરી”

અહીં વપરાયેલ સંસ્કૃતપ્રચુર ભાષા શ્રોતાવર્ગમાંથી માત્ર વિવેચકો જ સમજી શકે તેવી છે. આ ઉપરાંત બીજી પંક્તિઓમાં ક્યાંક ક્યાંક આવતી સંસ્કૃત પદાવલિ પદ્યવાર્તાની સફળતાની આડે આવે છે. જુઓ;
“કુસુમિત ફૂલ પ્રભાતમાં,
ડૂબી બંજર રાત ,
બીખર ગયો સંઘાત,
ચહુદિશ વિગલિત સંભ્રમા” (પૃ-૨૮)

ઉપરોક્ત કથનમાં છેલ્લી પંક્તિમાં આવેલ ‘વિગલિતસંભ્રમા’ જેવા સંસ્કૃત શબ્દો પદ્યવાર્તાની મર્યાદા સમાન ગણાય.

આમ,'તુણ્ડિલ-તુણ્ડિકા’ વિનોદ જોશીની ભાષાકીય સબળ પકડનું પરિમાણ છે. કવિની થોડી મર્યાદાઓ બાદ કરતાં અજોડ કાવ્યકૃતિ તરીકે અનુઆધુનિક સર્જકની સફળતાને દર્શાવે છે.

અનુઆધુનિક યુગની કૃતિઓની અભિવ્યક્તિની અનોખી મુદ્રા આ પદ્યવાર્તામાં પણ જોવા મળે છે. આખી પદ્યવાર્તા દરમિયાન ભજવણીની જગ્યાની ચિત્રદ્રશ્યાવલી સર્જકે ઉપસાવી છે. આ ઉપરાંત શ્રોતાઓની હલચલ-પ્રતિભાવો વગેરેને દર્શાવતી નાટ્યાત્મક શૈલીનો વિનિયોગ તેમણે કર્યો છે. જે પદ્યવાર્તા સ્વરૂપને ઉપકારક પણ નિવડેલો જણાય છે. કવિએ પદ્યવાર્તાની માંડણી કરવામાં પણ કલાત્મક અભિવ્યક્તિ દર્શાવી છે. રાજાના રાજ્યનું પ્રથમ દર્શન કરાવ્યું છે. બાદ રાણીનો પ્રવેશ કરાવી પરદેશ ભ્રમણ કરતાં બંનેને બતાવ્યા છે. નાયક-નાયિકાના મિલન બાદ મધ્યકાળની પદ્યવાર્તામાં આવતા મોટીફનો ઉપયોગ કરતાં, પ્રેમીજોડાનું વિખુટા પડવું, કષ્ટો સહન કરવા, આડકથા, પ્રશ્નોત્તરી અને અંતે સુખદ મિલનનું મિશ્રણ સપ્રમાણ રીતે સર્જક દાખવી શક્યા છે. કથાના દોરને વળ બેસાડવાની કવિશ્રી વિનોદ જોશીની આગવી સૂઝ તેમણે આ પદ્યવાર્તામાં દેખાડી છે. સ્વર્ગલોકમાં પ્રવેશતાં પ્રતિહાર દ્વારા થતી પ્રશ્નોત્તરીની અભિવ્યક્તિ પદ્યવાર્તાને કાવ્યત્વ અર્પે તેવી છે.
“પ્રશ્ન સોળ પૂછું તને
ઉત્તર આપ તમામ,
ખોલી દઉં સરિયામ
દિવ્યલોકના દ્વાર ને.”(પૃ. ૪૫)
“કોણ સમાયું શ્વાસમાં
કોણ નેત્રનું નૂર?
કૌન મૌત સે દૂર
કિહાં સમાઇ શાશ્વતિ?”

અહીં પ્રતિહારની પ્રશ્નો પૂછવાની અને તુડીલ રાજાની જવાબ આપવાની રીતિ કથાની અભિવ્યક્તિ માટે અસરકારક પૂરવાર થતી જણાય છે. કથાના આ દોરમાં અગિયાર ગીત કવિએ મૂક્યાં છે. આટલું લાંબું ગાન પદ્યવાર્તાના પ્રત્યક્ષ બેઠેલા શ્રોતાઓ માટે રસભંગ કરનારું ગણી શકાય તેવું છે. કવિની પોતાની ગીત પરત્વેની વધારે પડતી લાગણી તેમની મર્યાદા બનતી જણાય છે.

અંતે રાજા-રાણીના મિલન દ્વારા પદ્યવાર્તાનો શુભ અંત આણ્યો છે. પદ્યવાર્તાના સ્વરૂપને અનુરૂપ પદ્યવાર્તાના અંતે આવતી ફલશ્રુતિ પણ અંતમાં મૂકી છે.
“બેં હજાર બેંતાળસે
ચૈત્રી બીજનો ચાપ,
કૃષ્ણપક્ષને વ્યાપ
વિસ્તારી પુંરું કરું.”

અહીં મધ્યકાળની પદ્યવાર્તામાં આવતી રચનાસાલ કાવ્યના અંતે દર્શાવી પદ્યવાર્તાના સ્વરૂપનો મહિમા દાખવ્યો છે. ફલશ્રુતિમાં પદ્યવાર્તાની અંતિમ પંક્તિમાં કહે છે.
“થોડામાં ઝાઝુ ગુટી
બહુજન લેજો બોધ,
મા કરશો ખણખોદ
ફોક ન ગણજો સાંભળ્યું.”

અહીં પદ્યવાર્તા સાંભળવાથી થનાર લાભ કવિએ સૂચવી મધ્યકાલીન સ્વરૂપના આ મહત્વના લક્ષણને પણ કવિએ કાવ્યમાં વણી લીધું છે.

આમ, મધ્યકાલીન સ્વરૂપને અનુઆધુનિકતાનો વળ ચડાવી વિનોદ જોશીએ વિષય, ભાષા અને અભિવ્યક્તિની દ્રષ્ટિએ નવી-જૂની રીતિ-પદ્ધતિઓનું અનોખું મિશ્રણ ‘તુણ્ડિલ-તુણ્ડિકા’ પદ્યવાર્તામાં કર્યાનું જણાય છે. આમ, વિનોદ જોશી જેવા અનુઆધુનિક સર્જકો પરંપરા અને પ્રાયોગશીલતાનો આગવો આવિષ્કાર કરી ગુજરાતી સાહિત્યમાં નવો યુગવિધાયક વળાંક લાવવામાં સફળ સાબિત થયા છે.

સંદર્ભ ગ્રંથ-

  1. ‘તુણ્ડિલ-તુણ્ડિકા’ (લે.-વિનોદ જોશી, પ્ર. આ. ૧૯૮૭)
  2. સત્તર સાહિત્યસ્વરૂપો (લે.- પ્રસાદ બ્રહ્મભટ્ટ,પ્ર. આ. ૨૦૦૬)
  3. અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ (લે. પ્રસાદ બ્રહ્મભટ્ટ,પ્ર. આ.૨૦૧૦)
  4. આધુનિકોત્તર કવિતા (લે.-અજયસિંહ ચૌહાણ, પ્ર. આ.૨૦૧૩)

અરવિંદકુમાર ડી.ઠાકોર, મુલાકાતી વ્યાખાતા, કે.સી.શેઠ આર્ટ્સ કૉલેજ વીરપુર મો. નં . ૯૬૮૭૯૧૧૪૨૦ Email-arvindthakor420@gmail.com