Download this page in

લઘુ-શંકા

રાત ઝાઝી બાકી નહોતી. તમરાના સતત આવતાં તમતમ તમતમ્ અવાજમાં ઝાંઝરનો આભાસ થતાં એ શેરીની અંદર વંકાયેલી પથ્થરની દિવલમાંથી સચેત નજરે પંચાયતની ટ્યુબલાઈટના પ્રકાશમાં ઉભીઉભી હસતી બંધ ખડકી તરફ જોઈ લેતો. શેરીમાં આંટાફેરા કરતાં કૂતરાં અંધારામાં ઓગળી ગયેલા કરણના અસ્તિત્વને પારખી લઈને નજીક આવતાં ત્યારે કરણ હાથ લાંબો કરીને હવામાં વીંઝતો ને કૂતરાં નાસી જતાં. ચંદ્ર ક્યારનોય ઊભેલાં ખોરડાની પેલે પાર ઊતરી ગયો હતો. તારલિયાના ટોળા જાણે શણગાર સજી, માથે ગરબો મૂકી ચોકમાં ઉતરેલી નવયૌવનાઓ માફક રંગમંચ પર ઉતરી આવ્યાં હતાં. દૂરદૂરથી સંભળાતી શિયાળની લાળી કરણની છાતીમાં ભયનો ભરડો લેતી હતી. અડધી રાતનો સમય આપ્યો હતો પણ એનું આગમન હજુ પ્રતીક્ષામાં આળોટતુ હતું. ખડકીની પેલે પાર અંધકારના પડદામાં ઘણું-ઘણું દટાયેલું હતું.... કરણની છાતીમાં ઊગી નીકળેલા સપનાઓની કૂંપળો ત્યાં જ ફૂટી હતી. પહેલવહેલા પાંદડાની લીલાશ મમતાની આંખોમાં પણ ઉઘડી હતી !
સામસામેની શેરીમાં તહેવારોના સમયે આસપાસના ઘરોમાંથી પુરુષો સિવાય સૌ નીકળી આવતું અને ટોળાં વળતાં. એ ટોળામાં વાતોના સેલારા સાથે છીંકણીના ચપટા ભરાતા હોય. સામસામેના ટોળાં એકબીજાની વાતોના કસ ખેંચતા હોય. કોઈ અલ્લડ છોકરી તરફ છોકરાની નજરોના નિશાન લગાવાતા હોય !
સામસામેની શેરીમાં જ રહેતા હતા છતાં ગામની પ્રાથમિક શાળામાં ભણતા હતા ત્યારે કેટલા ઝઘડા થતાં ! આંગળી તો એની પણ ઊંચી જ હોય છતાં માસ્તરજી મમતા પર નજર થંભાવી એમને જ ઉત્તરો પૂછતા અને હંમેશા કરણના નસીબનો સઘળો શ્રેય મમતા આંચકી જતી. ઘરે જતાં મમતા ખાબોચિયા નજીક પહોંચે અને આગળ લાગ જોઈને ઉભેલો કરણ પથ્થર ફેંકી નસીબથી શ્રેયને છીનવી જનારી મમતુડીના કપડાં કાદવથી બગાડી ચાલવા માંડતો. મમતા પણ રોષ સાથે જોઈ રહેતી પણ કંઈ બોલતી નહીં. અને પછી તો દસમુ ધોરણ ... બારમું ધોરણ.... બસમાં અપડાઉન કરી કૉલેજ જવાનું શરુ થયું. સ્વભાવ વ્યવહારુ બન્યો અને બંને વચ્ચે નોટબુક, પુસ્તકો , અસાઈનમેન્ટ વગેરેની લેવડદેવડ થવા માંડી. એકબીજાના ઘરે જવાનું સહજ બન્યું. વડીલોને પણ ખાસ ખૂંચ્યું નહિ - હોય , છોકરાવને કાંઈક કામ હોય, એમાં ...... અને સપનાના બીજને ખાતર-પાણી મળવા માંડ્યું. અને આખરે કરણની છાતીમાં લાલ ચટ્ટાક સપનું ઊગ્યું. અરે, ઊગ્યું જ નહીં, ફૂલ્યું-ફાલ્યું અને મસમોટું વૃક્ષ થઈ ગયું...
રમેશ પારેખનું ગીત શાળામાં બહુ ગવાતું. મમતા તો હોંશેહોંશે ગાતી. પણ ત્યારે નહોતું સમજાતું એ બધું આજે સમજાતું થઈ ગયું અને ફળિયાની એકલતાનો લાભ લઈ એ મોટેમોટેથી ગાવા માંડતી :
"ગોરમાને પાંચે આંગળીએ પૂજયાં
કે નાગલા ઓછા પડ્યાં રે લોલ !"
ગાતાગાતા ખાખી વર્દીમાં અમદાવાદમાં હરતો-ફરતો કરણ દેખાતો. મનમાં થતું કે વાર્તા લખી નાખું આ જિંદગી ઉપર ! વળી પાછો વિચાર પડતો મૂકી પત્ર લખવા બેસી જાય :
વહાલા !
હા વહાલા, તને કેમ હું સાંભરતી નથી ? તું તો રોજ મારા ટોડલે આવીને ટહુકા કરી જાય છે ! કોઈ આંબેથી કોયલ વળી સાદ આપે અને સ્ટેશનથી ઉપડી જતી બસ પાછળ તું દોડતો દેખાય... ક્યારે આવીશ ? આ વખતે મારા માટે મોબાઈલ લેતો આવજે. પછી આ લેટરના ફજેતા જ નહીં. તબિયત તો સારી છે ને ? જમવામાં ધ્યાન રાખજે. હું હમણાં બીમાર પડી ગઈ હતી. તાવ આવ્યો હતો. રાતે પૂરી ઊંઘ આવે નહિ ને અડધી ઊંઘમાં તું હાથમાં દંડો લઈને આવી ચડે ! હું જેવી તને પકડવા જાઉં કે ઉંબરાની ઠેસ આવે અને પડી જાઉં ! આંખના પોપચાં ખૂલી જાય ! તેં ઘરે વાત કરી ને ? કોણ આવશે ? શરમ લાગે છે તો પણ પૂછી લઉં છું - માંગુ લઈને ? તને ખબર છે, અહીં મારાં કેટલા માગા આવે છે ? મેં તો ચોખ્ખી ના જ પાડી છે કે મારે હમણાં સગાઈ નથી કરવી, પણ મારું તો પપ્પા કેટલા દિવસ સાંભળશે ! તું વહેલો આવી જા. ધ્યાન રાખજે તારું. આવજે. લવ યુ !
તારી વહાલી.
પોસ્ટકવર માટે ફાઇલના કાગળ ફેંદયા પણ ખાલ્લાસ ! એક પણ નહીં! એવામાં ધડાકાભેર ખડકી ખૂલી ગઈ.
"મમતુડી, અલી ક્યાં ભરાઈ ગઈ?"
મમતાના મોટા બાપાની જીજ્ઞાસા ઉર્ફે જીગુ. મમતાએ ઘરમાંથી બહાર નીકળતા પત્રને આંગળીઓ વચ્ચે દબાવી છાતીમાં ઊગેલા સપનાની સોડયમાં ગોઠવી દીધો ! ઉંબર પર એક પગ રાખી બારણું પકડતાં બોલી,
"મરી ગઈ ! દેખાતી નથ્ય ? આ રઈ."
"તે ઘરમાં ને ઘરમાં શું ભરાઈ મરે સ. બાર્ય નીકળતાં કાંઈ ગઠોડા વળે સ !"
"સું કામ ? બાર્ય કાંઈ રાજકુમારોની ફોજુ નીકળી?"
લટકો કરતા જીગુએ પાસે આવી મમતાને ખેંચીને ખાટલા પર બેસાડી અને એકદમ કાન પાસે હોઠ બબડયા,
"હા, રાજકુમારી , મને બધી ખબર સે ! તને એમ કે કોઈને કાંઈ ખબર જ નો પડે એમ ?"
"સું ખબર સે ?" લજ્જાભર્યા મરડાતા હોઠ પર કરડાકી મૂકી મમતાએ પૂછ્યું. જીગુએ વાત માંડી.
"તારા જીજુ અમદાવાદ ગ્યા'તાં. એનાં ભાઈબંધ હાર્યે બેઠાં'તાં ત્યારે કાંઈક સમાચાર આપવાનું કીધું."
"કોને ? કોણ ભાઈબંધ ?"
"અમારું કોણે ગોઠવ્યું'તું ?"
જીગુનો પ્રતિપ્રશ્ન મમતાના ચહેરા પર હાસ્ય લઈ આવ્યો . જીગુ મોબાઈલમાં નંબર ટાઈપ કરતાં ઘરમાં ગઈ અને બોલી,
"આ લે, તને કાંઈક કે'વું સે એને."
ઉંબરની અંદર પગ મગ મૂકતાં મમતાનો સહજ પ્રશ્ન ઉછળ્યો : "કોને?"
અને હાથ મોબાઈલ સુધી પહોંચ્યો. અંદરથી મોરલો ટહૂક્યો. એનાં ટૌકા મમતાના ચહેરા પર વરસતા ઘનઘોર માફક ફરી વળ્યાં. બધું વરસાદી-વરસાદી જેવું - વીજળીના ચમકારા ને ઊંડેથી પડઘાતા મેઘના ગરજાટ - ચારેબાજુ ફરી વળ્યું. પછી તો એક પછી એક રંગના ફૂવારા ઊડ્યાં. એકસામટા ઢોળાયેલા રંગોમાં કાળાશ તરી આવી અને મમતાની ભીતર ઊંડે ને ઊંડે ઉતરતી ગઈ. એ જ ભીતરી દીવાલોના ખૂણેથી સપનાઓ ઊગ્યાં. અરે, ઊગ્યાં જ નહીં......
બીજી બપોરે.....
"જીગલી, છાપું લાવને, ક્યારની ય ગોતું સું."
"આ લે, હું તો આ ફોટાવાળું પત્તુ જોવું."
પૂર્તિ પાસે રાખી જીગુએ છાપું આપ્યું. મમતાની નજર ઘટનાઓરૂપી ખેંચાયેલાં કાળા અક્ષરો પર ફરવા માંડી..... સરકાર ઘેરાવમાં...રાજ્યમાં ગુણખોરીના પગલે પોલીસતંત્ર એલર્ટ... પાનું ફર્યું. શહેરમાં ગંદકીના ગોદામો... પોલીસની તાનશાહી... સ્વચ્છતાનું એક પગલું... શહેરમાં ત્રણ આત્મહત્યાના બનાવ... ફરાર ગુનેગારની ધરપકડ... દહેજ માંગતો સસરો જેલહવાલે...અન્ય બનાવમાં આત્મહત્યા કરનાર યુવતીનું એકરારનામું... મમતાની આંખો અટકી, અને નાના અક્ષરો પર ફરવા માંડી : મળેલા પત્રને આધારે ગુનેગારને પકડી પાડવામાં આવશે. આત્મહત્યાનું કારણ યુવતીના પ્રેમીનો અન્ય યુવતી સાથેનો પ્રેમસબંધ. પ્રાથમિક તપાસ દરમિયાન પત્ર દ્વારા જાણવા મળ્યું છે કે યુવકના અન્ય સબંધ વિશે તેણીને જાણવા મળ્યા બાદ આ ઘાતક પગલું ભર્યું છે.
"શેરમાં આવું બોવ બને !"
"કેવું ? સું બન્યું ?"
"સોકરી મરી ગઈ. એને ખબર પડી ગઈ'તી કે એનાં પ્રેમીને બીજી કોઈક હાર્યે ..... સે."
"હોય. આપડેય ક્યાં ઓછું હોય ! " જીગુએ મજાક કરતાં આગળ કહ્યું, "તું ધ્યાન રાખજે. એક તો અમદાવાદ ને ઉપર્યથી પોલીસની નોકરી. આદમીજાતના ભરોસા નય. સોકરા ઉઘાડપગા જ હોય !"
થોડીવાર છાપામાં મોઢું રાખી મમતા ગુમસુમ બેસી રહી, એની આંખોમાં પાનખરનો વાયરો ઊડયો. પીળાશ ઘેરવા માંડી. છાપું હડસેલતાં બોલી,
"બધાં ય આદમી આવા જ હોય ?"
"હોય... ઘણાં ય હોય. એને તો ભૂખ લાગે ત્યારે ગમે ત્યારે મોઢું મારે એવાં હરાયા ઢોર જેવું. ટીલું તો આપડે રય જાય ને !"
વાયરો તો એવો વાયો કે સપનાના લીલાંછમ્મ પાંદડાંને જાણે ભરખવાં જ વાતો હોય. છત્રીને કાગડો થતી બચાવવા જેમ પ્રયાસો થાય એમ જ મમતા સપનાને સાચવી-સંભાળી રહી. સપનું પણ ઝીણવટથી જોતું-તપાસતું પાનખરના વાયરા સામે આંખો બતાવવા માંડ્યું.
શેરીના નાકે ટોળું વળ્યું છે. સ્ત્રીઓ એકબીજાના કાનમાં ઝીણુંઝીણું ગણગણી રહી છે. કેટલાક વડીલો કરણના ઘરની બહાર ઊભાં છે. કરણના પપ્પા એ સૌને આવકાર આપી ખડકીની અંદર લઈ જાય છે. કોઈ ઝગડો થયો હોય અને લોક મફતનું મનોરંજન માણવા એકઠું થઈ જાય એમ ટોળાં રસ્તા ઉપર દૂર સુધી આંખો પાથરીને ઊભાં છે. મમતાને ખબર નથી કે બન્યું શું. એવામાં જીગલીએ ચોટલો ખેંચ્યો અને છાપું હાથમાં મૂક્યું,
" લે મમતુડી, જો તારા પરમેશ્વરના પરાક્રમ !"
"સું સે?"
જીગુએ છાપાના કાગળ ફેંદ્યા અને લગ્નનોંધણીના સચિત્ર પાનામાં મમતાનું રડતું સપનું બતાવ્યું !
"પયણી ગ્યો જો ! હું નો'તી કે'તી કે આદમી જાય્ત ઉપર્ય ભરોસો નઈં."
છાપાનો કાગળ હાથમાં લઈ લજાતી, અડધી રડતી અને હીબકાં ભીતર શમાવતી મમતા ખડકીમાં પ્રવેશવા ગઈ કે તરત ખડકીનું બંધ બારણું માથા સાથે અથડાયું ! હાથ પલંગ પાસેની દીવાલ સાથે અને આંખ અંધારાને તાકી રહી.... હાશ... સપનું !
ત્રીજી બપોર...
જીગુ વાસણ માંજતી હતી. બધાં દરરોજની જેમ આજે પણ વાડીએ ગયેલા હતાં. ધડામ કરતી ખડકી ખોલી , જીગુનો હાથ ઝાલી રીતસરની ઘરમાં તગેડતાં ગુસ્સાથી મમતા બોલી,
"મારા જીજુને ફોન કર્ય અને નંબર લે એના ભાઈબંધનો."
જીગુ તો ડઘાઈ જ ગઈ. કોઈ દિવસ મમતા ફોન કરવાનું કહેતી નહિ. આજે શું થયું હશે ? આને આટલો ગુસ્સો પણ આજે જ ! નંબર મેળવી કરણને ફોન કર્યો,
"હું બોલું છું... કાલની રજા લઈને આવી જા. મારે કાંઈ જ સાંભળવું નથી. પછી બધી વાત કરીશું... હા...પણ મોડું ન થાય હોં !"
નાસી જતાં સપનાનો કાન પકડી ઉઠબેસ કરાવતી મમતાએ બીજા દિવસે કરણ પાસે સીધો જ પ્રસ્તાવ મૂક્યો. વડીલોની રાહ નથી જોવી. છાપાંનાં લગ્નનોંધણીના રંગીન પાનાંમાં રંગીન ફોટો મુકાવવો છે...સજોડે ! કરણે એક પછી એક ઘણી સમસ્યાઓ ગણાવી, તો મમતાએ દરેકના ઉકેલો વ્યવહારિક બુદ્ધિથી સમજાવી દીધાં.
સવાર પડવાને વધારે વાર નહોતી. ત્રણેક વાગી ગયાં હતાં. ચાર વાગ્યે તો રામમંદિરના પૂજારી જાગી જઈને હનુમાન ચાલીસાની કેસેટ ચડાવી દે છે... પછી ઘરેથી નીકળવું કઠિન પડે ! મમતાએ પણ બધી તૈયારીઓ કરી લીધી હતી. પોતાના ડોક્યુમેન્ટસ, ત્રણેક જોડી કપડાં અને બેગ. વહેલા પાંચ વાગ્યે ગામમાંથી બસ જાય છે. મિત્ર આગળના ગામ સુધી બાઈક પર છોડી જવાનો હતો. ત્યાંથી ચહેરા પર દુપટ્ટો બાંધી શહેર સુધી મમતાએ પોતાનો ચહેરો છુપાવવાનો હતો. આ બધી વાત અત્યારે શા માટે કરવી ? હજુ મમતા તો ખડકી બહાર નીકળી નથી. કરણને થતું હતું કે એને એક ફોન આપ્યો હોત તો આ રાત ભૂંડા ભવાયાની જેમ કાઢવી ન પડત.
ખડકીના ભેજીલા લાકડાના તરા...ડ કરતાં અવાજે કરણને તંદ્રામાંથી બહાર ખેંચ્યો. આંખો ઝીણી કરી ખડકીની બહાર આવતા અસ્તિત્વને પારખવા માટે એ સજ્જ બન્યો. દુપટ્ટાના ઊડતાં છેડાથી જ ખ્યાલ આવી ગયો અને કોઈ અગોચર પ્રદેશમાં ખોવાયા બાદ પાંચ કલાકની શોધખોળના અંતે મિત્ર મળી આવે એટલી ખુશીથી નીરવ પગલે દોડવા એ તૈયાર થયો, ત્યાં જ જીવતી શેરીની આંખો ખુલ્લી છે કે બંધ એ તપાસી ધીમા પગલે ચાલ્યો. ધીમેથી હાથ પકડી એને તપાસતા બોલ્યો,
" અરે, આમ સાવ ખાલી ! સમાન ક્યાં ?"
મમતાએ દીવાલો અને શેરીના ઓટલા સાંભળી ન શકે એમ ધીરેથી કહ્યું, " આ શેરીએ ઘણી જાનુંના પગલાં, નાચગાન અને ઉત્સવ જેવા માહોલ જોયાં છે."
"પણ તું મુદ્દાની વાત કરને અત્યારે !એક તો સવાર થવા આવી છે !"
"હા... મુદ્દાની વાત. પાછું એક સપનું ઊગ્યું. હમણાં એમાંથી જ જાગીને આવી છું. એકલા એકલા ઘરેથી નીકળવાનું ગમતું નથી. હાથ પીળા કરવા છે. મીંઢળ બાંધવાની અબળખા જાગી છે. પપ્પા તારી શેરી સુધી મૂકી જશે. દૂર ક્યાં જવું છે ! જા, તું સુઈ જા ! નિરાંતે હોં ! હવે ચિંતા નહિ કરતો."
અવાચક કરણને બહાર મૂકી મમતાનો પડછાયો ખડકીમાં વિલીન થયો ને ખડકી ધીમેથી બંધ થઈ. રસ્તાની પેલી બાજુ પોતાની શેરીમાં જવા ડગ માંડ્યા ત્યાં જ પૂજારી ધોતીનો છેડો કમરે ખોસતાં નજીક આવી રહ્યા અને બોલ્યા,
"અત્યારમાં ?"
"લઘુશંકા !"
ટચલી આંગળીના દાવે કરણે શેરી વટાવીને ખડકી ખોલી.

અશોક ઢાપા "ઝાંઝમેરી", ઝાંઝમેર, તળાજા, ભાવનગર.364135. 974154171